સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

જીવન સફર

યહોવાની સેવામાં નવી નવી સોંપણીઓ મળી અને ઘણું શીખ્યા

યહોવાની સેવામાં નવી નવી સોંપણીઓ મળી અને ઘણું શીખ્યા

નાનપણમાં હું જ્યારે પણ આકાશમાં વિમાન ઊડતું જોતો, ત્યારે મને પણ એમાં બેસીને બીજા દેશમાં જવાની ઇચ્છા થતી. પણ પછી થતું કે એ સપનું બસ સપનું જ રહેશે.

બીજા વિશ્વયુદ્ધ દરમિયાન મારાં મમ્મી-પપ્પા એસ્ટોનિયા છોડીને જર્મની રહેવા ગયાં. ત્યાં જ મારો જન્મ થયો. મારા જન્મ પછી તેઓ કેનેડા જવાની તૈયારી કરવા લાગ્યાં. કેનેડામાં અમારું પહેલું ઘર ઓટાવા શહેરની નજીક હતું. રહેવાની જગ્યા બહુ નાની હતી. ત્યાં ઘણી મરઘીઓ પણ રાખવામાં આવતી. અમે બહુ ગરીબ હતાં, પણ નાસ્તા માટે ઈંડાં તો મળી રહેતાં હતાં.

એક દિવસે યહોવાના સાક્ષીઓએ મારી મમ્મીને પ્રકટીકરણ ૨૧:૩, ૪ વાંચી સંભળાવી. એના શબ્દો મારી મમ્મીના દિલને એટલા સ્પર્શી ગયા કે તે રડવા લાગી. મમ્મી-પપ્પાએ બાઇબલમાંથી શીખવાનું શરૂ કર્યું અને થોડા જ સમયમાં બાપ્તિસ્મા લીધું.

મમ્મી-પપ્પાને એટલું અંગ્રેજી આવડતું ન હતું, પણ યહોવાની સેવામાં તેઓ ખૂબ જ ઉત્સાહી હતાં. મારા પપ્પા ઑન્ટેરીઓના સડબરી શહેરમાં એક કારખાનામાં કામ કરતા હતા. ત્યાં ધાતુ પિગાળવામાં આવતી હતી. આખી રાત કામ કર્યા પછી પણ તે મોટા ભાગે દર શનિવારે મને અને મારી નાની બહેન સિલ્વિયાને પ્રચારમાં લઈ જતા. અમારું આખું કુટુંબ દર અઠવાડિયે ચોકીબુરજનો અભ્યાસ કરતું. મમ્મી-પપ્પાએ મારા દિલમાં યહોવા માટેનો પ્રેમ સિંચ્યો હતો. એટલે જાન્યુઆરી ૧૯૫૬માં મેં યહોવાને મારું જીવન સમર્પિત કરવાનો નિર્ણય લીધો. એ સમયે હું દસ જ વર્ષનો હતો. જ્યારે પણ હું વિચારું છું કે મમ્મી-પપ્પા યહોવાને કેટલો પ્રેમ કરતા, ત્યારે મને યહોવાની સેવામાં લાગુ રહેવા ઉત્તેજન મળે છે.

સ્કૂલનું ભણતર પૂરું કર્યા પછી યહોવાની સેવામાંથી મારું ધ્યાન ફંટાવા લાગ્યું. હું વિચારતો કે જો હું પાયોનિયર બનીશ, તો વધારે પૈસા કમાઈ નહિ શકું અને વિમાનમાં બેસીને આખી દુનિયા જોવાનું મારું સપનું પૂરું નહિ કરી શકું. મને નજીકના જ એક રેડિયો સ્ટેશનમાં ગીતો વગાડવાનું કામ મળ્યું. એ કામ મને બહુ ગમતું. પણ એ સાંજે કરવું પડતું, એટલે હું સભાઓમાં જઈ શકતો ન હતો. મારા દોસ્તો યહોવાને પ્રેમ કરતા ન હતા. સમય જતાં, મારું અંત:કરણ ડંખવા લાગ્યું. આખરે મને અહેસાસ થયો કે હું બાઇબલમાંથી જે શીખ્યો હતો, એ પ્રમાણે મારે ફેરફાર કરવાની જરૂર હતી.

હું ઑન્ટેરીઓના ઓશાવા શહેરમાં રહેવા ગયો. ત્યાં મારી મુલાકાત રે નોર્મન, તેની બહેન લેસ્લી અને બીજા પાયોનિયરો સાથે થઈ. તેઓએ મારામાં રસ બતાવ્યો. તેઓને હંમેશાં ખુશ જોઈને મને એ વિચારવા મદદ મળી કે મારે જીવનમાં શું કરવું છે. તેઓએ મને પાયોનિયરીંગ કરવાનું ઉત્તેજન આપ્યું અને સપ્ટેમ્બર ૧૯૬૬માં મેં એ શરૂ કર્યું. હું બહુ ખુશ હતો અને બધું સારું ચાલી રહ્યું હતું. પણ હું જાણતો ન હતો કે મારા જીવનમાં એક વળાંક આવવાનો હતો.

જ્યારે યહોવા કંઈક કરવાનું કહે ત્યારે એ કરવાની કોશિશ કરો

સ્કૂલમાં ભણતો હતો ત્યારે મેં કેનેડા બેથેલમાં સેવા કરવા ફૉર્મ ભર્યું હતું. પછી હું પાયોનિયરીંગ કરતો હતો ત્યારે મને ચાર વર્ષ બેથેલમાં સેવા કરવા બોલાવવામાં આવ્યો. પણ મને લેસ્લી બહુ ગમતી હતી અને મને ડર હતો કે જો હું બેથેલમાં જતો રહીશ, તો તેને મળી નહિ શકું. એટલે ઘણી પ્રાર્થના કર્યા પછી મેં બેથેલમાં જવાનો નિર્ણય લીધો અને દુઃખી હૃદયે લેસ્લીને આવજો કહ્યું.

શરૂઆતમાં મને બેથેલના લોન્ડ્રી વિભાગમાં કામ મળ્યું, જ્યાં કપડાં ધોવામાં આવતાં. ત્યાર પછી મને સેક્રેટરી તરીકે કામ મળ્યું. એ દરમિયાન લેસ્લીને ક્વિબેક પ્રાંતના ગેટીનો શહેરમાં ખાસ પાયોનિયર તરીકે મોકલવામાં આવી. હું ઘણી વાર વિચારતો કે લેસ્લી શું કરતી હશે અને શું બેથેલ આવવાનો મારો નિર્ણય બરાબર હતો. પછી એવું કંઈક બન્યું, જેના વિશે મેં વિચાર્યું પણ ન હતું. લેસ્લીના ભાઈ રે નોર્મનને બેથેલ બોલાવવામાં આવ્યો. અમારે બંનેએ સાથે રહેવાનું હતું. એના લીધે લેસ્લી સાથે મારી વાતચીત ફરી શરૂ થઈ. ૨૭ ફેબ્રુઆરી, ૧૯૭૧ મારી ચાર વર્ષની બેથેલ સેવાનો છેલ્લો દિવસ હતો અને એ જ દિવસે અમે લગ્‍ન કર્યાં.

૧૯૭૫માં સરકીટ કામ શરૂ કર્યું ત્યારે

મને અને લેસ્લીને ક્વિબેક શહેરમાં ફ્રેંચ ભાષાના મંડળમાં સોંપણી મળી. એના અમુક વર્ષ પછી મને સરકીટ નિરીક્ષક તરીકેની સોંપણી મળી. એ વખતે હું ૨૮ વર્ષનો હતો. મને લાગતું કે હું ઘણો નાનો છું અને મને બહુ અનુભવ નથી. પણ યર્મિયા ૧:૭, ૮ના શબ્દોથી મને ઘણું ઉત્તેજન મળ્યું. જો લેસ્લીની વાત કરું, તો તેના અમુક કાર અકસ્માત થયા હતા અને તેને રાત્રે ઊંઘ આવતી ન હતી. એટલે અમે વિચાર્યું કે અમે સરકીટ કામ નહિ કરી શકીએ. પણ લેસ્લીએ કહ્યું: “જો યહોવા કંઈ કરવાનું કહે, તો શું આપણે એમ કરવાની કોશિશ ન કરવી જોઈએ?” અમે એ સોંપણી સ્વીકારી અને ખુશી ખુશી ૧૭ વર્ષ સરકીટ કામ કર્યું.

સરકીટ કામમાં વ્યસ્ત રહેવાને લીધે હું લેસ્લીને વધારે સમય આપી શકતો ન હતો. મારે બીજું પણ કંઈક શીખવાનું હતું. એક સોમવારે વહેલી સવારે અમારા ઘરની ઘંટડી વાગી. મેં દરવાજો ખોલ્યો ત્યારે ત્યાં કોઈ ન હતું, બસ એક બાસ્કેટ હતી. એમાં એક પાથરણું, ફળ, ચીઝ, બ્રેડ, વાઇનની બોટલ અને ગ્લાસ હતાં. એમાં એક ચિઠ્ઠી પણ હતી, જેમાં કોઈનું નામ ન હતું, બસ એટલું લખ્યું હતું, “તમારી પત્નીને ફરવા લઈ જાઓ.” એ દિવસે સરસ તાપ નીકળ્યો હતો અને વાતાવરણ ખુશનુમા હતું. જોકે, મેં લેસ્લીને કહ્યું કે મારે પ્રવચનની તૈયારી કરવાની છે, એટલે આજે નહિ જઈ શકાય. તે સમજી તો ગઈ, પણ થોડી દુઃખી થઈ ગઈ. પછી હું મારું કામ કરવા લાગ્યો, પણ મારું મન કચવાવા લાગ્યું. મેં એફેસીઓ ૫:૨૫, ૨૮નો વિચાર કર્યો. મેં વિચાર્યું કે યહોવા મને એ કલમ દ્વારા યાદ અપાવી રહ્યા છે કે મારે મારી પત્નીની લાગણીનું ધ્યાન રાખવાની જરૂર છે. પ્રાર્થના કર્યા પછી મેં લેસ્લીને કહ્યું, “ચાલ જઈએ.” તે બહુ ખુશ થઈ ગઈ. અમે કારમાં નદીને કિનારે ગયા અને સાથે સમય પસાર કર્યો. ત્યાં અમને ખૂબ મજા આવી. અમે એ દિવસ ક્યારેય નહિ ભૂલીએ અને પછીથી મે પ્રવચનની તૈયારી પણ કરી લીધી.

અમને બ્રિટીશ કલંબિયાથી લઈને ન્યૂફાઉન્ડલૅન્ડ સુધીના ઘણા વિસ્તારોમાં સેવા આપવાનો મોકો મળ્યો. એ કામમાં અમને મજા આવી રહી હતી. મુસાફરી કરવાનું મારું સપનું હવે પૂરું થઈ રહ્યું હતું. મેં ગિલયડ સ્કૂલમાં જવાનો વિચાર કર્યો હતો, પણ બીજા દેશમાં જઈને સેવા આપવાની મારી કોઈ ઇચ્છા ન હતી. મને લાગતું હતું કે મિશનરી કામ ફક્ત ખાસ લોકો જ કરી શકે અને હું પોતાને એ માટે લાયક ગણતો ન હતો. મને એ વાતનો પણ ડર હતો કે ક્યાંક તેઓ મને આફ્રિકાના કોઈ દેશમાં ના મોકલી દે, જ્યાં બીમારીઓ ફેલાયેલી હોય અને યુદ્ધ ચાલતું હોય. હું કેનેડામાં ખુશ હતો.

એસ્ટોનિયા અને આસપાસના દેશોમાં જવાનું આમંત્રણ

એસ્ટોનિયા અને આસપાસના દેશોમાં મુસાફરી કરતી વખતે

૧૯૯૨માં યહોવાના સાક્ષીઓએ ફરીથી એવા દેશોમાં પ્રચાર કરવાનું શરૂ કર્યું, જે પહેલાં સોવિયેત યુનિયનનો ભાગ હતા. ભાઈઓએ અમને પૂછ્યું કે શું અમે એસ્ટોનિયા જઈને મિશનરી સેવા કરી શકીએ. એ સાંભળીને અમને થોડો આંચકો લાગ્યો. પણ અમે યહોવાને પ્રાર્થના કરી અને ફરી વિચાર કર્યો, ‘જો યહોવા કંઈ કરવાનું કહે, તો શું આપણે એમ કરવાની કોશિશ ન કરવી જોઈએ?’ અમે એ સોંપણી સ્વીકારી અને વિચાર્યું, ‘ચાલો, તેઓ અમને આફ્રિકા તો નથી મોકલી રહ્યા ને!’

અમે તરત જ એસ્ટોનિયન ભાષા શીખવાનું શરૂ કરી દીધું. એસ્ટોનિયામાં આવીને હજી તો થોડા મહિનાઓ જ થયા હતા, ત્યાં તો અમને સરકીટ કામ કરવાનું કહેવામાં આવ્યું. અમારે એસ્ટોનિયા, લૅટ્‍વિયા, લિથુએનિયા તેમજ રશિયાના કાલિનિનગ્રાદમાં જવાનું હતું. એ વિસ્તારોમાં અમારે ૪૬ મંડળો અને અમુક સમૂહોની મુલાકાત લેવાની હતી. એનો અર્થ થાય કે અમારે લૅટ્‍વિયન, લિથુએનિયન અને રશિયન ભાષા શીખવાની હતી. એ શીખવું મુશ્કેલ હતું. પણ અમારી મહેનત જોઈને ભાઈ-બહેનો ખુશ થતાં અને અમને મદદ પણ કરતા. પછી ૧૯૯૯માં એસ્ટોનિયામાં શાખા કચેરી ખોલવામાં આવી. ત્યાં મને શાખા સમિતિના સભ્ય તરીકે સોંપણી મળી. શાખા સમિતિમાં મારી સાથે ટોમસ એડૂર, લેમ્બીટ રાઇલે અને તૉમી કૉઉકો પણ હતા.

ડાબે: લિથુએનિયામાં એક સંમેલનમાં પ્રવચન આપતી વખતે

જમણે: એસ્ટોનિયાની શાખા સમિતિ, જે ૧૯૯૯માં રચાઈ હતી

અમને એવાં ઘણાં ભાઈ-બહેનોને ઓળખવાનો મોકો મળ્યો, જેઓને અગાઉ સાઇબિરિયા મોકલી દેવામાં આવ્યાં હતાં. જેલમાં તેઓ પર જુલમ ગુજારવામાં આવ્યો અને તેઓને કુટુંબથી દૂર રાખવામાં આવ્યા. તોપણ તેઓનાં મનમાં જરાય કડવાશ ન હતી. તેઓ ખુશ રહ્યાં અને પ્રચારમાં પોતાનો જોશ ઠંડો પડવા ન દીધો. તેઓના દાખલાથી શીખવા મળ્યું કે અમે પણ મુશ્કેલીઓમાં ધીરજ રાખી શકીએ છીએ અને ખુશ રહી શકીએ છીએ.

અમે ઘણાં વ્યસ્ત રહેતાં હતાં અને આરામ કરવાનો બહુ સમય મળતો ન હતો. એટલે હવે લેસ્લી થાકી જતી હતી. શરૂઆતમાં તો અમને ખબર જ ન પડી કે તેને ફાઇબ્રોમાએલ્જીઆ નામની બીમારી છે, જેમાં વ્યક્તિને સખત થાક લાગે છે. એટલે અમે અમારી સોંપણી છોડીને કેનેડા પાછા જવાનું વિચારવા લાગ્યાં. એ જ સમયે અમને શાખા સમિતિના ભાઈઓ અને તેઓની પત્નીઓ માટેની શાળામાં જવાનું આમંત્રણ મળ્યું. એ શાળા અમેરિકાના પેટરસન બેથેલમાં થવાની હતી. મને લાગતું ન હતું કે અમે એ શાળામાં જઈ શકીશું. પણ ઘણી પ્રાર્થનાઓ કર્યા પછી અમે એ આમંત્રણ સ્વીકાર્યું. યહોવાએ અમારા એ નિર્ણય પર આશીર્વાદ આપ્યો. એ શાળા દરમિયાન જ લેસ્લીને સારી સારવાર મળી અને અમે અમારી સેવા ચાલુ રાખી શક્યાં.

નવી સોંપણી, નવો દેશ

૨૦૦૮માં અમે એસ્ટોનિયામાં હતાં ત્યારે, એક સાંજે મને જગત મુખ્યમથકેથી ફોન આવ્યો. તેઓએ મને પૂછ્યું કે શું અમે કૉંગો જઈને સેવા આપી શકીએ. એ સાંભળીને તો મારા હોશ ઊડી ગયા. અમારી પાસે વિચારવાનો એટલો સમય ન હતો, કેમ કે અમારે બીજા જ દિવસે એનો જવાબ આપવાનો હતો. એ વખતે તો મેં લેસ્લીને કંઈ ન જણાવ્યું, કેમ કે હું જાણતો હતો કે તેને રાતે ઊંઘ નહિ આવે. પણ ખરેખર તો તે શાંતિથી સૂઈ ગઈ અને મારી ઊંઘ ઊડી ગઈ. કેમ કે હું આખી રાત યહોવાને પ્રાર્થના કરતો હતો અને આફ્રિકા જતા મને કેમ ડર લાગે છે એ વિશે જણાવતો હતો.

બીજા દિવસે મેં લેસ્લીને એ વિશે જણાવ્યું. અમે એકબીજાને કહ્યું: “યહોવા આપણને આફ્રિકા બોલાવી રહ્યા છે. ત્યાં ગયા વગર કેવી રીતે કહી શકીએ કે આપણને સેવા કરવામાં ખુશી નહિ મળે?” એસ્ટોનિયામાં ૧૬ વર્ષ રહ્યા પછી અમે વિમાનમાં બેસીને કૉંગોના કિન્શાસા શહેર ગયા. ત્યાંની શાખા કચેરી ખૂબ સુંદર હતી, ચારે બાજુ લીલોતરી હતી અને ખૂબ શાંતિ હતી. તમને ખબર છે, રૂમમાં પહોંચીને લેસ્લીએ સૌથી પહેલા શું કર્યું? તેણે રૂમમાં એક કાર્ડ મૂક્યું. એ કાર્ડ અમે કેનેડા છોડ્યું ત્યારથી તેની પાસે હતું. એમાં લખ્યું હતું, “તને જ્યાં રોપવામાં આવે, ત્યાં ખીલી ઊઠજે.” ત્યાં અમે ભાઈ-બહેનોને મળ્યાં, બાઇબલ અભ્યાસો ચલાવ્યા અને અનુભવ કર્યો કે મિશનરી સેવામાં કેટલી ખુશી મળે છે. એ બધાથી યહોવાની સેવામાં અમારી ખુશી ઘણી વધી ગઈ. અમુક સમય પછી અમને આફ્રિકાની બીજી ૧૩ શાખા કચેરીની મુલાકાત લેવાનો લહાવો મળ્યો. એના લીધે અમે અલગ અલગ લોકો, તેઓની રીતભાત અને સંસ્કૃતિ વિશે જાણી શક્યાં. હવે મને આફ્રિકામાં રહેવામાં ડર લાગતો ન હતો. અમે યહોવાનો આભાર માનતાં હતાં કે તેમણે અમને સેવા કરવા આફ્રિકા મોકલ્યાં.

કૉંગોનાં ભાઈ-બહેનો જીવડાં પણ ખાતાં હતાં અને તેઓએ અમને પણ એ ખાવા આપ્યાં. અમને લાગ્યું કે અમે એ ખાઈ નહિ શકીએ. પણ જ્યારે તેઓને મોજથી ખાતા જોયાં, ત્યારે અમને પણ એ ખાવાનું મન થયું. એ ખાઈને અમને મજા આવી.

અમે મુસાફરી કરીને કૉંગોના પૂર્વ ભાગમાં ગયાં, જેથી ત્યાંનાં ભાઈ-બહેનોને ઉત્તેજન અને જરૂરી ચીજવસ્તુઓ આપી શકીએ. એ વિસ્તારોમાં, ધાડ પાડનાર જૂથો ગામડાઓ પર હુમલો કરતા તેમજ સ્ત્રીઓ અને બાળકો પર ત્રાસ ગુજારતાં હતાં. મોટા ભાગનાં ભાઈ-બહેનો પાસે પૂરતી ચીજવસ્તુઓ ન હતી. તોપણ ગુજરી ગયેલાઓને જીવતા કરવામાં આવશે એ આશામાં તેઓનો મક્કમ ભરોસો, યહોવા માટેનો પ્રેમ અને સંગઠન માટેની વફાદારી અમારાં દિલને સ્પર્શી ગયાં. તેઓના દાખલાથી અમારી શ્રદ્ધા મક્કમ થઈ. અમે એ પણ વિચારી શક્યાં કે યહોવાની સેવા કરવા પાછળ અમારો ઈરાદો શું છે. અમુક ભાઈ-બહેનોનાં ઘરનો નાશ થયો હતો. તેઓનો પાક પણ લુટાઈ ગયો હતો. એનાથી મને અહેસાસ થયો કે અમારી પાસે જે વસ્તુઓ છે, એ આજે છે અને કાલે નહિ હોય, પણ યહોવા સાથેનો સંબંધ વધારે મહત્ત્વનો છે. એ ભાઈ-બહેનો આટલી તકલીફો છતાં જરાય કચકચ કરતા ન હતાં. તેઓના દાખલાથી અમને પણ અમારી મુશ્કેલીઓ અને તબિયતને લગતી સમસ્યાઓનો હિંમતથી સામનો કરવા ઉત્તેજન મળ્યું.

ડાબે: અમુક શરણાર્થીઓને ઉત્તેજન આપતી વખતે

જમણે: કૉંગોના ડંગુ શહેરમાં રાહત-સામગ્રી અને દવાઓ પહોંચાડતી વખતે

નવી સોંપણી એશિયામાં

અમારા જીવનમાં બીજો એક વળાંક આવ્યો. હવે અમારે હૉંગ કૉંગની શાખા કચેરીમાં જવાનું હતું. અમે કદી વિચાર્યું ન હતું કે અમે એશિયા જઈશું. ત્યાં શું થવાનું હતું એ અમે જાણતાં ન હતાં. પણ બીજી સોંપણીઓમાં યહોવા જે રીતે અમારી પડખે રહ્યા હતા, એના લીધે અમે એ સોંપણી સ્વીકારી. ૨૦૧૩માં અમે દુઃખી હૃદયે વહાલા દોસ્તો અને સુંદર આફ્રિકાને વિદાય આપી.

હૉંગ કૉંગમાં રહેવું અમારા માટે એક મોટો ફેરફાર હતો. આ શહેર બહુ ભીડભાડવાળું છે અને અહીં આખી દુનિયાના લોકો રહે છે. મોટા ભાગના લોકો ચીની ભાષા બોલે છે. એ ભાષા શીખવી અમારા માટે બહુ અઘરું હતું. તોપણ ભાઈ-બહેનોએ હૃદયના ઉમળકાથી અમારો આવકાર કર્યો. અમને ત્યાંનો ખોરાક પણ બહુ ગમ્યો. શાખા કચેરીનું કામ કૂદકે ને ભૂસકે વધી રહ્યું હતું, એટલે મોટી શાખા કચરીની જરૂર હતી. પણ જમીન અને ઇમારતોના ભાવ આસમાને હતા. એ કારણે નિયામક જૂથના ભાઈઓએ સમજી-વિચારીને નિર્ણય લીધો કે અમુક કામ બીજે કરવામાં આવે અને અહીંની મોટા ભાગની મિલકત વેચી દેવામાં આવે. થોડા જ સમય પછી ૨૦૧૫માં અમને દક્ષિણ કોરિયા જવાનું કહેવામાં આવ્યું. અમે આજે પણ અહીં જ સેવા કરીએ છીએ. અહીં અમારે એક નવી ભાષા શીખવાની હતી, કોરિયન. ખરું કે, અમે હજીયે આ ભાષા સારી રીતે બોલી શકતાં નથી, તોપણ ભાઈ-બહેનો અમને હિંમત આપતા કહે છે કે અમે ધીરે ધીરે સારું કરી રહ્યાં છીએ. તેઓની વાતથી અમને ઘણી ખુશી થાય છે.

ડાબે: હૉંગ કૉંગમાં રહેવા તૈયાર

જમણે: કોરિયાની શાખા કચેરી

યહોવાની સેવામાં અમે ઘણું શીખ્યાં

નવા દોસ્તો બનાવવા એટલું સહેલું નથી. પણ બીજાઓને ઘરે બોલાવીએ છીએ અને સમય વિતાવીએ છીએ ત્યારે બહુ જલદી તેઓને સારી રીતે ઓળખી શકીએ છીએ. અમે જોયું કે ભલે ભાઈ-બહેનો એકબીજાથી અલગ લાગે, પણ તેઓમાં ઘણી સમાનતા છે. અમે એ પણ જોયુ કે યહોવાએ આપણને એટલી અદ્‍ભુત રીતે રચ્યા છે કે આપણે ઘણા દોસ્તો બનાવી શકીએ છીએ અને તેઓને પ્રેમ બતાવી શકીએ છીએ.—૨ કોરીં. ૬:૧૧.

અમે શીખ્યાં કે બીજાઓને યહોવાની નજરે જોવા ખૂબ જરૂરી છે. એ પણ શીખ્યાં કે એ વાત પર ધ્યાન આપવું ખૂબ જરૂરી છે કે યહોવા આપણને પ્રેમ કરે છે અને માર્ગદર્શન આપે છે. જ્યારે પણ અમે નિરાશ થઈ જતાં અથવા વિચારતાં કે શું ભાઈ-બહેનો અમને પ્રેમ કરે છે, ત્યારે અમે દોસ્તોએ આપેલા કાર્ડ કે પત્રો વાંચતા. એનાથી અમને ઘણું ઉત્તેજન મળતું. અમે અનુભવ કર્યો છે કે યહોવાએ અમારી પ્રાર્થનાઓનો જવાબ આપ્યો છે, તેમના પ્રેમની ખાતરી કરાવી છે અને સોંપણીમાં લાગુ રહેવા હિંમત આપી છે.  

વર્ષો દરમિયાન હું અને લેસ્લી શીખ્યાં છીએ કે વ્યસ્ત હોઈએ તોપણ, એકબીજા માટે સમય કાઢવો ખૂબ જરૂરી છે. એ પણ શીખ્યાં કે પોતાની ભૂલો પર હસવું પણ જરૂરી છે, ખાસ કરીને નવી ભાષા શીખતા હોઈએ ત્યારે. દરરોજ રાતે અમે એવી ખાસ વાતનો વિચાર કરીએ છીએ, જેના માટે યહોવાનો આભાર માની શકીએ.

સાચું કહું, મને કદી લાગતું ન હતું કે હું મિશનરી તરીકે સેવા આપીશ અથવા બીજા દેશમાં રહીશ. પણ હું અનુભવથી શીખ્યો છું કે યહોવાની મદદથી બધું જ શક્ય છે. પ્રબોધક યર્મિયાના આ શબ્દો મને યાદ આવે છે. “હે યહોવા, તમે મને છેતર્યો છે.” (યર્મિ. ૨૦:૭) હા, યહોવાએ અમને ઘણી અલગ અલગ સોંપણી આપી છે. અમે વિચાર્યું પણ ન હોય એવા આશીર્વાદો આપ્યા છે. અરે, તેમણે તો વિમાનમાં મુસાફરી કરવાનું મારું સપનું પણ પૂરું કર્યું છે. હું નાનો હતો ત્યારે મેં કદી વિચાર્યું ન હતું કે મને વિમાનમાં બેસીને આટલી બધી જગ્યાઓએ જવાનો મોકો મળશે. અમે ઘણા દેશોમાં શાખા કચેરીની મુલાકાત લીધી છે. હું લેસ્લીનો પણ ખૂબ આભાર માનું છું કે આ બધી સોંપણીઓમાં તેણે પૂરા દિલથી મને સાથ-સહકાર આપ્યો છે.

અમે હંમેશાં પોતાને યાદ અપાવીએ છીએ કે અમે જે કંઈ કરીએ છીએ, એ યહોવા માટે અને તેમના માટેના પ્રેમને લીધે કરીએ છીએ. આજે અમે જે આર્શીવાદોનો આનંદ માણીએ છીએ, એ તો હંમેશ માટેના જીવનની બસ એક ઝલક છે. એ સમયે યહોવા પોતાનો “હાથ ખોલીને બધાની ઇચ્છા પૂરી” કરશે.—ગીત. ૧૪૫:૧૬.