સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

અભ્યાસ લેખ ૨૬

ગીત ૪૯ યહોવા છે સહારો

શું યહોવા તમારા ખડક છે?

શું યહોવા તમારા ખડક છે?

“આપણા ઈશ્વર જેવો ખડક બીજો કોઈ નથી.”૧ શમુ. ૨:૨.

આપણે શું શીખીશું?

યહોવામાં એવા કયા ગુણો છે, જેના લીધે તેમને ખડક કહેવામાં આવે છે? આપણે કઈ રીતે એ ગુણો બતાવી શકીએ?

૧. ગીતશાસ્ત્ર ૧૮:૪૬માં લખ્યું છે તેમ, દાઉદે યહોવાની સરખામણી શાના સાથે કરી?

 આ દુનિયામાં અણધાર્યા સંજોગો ગમે ત્યારે આવી શકે છે. એક પળમાં આપણાં જીવનમાં ઊથલ-પાથલ મચી શકે અથવા એ પૂરી રીતે બદલાઈ શકે. એવા સંજોગોમાં આપણે મદદ માટે યહોવા પાસે જઈ શકીએ છીએ, એનાથી કેટલી રાહત મળે છે. ગયા લેખમાં આપણે જોયું કે યહોવા જીવતા ઈશ્વર છે અને આપણને મદદ કરવા હંમેશાં તૈયાર છે. તેમની મદદ મેળવીએ છીએ ત્યારે, આપણને ખાતરી મળે છે કે તે “જીવતા-જાગતા ઈશ્વર” છે. (ગીતશાસ્ત્ર ૧૮:૪૬ વાંચો.) એવું કહ્યા પછી દાઉદે તેમને ‘મારા ખડક’ કહીને બોલાવ્યા. દાઉદે કેમ તેમની સરખામણી ખડક જેવી નિર્જીવ વસ્તુ સાથે કરી?

૨. આ લેખમાં આપણે શું શીખીશું?

આ લેખમાં આ સવાલોના જવાબ જોઈશું: યહોવાને શા માટે ખડક કહેવામાં આવ્યા છે? એનાથી આપણે તેમના વિશે શું શીખી શકીએ? આપણે કઈ રીતે યહોવાને પોતાના ખડક બનાવી શકીએ? આપણે કઈ રીતે યહોવા જેવા ગુણો બતાવી શકીએ?

યહોવા કઈ રીતે ખડક જેવા છે?

૩. બાઇબલમાં વપરાયેલા “ખડક” શબ્દથી શું જોવા મળે છે? ( ચિત્ર જુઓ.)

બાઇબલમાં યહોવાને “ખડક” કહ્યા છે. એનાથી આપણે તેમના અમુક ગુણો વિશે શીખી શકીએ છીએ. ઘણી વાર યહોવાનો જયજયકાર કરતી વખતે ઈશ્વરભક્તો તેમને ખડક કહે છે. યહોવા “ખડક” છે એવો પહેલો ઉલ્લેખ પુનર્નિયમ ૩૨:૪માં જોવા મળે છે. હાન્‍નાએ પ્રાર્થના કરતી વખતે કહ્યું: “આપણા ઈશ્વર જેવો ખડક બીજો કોઈ નથી.” (૧ શમુ. ૨:૨) હબાક્કૂકે યહોવાને “મારા ખડક” કહ્યા. (હબા. ૧:૧૨) ગીતશાસ્ત્ર ૭૩ના લેખકે કહ્યું: “ઈશ્વર મારો ખડક, મારા દિલની રક્ષા કરનાર” છે. (ગીત. ૭૩:૨૬) યહોવા પણ પોતાને ખડક કહીને બોલાવે છે. (યશા. ૪૪:૮) ચાલો હવે ત્રણ ગુણો વિશે જોઈએ, જેના લીધે યહોવાને ખડક કહ્યા છે અને શીખીએ કે યહોવાને કઈ રીતે “આપણા ખડક” બનાવી શકીએ.—પુન. ૩૨:૩૧.

યહોવાના લોકો તેમને પોતાનો ખડક ગણે છે (ફકરો ૩ જુઓ)


૪. યહોવા કઈ રીતે આપણો આશરો છે? (ગીતશાસ્ત્ર ૯૪:૨૨)

યહોવા આશરો છે. તોફાનો આવે ત્યારે રક્ષણ મેળવવા એક વ્યક્તિ મોટા ખડકનો આશરો લે છે. એવી જ રીતે, આપણા જીવનમાં તકલીફો આવે ત્યારે યહોવા આપણને આશરો આપે છે. (ગીતશાસ્ત્ર ૯૪:૨૨ વાંચો.) તે આપણું રક્ષણ કરે છે, જેથી તેમની સાથેનો આપણો સંબંધ જોખમમાં ન મુકાય. તે ખાતરી આપે છે કે આ દુષ્ટ દુનિયામાં જે સહીએ છીએ, એ બસ થોડા જ સમય માટે છે. તે એ પણ વચન આપે છે કે જલદી જ બધી મુશ્કેલીઓ દૂર કરી દેશે, જેના લીધે આપણને ચિંતા થાય છે અથવા આપણે સહેવું પડે છે.—હઝકિ. ૩૪:૨૫, ૨૬.

૫. આપણે કઈ રીતે યહોવાને પોતાનો આશરો બનાવી શકીએ?

યહોવાને આશરો બનાવવાની એક રીત છે, તેમને પ્રાર્થના કરીએ. પ્રાર્થના કરીએ છીએ ત્યારે યહોવા આપણને “શાંતિ” આપે છે. એનાથી આપણાં હૃદય અને મનનું રક્ષણ થાય છે. (ફિલિ. ૪:૬, ૭) ચાલો આપણે આર્તેમભાઈનો અનુભવ જોઈએ. ભાઈને પોતાની શ્રદ્ધાને લીધે જેલની સજા થઈ. તે જેલમાં હતા ત્યારે એક અધિકારી તેમને વારંવાર પૂછપરછ માટે બોલાવતો. તે તેમને ડરાવતો-ધમકાવતો અને તેમનું અપમાન કરતો. ભાઈએ કહ્યું: ‘જ્યારે પણ એ અધિકારી મને બોલાવતો, ત્યારે હું હેરાન-પરેશાન થઈ જતો. જતા પહેલાં હું હંમેશાં યહોવાને પ્રાર્થના કરતો. હું કહેતો કે તે મને મનની શાંતિ અને બુદ્ધિ આપે. એ અધિકારીએ મને હેરાન કરવાના લાખ પ્રયત્નો કર્યા, પણ હું શાંત જ રહ્યો. મેં અનુભવ્યું કે યહોવા એક દિવાલની જેમ મારી આગળ ઊભા હતા અને મારું રક્ષણ કરતા હતા.’

૬. આપણે કેમ હંમેશાં યહોવા પર ભરોસો રાખી શકીએ? (યશાયા ૨૬:૩, ૪)

યહોવા ભરોસાને લાયક છે. જેમ એક ખડક હંમેશાં પોતાની જગ્યાએ રહે છે, તેમ યહોવા પણ હંમેશાં આપણી સાથે રહે છે. આપણે તેમના પર ભરોસો મૂકી શકીએ છીએ, કારણ કે તે “સનાતન ખડક” છે. (યશાયા ૨૬:૩, ૪ વાંચો.) તે જીવતા ઈશ્વર છે અને હંમેશાં રહેશે. એટલે, તે હંમેશાં પોતાનાં વચનો પાળશે, આપણી પ્રાર્થનાઓ સાંભળશે અને જરૂર હોય ત્યારે મદદ પૂરી પાડશે. આપણે તેમના પર આધાર રાખી શકીએ છીએ, કારણ કે તે પોતાના સેવકો સાથે વફાદારીથી વર્તે છે. (૨ શમુ. ૨૨:૨૬) આપણે તેમના માટે જે પણ કરીએ છીએ, એ તે ક્યારેય ભૂલશે નહિ અને હંમેશાં ઇનામ આપશે.—હિબ્રૂ. ૬:૧૦; ૧૧:૬.

૭. યહોવા પર આધાર રાખીએ છીએ ત્યારે, કઈ વાતની ખાતરી થાય છે? (ચિત્ર પણ જુઓ.)

યહોવા પર પૂરો આધાર રાખીએ છીએ ત્યારે, તેમને આપણા ખડક બનાવીએ છીએ. આપણને પૂરો ભરોસો છે કે મુશ્કેલ સમયમાં પણ તેમની આજ્ઞાઓ પાળવાથી આપણું જ ભલું થશે. (યશા. ૪૮:૧૭, ૧૮) જ્યારે જોઈએ છીએ કે યહોવાએ આપણને કેટલી મદદ કરી છે, ત્યારે તેમના પરનો ભરોસો હજુ વધે છે. આપણને પાકી ખાતરી થાય છે કે ભાવિમાં ભલે ગમે એટલી આકરી મુશ્કેલી આવશે, ફક્ત યહોવા જ આપણને મદદ કરી શકશે. ઘણી વખતે એવા સંજોગો ઊભા થાય છે, જ્યારે આપણે એકલા જ હોઈએ છીએ, મદદ કરનાર કોઈ નથી હોતું. એવા સમયે આપણે અનુભવી શકીએ છીએ કે યહોવા કેટલા ભરોસાને લાયક છે. વ્લાદિમિરભાઈએ કહ્યું: “મારી પૂછપરછ કરવા મને એક કોટડીમાં (ડિટેન્શન સેન્ટર) રાખ્યો હતો. એ સમયે મેં અનુભવ્યું કે યહોવા મારી એકદમ નજીક છે. હું યહોવામાં વધારે ભરોસો રાખવાનું શીખ્યો, કારણ કે એ સમયે હું એકલો હતો અને સંજોગો પણ મારા હાથ બહાર હતા.”

યહોવા પર પૂરો આધાર રાખીએ છીએ ત્યારે, તેમને આપણા ખડક બનાવીએ છીએ (ફકરો ૭ જુઓ)


૮. (ક) કેમ કહી શકીએ કે યહોવા બદલાતા નથી? (ખ) યહોવા આપણા ખડક છે, એટલે કઈ ખાતરી રાખી શકીએ? (ગીતશાસ્ત્ર ૬૨:૬, ૭)

યહોવા અડગ છે. યહોવા એક મોટા ખડકની જેમ સ્થિર અને અડગ છે. તેમનો સ્વભાવ અને હેતુ કદી બદલાતા નથી. (માલા. ૩:૬) જ્યારે આદમ-હવાએ બળવો કર્યો, ત્યારે યહોવાએ મનુષ્યો માટેનો પોતાનો હેતુ બદલ્યો નહિ. પ્રેરિત પાઉલે લખ્યું કે યહોવા “પોતાનો નકાર કરી શકતા નથી.” (૨ તિમો. ૨:૧૩) એનો શું અર્થ થાય? ભલે ગમે એ થાય અથવા કોઈ ગમે એ કરે, યહોવા અડગ રહે છે. તે પોતાના ગુણો, હેતુ અથવા ધોરણો બદલતા નથી. એટલે ખાતરી રાખી શકીએ કે મુશ્કેલ સંજોગોમાં તે આપણને નિભાવી રાખશે અને ભાવિ વિશેનાં વચનો જરૂર પૂરાં કરશે.—ગીતશાસ્ત્ર ૬૨:૬, ૭ વાંચો.

૯. તાત્યાનાબહેન પાસેથી તમે શું શીખ્યા?

યહોવાને પોતાના ખડક બનાવવાની બીજી રીત કઈ છે? તેમના ગુણો તેમજ આ ધરતી અને મનુષ્યો માટેના તેમના હેતુ પર મનન કરવું. એનાથી આપણને કસોટીઓમાં શાંત રહેવા અને તેમને વફાદાર રહેવા મદદ મળશે. (ગીત. ૧૬:૮) તાત્યાનાબહેન સાથે એવું જ બન્યું. તેમને પોતાની શ્રદ્ધાને લીધે નજરકેદ કરવામાં આવ્યાં હતાં. તેમણે કહ્યું: “હું ઘરમાં સાવ એકલી હતી. શરૂ શરૂમાં તો મને ખૂબ અઘરું લાગતું. ઘણી વાર હું નિરાશ થઈ જતી.” એ પછી બહેન યહોવા અને મનુષ્યો માટેના તેમના હેતુ પર મનન કરવા લાગ્યાં. તે સમજી શક્યાં કે એ કસોટી ધીરજથી સહેવી શા માટે મહત્ત્વનું છે. એનાથી તેમને શાંત રહેવા મદદ મળી અને વફાદાર રહેવા હિંમત મળી. બહેને કહ્યું: “મારી સાથે આ બધું કેમ થાય છે એ સમજવાથી મને એ યાદ રાખવા મદદ મળી કે હું યહોવાને પ્રેમ કરું છું, એટલે આ સંજોગોમાં છું. એનાથી મને પોતાનો અને પોતાની મુશ્કેલીઓનો જ વિચાર કર્યા ન કરવા મદદ મળી.”

૧૦. આજે યહોવાને આપણા ખડક કઈ રીતે બનાવી શકીએ?

૧૦ જલદી જ, આપણે બહુ અઘરા સમયોનો સામનો કરવો પડશે. એ સમયે યહોવા પર હમણાં કરતાં પણ વધારે ભરોસો રાખવો પડશે. એટલે બહુ જ જરૂરી છે કે હમણાંથી જ યહોવા પરની શ્રદ્ધા વધારીએ અને પૂરી ખાતરી રાખીએ કે ભલે ગમે એવા સંજોગો આવશે, વફાદાર રહેવા તે આપણને મદદ કરશે. એવો ભરોસો વધારવા શું કરી શકો? બાઇબલ સમયના અને આજના સમયના ઈશ્વરભક્તોના અનુભવો વાંચો અને એના પર ઊંડો વિચાર કરો. ધ્યાન આપો કે યહોવાએ કઈ રીતે એ સેવકોને મદદ કરી છે. એમ કરવાથી તમે યહોવાને તમારા ખડક બનાવી શકશો.

યહોવા જેવા ગુણો બતાવો

૧૧. આપણે કેમ યહોવા જેવા ગુણો બતાવવા માંગીએ છીએ? (“ તરુણ ભાઈઓ માટે ધ્યેય” બૉક્સ પણ જુઓ.)

૧૧ આપણે યહોવાના અમુક ગુણો વિશે જોઈ ગયા, જેના લીધે તેમને ખડક કહેવામાં આવે છે. હવે ચાલો જોઈએ કે આપણે કઈ રીતે એ ગુણો બતાવી શકીએ. એ ગુણો બતાવવા જેટલી વધારે મહેનત કરીશું, એટલી વધારે મંડળનાં ભાઈ-બહેનોની શ્રદ્ધા વધારી શકીશું. દાખલા તરીકે, ઈસુએ સિમોનનું નામ કેફાસ (ગ્રીક, “પિતર”) રાખ્યું. એનો અર્થ થાય, “ખડક.” (યોહા. ૧:૪૨) એ શબ્દથી ઈસુ કહેવા માંગતા હતા કે આગળ જતાં પિતર મંડળનાં ભાઈ-બહેનોને દિલાસો આપશે અને તેઓની શ્રદ્ધા મજબૂત કરશે. બાઇબલમાં વડીલોની સરખામણી “વિશાળ ખડકની છાયા” સાથે કરવામાં આવી છે. એ બતાવે છે કે વડીલો મંડળનાં ભાઈ-બહેનોનું રક્ષણ કરે છે. (યશા. ૩૨:૨) જોકે, આપણે બધા જ એકબીજાને મજબૂત કરવા મદદ કરી શકીએ છીએ. કઈ રીતે? યહોવા જેવા ગુણો બતાવીને.—એફે. ૫:૧.

૧૨. આપણે કઈ રીતે બીજાઓ માટે આશરો બની શકીએ?

૧૨ બીજાઓ માટે આશરો બનો. અમુક વાર કુદરતી આફતો, રમખાણો કે યુદ્ધોને લીધે ઘણાં ભાઈ-બહેનો બેઘર થાય છે અથવા તેઓએ પોતાનાં ઘરબાર છોડીને નાસી જવું પડે છે. એવા સંજોગોમાં એ ભાઈ-બહેનોને આપણા ઘરમાં આશરો આપી શકીએ છીએ. આ “છેલ્લા દિવસોમાં” દુનિયાની હાલત વધારે ને વધારે બગડતી જશે. એટલે ભાઈ-બહેનોને મદદ કરવાની ઘણી તકો મળશે. (૨ તિમો. ૩:૧) એ ઉપરાંત, આપણે ભાઈ-બહેનોને દિલાસો આપી શકીએ અને પ્રેમ બતાવી શકીએ, જેની તેઓને જરૂર છે. એમ કરવાની એક રીત છે: પ્રાર્થનાઘરમાં ભાઈ-બહેનો આવે ત્યારે, તેઓ સાથે વાત કરીએ અને તેઓની હિંમત વધારીએ. આપણે ચાહીએ છીએ કે પ્રાર્થનાઘરમાં બધાને પ્રેમ અને ઉત્તેજન મળે. આજે દુનિયામાં કોઈને કોઈની પડી નથી. એના લીધે આપણાં ભાઈ-બહેનો નિરાશ થઈ શકે અથવા તેઓને લાગી શકે કે કોઈ તેઓને પ્રેમ નથી કરતું. એટલે ભાઈ-બહેનો સભામાં આવે ત્યારે તેઓને આપણા પ્રેમનો, તાજગીનો અને સલામતીનો અહેસાસ કરાવવા બનતું બધું કરીએ.

૧૩. વડીલો કઈ રીતે ભાઈ-બહેનો માટે આશરો બની શકે? (ચિત્ર પણ જુઓ.)

૧૩ જ્યારે ભાઈ-બહેનોના જીવનમાં અલગ અલગ મુશ્કેલીઓ આવે છે, ત્યારે વડીલો તેઓ માટે આશરો બની શકે છે. કોઈ કુદરતી આફત આવે અથવા કોઈ ભાઈ કે બહેનની તબિયત અચાનક બગડે ત્યારે, વડીલો તેઓને મદદ કરવા તરત જ પગલાં ભરે છે. તેઓ બાઇબલમાંથી દિલાસો અને માર્ગદર્શન પણ આપે છે. જો એક વડીલ ભાઈ-બહેનો સાથે પ્રેમથી વાત કરશે, તેઓનું ધ્યાનથી સાંભળશે અને તેઓની લાગણીઓ સમજવાની કોશિશ કરશે, તો ભાઈ-બહેનો મદદ માટે તેમની પાસે દોડી જશે. એવા ગુણોને લીધે ભાઈ-બહેનો તેમનો પ્રેમ અનુભવશે. પછી જો એ વડીલ બાઇબલ આધારિત કોઈ સલાહ આપશે, તો એ પાળવી ભાઈ-બહેનો માટે સહેલું બની જશે.—૧ થેસ્સા. ૨:૭, ૮, ૧૧.

ભાઈ-બહેનો પર અલગ અલગ મુશ્કેલીઓ આવે છે ત્યારે, વડીલો તેઓનો આશરો બને છે (ફકરો ૧૩ જુઓ) a


૧૪. કઈ રીતે બતાવી શકીએ કે આપણે ભરોસાને લાયક છીએ?

૧૪ ભરોસાને લાયક બનો. ભાઈ-બહેનોને ભરોસો હોવો જોઈએ કે આપણે હંમેશાં તેઓની પડખે રહીશું, ખાસ કરીને તેઓના કપરા સમયમાં. (નીતિ. ૧૭:૧૭) ભરોસાને લાયક બનવા આપણે શું કરી શકીએ? દરરોજ યહોવા જેવા ગુણો બતાવવા બનતું બધું કરીએ. જેમ કે, પોતાનાં વચનો પાળીએ અને દરેક કામ સમયસર કરીએ. (માથ. ૫:૩૭) જો ખબર પડે કે કોઈને મદદની જરૂર છે, તો તેને સહાય કરી શકીએ. એ ઉપરાંત, મંડળમાં કોઈ સોંપણી મળે ત્યારે આપણને જે માર્ગદર્શન મળ્યું હોય, એ પ્રમાણે જ એને પૂરી કરીએ.

૧૫. ભરોસાને લાયક વડીલો કઈ રીતે મંડળ માટે આશીર્વાદ છે?

૧૫ ભરોસાને લાયક વડીલો મંડળ માટે આશીર્વાદ છે. કઈ રીતે? જ્યારે ભાઈ-બહેનો જુએ છે કે તેઓ પ્રચાર ગ્રૂપના નિરીક્ષક પાસે અથવા બીજા વડીલો પાસે મદદ માટે ગમે ત્યારે જઈ શકે છે, ત્યારે તેઓની ચિંતા હળવી થાય છે. તેઓ વડીલોનો પ્રેમ પણ અનુભવી શકે છે. વડીલો પોતાના વિચારો પ્રમાણે નહિ, બાઇબલ અને સાહિત્યને આધારે સલાહ આપે છે. એનાથી પણ તેઓ પરનો ભરોસો વધે છે. વધુમાં, જ્યારે વડીલો બીજાઓની ખાનગી વાતો કોઈને જણાવતા નથી અને પોતાનાં વચનો પાળે છે, ત્યારે ભાઈ-બહેનો તેઓ પર ભરોસો મૂકી શકે છે.

૧૬. જો અડગ હોઈશું તો પોતાને અને બીજાઓને કેવો ફાયદો થશે?

૧૬ અડગ બનો. જ્યારે આપણે દરેક વાતે યહોવાની આજ્ઞાઓ પાળીએ છીએ અને બાઇબલ સિદ્ધાંતોને આધારે નિર્ણયો લઈએ છીએ, ત્યારે બીજાઓ માટે સારો દાખલો બેસાડીએ છીએ. આપણે બાઇબલનો અભ્યાસ કરવાનું અને યહોવા પરની શ્રદ્ધા મજબૂત કરવાનું છોડતા નથી. એટલે યહોવાને અને તેમનાં ધોરણોને વળગી રહીએ છીએ. આપણે જૂઠા શિક્ષણને અને દુનિયાના વિચારોને તરત પારખી લઈએ છીએ અને એનાથી ભરમાઈ જતા નથી. (એફે. ૪:૧૪; યાકૂ. ૧:૬-૮) આપણને યહોવામાં અને તેમનાં વચનોમાં પાકી શ્રદ્ધા છે. એટલે ખરાબ સમાચાર મળે ત્યારે ગભરાઈ જતા નથી, પણ શાંત રહીએ છીએ. (ગીત. ૧૧૨:૭, ૮) આપણે એ ભાઈ-બહેનોને પણ મદદ કરી શકીએ છીએ, જેઓ કપરા સમયમાંથી પસાર થઈ રહ્યાં છે.—૧ થેસ્સા. ૩:૨, ૩.

૧૭. વડીલો કઈ રીતે ભાઈ-બહેનોને શાંત રહેવા અને યહોવા પરની શ્રદ્ધા મજબૂત કરવા મદદ કરે છે?

૧૭ વડીલો દરેક વાતમાં સંયમ રાખનાર, સમજુ, વ્યવસ્થિત અને વાજબી હોય છે. તેઓ મંડળનાં ભાઈ-બહેનોને શાંત રહેવા અને યહોવા પરની શ્રદ્ધા મજબૂત કરવા મદદ કરે છે. તેઓ “ખરાં વચનોને ચુસ્ત રીતે વળગી” રહે છે, એટલે મંડળ પણ મજબૂત થતું જાય છે. (તિત. ૧:૯; ૧ તિમો. ૩:૧-૩) વડીલો પોતાના દાખલાથી અને ઉત્તેજન આપતી મુલાકાતોથી ભાઈ-બહેનોને મદદ કરે છે, જેથી તેઓ નિયમિત રીતે સભાઓમાં અને પ્રચારમાં આવે તેમજ બાઇબલનો ઊંડો અભ્યાસ કરતા રહે. જ્યારે ભાઈ-બહેનોના જીવનમાં મુશ્કેલીઓ આવે છે અને તેઓ પર ચિંતાનાં વાદળો છવાય છે, ત્યારે વડીલો તેઓને યહોવા પર આધાર રાખવાનું અને તેમનાં વચનો પર વિચાર કરવાનું ઉત્તેજન આપે છે.

૧૮. આપણે કેમ યહોવાની સ્તુતિ કરવા અને તેમની નજીક રહેવા માંગીએ છીએ? (“ યહોવાની નજીક જવાની એક રીત” બૉક્સ પણ જુઓ.)

૧૮ યહોવાના જોરદાર ગુણો પર ચર્ચા કર્યા પછી આપણે પણ રાજા દાઉદની જેમ પોકારી ઊઠીશું: “યહોવા મારો ખડક છે, તેમની સ્તુતિ થાઓ.” (ગીત. ૧૪૪:૧) યહોવા આપણને કદી નિરાશ થવા નહિ દે. આપણે હંમેશાં તેમના પર ભરોસો રાખી શકીએ છીએ. યહોવા આપણને હંમેશાં મદદ કરતા રહેશે, જેથી આખું જીવન, અરે ઘડપણમાં પણ તેમની નજીક રહીએ. પછી આપણે પણ પોતાને આમ કહેતા રોકી નહિ શકીએ: “તે મારા ખડક છે.”—ગીત. ૯૨:૧૪, ૧૫.

ગીત ૨૩ યહોવા મારો કિલ્લો

a ચિત્રની સમજ: પ્રાર્થનાઘરમાં એક બહેન અચકાયા વગર બે વડીલો સાથે વાત કરે છે.