સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

યહોવા અને ઈસુ એકતામાં છે, એમ આપણે બધા પણ એકતામાં રહીએ

યહોવા અને ઈસુ એકતામાં છે, એમ આપણે બધા પણ એકતામાં રહીએ

‘હું વિનંતી કરું છું કે તેઓ બધા એક થાય, હે પિતા, જેમ તમે મારી સાથે એકતામાં છો.’—યોહા. ૧૭:૨૦, ૨૧.

ગીતો: ૧૬, ૩૧

૧, ૨. (ક) પ્રેરિતો સાથેની છેલ્લી પ્રાર્થનામાં ઈસુએ શું માંગ્યું? (ખ) પ્રેરિતો વચ્ચેની એકતા વિશે ઈસુને કેમ ચિંતા થઈ હશે?

ઈસુએ પ્રેરિતો સાથે છેલ્લું ભોજન લીધું ત્યારે, તેમને પ્રેરિતો વચ્ચેની એકતા વિશે ચિંતા હતી. તેમણે શિષ્યો સાથે પ્રાર્થના કરી. એ વખતે તેમણે કહ્યું કે જેમ તે અને પિતા એકતામાં છે, એવી જ રીતે શિષ્યો પણ એકતામાં રહે એવું તે ચાહે છે. (યોહાન ૧૭:૨૦, ૨૧ વાંચો.) જો ઈસુના શિષ્યો વચ્ચે એકતા રહે, તો એનાથી લોકો આગળ સાબિત થાય કે યહોવાએ ઈસુને પૃથ્વી પર મોકલ્યા છે. શિષ્યો વચ્ચેનો પ્રેમ તેઓની ઓળખ બનવાનો હતો. એનાથી તેઓની એકતામાં વધારો થવાનો હતો.—યોહા. ૧૩:૩૪, ૩૫.

એ રાતે ઈસુએ પ્રેરિતોને એકતા વિશે ઘણું શીખવ્યું હતું. તેમના પ્રેરિતોમાં એકતાની ખામી હતી એટલે સમજી શકાય કે તેમણે એ વિશે કેમ વાત કરી હતી. દાખલા તરીકે, પહેલાંની જેમ એ રાતે પણ પ્રેરિતો વચ્ચે “તેઓમાં કોણ સૌથી મોટું ગણાય,” એ વિશે ચર્ચા થઈ હતી. (લુક ૨૨:૨૪-૨૭; માર્ક ૯:૩૩, ૩૪) બીજા એક સમયે, યાકૂબ અને યોહાને ઈસુને કહ્યું કે સ્વર્ગના રાજ્યમાં ઈસુની બાજુનું સ્થાન, એટલે કે મહત્ત્વનું સ્થાન તેઓને આપે.—માર્ક ૧૦:૩૫-૪૦.

૩. કઈ બાબતોને લીધે શિષ્યોમાં એકતાની ખામી હતી અને આપણે કયા સવાલોની ચર્ચા કરીશું?

ઈસુના શિષ્યો વચ્ચે એકતાની ખામીનું કારણ ફક્ત અધિકાર મેળવવાની ઇચ્છા જ ન હતી. એ સમયમાં નફરત અને પૂર્વગ્રહના લીધે લોકોમાં ભાગલા પડી ગયા હતા. ઈસુના શિષ્યોએ આવી ખોટી લાગણીઓ પર જીત મેળવવાની હતી. હવે, આપણે આ સવાલોની ચર્ચા કરીશું: ઈસુએ પૂર્વગ્રહને કઈ રીતે હાથ ધર્યો? તેમણે કઈ રીતે પોતાના શિષ્યોને ભેદભાવ ન કરવાનું અને એકતામાં રહેવાનું શીખવ્યું? કઈ રીતે ઈસુના દાખલા અને તેમના શિક્ષણથી આપણને એકતામાં રહેવા મદદ મળે છે?

ઈસુ અને તેમના શિષ્યોએ પૂર્વગ્રહનો સામનો કર્યો

૪. ઈસુએ પૂર્વગ્રહનો સામનો કર્યો હોય, એવા દાખલા આપો.

ઈસુએ પણ પૂર્વગ્રહનો સામનો કર્યો હતો. એકવાર, ફિલિપે નથાનિયેલને જણાવ્યું કે તેમને મસીહ મળ્યા છે. એ સમયે નથાનિયેલે કહ્યું: “શું નાઝરેથમાંથી કંઈ પણ સારું આવી શકે?” (યોહા. ૧:૪૬) કદાચ નથાનિયેલ જાણતા હશે કે, મીખાહ ૫:૨ની ભવિષ્યવાણી પ્રમાણે મસીહનો જન્મ બેથલેહેમમાં થવો જોઈએ. તેમણે કદાચ વિચાર્યું હશે, નાઝરેથ એટલું મહત્ત્વનું નથી કે એ મસીહનું વતન બની શકે. ઈસુ ગાલીલના હતા, એટલે યહુદિયાના આગળ પડતા લોકો તેમને નીચી નજરે જોતા હતા. (યોહા. ૭:૫૨) યહુદિયાના ઘણા લોકો ગાલીલના લોકોને પોતાનાથી નીચા ગણતા હતા. બીજા યહુદીઓએ ઈસુને સમરૂની કહીને તેમનું અપમાન કર્યું હતું. (યોહા. ૮:૪૮) સમરૂનીઓ બીજા દેશના હતા અને તેઓનો ધર્મ યહુદીઓના ધર્મ કરતાં અલગ હતો. યહુદિયાના અને ગાલીલના લોકો સમરૂનીઓને માનની નજરે જોતા ન હતા અને તેઓથી દૂર રહેતા હતા.—યોહા. ૪:૯.

૫. ઈસુના શિષ્યોએ કેવા પૂર્વગ્રહનો સામનો કરવો પડ્યો?

યહુદી ધાર્મિક આગેવાનો પણ ઈસુના અનુયાયીઓને ગણકારતા ન હતા. ફરોશીઓ તેઓને ‘શાપિત લોકો’ કહેતા હતા. (યોહા. ૭:૪૭-૪૯) યહુદીઓની ધાર્મિક શાળાઓમાં અભ્યાસ કર્યો ન હોય અને તેઓનાં રીતિ-રિવાજો પાળતા ન હોય, એવા લોકોને ફરોશીઓ સામાન્ય અને નકામા ગણતા હતા. (પ્રે.કા. ૪:૧૩, ફૂટનોટ) ઈસુ અને તેમના શિષ્યોએ પૂર્વગ્રહનો સામનો કરવો પડ્યો હતો. કારણ કે, એ સમયે લોકોને પોતાના ધર્મ, સમાજમાં મળેલી પદવી અને જાતિ માટે ઘમંડ હતું. એટલે શિષ્યોમાં પણ પૂર્વગ્રહની છાંટ દેખાવા લાગી હતી. ઈસુના શિષ્યોએ એકતામાં રહેવા પોતાના વિચારોમાં અમુક ફેરફાર કરવાની જરૂર હતી.

૬. દાખલા આપીને સમજાવો કે કઈ રીતે પૂર્વગ્રહની આપણા પર અસર થઈ શકે?

આજે દુનિયામાં જ્યાં જુઓ ત્યાં પૂર્વગ્રહ જોવા મળે છે. લોકો આપણા વિશે પૂર્વગ્રહ રાખતા હોય શકે અથવા અમુક હદે કદાચ આપણે પણ બીજાઓ વિશે પૂર્વગ્રહ રાખતા હોય શકીએ. ઑસ્ટ્રેલિયામાં પાયોનિયરીંગ કરી રહેલાં એક બહેન અગાઉ પૂર્વગ્રહ રાખતાં હતાં, તે કહે છે: ‘ત્યાંના મૂળ રહેવાસીઓ સાથે વર્ષોથી અન્યાય થતો હતો. એ જોઈને ગોરા લોકો માટે મારી નફરત વધી રહી હતી.’ તેમની નફરત પાછળનું બીજું એક કારણ હતું કે અમુક લોકોએ તેમની સાથે ખરાબ વ્યવહાર કર્યો હતો. કેનેડામાં રહેતા એક ભાઈ જેમને અગાઉ ભાષા માટે પૂર્વગ્રહ હતો, તે કબૂલે છે: ‘મને લાગતું કે ફ્રેંચ બોલતા લોકો ચઢિયાતા છે.’ એટલે, તેમને અંગ્રેજી બોલતા લોકો સાથે વાત કરવાનું પણ ન ગમતું.

૭. ઈસુએ પૂર્વગ્રહની લાગણીને કઈ રીતે હાથ ધરી?

ઈસુના સમયની જેમ, આજે પણ પૂર્વગ્રહની લાગણી લોકોના મનમાં ઘર કરી ગઈ છે અને એને કાઢવી અઘરી હોય છે. ઈસુએ એવી લાગણીઓને કઈ રીતે હાથ ધરી? પહેલી રીત, તેમણે ક્યારેય પોતાનામાં પૂર્વગ્રહની લાગણી આવવા દીધી નહિ. તેમણે ક્યારેય પક્ષપાત કર્યો નહિ. તેમણે બધાને ખુશખબર જણાવી હતી. ભલે પછી તેઓ ગરીબ હોય કે ધનવાન, ફરોશીઓ હોય કે સમરૂનીઓ. અરે, તેમણે તો કર ઉઘરાવનારાઓને અને પાપીઓને પણ ખુશખબર જણાવી હતી. બીજી રીત, ઈસુએ શિષ્યોને શીખવ્યું અને પોતાના દાખલાથી બતાવ્યું કે બીજાઓ માટે પોતાના મનમાં શંકા કે પૂર્વગ્રહ ન રાખવો જોઈએ.

પ્રેમ અને નમ્રતાથી પૂર્વગ્રહને જડમૂળથી ઉખેડી નાખો

૮. આપણી એકતા કયા મહત્ત્વના સિદ્ધાંત પર આધારિત છે? સમજાવો.

ઈસુએ એક મહત્ત્વનો સિદ્ધાંત શીખવ્યો, જેના આધારે આપણે એકતા જાળવી શકીએ છીએ. ઈસુએ શિષ્યોને કહ્યું, “તમે બધા ભાઈઓ છો.” (માથ્થી ૨૩:૮, ૯ વાંચો.) આદમનાં બાળકો હોવાથી, એક રીતે આપણે બધાં ભાઈ-બહેનો છીએ. (પ્રે.કા. ૧૭:૨૬) ઈસુએ સમજાવ્યું કે તેમના શિષ્યો પણ એકબીજાનાં ભાઈ-બહેનો હતાં. કારણ કે, તેઓ બધાં યહોવાને સ્વર્ગમાંના પિતા માનતાં હતાં. (માથ. ૧૨:૫૦) તેઓ ઈશ્વરના કુટુંબનો ભાગ બન્યાં હતાં તથા પ્રેમ અને શ્રદ્ધાથી એકબીજા સાથે જોડાયેલાં હતાં. એટલા જ માટે પ્રેરિતોએ મંડળોને લખેલા પત્રોમાં બીજા ઈશ્વરભક્તોને ભાઈ-બહેનો કહ્યાં હતાં.—રોમ. ૧:૧૩; ૧ પીત. ૨:૧૭; ૧ યોહા. ૩:૧૩. *

૯, ૧૦. (ક) પોતાની જાતિ પર ઘમંડ કરવાનું શા માટે યહુદીઓ પાસે કોઈ કારણ ન હતું? (ખ) ઈસુએ કઈ રીતે શીખવ્યું કે બીજી જાતિના લોકોને નીચી નજરે જોવું ખોટું છે? (શરૂઆતનું ચિત્ર જુઓ.)

ઈસુએ પોતાના શિષ્યોને શીખવ્યું કે તેઓએ એકબીજાને ભાઈ-બહેનો ગણવા જોઈએ. પછી, તેમણે નમ્ર બનવા પર ભાર મૂક્યો. (માથ્થી ૨૩:૧૧, ૧૨ વાંચો.) આપણે અગાઉ શીખી ગયા તેમ, ઘણી વાર ઘમંડને કારણે પ્રેરિતો વચ્ચેની એકતા જોખમમાં આવી ગઈ હતી. ઈસુના સમયમાં લોકોને પોતાની જાતિનું ઘણું અભિમાન હતું. ઘણા યહુદીઓને લાગતું કે, તેઓ ઈબ્રાહીમના વંશજ હોવાથી બીજાઓ કરતાં ચઢિયાતા છે. પરંતુ યોહાન બાપ્તિસ્મા આપનારે તેઓને કહ્યું હતું કે, “ઈશ્વર આ પથ્થરોમાંથી ઈબ્રાહીમને માટે સંતાનો ઉત્પન્ન કરી શકે છે.”—લુક ૩:૮.

૧૦ ઈસુએ શીખવ્યું કે પોતાની જાતિ પર અભિમાન કરવું ખોટું છે. એક શાસ્ત્રીએ તેમને પૂછ્યું હતું કે, “મારો પડોશી ખરેખર કોણ છે?” ઈસુએ એનો જવાબ આપવા માટે એક વાર્તા કહી હતી. એક યહુદીને લુટારાઓએ માર માર્યો અને તેને રસ્તા પર મૂકીને જતા રહ્યા. અમુક યહુદીઓ ત્યાંથી પસાર થયા, પણ તેઓએ તેને મદદ કરી નહિ. એક સમરૂનીનું હૈયું કરુણાથી ભરાઈ આવ્યું અને તેણે એ યહુદીની સંભાળ લીધી. વાર્તાના અંતે, ઈસુએ શાસ્ત્રીને કહ્યું કે તેણે પણ એ સમરૂની જેવા બનવું જોઈએ. (લુક ૧૦:૨૫-૩૭) ઈસુએ બતાવ્યું કે એક સમરૂની બધા યહુદીઓને પડોશી માટે ખરો પ્રેમ રાખવાનું શીખવી શકે છે.

૧૧. શા માટે શિષ્યોએ ભેદભાવ રાખવાનો ન હતો અને એ સમજવા ઈસુએ તેઓને કઈ રીતે મદદ કરી?

૧૧ સ્વર્ગમાં જતા પહેલાં ઈસુએ શિષ્યોને “આખા યહુદિયા, સમરૂન અને પૃથ્વીના છેડા સુધી” ખુશખબર ફેલાવવાનું જણાવ્યું હતું. (પ્રે.કા. ૧:૮) એ માટે ઈસુના શિષ્યોએ ઘમંડ અને પૂર્વગ્રહની લાગણીઓને દૂર કરવાની જરૂર હતી. શિષ્યો બીજી જાતિના લોકોને પણ પ્રચાર કરવા તૈયાર થઈ શકે માટે ઈસુએ શું કર્યું? તેમણે ઘણી વાર બીજી જાતિના લોકોના સારા ગુણો વિશે વાત કરી હતી. દાખલા તરીકે, ઈસુએ બીજી જાતિના એક લશ્કરી અધિકારીની શ્રદ્ધાના વખાણ કર્યા હતા. (માથ. ૮:૫-૧૦) પોતાના વતન નાઝરેથમાં ઈસુએ જણાવ્યું કે યહોવાએ બીજી જાતિના લોકોને મદદ કરી હતી. જેમ કે, સિદોન દેશના સારફતની વિધવા અને સિરિયાના નામાન. (લુક ૪:૨૫-૨૭) ઈસુએ એક સમરૂની સ્ત્રીને પ્રચાર કર્યો હતો. અરે, તેમણે તો સમરૂનમાં બે દિવસ પણ વિતાવ્યા, કારણ કે ત્યાંના લોકોને તેમના સંદેશામાં રસ હતો.—યોહા. ૪:૨૧-૨૪, ૪૦.

પહેલી સદીના ખ્રિસ્તીઓએ પૂર્વગ્રહ વિરુદ્ધ લડવું પડ્યું

૧૨, ૧૩. (ક) ઈસુએ સમરૂની સ્ત્રી સાથે વાત કરી ત્યારે શિષ્યોને કેવું લાગ્યું? (શરૂઆતનું ચિત્ર જુઓ.) (ખ) શાના પરથી કહી શકાય કે યાકૂબ અને યોહાન ઈસુની વાતને પૂરેપૂરી સમજ્યા ન હતા?

૧૨ પૂર્વગ્રહનો સામનો કરવો પ્રેરિતો માટે સહેલું ન હતું. ઈસુ સમરૂની સ્ત્રીને ખુશખબર જણાવતા હતા, એ જોઈને તેઓને ઘણી નવાઈ લાગી. (યોહા. ૪:૯, ૨૭) શા માટે? કારણ કે યહુદી ધર્મગુરુઓ જાહેરમાં સ્ત્રીઓ સાથે વાત કરતા નહિ. એમાંય એવી સમરૂની સ્ત્રી સાથે ક્યારેય નહિ, જેની શાખ સારી ન હોય. પ્રેરિતોએ ઈસુને જમવાનું કહ્યું, પરંતુ ઈસુ માટે સ્ત્રીને ખુશખબર જણાવવી એ ભોજન કરતાં પણ વધારે મહત્ત્વનું હતું. અરે, તેમની ભૂખ પણ ભૂલાઈ ગઈ. દરેક જાતિના લોકોને ખુશખબર જણાવવી, એ તેમના પિતાની ઇચ્છા હતી. ઈસુ માટે એ ઇચ્છા પૂરી કરવી ખોરાક સમાન હતું.—યોહા. ૪:૩૧-૩૪.

૧૩ આ મહત્ત્વનો બોધપાઠ યાકૂબ અને યોહાન સમજી શક્યા નહિ. શિષ્યો ઈસુ સાથે સમરૂનમાંથી પસાર થઈ રહ્યા હતા ત્યારે, તેઓ રાત રોકાવા જગ્યા શોધતા હતા. પણ સમરૂનીઓએ તેઓને ગામમાં રોકાવા દીધા નહિ. યાકૂબ અને યોહાન ઘણા ગુસ્સે થયા અને તેઓ એ ગામ પર આકાશમાંથી આગ વરસાવીને એનો નાશ કરવા ચાહતા હતા. ઈસુએ તેઓને ઠપકો આપ્યો. (લુક ૯:૫૧-૫૬) જો આ બનાવ યાકૂબ અને યોહાનના વતન ગાલીલમાં થયો હોત, તો કદાચ તેઓ આટલા ગુસ્સે થયા ન હોત. તેઓના મનમાં સમરૂનીઓ માટે પૂર્વગ્રહ હોવાથી તેઓ ગુસ્સે ભરાયા હતા. પછીથી, યોહાને સમરૂનીઓને ખુશખબર જણાવી અને ઘણા લોકોએ એ સાંભળી હતી. અગાઉ જે કર્યું હતું એને યાદ કરીને તે કદાચ એ સમયે શરમમાં મૂકાઈ ગયા હશે.—પ્રે.કા. ૮:૧૪, ૨૫.

૧૪. ભાષાને લગતો વિવાદ કઈ રીતે હલ કરવામાં આવ્યો?

૧૪ ઈસવીસન ૩૩ના થોડા સમય પછી, મંડળમાં ભેદભાવની અસર દેખાતી હતી. ગરીબ વિધવાઓ વચ્ચે ખોરાકની વહેંચણી કરતી વખતે ભાઈઓ ગ્રીક બોલતી વિધવાઓની અવગણના કરતા હતા. (પ્રે.કા. ૬:૧) એનું કારણ કદાચ ભાષા પ્રત્યેનો પૂર્વગ્રહ હોય શકે. પ્રેરિતો વિવાદનો તરત હલ લાવ્યા. ખોરાકની વહેંચણી યોગ્ય રીતે કરવા તેઓએ સાત અનુભવી ભાઈઓને પસંદ કર્યા. નારાજ થયેલી વિધવાઓને એનાથી દિલાસો મળ્યો હશે, કારણ કે એ સાત ભાઈઓના નામ ગ્રીક ભાષાના હતા.

૧૫. પીતર કઈ રીતે ભેદભાવ ન રાખવાનું શીખ્યા? (શરૂઆતનું ચિત્ર જુઓ.)

૧૫ સાલ ૩૬માં ઈસુના શિષ્યોએ દરેક પ્રજાના લોકોને ખુશખબર જણાવવાનું શરૂ કર્યું. એ પહેલાં, પ્રેરિત પીતરે મોટાભાગે યહુદીઓ સાથે જ સમય વિતાવ્યો હતો. પછી ઈશ્વરે તેમને સ્પષ્ટ જણાવ્યું કે ઈશ્વરભક્તોએ પક્ષપાત કરવો ન જોઈએ. એટલે પીતરે રોમન અધિકારી કર્નેલિયસને ખુશખબર જણાવી. (પ્રેરિતોનાં કાર્યો ૧૦:૨૮, ૩૪, ૩૫ વાંચો.) એ પછી, પીતર બિનયહુદી ખ્રિસ્તીઓ સાથે ખાવા-પીવા અને હળવા-મળવા લાગ્યા. જોકે, વર્ષો પછી તેમણે અંત્યોખ શહેરમાં બિનયહુદી ખ્રિસ્તીઓ સાથે ખાવા-પીવાનું બંધ કરી દીધું. (ગલા. ૨:૧૧-૧૪) પાઊલે પીતરને ઠપકો આપ્યો અને પીતરે એ સ્વીકાર્યો. એ આપણે શાના પરથી કહી શકીએ? પીતરે એશિયા માઈનોરના યહુદી અને બિનયહુદી ખ્રિસ્તીઓને પત્ર લખ્યો ત્યારે, જણાવ્યું કે બધા ભાઈઓ પર પ્રેમ રાખવો કેટલું મહત્ત્વનું છે.—૧ પીત. ૧:૧; ૨:૧૭.

૧૬. શરૂઆતના ખ્રિસ્તીઓ શાના માટે જાણીતા હતા?

૧૬ ઈસુના દાખલાથી પ્રેરિતો “દરેક પ્રકારના લોકોને” પ્રેમ બતાવવાનું શીખ્યા હતા. (યોહા. ૧૨:૩૨; ૧ તિમો. ૪:૧૦) ભલે એમાં સમય લાગ્યો, પણ તેઓએ પોતાના વિચારોમાં ફેરફાર કર્યો હતો. શરૂઆતના ખ્રિસ્તીઓ એકબીજાને પ્રેમ બતાવતા હતા. એ તેઓની ઓળખ બની ગઈ હતી. આશરે બીજી સદીમાં, ટર્ટુલિયન નામના લેખકે શરૂઆતના ખ્રિસ્તીઓ વિશે બીજા લોકો જે વિચારતા હતા એ નોંધ્યું હતું. તેણે લખ્યું: ‘તેઓ એકબીજા માટે પ્રેમ બતાવે છે. અરે, તેઓ તો એકબીજા માટે જીવ આપવા પણ તૈયાર હોય છે.’ તેઓએ “નવો સ્વભાવ” પહેર્યો હોવાથી, ઈશ્વરની જેમ તેઓ બધાને એક સમાન ગણવા લાગ્યા.—કોલો. ૩:૧૦, ૧૧.

૧૭. આપણે કઈ રીતે પૂર્વગ્રહની લાગણીઓને જડમૂળથી કાઢી શકીએ? દાખલા આપો.

૧૭ આજે પણ પૂર્વગ્રહની લાગણીને જડમૂળથી કાઢી નાખવામાં સમય લાગે છે. ફ્રાંસનાં એક બહેન માટે પણ એમ કરવું અઘરું હતું. તે જણાવે છે: ‘યહોવાએ મને શીખવ્યું છે કે પ્રેમનો શો અર્થ થાય, એકબીજાને કઈ રીતે મદદ કરવી અને બધી જાતિના લોકો માટે કઈ રીતે પ્રેમ બતાવવો. પરંતુ, હું આજે પણ પૂર્વગ્રહની લાગણીને કાબૂમાં રાખવાનું શીખી રહી છું. એમ કરવું હંમેશાં સહેલું હોતું નથી. એટલે, એ વિશે હું હંમેશાં પ્રાર્થના કરું છું.’ સ્પેનનાં એક બહેન જણાવે છે કે તેમણે હજુ પણ કેટલીક વાર અમુક જાતિના લોકો માટે પૂર્વગ્રહની લાગણીઓ સામે લડત આપવી પડે છે. તે કહે છે: ‘મોટાભાગે એની સામે હું જીત મેળવું છું. હું જાણું છું કે મારે સતત લડત આપવી પડશે. દુનિયા ફરતેના ભાઈચારાનો ભાગ બનવાથી હું ઘણી ખુશ છું અને એ માટે યહોવાનો હું આભાર માનું છું.’ આપણે બધાએ પોતાની તપાસ કરવી જોઈએ. જો પૂર્વગ્રહની કોઈ છાંટ આપણામાં દેખાય, તો એને આપણે દૂર કરવાની જરૂર છે.

પ્રેમ વધતો જશે, તેમ પૂર્વગ્રહ ઘટતો જશે

૧૮, ૧૯. (ક) આપણે શા માટે દરેકનો આવકાર કરવો જોઈએ? (ખ) આપણે કઈ રીતે એમ કરી શકીએ?

૧૮ આપણે યાદ રાખવું જોઈએ કે અગાઉ આપણે બધા સાચા ઈશ્વરને જાણતા ન હતા. (એફે. ૨:૧૨) પણ યહોવા પ્રેમથી આપણને તેમની તરફ દોરી લાવ્યા છે. (હોશી. ૧૧:૪; યોહા. ૬:૪૪) ખ્રિસ્તે પણ આપણો આવકાર કર્યો છે. ઈશ્વરના કુટુંબનો ભાગ બનવા તેમણે આપણા માટે દ્વાર ખોલ્યું છે. (રોમનો ૧૫:૭ વાંચો.) યાદ રાખીએ કે અપૂર્ણ હોવા છતાં ઈસુએ આપણને સ્વીકાર્યા છે. તો પછી, બીજાઓને નકારવાનો વિચાર આપણા મનમાં પણ ન આવવો જોઈએ!

‘સ્વર્ગમાંના ડહાપણની’ ઇચ્છા રાખતા હોવાથી આપણે એકતામાં છીએ અને એકબીજાને પ્રેમ બતાવીએ છીએ (ફકરો ૧૯ જુઓ)

૧૯ આપણે આ દુષ્ટ દુનિયાના અંતની નજીક જઈશું તેમ, લોકોમાં ભાગલા, પૂર્વગ્રહ અને નફરત વધતા જશે. (ગલા. ૫:૧૯-૨૧; ૨ તિમો. ૩:૧૩) પણ યહોવાના ભક્તો તરીકે, આપણે ‘સ્વર્ગમાંનું ડહાપણ’ મેળવવા માંગીએ છીએ. એ ડહાપણથી આપણને પક્ષપાત ન કરવા અને શાંતિ જાળવવા મદદ મળશે. (યાકૂ. ૩:૧૭, ૧૮) બીજા દેશના લોકોને મિત્ર બનાવવામાં અને તેઓની ભાષા શીખવામાં આપણને ઘણી ખુશી મળે છે. ભલે તેઓ અલગ સમાજના હોય તોપણ તેઓનો સ્વીકાર કરવામાં આપણને આનંદ મળે છે. એમ કરીશું ત્યારે, ‘નદીના જેવી’ શાંતિ અને “સમુદ્રના મોજાં જેવાં” ન્યાયનો અનુભવ કરીશું.—યશા. ૪૮:૧૭, ૧૮.

૨૦. આપણાં વિચારો અને લાગણીઓ પર પ્રેમની કેવી અસર પડશે?

૨૦ ઑસ્ટ્રેલિયામાં રહેતાં બહેને બાઇબલ અભ્યાસ કર્યો ત્યારે, નફરત અને પૂર્વગ્રહની લાગણીઓ તેમનામાંથી ધીમે ધીમે દૂર થઈ. પ્રેમથી પ્રેરાઈને તેમણે પોતાનાં વિચારો અને લાગણીઓમાં ફેરફાર કર્યો. ફ્રેંચ બોલતા કેનેડાના ભાઈ જણાવે છે કે, લોકો બીજાઓને ઓળખતા ન હોવાથી તેઓને નફરત કરે છે. હવે તેમને એ વાત સમજાઈ છે. તે શીખ્યા કે ‘વ્યક્તિ કેવી છે, એનો આધાર તેનો જન્મ ક્યાં થયો છે એના પર હોતો નથી.’ તેમણે અંગ્રેજી ભાષા બોલતાં બહેન સાથે લગ્ન કર્યા છે. આ દાખલાઓ સાબિત કરે છે કે પ્રેમથી પૂર્વગ્રહ પર જીત મેળવી શકાય છે. સાચો પ્રેમ એકતાની દોરને તૂટવા દેશે નહિ!—કોલો. ૩:૧૪.

^ ફકરો. 8 “ભાઈઓ” શબ્દમાં મંડળની બહેનોનો પણ સમાવેશ થાય છે. પાઊલે રોમના ‘ભાઈઓને’ પત્ર લખ્યો હતો, એમાં બહેનોનો પણ સમાવેશ થતો હતો. કેમ કે, એમાં તેમણે અમુક બહેનોનાં નામનો પણ ઉલ્લેખ કર્યો હતો. (રોમ. ૧૬:૩, ૬, ૧૨) ઘણાં વર્ષોથી ચોકીબુરજમાં ઈશ્વરભક્તોને ‘ભાઈઓ અને બહેનો’ તરીકે ઉલ્લેખવામાં આવે છે.