તમારી સર્વ ચિંતાઓ યહોવા પર નાખી દો
“તમે તમારી સર્વ ચિંતાઓ તેમના [યહોવા] પર નાખી દો, કેમ કે તે તમારી સંભાળ રાખે છે.”—૧ પીત. ૫:૭.
ગીતો: ૨૩, ૩૮
૧, ૨. (ક) આપણે શા માટે તણાવભર્યા સંજોગોનો સામનો કરીએ છીએ? (શરૂઆતનું ચિત્ર જુઓ.) (ખ) આ લેખમાં આપણે શાની ચર્ચા કરીશું?
આજે, શેતાન “ગાજનાર સિંહની જેમ જે કોઈ મળે તેને ગળી જવા શોધતો ફરે છે.” (૧ પીત. ૫:૮; પ્રકટી. ૧૨:૧૭) એના લીધે, લોકોનું જીવન તણાવભર્યું બની ગયું છે. યહોવાના સેવકો પણ એમાંથી બાકાત નથી. અગાઉના ઈશ્વરભક્તોને પણ ચિંતા થતી હતી અને તેઓએ તણાવભર્યા સંજોગોનો સામનો કર્યો હતો. દાખલા તરીકે, બાઇબલ જણાવે છે કે રાજા દાઊદને અમુક વાર ચિંતા સતાવતી હતી. (ગીત. ૧૩:૨) પ્રેરિત પાઊલને પણ “બધાં મંડળોની ચિંતા” હતી. (૨ કોરીં. ૧૧:૨૮) પરંતુ, ચિંતાના ભારથી કચડાઈ ન જઈએ માટે આપણે શું કરી શકીએ?
૨ સ્વર્ગમાંના આપણા પિતા યહોવાએ અગાઉના ઈશ્વરભક્તોને ચિંતામાંથી બહાર આવવા મદદ કરી હતી. આજે, તે આપણને પણ મદદ કરવા ચાહે છે. બાઇબલ અરજ કરે છે કે, “તમે તમારી સર્વ ચિંતાઓ તેમના પર નાખી દો, કેમ કે તે તમારી સંભાળ રાખે છે.” (૧ પીત. ૫:૭) પરંતુ, આપણે એમ કઈ રીતે કરી શકીએ? ચાલો, એમ કરવાની ચાર રીતો જોઈએ: (૧) પ્રાર્થના, (૨) બાઇબલ વાંચન અને એના પર મનન, (૩) પવિત્ર શક્તિ માટે અરજ અને (૪) ભરોસાપાત્ર વ્યક્તિ આગળ દિલ ઠાલવવું. આ રીતોની ચર્ચા કરીએ તેમ, એ પારખવાનો પ્રયત્ન કરજો કે એમાંથી કયા પાસામાં તમે સુધારો કરવા ચાહો છો.
‘તમારો બોજો યહોવા પર નાખો’
૩. તમે કઈ રીતે ‘તમારો બોજો યહોવા પર નાખી’ શકો?
૩ આપણો બોજો યહોવા પર નાખવાની પહેલી રીત છે, પ્રાર્થના. યહોવા ચાહે છે કે, ચિંતામાં હોઈએ ત્યારે આપણા દિલની લાગણીઓ તેમને જણાવીએ. રાજા દાઊદે યહોવાને અરજ કરી હતી: ‘હે ઈશ્વર, મારી પ્રાર્થના પર કાન ધરો.’ એ જ ગીતમાં આગળ તેમણે કહ્યું હતું: ‘તમારો બોજો યહોવા પર નાખો, એટલે તે તમને નિભાવી રાખશે.’ (ગીત. ૫૫:૧, ૨૨) મુશ્કેલીનો હલ લાવવા બનતા પ્રયાસો કર્યા પછી, વધુ ચિંતા કરવાને બદલે યહોવાને પ્રાર્થના કરવાથી મદદ મળશે. પરંતુ, ચિંતાના ભાર નીચે દબાઈ ન જવા પ્રાર્થના કઈ રીતે મદદ કરી શકે?—ગીત. ૯૪:૧૮, ૧૯.
૪. ચિંતામાં હોઈએ ત્યારે પ્રાર્થના કરવી શા માટે ખૂબ જરૂરી છે?
૪ ફિલિપીઓ ૪:૬, ૭ વાંચો. વારંવાર અને દિલથી કરેલી પ્રાર્થનાનો યહોવા કેવો જવાબ આપે છે? યહોવા આપણને મનની શાંતિ મેળવવા તેમજ નિરાશાજનક વિચારો અને લાગણીઓથી દૂર રહેવા મદદ કરી શકે છે. ભલે ચિંતા અને ડરની લાગણી સતાવે, પણ યહોવા આપણને મનની એવી શાંતિ આપે છે, જે પહેલાં ક્યારેય અનુભવી નહિ હોય. આપણાં ઘણાં ભાઈ-બહેનોએ એવી શાંતિનો અનુભવ કર્યો છે. તમે પણ એવો અનુભવ કરી શકો છો. જીવનમાં આવતા પડકારોને આંબવા “ઈશ્વરની શાંતિ” મદદ કરી શકે છે! યહોવાએ આપેલા આ વચન પર તમે ભરોસો રાખી શકો છો: “તું બીશ મા, . . . કેમ કે હું તારો ઈશ્વર છું; મેં તને બળવાન કર્યો છે; વળી મેં તને સહાય કરી છે.”—યશા. ૪૧:૧૦.
બાઇબલ મનની શાંતિ આપે છે
૫. મનની શાંતિ મેળવવા બાઇબલ કઈ રીતે મદદ કરી શકે?
૫ મનની શાંતિ મેળવવાની બીજી રીત છે, બાઇબલ વાંચન અને મનન. એ શા માટે જરૂરી છે? બાઇબલ યહોવાની વાણી છે. એમાં આપણા સર્જનહાર તરફથી ડહાપણભરી અને વ્યવહારુ સલાહો છે. ભલે રાત હોય કે દિવસ, તમે યહોવાના વિચારો પર મનન કરી શકો તેમજ જોઈ શકો કે તેમની સલાહ કઈ રીતે તમને મજબૂત બનાવી શકે. આમ, તમને તણાવમાંથી બહાર આવવા, ચિંતાઓ ઓછી કરવા અને એને ટાળવા મદદ મળશે. યહોવાના શબ્દો બતાવે છે કે, “બળવાન તથા બહુ હિંમતવાન” થવા અને ‘ભયભીત ન થવા ને ગભરાઈ ન જવા’ માટે બાઇબલ વાંચવું જરૂરી છે.—યહો. ૧:૭-૯.
૬. ઈસુના શબ્દો કઈ રીતે તમને મદદ કરી શકે?
૬ બાઇબલમાંથી આપણે જાણી શકીએ છીએ કે, ઈસુએ લોકો સાથે કઈ રીતે વાત કરી હતી. લોકોને ઈસુની વાતો સાંભળવી ખૂબ ગમતી. કારણ કે, ઈસુના શબ્દોથી તેઓને દિલાસો અને તાજગી મળતાં, ખાસ કરીને નિરાશ અને બોજથી દબાયેલા લોકોને. (માથ્થી ૧૧:૨૮-૩૦ વાંચો.) ઈસુને બીજાઓની લાગણીઓની ઘણી ચિંતા હતી. (માર્ક ૬:૩૦-૩૨) ઈસુએ પોતાની સાથે મુસાફરી કરનાર પ્રેરિતોને મદદ કરી હતી તેમ, તે આપણને પણ મદદ કરશે. જોકે, એ માટે જરૂરી નથી કે તે આપણી રૂબરૂ હોય. તે સ્વર્ગના રાજ્યના રાજા છે, અને સ્વર્ગમાંથી આપણા પર પ્રેમ વરસાવતા રહે છે. તેથી, તમે ચિંતામાં હો ત્યારે ખાતરી રાખી શકો કે ઈસુ તમારી સાથે છે અને ખરા સમયે તમને મદદ કરશે. ઈસુ આપણને આશા અને હિંમત આપે છે, જે આપણને ચિંતાના પહાડને સર કરવા મદદ કરે છે.—હિબ્રૂ. ૨:૧૭, ૧૮; ૪:૧૬.
પવિત્ર શક્તિથી ઉત્પન્ન થતા ગુણ
૭. પવિત્ર શક્તિ માંગીએ છીએ, ત્યારે યહોવા શું કરે છે?
૭ ઈસુએ વચન આપ્યું હતું કે, જો આપણે યહોવા પાસે પવિત્ર શક્તિ માંગીશું, તો યહોવા આપણને ચોક્કસ એ આપશે. (લુક ૧૧:૧૦-૧૩) ચિંતા દૂર કરવાની આ ત્રીજી રીત આપણને કઈ રીતે મદદ કરી શકે? પવિત્ર શક્તિ આપણને મહાન ઈશ્વર યહોવા જેવા ગુણો કેળવવા મદદ કરે છે. (કોલો. ૩:૧૦) બાઇબલમાં એને “પવિત્ર શક્તિથી ઉત્પન્ન થતા ગુણ” કહેવામાં આવ્યા છે. (ગલાતીઓ ૫:૨૨, ૨૩ વાંચો) એ સારા ગુણો કેળવવાથી બીજા લોકો સાથેનો આપણો નાતો સુધરશે. આમ, ચિંતા પેદા કરતા સંજોગોને ટાળી શકીશું. ચાલો જોઈએ કે પવિત્ર શક્તિથી ઉત્પન્ન થતા ગુણ કઈ ખાસ રીતોએ મદદ કરશે.
૮-૧૨. પવિત્ર શક્તિથી ઉત્પન્ન થતા ગુણ કઈ રીતે મદદ કરી શકે?
૮ “પ્રેમ, આનંદ, શાંતિ.” બીજાઓને માન આપીએ છીએ ત્યારે, ચિંતામાં નાખી દે એવા બનાવો ઓછા બને છે. એવું શા માટે? આપણે બીજાઓ પ્રત્યે ભાઈ-બહેનો જેવો પ્રેમ, કોમળતા અને આદર બતાવીએ છીએ ત્યારે, મોટા ભાગે આપણે ગુસ્સો, કડવાશ અને તણાવભર્યા માહોલને ટાળી શકીએ છીએ. આમ, બીજાઓ સાથે શાંતિ જાળવવી સહેલું બને છે.—રોમ. ૧૨:૧૦.
૯ “ધીરજ, કૃપા, ભલાઈ.” બાઇબલ જણાવે છે: “એકબીજા સાથે માયાળુ અને કૃપાળુ થાઓ, એકબીજાને દિલથી માફ કરો.” (એફે. ૪:૩૨) એ સલાહ પાળીએ છીએ ત્યારે, બીજાઓ સાથેના સંબંધમાં મીઠાશ જળવાય રહે છે અને સંબંધોમાં તાણ લાવતા સંજોગો ટાળી શકાય છે. તેમ જ, અપૂર્ણતાને કારણે ઊભા થતા મુશ્કેલ સંજોગોને વધુ સારી રીતે હાથ ધરી શકાય છે.
૧૦ “શ્રદ્ધા.” ઘણી વાર આપણે પૈસા કે ધન-સંપત્તિને લઈને ચિંતા કરીએ છીએ. (નીતિ. ૧૮:૧૧) એવી ચિંતામાંથી બહાર આવવા આપણે શું કરવું જોઈએ? આપણે પ્રેરિત પાઊલની સલાહ લાગુ પાડવાની જરૂર છે. તેમણે કહ્યું હતું: “તમારી પાસે જેટલું છે એમાં સંતોષ માનો.” યહોવામાં અડગ શ્રદ્ધા આપણને ભરોસો કેળવવા મદદ કરશે કે યહોવા પ્રેમાળ રીતે આપણી જરૂરિયાતો પૂરી પાળશે. તેમણે વચન આપ્યું છે: “હું તને કદી છોડીશ નહિ અને હું તને કદી ત્યજી દઈશ નહિ.” એટલે, આપણે પૂરી હિંમતથી પાઊલની જેમ કહી શકીએ કે, “યહોવા મને મદદ કરનાર છે, હું ડરીશ નહિ; માણસ મને શું કરશે?”—હિબ્રૂ. ૧૩:૫, ૬.
૧૧ “નમ્રતા અને સંયમ.” જરા વિચારો, આ ગુણો કેટલા વ્યવહારુ અને મદદરૂપ છે. આ ગુણો આપણને એવું કંઈક કહેવા કે કરવાથી રોકશે, જેનાથી આપણે ચિંતામાં આવી પડીએ. આમ, “કડવાશ, ગુસ્સો, ક્રોધ, બૂમ-બરાડા અને અપમાનજનક વાતો” ટાળી શકીશું અને લાભ મેળવી શકીશું.—એફે. ૪:૩૧.
૧૨ યહોવાના “બળવાન હાથ” પર ભરોસો બતાવવા અને “તમારી સર્વ ચિંતાઓ તેમના પર નાખી” દેવા નમ્રતાની જરૂર છે. (૧ પીત. ૫:૬, ૭) આપણે નમ્ર હોઈશું તો ધ્યાન રાખીશું કે આપણે શું કરી શકીએ છે અને શું નહિ. (મીખા. ૬:૮) આમ, પોતાના પર નહિ, પણ યહોવા પર ભરોસો રાખવા મદદ મળશે. જ્યારે તમે યહોવાનો પ્રેમ અને સાથ મહેસૂસ કરશો, ત્યારે ચિંતાના બોજ નીચે દબાઈ જવાથી બચી શકશો.
“કદી પણ ચિંતા ન કરો”
૧૩. “કદી પણ ચિંતા ન કરો,” એ શબ્દોથી ઈસુ શું કહેવા માંગતા હતા?
૧૩ માથ્થી ૬:૩૪માં ઈસુએ ડહાપણભરી સલાહ આપી છે. (વાંચો.) તેમણે કહ્યું હતું: “કદી પણ ચિંતા ન કરો.” એ સલાહ પાળવી કદાચ આપણને અશક્ય લાગે. પરંતુ, શું ઈસુ એવું કહેવા માંગતા હતા કે ઈશ્વરભક્તોએ ક્યારેય ચિંતા ન કરવી જોઈએ? ના. આપણે જોઈ ગયા કે દાઊદ અને પાઊલ ક્યારેક ચિંતાતુર બની જતા. જોકે, ઈસુ તો શિષ્યોને એ સમજવા મદદ કરી રહ્યા હતા કે, નકામી કે વધુ પડતી ચિંતા કરવાથી મુશ્કેલીનો હલ નહિ આવે. ઈશ્વરભક્તોના જીવનમાં દરરોજ કંઈક ને કંઈક પડકાર આવશે. તો પછી, જે મુશ્કેલી વીતી ચૂકી છે કે હજી આવી જ નથી એના વિચારોમાં ડૂબીને શા માટે ચિંતામાં વધારો કરવો? ઈસુની સલાહ કઈ રીતે આપણને વધુ પડતી ચિંતા ન કરવા મદદ કરે છે?
૧૪. દાઊદની જેમ ચિંતામાંથી મુક્ત થવા આપણે શું કરી શકીએ?
૧૪ અમુક લોકો અગાઉ કરેલી ભૂલોને લીધે ચિંતિત રહે છે. ભલે વર્ષો વીતી ગયા હોય, તેઓ આજે પણ દોષની લાગણીથી પીડાતા હોય છે. અમુક સમયે, રાજા દાઊદને પણ પોતે કરેલી ભૂલો યાદ આવી જતી અને જખમો તાજા થઈ જતા. તેમણે સ્વીકાર્યું: “મારા અન્યાય મારા માથા પર ચઢી ગયા છે.” (ગીત. ૩૮:૩, ૪, ૮, ૧૮) એવા સંજોગોમાં, દાઊદે એક ડહાપણભર્યો માર્ગ અપનાવ્યો. તેમણે યહોવાની દયા અને માફી પર ભરોસો રાખ્યો. અને દાઊદને એ જાણીને ઘણી ખુશી થઈ કે યહોવાએ તેમને માફ કરી દીધા છે.—ગીતશાસ્ત્ર ૩૨:૧-૩, ૫ વાંચો.
૧૫. (ક) દાઊદ પાસેથી બીજું શું શીખી શકીએ? (ખ) ચિંતા ઓછી કરવા આપણે શું કરી શકીએ? (“ ચિંતા ઓછી કરવાની અમુક રીતો” બૉક્સ જુઓ.)
૧૫ કદાચ તમે તમારા જીવનમાં હાલમાં જે ચાલી રહ્યું છે એને લઈને ચિંતિત હશો. રાજા દાઊદનો વિચાર કરો. તેમણે જ્યારે ગીતશાસ્ત્ર ૫૫ લખ્યું, ત્યારે તેમને ડર હતો કે તેમને મારી નાખવામાં આવશે. (ગીત. ૫૫:૨-૫) તોપણ, યહોવા પરની અતૂટ શ્રદ્ધા પર ચિંતાઓને હાવી થવા ન દીધી. એ મુશ્કેલીમાંથી બહાર આવવા તેમણે યહોવા આગળ હાથ ફેલાવ્યા. તે એ પણ જાણતા હતા કે એ મુશ્કેલ સંજોગોમાંથી બહાર આવવા તેમણે અમુક પગલાં ભરવાં પડશે. (૨ શમૂ. ૧૫:૩૦-૩૪) આપણે દાઊદ પાસેથી મહત્ત્વનો બોધપાઠ લઈ શકીએ. ભલે જીવનની ચિંતાઓ પહાડ જેવી વિરાટ લાગે, એનાથી ડરી જવાને બદલે એને સર કરવા પગલાં ભરીએ અને ભરોસો રાખીએ કે યહોવા આપણી કાળજી લેશે.
૧૬. યહોવાના નામનો અર્થ જાણવાથી આપણી શ્રદ્ધા કઈ રીતે મજબૂત થઈ શકે?
૧૬ ભાવિમાં કેવી મુસીબતો આવશે એનો વિચાર કરી કરીને અમુક ઈશ્વરભક્તો કદાચ ચિંતામાં પડી જાય. પરંતુ, જે બન્યું જ નથી એની ચિંતા કરવાની જરૂર નથી. કેમ નહિ? કારણ કે, ઘણી વાર આપણે ધારતા હોઈએ છીએ, એટલી પરિસ્થિતિ વણસી જતી નથી. યાદ રાખીએ કે, એવી કોઈ પરિસ્થિતિ નથી જેના પર યહોવા કાબૂ ન કરી શકે. તેમના નામનો મતલબ થાય છે: “તે શક્ય બનાવે છે.” (નિર્ગ. ૩:૧૪, NW) તેથી, ભાવિ વિશે કોઈ ચિંતા કરવાની જરૂર નથી. યહોવાનું નામ સાબિતી આપે છે કે મનુષ્ય માટેનો તેમનો દરેક હેતુ પૂર્ણ થશે. તમે ખાતરી રાખી શકો કે, યહોવા પોતાના વફાદાર સેવકોને આશીર્વાદ આપશે તેમજ અગાઉની, હાલની અને ભાવિની ચિંતામાંથી બહાર આવવા મદદ કરશે.
ભરોસાપાત્ર વ્યક્તિ સાથે વાત કરો
૧૭, ૧૮. ચિંતિત હોઈએ ત્યારે દિલ ખોલીને વાત કરવાથી કઈ રીતે મદદ મળે છે?
૧૭ ચિંતામાંથી બહાર આવવાની ચોથી રીત છે, કોઈ ભરોસાપાત્ર વ્યક્તિ સાથે દિલ ખોલીને વાત કરવી અને આપણી લાગણીઓ તેમને જણાવવી. તમારું લગ્નસાથી, ખાસ મિત્ર કે મંડળના વડીલ તમારા સંજોગોને વધુ સારી રીતે સમજવા તમને મદદ કરી શકે. બાઇબલ જણાવે છે: “પોતાના મનની ચિંતા માણસને વાંકો વાળી દે છે; પણ માયાળુ શબ્દો તેને ખુશ કરે છે.” (નીતિ. ૧૨:૨૫) બાઇબલ એમ પણ જણાવે છે કે, “સલાહ લીધા વગરના ઇરાદા રદ જાય છે; પણ પુષ્કળ સલાહકારીઓ હોય તો તેઓ પાર પડે છે.”—નીતિ. ૧૫:૨૨.
૧૮ ચિંતાઓમાંથી મુક્ત થવા મંડળની સભાઓ પણ મદદ કરે છે. દર અઠવાડિયે, સભામાં આપણે કાળજી રાખનાર અને ઉત્તેજન આપવા આતુર ભાઈ-બહેનો સાથે સમય વિતાવીએ છીએ. (હિબ્રૂ. ૧૦:૨૪, ૨૫) “અરસપરસ ઉત્તેજન” મળવાથી યહોવામાં આપણી શ્રદ્ધા મજબૂત થાય છે અને ચિંતામાંથી બહાર આવવા મદદ મળે છે.—રોમ. ૧:૧૨.
યહોવા સાથેની મિત્રતા—સૌથી મોટી તાકાત
૧૯. તમે શા માટે ખાતરી રાખી શકો કે યહોવા સાથેની મિત્રતા તમને દૃઢ બનાવશે?
૧૯ કેનેડાના મંડળમાં સેવા આપતા એક વડીલ ભાઈને શીખવા મળ્યું કે પોતાનો બોજો યહોવા પર નાખવો કેટલો જરૂરી છે. તે એક શિક્ષક અને વિદ્યાર્થીઓના સલાહકારનું કામ કરે છે. તેમની નોકરી પર ઘણો તણાવ રહે છે. અધૂરામાં પૂરું તેમને વધુ પડતી ચિંતા કરવાની બીમારી છે. દૃઢ રહેવા તેમને ક્યાંથી મદદ મળે છે? યહોવા સાથેની મિત્રતાને ગાઢ બનાવવાને તે સૌથી વધારે મહત્ત્વ આપે છે. મુશ્કેલ સંજોગોનો સામનો કરવા નજીકના મિત્રો મદદ કરે છે. ભાઈ પોતાની પત્ની સાથે દિલ ખોલીને વાત કરે છે અને પોતાની લાગણીઓ ઠાલવે છે. ઉપરાંત, મંડળના બીજા વડીલો અને તેમના સરકીટ નિરીક્ષકે તેમના સંજોગોને યહોવાની નજરે જોવા સહાય કરી છે. એક ડૉક્ટરે ભાઈને તેમની બીમારી વિશે સમજવા મદદ કરી. ત્યાર બાદ, ભાઈએ પોતાના નિત્યક્રમમાં સુધારો કર્યો. હવે તે વ્યાયામ તેમજ હળવાશની પળો માણવા સમય કાઢે છે. ધીરે ધીરે, ભાઈ પોતાના સંજોગોને અને લાગણીઓને સારી રીતે હાથ ધરતા શીખ્યા. હવે, જે સંજોગો તેમના હાથ બહાર છે, એને તે યહોવાના હાથમાં સોંપી દે છે.
૨૦. (ક) આપણે કઈ રીતોએ પોતાનો બોજો યહોવા પર નાખી શકીએ? (ખ) આવતા લેખમાં આપણે શાની ચર્ચા કરીશું?
૨૦ આ લેખમાં આપણે જોઈ ગયા કે પ્રાર્થના, બાઇબલ વાંચન અને એના પર મનન કરીને પોતાનો બોજો યહોવા પર નાખવો ખૂબ જરૂરી છે. આપણે એ પણ શીખ્યા કે યહોવા પાસે પવિત્ર શક્તિ માંગવી, કોઈ ભરોસાપાત્ર વ્યક્તિ સાથે વાત કરવી અને સભાઓમાં જવું ઘણું મહત્ત્વનું છે. આવતા લેખમાં આપણે જોઈશું કે ઇનામની આશા આપીને યહોવા આપણને મદદ કરે છે.—હિબ્રૂ. ૧૧:૬.