સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

અભ્યાસ લેખ ૨૬

યહોવાના દિવસ માટે તૈયાર રહીએ

યહોવાના દિવસ માટે તૈયાર રહીએ

“જેમ રાતે ચોર આવે છે, તેમ યહોવાનો દિવસ આવી રહ્યો છે.”—૧ થેસ્સા. ૫:૨.

ગીત ૩૨ અડગ રહીએ

ઝલક a

૧. યહોવાના દિવસે બચી જવા આપણે શું કરવાની જરૂર છે?

 બાઇબલમાં ઘણી વાર ‘યહોવાના દિવસ’ વિશે જણાવ્યું છે. એ એવા સમયને બતાવે છે, જ્યારે યહોવા પોતાના દુશ્મનોનો ન્યાય કરે છે અને પોતાના ભક્તોનો બચાવ કરે છે. પહેલાં પણ યહોવાએ અમુક પ્રજાને સજા કરી હતી. (યશા. ૧૩:૧, ૬; હઝકિ. ૧૩:૫; સફા. ૧:૮) આપણા સમયમાં “યહોવાનો દિવસ” મહાન બાબેલોન પરના હુમલાથી શરૂ થશે અને આર્માગેદનના યુદ્ધથી પૂરો થશે. જો આપણે એ “દિવસ”થી બચવું હોય તો પોતાને અત્યારથી તૈયાર કરવાની જરૂર છે. ધ્યાન આપો, ઈસુએ એમ કહ્યું ન હતું કે “મોટી વિપત્તિ” માટે તૈયાર થાઓ, પણ તેમણે કહ્યું હતું કે એ માટે “તૈયાર રહો.”માથ. ૨૪:૨૧; લૂક ૧૨:૪૦.

૨. પહેલા થેસ્સાલોનિકીઓમાંથી આપણને બધાને કઈ રીતે ફાયદો થાય છે?

પ્રેરિત પાઉલે થેસ્સાલોનિકીઓને લખેલા પહેલા પત્રમાં યહોવાના દિવસ વિશે જણાવ્યું. એમાં તેમણે ઘણા દાખલાઓ વાપરીને ખ્રિસ્તીઓને ન્યાયના એ મહાન દિવસ માટે તૈયાર રહેવા મદદ કરી. પાઉલ જાણતા હતા કે એ દિવસ એ જ સમયે આવવાનો ન હતો. (૨ થેસ્સા. ૨:૧-૩) તોપણ, તેમણે પોતાના ભાઈઓને અરજ કરી કે એ દિવસ જાણે કાલે આવવાનો હોય એ રીતે તૈયાર રહે. તેમની એ સલાહ આજે આપણને પણ લાગુ પડે છે. હવે ચાલો જોઈએ કે આ ત્રણ વાતો વિશે પાઉલે શું સમજાવ્યું: (૧) યહોવાનો દિવસ કઈ રીતે આવશે, (૨) એ દિવસે કોણ નહિ બચે અને (૩) એ દિવસથી બચવા આપણે કઈ રીતે તૈયાર થઈ શકીએ.

યહોવાનો દિવસ કઈ રીતે આવશે?

પ્રેરિત પાઉલે થેસ્સાલોનિકાના મંડળને લખેલા પહેલા પત્રમાં જે દાખલાઓ વાપર્યા, એમાંથી આપણે ઘણું શીખી શકીએ છીએ (ફકરો ૩ જુઓ)

૩. આપણે કેમ કહી શકીએ કે જેમ રાતે ચોર આવે છે તેમ યહોવાનો દિવસ આવશે? (ચિત્ર પણ જુઓ.)

“જેમ રાતે ચોર આવે છે.” (૧ થેસ્સા. ૫:૨) પાઉલે યહોવાના દિવસ વિશે સમજાવવા જે ત્રણ દાખલા આપ્યા, એમાંનો આ પહેલો છે. ચોર મોટા ભાગે રાતના અંધારામાં આવે છે, જ્યારે લોકોને તેઓના આવવાની આશા હોતી નથી. તેમ જ, ચોર પોતાનું કામ ફટાફટ કરે છે. યહોવાનો દિવસ પણ અચાનક આવી પડશે. એ જોઈને મોટા ભાગના લોકોને નવાઈ લાગશે. અરે, જે રીતે ફટાફટ બનાવો બને છે, એ જોઈને કદાચ ઈસુના ખરા શિષ્યોને પણ નવાઈ લાગે. પણ એ દિવસે ફક્ત દુષ્ટોનો નાશ થશે અને યહોવાના લોકોને બચાવવામાં આવશે.

૪. યહોવાનો દિવસ કઈ રીતે ગર્ભવતી સ્ત્રીને થનાર પ્રસૂતિની પીડા જેવો છે?

“જેમ ગર્ભવતી સ્ત્રીને અચાનક પ્રસૂતિની પીડા ઊપડે છે.” (૧ થેસ્સા. ૫:૩) એક ગર્ભવતી સ્ત્રી કહી નથી શકતી કે તેને ચોક્કસ કયા સમયે પ્રસૂતિની પીડા ઊપડશે. પણ તે જાણે છે કે એક દિવસે એમ જરૂર થશે. પ્રસૂતિની પીડા મોટા ભાગે અચાનક ઊપડે છે. એ પીડા ખૂબ વધારે હોય છે અને એને રોકી શકાતી નથી. એવી જ રીતે, આપણે જાણતા નથી કે કયા દિવસે અને કઈ ઘડીએ યહોવાનો દિવસ શરૂ થશે. પણ એટલું તો ચોક્કસ જાણીએ છીએ કે એ દિવસ આવી રહ્યો છે. એ પણ જાણીએ છીએ કે દુષ્ટો પર ઈશ્વરનો ન્યાયચુકાદો અચાનક આવી પડશે અને તેઓ એમાંથી બચી નહિ શકે.

૫. મોટી વિપત્તિ કઈ રીતે દિવસના પ્રકાશ જેવી છે?

‘દિવસના પ્રકાશની જેમ.’ પાઉલ પોતાના ત્રીજા દાખલામાં ફરી એકવાર ચોરનો ઉલ્લેખ કરે છે. પણ એવું લાગે છે કે પાઉલ હવે યહોવાના દિવસની સરખામણી સવારના પ્રકાશ સાથે કરે છે. (૧ થેસ્સા. ૫:૪) ચોર કદાચ ચોરી કરવામાં એટલા વ્યસ્ત હોય કે સમય વહી રહ્યો છે, એનું તેઓને ભાન જ ન રહે. પછી સવારનું અજવાળું થાય ત્યારે તેઓ કદાચ પકડાઈ જાય અને તેઓની પોલ ખુલ્લી પડે. એવી જ રીતે, મોટી વિપત્તિ વખતે એવા લોકોને ખુલ્લા પાડવામાં આવશે, જેઓ ચોરની જેમ એવાં કામ કરે છે, જે યહોવાને ગમતાં નથી. એવા લોકો એક રીતે જાણે અંધારામાં છે. પણ આપણે યહોવાના દિવસ માટે તૈયાર થઈ શકીએ છીએ. કઈ રીતે? યહોવાને નથી ગમતાં એવાં કામો છોડી દઈને અને ‘દરેક પ્રકારની ભલાઈ અને નેકીનાં’ કામો કરીને. (એફે. ૫:૮-૧૨) પછી યહોવાના દિવસે કોણ નહિ બચે એ સમજાવવા પાઉલે બે સરખા દાખલા આપ્યા.

યહોવાના દિવસે કોણ નહિ બચે?

૬. કયા અર્થમાં આજે મોટા ભાગના લોકો ઊંઘી રહ્યા છે? (૧ થેસ્સાલોનિકીઓ ૫:૬, ૭)

“જેઓ ઊંઘે છે.” (૧ થેસ્સાલોનિકીઓ ૫:૬, ૭ વાંચો.) યહોવાના દિવસે જેઓ નહિ બચે, તેઓની સરખામણી પાઉલે એવા લોકો સાથે કરી જેઓ ઊંઘે છે. ઊંઘી ગયેલા લોકોને પોતાની આસપાસ શું બની રહ્યું છે એની જાણ હોતી નથી. તેઓને એ પણ ખબર નથી હોતી કે કેટલો સમય વીતી ગયો છે. એટલે તેઓ મહત્ત્વના બનાવો પારખી શકતા નથી અને યોગ્ય પગલાં ભરી શકતા નથી. આજે મોટા ભાગના લોકો જાણે ઊંઘી જ રહ્યા છે. (રોમ. ૧૧:૮) તેઓ એ પુરાવામાં માનતા નથી કે આજે આપણે “છેલ્લા દિવસોમાં” જીવી રહ્યા છીએ. તેઓ એ પણ માનતા નથી કે મોટી વિપત્તિ બહુ જલદી આવશે. દુનિયામાં બનતા મોટા મોટા બનાવો જોઈને કદાચ અમુક લોકો જાણે ઊંઘમાંથી ઊઠે અને રાજ્યના સંદેશામાં થોડો ઘણો રસ બતાવે. છતાં ઘણા લોકો જાગતા રહેવાને બદલે પાછા જઈને સૂઈ જાય છે. અમુક લોકો ન્યાયના દિવસમાં માને છે, પણ તેઓને લાગે છે કે એ દિવસ બહુ દૂર છે. (૨ પિત. ૩:૩, ૪) પણ આપણે જાણીએ છીએ કે જેમ જેમ દિવસ પસાર થઈ રહ્યા છે, તેમ તેમ બાઇબલની સલાહ પાળીને જાગતા રહેવું કેટલું જરૂરી છે.

૭. ઈશ્વર જેઓનો નાશ કરશે તેઓ કઈ રીતે દારૂ પીને નશામાં ચકચૂર હોય એવા લોકો જેવા છે?

‘જેઓ દારૂ પીને નશામાં ચકચૂર થાય છે.’ ઈશ્વર જે લોકોનો નાશ કરશે તેઓની સરખામણી પ્રેરિત પાઉલે દારૂડિયાઓ સાથે કરી. જેઓ દારૂના નશામાં હોય છે, તેઓ પોતાની આસપાસ જે બની રહ્યું છે એ વિશે પગલાં લઈ શકતા નથી. તેઓ ખોટા નિર્ણયો પણ લઈ બેસે છે. એવી જ રીતે, આજે દુષ્ટો ઈશ્વરની ચેતવણીઓને ધ્યાન આપતા નથી. તેઓ એવું જીવન જીવે છે, જે તેઓને વિનાશના માર્ગે લઈ જાય છે. પણ ખ્રિસ્તીઓને કહેવામાં આવ્યું છે કે તેઓ સમજી-વિચારીને વર્તે. (૧ થેસ્સા. ૫:૬) બાઇબલના એક વિદ્વાન કહે છે કે સમજી-વિચારીને વર્તવાનો અર્થ થાય, ‘શાંત રહેવું, ગભરાઈ ન જવું અને સારી રીતે વિચાર કરવો જેથી યોગ્ય નિર્ણય લઈ શકાય.’ આપણે કેમ શાંત રહેવાની અને ગભરાઈ ન જવાની જરૂર છે? આજની રાજકીય કે સામાજિક બાબતોમાં ન પડીએ એ માટે એમ કરવું જરૂરી છે. જેમ જેમ યહોવાનો દિવસ નજીક આવે છે, તેમ તેમ આવી બાબતોમાં કોઈનો ને કોઈનો પક્ષ લેવાનું દબાણ વધતું ને વધતું જશે. તોપણ, આપણે એ ચિંતા કરવાની જરૂર નથી કે એવા સંજોગોમાં આપણે શું કરીશું. ઈશ્વરની શક્તિ આપણને શાંત રહેવા, ગભરાઈ ન જવા અને સારા નિર્ણયો લેવા મદદ કરશે.—લૂક ૧૨:૧૧, ૧૨.

યહોવાના દિવસ માટે તૈયાર થવા શું કરી શકીએ?

ભલે ઘણા લોકોને કંઈ પડી ન હોય, પણ આપણે શ્રદ્ધા અને પ્રેમનું બખ્તર અને આશાનો ટોપ પહેરીને યહોવાના દિવસ માટે તૈયાર રહીએ છીએ (ફકરા ૮, ૧૨ જુઓ)

૮. પહેલા થેસ્સાલોનિકીઓ ૫:૮માં આપેલા દાખલાથી સમજાવો કે કયા ગુણો આપણને જાગતા રહેવા અને સમજી-વિચારીને વર્તવા મદદ કરશે. (ચિત્ર પણ જુઓ.)

‘બખ્તર અને ટોપ પહેરીએ.’ પાઉલે આપણી સરખામણી એવા સૈનિકો સાથે કરી, જેઓ હંમેશાં સતર્ક રહે છે અને યુદ્ધ માટે તૈયાર હોય છે. (૧ થેસ્સાલોનિકીઓ ૫:૮ વાંચો.) લોકો અપેક્ષા રાખે છે કે, યુદ્ધ ચાલતું હોય ત્યારે એક સૈનિક લડવા માટે હંમેશાં તૈયાર હોય. આપણા વિશે પણ એવું જ છે. આપણે શ્રદ્ધા અને પ્રેમનું બખ્તર પહેરીને અને ઉદ્ધારની આશાનો ટોપ પહેરીને યહોવાના દિવસ માટે તૈયાર રહી શકીએ છીએ. એ ગુણો આપણને ખૂબ જ મદદ કરશે.

૯. શ્રદ્ધા કઈ રીતે આપણું રક્ષણ કરે છે?

બખ્તર સૈનિકના દિલનું રક્ષણ કરે છે. એવી જ રીતે, શ્રદ્ધા અને પ્રેમ આપણાં દિલનું રક્ષણ કરે છે. એ ગુણો આપણને ઈશ્વરની સેવા કરતા રહેવા અને ઈસુના પગલે ચાલતા રહેવા મદદ કરશે. શ્રદ્ધાની મદદથી આપણને ખાતરી થાય છે કે, જેઓ યહોવાને દિલથી શોધે છે તેઓને તે ઇનામ આપશે. (હિબ્રૂ. ૧૧:૬) શ્રદ્ધા આપણને આપણા આગેવાન ઈસુને વફાદાર રહેવા મદદ કરશે, પછી ભલેને ગમે એટલી મુશ્કેલીઓ આવે. કસોટીઓનો સામનો કરવા આપણે શ્રદ્ધા મજબૂત કરી શકીએ છીએ. કઈ રીતે? આપણે આજના સમયનાં વફાદાર ભાઈ-બહેનોના દાખલા પર વિચાર કરી શકીએ, જેઓ સતાવણી કે આર્થિક મુશ્કેલીઓ હોવા છતાં યહોવાને વફાદાર રહ્યાં છે. આપણે એવાં ભાઈ-બહેનોનો દાખલો પણ અનુસરી શકીએ, જેઓએ રાજ્યને પહેલાં સ્થાને રાખવા જીવન સાદું બનાવ્યું છે. b આમ, આપણે ધનદોલત પાછળ ભાગવાના ફાંદાથી બચી શકીશું.

૧૦. ઈશ્વર માટેનો પ્રેમ અને પડોશીઓ માટેનો પ્રેમ આપણને કઈ રીતે મુશ્કેલીઓ છતાં પ્રચારમાં લાગુ રહેવા મદદ કરે છે?

૧૦ જાગતા રહેવા અને સમજી-વિચારીને વર્તવા પ્રેમનો ગુણ પણ મદદ કરે છે. (માથ. ૨૨:૩૭-૩૯) પ્રચાર કરીએ છીએ ત્યારે, આપણા પર ઘણી મુશ્કેલીઓ આવી શકે છે. પણ ઈશ્વર માટેનો પ્રેમ આપણને મુશ્કેલીઓ છતાં પ્રચારમાં લાગુ રહેવા મદદ કરે છે. (૨ તિમો. ૧:૭, ૮) આપણે એવા લોકોને પણ પ્રેમ કરી છીએ, જેઓ યહોવાની ભક્તિ કરતા નથી. એટલે આપણે પ્રચાર વિસ્તારમાં રહેતા લોકોને ખુશખબર જણાવતા રહીએ છીએ. અરે, ટેલિફોન દ્વારા અને પત્ર દ્વારા પણ પ્રચાર કરીએ છીએ. આપણે આશા રાખીએ છીએ કે એક દિવસ આપણા પડોશીઓ ફેરફાર કરશે અને જે ખરું છે એ કરવાનું શરૂ કરશે.—હઝકિ. ૧૮:૨૭, ૨૮.

૧૧. ભાઈ-બહેનો માટેનો પ્રેમ આપણને કઈ રીતે મદદ કરે છે? (૧ થેસ્સાલોનિકીઓ ૫:૧૧)

૧૧ આપણાં ભાઈ-બહેનો પણ આપણા પડોશીઓ છે. આપણે તેઓને પણ પ્રેમ કરીએ છીએ. ‘એકબીજાને ઉત્તેજન આપીને અને એકબીજાને મક્કમ કરીને’ આપણે એવો પ્રેમ બતાવીએ છીએ. (૧ થેસ્સાલોનિકીઓ ૫:૧૧ વાંચો.) જેમ યુદ્ધમાં સૈનિકો એકબીજાની પડખે રહીને લડે છે, તેમ આપણે એકબીજાને ઉત્તેજન આપવું જોઈએ. ખરું કે, યુદ્ધ કરતી વખતે એક સૈનિકથી કદાચ અજાણતાં બીજા સૈનિકને ઈજા પહોંચે. પણ તે ક્યારેય જાણીજોઈને એવું નહિ કરે. એવી જ રીતે, આપણે પણ જાણીજોઈને આપણાં ભાઈ-બહેનોને દુઃખ નહિ પહોંચાડીએ અથવા બૂરાઈનો બદલો બૂરાઈથી નહિ વાળીએ. (૧ થેસ્સા. ૫:૧૩, ૧૫) પ્રેમ બતાવવાની બીજી એક રીત છે કે, મંડળમાં આગેવાની લેતા ભાઈઓને માન આપીએ. (૧ થેસ્સા. ૫:૧૨) જ્યારે પાઉલે થેસ્સાલોનિકા મંડળને પહેલો પત્ર લખ્યો, ત્યારે એ મંડળ બન્યાને એક વર્ષ પણ થયું ન હતું. એટલે સમજી શકાય કે એ મંડળમાં આગેવાની લેતા ભાઈઓને બહુ અનુભવ નહિ હોય. કદાચ તેઓથી અમુક ભૂલો પણ થઈ હશે. તેમ છતાં, ભાઈ-બહેનોએ એ વડીલોને માન આપવાનું હતું. મોટી વિપત્તિ નજીક આવે છે તેમ આપણે માર્ગદર્શન માટે આપણા મંડળના વડીલો પર હમણાં કરતાં પણ વધારે આધાર રાખવો પડશે. બની શકે કે, કદાચ જગત મુખ્યમથક અને શાખા કચેરીના ભાઈઓ સાથેનો આપણો સંપર્ક તૂટી જાય. એટલે એ ખૂબ જ જરૂરી છે કે આપણે હમણાંથી જ આપણા મંડળના વડીલોને પ્રેમ બતાવાનું અને માન આપવાનું શીખીએ. ભલે ગમે તે થાય, ચાલો આપણે સમજી-વિચારીને વર્તીએ. તેમ જ, વડીલોની કમજોરીઓ પર ધ્યાન ન આપીએ, પણ એ વાત પર ધ્યાન આપીએ કે યહોવા આ વફાદાર ભાઈઓને ઈસુ ખ્રિસ્ત દ્વારા માર્ગદર્શન આપી રહ્યા છે.

૧૨. આશા કઈ રીતે આપણા વિચારોનું રક્ષણ કરે છે?

૧૨ ટોપ સૈનિકના માથાનું રક્ષણ કરે છે. એવી જ રીતે, ઉદ્ધારની આશાનો ટોપ આપણા વિચારોનું રક્ષણ કરે છે. આપણી આશા એકદમ મજબૂત છે, એટલે આપણે જાણીએ છીએ કે આ દુનિયા જે કંઈ આપે છે એ સાવ નકામું છે. (ફિલિ. ૩:૮) આશા આપણને શાંત રહેવા અને યોગ્ય વિચારો રાખવા મદદ કરે છે. એવું જ કંઈક વોલેસભાઈ અને લોરિંડાબહેન સાથે બન્યું. તેઓ આફ્રિકામાં સેવા આપે છે. ત્રણ અઠવાડિયાની અંદર વોલેસભાઈના પપ્પા અને લોરિંડાબહેનનાં મમ્મીનું મરણ થયું. એ વખતે કોવિડ-૧૯ મહામારી ચાલી રહી હતી. એટલે આ દુઃખની ઘડીમાં તેઓ પોતાના કુટુંબને દિલાસો અને હિંમત આપવા જઈ ન શક્યાં. વોલેસભાઈએ લખ્યું, “આપણને આશા છે કે ગુજરી ગયેલાં સગાં-વહાલાંને જીવન આપવામાં આવશે. એટલે હું એ નથી વિચારતો કે આ દુનિયામાં તેઓના છેલ્લા દિવસો કેવા વીત્યા, પણ હું એ વિચારું છું કે તેઓ નવી દુનિયામાં પાછા આવશે ત્યારે તેઓના શરૂઆતના દિવસો કેવા હશે. જ્યારે હું દુઃખી હોઉં છું અને મને તેઓની ખોટ સાલે છે, ત્યારે એ આશાને લીધે મારું મન શાંત રહે છે.”

૧૩. પવિત્ર શક્તિ મેળવવા આપણે શું કરી શકીએ?

૧૩ “પવિત્ર શક્તિની આગ હોલવશો નહિ.” (૧ થેસ્સા. ૫:૧૯, ફૂટનોટ) પાઉલે પવિત્ર શક્તિની સરખામણી આગ સાથે કરી, જે આપણી અંદર સળગી રહી છે. જ્યારે આપણા પર ઈશ્વરની શક્તિ હોય છે, ત્યારે આપણને જે ખરું છે એ કરવા ઉત્સાહ મળે છે. એટલું નહિ, આપણે યહોવા માટે કામ કરવા જોશીલા બનીએ છીએ. (રોમ. ૧૨:૧૧) પવિત્ર શક્તિ મેળવવા આપણે શું કરી શકીએ? આપણે પ્રાર્થના કરી શકીએ, બાઇબલનો અભ્યાસ કરી શકીએ તેમજ સંગઠનના કામોમાં લાગુ રહી શકીએ, જેમ કે સભાઓ. એમ કરીશું તો આપણને “પવિત્ર શક્તિથી ઉત્પન્‍ન થતા ગુણ” કેળવવા મદદ મળશે.—ગલા. ૫:૨૨, ૨૩.

પોતાને પૂછો: ‘શું મારાં કાર્યોથી દેખાઈ આવે છે કે હું સતત યહોવાની પવિત્ર શક્તિ મેળવવા માંગું છું?’ (ફકરો ૧૪ જુઓ)

૧૪. જો આપણે ચાહતા હોઈએ કે આપણને પવિત્ર શક્તિ સતત મળ્યા કરે, તો શાનું ધ્યાન રાખવું જોઈએ? (ચિત્ર પણ જુઓ.)

૧૪ ઈશ્વર આપણને પોતાની પવિત્ર શક્તિ આપે પછી ધ્યાન રાખવાની જરૂર છે કે આપણે ‘પવિત્ર શક્તિની આગ હોલવી ન દઈએ.’ ઈશ્વર ફક્ત એવા જ લોકોને પોતાની શક્તિ આપે છે, જેઓ પોતાનાં વિચારો અને વાણી-વર્તન શુદ્ધ રાખે છે. જો આપણે અશુદ્ધ વાતો પર વિચાર કર્યા કરીશું અને એ પ્રમાણે કામ કરીશું, તો ઈશ્વર પોતાની શક્તિ આપવાનું બંધ કરી દેશે. (૧ થેસ્સા. ૪:૭, ૮) જો આપણે ચાહતા હોઈએ કે આપણને સતત પવિત્ર શક્તિ મળ્યા કરે તો એ પણ જરૂરી છે કે આપણે ‘ભવિષ્યવાણીઓને તુચ્છ ન ગણીએ.’ (૧ થેસ્સા. ૫:૨૦) આ કલમમાં ‘ભવિષ્યવાણીઓ’ એવા સંદેશાઓને બતાવે છે, જે યહોવા પોતાની પવિત્ર શક્તિ દ્વારા આપે છે. એમાં યહોવાના દિવસ વિશે અને એ કેટલો નજીક છે એનો પણ સમાવેશ થાય છે. આપણે એવું નથી વિચારતા કે યહોવાનો દિવસ અથવા આર્માગેદન આપણા જીવતેજીવ નહિ આવે. એને બદલે, આપણે બતાવીએ છીએ કે એ દિવસ જલદી આવે એવી આપણને આશા છે અથવા આપણે એ દિવસને મનમાં રાખીએ છીએ. એ માટે આપણે દરરોજ સારાં વાણી-વર્તન બતાવીએ છીએ અને ‘ઈશ્વરની ભક્તિના કામમાં’ વ્યસ્ત રહીએ છીએ.—૨ પિત. ૩:૧૧, ૧૨.

“બધી વસ્તુઓની પરખ કરો”

૧૫. જો આપણે ખોટી માહિતી અને દુષ્ટ દૂતોએ ફેલાવેલી વાતોથી છેતરાવા માંગતા ન હોઈએ, તો શું કરવું જોઈએ? (૧ થેસ્સાલોનિકીઓ ૫:૨૧)

૧૫ બહુ જલદી ઈશ્વરના વિરોધીઓ કોઈક રીતે જાહેર કરશે: “શાંતિ અને સલામતી છે!” (૧ થેસ્સા. ૫:૩) આખી દુનિયા દુષ્ટ દૂતોની પ્રેરણાથી કહેવામાં આવેલા સંદેશાથી ભરાઈ જશે અને મોટા ભાગના લોકોને ગેરમાર્ગે દોરશે. (પ્રકટી. ૧૬:૧૩, ૧૪) આપણા વિશે શું? જો આપણે “બધી વસ્તુઓની પરખ” કરીશું, તો તેઓની વાતોથી છેતરાઈશું નહિ. (૧ થેસ્સાલોનિકીઓ ૫:૨૧ વાંચો.) જે ગ્રીક શબ્દનું ભાષાંતર “પરખ કરો” કરવામાં આવ્યું છે, એ શબ્દ સોના-ચાંદી જેવી ધાતુઓની પરખ કરવામાં આવે ત્યારે વપરાતો હતો. આમ, આપણે જે સાંભળીએ છીએ અથવા વાંચીએ છીએ, એ ખરું છે કે નહિ એની પરખ કરવી જોઈએ. થેસ્સાલોનિકાનાં ભાઈ-બહેનો માટે એમ કરવું ખૂબ જ જરૂરી હતું. જેમ જેમ મોટી વિપત્તિ નજીક આવી રહી છે, તેમ તેમ આપણા માટે એવું કરવું એનાથી પણ વધારે મહત્ત્વનું છે. આપણે બીજાઓએ કહેલી વાતોને આંખ બંધ કરીને માની લેતા નથી. એના બદલે, આપણે આપણી વિચાર કરવાની શક્તિનો ઉપયોગ કરીએ છીએ અને જે વાંચીએ છીએ અથવા સાંભળીએ એ વિશે બાઇબલ અને યહોવાનું સંગઠન શું કહે છે એની સાથે સરખાવીએ છીએ. એમ કરીએ છીએ ત્યારે આપણે દુષ્ટ દૂતોએ ફેલાવેલી વાતોથી છેતરાતા નથી.—નીતિ. ૧૪:૧૫; ૧ તિમો. ૪:૧.

૧૬. આપણી પાસે કઈ પાકી આશા છે અને આપણે શું કરવાનો નિર્ણય લીધો છે?

૧૬ એક સમૂહ તરીકે યહોવાના લોકો મોટી વિપત્તિમાંથી બચી જશે. પણ આપણે એ નથી જાણતા કે કાલે આપણી સાથે શું થશે. (યાકૂ. ૪:૧૪) કદાચ આપણે જીવતેજીવ મોટી વિપત્તિ પાર કરીએ અથવા એ પહેલાં જ આપણું મરણ થાય. પણ એક વાત ચોક્કસ છે, જો વફાદાર રહીશું તો યહોવા આપણને હંમેશ માટેનું જીવન ઇનામમાં આપશે. અભિષિક્તો ખ્રિસ્ત સાથે સ્વર્ગમાં રાજ કરશે. બીજાં ઘેટાંના લોકો બાગ જેવી સુંદર પૃથ્વી પર કાયમ માટે જીવશે. તો ચાલો, આપણી અદ્‍ભુત આશા પર મન લગાડીએ અને યહોવાના દિવસ માટે તૈયાર રહીએ.

ગીત ૪૯ યહોવા છે સહારો

a પહેલા થેસ્સાલોનિકીઓ પાંચમા અધ્યાયમાં પ્રેરિત પાઉલે ઘણા દાખલા આપીને ભવિષ્યમાં આવનાર યહોવાના દિવસ વિશે જણાવ્યું છે. યહોવાનો દિવસ એટલે શું? એ કેવી રીતે આવશે? એ દિવસે કોણ બચી જશે અને કોણ નહિ બચે? એ દિવસ માટે આપણે પોતાને કઈ રીતે તૈયાર કરી શકીએ? આપણે આ લેખમાં પાઉલે કહેલી વાતોનો વિચાર કરીશું અને એ સવાલોના જવાબ મેળવીશું.