વાચકો તરફથી પ્રશ્નો
પ્રેરિત પાઉલે કહ્યું: “નિયમશાસ્ત્ર માટે હું મરી ગયો,” ત્યારે તેમના કહેવાનો અર્થ શું હતો?—ગલા. ૨:૧૯.
પાઉલે લખ્યું: “નિયમશાસ્ત્ર માટે હું મરી ગયો, જેથી ઈશ્વર માટે હું જીવી શકું.”—ગલા. ૨:૧૯.
પાઉલે એ શબ્દો રોમન પ્રાંતના ગલાતિયાનાં મંડળોને લખ્યા હતા. તેમણે એ મહત્ત્વની વાત પર ધ્યાન દોર્યું કે ખ્રિસ્તીઓએ મૂસાનો નિયમ પાળવાની જરૂર ન હતી. એ સમયના મંડળમાં અમુક જૂઠા શિક્ષકો ઘૂસી આવ્યા હતા. તેઓ શીખવતા કે તારણ મેળવવા માટે મૂસાનો નિયમ માનવો જરૂરી છે. તેઓ સુન્નતના નિયમ પર ભાર મૂકતા હતા. અમુક ખ્રિસ્તીઓ તેઓની વાતમાં આવી ગયા. પણ પાઉલ જાણતા હતા કે સુન્નત કરાવવી જરૂરી નથી. એટલે પાઉલે તેઓને સમજાવ્યું અને જૂઠા શિક્ષકોને ખુલ્લા પાડ્યા. આમ તેમણે ઈસુના બલિદાનમાં ભાઈ-બહેનોની શ્રદ્ધા વધારવા મદદ કરી.—ગલા. ૨:૪; ૫:૨.
બાઇબલમાં જણાવ્યું છે કે મરી ગયેલા લોકોને કંઈ ખબર હોતી નથી કે તેઓને કશાની અસર થતી નથી. (સભા. ૯:૫) પાઉલે કહ્યું: “નિયમશાસ્ત્ર માટે હું મરી ગયો.” ત્યારે તેમના કહેવાનો અર્થ શું હતો? એ જ કે તેમણે હવે મૂસાના નિયમો પાળવાની જરૂર ન હતી. પણ તેમને ખાતરી હતી કે ઈસુના બલિદાન પર તે શ્રદ્ધા રાખશે તો ‘ઈશ્વર માટે જીવી શકશે.’
જે “નિયમશાસ્ત્ર” માટે પાઉલ મરી ગયા એ જ નિયમશાસ્ત્રને આધારે તે, ઈશ્વર માટે જીવતા થયા. કઈ રીતે? પાઉલે સમજાવ્યું, “નિયમશાસ્ત્ર પ્રમાણે કામ કરીને કોઈ માણસ નેક ઠરતો નથી, પણ ફક્ત ઈસુ ખ્રિસ્તમાં શ્રદ્ધા રાખવાથી નેક ઠરે છે.” (ગલા. ૨:૧૬) એ વિશે પાઉલે કહ્યું: “જે વંશજને વચન આપવામાં આવ્યું હતું, એ આવે ત્યાં સુધી લોકોનાં પાપ જાહેર કરવા માટે નિયમશાસ્ત્ર આપવામાં આવ્યું હતું.” (ગલા. ૩:૧૯) નિયમશાસ્ત્ર માણસોને યાદ અપાવતું કે તેઓ પાપી છે અને તેઓ પૂરી રીતે નિયમશાસ્ત્ર પાળી શકતા નથી. પોતાને પાપમાંથી છોડાવવા તેઓને એવા બલિદાનની જરૂર હતી, જેમાં કોઈ ખામી ન હોય. નિયમશાસ્ત્ર લોકોને “વંશજ” એટલે કે ખ્રિસ્ત તરફ દોરી ગયું. તેમના બલિદાનમાં શ્રદ્ધા રાખવાથી માણસો નેક ઠરે છે. (ગલા. ૩:૨૪) પાઉલ પણ નેક ઠર્યા, કારણ કે તેમણે નિયમશાસ્ત્ર પ્રમાણે ઈસુમાં શ્રદ્ધા બતાવી. આમ કહી શકાય કે તે “નિયમશાસ્ત્ર પ્રમાણે” મરી ગયા, પણ “ઈશ્વર માટે જીવતા” થયા. તેઓ હવે નિયમશાસ્ત્રથી બંધાયેલા ન હતા, પણ ઈશ્વરથી બંધાયેલા હતા.
એવું જ કંઈક પાઉલે રોમના મંડળને લખ્યું: “મારા ભાઈઓ, ખ્રિસ્તના શરીરે તમને નિયમશાસ્ત્રથી મુક્ત કર્યા છે. . . . હવે આપણને નિયમશાસ્ત્રથી મુક્ત કરવામાં આવ્યા છે. આપણને જેણે ગુલામ બનાવ્યા હતા, એના માટે આપણે મરી ગયા છીએ.” (રોમ. ૭:૪, ૬) આ કલમોમાં અને ગલાતીઓ ૨:૧૯માં પાઉલ શાના વિશે વાત કરી રહ્યા હતા? પાપને લીધે આવતા મરણ વિશે નહિ, પણ નિયમશાસ્ત્ર પાળવાથી મળતા છુટકારા વિશે તે વાત કરી રહ્યા હતા. તે અને તેમના જેવા લોકો હવે નિયમશાસ્ત્રથી બંધાયેલા ન હતા. એના બદલે, ખ્રિસ્તના બલિદાન પર શ્રદ્ધા મૂકવાથી હવે તેઓ નિયમશાસ્ત્રથી મુક્ત થયા હતા.