સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

અભ્યાસ લેખ ૨૫

વડીલો, ગિદિયોન પાસેથી શીખો

વડીલો, ગિદિયોન પાસેથી શીખો

“ગિદિયોન . . . વિશે હું જણાવવા બેસું તો, સમય ખૂટી જશે.”—હિબ્રૂ. ૧૧:૩૨.

ગીત ૧૮ યહોવાનો અમૃત પ્રેમ

ઝલક a

૧. પહેલો પિતર ૫:૨ પ્રમાણે વડીલો પાસે કયો લહાવો છે?

 યહોવાએ વડીલોને પોતાનાં કીમતી ઘેટાંની સંભાળ રાખવાની જવાબદારી આપી છે. એ વફાદાર ભાઈઓ પોતાનાં ભાઈ-બહેનોની સેવા કરવાના લહાવાને ખૂબ જ અનમોલ ગણે છે. તેઓ “એવા ઘેટાંપાળકો” બનવા ખૂબ મહેનત કરે છે, જે દિલથી ઘેટાંની “કાળજી” લે. (યર્મિ. ૨૩:૪; ૧ પિતર ૫:૨ વાંચો.) આપણા મંડળમાં આવા ભાઈઓ છે, એ માટે આપણે કેટલા આભારી છીએ!

૨. અમુક વડીલોએ કેવી મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે?

વડીલો પોતાની જવાબદારીઓ ઉપાડતી વખતે ઘણી મુશ્કેલીઓનો સામનો કરે છે. એક વાત તો છે, મંડળની સંભાળ રાખવામાં તેઓ સખત મહેનત કરે છે. અમેરિકાના ટોનીભાઈનો વિચાર કરો. તે એક વડીલ છે. વધારે જવાબદારીઓ લેવાની વાત આવી ત્યારે, તેમણે પોતાની હદ પારખવાનું શીખવાનું હતું. તે કહે છે: “કોવિડ-૧૯ મહામારીની શરૂઆતમાં હું સભાઓ અને પ્રચારની ગોઠવણ કરવામાં વધારે ભાગ લેવા લાગ્યો. ગમે તેટલું કામ કરું તોપણ એ ખૂટતું જ ન હતું. સમય જતાં, હું એટલો વ્યસ્ત થઈ ગયો કે બાઇબલ વાંચવા, જાતે અભ્યાસ કરવા અને પ્રાર્થના કરવા સમય જ ન કાઢી શકતો.” કોસોવોમાં રહેતા ઇલીર નામના વડીલે એક અલગ જ પ્રકારની મુશ્કેલીનો સામનો કર્યો. તે એવા વિસ્તારમાં હતા, જ્યાં યુદ્ધ ચાલતું હતું. એ સમયે સંગઠન તરફથી મળતું માર્ગદર્શન પાળવું તેમને અઘરું લાગ્યું. તે કહે છે: “શાખા કચેરીએ મને એવા વિસ્તારનાં ભાઈ-બહેનોની મદદ કરવા કહ્યું, જ્યાં જીવને જોખમ હતું. એ વખતે હિંમત બતાવવી મને ખૂબ અઘરું લાગ્યું. હું ડરી ગયો હતો અને મને લાગતું કે સંગઠને આપેલું માર્ગદર્શન બરાબર નથી.” ટિમભાઈ એશિયામાં મિશનરી તરીકે સેવા આપે છે. તેમને દરરોજ બધાં કામ કરવાં અઘરું લાગતું હતું. તે કહે છે: “અમુક વાર હું માનસિક અને લાગણીમય રીતે એટલો ભાંગી પડતો કે ભાઈ-બહેનોને મદદ કરવા મારામાં તાકાત જ ન રહેતી.” આજે આવી મુશ્કેલીઓનો સામનો કરતા વડીલોને કઈ રીતે મદદ મળી શકે?

૩. આપણે બધા જ ગિદિયોનના દાખલામાંથી શું શીખી શકીએ?

વડીલો ન્યાયાધીશ ગિદિયોન પાસેથી ઘણું શીખી શકે છે. (હિબ્રૂ. ૬:૧૨; ૧૧:૩૨) ગિદિયોન પાસે ઈશ્વરના લોકોનું રક્ષણ કરવાની અને એક ઘેટાંપાળકની જેમ તેઓની સંભાળ રાખવાની જવાબદારી હતી. (ન્યા. ૨:૧૬; ૧ કાળ. ૧૭:૬) તેમની જેમ આજે વડીલોને પણ આ મુશ્કેલ સમયમાં ઈશ્વરના લોકોની સંભાળ રાખવાની જવાબદારી સોંપવામાં આવી છે. (પ્રે.કા. ૨૦:૨૮; ૨ તિમો. ૩:૧) ગિદિયોનના દાખલામાંથી વડીલો મર્યાદામાં રહેવાનું, નમ્રતા બતાવવાનું, માર્ગદર્શન પાળવાનું અને મુશ્કેલીઓમાં પણ હિંમત ન હારવાનું શીખી શકે છે. જેઓ વડીલો નથી તેઓ પણ ગિદિયોનના દાખલાનો વિચાર કરીને વડીલોની કદર કરી શકશે તેમજ તેઓને પૂરા દિલથી સાથ-સહકાર આપી શકશે.—હિબ્રૂ. ૧૩:૧૭.

મર્યાદા બતાવવી અને નમ્રતા બતાવવી અઘરું લાગે ત્યારે

૪. ગિદિયોને કઈ રીતે બતાવી આપ્યું કે તે પોતાની મર્યાદા જાણતા હતા અને નમ્ર હતા?

ગિદિયોન પોતાની મર્યાદા જાણતા હતા અને નમ્ર હતા. b યહોવાના એક દૂતે તેમને કહ્યું કે ઇઝરાયેલને શક્તિશાળી મિદ્યાનીઓના હાથમાંથી છોડાવવા યહોવાએ તેમને પસંદ કર્યા છે. એ સાંભળીને એ નમ્ર માણસે કહ્યું: “મનાશ્શા કુળમાં મારા ઘરના તો કંઈ જ નથી. મારા પિતાના ઘરમાં હું સાવ મામૂલી છું.” (ન્યા. ૬:૧૫) ગિદિયોનને લાગ્યું કે તે આટલી મોટી જવાબદારી નિભાવી નહિ શકે. પણ યહોવા જાણતા હતા કે તે એવું કરી શકે છે. યહોવાની મદદથી તે પોતાની સોંપણી સારી રીતે પૂરી શક્યા.

૫. એક વડીલ માટે મર્યાદામાં રહેવું અને નમ્રતા બતાવવી ક્યારે અઘરું થઈ શકે?

વડીલો દરેક રીતે મર્યાદામાં રહેવા અને નમ્રતા બતાવવા બનતું બધું કરે છે. (મીખા. ૬:૮; પ્રે.કા. ૨૦:૧૮, ૧૯) તેઓ જે કરી શકે છે અને તેઓએ જે કર્યું છે, એ વિશે બડાઈ મારતા નથી. તેઓથી કોઈ ભૂલ થઈ જાય ત્યારે પોતાને નકામા ગણતા નથી. પણ કોઈક વાર તેઓ માટે મર્યાદામાં રહેવું અને નમ્રતા બતાવવી અઘરું થઈ શકે છે. દાખલા તરીકે, એક વડીલ ઘણી બધી જવાબદારીઓ સ્વીકારી લે, પણ પછીથી એ પૂરી ન કરી શકે. અથવા બની શકે કે કામ કરવાની તેમની રીત માટે અમુક ભાઈ-બહેનો તેમની ભૂલો કાઢે, તો અમુક વાહ વાહ કરે. એવા સંજોગોમાં વડીલો ગિદિયોન પાસેથી શું શીખી શકે?

મર્યાદામાં રહેનાર વડીલ ગિદિયોનના પગલે ચાલીને બીજાઓની મદદ માંગતા અચકાતા નથી. જેમ કે ટ્રોલી દ્વારા પ્રચારની ગોઠવણ કરતી વખતે (ફકરો ૬ જુઓ)

૬. મર્યાદામાં રહેવા વિશે વડીલો ગિદિયોન પાસેથી શું શીખી શકે? (ચિત્ર પણ જુઓ.)

બીજાઓની મદદ લો. મર્યાદામાં રહેનાર વ્યક્તિ જાણે છે કે તે શું કરી શકે છે અને શું નથી કરી શકતી. ગિદિયોન પોતાની મર્યાદા જાણતા હતા, એટલે તે બીજાઓની મદદ લેતા શરમાયા નહિ. (ન્યા. ૬:૨૭, ૩૫; ૭:૨૪) સમજુ વડીલો એવું જ કરે છે. અગાઉ આપણે ટોનીભાઈ વિશે જોઈ ગયા. તે કહે છે: “મારો ઉછેર એ રીતે થયો હતો કે હું મારી શક્તિ ઉપરાંત વધારે કામ સ્વીકારતો હતો. એટલે મેં કુટુંબ તરીકેની ભક્તિમાં મર્યાદાના ગુણ વિશે ચર્ચા કરવાનું નક્કી કર્યું. મેં મારી પત્નીને પણ પૂછ્યું કે મર્યાદા બતાવવામાં હું કેવું કરી રહ્યો છું. મેં jw.org વેબસાઈટ પર ઈસુની જેમ બીજાઓને શીખવીએ, તેમના પર ભરોસો કરીએ અને તેમને જવાબદારી સોંપીએ વીડિયો પણ જોયો.” ટોનીભાઈએ બીજાઓની મદદ લેવાનું શરૂ કર્યું. એનું પરિણામ શું આવ્યું? તે કહે છે: “હવે મંડળમાં બધાં કામ સરસ રીતે થાય છે અને મારી પાસે યહોવા સાથે સંબંધ મજબૂત કરવા વધારે સમય હોય છે.”

૭. બીજાઓ વડીલોનો વાંક કાઢે ત્યારે તેઓ ગિદિયોનના પગલે કઈ રીતે ચાલી શકે? (યાકૂબ ૩:૧૩)

બીજાઓ તમારો વાંક કાઢે ત્યારે નમ્રતાથી જવાબ આપો. જ્યારે બીજાઓ વડીલોને તેઓની ભૂલો બતાવે અથવા તેઓનો વાંક કાઢે, ત્યારે તેઓ માટે નમ્ર રહેવું કદાચ મુશ્કેલ થઈ શકે. એવા સમયે તેઓ ગિદિયોનનો વિચાર કરી શકે. ગિદિયોન જાણતા હતા કે તેમનામાં અમુક નબળાઈઓ છે. એટલે એફ્રાઈમીઓએ તેમનો વાંક કાઢ્યો ત્યારે, તે ગુસ્સે ન થયા, પણ શાંત રહ્યા. (ન્યા. ૮:૧-૩) તેમણે તેઓનું ધ્યાનથી સાંભળ્યું અને નમ્રતાથી જવાબ આપ્યો. એમ કરવાથી એફ્રાઈમીઓ શાંત થઈ ગયા. ગિદિયોને પોતાના વર્તનથી બતાવી આપ્યું કે તે નમ્ર છે. સમજુ વડીલો ગિદિયોનના પગલે ચાલે છે. બીજાઓ તેઓની ભૂલો બતાવે ત્યારે, તેઓ ધ્યાનથી સાંભળે છે અને નમ્રતાથી જવાબ આપે છે. (યાકૂબ ૩:૧૩ વાંચો.) આમ મંડળમાં શાંતિ જળવાઈ રહે છે.

૮. વડીલોના વખાણ કરવામાં આવે ત્યારે તેઓએ શું કરવું જોઈએ? એક દાખલો આપો.

તમારા વખાણ થાય ત્યારે યહોવાને મહિમા આપો. ગિદિયોને મિદ્યાનીઓ પર જીત મેળવી ત્યારે ઇઝરાયેલીઓએ તેમના વખાણ કર્યા. એવા સમયે ગિદિયોને બધો જ મહિમા યહોવાને આપ્યો. (ન્યા. ૮:૨૨, ૨૩) આજે વડીલો કઈ રીતે ગિદિયોનને અનુસરી શકે? તેઓ જે કંઈ કરે એનો મહિમા યહોવાને આપી શકે. (૧ કોરીં. ૪:૬, ૭) દાખલા તરીકે, એક વડીલ સારી રીતે શીખવે છે, એટલે ભાઈ-બહેનો તેમના વખાણ કરે છે. એવું થાય ત્યારે તે કહી શકે, ‘મેં જે કંઈ શીખવ્યું એ યહોવાના વચનમાંથી જ હતું’ અથવા ‘યહોવાનું સંગઠન જ આપણને બધાને શીખવે છે.’ વડીલોએ સમયે સમયે વિચારવું જોઈએ કે તે જે કંઈ પણ શીખવે છે એનાથી શું યહોવાને મહિમા મળે છે, કે પછી પોતાની વાહ વાહ થાય છે. ચાલો હવે ટિમોથી નામના એક વડીલનો અનુભવ જોઈએ. તે નવા નવા વડીલ બન્યા ત્યારે તેમને પ્રવચન આપવાનું બહુ ગમતું. તે કહે છે: “મારા પ્રવચનોની શરૂઆત બહુ લાંબી રહેતી અને હું મોટાં મોટાં ઉદાહરણો આપતો. એના લીધે અમુક વાર ભાઈ-બહેનો મારા વખાણ કરતા. દુઃખની વાત છે કે તેઓનું ધ્યાન બાઇબલ કે યહોવા પર જવાને બદલે મારા પર જતું.” અમુક સમય પછી ટિમોથીભાઈને ખ્યાલ આવ્યો કે તેમણે પોતાની શીખવવાની રીતમાં થોડો ફેરફાર કરવાનો હતો, જેથી લોકોનું ધ્યાન તેમના પર ન જાય. (નીતિ. ૨૭:૨૧) એનું શું પરિણામ આવ્યું? ભાઈ કહે છે: “હવે ભાઈ-બહેનો આવીને મને કહે છે કે મારા પ્રવચનથી તેઓને કઈ રીતે મુશ્કેલીઓનો સામનો કરવા, અઘરા સંજોગો ધીરજથી સહેવા અથવા યહોવાની નજીક જવા મદદ મળી છે. તેઓની આવી વાતોથી મને ઘણી ખુશી મળે છે. એવી ખુશી તો વર્ષો પહેલાં મારા વખાણ થતા હતા ત્યારે પણ મને થતી ન હતી.”

માર્ગદર્શન પાળવું અને હિંમત બતાવવી અઘરું લાગે ત્યારે

યહોવાની આજ્ઞા પાળીને ગિદિયોન સેનાની સંખ્યા ઓછી કરે છે. તે ૩૦૦ માણસોને પસંદ કરે છે, જેઓએ બતાવી આપ્યું કે તેઓ સતર્ક હતા (ફકરો ૯ જુઓ)

૯. ગિદિયોન માટે યહોવાની આજ્ઞા પાળવી અને હિંમત બતાવવી કેમ અઘરું હતું? (પહેલા પાનનું ચિત્ર જુઓ.)

ગિદિયોનને ન્યાયાધીશ બનાવવામાં આવ્યા એ પછી તેમણે યહોવાની આજ્ઞા પાળવાની હતી અને હિંમત બતાવવાની હતી. પણ એમ કરવું થોડું અઘરું હતું. શા માટે? યહોવાએ તેમને જોખમથી ભરેલું એક કામ સોંપ્યું હતું. તેમણે તેમના પિતાની બઆલની વેદી તોડી નાખવાની હતી. (ન્યા. ૬:૨૫, ૨૬) પછી ગિદિયોને એક સેના ભેગી કરી ત્યારે યહોવાએ તેમને બે વાર સૈનિકોની સંખ્યા ઓછી કરવાનું જણાવ્યું. (ન્યા. ૭:૨-૭) છેલ્લે, યહોવાએ કહ્યું કે તે મધરાતે જઈને દુશ્મનોની છાવણી પર હુમલો કરે.—ન્યા. ૭:૯-૧૧.

૧૦. વડીલો માટે આજ્ઞા પાળવી ક્યારે અઘરું થઈ શકે?

૧૦ વડીલોએ “આજ્ઞા પાળવા તૈયાર” રહેવું જોઈએ. (યાકૂ. ૩:૧૭) આજ્ઞા પાળનાર વડીલ બાઇબલની સલાહ અને સંગઠનનું માર્ગદર્શન તરત જ લાગુ પાડે છે. આમ તે બીજાઓ માટે સારો દાખલો બેસાડે છે. તોપણ તેમના માટે આજ્ઞાઓ પાળવી અઘરું બની શકે છે. દાખલા તરીકે, તેમને કદાચ ઘણું માર્ગદર્શન મળતું હોય અથવા એ તરત જ બદલાતું હોય ત્યારે એ પાળવું અઘરું લાગી શકે. કોઈક વાર કદાચ થાય કે અમુક માર્ગદર્શન યોગ્ય છે કે નહિ અથવા શું એ પાળવામાં સમજદારી કહેવાશે. અથવા તેમને એવું કામ સોંપવામાં આવે, જેના લીધે જેલ થઈ શકે. એવા સંજોગોમાં વડીલો કઈ રીતે ગિદિયોનની જેમ આજ્ઞા પાળી શકે?

૧૧. યહોવાની આજ્ઞા પાળવા વડીલોને શાનાથી મદદ મળી શકે?

૧૧ માર્ગદર્શનને ધ્યાનથી સાંભળો અને એને પાળો. ઈશ્વરે ગિદિયોનને કહ્યું કે તેમણે કઈ રીતે પોતાના પિતાની વેદીનો નાશ કરવો, યહોવા માટે નવી વેદી ક્યાં બાંધવી અને કયા પ્રાણીનું બલિદાન ચઢાવવું. ગિદિયોને એ માર્ગદર્શન પર સવાલ ન ઉઠાવ્યો, પણ જે કહ્યું હતું એ જ કર્યું. આજે વડીલોને યહોવાના સંગઠન તરફથી પત્રો અને જાહેરાતો દ્વારા માર્ગદર્શન મળે છે. તેઓને બીજું પણ માર્ગદર્શન મળે છે, જેનાથી તેઓ આપણને સુરક્ષિત રહેવા અને યહોવાની નજીક જવા મદદ કરે છે. વડીલો એ માર્ગદર્શનને પૂરી વફાદારીથી પાળે છે, એટલે આપણે તેઓને ખૂબ જ પ્રેમ કરીએ છીએ. તેઓના કામથી આખા મંડળને ફાયદો થાય છે.—ગીત. ૧૧૯:૧૧૨.

૧૨. જો સંગઠન વડીલોને કોઈ અલગ રીતે કામ કરવાનું કહે, તો તેઓ હિબ્રૂઓ ૧૩:૧૭માં આપેલી સલાહ કઈ રીતે પાળી શકે?

૧૨ ફેરફાર કરવા તૈયાર રહો. યાદ કરો કે યહોવાએ ગિદિયોનને કહ્યું હતું કે તે મોટા ભાગના માણસોને ઘરે પાછા મોકલી દે. (ન્યા. ૭:૮) ગિદિયોને કદાચ વિચાર્યું હશે: ‘શું આવું કરવું જરૂરી છે? આવું કરીશ તો યુદ્ધ કેમનું જીતીશું?’ છતાં તેમણે યહોવાની આજ્ઞા પાળી. એવી જ રીતે, આજે સંગઠન વડીલોને કોઈ કામ અલગ રીતે કરવાનું જણાવે છે ત્યારે, તેઓ ગિદિયોનની જેમ આજ્ઞા પાળે છે. (હિબ્રૂઓ ૧૩:૧૭ વાંચો.) દાખલા તરીકે, ૨૦૧૪માં નિયામક જૂથે પ્રાર્થનાઘર અને સંમેલનગૃહના બાંધકામમાં જે રીતે પૈસા આપવામાં આવતા, એ રીતમાં અમુક ફેરફારો કર્યા. (૨ કોરીં. ૮:૧૨-૧૪) અગાઉ પ્રાર્થનાઘર અને સંમેલનગૃહ બાંધવા સંગઠન પૈસા આપતું અને પછી મંડળોએ એ પાછા આપવાના હતા. પણ હવે મંડળોએ એ પૈસા પાછા આપવાની જરૂર નથી. હવે સંગઠન એવા બાંધકામ માટે આખી દુનિયાનાં મંડળોથી મળતા દાનનો ઉપયોગ કરે છે. આ રીતે ભલે કોઈ મંડળ થોડું જ દાન આપી શકતું હોય, પણ તે પોતાનું પ્રાર્થનાઘર બનાવી શકે છે. હોશેભાઈને જ્યારે આ ફેરફારની જાણ થઈ, ત્યારે તેમને લાગ્યું કે આ નવી રીત કદાચ કામ નહિ કરે. તે વિચારતા હતા: ‘એક પણ પ્રાર્થનાઘર નહિ બને. અમારે ત્યાં આ રીત નહિ ચાલે.’ માર્ગદર્શન પાળવા હોશેભાઈને શાનાથી મદદ મળી? તે કહે છે: “નીતિવચનો ૩:૫, ૬ના શબ્દોએ મને યહોવા પર ભરોસો મૂકવાનું યાદ અપાવ્યું. એનું જોરદાર પરિણામ આવ્યું. હવે અમે ઘણાં પ્રાર્થનાઘરો બાંધીએ છીએ. એટલું જ નહિ, દાનોનો જે નવી રીતે ઉપયોગ થાય છે એનાથી દરેકને ફાયદો થાય છે અને આમ શક્ય હોય ત્યારે સમાનતા જળવાય છે.”

આપણાં કામ પર પ્રતિબંધ હોય એવા વિસ્તારમાં પણ આપણે હિંમતથી સાક્ષી આપી શકીએ છીએ (ફકરો ૧૩ જુઓ)

૧૩. (ક) ગિદિયોનને કઈ વાતનો ભરોસો હતો? (ખ) વડીલો ગિદિયોનના પગલે કઈ રીતે ચાલી શકે? (ચિત્ર પણ જુઓ.)

૧૩ હિંમતથી યહોવાની ઇચ્છા પૂરી કરો. ગિદિયોનને ડર લાગતો હતો અને સોંપણી જોખમથી ભરેલી હતી. તોપણ તેમણે યહોવાની આજ્ઞા માની. (ન્યા. ૯:૧૭) યહોવા પાસેથી ખાતરી મળ્યા પછી ગિદિયોનને પૂરો ભરોસો થઈ ગયો કે યહોવા પોતાના લોકોની સંભાળ રાખવામાં તેમને પૂરો સાથ આપશે. આજે આપણાં કામ પર પ્રતિબંધ છે એ વિસ્તારમાં રહેતા વડીલો ગિદિયોનને પગલે ચાલે છે. તેઓ હિંમતથી સભાઓમાં અને પ્રચારમાં આગેવાની લે છે. એ માટે તેઓની ધરપકડ, પૂછપરછ કે મારઝૂડ થઈ શકે છે. નોકરી પણ છૂટી શકે છે. તોપણ તેઓ હિંમત બતાવે છે. c મોટી વિપત્તિ દરમિયાન વડીલોને માર્ગદર્શન પાળવા હિંમત બતાવવાની જરૂર પડશે, પછી ભલેને એ પાળવામાં જીવનું જોખમ હોય. એ માર્ગદર્શન આના વિશે હોઈ શકે છે: ન્યાયચુકાદાનો કડક સંદેશો કઈ રીતે આપવો, જે મોટા મોટા કરા જેવો હશે. તેમ જ, માગોગનો ગોગ હુમલો કરશે ત્યારે બચવા શું કરવું.—હઝકિ. ૩૮:૧૮; પ્રકટી. ૧૬:૨૧.

તન-મનથી થાકી જાઓ ત્યારે

૧૪. ગિદિયોન ક્યારે થાકી શક્યા હોત? પણ તેમણે શું કર્યું?

૧૪ ન્યાયાધીશ તરીકેનું કામ મહેનત માંગી લે એવું હતું. જ્યારે મિદ્યાનીઓ રાતે યુદ્ધનું મેદાન છોડીને ભાગી ગયા, ત્યારે ગિદિયોને તેઓનો પીછો કર્યો. તેમણે યિઝ્રએલના નીચાણ પ્રદેશથી લઈને છેક યર્દન નદી સુધી તેઓનો પીછો કર્યો. એ વિસ્તાર કદાચ ગીચ ઝાડી-ઝાંખરાંથી ઘેરાયેલો હતો. (ન્યા. ૭:૨૨) શું ગિદિયોન યર્દન નદી પહોંચીને અટકી ગયા? ના. તે અને તેમના ૩૦૦ માણસો થાકી ગયા હતા, તોપણ તેઓએ હાર ન માની. તેઓએ યર્દન નદી પાર કરી અને દુશ્મનોનો પીછો કરવાનું ચાલુ રાખ્યું. આખરે તેઓ મિદ્યાનીઓ સુધી પહોંચી ગયા અને તેઓને હરાવી દીધા.—ન્યા. ૮:૪-૧૨.

૧૫. વડીલો ક્યારે તન-મનથી થાકી જઈ શકે?

૧૫ વડીલોએ મંડળની અને કુટુંબની જવાબદારી નિભાવવાની હોય છે. એવામાં તેઓ કદાચ તન-મનથી થાકી જઈ શકે અને લાગણીમય રીતે ભાંગી જઈ શકે. એવા સંજોગોમાં વડીલો કઈ રીતે ગિદિયોનનો દાખલો અનુસરી શકે? 

પ્રેમાળ વડીલોએ એવા ઘણાં ભાઈ-બહેનોની હિંમત વધારી છે, જેઓને મદદની જરૂર છે (ફકરા ૧૬-૧૭ જુઓ)

૧૬-૧૭. (ક) ધીરજથી સહન કરવા ગિદિયોનને શાનાથી મદદ મળી? (ખ) વડીલો કયો ભરોસો રાખી શકે? (યશાયા ૪૦:૨૮-૩૧) (ચિત્ર પણ જુઓ.)

૧૬ ભરોસો રાખો કે યહોવા તમને બળ આપશે. ગિદિયોનને પૂરો ભરોસો હતો કે યહોવા તેમને હિંમત આપશે અને યહોવાએ એમ કર્યું પણ ખરું. (ન્યા. ૬:૧૪, ૩૪) એક વખતે ગિદિયોન અને તેમના માણસો બે મિદ્યાની રાજાઓનો પીછો કરી રહ્યા હતા. તેઓ ચાલીને જતા હતા, જ્યારે કે એ રાજાઓ કદાચ ઊંટ પર સવાર હતા. (ન્યા. ૮:૧૨, ૨૧) તોપણ યહોવાની મદદથી ઇઝરાયેલીઓએ તેઓને પકડી પાડ્યા અને જીત મેળવી. એવી જ રીતે, વડીલો યહોવા પર ભરોસો રાખી શકે છે, જે “કદી થાકતા નથી કે હારતા નથી.” જરૂર પડે ત્યારે તે તેઓને ચોક્કસ હિંમત આપશે. યશાયા ૪૦:૨૮-૩૧ વાંચો.

૧૭ મેથ્યુભાઈનો વિચાર કરો. તે હૉસ્પિટલ સંપર્ક સમિતિના સભ્ય છે. તન-મનથી થાકી ન જવા તેમને શાનાથી મદદ મળી? મેથ્યુભાઈ કહે છે: “મેં પોતે અનુભવ કર્યો છે કે ફિલિપીઓ ૪:૧૩ના શબ્દો કેટલા સાચા છે. ઘણી વાર હું ખૂબ થાકી જતો અને મને થતું કે હવે મારાથી નહિ થાય. એ પળોમાં મેં યહોવાને કરગરીને પ્રાર્થના કરી છે. મેં તેમને કાલાવાલા કર્યા છે કે તે મને શક્તિ આપે, જેથી હું મારાં ભાઈ-બહેનોની મદદ કરી શકું. એ ઘડીઓમાં મેં અનુભવ કર્યો કે યહોવાની શક્તિ મારામાં જોશ ભરી દે છે, જે મને હિંમત ન હારવા મદદ કરે છે.” ગિદિયોનની જેમ આપણા વફાદાર વડીલો પણ ઈશ્વરના લોકોની સંભાળ રાખવા સખત મહેનત કરે છે. પણ દરેક વખતે એમ કરવું સહેલું નથી હોતું. ખરું કે, તેઓએ મર્યાદામાં રહેવાની જરૂર છે અને એ સમજવાની જરૂર છે કે તેઓ હંમેશાં બધું જ નહિ કરી શકે. તોપણ, તેઓ ભરોસો રાખી શકે છે કે યહોવા તેઓની અરજો સાંભળશે અને પોતાની જવાબદારીમાં લાગુ રહેવા બળ આપશે.—ગીત. ૧૧૬:૧; ફિલિ. ૨:૧૩.

૧૮. આ લેખમાં જોયું તેમ વડીલો ગિદિયોન પાસેથી શું શીખી શકે?

૧૮ વડીલો ગિદિયોનના દાખલામાંથી ઘણું બધું શીખી શકે છે. વધારે કામ સ્વીકારવાની વાત આવે ત્યારે, વડીલોએ મર્યાદામાં રહેવાની અને નમ્રતા બતાવવાની જરૂર છે. તેઓ જે રીતે કામ કરે છે, એ વિશે તેઓનો વાંક કાઢવામાં આવે અથવા તેઓના વખાણ થાય, ત્યારે પણ મર્યાદામાં રહેવાની અને નમ્રતા બતાવવાની જરૂર છે. તેઓએ યહોવાની આજ્ઞાઓ પાળવી જોઈએ અને હિંમત બતાવવી જોઈએ. ખાસ કરીને, આ દુનિયાનો અંત નજીક છે ત્યારે એમ કરવું ખૂબ જરૂરી છે. તેઓએ ભરોસો રાખવાની જરૂર છે કે ભલે ગમે તે મુશ્કેલી આવશે, ઈશ્વર તેઓને બળ આપશે. સાચે જ, આપણે આવા મહેનતુ ઘેટાંપાળકોની ખૂબ જ કદર કરીએ છીએ અને તેઓને “વહાલા” ગણીએ છીએ.—ફિલિ. ૨:૨૯.

ગીત ૨૧ દયાળુ બનીએ

a ઇઝરાયેલીઓ ખૂબ જ કપરા સમયમાંથી પસાર થઈ રહ્યા હતા. એવા સમયે યહોવાએ ગિદિયોનને પોતાના લોકોની આગેવાની લેવાની અને રક્ષણ કરવાની જવાબદારી સોંપી. તેમણે આશરે ૪૦ વર્ષ સુધી વફાદારીથી એ જવાબદારી નિભાવી. જોકે, તેમની સામે ઘણી મુશ્કેલીઓ પણ આવી. આ લેખમાં આપણે જોઈશું કે આજે વડીલો સામે મુશ્કેલીઓ આવે ત્યારે, ગિદિયોનનો દાખલો તેઓને કઈ રીતે મદદ કરી શકે.

b મર્યાદા બતાવવી અને નમ્ર રહેવા વચ્ચે ગાઢ સંબંધ છે. જેઓ મર્યાદામાં રહે છે તેઓ પોતે કંઈક છે એવું નથી માનતા. તેઓ જાણે છે કે તેઓ શું કરી શકે છે અને શું નથી કરી શકતા. જેઓ નમ્ર હોય છે તેઓ બીજાઓનો આદર કરે છે અને તેઓને પોતાના કરતાં ચઢિયાતા ગણે છે. (ફિલિ. ૨:૩) સામાન્ય રીતે જેઓ મર્યાદામાં રહે છે, તેઓ નમ્ર પણ હોય છે.

c જુલાઈ ૨૦૧૯, ચોકીબુરજ પાન ૧૦-૧૧ પર આપેલા આ લેખના ફકરા ૧૦-૧૩ જુઓ: “પ્રતિબંધ હોય તોપણ યહોવાની ભક્તિ કરતા રહીએ.”