સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

વાચકો તરફથી પ્રશ્નો

વાચકો તરફથી પ્રશ્નો

‘પવિત્ર શક્તિથી ઉત્પન્‍ન થતા ગુણમાં’ શું ફક્ત ગલાતીઓ ૫:૨૨, ૨૩માં આપેલા ગુણોનો જ સમાવેશ થાય છે?

“પવિત્ર શક્તિથી ઉત્પન્‍ન થતા ગુણ આ છે: પ્રેમ, આનંદ, શાંતિ, ધીરજ, કૃપા, ભલાઈ, શ્રદ્ધા, નમ્રતા અને સંયમ.” એ કલમોમાં નવ ગુણો બતાવ્યા છે. પવિત્ર શક્તિ ફક્ત એ ગુણો કેળવવા જ મદદ કરતી નથી. પરંતુ બીજા ગુણો કેળવવા પણ મદદ કરે છે.

એ કઈ રીતે ખબર પડે? ધ્યાન આપો કે પવિત્ર શક્તિના ગુણો વિશે જણાવતા પહેલાં પ્રેરિત પાઊલે એની આગળની કલમોમાં શું કહ્યું હતું. તેમણે કહ્યું: ‘શરીરનાં કામો છે, વ્યભિચાર, અશુદ્ધતા, બેશરમ કામો, મૂર્તિપૂજા, મેલીવિદ્યા, વેરભાવ, ઝઘડા, ઈર્ષા, અતિશય ગુસ્સો, મતભેદ, ભાગલા પાડવા, પક્ષ પાડવા, અદેખાઈ, દારૂડિયાપણું, બેફામ મિજબાનીઓ અને એનાં જેવાં કામો.’ (ગલા. ૫:૧૯-૨૧) એ કલમોથી ખબર પડે છે કે એવી પણ બીજી બાબતો છે જેને ‘શરીરના કામો’ કહી શકાય, જે વિશે પાઊલે કોલોસીઓ ૩:૫માં જણાવ્યું હતું. એટલે પાઊલે પવિત્ર શક્તિથી ઉત્પન્‍ન થતા નવ ગુણોનું લીસ્ટ આપ્યું ત્યારે, એમાં બધા ગુણો વિશે વાત કરી ન હતી, જેને કેળવવા પવિત્ર શક્તિની જરૂર પડે છે. કારણ કે કલમ ૨૩માં પાઊલે કહ્યું કે “એ બધા વિરુદ્ધ કોઈ નિયમ નથી.” એનાથી ખબર પડે છે એવા બીજા ગુણો છે જે આપણે કેળવવાના છે. પવિત્ર શક્તિ આપણને એ ગુણો કેળવવા મદદ કરશે.

પાઊલે એફેસસના મંડળને જે લખ્યું હતું એમાં એ વાત સાફ સમજાય છે. તેમણે લખ્યું, એ “પ્રકાશનું પરિણામ દરેક પ્રકારની ભલાઈ, નેકી અને સત્ય છે.” (એફે. ૫:૮, ૯) ધ્યાન આપો, “ભલાઈ,” નેકી અને સત્ય એ “પ્રકાશનું પરિણામ” છે. પરંતુ એ બધા “પવિત્ર શક્તિથી ઉત્પન્‍ન થતા ગુણ” છે.

પાઊલે તિમોથીને આ છ ગુણ વિશે અરજ કરી હતી, “સત્યનો માર્ગ, ઈશ્વર માટેનો ભક્તિભાવ, શ્રદ્ધા, પ્રેમ, ધીરજ અને નમ્રતાની પાછળ મંડ્યો રહે.” (૧ તિમો. ૬:૧૧) એમાં “પવિત્ર શક્તિથી ઉત્પન્‍ન થતા” ફક્ત ત્રણ ગુણોનો જ ઉલ્લેખ કર્યો હતો. એ છે પ્રેમ, ધીરજ અને નમ્રતા. પણ તિમોથીને સત્યના માર્ગે ચાલવા, ઈશ્વર માટેનો ભક્તિભાવ કેળવવા અને ધીરજ રાખવા પવિત્ર શક્તિની મદદની જરૂર હતી.—કોલોસીઓ ૩:૧૨; ૨ પીતર ૧:૫-૭ સરખાવો.

એટલે સમજી શકાય કે ગલાતીઓ ૫:૨૨, ૨૩માં જે લીસ્ટ આપ્યું છે, એ સિવાય પણ બીજા ગુણો છે જે ઈશ્વરભક્તોએ કેળવવાના છે. ‘પવિત્ર શક્તિથી ઉત્પન્‍ન થતા ગુણો’ કેળવવા યહોવાની પવિત્ર શક્તિ આપણને મદદ કરશે. પણ એ સિવાય બીજા ગુણો પણ કેળવવા જોઈએ જેનાથી આપણી શ્રદ્ધા મજબૂત થાય છે. એટલું જ નહિ, ‘ઈશ્વરની ઇચ્છા પ્રમાણે ખરાં ધોરણો અને ખરી વફાદારી દ્વારા જે નવો સ્વભાવ રચવામાં આવ્યો છે, એ આપણે પહેરી લઈશું.’—એફે. ૪:૨૪.