સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

જીવન સફર

યહોવાએ મારી પ્રાર્થનાઓ સાંભળી

યહોવાએ મારી પ્રાર્થનાઓ સાંભળી

હું ૧૦ વર્ષનો હતો. એક રાતે હું ચમકતા તારાઓ જોઈ રહ્યો હતો. અચાનક હું ઘૂંટણિયે પડીને પ્રાર્થના કરવા લાગ્યો. હું યહોવા વિશે હાલમાં જ શીખ્યો હતો. છતાં, મેં તેમને મારી બધી ચિંતાઓ જણાવી દીધી. એ ઘડી મારા માટે ખૂબ મહત્ત્વની હતી. એ પ્રાર્થનાથી યહોવા ઈશ્વર સાથેની મારી જીવનભરની દોસ્તીની શરૂઆત થઈ, જે “પ્રાર્થનાના સાંભળનાર” છે. (ગીત. ૬૫:૨) ચાલો તમને જણાવું કે મેં કેમ એ ઈશ્વરને પ્રાર્થના કરી, જેમના વિશે મેં હાલમાં જ જાણ્યું હતું.

જીવન બદલી નાખતી મુલાકાત

મારો જન્મ ડિસેમ્બર ૨૨, ૧૯૨૯માં નોવિલ ગામમાં થયો હતો, જે બેલ્જિયમ આર્ડેન્સમાં આવેલું છે. એ ગામ બેસ્ટોન નામની જગ્યા નજીક છે. અમારું ગામ બહુ નાનું હતું. એમાં ફક્ત નવ જ ખેતરો હતાં. બાળપણમાં મમ્મી-પપ્પા સાથે ખેતરમાં વિતાવેલી મીઠી પળોને યાદ કરું છું ત્યારે, મારા મોં પર સ્મિત આવી જાય છે. હું અને મારો નાનો ભાઈ રેમન્ડ રોજ અમારી ગાયોને દોહતા અને કાપણીના સમયે મમ્મી-પપ્પાને ખેતરમાં મદદ કરતા. અમારા ગામના લોકોમાં ખૂબ એકતા હતી. તેઓ તરત એકબીજાની મદદે આવી જતા.

મારા કુટુંબ સાથે ખેતરમાં કામ કરતી વખતે

મારા પપ્પા એમિલ અને મમ્મી એલિસ ચુસ્ત કૅથલિક હતાં. તેઓ દર રવિવારે ચર્ચ જતાં. આશરે ૧૯૩૯માં ઇંગ્લૅન્ડથી અમુક પાયોનિયરો અમારા ગામ આવ્યા. તેઓએ મારા પપ્પાને કોન્સોલેશન મૅગેઝિન (જે હવે સજાગ બનો! નામે ઓળખાય છે) બતાવ્યું અને કહ્યું કે તે એના માટે લવાજમ ભરી શકે છે. એ મૅગેઝિન વાંચતા જ પપ્પા સમજી ગયા કે આ જ સત્ય છે. એ પછી તેમણે બાઇબલ વાંચવાનું શરૂ કરી દીધું. જ્યારે મારા પપ્પાએ ચર્ચ જવાનું બંધ કરી દીધું, ત્યારે જે પડોશીઓ સારા દોસ્તો હતા, તેઓ જાણે તેમના દુશ્મનો બની ગયા. તેઓ દબાણ લાવતા કે તે કૅથલિક ધર્મ ન છોડે. એ વિશે તેઓ વચ્ચે ઘણી વાર ઉગ્ર ચર્ચા થતી.

હું મારા પપ્પાને આટલી તકલીફમાં જોઈ શકતો ન હતો. એટલે મેં યહોવાને પ્રાર્થના કરી, જે વિશે મેં શરૂઆતમાં જણાવ્યું છે. પછી ધીરે ધીરે અમારા પડોશીઓએ પપ્પાનો વિરોધ કરવાનું બંધ કરી દીધું. એ જોઈને મને બહુ જ ખુશી થઈ. મને પૂરો ભરોસો થઈ ગયો કે યહોવા “પ્રાર્થનાના સાંભળનાર” છે.

બીજા વિશ્વયુદ્ધ વખતે

મે ૧૦, ૧૯૪૦માં નાઝી જર્મનીની સેનાએ બેલ્જિયમ પર હુમલો કર્યો. એ કારણે ઘણા લોકોએ પોતાનો દેશ છોડીને ભાગવું પડ્યું. અમારે પણ દક્ષિણ ફ્રાંસ ભાગવું પડ્યું. રસ્તામાં અમે એવી ઘણી ખતરનાક જગ્યાઓએ થઈને ગયાં, જ્યાં જર્મની અને ફ્રાંસની સેના વચ્ચે ઘમાસાણ યુદ્ધ ચાલી રહ્યું હતું.

ઘરે પાછાં ફરીને જોયું તો અમારું બધું લૂંટાઈ ગયું હતું. બસ અમારો કૂતરો બૉબી અમારો આવકાર કરવા ઊભો હતો. એ અનુભવોના લીધે હું વિચારવા લાગ્યો: ‘યુદ્ધ કેમ થાય છે? આટલી બધી દુઃખ-તકલીફો કેમ છે?’

હું તરુણ હતો ત્યારનો ફોટો. એ સમયે હું યહોવા સાથેનો મારો સંબંધ વધારે ગાઢ બનાવી રહ્યો હતો

એ સમય દરમિયાન અમને ભાઈ એમિલ શ્રાન્સની a મુલાકાતોથી ઘણો ફાયદો થયો. તે એક વફાદાર પાયોનિયર અને વડીલ હતા. તેમણે બાઇબલમાંથી સાફ સાફ સમજાવ્યું કે આપણા પર આટલી દુઃખ-તકલીફો કેમ આવે છે. તેમણે જીવન વિશેના મારા બીજા સવાલોના પણ જવાબ આપ્યા. એનાથી યહોવા સાથેનો મારો સંબંધ વધારે મજબૂત બન્યો. મને પૂરી ખાતરી થઈ કે યહોવા પ્રેમના ઈશ્વર છે.

યુદ્ધ પૂરું થયું એ પહેલાં પણ અમે બીજા સાક્ષીઓ સાથે હળી-મળી શકતાં હતાં. ઑગસ્ટ ૧૯૪૩માં ભાઈ જોસે-નિકોલસ મીનેટ અમારે ત્યાં આવ્યા અને પ્રવચન આપ્યું. તેમણે પૂછ્યું: “કોણ બાપ્તિસ્મા લેવા માંગે છે?” મારા પપ્પાએ હાથ ઊંચો કર્યો. પછી મેં હાથ ઊંચો કર્યો. અમારા ખેતર નજીક એક નાનકડી નદીમાં અમારું બાપ્તિસ્મા થયું.

ડિસેમ્બર ૧૯૪૪માં જર્મનીની સેનાએ પશ્ચિમ યુરોપ પર છેલ્લી વાર મોટો હુમલો કર્યો હતો. એ બલ્જના યુદ્ધ તરીકે પણ ઓળખાય છે. આ યુદ્ધ અમારા ઘરની નજીક થઈ રહ્યું હતું. એટલે આશરે એક મહિના સુધી અમારે ભોંયરામાં રહેવું પડ્યું. એક દિવસે હું પ્રાણીઓને ચારો નાખવા બહાર આવ્યો. ત્યારે તોપમારો થઈ રહ્યો હતો. અચાનક એક બૉમ્બ અમારા ખેતરમાં પડ્યો. અમારા ગોદામનું છાપરું તૂટી ગયું. મારી નજીક, એક તબેલાની અંદર અમેરિકાનો એક સૈનિક હતો. તેણે બૂમ પાડી: “જમીન પર આડો પડી જા!” હું દોડીને તેની પાસે ગયો અને જમીન પર આડો પડી ગયો. મારું રક્ષણ કરવા તેણે પોતાનો ટોપ મારા માથે મૂકી દીધો.

યહોવાની સેવામાં આગળ વધવું

અમારા લગ્‍નના દિવસે

યુદ્ધ પછી અમે લીજ શહેરનાં ભાઈ-બહેનોને કોઈક રીતે મળતાં રહ્યાં. એ શહેર અમારા ગામથી આશરે ૯૦ કિલોમીટર ઉત્તરે આવેલું છે. સમય જતાં, અમે બેસ્ટોન શહેરમાં એક નાનકડું ગ્રૂપ ઊભું કરી શક્યાં. હું કર વહીવટ વિભાગમાં કામ કરવા લાગ્યો અને મને કાયદાનો અભ્યાસ કરવાની તક મળી. પછી મને નોટરીના ક્લાર્ક તરીકે નોકરી મળી. ૧૯૫૧માં બેસ્ટોન શહેરમાં અમે એક નાનકડું સરકીટ સંમેલન યોજ્યું. એમાં સોએક લોકો આવ્યા હતા. ત્યાં મારી મુલાકાત એક જોશીલી પાયોનિયર બહેન સાથે થઈ, જેનું નામ એલી રોઇટર હતું. તે ૫૦ કિલોમીટર સાયકલ ચલાવીને આવી હતી. થોડા જ સમયમાં અમે એકબીજાના પ્રેમમાં પડ્યાં અને અમારી સગાઈ થઈ ગઈ. એલીને અમેરિકામાં થનાર ગિલયડ શાળામાં જવાનું આમંત્રણ મળ્યું હતું. તેણે જગત મુખ્યમથકે પત્ર લખ્યો અને જણાવ્યું કે તે કેમ નહિ આવી શકે. એ સમયે નૉરભાઈ યહોવાના સંગઠનમાં આગેવાની લઈ રહ્યા હતા. તેમણે વળતો પત્ર લખ્યો અને પ્રેમથી જણાવ્યું કે કદાચ એક દિવસે તેને પોતાના પતિ સાથે શાળામાં જવાનો મોકો મળે. પછી ફેબ્રુઆરી ૧૯૫૩માં અમારું લગ્‍ન થયું.

એલી અને અમારો દીકરો સર્જ

એ જ વર્ષે હું અને એલી ન્યૂ વર્લ્ડ સોસાયટી સંમેલનમાં ગયાં, જે ન્યૂ યૉર્કના યાંકી સ્ટેડિયમમાં રાખવામાં આવ્યું હતું. ત્યાં હું એક ભાઈને મળ્યો, જેમણે કહ્યું કે તે મને એક સરસ નોકરી અપાવી શકે છે અને હું અમેરિકા આવીને વસી જઉં. એ વિશે પ્રાર્થના કર્યા પછી, મેં અને એલીએ નક્કી કર્યું કે હું એ નોકરી નહિ સ્વીકારું અને અમે પાછાં બેલ્જિયમ જતાં રહીશું, જેથી બેસ્ટોન શહેરના ૧૦ પ્રકાશકોના નાનકડા ગ્રૂપને ટેકો આપતા રહી શકીએ. એ પછીના વર્ષે અમને એક દીકરો થયો, જેનું નામ અમે સર્જ રાખ્યું. પણ દુઃખની વાત છે કે સાત મહિના પછી તે બીમાર પડી ગયો અને તેનું મરણ થયું. અમે યહોવાને પ્રાર્થનામાં અમારાં દિલની વેદના જણાવી. ગુજરી ગયેલાઓને જીવતા કરવામાં આવશે એ આશા પર અમે વિચાર કર્યો. એનાથી અમને ઘણી હિંમત મળી.

પૂરા સમયની સેવા

ઑક્ટોબર ૧૯૬૧માં મને એવી નોકરી મળી, જેની સાથે સાથે હું પાયોનિયરીંગ પણ કરી શકું. પણ એ જ દિવસે બેલ્જિયમના શાખા સેવકે મને ફોન કર્યો. તેમણે પૂછ્યું: “શું તમે સરકીટ સેવક (જે આજે સરકીટ નિરીક્ષક તરીકે ઓળખાય છે) તરીકે સેવા આપી શકો?” મેં પૂછ્યું: “એ સેવા આપતા પહેલાં શું અમે પાયોનિયરીંગ કરી શકીએ?” તેમણે કહ્યું, “કંઈ વાંધો નહિ.” અમે જાન્યુઆરી ૧૯૬૨માં પાયોનિયરીંગ કરવાનું શરૂ કર્યું. ૮ મહિના પછી, સપ્ટેમ્બર ૧૯૬૨માં અમે સરકીટ કામ શરૂ કર્યું.

બે વર્ષ સરકીટ કામ કર્યા પછી અમને બ્રસલ્ઝમાં આવેલા બેથેલમાં બોલાવવામાં આવ્યાં. ઑક્ટોબર ૧૯૬૪માં અમે ત્યાં સેવા આપવાનું શરૂ કર્યું. આ નવી સોંપણીમાં અમને ઘણા આશીર્વાદો મળ્યા. ૧૯૬૫માં નૉરભાઈએ અમારા બેથેલની મુલાકાત લીધી. એના થોડા જ સમય પછી મને શાખા સેવક તરીકે નીમવામાં આવ્યો. મેં ધાર્યું જ ન હતું કે મને આ સોંપણી આપવામાં આવશે. પછી મને અને એલીને ગિલયડ શાળાના ૪૧મા ક્લાસમાં બોલાવવામાં આવ્યાં. ૧૩ વર્ષ પહેલાં નૉરભાઈએ જે વાત કહી હતી, એ હવે પૂરી થઈ. એ શાળા પછી અમે પાછાં બેલ્જિયમ બેથેલ આવ્યાં.

આપણા કાનૂની હક માટે લડવું

મારો કાયદાનો અનુભવ ખાસ્સાં વર્ષો સુધી યહોવાની સેવામાં કામ આવ્યો. હું યુરોપ અને બીજી જગ્યાના લોકોના હક માટે લડી શક્યો, જેથી તેઓ છૂટથી યહોવાની ભક્તિ કરી શકે. (ફિલિ. ૧:૭) મારા કામના લીધે મને ૫૫ કરતાં વધારે દેશોના અધિકારીઓને મળવાનો મોકો મળ્યો. એ દેશોમાં આપણા કામ પર અમુક રોકટોક છે અથવા પ્રતિબંધ છે. જ્યારે હું એ અધિકારીઓને મળતો, ત્યારે એવું ન કહેતો કે મને કાયદાનો કેટલો અનુભવ છે. એના બદલે હું તેઓને કહેતો: “હું તો ઈશ્વરનો સેવક છું.” હું દરેક બાબતમાં યહોવાને પ્રાર્થના કરતો, તેમની મદદ માંગતો. હું જાણતો હતો કે, “રાજાનું [અથવા ન્યાયાધીશનું] દિલ યહોવાના હાથમાં પાણીની ધારા જેવું છે, તે પોતાની ઇચ્છા પ્રમાણે એને વાળે છે.”—નીતિ. ૨૧:૧.

મને એક અનુભવ હજીયે યાદ છે. એકવાર હું યુરોપના સંસદના સભ્યને મળવાનો ઘણો પ્રયત્ન કરી રહ્યો હતો. આખરે તે મને મળવા રાજી થઈ ગયા. તેમણે મને કહ્યું: “હું તને ફક્ત પાંચ મિનિટ આપીશ. એક મિનિટ પણ વધારે નહિ આપું.” ત્યારે હું માથું નમાવીને પ્રાર્થના કરવા લાગ્યો. તે ગૂંચવાઈ ગયા અને મને પૂછ્યું: “આ તું શું કરી રહ્યો છે?” મેં કહ્યું: “હું ઈશ્વરનો આભાર માનતો હતો, કારણ કે તમે ઈશ્વરના સેવક છો.” તેમણે પૂછ્યું: “તું શું કહેવા માંગે છે?” મેં તેમને રોમનો ૧૩:૪ કલમ બતાવી. તે પ્રોટેસ્ટંટ ધર્મના હતા અને બાઇબલમાં માનતા હતા. એટલે એ કલમની તેમના પર ઊંડી અસર થઈ. પરિણામે, તેમણે અડધો કલાક મારી સાથે વાત કરી. એ વાતચીતનું સારું પરિણામ આવ્યું. તેમણે યહોવાના સાક્ષીઓના કામની ઘણી કદર પણ કરી.

વર્ષોથી યહોવાના લોકોએ યુરોપમાં ઘણા મુકદ્દમા લડ્યા છે. જેમ કે, સેનામાં ભરતી ન થવા વિશે, બાળકોની કસ્ટડી વિશે, કરવેરા વિશે, વગેરે. એમાંના ઘણા મુકદ્દમા લડવામાં હું ફાળો આપી શક્યો છું. એ મારા માટે બહુ મોટો લહાવો છે. હું પોતે જોઈ શક્યો કે યહોવાએ કઈ રીતે આપણને જીત અપાવી છે. યહોવાના સાક્ષીઓ યુરોપિયન કોર્ટ ઑફ હ્યુમન રાઈટ્‌સમાં ૧૪૦ કરતાં વધારે મુકદ્દમા જીતી ચૂક્યા છે.

ક્યુબામાં વધ્યું રાજ્યનું કામ

ક્યુબામાં આપણા કામ પર અમુક રોકટોક હતી. એટલે ત્યાંનાં ભાઈ-બહેનોને મદદ કરવા ૧૯૯૦ના દાયકામાં મને જગત મુખ્યમથકના ભાઈ ફિલિપ બ્રમલી અને ઇટાલીના ભાઈ વોલ્ટર ફર્નેટી સાથે કામ કરવાનો મોકો મળ્યો. મેં બેલ્જિયમમાં આવેલી ક્યુબાની ઍમબ્સીમાં (દૂતાવાસમાં) એક પત્ર લખ્યો અને ત્યાંના અધિકારીને મળ્યો, જેને અમારી વિનંતી સાંભળવા નીમ્યો હતો. શરૂ શરૂમાં મળતા ત્યારે અમે એ ગેરસમજ દૂર ન કરી શક્યા, જેના લીધે સરકારે આપણા કામ પર રોકટોક લગાવી હતી.

જ્યારે અમે ૧૯૯૦ના દાયકામાં ક્યુબા ગયા હતા, ત્યારે ફિલિપ બ્રમલી અને વોલ્ટર ફર્નેટી સાથે

પ્રાર્થનામાં યહોવા પાસે મદદ માંગ્યા પછી અમે ક્યુબાની સરકારને પૂછ્યું કે શું અમે ત્યાં ૫,૦૦૦ બાઇબલ મોકલાવી શકીએ. પરવાનગી મળ્યા પછી અમે બાઇબલ મોકલી આપ્યાં. એ બાઇબલ સરસ રીતે ક્યુબા પહોંચી ગયાં અને ભાઈ-બહેનોને આપવામાં આવ્યાં. અમને પૂરી ખાતરી થઈ કે યહોવા અમારી મહેનત પર કૃપા વરસાવી રહ્યા છે. પછી અમે ૨૭,૫૦૦ બાઇબલ મોકલવા માટે પૂછ્યું. ત્યાંની સરકારે એની પણ મંજૂરી આપી દીધી. આમ, ક્યુબાનાં ભાઈ-બહેનોને બાઇબલ પહોંચાડવા હું મદદ કરી શક્યો. એ મારા માટે બહુ ખુશીની વાત હતી.

આપણાં ભાઈ-બહેનો વધુ છૂટથી રાજ્યનું કામ કરી શકે, એ હેતુથી હું ઘણી વાર ક્યુબા ગયો. એ સમય દરમિયાન હું ત્યાંના અધિકારીઓ સાથે સારો સંબંધ કેળવી શક્યો.

રુવાન્ડાનાં ભાઈ-બહેનોને કરી મદદ

૧૯૯૪માં રુવાન્ડા દેશમાં તુત્સી જાતિનો નરસંહાર થયો, જેમાં ૧૦,૦૦,૦૦૦ કરતાં પણ વધારે લોકોની કતલ થઈ. દુઃખની વાત છે કે આપણાં અમુક ભાઈ-બહેનો પણ માર્યાં ગયાં. ત્યાંનાં ભાઈ-બહેનોને મદદ કરવા અને રાહત સામગ્રી પહોંચાડવા જલદી જ અમુક ભાઈઓને નિયુક્ત કરવામાં આવ્યા.

હું પણ એમાંનો એક હતો. ત્યાંની રાજધાની કિગાલી આવીને અમે જોયું કે ભાષાંતર કેન્દ્ર અને સાહિત્ય મૂકવાના ગોદામની દીવાલો પર જ્યાં જુઓ ત્યાં ગોળીઓના લીધે કાણેકાણાં પડી ગયાં હતાં. અમે સાંભળ્યું કે કઈ રીતે આપણાં ભાઈ-બહેનોને ક્રૂર રીતે ધારિયાથી મારી નાખવામાં આવ્યાં હતાં. એ અનુભવો સાંભળતી વખતે અમારું કાળજું કપાઈ જતું. જોકે અમે એ પણ સાંભળ્યું કે કઈ રીતે ત્યાંનાં ભાઈ-બહેનોએ એકબીજાને પ્રેમ બતાવ્યો. જેમ કે, અમે તુત્સી જાતિના એક ભાઈને મળ્યા. તેમને હુતુ જાતિના સાક્ષી કુટુંબે ૨૮ દિવસ સુધી પોતાના વાડાના ખાડામાં સંતાડીને રાખ્યા હતા. કિગાલીમાં રાખેલી સભા દરમિયાન, અમે ૯૦૦ કરતાં વધારે ભાઈ-બહેનોને ઉત્તેજન અને દિલાસો આપ્યાં.

ડાબી બાજુ: ભાષાંતર કેન્દ્ર પર હુમલો થયો ત્યારે, બંદૂકની ગોળીથી ફાટી ગયેલું એક પુસ્તક

જમણી બાજુ: રાહત સામગ્રીની ગોઠવણ કરતી વખતે

પછી અમે સરહદ પાર કરીને ઝાઇર દેશ (જે આજે કૉંગો લોકશાહી પ્રજાસત્તાક તરીકે ઓળખાય છે) ગયા, જેથી રુવાન્ડાનાં મોટા ભાગનાં ભાઈ-બહેનોને શોધી શકીએ. તેઓ પોતાનો જીવ બચાવવા ગોમા શહેર નજીક આવેલી શરણાર્થી છાવણીઓમાં ભાગી ગયાં હતાં. અમે તેઓને શોધી ન શક્યા, એટલે યહોવાને પ્રાર્થના કરી અને માર્ગદર્શન માંગ્યું. પછી અમે જોયું કે એક માણસ ચાલીને અમારી પાસે આવી રહ્યો હતો. અમે તેને પૂછ્યું, “શું તું કોઈ યહોવાના સાક્ષીને ઓળખે છે?” તેણે કહ્યું, “હું યહોવાનો સાક્ષી છું. ચાલો તમને રાહત સમિતિના ભાઈઓ પાસે લઈ જઉં.” પહેલા, અમે રાહત સમિતિના ભાઈઓને મળ્યા અને તેઓની હિંમત વધારી. પછી અમે આશરે ૧,૬૦૦ શરણાર્થીઓને મળ્યા. અમે તેઓને બાઇબલમાંથી દિલાસો અને ઉત્તેજન આપ્યાં. અમે તેઓને નિયામક જૂથનો પત્ર પણ વાંચી સંભળાવ્યો. પત્રમાં લખેલી આ વાત તેઓનાં દિલને સ્પર્શી ગઈ: “અમે તમારા માટે સતત પ્રાર્થના કરીએ છીએ. અમને પૂરી ખાતરી છે કે યહોવા તમને ક્યારેય નહિ છોડે.” નિયામક જૂથની એ વાત એકદમ સાચી હતી. આજે રુવાન્ડામાં ૩૦,૦૦૦ કરતાં વધારે સાક્ષીઓ ખુશી ખુશી યહોવાની સેવા કરી રહ્યા છે.

યહોવાને વફાદાર રહેવાનો ઇરાદો મક્કમ રાખ્યો

૨૦૧૧માં મારી વહાલી પત્ની એલી મરણની ઊંઘમાં સરી ગઈ. અમે આશરે ૫૮ વર્ષ સાથે વિતાવ્યાં હતાં. આ દુઃખની પળોમાં મેં યહોવાને ખૂબ પ્રાર્થના કરી અને તેમણે મને દિલાસો આપ્યો. પ્રચારમાં લાગુ રહેવાથી પણ મને ઘણો દિલાસો મળ્યો.

હું ૯૦ કરતાં વધારે વર્ષનો છું. તોપણ દર અઠવાડિયે પ્રચારમાં જઉં છું. મને એ વાતની ખુશી છે કે હું હજીયે બેલ્જિયમ બેથેલના કાનૂની વિભાગના કામમાં આવી શકું છું. હું મારા અનુભવથી બીજાઓને મદદ કરું છું અને બેથેલના યુવાનોને ઉત્તેજન આપું છું. એનાથી પણ મને ઘણી ખુશી મળે છે.

આશરે ૮૪ વર્ષ અગાઉ, મેં પહેલી વાર યહોવાને પ્રાર્થના કરી હતી. ત્યારથી યહોવા સાથેની મારી સફર શરૂ થઈ હતી અને હું યહોવાની વધારે ને વધારે નજીક આવ્યો છું. હું યહોવાનો ખૂબ આભાર માનું છું કે તેમણે મારી આખી સફર દરમિયાન મારી પ્રાર્થનાઓ સાંભળી.—ગીત. ૬૬:૧૯. b

a શ્રાન્સભાઈની જીવન સફર સપ્ટેમ્બર ૧૫, ૧૯૭૩ના ચોકીબુરજમાં (અંગ્રેજી) પાન ૫૭૦-૫૭૪માં આપવામાં આવી છે.

b આ લેખ તૈયાર થઈ રહ્યો હતો, એ દરમિયાન ફેબ્રુઆરી ૪, ૨૦૨૩ના રોજ ભાઈ માર્સેલ જીલેટ ગુજરી ગયા.