અભ્યાસ લેખ ૨૫
માફ કરો અને યહોવાના આશીર્વાદ મેળવો
“જેમ યહોવાએ તમને દિલથી માફ કર્યા, તેમ તમે પણ કરો.”—કોલો. ૩:૧૩.
ગીત ૩૫ યહોવાની ધીરજ
ઝલક *
૧. દિલથી પસ્તાવો કરનારને યહોવા કયું વચન આપે છે?
યહોવા આપણા સર્જનહાર છે. તેમણે આપણને નિયમો આપ્યા છે અને તે ન્યાયાધીશ છે. (ગીત. ૧૦૦:૩; યશા. ૩૩:૨૨) એટલે આપણને માફ કરવાનો તેમની પાસે પૂરો અધિકાર છે. તે આપણા પિતા છે. તે આપણને ખૂબ પ્રેમ કરે છે. એટલે આપણા પાપ માટે દિલથી પસ્તાવો કરીએ તો તે માફ કરવા તૈયાર છે. (ગીત. ૮૬:૫) તેમણે યશાયા પ્રબોધક પાસે જે લખાવ્યું એનાથી આપણો ભરોસો મજબૂત થાય છે. તેમણે વચન આપ્યું: “ભલે તમારાં પાપ લાલ રંગનાં હોય, તોપણ એ બરફ જેવા સફેદ થઈ જશે.”—યશા. ૧:૧૮.
૨. બીજાઓ સાથે હળી-મળીને રહેવા શું કરવું જોઈએ?
૨ આપણે બધા પાપી છીએ એટલે એવું કંઈક બોલી અથવા કરી બેસીએ છીએ જેનાથી બીજાઓને દુઃખ પહોંચે છે. (યાકૂ. ૩:૨) પણ જો બીજાઓ સાથે મતભેદ થઈ જાય તો એકબીજાને માફ કરવા જોઈએ. એમ કરીશું તો બધા સાથે હળી-મળીને રહી શકીશું. (નીતિ. ૧૭:૯; ૧૯:૧૧; માથ. ૧૮:૨૧, ૨૨) યહોવા ચાહે છે કે આપણે બીજાઓને માફ કરીએ. (કોલો. ૩:૧૩) કેમ કે તે આપણને ‘દિલથી માફ કરે છે.’—યશા. ૫૫:૭.
૩. આ લેખમાં શાની ચર્ચા કરીશું?
૩ આ લેખમાં શીખીશું કે આપણે માફી આપવામાં યહોવાને કઈ રીતે અનુસરી શકીએ. એ પણ જોઈશું કે કયા પાપ વિશે વડીલોને જણાવવું જોઈએ. તેમ જ યહોવા કેમ ચાહે છે કે આપણે બીજાઓને માફ કરીએ. આ લેખમાં અમુક ભાઈ-બહેનોના દાખલા જોઈશું. તેઓએ બીજા લોકોના લીધે ઘણું સહેવું પડ્યું. પણ આગળ જતાં તેઓએ એ લોકોને માફ કર્યા. તેઓ પાસેથી શીખીશું કે માફ કરવાથી કેવા આશીર્વાદ મળે છે.
કોઈ વ્યક્તિ ગંભીર પાપ કરે ત્યારે
૪. (ક) વ્યક્તિ ગંભીર પાપ કરે ત્યારે તેણે શું કરવું જોઈએ? (ખ) યહોવાએ વડીલોને કઈ જવાબદારી આપી છે?
૪ કોઈ વ્યક્તિ ગંભીર પાપ કરે તો આપણે વડીલોને જણાવવું જોઈએ. ૧ કોરીંથીઓ ૬:૯, ૧૦માં એવાં અમુક ગંભીર પાપ વિશે જણાવ્યું છે. એવું પાપ કરીને વ્યક્તિ ઈશ્વરનો નિયમ તોડે છે. એટલે તેણે યહોવાને પ્રાર્થના કરીને માફી માંગવી જોઈએ. એના વિશે વડીલોને જણાવવું જોઈએ. (ગીત. ૩૨:૫; યાકૂ. ૫:૧૪) એવા કિસ્સામાં વડીલો શું કરશે? આપણે જાણીએ છીએ કે ફક્ત યહોવા જ કોઈને પૂરી રીતે માફ કરી શકે છે. તે ઈસુના બલિદાનને આધારે એમ કરે છે. * છતાં યહોવાએ વડીલોને જવાબદારી આપી છે કે તેઓ બાઇબલના સિદ્ધાંતોના આધારે નક્કી કરે કે પાપ કરનાર વ્યક્તિ મંડળમાં રહી શકે કે નહિ. (૧ કોરીં. ૫:૧૨) વડીલોને નિર્ણય લેવા આ સવાલો મદદ કરી શકે: શું એ વ્યક્તિએ જાણીજોઈને પાપ કર્યું છે? શું તેણે એ પાપ છુપાવવાનો પ્રયત્ન કર્યો છે? શું તેણે વારંવાર એ પાપ કર્યું છે? ખાસ કરીને શું વ્યક્તિએ પોતાનાં કામોથી બતાવ્યું છે કે તેને દિલથી પસ્તાવો છે? શું એ વાતની કોઈ ખાતરી છે કે યહોવાએ તેને માફી આપી છે?—પ્રે.કા. ૩:૧૯.
૫. વડીલોના નિર્ણયથી શું ફાયદો થાય છે?
૫ વડીલો પાપ કરનાર વ્યક્તિ સાથે વાત કરે ત્યારે શાનું ધ્યાન રાખશે? યહોવાએ સ્વર્ગમાં એ વ્યક્તિ વિશે નિર્ણય લઈ લીધો છે. વડીલો એવો જ નિર્ણય લેવાનો પ્રયત્ન કરશે. (માથ. ૧૮:૧૮) જો તેઓ વ્યક્તિને બહિષ્કૃત કરવાનો નિર્ણય લે તો એનાથી મંડળનાં ભાઈ-બહેનોનું રક્ષણ થશે. તેઓને વ્યક્તિની ખરાબ સંગતનો રંગ નહિ લાગે. (૧ કોરીં. ૫:૬, ૭, ૧૧-૧૩; તિત. ૩:૧૦, ૧૧) વડીલોના એ નિર્ણયથી વ્યક્તિને પસ્તાવો કરવા અને યહોવા પાસે પાછા ફરવા મદદ મળશે. જ્યારે તે એમ કરશે ત્યારે યહોવા તેને માફ કરી દેશે. (લૂક ૫:૩૨) વડીલો પસ્તાવો કરનાર વ્યક્તિ માટે પ્રાર્થના કરશે કે યહોવા સાથેનો તેનો સંબંધ ફરી પાકો થાય.—યાકૂ. ૫:૧૫.
૬. શું બહિષ્કૃત વ્યક્તિ યહોવાની માફી મેળવી શકે? સમજાવો.
૬ વડીલો જુએ કે પાપ કરનાર વ્યક્તિને પસ્તાવો નથી તો તેઓ તેને મંડળમાંથી બહિષ્કૃત કરે છે. જો તેણે કોઈ કાયદા-કાનૂન તોડ્યા હોય તો વડીલો તેને બચાવવાની કોશિશ કરશે નહિ. યહોવાએ સરકારોને કાયદા-કાનૂન જાળવવાનો અધિકાર આપ્યો છે. ભલે વ્યક્તિએ દિલથી પસ્તાવો કર્યો હોય કે નહિ, સરકાર તેનો ન્યાય કરીને તેને સજા કરશે. (રોમ. ૧૩:૪) સમય જતાં જો વ્યક્તિને પોતાની ભૂલ સમજાય, તે પસ્તાવો કરે અને જીવનમાં ફેરફાર કરે તો યહોવા તેને માફ કરવા તૈયાર છે. (લૂક ૧૫:૧૭-૨૪) વ્યક્તિએ ગમે તેટલું મોટું પાપ કર્યું હોય, યહોવા તેને માફ કરી શકે છે.—૨ કાળ. ૩૩:૯, ૧૨, ૧૩; ૧ તિમો. ૧:૧૫.
૭. કોઈએ આપણી વિરુદ્ધ પાપ કર્યું હોય તો શું કરવું જોઈએ?
૭ વ્યક્તિનું પાપ માફ થશે કે નહિ એ વિશે આપણે વધારે પડતી ચિંતા કરવી ન જોઈએ. એ નિર્ણય લેવો યહોવાના હાથમાં છે. શું એનો અર્થ એમ થાય કે આપણે કંઈ જ ન કરવું જોઈએ? ના એવું નથી. બની શકે કે વ્યક્તિએ આપણને દુઃખ પહોંચાડ્યું હોય, આપણી વિરુદ્ધ મોટું પાપ કર્યું હોય. તે માફી માંગે કે ન માંગે આપણે તેને દિલથી માફ કરવી જોઈએ. તેના માટે મનમાં કડવાશ ભરી રાખવી ન જોઈએ. દિલથી માફ કરવામાં કદાચ ઘણો સમય અને મહેનત લાગી શકે. સપ્ટેમ્બર ૧૫, ૧૯૯૪ના ચોકીબુરજમાં (અંગ્રેજી) લખ્યું છે, “પાપ કરનાર વ્યક્તિને માફ કરીએ છીએ ત્યારે એવું નથી કે આપણે તેનાં પાપ ચલાવી લઈએ છીએ. પણ વ્યક્તિને માફ કરીને એ કિસ્સો યહોવાના હાથમાં સોંપી દઈએ છીએ. આપણને ભરોસો છે કે વિશ્વના સૌથી નેક ન્યાયાધીશ યહોવા સાચો ન્યાય કરશે અને યોગ્ય સમયે બધું ઠીક કરશે.” પણ યહોવા એવું કેમ ચાહે છે કે આપણે બીજાઓને માફ કરીએ અને ન્યાય કરવાનું કામ તેમના હાથમાં સોંપી દઈએ?
યહોવા કેમ ચાહે છે કે આપણે બીજાઓને માફ કરીએ?
૮. યહોવાની દયાની કદર કરતા હોઈશું તો શું કરીશું?
૮ માફ કરીને યહોવાની કદર કરીએ છીએ. ઈસુએ એક ઉદાહરણ આપ્યું હતું. એક રાજાએ પોતાના ચાકરનું મોટું દેવું માફ કર્યું. કેમ કે એ ચાકર દેવું ચૂકવી શકે એમ ન હતો. પણ એ ચાકરે બીજા ચાકરને દયા ન બતાવી જેનું દેવું તેના કરતાં ઘણું ઓછું હતું. તેણે એ માફ ન કર્યું. (માથ. ૧૮:૨૩-૩૫) એ ઉદાહરણથી શું શીખવા મળે છે? યહોવા એ રાજા જેવા છે. તે દિલથી આપણને માફ કરે છે અને દયા બતાવે છે. જો આપણે તેમની દયાની કદર કરતા હોઈશું તો બીજાઓને માફ કરીશું. (ગીત. ૧૦૩:૯) વર્ષો પહેલાં એક ચોકીબુરજમાં જણાવ્યું હતું, “આપણે કદાચ ઘણી વાર લોકોને માફ કરતા હોઈશું. પણ ખ્રિસ્તના બલિદાનને આધારે ઈશ્વર આપણને જેટલી વાર માફ કરે છે, એટલી વાર તો આપણે ક્યારેય બીજાઓને માફ નહિ કરી શકીએ.”
૯. યહોવા કોને માફ કરે છે? (માથ્થી ૬:૧૪, ૧૫)
૯ માફ કરીશું તો માફી મળશે. જો આપણે બીજાઓને માફ કરીશું અને દયા બતાવીશું તો યહોવા પણ આપણને માફ કરશે અને દયા બતાવશે. (માથ. ૫:૭; યાકૂ. ૨:૧૩) ઈસુએ પણ શિષ્યોને એવું જ શીખવ્યું હતું. (માથ્થી ૬:૧૪, ૧૫ વાંચો.) શું તમને અયૂબનો કિસ્સો યાદ છે? તેમના ત્રણ મિત્રો અલીફાઝ, બિલ્દાદ અને સોફાર તેમને મળવા આવ્યા. તેઓએ એવી કડવી વાતો કરી જેનાથી અયૂબનું કાળજું વીંધાઈ ગયું. પણ યહોવાએ અયૂબને તેઓ માટે પ્રાર્થના કરવાનું કહ્યું. અયૂબે એવું જ કર્યું અને તેઓને માફ કર્યાં. એ પછી યહોવાએ અયૂબને આશીર્વાદ આપ્યા.—અયૂ. ૪૨:૮-૧૦.
૧૦. મનમાં કડવાશ ભરી રાખવાથી કેમ આપણું જ નુકસાન થાય છે? (એફેસીઓ ૪:૩૧, ૩૨)
૧૦ મનમાં કડવાશ ભરી રાખીશું તો પોતાને જ નુકસાન થશે. મનમાં કડવાશ કે ગુસ્સો ભરી રાખવો તો ભારે બોજ ઉઠાવીને ચાલવા જેવું છે. યહોવા ચાહે છે કે આપણે એ બોજ ઉતારી દઈએ. (એફેસીઓ ૪:૩૧, ૩૨ વાંચો.) તે અરજ કરે છે, “ગુસ્સો પડતો મૂક અને ક્રોધ છોડી દે.” (ગીત. ૩૭:૮) એ સલાહથી આપણને જ ફાયદો થાય છે. મનમાં કડવાશ ભરી રાખીશું તો આપણને નુકસાન થશે. આપણી તબિયત બગડશે. (નીતિ. ૧૪:૩૦) એ તો જાણે ઝેર પીવા બરાબર છે. એનાથી સામેવાળાને નહિ, આપણને જ નુકસાન થશે. પણ જો બીજાઓને માફ કરીશું તો આપણું ભલું થશે. (નીતિ. ૧૧:૧૭) આપણને મનની શાંતિ મળશે અને તબિયત સારી રહેશે. આપણે ખુશ રહી શકીશું અને યહોવાની સારી રીતે ભક્તિ કરી શકીશું.
૧૧. આપણે કેમ બદલો લેવો ન જોઈએ? (રોમનો ૧૨:૧૯-૨૧)
૧૧ બદલો લેવો યહોવાનું કામ છે. યહોવાએ આપણને બદલો લેવાનો અથવા બીજાઓને સજા કરવાનો અધિકાર આપ્યો નથી. (રોમનો ૧૨:૧૯-૨૧ વાંચો.) આપણાથી ભૂલો થાય છે અને ઘણી વાર આપણી પાસે બધી માહિતી હોતી નથી. એટલે આપણે યહોવાની જેમ સાચો ન્યાય કરી શકતા નથી. (હિબ્રૂ. ૪:૧૩) અમુક વાર બીજાઓએ આપણને એટલા દુઃખી કર્યા હોય કે આપણે લાગણીઓમાં વહીને નિર્ણય લઈએ. એટલે જ યહોવાએ યાકૂબ પાસે લખાવ્યું, “ગુસ્સો કરનાર માણસ ઈશ્વરની નજરે જે ખરું છે, એ કરતો નથી.” (યાકૂ. ૧:૨૦) પણ ભરોસો રાખીએ કે યોગ્ય સમયે યહોવા સાચો ન્યાય કરશે.
૧૨. યહોવા પર પૂરો ભરોસો છે એવું કઈ રીતે બતાવી શકીએ?
૧૨ માફ કરીને આપણે યહોવાના ન્યાય પર પૂરો ભરોસો બતાવીએ છીએ. આપણે ન્યાય કરવાનું યહોવાના હાથમાં છોડી દઈએ. એમ કરીને યહોવા પર પૂરો ભરોસો બતાવીએ છીએ કે તે યોગ્ય સમયે બધું ઠીક કરી દેશે. તેમણે વચન આપ્યું છે કે નવી દુનિયામાં આપણને કડવી યાદો નહિ સતાવે. “અરે! એ કોઈના મનમાં પણ નહિ આવે.” (યશા. ૬૫:૧૭) કોઈએ આપણને ખૂબ જ દુઃખ પહોંચાડ્યું હોય તો તેને માફ કરવું કંઈ સહેલું નથી. પણ તેને દિલથી માફ કરી શકીએ છીએ. ચાલો અમુક ભાઈ-બહેનોના દાખલા જોઈએ. તેઓએ એવું જ કર્યું હતું.
માફ કરવાથી મળતા આશીર્વાદો
૧૩-૧૪. માફ કરવા વિશે ટોનીના દાખલામાંથી તમને શું શીખવા મળ્યું?
૧૩ ઘણાં ભાઈ-બહેનોએ એવા લોકોને માફ કર્યા, જેઓએ તેઓને ખૂબ જ દુઃખ પહોંચાડ્યું હતું. માફ કરીને તેઓને કેવા આશીર્વાદ મળ્યા?
૧૪ ચાલો ટોનીનો દાખલો જોઈએ. * તે ફિલિપાઇન્સમાં રહે છે. યહોવાનો સાક્ષી બન્યો એ પહેલાં તે ખૂબ ગુસ્સાવાળો હતો, બહુ મારપીટ કરતો હતો. એક દિવસે તેને ખબર પડી કે હૉસે નામના માણસે તેના મોટા ભાઈનું ખૂન કરી નાખ્યું છે. ટોની ગુસ્સાથી તપી ગયો. તે બદલો લેવા માંગતો હતો, પણ હૉસેને જેલ થઈ. થોડા સમય પછી તેને જેલમાંથી છોડવામાં આવ્યો. ટોનીએ નક્કી કર્યું કે હવે તે હૉસેને પતાવી દેશે. ટોનીએ એક બંદૂક પણ ખરીદી. જોકે એ દરમિયાન ટોની યહોવાના સાક્ષીઓ સાથે અભ્યાસ કરવા લાગ્યો. તે કહે છે: “મને શીખવા મળ્યું કે મારે પોતાનામાં ફેરફાર કરવો જોઈએ. મારે ગુસ્સા પર પણ કાબૂ રાખવો જોઈએ.” થોડા સમય પછી ટોનીએ બાપ્તિસ્મા લીધું. આગળ જતાં તે વડીલ બન્યો. એક દિવસે તેને ખબર પડી કે હૉસે પણ યહોવાનો સાક્ષી બની ગયો છે. તેઓ બંને મળ્યા ત્યારે એકબીજાને ભેટી પડ્યા. ટોનીએ કહ્યું કે તેણે હૉસેને માફ કરી દીધો છે. એનું શું પરિણામ આવ્યું? ટોની કહે છે તેને મનની શાંતિ મળી. તેની ખુશી તે શબ્દોમાં વ્યક્ત નથી કરી શકતો. સાચે જ, આપણે બીજાઓને માફ કરીએ છીએ તો યહોવા ઘણા આશીર્વાદ આપે છે.
૧૫-૧૬. માફ કરવા વિશે પીટરભાઈ અને સૂબહેનના દાખલામાંથી તમને શું શીખવા મળ્યું?
૧૫ હવે પીટરભાઈ અને સૂબહેનનો વિચાર કરીએ. ૧૯૮૫નું વર્ષ હતું. તેઓ પ્રાર્થનાઘરમાં હતાં અને સભા ચાલતી હતી. ત્યાં અચાનક જોરદાર ધડાકો થયો. એક માણસે પ્રાર્થનાઘરમાં બૉમ્બ મૂક્યો હતો. સૂબહેનને ઘણું વાગ્યું. એના કારણે તે સારી રીતે જોઈ શકતાં નથી અને બરાબર સાંભળી શકતાં નથી. તેમની સૂંઘવાની શક્તિ પણ ચાલી ગઈ છે. * તેઓ બંને ઘણી વાર વિચારે છે, ‘કોઈ માણસ કઈ રીતે આવું કરવાનું વિચારી પણ શકે?’ ઘણાં વર્ષો પછી એ માણસને પકડી લેવામાં આવ્યો. તેને આજીવન કેદની સજા થઈ. પીટરભાઈ અને સૂબહેનને પૂછવામાં આવ્યું કે શું તેઓએ એ માણસને માફ કર્યો કે નહિ. તેઓએ કહ્યું, “યહોવા ચાહે છે કે આપણે મનમાંથી ગુસ્સો કાઢી નાખીએ. કડવાશ ભરી ન રાખીએ. એનાથી આપણું જ નુકસાન થશે. આપણી ખુશી છીનવાઈ જશે. આપણે ચિંતામાં રહીશું. આપણી તબિયત બગડશે. એટલે એ બનાવના થોડા સમય પછી જ અમે યહોવા પાસે મદદ માંગી, જેથી એ બનાવ મનમાં વાગોળ્યા ન કરીએ.”
૧૬ શું પેલા માણસને માફ કરવો તેઓ માટે સહેલું હતું? ના, જરાય નહિ. તેઓ જણાવે છે, “જ્યારે પણ ઈજાને લીધે સૂને તકલીફ પડતી ત્યારે એ બનાવ અમારાં મનમાં તાજો થઈ જતો. અમને ખૂબ ગુસ્સો આવતો, પણ અમે એ વિશે વધુ પડતું વિચાર્યા ન કરતા. એનાથી અમને મનની શાંતિ મળતી. સાચું કહીએ તો, કાલે ઊઠીને જો એ માણસ યહોવાનો સાક્ષી બને તો અમે તેનો દિલથી આવકાર કરીશું. એ બનાવથી શીખવા મળ્યું કે બાઇબલના સિદ્ધાંતો પાળીને આપણે મનમાંથી કડવાશ દૂર કરી શકીએ છીએ અને આપણને ખુશી મળે છે. એ જાણીને રાહત મળે છે કે અમને જે પણ નુકસાન થયું છે, યહોવા જલદી જ એ બધાની ભરપાઈ કરી આપશે.”
૧૭. માફ કરવા વિશે માયરાબહેન પાસેથી તમને શું શીખવા મળ્યું?
૧૭ ચાલો માયરાબહેનનો દાખલો જોઈએ. તે બાઇબલમાંથી શીખવા લાગ્યાં ત્યારે તેમનાં લગ્ન થઈ ચૂક્યાં હતાં અને તેમને બે નાનાં બાળકો હતાં. પણ તેમના પતિ યહોવાના સાક્ષી ન બન્યા. થોડા સમય પછી તેમના પતિએ વ્યભિચાર કર્યો અને કુટુંબ છોડીને જતા રહ્યા. માયરાબહેન જણાવે છે, “મારા પતિ કુટુંબ છોડીને જતા રહ્યા ત્યારે મારા પગ નીચેથી જમીન ખસી ગઈ. મારા માનવામાં જ ન’તું આવતું કે મારી સાથે આવું બન્યું. અમુક વાર મને બહુ ગુસ્સો આવતો. હું પોતાને જ દોષ આપતી. હું ખૂબ દુઃખી દુઃખી રહેતી હતી.” તેમનું લગ્નજીવન તૂટી ગયું પણ હજુ તેમના ઘા તાજા હતા. તે કહે છે, “ઘણા મહિનાઓ સુધી હું ચિંતા કર્યા કરતી અને ગુસ્સામાં રહેતી. પછી મને અહેસાસ થયો કે એના લીધે યહોવા અને બીજાઓ સાથેના સંબંધ પર અસર થઈ રહી હતી.” માયરાબહેન જણાવે છે કે હવે તેમણે મનમાંથી ગુસ્સો અને કડવાશ કાઢી નાખ્યાં છે. ભલે તે અને તેમના પતિ અલગ થઈ ગયા છે તોપણ તેમને આશા છે કે તે એક દિવસે યહોવા વિશે શીખે. માયરાબહેન ભાવિમાં મળનાર આશીર્વાદો પર મન લગાડી શક્યાં છે. તેમણે એકલા હાથે બાળકોનો ઉછેર કર્યો અને તેઓને યહોવા વિશે શીખવ્યું. આજે તે ખૂબ ખુશ છે. તે પોતાનાં બાળકો અને તેઓનાં કુટુંબ સાથે મળીને યહોવાની ભક્તિ કરે છે.
યહોવાનો અદ્દલ ઇન્સાફ
૧૮. આપણે શાની પાકી ખાતરી રાખી શકીએ?
૧૮ એ જાણીને કેટલી રાહત થાય છે કે આપણે બીજાઓનો ન્યાય કરવાનો નથી. સૌથી મહાન ન્યાયાધીશ યહોવા ન્યાય કરશે. (રોમ. ૧૪:૧૦-૧૨) તેમનાં ધોરણો ક્યારેય બદલાતાં નથી. એટલે પાકી ખાતરી રાખી શકીએ કે તે હંમેશાં અદ્દલ ઇન્સાફ કરશે. (ઉત. ૧૮:૨૫; ૧ રાજા. ૮:૩૨) તે ક્યારેય કોઈની સાથે અન્યાય નહિ કરે!
૧૯. ભાવિમાં યહોવા શું કરશે?
૧૯ આપણે બધા પાપી છીએ એટલે જાણે-અજાણે બીજાઓને દુઃખ પહોંચાડીએ છીએ. પણ ભાવિમાં યહોવા આપણને પાપમાંથી આઝાદ કરશે. આપણાં શરીર પર અને દિલ પર લાગેલા બધા ઘા રુઝાય જશે. (ગીત. ૭૨:૧૨-૧૪; પ્રકટી. ૨૧:૩, ૪) અરે, કડવી યાદો ક્યારેય નહિ સતાવે. એ સોનેરી દિવસો જલદી જ આવશે. ત્યાં સુધી ચાલો આપણે યહોવાને અનુસરીએ અને એકબીજાને માફ કરતા રહીએ.
ગીત ૧૪૯ અમને બચાવવા તારો આભાર
^ દિલથી પસ્તાવો કરનારને યહોવા માફ કરવા તૈયાર છે. આપણને કોઈ દુઃખ પહોંચાડે તો આપણે પણ તેમને માફ કરવા જોઈએ. એમ કરીને આપણે યહોવાનું અનુકરણ કરીશું. અમુક પાપ આપણે પોતે માફ કરી શકીએ છીએ. પણ બીજાં અમુક પાપ વિશે આપણે મંડળના વડીલોને જણાવવું જોઈએ. એ વિશે આપણે આ લેખમાં જોઈશું. એ પણ જોઈશું કે યહોવા કેમ ચાહે છે કે આપણે બીજાઓને માફ કરીએ અને એનાથી કેવા આશીર્વાદ મળશે.
^ એપ્રિલ ૧૫, ૧૯૯૬ ચોકીબુરજમાં આપેલો આ લેખ જુઓ: “વાચકો તરફથી પ્રશ્નો.”
^ અમુક નામ બદલ્યાં છે.
^ જાન્યુઆરી ૮, ૧૯૯૨ સજાગ બનો! (અંગ્રેજી) પાન ૯-૧૩ પર આપેલો લેખ જુઓ. JW બ્રૉડકાસ્ટિંગ પર હિંદીમાં આ વીડિયો પણ જુઓ: શુલ્સ: સદમે સે ઉબરા જા સકતા હૈ.