સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

અભ્યાસ લેખ ૨૮

ઈશ્વરનો ડર રાખવાથી ફાયદો થાય છે

ઈશ્વરનો ડર રાખવાથી ફાયદો થાય છે

“સત્યના રસ્તે ચાલનાર માણસ યહોવાનો ડર રાખે છે.” —નીતિ. ૧૪:૨.

ગીત ૩૨ અડગ રહીએ

ઝલક a

૧-૨. લોતની જેમ આજે યહોવાના ભક્તોએ કઈ મુશ્કેલીનો સામનો કરવો પડે છે?

 આજે જોવા મળે છે કે લોકોએ પોતાના સંસ્કારો નેવે ચઢાવી દીધા છે. એ જોઈને આપણને પણ ઈશ્વરભક્ત લોત જેવું લાગે છે. તે લોકોનાં “દુષ્ટ કામો જોઈને અને તેઓની વાતો સાંભળીને રોજ કચવાતા હતા.” (૨ પિત. ૨:૭, ૮) કેમ કે તે જાણતા હતા કે સ્વર્ગમાંના આપણા પિતા દુષ્ટ કામોને ધિક્કારે છે. લોત ઈશ્વરનો ડર રાખતા હતા અને તેમને પ્રેમ કરતા હતા. એટલે તે આસપાસના લોકોના રંગે રંગાયા નહિ. આજે આપણે પણ એવા લોકોથી ઘેરાયેલા છીએ, જેઓને યહોવાનાં ધોરણોની કંઈ પડી નથી અથવા તેઓ એમાં માનતા નથી. છતાં જો આપણે ઈશ્વરને પ્રેમ કરતા રહીશું અને તેમનો ડર રાખવાનું શીખીશું, તો પોતાનું ચારિત્ર શુદ્ધ રાખી શકીશું.—નીતિ. ૧૪:૨.

એવું કરવા યહોવા આપણને મદદ કરે છે. કઈ રીતે? તેમણે નીતિવચનોના પુસ્તકમાં સરસ સલાહ લખાવી છે, જેથી આપણને ચારિત્ર શુદ્ધ રાખવા ઉત્તેજન મળે. એ સલાહ પાળવાથી પુરુષો, સ્ત્રીઓ, બાળકો અને વૃદ્ધો બધાને ફાયદો થઈ શકે છે.

ઈશ્વરનો ડર રાખવાથી આપણું રક્ષણ થાય છે

નોકરી-ધંધાની જગ્યાએ એવા લોકોને જિગરી દોસ્ત ન બનાવીએ, જેઓ યહોવાને પ્રેમ કરતા નથી અને તેમનો આદર કરતા નથી. એવું કોઈ કામ કરવાનું પણ આમંત્રણ ન સ્વીકારીએ, જેનાથી યહોવાને દુઃખ પહોંચે (ફકરો ૩ જુઓ)

૩. નીતિવચનો ૧૭:૩ પ્રમાણે આપણા દિલનું રક્ષણ કરવાનું એક કારણ કયું છે? (ચિત્ર પણ જુઓ.)

આપણાં દિલનું રક્ષણ કરવાનું એક મહત્ત્વનું કારણ એ છે કે, યહોવા આપણાં દિલોને તપાસે છે. એનો અર્થ થાય કે યહોવા ધ્યાન આપે છે કે આપણે બહારથી કેવા દેખાઈએ છીએ. એટલું જ નહિ, તે એ પણ જાણે છે કે આપણે અંદરથી કેવા છીએ. (નીતિવચનો ૧૭:૩ વાંચો.) જો આપણે યહોવાની સલાહ પર ધ્યાન આપીશું જે હંમેશ માટેનું જીવન આપી શકે છે, તો તે આપણને પ્રેમ કરશે. (યોહા. ૪:૧૪) આમ, શેતાન અને તેની દુનિયાએ ફેલાવેલાં ઝેર જેવાં જૂઠાણાંથી આપણું રક્ષણ થશે. તેમ જ, આપણે દુષ્ટ લોકો જેવાં કામ કરીશું નહિ. (૧ યોહા. ૫:૧૮, ૧૯) આપણે આપણા પિતાને દુઃખ પહોંચાડવા નથી માંગતા, એટલે પાપ કરવાના વિચારને પણ ધિક્કારીશું. જ્યારે કંઈ ખોટું કરવાની લાલચ આવે, ત્યારે પોતાને પૂછીશું: ‘જેમણે મને આટલો બધો પ્રેમ કર્યો છે, તેમને હું જાણીજોઈને કઈ રીતે દુઃખ પહોંચાડી શકું?’—૧ યોહા. ૪:૯, ૧૦.

૪. યહોવાનો ડર રાખવાથી એક બહેનનું રક્ષણ કઈ રીતે થયું?

ક્રોએશિયાનાં માર્ટાબહેનનો વિચાર કરો. b તેમની સામે વ્યભિચાર કરવાની લાલચ આવી હતી. તેમણે લખ્યું “હું સાફ સાફ વિચારી શકતી ન હતી. પળભરની મજા માણવાની ઇચ્છાને દબાવવી મારા માટે ખૂબ જ અઘરું હતું. પણ યહોવાનો ડર રાખવાને લીધે મારું રક્ષણ થયું.” કઈ રીતે? માર્ટાબહેને કહ્યું કે તેમણે એ વાત પર વિચાર કર્યો કે વ્યભિચાર કરવાનાં કેવાં ખરાબ પરિણામો આવશે. આપણે પણ એવું જ કરી શકીએ છીએ. એવાં કામોનું સૌથી ખરાબ પરિણામ એ છે કે, આપણે યહોવાને દુઃખ પહોંચાડીશું અને કાયમ માટે તેમની ભક્તિ નહિ કરી શકીએ.—ઉત. ૬:૫, ૬.

૫. લિયોભાઈના દાખલામાંથી તમે શું શીખ્યા?

જો યહોવાનો ડર રાખીશું, તો ખોટાં કામ કરતા લોકોને દોસ્ત નહિ બનાવીએ. કૉંગોમાં રહેતા લિયોભાઈ ભૂલ કર્યા પછી એ બોધપાઠ શીખ્યા. બાપ્તિસ્માના ચાર વર્ષ પછી તેમણે એવા લોકોને દોસ્તો બનાવ્યા, જેઓ ખોટાં કામ કરતા હતા. ભાઈ વિચારતા હતા કે પોતે કંઈ ખોટું ન કરે ત્યાં સુધી, તે યહોવા વિરુદ્ધ પાપ નથી કરી રહ્યા. પણ થોડા જ સમયમાં તેમના ખરાબ દોસ્તોને લીધે તે વધુ પડતો દારૂ પીવા લાગ્યા અને વ્યભિચાર કરી બેઠા. પછી તે વિચારવા લાગ્યા કે તેમનાં મમ્મી-પપ્પાએ તેમને શું શીખવ્યું હતું. તે એ પણ વિચારવા લાગ્યા કે યહોવાની સેવા કરતા હતા ત્યારે તે કેટલા ખુશ હતા. એનું શું પરિણામ આવ્યું? તેમણે ફરીથી જે ખરું છે એ કરવાનું શરૂ કર્યું. વડીલોની મદદથી તે યહોવા પાસે પાછા આવ્યા. આજે તે ખુશી ખુશી એક વડીલ તરીકે અને ખાસ પાયોનિયર તરીકે સેવા આપે છે.

૬. હવે આપણે કઈ બે સ્ત્રીઓ વિશે ચર્ચા કરીશું?

હવે ચાલો નીતિવચનો અધ્યાય ૯ પર વિચાર કરીએ. ત્યાં બે સ્ત્રીઓ વિશે બતાવ્યું છે. એક સ્ત્રી બુદ્ધિને રજૂ કરે છે અને બીજી મૂર્ખતાને. c એ અધ્યાય પર વિચાર કરીએ ત્યારે યાદ રાખજો કે શેતાનની દુનિયા વ્યભિચાર અને પોર્નોગ્રાફીથી ખદબદે છે. (એફે. ૪:૧૯) એટલે એ ખૂબ જ જરૂરી છે કે આપણે ઈશ્વરનો ડર રાખવાનું શીખીએ અને બૂરાઈથી દૂર રહીએ. (નીતિ. ૧૬:૬) આમ પુરુષ હોય કે સ્ત્રી, બધા જ લોકો આ અધ્યાયમાંથી ફાયદો મેળવી શકે છે. આ અધ્યાયમાં જણાવેલી બંને સ્ત્રીઓ અણસમજુ, એટલે કે “અક્કલ વગરના” લોકોને બોલાવે છે. એ બંને સ્ત્રી કહે છે: ‘મારા ઘરમાં આવો અને રોટલી ખાઓ.’ (નીતિ. ૯:૧, ૫, ૬, ૧૩, ૧૬, ૧૭) પણ એ બંને સ્ત્રીઓનું આમંત્રણ સ્વીકારવાનું જે પરિણામ આવે છે, એમાં આભ-જમીનનો ફરક છે.

મૂર્ખ સ્ત્રીનું આમંત્રણ સ્વીકારશો નહિ

‘મૂર્ખ સ્ત્રીનું’ આમંત્રણ સ્વીકારીશું તો, એનાં ખરાબ પરિણામો ભોગવવાં પડશે (ફકરો ૭ જુઓ)

૭. નીતિવચનો ૯:૧૩-૧૮ પ્રમાણે, જેઓ મૂર્ખ સ્ત્રીનું આમંત્રણ સ્વીકારે છે, તેઓનું શું થાય છે? (ચિત્ર પણ જુઓ.)

જરા “મૂર્ખ સ્ત્રી”ના આમંત્રણ પર ધ્યાન આપો. (નીતિવચનો ૯:૧૩-૧૮ વાંચો.) તે બેશરમ બનીને અક્કલ વગરના લોકોને કહે છે: “અહીં અંદર આવો” અને મિજબાનીની મજા માણો. એ આમંત્રણ સ્વીકારનારા લોકોનું શું થાય છે? એ જ અધ્યાયમાં આગળ કહ્યું છે: “એ સ્ત્રીનું ઘર મડદાઓનું ઘર છે.” તમને કદાચ યાદ હશે કે નીતિવચનોના શરૂઆતના અધ્યાયમાં એવી જ એક સ્ત્રી વિશે ચેતવણી આપી છે, જે “પાપી” અને “વ્યભિચારી” છે. ત્યાં લખ્યું છે: “એવી સ્ત્રીના ઘરે જવું તો મોતના મોંમાં જવા બરાબર છે.” (નીતિ. ૨:૧૧-૧૯) નીતિવચનો ૫:૩-૧૦માં બીજી એક ‘પાપી સ્ત્રી’ વિશે ચેતવણી આપી છે, જેના “પગ મરણ તરફ જાય છે.”

૮. આપણે કેવો નિર્ણય લેવો પડી શકે?

જેઓ ‘મૂર્ખ સ્ત્રીનો’ પોકાર સાંભળે છે, તેઓએ એક નિર્ણય લેવાનો છે: શું તેઓ તેનું આમંત્રણ સ્વીકારશે કે એનો નકાર કરશે? આપણે પણ કદાચ એવો જ નિર્ણય લેવો પડે. જો વ્યભિચાર કરવાની લાલચ આવે અથવા અચાનક જ ગંદાં ચિત્રો કે વીડિયો ખૂલી જાય, તો આપણે કેવો નિર્ણય લઈશું?

૯-૧૦. આપણે કેમ વ્યભિચારથી દૂર રહેવું જોઈએ?

વ્યભિચારથી દૂર રહેવાથી આપણું ભલું થાય છે અને એમ કરવાનાં ઘણાં સારાં કારણો પણ છે. મૂર્ખ સ્ત્રી કહે છે: “ચોરીને પીધેલું પાણી મીઠું લાગે છે.” “ચોરીને પીધેલું પાણી” એટલે શું? બાઇબલમાં પતિ-પત્ની વચ્ચેના જાતીય સંબંધને તાજા પાણી સાથે સરખાવવામાં આવ્યું છે. (નીતિ. ૫:૧૫-૧૮) જો એક પુરુષ અને સ્ત્રીએ કાયદેસર લગ્‍ન કર્યાં હોય, તો તેઓ એકબીજા સાથે જાતીય સંબંધ બાંધીને ખુશી મેળવી શકે છે. ‘ચોરીને પીધેલા પાણી’ કરતાં કેટલું અલગ! એ પાણી કદાચ લગ્‍ન બહારના જાતીય સંબંધને રજૂ કરી શકે. એવાં કામો મોટા ભાગે છુપાઈને કરવામાં આવે છે, જેમ એક ચોર છુપાઈને ચોરી કરે છે. “ચોરીને પીધેલું પાણી” કદાચ એવા લોકોને મીઠું લાગે, જેઓ માનતા હોય છે કે તેઓનું કામ કોઈને ખબર નહિ પડે. એમ કરીને તેઓ પોતાને જ મૂર્ખ બનાવે છે, કેમ કે યહોવા બધું જ જુએ છે. હકીકતમાં, એ અનુભવ ‘મીઠો’ નહિ પણ કડવો છે, કેમ કે એવી વ્યક્તિ યહોવાની કૃપા ગુમાવે છે. (૧ કોરીં. ૬:૯, ૧૦) પણ વ્યભિચારનાં બીજાં પણ અમુક ખરાબ પરિણામો આવે છે.

૧૦ વ્યભિચાર કર્યા પછી ઘણા લોકોએ શરમના માર્યા નીચું જોવું પડે છે. તેઓ પોતાને નકામા ગણવા લાગે છે. એટલું જ નહિ, સ્ત્રીને લગ્‍ન પહેલાં જ ગર્ભ રહી જાય છે અને કુટુંબો ભાંગી પડે છે. એટલે સમજદારી એમાં જ છે કે એ મૂર્ખ સ્ત્રીના ‘ઘરથી’ અને મિજબાનીથી દૂર રહીએ. વધુમાં, વ્યક્તિ વ્યભિચાર કરે છે ત્યારે યહોવા સાથેનો તેનો સંબંધ તૂટી જાય છે. આમ એક રીતે તેનું મરણ થાય છે. વ્યભિચાર કરનાર ઘણા લોકોને એવી બીમારીઓ થાય છે, જેનાથી તેઓનું અકાળે મરણ થાય છે. (નીતિ. ૭:૨૩, ૨૬) અધ્યાય ૯, કલમ ૧૮ કહે છે: “તેના મહેમાનો કબરના ઊંડાણમાં પડ્યા છે.” જો એ આમંત્રણ સ્વીકારવાના આટલા ખરાબ પરિણામ આવતા હોય, તો પછી કેમ ઘણા લોકો એ આમંત્રણ સ્વીકારે છે?—નીતિ. ૯:૧૩-૧૮.

૧૧. પોર્નોગ્રાફી જોવી કેમ બહુ ખતરનાક છે?

૧૧ પોર્નોગ્રાફીના ફાંદાને લીધે ઘણા લોકો એ આમંત્રણ સ્વીકારવા લલચાય છે. અમુકને લાગે છે કે પોર્નોગ્રાફી જોવામાં કંઈ ખોટું નથી. પણ હકીકત એ છે કે પોર્નોગ્રાફી જોવાથી ઘણું નુકસાન થાય છે. વ્યક્તિ પોતાની અને બીજાઓની નજરમાંથી ઊતરી જાય છે અને તેને એની લત લાગી શકે છે. ગંદાં ચિત્રો વ્યક્તિના મનમાં છપાઈ જાય છે અને એને કાઢી નાખવા ખૂબ અઘરું છે. વધુમાં, પોર્નોગ્રાફી ખોટી ઇચ્છાઓને મારી નાખતી નથી, પણ એને ભડકાવે છે. (કોલો. ૩:૫; યાકૂ. ૧:૧૪, ૧૫) પોર્નોગ્રાફી જોનારા ઘણા લોકો આગળ જતાં વ્યભિચાર કરી બેસે છે.

૧૨. જો આપણે ચાહતા હોઈએ કે મનમાં ખોટી ઇચ્છાઓ ન જાગે, તો શું કરવું જોઈએ?

૧૨ જો ફોન કે કોમ્પ્યુટરમાં અચાનક કોઈ ગંદું ચિત્ર આવી જાય, તો યહોવાના ભક્તો તરીકે આપણે શું કરવું જોઈએ? આપણે તરત જ પોતાની નજર ફેરવી લેવી જોઈએ. જો યાદ રાખીશું કે યહોવા સાથેનો આપણો સંબંધ ખૂબ જ કીમતી છે, તો એ પગલું ભરવા મદદ મળશે. હકીકતમાં અમુક ચિત્રો બહુ ગંદાં નથી હોતાં, પણ એ મનમાં ખોટી ઇચ્છાઓ જગાડે છે. તો પછી કેમ એવાં ચિત્રો પણ જોવાનું ટાળવું જોઈએ? કેમ કે આપણે મનમાં એવો કોઈ વિચાર પણ લાવવા નથી માંગતા, જે આપણને વ્યભિચાર તરફ દોરી જાય. (માથ. ૫:૨૮, ૨૯) થાઇલૅન્ડમાં રહેતા ડેવિડભાઈ એક વડીલ છે. તે કહે છે: “હું પોતાને પૂછું છું: ‘ભલે કોઈ ચિત્ર કદાચ બહુ ગંદું ન હોય, પણ જો હું એને જોયા કરીશ, તો શું યહોવા ખુશ થશે?’ એવો સવાલ પૂછવાથી મને સમજી-વિચારીને વર્તવા મદદ મળે છે.”

૧૩. સમજી-વિચારીને વર્તવા શાનાથી મદદ મળે છે?

૧૩ જો આપણને ડર હશે કે કંઈ ખોટું કરવાથી યહોવા દુઃખી થશે, તો આપણને સમજી-વિચારીને વર્તવા મદદ મળશે. હકીકતમાં, ઈશ્વરનો “ડર બુદ્ધિની શરૂઆત છે.” (નીતિ. ૯:૧૦) એ વાત નીતિવચનો અધ્યાય ૯ની શરૂઆતની કલમોમાં સમજાવવામાં આવી છે. ત્યાં બીજી એક સ્ત્રી વિશે જણાવ્યું છે, જે “સાચી બુદ્ધિ”ને રજૂ કરે છે.

બુદ્ધિમાન સ્ત્રીનું આમંત્રણ સ્વીકારો

૧૪. નીતિવચનો ૯:૧-૬માં કયા આમંત્રણ વિશે જણાવ્યું છે?

૧૪ નીતિવચનો ૯:૧-૬ વાંચો. અહીં બીજા એક આમંત્રણ વિશે જોવા મળે છે. એ યહોવા પાસેથી છે, જે આપણા સર્જનહાર અને બધાને બુદ્ધિ આપનાર છે. (નીતિ. ૨:૬; રોમ. ૧૬:૨૭) આ કલમોમાં એક મોટા ઘર વિશે જણાવ્યું છે, જેને સાત સ્તંભ છે. એનાથી ખબર પડે છે કે યહોવા ખૂબ જ ઉદાર છે. તેમ જ, તે એ બધા લોકોનો આવકાર કરે છે, જેઓ તેમની પાસેથી શીખીને બુદ્ધિમાન બનવા માંગે છે.

૧૫. યહોવા આપણને શું કરવાનું આમંત્રણ આપે છે?

૧૫ નીતિવચનો અધ્યાય ૯માં ‘સાચી બુદ્ધિને’ સ્ત્રી તરીકે રજૂ કરવામાં આવી છે. (નીતિ. ૯:૧, ફૂટનોટ) એ દાખલાથી જોવા મળે છે કે યહોવા ઉદાર છે અને બધી વસ્તુઓ ભરપૂર પ્રમાણમાં આપે છે. અધ્યાય ૯માં જણાવ્યું છે કે એ સ્ત્રીએ માંસ કાપીને તૈયાર રાખ્યું છે, સ્વાદિષ્ટ દ્રાક્ષદારૂ બનાવ્યો છે અને મેજ સજાવીને રાખી છે. (નીતિ. ૯:૨) કલમ ૪ અને ૫માં લખ્યું છે: “તે [સાચી બુદ્ધિ] અક્કલ વગરના લોકોને કહે છે: ‘આવો, મેં બનાવેલી રોટલી ખાઓ.’” આપણે કેમ એ આમંત્રણ સ્વીકારીને તેના ઘરે જવું જોઈએ અને તેની મિજબાનીની મજા માણવી જોઈએ? કેમ કે યહોવા ચાહે છે કે તેમનાં બાળકો બુદ્ધિમાન બને અને સુરક્ષિત રહે. તે નથી ચાહતા કે આપણે ભૂલ કરીને પસ્તાઈએ અને પછી એમાંથી શીખીએ. એટલે જ “તે નેક માણસ માટે બુદ્ધિનો ખજાનો રાખી મૂકે છે.” (નીતિ. ૨:૭) જ્યારે આપણે યહોવાનો ડર રાખીએ છીએ ત્યારે તેમને ખુશ કરવા માંગીએ છીએ. આપણે તેમની સલાહને કાન ધરીએ છીએ અને એને ખુશી ખુશી જીવનમાં લાગુ પાડીએ છીએ.—યાકૂ. ૧:૨૫.

૧૬. ઈશ્વરનો ડર રાખવાને લીધે એલનભાઈ કઈ રીતે સારો નિર્ણય લઈ શક્યા? એનું શું પરિણામ આવ્યું?

૧૬ ધ્યાન આપો કે ઈશ્વરનો ડર રાખવાને લીધે એલનભાઈને કઈ રીતે સારો નિર્ણય લેવા મદદ મળી. તે મંડળમાં વડીલ છે અને એક સ્કૂલમાં શિક્ષક છે. તે કહે છે: “સ્કૂલના ઘણા શિક્ષકોને લાગતું હતું કે પોર્નોગ્રાફીથી ભરેલી ફિલ્મો જોવાથી તેઓને સેક્સ વિશેનું શિક્ષણ મળે છે.” પણ એલનભાઈ જાણતા હતા કે એ ખોટું છે. તે કહે છે: “ઈશ્વરનો ડર હોવાને લીધે મેં એ ફિલ્મો જોવાની ના પાડી દીધી. મેં શિક્ષકોને એ પણ સમજાવ્યું કે હું કેમ એવી ફિલ્મો જોતો નથી.” તે ‘સાચી બુદ્ધિની’ સલાહ પાળીને “સમજણના માર્ગે આગળ વધતા” રહ્યા. (નીતિ. ૯:૬) એલનભાઈ પોતાના નિર્ણય પર અડગ રહ્યા. એ જોઈને અમુક શિક્ષકોને એટલી નવાઈ લાગી કે હવે તેઓ બાઇબલમાંથી શીખે છે અને આપણી સભાઓમાં આવે છે.

‘સાચી બુદ્ધિનું’ આમંત્રણ સ્વીકારીશું તો, આજે અને હંમેશ માટે ખુશ રહી શકીશું (ફકરા ૧૭-૧૮ જુઓ)

૧૭-૧૮. જેઓ ‘સાચી બુદ્ધિ’ પાસેથી આવતું આમંત્રણ સ્વીકારે છે, તેઓને કયા આશીર્વાદો મળે છે? તેઓનું ભાવિ કેવું હશે? (ચિત્ર પણ જુઓ.)

૧૭ યહોવા એ બે સ્ત્રીઓનો દાખલો આપીને સમજાવે છે કે જો ખુશહાલ ભાવિ જોઈતું હોય, તો શું કરવું જોઈએ. જેઓ બોલકણી અને ‘મૂર્ખ સ્ત્રીનું’ આમંત્રણ સ્વીકારે છે, તેઓ સંતાઈને વ્યભિચારની ‘મીઠી’ મજા લેવા માંગે છે. સાચું કહીએ તો તેઓ ફક્ત આજ માટે જીવે છે. તેઓને ભાવિની જરાય ચિંતા નથી. તેઓને એ વાતનો અહેસાસ નથી કે તેઓનું ભાવિ “કબરના ઊંડાણમાં” છે.—નીતિ. ૯:૧૩, ૧૭, ૧૮.

૧૮ પણ જેઓ ‘સાચી બુદ્ધિને’ રજૂ કરતી સ્ત્રીનું આમંત્રણ સ્વીકારે છે, તેઓનું ભાવિ ખૂબ જ સારું હશે. એ સ્ત્રીએ પોતાના મહેમાનો માટે સરસ ગોઠવણ કરી છે અને સ્વાદિષ્ટ ભોજન તૈયાર કર્યું છે. તેના મહેમાનો બહુ જ ખુશ છે, કેમ કે એ ભોજનથી તેઓને યહોવાની નજીક રહેવા મદદ મળે છે. (યશા. ૬૫:૧૩) યશાયા પ્રબોધક દ્વારા યહોવાએ કહ્યું છે: “મારું ધ્યાનથી સાંભળો, જે સારું છે એ ખાઓ અને તમે ઉત્તમ ભોજનની મજા માણશો.” (યશા. ૫૫:૧, ૨) આપણે શીખીએ છીએ કે યહોવા જેને પ્રેમ કરે છે એને પ્રેમ કરીએ અને તે જેને ધિક્કારે છે એને ધિક્કારીએ. (ગીત. ૯૭:૧૦) આપણને એ વાતની ખુશી છે કે આપણે બીજાઓને ‘સાચી બુદ્ધિનો’ પોકાર સાંભળવાનું આમંત્રણ આપી શકીએ છીએ. આપણે જાણે એ સેવકો જેવા છીએ, જેઓ ‘શહેરની ઊંચી જગ્યાઓ પરથી જાહેર કરે છે: “ઓ અણસમજુ લોકો, અહીં અંદર આવો.”’ એવું નથી કે આપણને અને એ આમંત્રણ સ્વીકારનાર લોકોને ફક્ત આજે જ ફાયદો થાય છે. એ ફાયદાઓ કાયમ માટેના છે. જો “સમજણના માર્ગે આગળ વધતા” રહીશું, તો હંમેશ માટે “જીવતા” રહી શકીશું.—નીતિ. ૯:૩, ૪, ૬.

૧૯. સભાશિક્ષક ૧૨:૧૩, ૧૪માં લખ્યું છે તેમ આપણે શું કરવાનો પાકો નિર્ણય લેવો જોઈએ? (“ ઈશ્વરનો ડર રાખવાના ફાયદા” બૉક્સ પણ જુઓ.)

૧૯ સભાશિક્ષક ૧૨:૧૩, ૧૪ વાંચો. યહોવાનો ડર રાખીશું તો આ દુષ્ટ દુનિયાના છેલ્લા દિવસોમાં આપણા દિલની સંભાળ રાખી શકીશું, ચારિત્ર શુદ્ધ રાખી શકીશું અને યહોવાની નજીક રહી શકીશું. આપણે યહોવાને પ્રેમ કરીએ છીએ અને તેમનો ડર રાખીએ છીએ. એટલે બને એટલા લોકોને ‘સાચી બુદ્ધિનો’ પોકાર સાંભળવા અને એમાંથી ફાયદો લેવા આમંત્રણ આપીશું. તો ચાલો પાકો નિર્ણય લઈએ કે હંમેશાં યહોવાનો ડર રાખીશું.

ગીત ૨૯ ચાલું તારી સંગે

a યહોવાના દરેક ભક્તે તેમનો ડર રાખવાનું શીખવું જોઈએ. એવો ડર આપણા દિલની સંભાળ રાખશે તેમજ વ્યભિચાર અને પોર્નોગ્રાફીથી આપણું રક્ષણ કરશે. આ લેખમાં આપણે નીતિવચનો અધ્યાય ૯ની ચર્ચા કરીશું. એમાં બે સ્ત્રીઓ વિશે જણાવ્યું છે. એક સ્ત્રી મૂર્ખતાને રજૂ કરે છે અને બીજી સાચી બુદ્ધિને. આ અધ્યાયમાં આપેલી સલાહ આપણને આજે અને ભાવિમાં પણ મદદ કરશે.

b અમુક નામ બદલ્યાં છે.

c બાઇબલની બીજી કલમોમાં અમુક બાબતોને વ્યક્તિ તરીકે રજૂ કરવામાં આવી છે. એના અમુક દાખલા જોવા રોમનો ૫:૧૪ અને ગલાતીઓ ૪:૨૪ જુઓ.