સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

જીવન સફર

યહોવાને ધ્યાનમાં રાખીને નિર્ણયો લીધા

યહોવાને ધ્યાનમાં રાખીને નિર્ણયો લીધા

વેનેઝુએલાના કરાકસ શહેરમાં હું રહેતો હતો. હું જે વિસ્તારમાં રહેતો હતો ત્યાં ઘણા બધા અમીર લોકો રહેતા હતા. સાલ ૧૯૮૪ની એ વાત છે. હું રોજની જેમ કામ પર જઈ રહ્યો હતો. હું ચોકીબુરજના એક લેખ વિશે વિચારી રહ્યો હતો જે મેં અમુક સમય પહેલાં વાંચ્યો હતો. એ લેખમાં જણાવ્યું હતું કે પડોશીઓ તમારા વિશે શું વિચારે છે. મેં વિચાર કર્યો કે ‘પડોશીઓ મારા વિશે કેવું વિચારે છે? શું તેઓ મને એક સફળ બૅન્કર તરીકે જુએ છે? કે પછી એક એવા ઈશ્વરભક્ત તરીકે જે પોતાના કુટુંબનું ગુજરાન ચલાવવા બૅન્કમાં નોકરી કરે છે?’ હું સમજી ગયો કે લોકો મને એક સફળ બૅન્કર તરીકે જુએ છે. મને એ વાત જરાય ન ગમી. મેં વિચાર્યું કે આના વિશે મારે કંઈક કરવું પડશે.

મારો જન્મ ૧૯ મે ૧૯૪૦માં લેબેનનના નાનકડા શહેર એમ્યુનમાં થયો હતો. અમુક સમય પછી અમે ટ્રીપોલી શહેર રહેવા ગયા. અમે પાંચ ભાઈ-બહેનો છીએ. ત્રણ બહેનો અને બે ભાઈઓ, એમાં હું સૌથી નાનો. મારાં મમ્મી-પપ્પા યહોવાના સાક્ષી હતાં. તેઓએ મને યહોવાની ભક્તિ કરવાનું શીખવ્યું. તેઓ માટે પૈસા કમાવવા મહત્ત્વનું ન હતું. તેઓ માટે તો સભાઓમાં જવું, બાઇબલનો અભ્યાસ કરવો અને પ્રચાર કરવો સૌથી મહત્ત્વનું હતું.

અમારા મંડળમાં ઘણાં અભિષિક્ત ભાઈ-બહેન હતાં. એમાંના એક ભાઈ હતા, મીશેલ આબુદ. તે અમારા મંડળમાં પુસ્તક અભ્યાસ ચલાવતા હતા. તેમને ન્યૂ યૉર્કમાં સત્ય મળ્યું અને ૧૯૨૧થી તે લેબેનનમાં પ્રચારકામ કરી રહ્યા હતા. ગિલયડ શાળામાંથી ગ્રેજ્યુએટ થઈને બે બહેનો લેબેનનમાં સેવા કરવા આવ્યાં હતાં. તેમનાં નામ હતાં, ઍન અને ગ્વેન બીવર. આબુદભાઈ તેઓ સાથે ખૂબ આદરથી વર્તતા હતા અને તેઓની મદદ કરતા હતા. અમે બધા પાકા દોસ્ત બની ગયા હતા. વર્ષો પછી હું અમેરિકામાં ઍનને મળ્યો ત્યારે બહુ ખુશી થઈ. એનાં અમુક વર્ષો પછી ગ્વેનને મળ્યો. તેમનાં લગ્‍ન વીલફ્રેડ ગૂચ સાથે થયાં હતાં અને તેઓ લંડન બેથેલમાં હતાં.

લેબેનનમાં પ્રચાર

હું યુવાન હતો ત્યારે લેબેનનમાં ઘણા ઓછા સાક્ષીઓ હતા. તેમ છતાં અમે પૂરા ઉત્સાહથી લોકોને બાઇબલમાંથી શીખવતા હતા. ધર્મગુરુઓ અમારો ઘણો વિરોધ કરતા હતા. એના અમુક બનાવો તો મને હજીયે યાદ છે.

એક દિવસે હું અને મારી બહેન સના બિલ્ડિંગમાં પ્રચાર કરી રહ્યાં હતાં. અચાનક એક પાદરી આવી પહોંચ્યો. કોઈકે તેને બોલાવ્યો હતો. તે સનાને એલફેલ બોલવા લાગ્યો. તેણે સનાને દાદરા પરથી ધક્કો મારી દીધો અને સનાને વાગ્યું. કોઈકે ફોન કરીને પોલીસ બોલાવી. પોલીસે આવીને ત્યાં ઊભેલા એક વ્યક્તિને કહ્યું કે સનાની પાટાપીંડી કરે. પછી પોલીસ એ પાદરીને પોલીસ સ્ટેશન લઈ ગઈ. તેઓને ખબર પડી કે પાદરી પાસે તો બંદૂક છે. એટલે એક અધિકારીએ તેને પૂછ્યું, “તું પાદરી છે કે ગુંડો?”

મને બીજો પણ એક બનાવ યાદ છે. અમારું આખું મંડળ બસ ભાડે કરીને એક નાનકડા ગામમાં પ્રચાર કરવા ગયું હતું. અમને ઘણી મજા આવી રહી હતી. અચાનક એક પાદરી ધસી આવ્યો અને એની સાથે એક મોટું ટોળું હતું. તેઓ અમને હેરાન કરવા લાગ્યા, પથ્થર મારવા લાગ્યા અને મારા પપ્પાને વાગી ગયું. મને યાદ છે કે તેમનો ચહેરો લોહીથી લથપથ થઈ ગયો હતો. મમ્મી-પપ્પા બસમાં પાછાં ગયાં. અમે પણ તેઓની પાછળ-પાછળ ગયા. મમ્મી તેમનો ચહેરો સાફ કરી રહી હતી ત્યારે, તેમણે જે કહ્યું એ હું ક્યારેય નહિ ભૂલું. મમ્મીએ કહ્યું, “યહોવા તેઓને માફ કરજો. કારણ કે તેઓ જાણતા નથી કે તેઓ શું કરી રહ્યા છે.”

મને યાદ છે અમે સગા-વહાલાઓને મળવા ગામ ગયા હતા. અમે દાદાના ઘરે પહોંચ્યા, ત્યાં ગામના જાણીતા બીશપ બેઠા હતા. તે જાણતા હતા કે મારાં મમ્મી-પપ્પા યહોવાના સાક્ષી છે. તેમણે મમ્મી-પપ્પાને કંઈ પૂછવાને બદલે મને પૂછ્યું કે “તેં હજી સુધી બાપ્તિસ્મા કેમ નથી લીધું?” એ સમયે હું છ વર્ષનો હતો. એટલે મેં તેમને કહ્યું કે હજુ હું નાનો છું. મારે હજુ બાઇબલ વિશે શીખવાનું છે અને મારી શ્રદ્ધા મજબૂત કરવાની છે. મારો જવાબ તેમને ન ગમ્યો. એટલે તેમણે દાદાને મારી ફરિયાદ કરતા કહ્યું કે મેં તેમની સાથે ખરાબ રીતે વાત કરી હતી.

એવું નથી કે અમારી સાથે દર વખતે ખરાબ વ્યવહાર થયો હતો. લેબેનનમાં લોકો બધા સાથે હળે-મળે છે અને એકબીજાને ઘરે બોલાવે છે. અમે ઘણા લોકો સાથે બાઇબલમાંથી વાત કરી શક્યા. અમુકે તો બાઇબલ અભ્યાસ પણ શરૂ કર્યો.

અમે બીજા દેશમાં રહેવા ગયા

હું સ્કૂલમાં હતો ત્યારે વેનેઝુએલાથી એક ભાઈ લેબેનન આવ્યો. તે અમારી સભાઓમાં આવવા લાગ્યો. મારી બહેન વફા સાથે તેની ઓળખાણ થઈ. તેઓ લગ્‍ન કરી વેનેઝુએલા જતાં રહ્યાં. વફાને અમારી ઘણી યાદ આવતી. એટલે તે પપ્પાને વારંવાર પત્રમાં જણાવતી કે અમારે વેનેઝુએલા આવી જવું જોઈએ. ઘણા પ્રયત્નો પછી તેણે અમને ત્યાં આવવા મનાવી જ લીધા.

સાલ ૧૯૫૩માં અમે કરાકસ, વેનેઝુએલામાં રહેવા આવી ગયા. અમારું ઘર રાષ્ટ્રપતિ ભવનની નજીક જ હતું. હું રાષ્ટ્રપતિને તેમની મોટી અને ચકાચક ગાડીમાં જતા જોતો તો મને બહું ગમતું. મારાં મમ્મી-પપ્પા માટે અહીંની રહેણી-કરણી પ્રમાણે પોતાને ઢાળવા મુશ્કેલ થઈ રહ્યું હતું. અહીંની સંસ્કૃતિ, ભાષા, હવામાન અને ખોરાક બહું જ જુદો હતો. તેઓ અહીંના માહોલમાં પોતાને ઢાળી જ રહ્યા હતા, એવામાં કંઈક ખરાબ થયું.

ડાબેથી જમણે: મારા પપ્પા. મારાં મમ્મી. ૧૯૫૩માં મારું કુટુંબ વેનેઝુએલા રહેવા આવ્યું, એ સમયનો મારો ફોટો

અમારા પર દુઃખોનો પહાડ તૂટી પડ્યો

અહીં આવ્યા પછી પપ્પા બીમાર રહેવા લાગ્યા. એ પહેલાં તો તે ક્યારેય બીમાર પડતા નહિ. તેમની તબિયત હંમેશાં સારી રહેતી. ડૉક્ટરને બતાવ્યા પછી તેમણે કહ્યું કે પપ્પાને કેન્સર છે. એટલે તેમનું ઑપરેશન કરવામાં આવ્યું. પણ એક જ અઠવાડિયામાં તે ગુજરી ગયા.

પપ્પાના મરણ પછી તો અમે બધા સાવ ભાંગી પડ્યાં. એ સમયે હું ફક્ત ૧૩ વર્ષનો હતો. મને લાગ્યું કે અમે નિરાશાના વાદળમાં ઘેરાઈ ગયા છીએ. મમ્મી માટે તો એ માનવું જ અઘરું હતું કે પપ્પા હવે રહ્યા નથી. પણ યહોવાની મદદથી અમે એ દુઃખ સહી શક્યા અને એમાંથી બહાર આવી શક્યા. ૧૬ વર્ષની ઉંમરે મેં કરાકસમાં શાળાનું ભણતર પૂરું કર્યું. મેં વિચાર્યું કે ગુજરાન ચલાવવા હું પણ કુટુંબની મદદ કરું.

મારી બહેન સના અને તેના પતિ રૂબેને મને યહોવા સાથે સારો સંબંધ કેળવવા ઘણી મદદ કરી

અમુક સમય પછી સનાના લગ્‍ન રુબેન આરાઉહો સાથે થયા. તે ગિલયડ શાળામાંથી ગ્રેજ્યુએટ થઈને વેનેઝુએલા આવ્યા હતા. પછી તેઓ ન્યૂ યૉર્ક પાછા જતા રહ્યા. મારું કુટુંબ ચાહતું હતું કે હું ન્યૂ યૉર્ક યુનિવર્સિટીમાં ભણું અને મારી બહેન સાથે રહું. મારી બહેન અને જીજાજીએ યહોવા સાથે મારો સંબંધ મજબૂત કરવા ઘણી મદદ કરી હતી. હું ત્યાં બ્રુકલિનના સ્પેનિશ મંડળમાં જતો હતો. એ મંડળમાં ઘણા અનુભવી ભાઈઓ હતા. એમાંના બે ભાઈઓ સાથે મારી સારી ઓળખાણ થઈ. એક હતા મિલ્ટન હેન્શલ અને બીજા ફ્રેડરિક ફ્રાન્ઝ. તેઓ બ્રુકલિન બેથેલમાં સેવા આપતા હતા.

૧૯૫૭માં મારું બાપ્તિસ્મા થયું ત્યારે

યુનિવર્સિટીમાં મારું પહેલું વર્ષ પૂરું થવાનું હતું. પણ મારા મનમાં એક જ વાત ચાલી રહી હતી કે હું જીવનમાં શું કરી રહ્યો છું. મેં ચોકીબુરજમાં ઘણાં ભાઈ-બહેનો વિશે વાંચ્યું હતું, જેઓએ યહોવાની સેવામાં સારા ધ્યેયો રાખ્યા હતાં. હું જોતો હતો કે મારા મંડળના પાયોનિયરો અને બેથેલમાં સેવા આપનાર ભાઈ-બહેનો ખુશ રહેતાં હતાં. મારે પણ તેઓની જેમ ખુશ રહેવું હતું. જોકે મેં હજુ બાપ્તિસ્મા લીધું ન હતું. મને સમજાયું કે મારે યહોવાને જીવન સમર્પિત કરવું જોઈએ. એટલે મેં યહોવાને સમર્પણ કર્યું અને માર્ચ ૩૦, ૧૯૫૭માં બાપ્તિસ્મા લીધું.

મહત્ત્વના નિર્ણયો

બાપ્તિસ્મા લીધા પછી હું પાયોનિયર બનવા માંગતો હતો. પણ એ કરવું એટલું સહેલું નહોતું. મને સમજાતું ન હતું કે યુનિવર્સિટીના ભણવાની સાથે સાથે પાયોનિયર સેવા કઈ રીતે કરું. એ વિશે મમ્મી અને મોટાં ભાઈ-બહેનોને મેં ઘણા પત્રો લખ્યા. તેઓએ પણ મને જવાબ આપ્યા. મેં તેઓને જણાવ્યું કે ભણવાનું છોડી હું વેનેઝુએલા પાછો આવીને પાયોનિયર સેવા કરવા માંગું છું.

જૂન ૧૯૫૭માં હું પાછો કરાકસ આવી ગયો. મેં જોયું કે કુટુંબની સ્થિતિ એટલી સારી ન હતી. એટલે મારે પણ નોકરી કરવાની હતી. મને બૅન્કમાં નોકરી મળી. પણ મારે તો પાયોનિયરીંગ કરવું હતું. એટલા જ માટે તો હું પાછો આવ્યો હતો. એટલે મેં વિચાર્યું કે હું બંને સાથે કરીશ. વર્ષો સુધી મેં પાયોનિયરીંગની સાથે નોકરી પણ કરી. હું ઘણો વ્યસ્ત રહેવા લાગ્યો. પણ એમાં મને ઘણી ખુશી મળતી.

જ્યારે હું સિલ્વીયાને મળ્યો ત્યારે મારી ખુશીમાં વધારો થયો. તે ઘણી ખૂબસૂરત હતી. સિલ્વીયા યહોવાને ખૂબ પ્રેમ કરતી હતી. તે પોતાનાં મમ્મી-પપ્પા સાથે જર્મનીથી આવીને વેનેઝુએલા વસી હતી. મેં તેની સાથે લગ્‍ન કર્યા. પછીથી અમારાં બે બાળકો થયાં. મીશેલ (માઈક) અને સમીરા. મેં મમ્મીની સંભાળ રાખવાનું નક્કી કર્યું. એટલે તે અમારી સાથે આવીને રહેવાં લાગ્યાં. કુટુંબનું ગુજરાન ચલાવવા મારે પાયોનિયરીંગ છોડવું પડ્યું. પણ પ્રચારમાં મેં જોશ ગુમાવ્યો નહિ. હું અને સિલ્વીયા જ્યારે પણ સમય મળતો ત્યારે રજાઓમાં સહાયક પાયોનિયરીંગ કરતા હતા.

બીજો એક મહત્ત્વનો નિર્ણય

આ લેખની શરૂઆતમાં જે બનાવ વિશે મેં વાત કરી એ સમયે મારાં બાળકો ઘણાં નાનાં હતાં અને સ્કૂલમાં ભણી રહ્યાં હતાં. અમારું જીવન એકદમ આરામદાયક હતું. બૅન્કમાં મારું સારું નામ હતું અને લોકો મને ઘણું માન આપતા. પણ હું ચાહતો કે લોકો મને યહોવાના ભક્ત તરીકે ઓળખે અને એ વાત મારા દિમાગમાં ફર્યા કરતી હતી. મારે એ વિશે કંઈક કરવું હતું. એટલે મેં સિલ્વીયા સાથે વાત કરી અને અમે ઘરનો ખર્ચો ગણ્યો. અમે હિસાબ લગાવ્યો કે જો હું જલદી રિટાયરમેન્ટ લઈ લઉં તો બૅન્કમાંથી મને ઘણા સારા પૈસા મળશે. અમારા માથે કોઈ દેવું ન હતું. એટલે જો અમે સાદું જીવન જીવીએ તો એ પૈસાથી અમારું ગુજરાન ઘણા લાંબા સમય સુધી ચાલી શકશે. અમારે પૈસા વિશે કોઈ ચિંતા નહિ કરવી પડે.

નોકરી છોડવી એટલું સહેલું ન હતું. પણ મારી પત્ની અને મારાં મમ્મીએ મને ઘણો સાથ આપ્યો. હું પાયોનિયર સેવા ફરીથી કરી શકીશ એ વિચારીને ઘણો ખુશ હતો. એ માટે હું એકદમ તૈયાર હતો. પણ ત્યારે જ અમને એક એવા સમાચાર મળ્યા જેનાથી અમે ખૂબ ચોંકી ગયા.

નવાઈની સાથે ખુશી પણ!

ત્રીજા બાળકની ખબર સાંભળીને અમને નવાઈ સાથે ખુશી પણ થઈ

એક દિવસે ડૉક્ટરે કહ્યું કે સિલ્વીયા મા બનવાની છે. અમને નવાઈની સાથે ખુશી પણ થઈ. અમે આવનાર બાળકની રાહ જોવા લાગ્યા. પણ મનમાં ને મનમાં વિચારતો કે મારી પાયોનિયર સેવાનું શું?

એ વિશે અમે વાત કરી અને નિર્ણય કર્યો કે હું પાયોનિયર સેવા કરીશ. એપ્રિલ ૧૯૮૫માં ગેબ્રિએલનો જન્મ થયો. મેં બૅન્કની નોકરી છોડી દીધી અને જૂન ૧૯૮૫માં મેં ફરી પાયોનિયર સેવા શરૂ કરી. થોડા સમય પછી મને શાખા સમિતિનો સભ્ય બનાવવામાં આવ્યો. શાખા કચેરી મારા ઘરેથી ૮૦ કિલોમીટર દૂર હતી. મને અઠવાડિયામાં બેથી ત્રણ વખત ત્યાં જવું પડતું.

અમે ઘર બદલ્યું

શાખા કચેરી લા વિક્ટોરિયામાં હતી. એટલે મેં નક્કી કર્યું અમે લા વિક્ટોરિયામાં બેથેલ પાસે રહેવા જઈશું. હું કુટુંબનો આભાર માનું છું કે તેઓએ એ નિર્ણયમાં મારો સાથ આપ્યો. મારી બહેન બહાએ મમ્મીની સંભાળ રાખવાનું નક્કી કર્યું. માઈકના લગ્‍ન થઈ ગયા હતા અને તે અલગ રહેવા લાગ્યો. પણ સમીરા અને ગેબ્રિએલ હજું પણ અમારી સાથે રહેતાં હતાં. તેઓ માટે પોતાના દોસ્તો છોડવા સહેલું ન હતું. સિલ્વીયાએ પણ મોટું શહેર છોડીને નાના શહેરમાં રહેવાનું હતું. અમારે બધાએ પણ નાનકડા ઘરમાં રહેવાની આદત પાડવાની હતી. એટલે કરાકસ છોડીને લા વિક્ટોરિયા આવવું અમારા માટે સહેલું ન હતું.

અમુક સમય પછી ગેબ્રિએલના લગ્‍ન થઈ ગયા અને તે અલગ રહેવા લાગ્યો. સમીરા પણ અલગ રહેવા લાગી. ૨૦૦૭માં અમને બેથેલ બોલાવવામાં આવ્યા, જ્યાં આજે પણ અમે સેવા આપીએ છીએ. મારો મોટો દીકરો માઈક વડીલ છે અને તે પોતાની પત્ની મોનિકા સાથે પાયોનિયર સેવા કરે છે. સમીરા પણ પાયોનિયર સેવા કરે છે અને ઘરેથી બેથેલ માટે કામ કરે છે. ગેબ્રિએલ પણ વડીલ છે અને પોતાની પત્ની અમ્બરા સાથે ઇટાલીમાં રહે છે.

ડાબેથી જમણે: વેનેઝુએલા શાખામાં મારી પત્ની સિલ્વીયા સાથે. અમારો મોટો દીકરો માઈક તેની પત્ની મોનીકા સાથે. અમારી દીકરી સમીરા. અમારો નાનો દીકરો ગાબ્રીએલ તેની પત્ની અમ્બરા સાથે

મેં લીધેલા નિર્ણયોનો કોઈ અફસોસ નથી

મેં જીવનમાં ઘણા મોટા મોટા નિર્ણયો લીધા, જેનો મને કોઈ અફસોસ નથી. જો મારે એ નિર્ણયો ફરીથી લેવા પડે તોપણ મને અફસોસ નહિ થાય. યહોવાએ તેમની સેવામાં અલગ અલગ કામ કરવાનો જે લહાવો આપ્યો એ માટે હું ઘણો ખુશ છું. વર્ષો દરમિયાન હું એક વાત શીખ્યો કે યહોવા સાથે સારો સંબંધ હોવો ઘણું મહત્ત્વનું છે. તે આપણને એવી શાંતિ આપશે “જે આપણી સમજશક્તિની બહાર છે.” (ફિલિ. ૪:૬, ૭) એના લીધે આપણે નાના-મોટા બધા નિર્ણયો લઈ શકીશું. મને અને સિલ્વીયાને બેથેલમાં સેવા કરવાનું ગમે છે. અમે જોયું કે યહોવાએ અમારા દરેક નિર્ણય પર આશીર્વાદ આપ્યો છે, કારણ કે અમે યહોવાને ધ્યાનમાં રાખીને નિર્ણયો લીધા.