સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

શું તમે મહાન કુંભારના હાથે પોતાને ઘડાવા દો છો?

શું તમે મહાન કુંભારના હાથે પોતાને ઘડાવા દો છો?

“જુઓ, કુંભારના હાથમાં જેવો ગારો છે, તેવા તમે મારા હાથમાં છો.”—યિર્મે. ૧૮:૬.

ગીતો: ૨૩, ૨૨

૧, ૨. ઈશ્વરે દાનીયેલને શા માટે “અતિ પ્રિય માણસ” કહ્યા અને આપણે કઈ રીતે દાનીયેલની જેમ આધીન રહી શકીએ?

યહુદીઓને બાબેલોન લઈ જવામાં આવ્યા ત્યારે, તેઓએ જોયું કે એ શહેર મૂર્તિઓથી ભરેલું હતું અને લોકો દુષ્ટ દૂતોની ભક્તિ કરતા હતા. તેમ છતાં, વફાદાર યહુદીઓ જેમ કે દાનીયેલ અને તેમના ત્રણ મિત્રોએ બાબેલોનના લોકોના હાથે ઘડાવાનો નકાર કર્યો. (દાની. ૧:૬, ૮, ૧૨; ૩:૧૬-૧૮) દાનીયેલ અને તેમના ત્રણ મિત્રોએ યહોવાને પોતાના કુંભાર માન્યા અને ફક્ત તેમની જ ભક્તિ કરતા રહ્યા. દાનીયેલે મોટા ભાગનું જીવન ખરાબ માહોલમાં વિતાવ્યું હતું. છતાં, ઈશ્વરના દૂતે કહ્યું કે દાનીયેલ “અતિ પ્રિય માણસ” છે.—દાની. ૧૦:૧૧, ૧૯.

બાઇબલ સમયમાં, માટીને આકાર આપવા કુંભાર અમુક વાર એને બીબામાં દાબતા હતાં. આજે, સાચા ભક્તો જાણે છે કે યહોવા વિશ્વના માલિક છે અને એટલે તેમને રાષ્ટ્રોને ઘડવાનો અધિકાર છે. (યિર્મેયા ૧૮:૬ વાંચો.) આપણને દરેકને ઘડવાનો પણ ઈશ્વરને અધિકાર છે. જોકે, આપણે પોતાનામાં ફેરફાર કરીએ એ માટે યહોવા દબાણ કરતા નથી. એને બદલે, તે ચાહે છે કે આપણે ખુશીથી તેમના હાથે ઘડાઈએ. આ લેખમાં આપણે આ ત્રણ સવાલોની ચર્ચા કરીશું: (૧) આપણે કેવું વલણ ટાળવું જોઈએ, જેથી આપણે કઠણ માટી ન બની જઈએ અને ઈશ્વરની સલાહને નકારી ન દઈએ? (૨) આધીન રહેવા અને નરમ માટી બની રહેવા મદદ મળે માટે આપણે કેવા ગુણો વિકસાવવા જોઈએ? (૩) બાળકોને ઘડતી વખતે માતાપિતા કઈ રીતે ઈશ્વરની આજ્ઞા પાળી શકે?

હૃદયને જડ કરતા વલણથી દૂર રહીએ

૩. કેવું વલણ આપણાં હૃદયને જડ બનાવી શકે? દાખલો આપો.

નીતિવચનો ૪:૨૩ જણાવે છે: “પૂર્ણ ખંતથી તારા હૃદયની સંભાળ રાખ; કેમ કે તેમાંથી જ જીવનનો ઉદ્ભવ છે.” આપણું હૃદય જડ ન બની જાય એ માટે આપણે ખોટાં વલણથી દૂર રહેવું જોઈએ. જેમ કે, ઘમંડ, શ્રદ્ધાની ખામી અને પાપ કરતા રહેવાનું વલણ. જો આપણે કાળજી નહિ રાખીએ, તો યહોવાનું કહ્યું નહિ કરીએ અને તેમની વિરુદ્ધ બળવો કરી બેસીશું. (દાની. ૫:૧, ૨૦; હિબ્રૂ ૩:૧૩, ૧૮, ૧૯) એવું જ યહુદાના રાજા ઉઝ્ઝિયાના કિસ્સામાં બન્યું હતું. (૨ કાળવૃત્તાંત ૨૬:૩-૫, ૧૬-૨૧ વાંચો.) શરૂઆતમાં, ઉઝ્ઝિયા ઈશ્વરને આધીન રહ્યા અને તેમની સાથે સારો સંબંધ કેળવ્યો. તેથી, ઈશ્વરે તેમને શક્તિશાળી બનાવ્યા. પણ જ્યારે ‘તે બળવાન થયા, ત્યારે તેમનું હૃદય ઘમંડી બન્યું.’ તે એટલા ઘમંડી બની ગયા કે મંદિરમાં ધૂપ ચઢાવવાની કોશિશ કરી, જે કામ ફક્ત યાજકો કરી શકતા હતા. જ્યારે યાજકોએ તેમને જણાવ્યું કે તે ખોટું કરી રહ્યા છે, ત્યારે ઉઝ્ઝિયા ખૂબ ગુસ્સે ભરાયા. યહોવાએ એ રાજાનું ઘમંડ ઉતાર્યું. તેમના ખોટા કામને લીધે તેમને કોઢ ફૂટી નીકળ્યો અને જીવનપર્યંત તે કોઢી રહ્યા.—નીતિ. ૧૬:૧૮.

૪, ૫. જો આપણે ઘમંડી બનીશું, તો શું થશે? દાખલો આપો.

જો આપણે ઘમંડી બનીશું, તો પોતાને બીજાઓ કરતાં ચઢિયાતા ગણવા લાગીશું અને બાઇબલમાં આપેલી સલાહને કદાચ નકારી બેસીશું. (રોમ. ૧૨:૩; નીતિ. ૨૯:૧) એવું જ કંઈક ભાઈ જીમ સાથે બન્યું હતું, જે એક વડીલ હતા. કોઈ એક કિસ્સાને લઈને ભાઈ બીજા વડીલો સાથે સહમત ન હતા. જીમ કહે છે: ‘મેં ભાઈઓને જણાવ્યું કે તેઓ પ્રેમાળ નથી અને પછી હું વડીલોની સભા છોડીને જતો રહ્યો.’ છ મહિના પછી તે નજીકના બીજા એક મંડળમાં જોડાયા, પણ ત્યાં તેમને વડીલ તરીકે નિયુક્ત કરવામાં ન આવ્યા. તેથી, જીમ ખૂબ નિરાશ થઈ ગયા. તેમને લાગતું કે તે પોતે જ ખરા છે. એ લાગણી એટલી પ્રબળ બની ગઈ કે, તેમણે યહોવાની ભક્તિ કરવાનું બંધ કરી દીધું અને દસ વર્ષ સુધી ભક્તિમાં ઠંડા પડી ગયા. ભાઈ હવે જણાવે છે કે, તે ઘમંડી બની ગયા હતા અને જે બન્યું એ માટે યહોવાને દોષ આપવા લાગ્યા હતા. વર્ષો સુધી, ભાઈઓએ તેમની મુલાકાત લીધી અને મદદ કરવાની કોશિશ કરી, પણ જીમે મદદ સ્વીકારી નહિ.

જીમ કહે છે: ‘બીજાઓ કેટલા ખોટા છે એ જ વાત પર મારું ધ્યાન લાગેલું રહેતું.’ જીમના દાખલામાંથી જોવા મળે છે કે, ઘમંડી બનવાથી વ્યક્તિ પોતાના ખોટા વર્તનને કબૂલ નહિ કરે અને પોતાને સાચી સાબિત કરવાનો પ્રયત્ન કરશે. એમ બને છે ત્યારે, આપણે નરમ માટી જેવા રહેતા નથી. (યિર્મે. ૧૭:૯) શું તમને ક્યારેય કોઈ ભાઈ કે બહેનથી માઠું લાગ્યું છે? કોઈ લહાવો ગુમાવવાથી શું તમે ક્યારેય દુઃખી થયા છો? એ સમયે તમે કેવું વલણ બતાવ્યું હતું? શું તમે ઘમંડી બની ગયા હતા? કે પછી તમને અહેસાસ હતો કે, ભાઈ સાથે સુલેહ કરવી અને યહોવાને વફાદારી બતાવવી વધારે મહત્ત્વનું છે?—ગીતશાસ્ત્ર ૧૧૯:૧૬૫; કોલોસી ૩:૧૩ વાંચો.

૬. જો આપણે પાપ કરતા રહીશું, તો શું થશે?

કોઈ વ્યક્તિ પાપ કરતો રહે અને એને છુપાવતો રહે તો, બાઇબલની સલાહ સ્વીકારવી તેને માટે અઘરું બની શકે છે. એવી વ્યક્તિ માટે પાપ કરવું વધારે સહેલું બની જાય છે. એક ભાઈએ જણાવ્યું કે, પાપ કરતા રહેવાને લીધે સમય જતાં ખોટાં કાર્યો કરવામાં તેમનું દિલ ડંખતું નહિ. (સભા. ૮:૧૧) બીજા એક ભાઈને પોર્નોગ્રાફી જોવાની આદત હતી. તેમણે પછીથી જણાવ્યું: ‘વડીલો વિરુદ્ધ ફરિયાદ કરવાનું વલણ મારામાં આવી ગયું હતું.’ પોર્નોગ્રાફી જોવાની આદતને લીધે યહોવા સાથેનો તેમનો સંબંધ નબળો પડી ગયો હતો. પરંતુ બીજાઓએ એ વિશે જાણ્યું ત્યારે, વડીલો દ્વારા એ ભાઈને મદદ આપવામાં આવી. એ ખરું છે કે, આપણે બધા અપૂર્ણ છીએ. પરંતુ, જો આપણે ફરિયાદો કરીશું અથવા ખોટા કામ માટે ઈશ્વર પાસે મદદ અને માફી માંગવાને બદલે બહાનાં કાઢીશું, તો આપણું હૃદય કદાચ જડ બની જશે.

૭, ૮. (ક) શાના પરથી દેખાઈ આવે છે કે, પ્રાચીન ઈસ્રાએલીઓએ પોતાનાં હૃદયો જડ કરી દીધાં હતાં? (ખ) એમાંથી આપણને શું શીખવા મળે છે?

યહોવાએ ઈસ્રાએલીઓને ઇજિપ્તમાંથી છોડાવવા જે અદ્ભુત ચમત્કારો કર્યા હતા, એ તેઓએ જોયા હતા. છતાં, વચનના દેશની નજીક પહોંચ્યા ત્યારે, તેઓનાં હૃદય જડ થઈ ગયાં હતાં. શા માટે? તેઓને ઈશ્વરમાં શ્રદ્ધા ન હતી. યહોવા પર ભરોસો મૂકવાને બદલે તેઓ ગભરાઈ ગયા અને મુસા વિરુદ્ધ કચકચ કરવા લાગ્યા. અરે, તેઓ પાછા ઇજિપ્તમાં જવા માંગતા હતા, જ્યાં તેઓ અગાઉ ગુલામ હતા. એ જોઈને યહોવાને ઘણું દુઃખ લાગ્યું અને તેમણે કહ્યું: “આ લોક મને ક્યાં સુધી તુચ્છકારશે?” (ગણ. ૧૪: ૧-૪, ૧૧; ગીત. ૭૮:૪૦, ૪૧) પોતાના હૃદયને જડ કરવાને લીધે અને શ્રદ્ધાની ખામીને લીધે એ ઈસ્રાએલીઓ અરણ્યમાં જ મરણ પામ્યા.

આજે, આપણે નવી દુનિયાની ખૂબ નજીક છીએ અને આપણી શ્રદ્ધાની કસોટી થઈ રહી છે. તેથી, આપણે પોતાની શ્રદ્ધાની પરખ કરવી જોઈએ. આપણી શ્રદ્ધા મજબૂત છે કે નહિ એ કઈ રીતે જાણી શકીશું? એ માટે આપણે માથ્થી ૬:૩૩માંના ઈસુના શબ્દોની તપાસ કરી શકીએ. આપણે આવા સવાલો પર વિચાર કરી શકીએ: “શું મારા ધ્યેયો અને નિર્ણયો પરથી દેખાઈ આવે છે કે મને ઈસુના શબ્દો પર ભરોસો છે? વધુ પૈસા કમાવા શું હું સભા કે પ્રચારકામ જતું કરીશ? જો મારી નોકરી વધુ સમય અને શક્તિ ખાઈ જતી હોય, તો હું શું કરીશ? શું હું પોતાને દુનિયાના હાથે ઘડાવા દઈશ? શું હું યહોવાની ભક્તિ બાજુએ મૂકી દઈશ?”

૯. આપણામાં વિશ્વાસ છે કે નહિ એની “પરીક્ષા” આપણે શા માટે કરવી જોઈએ અને એ કઈ રીતે કરી શકીએ?

ખરાબ સંગત, મનોરંજન કે બહિષ્કૃત વ્યક્તિઓ વિશે બાઇબલની સલાહ નહિ પાળીએ તો, આપણું દિલ જડ બની શકે છે. તમારી સાથે એવું બનવા લાગે તો શું કરવું જોઈએ? તમારે તરત જ પોતાના વિશ્વાસની પરખ કરવી જોઈએ. બાઇબલ કહે છે: “તમારામાં વિશ્વાસ છે કે નહિ, તેની પરીક્ષા તમે પોતે કરો; તમારી પોતાની પરીક્ષા કરો.” (૨ કોરીં. ૧૩:૫) પ્રમાણિક રીતે પોતાની તપાસ કરો અને પોતાના વિચારોમાં સુધારો કરવા નિયમિત રીતે બાઇબલનો ઉપયોગ કરો.

નરમ માટી બની રહીએ

૧૦. યહોવાના હાથમાં નરમ માટી જેવા બની રહેવા શું મદદ કરશે?

૧૦ નરમ માટી બની રહેવા યહોવાએ આપણને બાઇબલ, મંડળ અને પ્રચારકામ આપ્યું છે. દરરોજ બાઇબલ વાંચવાથી અને એના પર મનન કરવાથી આપણને યહોવાના હાથમાં નરમ માટી જેવા બનવા મદદ મળે છે. આમ, આપણે તેમના હાથે પોતાને ઘડાવા દઈએ છીએ. યહોવાએ ઈસ્રાએલના રાજાઓને આજ્ઞા આપી હતી કે, તેઓ ઈશ્વરના નિયમોની પોતાના હાથે નકલ બનાવે અને દરરોજ એને વાંચે. (પુન. ૧૭:૧૮, ૧૯) પ્રેરિતો જાણતા હતા કે પ્રચારકાર્ય માટે શાસ્ત્રવચનો વાંચવા અને એના પર મનન કરવા ખૂબ જરૂરી છે. તેઓએ પોતાના લખાણોમાં સેંકડો વખત હિબ્રૂ શાસ્ત્રવચનોનો ઉલ્લેખ કર્યો હતો. તેઓ પ્રચાર કરતા ત્યારે, લોકોને પણ શાસ્ત્રવચનનો ઉપયોગ કરવાનું ઉત્તેજન આપતા હતા. (પ્રે.કૃ. ૧૭:૧૧) એવી જ રીતે, આપણે પણ જાણીએ છીએ કે દરરોજ બાઇબલ વાંચવું અને એના પર મનન કરવું જરૂરી છે. (૧ તીમો. ૪:૧૫) એનાથી નમ્ર બનવા મદદ મળે છે અને યહોવા આપણને ઢાળી શકે છે.

નરમ માટી બની રહેવા યહોવાએ કરેલી ગોઠવણોની મદદ લો (ફકરા ૧૦-૧૩ જુઓ)

૧૧, ૧૨. આપણને ઘડવા યહોવા કઈ રીતે મંડળનો ઉપયોગ કરે છે?

૧૧ યહોવા જાણે છે કે આપણને દરેકને શાની જરૂર છે. આપણને ઘડવા તે મંડળનો ઉપયોગ કરે છે. અગાઉ આપણે જીમ વિશે જોઈ ગયા. એક વડીલે તેમના તરફ મદદનો હાથ લંબાવ્યો ત્યારે, તેમનું વલણ બદલાવા લાગ્યું. જીમ કહે છે: ‘મારા સંજોગો માટે તેમણે એક વાર પણ મારો વાંક કાઢ્યો નહિ કે મારી ટીકા કરી નહિ. એને બદલે, તેમણે ઉત્તેજન આપનારી વાતો કહી અને દિલથી મદદ કરવાની ઇચ્છા દર્શાવી.’ ત્રણ મહિના પછી, એ વડીલે જીમને સભામાં આવવાનું આમંત્રણ આપ્યું. જીમ કહે છે કે મંડળે તેમનો ઉષ્માભર્યો આવકાર કર્યો અને તેઓનો પ્રેમ જોઈને જીમને પોતાના વિચારોમાં ફેરફાર કરવા મદદ મળી. તે જોઈ શક્યા કે એવી બીજી બાબતો પણ છે, જે તેમની લાગણીઓ કરતાં વધારે મહત્ત્વની છે. મંડળના વડીલોએ અને જીમની પત્નીએ તેમને ઉત્તેજન આપ્યું અને સમય જતાં તે યહોવાની ભક્તિ તરફ પાછા વળ્યા. ફેબ્રુઆરી ૧, ૧૯૯૩ ચોકીબુરજના આ લેખોમાંથી પણ જીમને મદદ મળી હતી: “યહોવાહ દોષપાત્ર નથી” અને “વફાદારીથી યહોવાહની સેવા કરો.”

૧૨ સમય જતાં, જીમ ફરીથી વડીલ તરીકે નિયુક્ત થયા. વડીલ બન્યા પછી, તેમણે ઘણા ભાઈઓને એવી જ મુશ્કેલીઓ હલ કરવા અને તેઓની શ્રદ્ધા મજબૂત કરવા મદદ કરી છે. અગાઉ તેમને લાગતું કે યહોવા સાથે તેમને ગાઢ સંબંધ હતો, પણ ખરેખર એવું ન હતું. તે અફસોસ વ્યક્ત કરે છે કે તેમણે ઘમંડને કારણે મહત્ત્વની બાબતો કરતાં બીજાઓની ભૂલો તરફ વધારે ધ્યાન આપ્યું હતું.—૧ કોરીં. ૧૦:૧૨.

૧૩. પ્રચારકામથી કેવા ગુણો કેળવવા મદદ મળે છે અને એનાથી શું ફાયદો થાય છે?

૧૩ પ્રચારકામ પણ આપણને ઘડી શકે અને સારી વ્યક્તિ બનવા મદદ કરી શકે. કઈ રીતે? ખુશખબર ફેલાવતી વખતે આપણે નમ્રતા અને પવિત્ર શક્તિના બીજા ગુણો બતાવવા જ જોઈએ. (ગલા. ૫:૨૨, ૨૩) એવા ગુણોનો વિચાર કરો જે પ્રચારકામની મદદથી તમે કેળવી શક્યા છો. ઈસુનું અનુકરણ કરીએ છીએ ત્યારે, આપણો સંદેશો લોકોના હૃદયને સ્પર્શી જાય છે અને આપણા પ્રત્યેનું તેઓનું વલણ બદલાઈ જાય છે. દાખલા તરીકે, ઑસ્ટ્રેલિયામાં રહેતા બે સાક્ષીઓ ઘર-ઘરના પ્રચારમાં એક સ્ત્રીને મળ્યાં. પરંતુ તે સ્ત્રી ઘણી ગુસ્સે થઈ ગઈ અને સાક્ષીઓ સાથે ખરાબ રીતે વર્તી. જોકે, સાક્ષીઓએ તેના કડવા વેણ નમ્રતાથી સાંભળ્યા. પછીથી, તે સ્ત્રીને પોતાના વર્તન માટે અફસોસ થયો. તેણે શાખા કચેરીને એક પત્ર લખ્યો અને પોતાના ઘમંડી વલણ માટે માફી માંગી. તેણે જણાવ્યું: ‘હું કેટલી મૂર્ખ છું કે ઈશ્વરનો સંદેશો લઈને આવેલા બે સેવકોને મેં એટલી ખરાબ રીતે તગેડી મૂક્યા.’ એ અનુભવ પરથી શીખવા મળે છે કે, પ્રચારકામમાં નમ્ર રહેવાથી ઘણો ફાયદો થાય છે. હા, આપણા પ્રચારકામથી બીજાઓને મદદ મળે છે અને આપણો પોતાનો પણ સ્વભાવ સુધરે છે.

બાળકોને ઘડવા ઈશ્વરના માર્ગદર્શનની જરૂર છે

૧૪. બાળકોને અસરકારક રીતે ઘડવા, માતાપિતાએ શું કરવું જોઈએ?

૧૪ મોટા ભાગનાં નાનાં બાળકો નમ્ર અને શીખવા આતુર હોય છે. (માથ. ૧૮:૧-૪) તેથી, એ સારું રહેશે કે માતાપિતા, પોતાનાં બાળકો નાનાં હોય ત્યારથી જ તેઓને સત્ય શીખવા અને એને પ્રેમ કરવા મદદ કરે. (૨ તીમો. ૩:૧૪, ૧૫) એમાં સફળ થવા માતાપિતાએ પોતે સત્યને પ્રેમ કરવો જોઈએ અને બાઇબલની સલાહો પોતાના જીવનમાં લાગુ પાડવી જોઈએ. માતાપિતાને એવું કરતા જોશે ત્યારે, બાળકો માટે પણ સત્યને પ્રેમ કરવું સહેલું બનશે. ઉપરાંત, માતાપિતા તરફથી મળતી શિસ્તમાં બાળકોને સજા નહિ, પણ યહોવા અને માતાપિતાનો પ્રેમ દેખાશે.

૧૫, ૧૬. બાળકને બહિષ્કૃત કરવામાં આવે ત્યારે, માતાપિતાએ કઈ રીતે યહોવા પર ભરોસો બતાવવો જોઈએ?

૧૫ માતાપિતા પોતાનાં બાળકોને સત્ય શીખવે છે, તોપણ અમુક બાળકો યહોવાને છોડી દે છે અથવા બહિષ્કૃત થાય છે. એવું બને ત્યારે કુટુંબે ઘણું સહેવું પડે છે. દક્ષિણ આફ્રિકામાં રહેતાં એક બહેને જણાવ્યું: ‘મારા ભાઈને બહિષ્કૃત કરવામાં આવ્યો ત્યારે અમારા માટે તે જાણે મરી ગયો હતો. અમારું દિલ તૂટી ગયું હતું!’ એ સંજોગોમાં બહેને અને તેમનાં માતાપિતાએ શું કર્યું? તેઓએ બાઇબલના માર્ગદર્શન પ્રમાણે કર્યું. (૧ કોરીંથી ૫:૧૧, ૧૩ વાંચો.) બહેનનાં માતાપિતા જાણતાં હતાં કે, ઈશ્વરની સલાહ પાળવાથી બધાને ફાયદો થશે. બહિષ્કૃત કરવાને તેઓએ યહોવાની પ્રેમાળ શિસ્ત તરીકે જોઈ. તેથી, તેમણે પોતાના દીકરા સાથેના બધા સંબંધો તોડી નાખ્યા. કુટુંબના વ્યવસાયને લઈને તેની જરૂર પડતી ત્યારે જ તેઓ તેનો સંપર્ક કરતા.

૧૬ એનાથી દીકરાને કેવું લાગ્યું? પછીથી તેણે જણાવ્યું: ‘હું જાણતો હતો કે મારું કુટુંબ મને નફરત કરતું ન હતું, પણ યહોવા અને તેમના સંગઠનના માર્ગદર્શન પ્રમાણે કરી રહ્યું હતું. હું જોઈ શક્યો કે, યહોવા પાસે મદદ અને માફી માંગ્યા સિવાય બીજો કોઈ રસ્તો ન દેખાય, ત્યારે અહેસાસ થાય છે કે આપણને યહોવાની કેટલી જરૂર છે.’ એ યુવાન દીકરો યહોવા પાસે પાછો આવ્યો ત્યારે કુટુંબને કેટલો આનંદ થયો હશે! જો આપણે જીવનના દરેક પાસામાં ઈશ્વરના માર્ગદર્શન પ્રમાણે કરીશું, તો સૌથી સારાં પરિણામો મેળવીશું.—નીતિ. ૩:૫, ૬; ૨૮:૨૬.

૧૭. આપણે શા માટે યહોવાના માર્ગદર્શન પ્રમાણે કરવું જોઈએ અને એનાથી શું ફાયદો થશે?

૧૭ પ્રબોધક યશાયાએ ભાખ્યું હતું કે, બાબેલોનની બંદીમાં ગયેલા યહુદીઓ પસ્તાવો કરશે અને પોકારી ઊઠશે: ‘હે યહોવા, હવે તમે અમારા પિતા છો; અમે માટી, ને તમે અમારા કુંભાર છો, અમે સર્વ તમારા હાથની કૃતિ છીએ.’ તેઓ યહોવાને કાલાવાલા કરશે કે, ‘સર્વકાળ અમારાં પાપોનું સ્મરણ ન કરો; જુઓ, નજર કરીને જુઓ, અમે તમને વિનવીએ છીએ, અમે સર્વ તમારા લોક છીએ.’ (યશા. ૬૪:૮, ૯) જો આપણે નમ્ર રહીશું અને યહોવાના માર્ગદર્શન પ્રમાણે કરીશું, તો દાનીયેલની જેમ યહોવાને પ્રિય બનીશું. યહોવા આપણને બાઇબલ, પવિત્ર શક્તિ અને પોતાના સંગઠન દ્વારા ઘડતા રહેશે, જેથી ભાવિમાં આપણે તેમનાં સંપૂર્ણ “છોકરાં” બની શકીએ.—રોમ. ૮:૨૧.