સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

અભ્યાસ લેખ ૨૫

“આ નાનાઓમાંના” કોઈને આપણાથી ઠોકર ન લાગવા દઈએ

“આ નાનાઓમાંના” કોઈને આપણાથી ઠોકર ન લાગવા દઈએ

“નાનાઓમાંના એકને તમે ધિક્કારો નહિ.”—માથ. ૧૮:૧૦.

ગીત ૩૯ આપણને શાંતિ મળશે

ઝલક *

૧. યહોવા તમને પોતાની તરફ કેમ દોરી લાવ્યા?

દુનિયાના લાખો-કરોડો લોકોમાં યહોવા તમને પોતાની તરફ દોરી લાવ્યા છે. (યોહા. ૬:૪૪) જરા વિચારો એનો શું અર્થ થાય? એ જ કે તેમણે તમારામાં કંઈક કીમતી જોયું. તેમણે જોયું કે તમે સાફ દિલના છો અને એક દિવસ ચોક્કસ તેમને પ્રેમ કરશો. (૧ કાળ. ૨૮:૯) કેટલી ખુશીની વાત છે કે યહોવા તમને ઓળખે છે, સમજે છે અને પ્રેમ કરે છે!

૨. યહોવા આપણી કાળજી રાખે છે એ સમજાવવા ઈસુએ કયો દાખલો આપ્યો?

યહોવા આપણી કાળજી તો રાખે જ છે, સાથે સાથે બીજાં ભાઈ-બહેનોની પણ તે કાળજી રાખે છે. એ સમજાવવા ઈસુએ એક ઘેટાંપાળકનો દાખલો આપ્યો. એક ઘેટાંપાળક પાસે ૧૦૦ ઘેટાં હતાં. તેનું એક ઘેટું ખોવાઈ ગયું ત્યારે તે બાકીના ‘૯૯ ઘેટાંને પહાડ પર મૂકીને એકને શોધવા’ નીકળી પડ્યો. એ જ્યારે પાછું મળ્યું ત્યારે તે એના પર ગુસ્સે થતો નથી, પણ ખુશ થાય છે. ઈસુએ જણાવ્યું કે યહોવા પણ એક ઘેટાંપાળક જેવા છે. તેમને મન તેમનાં બધાં ઘેટાં કીમતી છે. ઈસુએ કહ્યું: “મારા સ્વર્ગમાંના પિતાને જરાય પસંદ નથી કે આ નાનાઓમાંથી એકનો પણ નાશ થાય.”—માથ. ૧૮:૧૨-૧૪.

૩. આ લેખમાં શું શીખીશું?

આપણે કોઈપણ ભાઈ-બહેનને માઠું લગાડવા નથી ઇચ્છતા. ખરું ને? આ લેખમાં જોઈશું કે આપણા લીધે કોઈને ઠોકર ન લાગે માટે શું કરી શકીએ. વધુમાં જોઈશું કે આપણને બીજાથી ખોટું લાગ્યું હોય તો શું કરી શકીએ. સૌથી પહેલા જોઈએ કે માથ્થીના ૧૮માં અધ્યાયમાં જણાવેલા નાનાઓ કોણ છે.

‘નાનાઓ’ કોણ છે?

૪. ‘નાનાઓ’ કોણ છે?

ઈસુએ જેઓને ‘નાનાઓ’ કહ્યા તેઓ તેમના શિષ્યો છે. એ શિષ્યોમાં દરેક ઉંમરના લોકો છે. તેઓ “બાળકો જેવાં” છે, કારણ કે તેઓ ઈસુ પાસેથી શીખવા હંમેશાં તૈયાર રહે છે. (માથ. ૧૮:૩) ભલે તેઓ અલગ અલગ સમાજના કે જગ્યાના હોય, પણ તેઓ બધા ઈસુ પર શ્રદ્ધા રાખે છે. ઈસુને તેઓ પર ખૂબ પ્રેમ છે.—માથ. ૧૮:૬; યોહા. ૧:૧૨.

૫. ઈશ્વરભક્તને કોઈ ઠોકર ખવડાવે ત્યારે યહોવાને કેવું લાગે છે?

જેમ આપણે મન બાળકો કીમતી હોય છે, તેમ યહોવાને મન બધા શિષ્યો કીમતી છે. આપણે બાળકોનું રક્ષણ કરવા માંગીએ છીએ. કારણ કે તેઓ પાસે મોટાઓની જેમ તાકાત, અનુભવ કે સમજ હોતાં નથી. જો કોઈ મોટાને નુકસાન પહોંચાડે તો આપણને ખરાબ લાગે છે. પણ જો કોઈ બાળકને નુકસાન પહોંચાડે તો આપણને વધારે ખરાબ લાગે છે અને ગુસ્સો આવે છે. યહોવા પણ આપણું રક્ષણ કરવા માંગે છે. જ્યારે તે જુએ છે કે કોઈ વ્યક્તિ તેમના ભક્તને નુકસાન પહોંચાડે છે કે ઠોકર ખવડાવે છે ત્યારે તેમને ગુસ્સો આવે છે.—યશા. ૬૩:૯; માર્ક ૯:૪૨.

૬. પહેલો કોરીંથીઓ ૧:૨૬-૨૯ પ્રમાણે દુનિયા ઈસુના શિષ્યોને કેવા ગણે છે?

ઈસુના શિષ્યો બીજા કયા અર્થમાં ‘નાનાઓ’ છે? દુનિયા એવા લોકોને માન-મહિમા આપે છે જેઓ પાસે નામ-દામ કે પદવી હોય. મોટા ભાગના શિષ્યો પાસે એવું બધું હોતું નથી, એટલે દુનિયા તેઓને નકામા અને ‘નાનાઓ’ સમજે છે. (૧ કોરીંથીઓ ૧:૨૬-૨૯ વાંચો.) પણ યહોવા તેઓને એવી નજરે જોતા નથી.

૭. યહોવાની જેમ આપણે ભાઈ-બહેનો સાથે કઈ રીતે વર્તવું જોઈએ?

યહોવા બધા ઈશ્વરભક્તોને પ્રેમ કરે છે. પછી ભલે તેઓ વર્ષોથી સત્યમાં હોય કે પછી નવા નવા સત્યમાં આવ્યા હોય. એટલે આપણે ફક્ત અમુક ભાઈ-બહેનોને જ નહિ પણ ‘સર્વ ભાઈઓને પ્રેમ બતાવવો’ જોઈએ. (૧ પિત. ૨:૧૭) તેઓના દિલને ઠેસ ન લાગે એનું આપણે ધ્યાન રાખીએ. જો આપણે કોઈને ખોટું લગાડ્યું હોય, તો એમ ન વિચારીએ કે ‘આ શું રાઈનો પહાડ બનાવે છે. તેણે વાતને ભૂલી જવી જોઈએ અને માફ કરી દેવું જોઈએ.’ લોકોને ઘણી વાતોથી ખોટું લાગી શકે છે. અમુક લોકોનો ઉછેર એ રીતે થયો હોય છે કે તેઓ પોતાને બીજાઓથી નીચા ગણે છે. અમુક લોકો સત્યમાં નવા છે અને તેઓ બીજાને માફ કરવાનું શીખી રહ્યા છે. ભલે ગમે એ હોય, આપણે સુલેહ-શાંતિ કરવાનો પ્રયત્ન કરવો જોઈએ. જો આપણને વાતે વાતે ખોટું લાગી જતું હોય તો એ સારું ન કહેવાય. આપણે પોતાનામાં ફેરફાર કરવા જોઈએ. એમ કરીશું તો આપણે ખુશ રહી શકીશું અને ભાઈ-બહેનો સાથે આપણો સંબંધ જાળવી શકીશું.

બીજાઓને ચઢિયાતા ગણીએ

૮. યહૂદીઓ કેવું વિચારતા હતા?

ઈસુએ ‘નાનાઓ’ વિશે કેમ વાત કરી? ઈસુના શિષ્યોએ તેમને પૂછ્યું, “સ્વર્ગના રાજ્યમાં સૌથી મોટું કોણ છે?” (માથ. ૧૮:૧) યહૂદી સમાજમાં માન-સન્માન અને પદવી હોવા બહુ મોટી વાત હતી. એક વિદ્વાન કહે છે, “એ સમાજમાં લોકો માન-સન્માન, નામ-દામ માટે જીવતા હતા. એ માટે તેઓ જરૂર પડ્યે પોતાનો જીવ આપવા પણ તૈયાર હતા.”

૯. ઈસુએ શિષ્યોને શું કહ્યું?

એવા વિચારોનાં મૂળ યહૂદીઓમાં ઊંડે સુધી ઊતરેલાં હતાં. એટલે ઈસુ જાણતા હતા કે શિષ્યોએ મનમાંથી એવા વિચારો કાઢવા મહેનત કરવી પડશે. તેમણે શિષ્યોને કહ્યું: “તમારામાં જે કોઈ સૌથી મોટો હોય તે સૌથી નાના જેવો બને. જે આગેવાની લેતો હોય તે સેવક જેવો બને.” (લૂક ૨૨:૨૬) એટલે જો ‘બીજાઓને આપણા કરતાં ચઢિયાતા ગણીશું’ તો આપણે ‘સૌથી નાના જેવા’ બનીશું. (ફિલિ. ૨:૩) એવું વલણ કેળવતા જઈશું તો ભાગ્યે જ આપણાથી કોઈને ઠોકર લાગશે.

૧૦. આપણે પાઉલની કઈ સલાહ માનવી જોઈએ?

૧૦ આપણે બીજાઓના સારા ગુણો પર ધ્યાન આપવું જોઈએ. એમ કરીશું તો એ સમજવું સહેલું પડશે કે દરેક ભાઈ કે બહેન કોઈને કોઈ રીતે આપણાથી ચઢિયાતા છે. પાઉલે કોરીંથી મંડળને કહ્યું હતું, “એવું તો શું છે કે તમે પોતાને બીજાઓથી ચઢિયાતા ગણો છો? તમારી પાસે એવું તો શું છે, જે તમને ઈશ્વર પાસેથી મળ્યું ન હોય? જો તમને બધું જ ઈશ્વર પાસેથી મળ્યું હોય, તો તમે પોતાની તાકાતના જોરે મેળવ્યું છે એવી બડાઈ કેમ મારો છો?” (૧ કોરીં. ૪:૭) આપણે એ સલાહ માનવી જોઈએ. આપણે લોકોનું ધ્યાન પોતાની તરફ ન ખેંચવું જોઈએ. એમ પણ ન વિચારવું જોઈએ કે આપણે બીજાઓથી ચઢિયાતા છીએ. દાખલા તરીકે, કોઈ ભાઈ સારું પ્રવચન આપે છે અથવા કોઈ બહેન બાઇબલ અભ્યાસ શરૂ કરવામાં કુશળ છે. લોકોની વાહવાહ લેવાને બદલે તેમણે એનો બધો મહિમા યહોવાને આપવો જોઈએ.

“દિલથી” માફ કરીએ

૧૧. ઈસુએ દાખલો આપીને શું શીખવ્યું?

૧૧ ઈસુએ શિષ્યોને પહેલા શીખવ્યું કે તેઓ કોઈને ઠોકર ન ખવડાવે, પછી એક દાખલો આપ્યો. એક ચાકરે રાજા પાસેથી ઉધાર લીધું હતું. એ દેવું એટલું મોટું હતું કે ચાકર ચૂકવી શકે એમ ન હતો. એટલે રાજાએ તેનું દેવું માફ કર્યું. પણ એ ચાકરે તેના સાથી ચાકરનું દેવું માફ ન કર્યું. તેના પોતાના દેવા સામે તેના સાથી ચાકરનું દેવું તો કંઈ જ ન હતું. રાજાને એ નિર્દય ચાકર વિશે જાણ થઈ ત્યારે, તે ક્રોધે ભરાયો. તેણે ચાકરને જેલમાં નાંખી દીધો. ઈસુ એ દાખલામાંથી શું શીખવવા માંગતા હતા? તેમણે કહ્યું: “જો તમે તમારા ભાઈને દિલથી માફ નહિ કરો, તો સ્વર્ગમાંના મારા પિતા પણ તમારી સાથે એ જ રીતે વર્તશે.”—માથ. ૧૮:૨૧-૩૫.

૧૨. બીજાઓને માફ ન કરીએ ત્યારે શું થાય છે?

૧૨ એ ચાકરે સાથી ચાકર પર દયા રાખી નહિ. એનાથી તેને તો નુકસાન થયું જ, અરે બીજાઓને પણ તકલીફ થઈ. કઈ રીતે? પહેલું, એ ચાકરે સાથી ચાકરને ‘બધું દેવું ન ચૂકવે ત્યાં સુધી કેદમાં નંખાવ્યો.’ બીજું, “બીજા ચાકરોએ આ જોયું ત્યારે, તેઓ બહુ જ દુઃખી થયા.” એવી જ રીતે આપણાં વાણી-વર્તનથી પણ બીજાઓને ખોટું લાગી શકે છે. દાખલા તરીકે, જો આપણે કોઈને માફ નથી કરતા કે તેની સાથે પ્રેમથી વાત નથી કરતા અથવા તેને જોઈને મોઢું ફેરવીએ છીએ, તો તેને ઘણું દુઃખ થાય છે. બીજાં ભાઈ-બહેનો પણ એ જુએ છે ત્યારે તેઓને પણ એ ગમતું નથી.

શું તમે નારાજ રહેશો કે દિલથી માફ કરશો? (ફકરા ૧૩-૧૪ જુઓ) *

૧૩. એક પાયોનિયર બહેનનાં દાખલામાંથી આપણે શું શીખી શકીએ?

૧૩ આપણે જ્યારે ભાઈ-બહેનોને માફ કરીએ છીએ, ત્યારે આપણને અને બીજાઓને ખુશી મળે છે. ક્રિસ્ટલબહેન * એક પાયોનિયર છે તે કહે છે, “એક બહેનની વાતોથી મને ઘણી વાર ખોટું લાગતું. તેમની વાતો મને કાંટાની જેમ ખૂંચ્યા કરતી. અરે, એટલી હદે કે હું તેમની સાથે પ્રચારમાં જવા માંગતી ન હતી. મને પ્રચારમાં જવાનું મન ન થતું અને હું દુઃખી રહેવા લાગી.” તેને લાગ્યું કે તે કારણ વગર ગુસ્સે થતી નથી. પણ પછી તેણે મનમાંથી ગુસ્સો કાઢી નાખ્યો અને પોતાના વિશે જ વિચાર્યા ન કર્યું. તેણે ઑક્ટોબર ૧૫, ૧૯૯૯ના ચોકીબુરજનો લેખ વાંચ્યો. જેનો વિષય હતો “હૃદયપૂર્વક માફ કરો.” તેણે એ બહેનને માફ કરી દીધાં. તે કહે છે, “હું સમજી ગઈ કે આપણે બધા સારા ઈશ્વરભક્ત બનવાનો પ્રયત્ન કરીએ છીએ. યહોવા આપણને દરરોજ માફ કરે છે. એ બહેનને માફ કરવાથી મારું મન શાંત થયું અને હું ખુશ રહેવા લાગી.”

૧૪. (ક) માથ્થી ૧૮:૨૧, ૨૨ પ્રમાણે પ્રેરિત પિતર માટે શું કરવું અઘરું થયું હશે? (ખ) બીજાઓને માફ કરવા આપણે શું કરવું જોઈએ?

૧૪ આપણે જાણીએ છીએ કે બીજાઓને આપણે માફ કરવા જોઈએ. પણ દર વખતે એમ કરવું સહેલું હોતું નથી. પ્રેરિત પિતર માટે પણ એમ કરવું અઘરું થયું હશે. (માથ્થી ૧૮:૨૧, ૨૨ વાંચો.) બીજાઓને માફ કરવા આપણે શું કરવું જોઈએ? એક, યહોવા આપણને કેટલી બધી વાર માફ કરે છે એનો વિચાર કરીએ. (માથ. ૧૮:૩૨, ૩૩) આપણે માફીને લાયક નથી તોપણ તે દિલથી માફ કરે છે. (ગીત. ૧૦૩:૮-૧૦) “આપણી પણ ફરજ છે કે આપણે એકબીજાને પ્રેમ કરીએ.” એટલે ભાઈ-બહેનોને માફ કરવા કે નહિ, એ આપણી મરજી પર છોડવામાં આવ્યું નથી, પણ એ આપણી ફરજ છે. (૧ યોહા. ૪:૧૧) બીજું, માફ કરવાથી શું ફાયદો થાય છે એનો વિચાર કરીએ. જે વ્યક્તિથી આપણને ખોટું લાગ્યું છે તેને માફ કરવાથી તેને મદદ મળી શકે. મંડળમાં એકતા જળવાય છે. યહોવા સાથેનો આપણો સંબંધ મજબૂત થાય છે અને આપણું મન હળવું થાય છે. (૨ કોરીં. ૨:૭; કોલો. ૩:૧૪) ત્રીજું, માફ કરવાની આજ્ઞા આપનાર યહોવાને આપણે પ્રાર્થના કરીએ. આપણે કદી શેતાનને આપણી વચ્ચે ફૂટ પાડવા ન દઈએ. (એફે. ૪:૨૬, ૨૭) એટલે યહોવાને પ્રાર્થના કરીએ જેથી મંડળમાં શાંતિ જળવાય.

બીજાઓને લીધે ઠોકર ન ખાઈએ

૧૫. કોઈ ભાઈ કે બહેનથી આપણને ખોટું લાગ્યું હોય તો કોલોસીઓ ૩:૧૩ની સલાહ કઈ રીતે લાગુ કરી શકીએ?

૧૫ કોઈ ભાઈ કે બહેનના ખરાબ વર્તનના લીધે આપણને ખોટું લાગ્યું હોય તો આપણે શું કરવું જોઈએ? આપણે શાંતિ જાળવવાનો પૂરેપૂરો પ્રયત્ન કરીએ. આપણે યહોવાને પ્રાર્થના કરીએ અને તેમની આગળ આપણું દિલ ઠાલવી દઈએ. એ ભાઈ કે બહેન માટે પણ આપણે પ્રાર્થના કરીએ. એટલું જ નહિ, યહોવાની જેમ એ ભાઈ કે બહેનના સારા ગુણો પર આપણે ધ્યાન આપી શકીએ માટે પ્રાર્થના કરીએ. (લૂક ૬:૨૮) જો આપણે તેમની ભૂલોને માફ કરી શકતા ન હોય તો તેમની સાથે વાત કરીએ. એવું ક્યારેય ન વિચારીએ કે તેમણે જાણીજોઈને આપણને ઠેસ પહોંચાડી છે. (માથ. ૫:૨૩, ૨૪; ૧ કોરીં. ૧૩:૭) આપણે તેમની વાત સાંભળીએ અને તેમના પર ભરોસો કરીએ. જો એ ભાઈ કે બહેન સુલેહ-શાંતિ કરવા માંગતા ન હોય, તો આપણે ધીરજ રાખીએ અને ‘એકબીજાનું સહન કરીએ.’ (કોલોસીઓ ૩:૧૩ વાંચો.) સૌથી મહત્ત્વનું તો આપણે મનમાં ખાર ભરી ન રાખીએ. જો આપણે મનમાં ખાર ભરી રાખીશું તો યહોવા સાથેનો સંબંધ કમજોર પડી જશે. આપણે બીજાઓના લીધે ઠોકર ન ખાઈએ. એમ કરીને બતાવીએ છીએ કે સૌથી વધારે આપણે યહોવાને પ્રેમ કરીએ છીએ.—ગીત. ૧૧૯:૧૬૫.

૧૬. આપણા બધાની કઈ જવાબદારી છે?

૧૬ આપણે ‘એક ટોળા’ તરીકે ‘એક ઘેટાંપાળકને’ આધીન રહીને યહોવાની ભક્તિ કરી શકીએ છીએ. એ માટે આપણે કેટલા ખુશ છીએ! (યોહા. ૧૦:૧૬) યહોવાની ઇચ્છા પૂરી કરતું સંગઠન પુસ્તકના પાન ૧૫૩ પર લખ્યું છે: “એવી એકતાનો તમને ફાયદો થતો હોવાથી, એને જાળવી રાખવા મદદ કરવાની જવાબદારી તમારી પણ છે.” એ માટે આપણે “ભાઈ-બહેનોનો બહારનો દેખાવ ન જોઈએ, પણ તેઓને યહોવાની નજરે જોતા શીખીએ.” યહોવાને મન આપણે બધા જ કીમતી છીએ. આપણે પણ આપણાં ભાઈ-બહેનોને કીમતી સમજવા જોઈએ. તેઓની સંભાળ રાખવા અને તેઓને મદદ કરવા આપણે જે કંઈ કરીએ છીએ એ યહોવાની નજર બહાર જતું નથી. એ માટે તે આપણી ખૂબ કદર કરે છે.—માથ. ૧૦:૪૨.

૧૭. આપણે શું કરવાની મનમાં ગાંઠ વાળી છે?

૧૭ આપણે ભાઈ-બહેનોને ખૂબ પ્રેમ કરીએ છીએ. એટલે “મનમાં ગાંઠ વાળીએ કે એવું કંઈ ન કરીએ, જેનાથી આપણા ભાઈની શ્રદ્ધા નબળી પડે કે તે ઠોકર ખાઈને પડી જાય.” (રોમ. ૧૪:૧૩) આપણે ભાઈ-બહેનોને ચઢિયાતા ગણીએ, તેઓને દિલથી માફ કરીએ અને તેઓના લીધે ઠોકર ન ખાઈએ. પણ “શાંતિ જાળવવા અને એકબીજાને દૃઢ કરવા બનતું બધું કરીએ.”—રોમ. ૧૪:૧૯.

ગીત ૩૫ યહોવાની ધીરજ

^ ફકરો. 5 આપણે બધા માટીના માણસો છીએ. એટલે ઘણીવાર આપણાં વાણી-વર્તનથી ભાઈ-બહેનોને ખોટું લાગી શકે છે. એવા સમયે આપણે શું કરીએ છીએ? શું આપણે તરત માફી માંગીએ છીએ? કે પછી વિચારીએ છીએ, “ભલે ને ખોટું લાગ્યું, લાગવા દો એમાં હું શું કરી શકું?” શું આપણને જ બીજાઓની નાની નાની વાતોનું ખોટું લાગે છે? શું એ સમયે આપણે એવું વિચારીએ છીએ, “હું શું કરું મારો સ્વભાવ જ એવો છે?” કે પછી એવું વિચારીએ છીએ, “જે થયું એ સારું ન હતું, મારે પોતાને બદલવાની જરૂર છે.”

^ ફકરો. 13 નામ બદલ્યું છે.

^ ફકરો. 54 ચિત્રની સમજ: એક બહેન મંડળનાં બીજાં બહેનથી નારાજ છે. તેઓ એકલાં મળીને એકબીજા સાથે સુલેહ કરે છે. પછી તેઓ પહેલાંની વાતો ભૂલીને સાથે મળી યહોવાની ભક્તિ કરી રહ્યાં છે.