ઈશ્વરના નિયમો અને સિદ્ધાંતો દ્વારા આપણા અંતઃકરણને કેળવીએ
‘હું તમારા નિયમ પર કેટલો બધો પ્રેમ રાખું છું! આખો દિવસ તેનું જ મનન કરું છું.’—ગીત. ૧૧૯:૯૭.
ગીતો: ૨૯, ૧૧
૧. કયા કારણને લીધે આપણે પ્રાણીઓ કરતાં ચઢિયાતા ગણાઈએ છીએ?
યહોવાએ મનુષ્યને એક ખાસ ભેટ આપી છે. એ છે આપણું અંતઃકરણ. આપણે પ્રાણીઓથી ચઢિયાતા ગણાઈએ છીએ, એનું એક કારણ આ પણ છે. આદમ અને હવા પાસે અંતઃકરણ હતું, એ આપણે કઈ રીતે કહી શકીએ? ઈશ્વરની આજ્ઞા તોડ્યા પછી તેઓ સંતાઈ ગયા, કારણ કે તેઓનું અંતઃકરણ ડંખતું હતું.
૨. આપણું અંતઃકરણ કઈ રીતે એક હોકાયંત્ર જેવું છે? (શરૂઆતનું ચિત્ર જુઓ.)
૨ આપણું અંતઃકરણ ખરું-ખોટું પારખવા મદદ કરી શકે છે. જે વ્યક્તિનું અંતઃકરણ બરાબર કેળવાયેલું ન હોય, એ વ્યક્તિ તો જાણે એવા વહાણ જેવી છે, જેનું હોકાયંત્ર * બગડેલું હોય. પવન અને સમુદ્રનો પ્રવાહ એ વહાણને બીજી દિશામાં લઈ જઈ શકે છે. જો હોકાયંત્ર બરાબર કામ કરતું હશે, તો સુકાની વહાણને યોગ્ય દિશાએ લઈ જઈ શકશે. એવી જ રીતે, જો અંતઃકરણને બરાબર કેળવીશું, તો એ સારી રીતે આપણને દોરી શકશે.
૩. આપણું અંતઃકરણ યોગ્ય રીતે કેળવાયેલું નહિ હોય તો શું થઈ શકે?
૧ તિમો. ૪:૧, ૨) અંતઃકરણ આપણને કદાચ ‘ખોટી બાબતને સારી’ ગણવાનું પણ કહી શકે. (યશા. ૫:૨૦) ઈસુએ પોતાના અનુયાયીઓને કહ્યું: “એવો સમય આવશે, જ્યારે તમને મારી નાખનારા લોકો વિચારશે કે તેઓએ ઈશ્વરની પવિત્ર સેવા કરી છે.” (યોહા. ૧૬:૨) ઈશ્વરભક્ત સ્તેફનને મારી નાખનાર લોકોએ પણ એવું જ વિચાર્યું હતું. (પ્રે.કા. ૬:૮, ૧૨; ૭:૫૪-૬૦) ઇતિહાસમાં ઘણા ધાર્મિક લોકોએ હત્યા જેવા ગંભીર ગુનાઓ કર્યા છે. તેઓ દાવો કરતા કે તેઓએ ઈશ્વર માટે એમ કર્યું છે. પણ હકીકતમાં, તેઓએ જે કર્યું એ ઈશ્વરના નિયમો વિરુદ્ધ છે. (નિર્ગ. ૨૦:૧૩) એ તો સાફ છે કે તેઓનું અંતઃકરણ તેઓને ખોટી દિશામાં દોરી ગયું છે.
૩ જો આપણું અંતઃકરણ યોગ્ય રીતે કેળવાયેલું નહિ હોય, તો એ આપણને ખોટું કરતા રોકશે નહિ. (૪. કઈ રીતે ખાતરી કરી શકીએ કે આપણું અંતઃકરણ બરાબર કામ કરે છે કે નહિ?
૪ કઈ રીતે ખાતરી કરી શકીએ કે આપણું અંતઃકરણ બરાબર કામ કરે છે કે નહિ? એ માટે આપણને બાઇબલ મદદ કરી શકે. બાઇબલના નિયમો અને સિદ્ધાંતો “શીખવવા, ઠપકો આપવા, સુધારવા અને ઈશ્વરનાં ખરાં ધોરણો પ્રમાણે શિસ્ત આપવા માટે ઉપયોગી છે.” (૨ તિમો. ૩:૧૬) આપણે નિયમિત રીતે બાઇબલનો અભ્યાસ કરવો જોઈએ, એના પર ઊંડો વિચાર કરવો જોઈએ અને એને લાગુ પાડવું જોઈએ. આમ, આપણે ઈશ્વર જેવા વિચારો કેળવી શકીશું. પછી પૂરી ખાતરી રાખી શકીશું કે અંતઃકરણ આપણને યોગ્ય માર્ગદર્શન આપશે. ચાલો જોઈએ કે યહોવાના નિયમો અને સિદ્ધાંતો અંતઃકરણને કેળવવા કઈ રીતે મદદ કરી શકે છે.
ઈશ્વરના નિયમોથી પોતાને કેળવીએ
૫, ૬. આપણને ઈશ્વરના નિયમો કઈ રીતે મદદ કરે છે?
૫ જો આપણે ચાહતા હોઈએ કે ઈશ્વરના નિયમો દ્વારા મદદ મળે, તો ફક્ત એ નિયમો વાંચવા કે એના વિશે જાણવું જ પૂરતું નથી. આપણે એ નિયમો માટે પ્રેમ અને આદર બતાવવો જોઈએ. બાઇબલ જણાવે છે: “ભૂંડાને ધિક્કારો, ભલાને ચાહો.” (આમો. ૫:૧૫) પણ આપણે કઈ રીતે એમ કરી શકીએ? આપણે બાબતોને યહોવાની નજરે જોવાની જરૂર છે. જરા આનો વિચાર કરો. તમને બરાબર ઊંઘ આવતી નથી. એટલે તમારા ડોક્ટર તમને પૌષ્ટિક ખોરાક ખાવાની, વધારે કસરત કરવાની અને જીવનઢબમાં ફેરફાર કરવાની સલાહ આપે છે. તેમની સલાહ પાળો છો ત્યારે સારાં પરિણામો આવે છે. તમને એ ડોક્ટર વિશે કેવું લાગશે? એનાથી ડોક્ટર માટે તમારી કદર વધશે.
૬ એવી જ રીતે, સર્જનહારે આપેલા નિયમો દ્વારા પાપની ખરાબ અસરોથી રક્ષણ થાય છે અને જીવનઢબમાં સુધારો થાય છે. દાખલા તરીકે, બાઇબલ આપણને શીખવે છે કે આ બધાથી દૂર રહેવું જોઈએ: જૂઠ, છેતરપિંડી, ચોરી, અનૈતિકતા, હિંસા અને મેલીવિદ્યા. (નીતિવચનો ૬:૧૬-૧૯ વાંચો; પ્રકટી. ૨૧:૮) યહોવાની આજ્ઞા પાળવાથી આપણને સારાં પરિણામો મળે છે. એ જોઈને તેમના માટેનો અને તેમના નિયમો માટેનો પ્રેમ વધે છે.
૭. આપણને બાઇબલના અહેવાલો કઈ રીતે મદદ કરે છે?
૭ ખરું-ખોટું પારખવા શું આપણે ઈશ્વરના નિયમો તોડીને એનાં ખરાબ પરિણામો ભોગવવાનો અખતરો કરવો જોઈએ? ના, જરાય નહિ. અગાઉના ઈશ્વરભક્તોની ભૂલો પરથી આપણે શીખી શકીએ છીએ. એ વિશેના દાખલાઓ બાઇબલમાં નોંધવામાં આવ્યા છે. નીતિવચનો ૧:૫ જણાવે છે: “જો ડાહ્યો માણસ સાંભળશે તો તેનું ડહાપણ વધશે.” (ઈઝી-ટુ-રીડ વર્ઝન) એ ડહાપણ ઈશ્વર તરફથી મળે છે અને એ સૌથી ઉત્તમ માર્ગદર્શન છે. દાખલા તરીકે, દાઊદે યહોવાની આજ્ઞા તોડી અને બાથશેબા સાથે વ્યભિચાર કર્યો. પરિણામે, તેમણે કેટલી તકલીફોનો સામનો કરવો પડ્યો હશે એ વિચારો! (૨ શમૂ. ૧૨:૭-૧૪) એ અહેવાલ વાંચો ત્યારે પોતાને પૂછો કે, “કઈ રીતે દાઊદ એ પાપ કરવાથી દૂર રહી શક્યા હોત? જો હું એવા સંજોગોમાં આવી પડું, તો શું કરીશ? શું હું દાઊદની જેમ વ્યભિચાર કરીશ કે પછી યુસફની જેમ ત્યાંથી નાસી જઈશ?” (ઉત. ૩૯:૧૧-૧૫) જો પાપનાં ગંભીર પરિણામોનો વિચાર કરીશું, તો આપણે ‘ભૂંડાને ધિક્કારવાનો’ મનમાં દૃઢ નિર્ધાર કરી શકીશું.
૮, ૯. (ક) અંતઃકરણથી આપણને કઈ રીતે લાભ થઈ શકે? (ખ) યહોવાના સિદ્ધાંતોની સુમેળમાં આપણું અંતઃકરણ કઈ રીતે કામ કરે છે?
૮ યહોવા ધિક્કારે છે એવી બાબતોથી આપણે દૂર રહીએ છીએ. પણ આપણે એવા સંજોગોમાં આવી પડીએ જે વિશે બાઇબલમાં કોઈ સીધેસીધો નિયમ ન હોય ત્યારે શું કરીશું? ઈશ્વર આપણી પાસે શું ચાહે છે એ કઈ રીતે જાણી શકીએ? જો આપણે બાઇબલ દ્વારા અંતઃકરણને કેળવ્યું હશે, તો સારા નિર્ણયો લઈ શકીશું.
૯ યહોવા આપણને પ્રેમ કરે છે એટલે તેમણે સિદ્ધાંતો આપ્યા છે. એનાથી આપણા અંતઃકરણને માર્ગદર્શન મળી શકે છે. યહોવા જણાવે છે કે, “હું યહોવા તારો ઈશ્વર છું, ને તારા લાભને અર્થે હું તને શીખવું છું; જે માર્ગે તારે જવું જોઈએ તે પર તારો ચલાવનાર હું છું.” (યશા. ૪૮:૧૭, ૧૮) આપણે બાઇબલના સિદ્ધાંતો પર વિચાર કરવો જોઈએ અને એને આપણા દિલમાં ઉતારવા જોઈએ. એમ કરીશું તો, આપણા અંતઃકરણને ઘડી શકીશું અને સુધારી શકીશું. પરિણામે, આપણને યોગ્ય નિર્ણય લેવા મદદ મળશે.
ઈશ્વરના સિદ્ધાંતોથી દોરાઈએ
૧૦. સિદ્ધાંત એટલે શું અને ઈસુએ કઈ રીતે શીખવતી વખતે સિદ્ધાંતોનો ઉપયોગ કર્યો?
૧૦ સિદ્ધાંત એટલે કે સનાતન સત્ય, જે આપણા વિચારોને માર્ગદર્શન આપે છે અને સારા નિર્ણયો લેવા મદદ કરે છે. યહોવાના સિદ્ધાંતો જાણવાથી તેમના વિચારો જાણી શકાય છે. ઉપરાંત, તે શા માટે અમુક નિયમો આપે છે, એ સમજવા પણ મદદ મળે છે. ઈસુએ સિદ્ધાંતો વાપરીને શિષ્યોને શીખવ્યું કે જેવાં વાણી-વર્તન અને કાર્યો હશે, એવાં પરિણામો ભોગવવાં પડશે. દાખલા તરીકે, તેમણે શીખવ્યું કે ગુસ્સો હિંસા તરફ અને અનૈતિક વિચારો વ્યભિચાર તરફ દોરી જાય છે. (માથ. ૫:૨૧, ૨૨, ૨૭, ૨૮) યહોવાના સિદ્ધાંતો પ્રમાણે ચાલીશું તો, આપણું અંતઃકરણ સારી રીતે કેળવી શકીશું અને તેમને મહિમા મળે એવા નિર્ણયો લઈ શકીશું.—૧ કોરીં. ૧૦:૩૧.
૧૧. દરેકના અંતઃકરણ એકસરખા હોતા નથી, સમજાવો.
૧૧ ઈશ્વરભક્તો બાઇબલનો ઉપયોગ કરીને પોતાનું અંતઃકરણ કેળવે છે. તોપણ અમુક બાબતોમાં તેઓ એકસરખો નિર્ણય નહિ લે. દાખલા તરીકે, દારૂ. બાઇબલ એમ જણાવતું નથી કે દારૂ પીવો ખોટું છે. પરંતુ, એમાં ચેતવણી આપવામાં આવી છે કે વધારે પડતો દારૂ ન પીવો જોઈએ કે નશામાં ચકચૂર ન થઈ જવું જોઈએ. (નીતિ. ૨૦:૧; ૧ તિમો. ૩:૮) શું એનો અર્થ એવો થાય કે યોગ્ય માત્રામાં દારૂ પીનાર ઈશ્વરભક્તે બીજી કોઈ બાબત વિશે વિચારવાની જરૂર નથી? ના, એવું નથી. ભલે તેનું અંતઃકરણ દારૂ પીવાની છૂટ આપતું હોય, તોપણ તેણે બીજાઓના અંતઃકરણનો વિચાર કરવો જોઈએ.
૧૨. રોમનો ૧૪:૨૧ના શબ્દોથી કઈ રીતે બીજાઓના અંતઃકરણનું ધ્યાન રાખવા આપણને મદદ મળે છે?
૧૨ પાઊલે જણાવ્યું કે આપણે બીજાઓના અંતઃકરણનું ધ્યાન રાખવું જોઈએ. તેમણે કહ્યું: “માંસ ખાવાથી કે દ્રાક્ષદારૂ પીવાથી કે બીજું કંઈ કરવાથી તારો ભાઈ ઠોકર ખાતો હોય તો, એ સારું કહેવાશે કે તું એમ ન કરે.” (રોમ. ૧૪:૨૧) દારૂ પીવો કે નહિ એ વ્યક્તિગત બાબત છે. બીજા ઈશ્વરભક્તને ઠોકર લાગે એવા કિસ્સામાં આપણે શું કરીશું? બીજાઓના અંતઃકરણને ઠોકર ન લાગે માટે આપણે દારૂ પીવાનું જતું કરવું જોઈએ. કદાચ એક ભાઈ સત્ય શીખ્યા પહેલાં દારૂના બંધાણી હતા, પણ હવે તેમણે જરા પણ દારૂ ન પીવાની મનમાં ગાંઠ વાળી છે. આપણે એવું કંઈ પણ નહિ કરીએ, જેથી તે ફરી પોતાની જૂની લત તરફ વળે. (૧ કોરીં. ૬:૯, ૧૦) ધારો કે, એ ભાઈ આપણા ઘરે આવે અને દારૂ પીવાની ના પાડે, તોપણ શું આપણે તેમને આગ્રહ કરીશું? ના, આપણે એવું ક્યારેય નહિ કરીએ.
૧૩. ખુશખબર ફેલાવવા કઈ રીતે તિમોથીએ બીજાઓના અંતઃકરણનું ધ્યાન રાખ્યું?
પ્રે.કા. ૧૬:૩; ૧ કોરીં. ૯:૧૯-૨૩) બીજાઓને મદદ કરવા શું તમે કોઈપણ ભોગ આપવા તૈયાર છો?
૧૩ યુવાન તિમોથીએ સુન્નત કરાવવાનું નક્કી કર્યું. એ પીડાકારક હતું તોપણ તેમણે એમ કર્યું. તેમણે યહુદીઓને ખુશખબર જણાવવાની હતી. તે જાણતા હતા કે સુન્નત કરાવવી યહુદીઓ માટે મહત્ત્વનું હતું. પાઊલની જેમ, તિમોથી પણ કોઈને ઠોકરરૂપ થવા માંગતા ન હતા. (“ઈશ્વરની ભક્તિમાં સંપૂર્ણ બનવા પ્રગતિ કરતા રહીએ”
૧૪, ૧૫. (ક) પરિપક્વ બનવાનો શો અર્થ થાય? (ખ) પરિપક્વ ઈશ્વરભક્તો બીજાઓ સાથે કઈ રીતે વર્તે છે?
૧૪ આપણે બધા જ “ખ્રિસ્ત વિશેનું મૂળ શિક્ષણ” શીખીને ‘ઈશ્વરની ભક્તિમાં સંપૂર્ણ બનવા પ્રગતિ કરતા રહેવા’ ચાહીએ છીએ. એટલે કે, આપણે પરિપક્વ બનવા માંગીએ છીએ. (હિબ્રૂ. ૬:૧) ભલે આપણે ઘણાં વર્ષોથી સત્યમાં હોઈએ, પણ એનો અર્થ એવો નથી કે આપણે પરિપક્વ થઈ ગયા છીએ. પરિપક્વ બનવા માટે ઘણી મહેનત કરવી જોઈએ. આપણે જ્ઞાન અને સમજણમાં વધતા રહેવાની જરૂર છે. એ માટે આપણે દરરોજ બાઇબલ વાંચવું જોઈએ. (ગીત. ૧:૧-૩) તમે દરરોજ બાઇબલ વાંચશો તો, યહોવાના નિયમો અને સિદ્ધાંતોને સારી રીતે સમજી શકશો.
૧૫ ઈશ્વરભક્તો માટે સૌથી મહત્ત્વનો નિયમ કયો છે? એ છે પ્રેમનો નિયમ. ઈસુએ શિષ્યોને કહ્યું હતું કે, “જો તમે એકબીજા પર પ્રેમ રાખશો, તો એનાથી બધા જાણશે કે તમે મારા શિષ્યો છો.” (યોહા. ૧૩:૩૫) પ્રેમ “રાજમાન્ય નિયમ” તરીકે ઓળખાય છે અને એ “નિયમશાસ્ત્રને પૂર્ણ કરે છે.” (યાકૂ. ૨:૮; રોમ. ૧૩:૧૦) એમાં કોઈ નવાઈ નથી કે પ્રેમ સૌથી મહત્ત્વનો ગુણ ગણાય છે. કેમ કે, બાઇબલ જણાવે છે કે “ઈશ્વર પ્રેમ છે.” (૧ યોહા. ૪:૮) ઈશ્વરનો પ્રેમ ફક્ત લાગણીઓમાં દેખાતો નથી. તેમનો પ્રેમ કાર્યોમાં પણ દેખાય આવે છે. યોહાને લખ્યું હતું કે, “આપણા કિસ્સામાં ઈશ્વરનો પ્રેમ આ રીતે બતાવવામાં આવ્યો છે: ઈશ્વરે પોતાના એકના એક દીકરાને દુનિયામાં મોકલ્યા, જેથી આપણે તેમના દ્વારા જીવન મેળવીએ.” (૧ યોહા. ૪:૯) યહોવા, ઈસુ, ભાઈ-બહેનો અને બીજા લોકો માટે પ્રેમ બતાવીએ છીએ ત્યારે, સાબિત થાય છે કે આપણે પરિપક્વ ઈશ્વરભક્તો છીએ.—માથ. ૨૨:૩૭-૩૯.
૧૬. પરિપક્વ ઈશ્વરભક્તો બનતા જઈશું તેમ, સિદ્ધાંતો માટે આપણી કદર શા માટે વધતી જશે?
૧૬ આપણે પરિપક્વ ઈશ્વરભક્તો બનતા જઈશું તેમ, સિદ્ધાંતો માટે આપણી કદર વધતી જશે. નિયમ કોઈ ખાસ સંજોગમાં લાગુ પડે છે, જ્યારે કે સિદ્ધાંત અલગ અલગ સંજોગોમાં લાગુ પડે છે. દાખલા તરીકે, એક બાળક સમજી શકતું નથી કે ખરાબ લોકો સાથે મિત્રતા કરવી કેટલું જોખમકારક છે. એટલે, તેનું રક્ષણ કરવા માબાપે નિયમો બનાવવા પડે છે. (૧ કોરીં. ૧૫:૩૩) પરંતુ, બાળકની સમજણ વધતી જાય છે તેમ બાઇબલ સિદ્ધાંતો લાગુ પાડવાનું તે શીખવા લાગે છે. આ સિદ્ધાંતો તેને સારા મિત્રો પસંદ કરવા મદદ કરશે. (૧ કોરીંથીઓ ૧૩:૧૧; ૧૪:૨૦ વાંચો.) બાઇબલના સિદ્ધાંતો વિશે આપણી સમજણ વધશે તેમ, આપણું અંતઃકરણ વધારે સારું માર્ગદર્શન આપી શકશે. પરિણામે, ગમે એ સંજોગો ઊભા થાય આપણે યહોવાની ઇચ્છા પ્રમાણે વર્તીશું.
૧૭. શા માટે કહી શકાય કે સારા નિર્ણયો લેવા માટે જરૂરી એવી બાબતો આપણી પાસે છે?
૧૭ યહોવા ખુશ થાય, એવા નિર્ણયો લેવા શું આપણી પાસે જરૂરી બધી બાબતો છે? હા. બાઇબલમાં એવા નિયમો અને સિદ્ધાંતો છે, જેનાથી ‘એકદમ કુશળ અને દરેક સારા કામ માટે પૂરેપૂરા તૈયાર થવા’ આપણને મદદ મળશે. (૨ તિમો. ૩:૧૬, ૧૭) બાઇબલના સિદ્ધાંતો દ્વારા આપણને યહોવાના વિચારો સમજવા મદદ મળે છે. પણ એ સિદ્ધાંતો શોધવા કમર કસવી પડે છે. (એફે. ૫:૧૭) વૉચ ટાવર પબ્લિકેશન ઇન્ડેક્સ, યહોવાના સાક્ષીઓ માટે સંશોધન માર્ગદર્શિકા, વૉચટાવર લાઇબ્રેરી, વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી અને JW લાઇબ્રેરી ઍપથી આપણને મદદ મળે છે. વ્યક્તિગત અભ્યાસ અને કુટુંબ તરીકેની ભક્તિમાં આ સાધનોનો ઉપયોગ કરીશું તો, આપણને ફાયદો થશે.
બાઇબલથી કેળવાયેલા અંતઃકરણથી આશીર્વાદ મળે છે
૧૮. આપણા જીવનમાં યહોવાના નિયમો અને સિદ્ધાંતો પાળવાથી કેવો ફાયદો થશે?
૧૮ યહોવાના નિયમો અને સિદ્ધાંતો પાળવાથી આપણા જીવનમાં ઘણો સુધારો થાય છે! ગીતશાસ્ત્ર ૧૧૯:૯૭-૧૦૦ જણાવે છે: ‘હું તમારા નિયમ પર કેટલો બધો પ્રેમ રાખું છું! આખો દિવસ તેનું જ મનન કરું છું. તમારી આજ્ઞાઓ મારા શત્રુઓના કરતાં મને બુદ્ધિમાન કરે છે; કેમ કે તેઓ સદા મારી પાસે છે. મારા સર્વ શિક્ષકો કરતાં હું વધુ સમજું છું; કેમ કે હું તમારાં સૂચનોનું ધ્યાન ધરૂં છું. વૃદ્ધોના કરતાં હું વિશેષ જાણું છું, કેમ કે મેં તમારા આદેશો પાળ્યા છે.’ ઈશ્વરના નિયમો અને સિદ્ધાંતો પર મનન કરવા સમય કાઢીશું તો, આપણે ડહાપણ અને સમજદારીથી વર્તી શકીશું. આપણું અંતઃકરણ કેળવવા તેમના નિયમો અને સિદ્ધાંતોનો ઉપયોગ કરીશું ત્યારે, ‘ખ્રિસ્તની જેમ આપણે પરિપક્વ થઈશું.’—એફે. ૪:૧૩.
^ ફકરો. 2 હોકાયંત્ર એવું સાધન છે, જેમાં લોહચુંબકવાળી સોય હોય છે, જે ઉત્તર દિશા બતાવે છે. જો હોકાયંત્ર બરાબર કામ કરતું હશે, તો વ્યક્તિ ખોટી દિશામાં જશે નહિ.