સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

યહોવા “તમારી સંભાળ રાખે છે”

યહોવા “તમારી સંભાળ રાખે છે”

તમે શા માટે એવી ખાતરી રાખી શકો કે, યહોવા સાચે જ તમારી સંભાળ રાખે છે? એક કારણ એ છે કે, બાઇબલ એમ જણાવે છે. દાખલા તરીકે, પહેલો પીતર ૫:૭ કહે છે: “તમારી સર્વ ચિંતા તેના પર નાખો, કેમ કે તે તમારી સંભાળ રાખે છે.” પણ, યહોવા ઈશ્વર તમારી કાળજી રાખે છે, એનો તમારી પાસે શો પુરાવો છે?

ઈશ્વર લોકોની જરૂરિયાતો પૂરી પાડે છે

સારો દાખલો બેસાડનાર યહોવા દયાળુ અને ઉદાર છે

તમે તમારા મિત્રમાં જેવા ગુણોની અપેક્ષા રાખો છો, એવા બધા ગુણો ઈશ્વરમાં છે. જેઓ એકબીજા પ્રત્યે દયા અને ઉદારતા બતાવે છે, ઘણી વાર તેઓ ખાસ મિત્ર બને છે. આપણે જોઈ શકીએ છીએ કે, રોજબરોજના જીવનમાં યહોવા માણસો પ્રત્યે દયા અને ઉદારતા બતાવે છે. દાખલા તરીકે, “તે પોતાના સૂરજને ભૂંડા તથા ભલા પર ઉગાવે છે, ને ન્યાયી તથા અન્યાયી પર વરસાદ વરસાવે છે.” (માથ. ૫:૪૫) સૂરજ ઊગવાથી અને વરસાદ પડવાથી શું ફાયદો થાય છે? એનાથી આપણને ઘણી વસ્તુઓ મળી રહે છે. ઉપરાંત, ઈશ્વર ‘અન્નથી તથા આનંદથી આપણાં મન તૃપ્ત’ કરે છે. (પ્રે.કૃ. ૧૪:૧૭) સ્વાદિષ્ટ ભોજન મળી રહે તો કોને ન ગમે? એટલે જ, યહોવા ધ્યાન રાખે છે કે, ધરતીમાંથી પુષ્કળ ખોરાક પાકે અને આપણને મળી રહે.

તો પછી, શા માટે આટલા બધા લોકોએ ભૂખ્યા સૂવું પડે છે? કારણ કે, માનવીય અધિકારીઓ લાલચી છે. તેઓને લોકોના જીવન સુધારવામાં નહિ, પણ રાજકીય સત્તા મેળવવામાં અને પૈસા બનાવવામાં રસ છે. યહોવા બહુ જલદી આ મુશ્કેલીનો કાયમી ઉકેલ લાવશે. કઈ રીતે? તે હાલની ભ્રષ્ટ સરકારોને હટાવીને પોતાનું રાજ્ય સ્થાપશે, જેના રાજા ઈસુ ખ્રિસ્ત છે. એ સમયે કોઈએ ભૂખ્યા સૂવું નહિ પડે. પણ, એ સમય આવે ત્યાં સુધી યહોવા પોતાના વિશ્વાસુ ભક્તોને નિભાવી રાખશે. (ગીત. ૩૭:૨૫) શું એ તેમની પ્રેમાળ કાળજીની નિશાની નથી?

યહોવા પૂરતો સમય આપે છે

સારો દાખલો બેસાડનાર યહોવા પૂરતો સમય આપે છે

સારો મિત્ર તમારી સાથે પોતાનો સમય વિતાવે છે. તમને બંનેને જેમાં રસ હોય એવી વાતો કરવામાં તે કલાકો વિતાવે છે. એટલું જ નહિ, જ્યારે તમે તમારી મુશ્કેલી કે ચિંતા વિશે મિત્રને જણાવો છો, ત્યારે તે તમારું ધ્યાનથી સાંભળે છે. એવી જ રીતે, શું યહોવા પણ આપણું ધ્યાનથી સાંભળે છે? હા, ચોક્કસ. તે આપણી પ્રાર્થનાઓ ધ્યાનથી સાંભળે છે. તેથી, બાઇબલ આપણને ‘પ્રાર્થનામાં લાગુ રહેવાનું’ અને ‘નિત્ય પ્રાર્થના કરવાનું’ ઉત્તેજન આપે છે.—રોમ. ૧૨:૧૨; ૧ થેસ્સા. ૫:૧૭.

આપણી પ્રાર્થનાઓ સાંભળવા યહોવા કેટલો સમય આપવા તૈયાર હોય છે? બાઇબલનો એક દાખલો એનો જવાબ આપે છે. શિષ્યોની પસંદગી કરતા પહેલાં, ઈસુએ “ઈશ્વરની પ્રાર્થનામાં આખી રાત કાઢી.” (લુક ૬:૧૨) એ પ્રાર્થનામાં, તેમણે ઘણા શિષ્યોનો વિચાર કર્યો હતો; દરેકનાં ગુણો અને નબળાઈઓને ધ્યાનમાં લીધાં હતાં અને પસંદગી કરવા તેમના પિતાની મદદ માંગી હતી. સવાર સુધીમાં ઈસુ જાણી ગયા હતા કે, પોતાના પ્રેરિતો તરીકે તેમણે સૌથી સારા શિષ્યોને પસંદ કર્યા હતા. “પ્રાર્થનાના સાંભળનાર” હોવાથી યહોવા નમ્ર દિલના લોકોની પ્રાર્થના સાંભળે છે. (ગીત. ૬૫:૨) કોઈ વ્યક્તિ ચિંતામાં ડૂબી ગઈ હોય અને એ વિશે યહોવાને જણાવવા પ્રાર્થનામાં કલાકો પણ વિતાવે, તોય યહોવા સમયનો હિસાબ રાખતા નથી.

યહોવા દિલથી માફી આપે છે

સારો દાખલો બેસાડનાર યહોવા દિલથી માફી આપે છે

જ્યારે માફી આપવાની વાત આવે, ત્યારે સારા દોસ્તો માટે પણ એ અમુક વાર અઘરું બને છે. એ જ કારણથી, ઘણી વાર વર્ષો જૂની દોસ્તીમાં તિરાડ પડે છે. જોકે, યહોવા એવા નથી. બાઇબલ બધા નમ્ર લોકોને ઉત્તેજન આપે છે કે તેઓ ઈશ્વર પાસે માફી માંગે, “કેમ કે તે સંપૂર્ણ ક્ષમા કરશે.” (યશા. ૫૫:૬, ૭) યહોવા શા માટે આપણને દિલથી માફી આપે છે?

તેમના પ્રેમને લીધે. તેમના પ્રેમની સરખામણી થઈ જ ન શકે. દુનિયાને તે એટલો બધો પ્રેમ કરે છે કે તેમણે પોતાનો દીકરો આપી દીધો, જેથી પાપ અને એનાથી આવેલી તકલીફોમાંથી માણસજાતને છુટકારો મળે. (યોહા. ૩:૧૬) હકીકતમાં, ઈસુના બલિદાનથી ઘણું બધું શક્ય બન્યું છે. એ બલિદાન દ્વારા ઈશ્વર પોતાના ભક્તોને દિલથી માફી આપે છે. પ્રેરિત યોહાને લખ્યું: ‘જો આપણે આપણાં પાપ કબૂલ કરીએ, તો આપણાં પાપ માફ કરવાને તે વિશ્વાસુ તથા ન્યાયી છે.’ (૧ યોહા. ૧:૯) યહોવાની માફીને લીધે આપણે તેમની દોસ્તીનો આનંદ માણી શકીએ છીએ અને એ હકીકત આપણું દિલ સ્પર્શી જાય છે.

જરૂર હોય ત્યારે તે મદદનો હાથ લંબાવે છે

સારો દાખલો બેસાડનાર યહોવા જરૂર હોય ત્યારે મદદનો હાથ લંબાવે છે

મદદની જરૂર હોય ત્યારે, એક સાચો દોસ્ત આપણી પડખે ઊભો રહે છે. શું યહોવા પણ એમ કરે છે? તેમનું વચન કહે છે: “જોકે તે [ઈશ્વરનો એક સેવક] પડી જાય, તોપણ તે છેક જમીનદોસ્ત થશે નહિ; કેમ કે યહોવા તેનો હાથ પકડીને તેને નિભાવશે.” (ગીત. ૩૭:૨૪) યહોવા અલગ અલગ રીતે ‘તેમના સેવકોને નિભાવી’ રાખે છે. ચાલો, કૅરિબિયન ટાપુ પર રહેતા એક યુવાન બહેનનો અનુભવ જોઈએ.

એ બહેન પોતાની ધાર્મિક માન્યતાઓને લીધે ધ્વજને સલામી આપતા ન હતાં. તેથી, તેમની સાથે ભણતા વિદ્યાર્થીઓ તેમની મજાક ઉડાવતા હતા. યહોવાને મદદ માટે પ્રાર્થના કર્યા પછી એ પરિસ્થિતિનો સામનો કરવાનો તેમણે નિર્ણય લીધો. ક્લાસ સામે કોઈ વિષય પર વાત કરવાનો મોકો મળ્યો ત્યારે તે ધ્વજવંદન વિશે બોલ્યાં. બાઇબલ વાર્તાઓનું મારું પુસ્તકની મદદથી તેમણે સમજાવ્યું કે, કઈ રીતે શાદ્રાખ, મેશાખ અને અબેદ-નગોના દાખલામાંથી તેમને નિર્ણય લેવા મદદ મળી. તેમણે કહ્યું: ‘યહોવાએ એ ત્રણ હિબ્રૂ યુવાનોનું રક્ષણ કર્યું હતું. કેમ કે, તેઓએ મૂર્તિની ઉપાસના કરી ન હતી.’ પછી, ત્યાં હાજર બધાને તેમણે એ પુસ્તક ઑફર કર્યું. અગિયાર વિદ્યાર્થીઓએ એ પુસ્તક માંગ્યું. બહેન માટે એ વિષય પર વાત કરવી સહેલી ન હતી. પણ, તે જોઈ શક્યા કે સાક્ષી આપવા યહોવાએ તેમને હિંમત અને ડહાપણ આપ્યાં.

યહોવા તમારી કાળજી રાખે છે કે કેમ, એ વિશે જો તમને ક્યારેય શંકા થાય, તો બાઇબલના આવા અહેવાલો પર મનન કરો: ગીતશાસ્ત્ર ૩૪:૧૭-૧૯; ૫૫:૨૨ અને ૧૪૫:૧૮, ૧૯. લાંબા સમયથી યહોવાની સેવા કરતા સાક્ષીઓને પૂછો કે, યહોવાએ કઈ રીતે તેઓની સંભાળ રાખી છે. જ્યારે તમને ઈશ્વરની મદદ જોઈએ, ત્યારે તેમને એ વિશે પ્રાર્થના કરો. તમે તરત અનુભવી શકશો કે, યહોવા “તમારી સંભાળ રાખે છે.”