સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

શું તમે જાણો છો?

શું તમે જાણો છો?

ઈસુના સમયમાં લોકોએ કયા કયા કર ભરવા પડતા હતા?

વર્ષોથી ઇઝરાયેલીઓ શુદ્ધ ભક્તિને ટેકો આપવા પૈસા આપતા. પણ ઈસુના સમયમાં યહૂદીઓએ અલગ અલગ કર ભરવા પડતા હતા, જેથી તેઓનું જીવન મુશ્કેલ થઈ ગયું હતું.

મંડપમાં અને એ પછી મંદિરમાં શુદ્ધ ભક્તિ ચાલું રહે માટે દરેક યહૂદીને કહેવામાં આવ્યું હતું કે દર વર્ષે અડધો શેકેલ (બે ડ્રાકમા) આપે. પહેલી સદીમાં યહૂદીઓ પૈસા આપતા એનાથી હેરોદે બનાવેલા મંદિરની દેખરેખ રાખવામાં આવતી. અમુક યહૂદીઓએ પિતરને પૂછ્યું કે મંદિરમાં કર આપવો કે નહિ એ વિશે ઈસુ શું માને છે. ઈસુએ કહ્યું કે પૈસા આપવા ખોટું નથી. તેમણે પિતરને જણાવ્યું કે જઈને તેઓ બંને માટે કર આપે.—માથ. ૧૭:૨૪-૨૭.

ઈશ્વરભક્તોએ બીજો પણ એક કર આપવો પડતો. યહોવાએ જણાવ્યું હતું કે તેઓ પોતાની ઊપજ કે કમાણીનો દસમો ભાગ આપે. (લેવી. ૨૭:૩૦-૩૨; ગણ. ૧૮:૨૬-૨૮) પણ ઈસુના સમયના ધર્મગુરુઓ લોકોને દરેક શાકભાજીનો એટલે કે “ફૂદીના, સુવા અને જીરાંનો” દસમો ભાગ આપવાનું દબાણ કરતા. ઈસુએ ક્યારેય એવું કહ્યું નહિ કે દસમો ભાગ આપવો ખોટું છે. એ નિયમને ફરોશીઓ અને શાસ્ત્રીઓ મારી મચકોડીને લાગુ પાડતા એનો તે વિરોધ કરતા હતા.—માથ. ૨૩:૨૩.

એ સમયે રોમન સરકારનું રાજ હતું. યહૂદીઓએ સરકારને અલગ અલગ કર ભરવો પડતો. જેમ કે, જેઓ પાસે જમીન હોય તેઓએ પૈસા કે કોઈ વસ્તુ આપી કર ભરવો પડતો. એવું માનવામાં આવે છે કે તેઓએ ૨૦થી ૨૫ ટકા કર ભરવો પડતો. વધુમાં સરકારે દરેક યહૂદીને માથે પણ એક કર નાખ્યો હતો જે તેઓએ ભરવાનો હતો. એના વિશે ફરોશીઓએ ઈસુને પૂછ્યું ત્યારે તેમણે કહ્યું: “જે સમ્રાટનું છે એ સમ્રાટને અને જે ઈશ્વરનું છે એ ઈશ્વરને આપો.”—માથ. ૨૨:૧૫-૨૨.

જ્યારે કોઈ જિલ્લામાં માલસામાન આવતો કે જતો ત્યારે તેના પર જકાત લાગતો. એ જકાત બંદર, પુલ, ચોકડી, બજાર કે શહેરના દરવાજે ઉઘરાવવામાં આવતો.

રોમન સરકારના રાજ દરમિયાન યહૂદીઓને એટલા બધા કર ચૂકવવા અઘરું લાગતું હતું. ઈસુ પૃથ્વી પર હતા ત્યારે સમ્રાટ તીબેરિયસનું રાજ હતું. એ સમય વિશે રોમન ઇતિહાસકાર ટેસીટસ જણાવે છે, “સિરિયા અને યહૂદિયાના લોકોએ કર ઓછો કરવા ઘણી વિનંતીઓ કરી. કારણ કે તેઓને એ ચૂકવવું ઘણું અઘરું લાગતું હતું.”

એ સમયે જે રીતે કર ઉઘરાવવામાં આવતો એના લીધે પણ લોકો માટે એ ભરવું વધારે અઘરું થઈ ગયું હતું. રોમન સરકાર કર ઉઘરાવવા માટે હરાજી રાખતા. જે માણસ સૌથી વધારે બોલી લગાવતો તેને એ કામ મળતું. પછી એ માણસ કર વસૂલવા બીજા અમૂક માણસો રાખતો. કદાચ જાખ્ખીએ પણ કર વસૂલવા અમુક માણસો રાખ્યા હશે. (લૂક ૧૯:૧, ૨) આમ બોલી લગાવનાર અને કર ઉઘરાવનાર માણસો લોકો પાસેથી કરના નામે પૈસા પડાવતા અને ઢગલો નફો કમાતા. એટલે એ સમયના લોકો કર ઉઘરાવનારાઓને નફરત કરતા હતા.