સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

યહોવા મહાન કુંભાર, માનીએ તેમનો આભાર

યહોવા મહાન કુંભાર, માનીએ તેમનો આભાર

‘હે યહોવા, તમે અમારા કુંભાર છો, અમે સર્વ તમારા હાથની કૃતિ છીએ.’—યશા. ૬૪:૮.

ગીતો: ૧૧, ૨૬

૧. યહોવા શા માટે સૌથી મહાન કુંભાર છે?

નવેમ્બર ૨૦૧૦માં ઇંગ્લૅંડના લંડન શહેરમાં ચિનાઈ માટીની એક ખૂબ જૂની ફૂલદાની આશરે ૪૫૦ કરોડ રૂપિયામાં વેચવામાં આવી હતી. એ જાણીને ઘણી નવાઈ લાગે છે કે, એક કુંભાર સામાન્ય અને સસ્તી માટીમાંથી સુંદર અને મોંઘી ફૂલદાની બનાવે છે. યહોવા એક કુંભાર જેવા છે, પરંતુ માનવીય કુંભારો કરતાં ઘણા મહાન છે. બાઇબલ જણાવે છે કે, યહોવાએ ‘ભૂમિની માટીમાંથી’ સંપૂર્ણ માણસ બનાવ્યો. (ઉત. ૨:૭) એ માણસ આદમ, “ઈશ્વરનો દીકરો” હતો અને ઈશ્વર જેવા ગુણો બતાવી શકે એવી ક્ષમતાઓ સાથે એને બનાવવામાં આવ્યો હતો.—લુક ૩:૩૮.

૨, ૩. પસ્તાવો કરનાર ઈસ્રાએલીઓના વલણને આપણે કઈ રીતે અનુસરી શકીએ?

આદમ પોતાના સર્જનહારની વિરુદ્ધ ગયો એ પછી ઈશ્વરનો દીકરો ન રહ્યો. પણ, આદમના ઘણા વંશજોએ યહોવાને પોતાના રાજા તરીકે પસંદ કર્યા. (હિબ્રૂ ૧૨:૧) પોતાના સર્જનહારને નમ્રતાથી આધીન રહીને તેઓએ બતાવ્યું છે કે તેઓ શેતાનને નહિ, પણ યહોવાને પોતાના પિતા અને કુંભાર માને છે. (યોહા. ૮:૪૪) ઈશ્વર પ્રત્યેની તેઓની વફાદારી, આપણને પસ્તાવો કરનાર ઈસ્રાએલીઓના આ શબ્દોની યાદ અપાવે છે: ‘હે યહોવા, હવે તમે અમારા પિતા છો; અમે માટી, ને તમે અમારા કુંભાર છો, અમે સર્વ તમારા હાથની કૃતિ છીએ.’—યશા. ૬૪:૮.

તેઓની જેમ આજે પણ યહોવાના સાચા ભક્તો નમ્ર અને આધીન રહેવા સખત મહેનત કરે છે. યહોવાને પોતાના પિતા ગણવાને તેઓ એક લહાવો સમજે છે. તેમ જ, ઇચ્છે છે કે યહોવા તેઓના કુંભાર બને. શું આપણે એવી નરમ માટી બનવા માંગીએ છીએ, જેને ઈશ્વર કીમતી પાત્રમાં ઢાળી શકે? શું આપણે ભાઈ-બહેનોને એ રીતે જોઈએ છીએ કે, તેઓ હજીયે ઈશ્વરના હાથે ઘડાઈ રહ્યા છે? યોગ્ય વલણ રાખવા મદદ મળે માટે આ લેખમાં આપણે આ મુદ્દા જોઈશું: યહોવા કોને ઘડશે એની પસંદગી કઈ રીતે કરે છે; તે આપણને શા માટે ઘડે છે અને તે એમ કઈ રીતે કરે છે.

યહોવા પસંદ કરે છે કે કોને ઘડશે

૪. યહોવા કઈ રીતે પસંદ કરે છે કે કોને પોતાની તરફ ખેંચશે? દાખલા આપો.

આપણે માણસોને જે રીતે જોઈએ છીએ, યહોવા એ રીતે જોતા નથી. એને બદલે, તે દિલને પારખે છે અને આપણે ખરેખર કેવા છીએ એ જુએ છે. (૧ શમૂએલ ૧૬:૭ખ વાંચો.) ખ્રિસ્તી મંડળ રચાયું ત્યારે, યહોવાએ એની સાબિતી આપી. તે પોતાની અને પોતાના દીકરાની નજીક એવા લોકોને લાવ્યા, જેઓને અમુક લોકો કદાચ નકામા ગણે. (યોહા. ૬:૪૪) શાઊલ નામના ફરોશીનો વિચાર કરો. તે ‘ઈશ્વરની નિંદા કરનાર, સતાવનાર તથા જુલમી હતા.’ (૧ તીમો. ૧:૧૩) પણ, યહોવાએ તેમનું દિલ જોયું અને તેમને નકામી માટી ગણ્યા નહિ. (નીતિ. ૧૭:૩) એને બદલે, યહોવાએ જોયું કે શાઊલને ‘પસંદ કરેલા પાત્રમાં’ ઢાળી શકાય છે, જે “વિદેશીઓ, રાજાઓ તથા ઈસ્રાએલપુત્રોની આગળ” સાક્ષી આપશે. (પ્રે.કૃ. ૯:૧૫) યહોવાએ બીજા અમુક લોકોને પણ પસંદ કર્યા હતા, જેથી તેઓને “ઉત્તમ કાર્યને માટે” ઘડી શકાય. તેઓ પહેલાં દારૂડિયા, અનૈતિક કામો કરનાર અને ચોર હતા. (રોમ. ૯:૨૧; ૧ કોરીં. ૬:૯-૧૧) જેમ જેમ શાસ્ત્રનો અભ્યાસ કર્યો, તેમ તેમ યહોવામાં તેઓની શ્રદ્ધા વધુ મક્કમ બની અને તેઓએ પોતાને યહોવાના હાથે ઘડાવા દીધા.

૫, ૬. યહોવાને આપણા કુંભાર ગણીશું તો, (ક) પ્રચાર વિસ્તારના લોકો પ્રત્યે આપણું વલણ કેવું હશે? (ખ) ભાઈ-બહેનો પ્રત્યે આપણું વલણ કેવું હશે?

આપણને ભરોસો છે કે યહોવા યોગ્ય લોકોની પસંદગી કરીને તેઓને પોતાની નજીક લાવે છે. તેથી, પ્રચાર વિસ્તારમાં મળતા લોકો અથવા ભાઈ-બહેનો વિશે આપણે પહેલેથી કશું ધારી ન લેવું જોઈએ. માઇકલનો દાખલો લો. યહોવાના સાક્ષીઓ તેમને મળતા ત્યારે, તે ખરાબ રીતે વર્તતા. તે જણાવે છે: ‘હું તેઓથી મારું મોં ફેરવી લેતો અને તેઓની અવગણના કરતો. હું તેઓ સાથે બહુ ખરાબ રીતે વર્તતો. બીજા એક પ્રસંગે હું એક કુટુંબને મળ્યો, જેના સારા વલણની મેં પ્રશંસા કરી. પણ જ્યારે મને ખબર પડી કે તેઓ યહોવાના સાક્ષીઓ છે, ત્યારે મને મોટો આંચકો લાગ્યો. તેઓનું વર્તન એટલું સારું હતું કે મારે મારો પૂર્વગ્રહ છોડવો પડ્યો. હવે હું સમજી શક્યો કે, મારો પૂર્વગ્રહ તો અજ્ઞાનતા અને સાંભળેલી વાતોને લીધે હતો.’ માઇકલ વધુ શીખવા માંગતા હતા, એટલે તે બાઇબલનો અભ્યાસ કરવા તૈયાર થયા. સમય જતાં, તે બાપ્તિસ્મા પામ્યા અને પૂરા સમયના સેવક બન્યા.

યહોવાને આપણા કુંભાર ગણીશું તો, ભાઈ-બહેનો પ્રત્યેનું આપણું વલણ બદલાઈ જશે. આપણે એ વાત ધ્યાનમાં રાખીશું કે, તેઓ ઈશ્વરના હાથે હજી ઘડાઈ રહ્યા છે. યહોવા પણ તેઓને એ જ રીતે જુએ છે. યહોવા વ્યક્તિના દિલને જુએ છે અને જાણે છે કે તેઓની અપૂર્ણતા થોડા જ સમય માટે છે. તે એ પણ જાણે કે એ દરેક વ્યક્તિ કેવી બની શકે છે. (ગીત. ૧૩૦:૩) જો ભાઈ-બહેનો પ્રત્યે એવું જ સારું વલણ રાખીશું, તો યહોવાનું અનુકરણ કરી શકીશું. આપણા કુંભાર યહોવા સાથે મળીને ભાઈ-બહેનોને પ્રગતિ કરવા મદદ કરી શકીએ. (૧ થેસ્સા. ૫:૧૪, ૧૫) એમ કરવામાં મંડળના વડીલોએ સારો દાખલો બેસાડવો જોઈએ.—એફે. ૪:૮, ૧૧-૧૩.

યહોવા આપણને શા માટે ઘડે છે?

૭. યહોવા તરફથી મળતી શિસ્તની તમે શા માટે કદર કરો છો?

અમુક લોકો કદાચ કહે: “માતાપિતા તરફથી મળતી શિસ્તની મને ક્યારેય કદર ન હતી. પણ, જ્યારે મારાં બાળકો થયાં ત્યારે હું એની કદર કરતા શીખ્યો.” હા, આપણે બધા મોટા થતા જઈએ તેમ શિસ્તની કદર કરતા થઈએ છીએ. કારણ કે, આપણે જાણીએ છીએ કે શિસ્ત તો પ્રેમ બતાવવાની એક રીત છે. (હિબ્રૂ ૧૨:૫, ૬, ૧૧ વાંચો.) યહોવા આપણને તેમના બાળકો ગણતા હોવાથી ખૂબ પ્રેમ કરે છે. તેથી જ, તે ધીરજથી આપણને શિસ્ત આપે છે અથવા ઘડે છે. તે ચાહે છે કે આપણે જ્ઞાન અને સમજશક્તિ પ્રાપ્ત કરીએ તેમજ તેમને પિતા ગણીને પ્રેમ કરીએ. (નીતિ. ૨૩:૧૫) તે નથી ચાહતા કે આપણે દુઃખની ચક્કીમાં પીસાતા રહીએ. તે એ પણ નથી ચાહતા કે આપણે એવા પાપી તરીકે મરણ પામીએ, જેણે પસ્તાવો નથી કર્યો.—એફે. ૨:૨, ૩.

૮, ૯. આજે યહોવા આપણને કઈ રીતે શીખવી રહ્યા છે અને ભાવિમાં કઈ રીતે શીખવતા રહેશે?

યહોવા વિશે શીખવા મળ્યું એ પહેલાં આપણામાં ઘણા અવગુણો હતા. આપણે જાનવર જેવા હિંસક અને ક્રૂર હતા. પણ, યહોવાએ આપણને ઘડીને ઘેટા જેવા નમ્ર બનાવ્યા છે. પરિણામે, આપણે અમુક સારા ગુણો કેળવી શક્યા છીએ. (યશા. ૧૧:૬-૮; કોલો. ૩:૯, ૧૦) આજે આપણે પ્રેમ, સંપ અને શાંતિના માહોલમાં જીવી રહ્યા છીએ. આ એક એવો ખાસ માહોલ છે, જેના દ્વારા યહોવા આપણને ઘડી રહ્યા છે. જોકે, આપણી આસપાસની દુનિયા દુષ્ટતાથી ખદબદે છે. અરે, આપણામાંના અમુકનો ઉછેર એવા કુટુંબમાં થયો છે, જ્યાં તેઓને કદી પ્રેમ મળ્યો નથી. પણ, હવે તેઓ ભાઈ-બહેનોનો સાચો પ્રેમ અનુભવે છે. (યોહા. ૧૩:૩૫) આપણે બીજાઓને પ્રેમ કરવાનું શીખ્યા છીએ. પણ સૌથી મહત્ત્વનું તો, આપણને યહોવા વિશે શીખવા મળ્યું છે અને તેમનો પિતા જેવો પ્રેમ અનુભવી રહ્યા છીએ.—યાકૂ. ૪:૮.

નવી દુનિયામાં આપણે પ્રેમ, સંપ અને શાંતિના માહોલનો પૂરેપૂરો આનંદ માણીશું. તેમ જ, એ સમયે આખી દુનિયા બાગ જેવી સુંદર બનશે, સ્વચ્છ વાતાવરણ હશે અને આપણે સંપૂર્ણ રીતે તંદુરસ્ત હોઈશું. જોકે, ત્યારે પણ યહોવા એ રીતે આપણને ઘડતા અને શીખવતા રહેશે, જેની આપણે કલ્પના પણ નથી કરી શકતા. (યશા. ૧૧:૯) યહોવા આપણને તન-મનથી સંપૂર્ણ કરી દેશે. એટલે, તેમનાં સૂચનો સમજવાં અને પૂરેપૂરી રીતે પાળવાં આપણા માટે સહેલું બની જશે. તેથી, ચાલો આપણે યહોવાના હાથે ઘડાતા રહીએ અને બતાવતા રહીએ કે પ્રેમ કરવાની તેમની આ રીતની આપણે કદર કરીએ છીએ.—નીતિ. ૩:૧૧, ૧૨.

યહોવા આપણને કઈ રીતે ઘડે છે?

૧૦. ઈસુ કઈ રીતે સૌથી મહાન કુંભારની ધીરજ અને આવડતને અનુસર્યા?

૧૦ એક કુશળ કુંભારની જેમ યહોવા આપણને સારી રીતે ઓળખે છે. તે આપણી નબળાઈઓ અને મર્યાદાઓ સમજે છે. તેમ જ, શ્રદ્ધાને વધુ મજબૂત કરવા આપણે જે કંઈ કરીએ છીએ એ પણ જાણે છે. એ બાબતોને ધ્યાનમાં રાખીને તે આપણને દરેકને ઘડે છે. (ગીતશાસ્ત્ર ૧૦૩:૧૦-૧૪ વાંચો.) પોતાના અપૂર્ણ ભક્તો પ્રત્યે યહોવા કેવું વલણ બતાવે છે, એ ઈસુના વલણ પરથી સ્પષ્ટ જોઈ શકાય છે. પોતાનામાં સૌથી મોટું કોણ છે એ વિશે શિષ્યોમાં દલીલો ચાલતી હતી. ઈસુ તેઓ સાથે કઈ રીતે વર્ત્યા? જો તમે ત્યાં હાજર હોત, તો શું તેઓને નમ્ર અને નરમ માટી જેવા ગણ્યા હોત? જોકે, ઈસુએ શિષ્યોના સારા ગુણો પર ધ્યાન આપ્યું હતું. તે જાણતા હતા કે શિષ્યો તેમની પ્રેમાળ સલાહને ધ્યાન આપશે અને તેમની નમ્રતાને અનુસરશે તો, તેઓને ઘડી શકાશે. (માર્ક ૯:૩૩-૩૭; ૧૦:૩૭, ૪૧-૪૫; લુક ૨૨:૨૪-૨૭) ઈસુના સજીવન થયા પછી શિષ્યોને ઈશ્વરની પવિત્ર શક્તિ મળી અને પછી તેઓનું ધ્યાન સૌથી મોટું કોણ છે એના પર રહ્યું નહિ. એને બદલે, તેઓનું ધ્યાન ઈસુએ સોંપેલા કામ પર હતું.—પ્રે.કૃ. ૫:૪૨.

૧૧. દાઊદ કઈ રીતે નરમ માટી બન્યા અને આપણે તેમને કઈ રીતે અનુસરી શકીએ?

૧૧ યહોવા પોતાના ભક્તોને બાઇબલ, પવિત્ર શક્તિ અને ખ્રિસ્તી મંડળ દ્વારા ઘડે છે. બાઇબલ આપણને ઘડી શકે માટે, આપણે બાઇબલ વાંચવું જોઈએ, એના પર મનન કરવું જોઈએ અને જે શીખ્યા એ લાગુ પાડવા યહોવા પાસે મદદ માંગવી જોઈએ. રાજા દાઊદે લખ્યું: ‘મારા બિછાના પર તમે મને યાદ આવો છો, અને હું રાતને પહોરે તમારું ધ્યાન ધરું છું.’ (ગીત. ૬૩:૫) તેમણે આમ પણ કહ્યું: ‘યહોવાએ મને બોધ દીધો છે, તેમને હું સ્તુત્ય માનીશ; મારું અંતઃકરણ મને રાતને વખતે બોધ આપે છે.’ (ગીત. ૧૬:૭) યહોવાએ આપેલી સલાહ પર દાઊદે મનન કર્યું અને એનાથી પોતાના ઊંડા વિચારો અને લાગણીઓને ઘડાવા દીધા. અરે, એ સલાહ પાળવી અઘરી હતી ત્યારે પણ તે યહોવાને આધીન રહ્યા. (૨ શમૂ. ૧૨:૧-૧૩) આમ, નમ્રતા અને આધીનતા બતાવવામાં દાઊદે આપણા માટે સુંદર દાખલો બેસાડ્યો છે. આ સવાલો પર વિચાર કરો: “બાઇબલ વાંચતી વખતે શું હું દાઊદની જેમ મનન કરું છું? ઈશ્વરની સલાહથી મારા ઊંડા વિચારો અને લાગણીઓને ઘડાવા દઉં છું? શું બાઇબલ વાંચવામાં અને મનન કરવામાં હું કોઈ સુધારો કરી શકું?”—ગીત. ૧:૨, ૩.

૧૨, ૧૩. આપણને ઘડવા યહોવા કઈ રીતે પવિત્ર શક્તિ અને મંડળનો ઉપયોગ કરે છે?

૧૨ પવિત્ર શક્તિ આપણને અલગ અલગ રીતોએ ઘડે છે. દાખલા તરીકે, એ આપણને ઈસુ જેવા ગુણો કેળવવા મદદ કરે છે. એમાં પવિત્ર શક્તિના ફળના અલગ અલગ પાસાંનો પણ સમાવેશ થાય છે. (ગલા. ૫:૨૨, ૨૩) એનું એક પાસું પ્રેમ છે. આપણે ઈશ્વરને પ્રેમ કરીએ છીએ તેમજ તેમને આધીન રહેવા અને તેમના હાથે ઘડાવવા ચાહીએ છીએ. કારણ કે, આપણે જાણીએ છીએ કે તેમની આજ્ઞાઓ આપણા ભલા માટે છે. ઉપરાંત, પવિત્ર શક્તિ આપણને આ દુષ્ટ દુનિયાના બીબામાં ન ઢળવા મદદ કરે છે. (એફે. ૨:૨) પ્રેરિત પાઊલ યુવાન હતા ત્યારે, તેમનામાં ઘમંડી યહુદી ધર્મગુરુઓની અસર હતી. પણ, પવિત્ર શક્તિએ તેમને સુધારો કરવા મદદ કરી. પછીથી તેમણે લખ્યું: “જે મને સામર્થ્ય આપે છે તેની સહાયથી હું બધું કરી શકું છું.” (ફિલિ. ૪:૧૩) આપણે પણ પવિત્ર શક્તિ માટે યહોવાને પ્રાર્થના કરવી જોઈએ. કારણ કે, આપણે જાણીએ છીએ કે યહોવા નમ્ર દિલના લોકોની પ્રાર્થના સાંભળે છે.—ગીત. ૧૦:૧૭.

આપણને ઘડવા યહોવા વડીલોનો ઉપયોગ કરે છે, પરંતુ આપણા પક્ષે પણ અમુક જવાબદારીઓ છે (ફકરા ૧૨, ૧૩ જુઓ)

૧૩ આપણને દરેકને ઘડવા યહોવા મંડળ અને વડીલોનો પણ ઉપયોગ કરે છે. દાખલા તરીકે, આપણી કોઈ નબળાઈ વડીલોના ધ્યાનમાં આવે ત્યારે, તેઓ આપણને મદદ કરવાનો પ્રયત્ન કરે છે. જોકે, તેઓ પોતાના વિચારો પ્રમાણે સલાહ આપતા નથી. (ગલા. ૬:૧) એને બદલે, તેઓ નમ્ર બનીને સમજણ અને ડહાપણ માટે યહોવાને પ્રાર્થના કરે છે. પછી, તેઓ બાઇબલ અને આપણાં સાહિત્યમાંથી સંશોધન કરે છે, જેથી આપણને મદદ કરી શકે. જો વડીલો પહેરવેશ અથવા બીજા કોઈ મુદ્દા વિશે નમ્રતા અને પ્રેમથી સલાહ આપે, તો યાદ રાખજો કે એ સલાહ તમારા પ્રત્યેના ઈશ્વરના પ્રેમની સાબિતી છે. એ સલાહને લાગુ પાડો છો ત્યારે, તમે નરમ માટી જેવા બનો છો જેને યહોવા ઘડે છે. એમ કરવાથી, તમને જ ફાયદો થશે.

૧૪. માટી પર અધિકાર હોવા છતાં, યહોવા કઈ રીતે આપણને નિર્ણય લેવાની તક આપે છે?

૧૪ યહોવા આપણને કઈ રીતે ઘડે છે એ સમજીશું તો, ભાઈ-બહેનો સાથે સારો સંબંધ કેળવવા મદદ મળશે. ઉપરાંત, આપણા વિસ્તારના લોકો પ્રત્યે સારું વલણ બતાવી શકીશું. એમાં આપણા બાઇબલ વિદ્યાર્થીઓનો પણ સમાવેશ થાય છે. બાઇબલ સમયમાં, કુંભાર માટીને ઘડતા પહેલાં એને સાફ કરતો, એમાંથી કાંકરા અને કચરો કાઢી નાખતો. સૌથી મહાન કુંભાર યહોવા પણ એવા લોકોને મદદ કરે છે, જેઓ ખુશી-ખુશી ઘડાવા માંગે છે. જોકે, કચરા જેવા ખરાબ ગુણો દૂર કરવા તે કદીયે લોકોને દબાણ કરતા નથી. એને બદલે, તે તેઓને પોતાનાં શુદ્ધ ધોરણો બતાવે છે. પછી, તેઓને જાતે જ નક્કી કરવા દે છે કે તેઓ બદલાણ કરવા માંગે છે કે નહિ.

૧૫, ૧૬. બાઇબલ વિદ્યાર્થીઓ કઈ રીતે બતાવી શકે કે, યહોવાને હાથે તેઓ ઘડાવા માંગે છે?

૧૫ ઑસ્ટ્રેલિયામાં રહેતાં બહેન ટેસીનો વિચાર કરો. બાઇબલમાંથી શીખવું તેમના માટે ઘણું આસાન હતું. જોકે, તેમણે બહુ પ્રગતિ કરી નહિ અને તે સભાઓમાં પણ ન જતાં. તેમની સાથે અભ્યાસ કરનાર બહેને યહોવાને પ્રાર્થના કરી અને તેમનો અભ્યાસ બંધ કરવાનું નક્કી કર્યું. પણ, અચાનક કંઈક નવાઈ પમાડનારું બન્યું. અભ્યાસને અંતે ટેસીએ પ્રગતિ ન કરવા વિશેનું કારણ જણાવ્યું. ટેસીએ બહેનને જણાવ્યું કે, પોતાને જુગાર રમવાની આદત છે અને એ નહિ છોડી શકવાને કારણે પોતે ઢોંગ કરતી હોય એવું લાગે છે. તેમ જ, તેણે એ પણ જણાવ્યું કે, હવે એ આદત છોડવાનું તેણે નક્કી કર્યું છે.

૧૬ થોડા જ સમયમાં ટેસીએ સભાઓમાં જવાનું અને ઈસુ જેવા ગુણો બતાવવાનું શરૂ કર્યું. અરે, એને લીધે તેમનાં અમુક જૂના મિત્રો તેમની મજાક પણ ઉડાવતા. સમય જતાં, ટેસીએ બાપ્તિસ્મા લીધું અને તેમને નાનાં બાળકો હોવા છતાં નિયમિત પાયોનિયરીંગ શરૂ કર્યું. આ દાખલો સાફ બતાવે છે કે, બાઇબલ વિદ્યાર્થી ઈશ્વરને ખુશ કરવા સુધારો કરે છે ત્યારે, ઈશ્વર તેને પોતાની નજીક લાવે છે અને કીમતી પાત્રમાં ઢાળે છે.

૧૭. (ક) યહોવાને તમારા કુંભાર તરીકે જોવા તમને કઈ બાબતે અસર કરી? (ખ) આવતા લેખમાં આપણે શાની ચર્ચા કરીશું?

૧૭ આજે, અમુક કુંભારો માટીને કાળજીપૂર્વક ઘડીને પોતાના હાથે સુંદર પાત્ર બનાવે છે. એવી જ રીતે, યહોવા સલાહ-સૂચનો આપીને આપણને ધીરજથી ઘડે છે અને એના પ્રત્યે આપણું વલણ કેવું છે, એ જુએ છે. (ગીતશાસ્ત્ર ૩૨:૮ વાંચો.) શું તમે મહેસૂસ કરી શકો છો કે, યહોવા તમારા પર ધ્યાન આપી રહ્યા છે? શું તમે જોઈ શકો છો કે, યહોવા કઈ રીતે કાળજીપૂર્વક તમને ઘડી રહ્યા છે? એમ હોય તો, યહોવા ઘડી શકે એવી નરમ માટી બનવા તમારે કયા ગુણો કેળવવા જોઈએ? ઘડી ન શકાય એવી કઠણ માટી ન બનવા કયું વલણ ટાળવું જોઈએ? પોતાનાં બાળકોને ઘડવા માટે માબાપ કઈ રીતે યહોવા સાથે મળીને કામ કરી શકે? હવે પછીનો લેખ આ સવાલોના જવાબ આપશે.