સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

“પવિત્ર શક્તિ પર મન લગાડવાનો અર્થ થાય જીવન અને શાંતિ”

“પવિત્ર શક્તિ પર મન લગાડવાનો અર્થ થાય જીવન અને શાંતિ”

“જેઓ પવિત્ર શક્તિ પ્રમાણે જીવે છે, તેઓ પોતાના મન પવિત્ર શક્તિની વાતો પર લગાડે છે.”—રોમ. ૮:૫.

ગીતો: ૨૨, ૫૨

૧, ૨. અભિષિક્તોને શા માટે રોમનો અધ્યાય ૮માં ખાસ રસ છે?

ઈસુના મરણના સ્મરણપ્રસંગ દરમિયાન તમે કદાચ રોમનો ૮:૧૫-૧૭ વાંચી હશે. એ કલમો સમજાવે છે કે, અભિષિક્તોને સ્વર્ગના જીવનની આશા છે એની તેઓને કઈ રીતે જાણ થાય છે. રોમનો ૮:૧ કહે છે કે, અભિષિક્તો “ખ્રિસ્ત ઈસુ સાથે એકતામાં છે.” પરંતુ, શું રોમનો અધ્યાય ૮ ફક્ત અભિષિક્તોને જ લાગુ પડે છે? કે પછી, પૃથ્વી પર જીવવાની આશા રાખનારા લોકોને પણ એમાંથી મદદ મળી શકે?

રોમનો અધ્યાય ૮ અભિષિક્તોને ધ્યાનમાં રાખીને લખવામાં આવ્યો હતો. એમાં જણાવ્યું છે કે, “ઈશ્વર તેઓને પોતાના દીકરાઓ તરીકે દત્તક લે, એટલે કે છુટકારાની કિંમત ચૂકવીને તેઓને પોતાના શરીરોથી મુક્ત કરે” એની તેઓ “આતુરતાથી રાહ” જુએ છે. ઈશ્વરના દત્તક દીકરાઓ બનવા તેઓને “પવિત્ર શક્તિ” આપવામાં આવી છે. (રોમ. ૮:૨૩) ભાવિમાં, તેઓ યહોવાના દીકરાઓ બનીને સ્વર્ગમાં રહેશે. ઈસુના બલિદાનના આધારે યહોવાએ તેઓના પાપ માફ કર્યા છે. તેઓ ઈશ્વરના દીકરા બની શકે માટે તેઓને ન્યાયી ઠરાવવામાં આવ્યા છે.—રોમ. ૩:૨૩-૨૬; ૪:૨૫; ૮:૩૦.

૩. પૃથ્વી પર કાયમી જીવનની આશા રાખનારાઓએ પણ શા માટે રોમનો અધ્યાય ૮માં રસ લેવો જોઈએ?

રોમનોના પુસ્તકના શરૂઆતના અધ્યાયોમાં પાઊલે એક માણસ વિશે જણાવ્યું હતું જે અભિષિક્ત ન હતા, છતાં યહોવાની નજરે ન્યાયી હતા. એ ઈબ્રાહીમ હતા. ઈસુએ બલિદાન આપ્યું એના વર્ષો પહેલાં તેમનો જન્મ થયો હતો. (રોમનો ૪:૨૦-૨૨ વાંચો.) એવી જ રીતે, પૃથ્વી પર કાયમી જીવનની આશા રાખનાર વફાદાર ઈશ્વરભક્તોને યહોવા ન્યાયી ગણે છે. તેઓ પણ રોમનો અધ્યાય ૮માં આપેલી સલાહથી ફાયદો મેળવી શકે છે.

૪. રોમનો ૮:૨૧ વાંચીએ તેમ કયા સવાલ પર વિચાર કરવો જોઈએ?

રોમનો ૮:૨૧માં યહોવાએ ખાતરી આપી છે કે પૃથ્વી બાગ જેવી સુંદર બનશે તેમજ મનુષ્યો પાપ અને મરણના સકંજામાંથી મુક્ત થશે. એ કલમ જણાવે છે કે ‘ઈશ્વરનાં બાળકો ભવ્ય આઝાદીનો’ આનંદ માણશે. શું તમે પોતાને એ બાગ જેવી સુંદર પૃથ્વી પર જોઈ શકો છો? ચાલો, જોઈએ કે એવી સુંદર પૃથ્વી પર જીવન મેળવવા આપણે શું કરવું જોઈએ.

“શરીરની ઇચ્છાઓ પર મન લગાડવાનો અર્થ”

૫. રોમનો ૮:૪-૧૩માં પાઊલે શાના વિશે વાત કરી?

રોમનો ૮:૪-૧૩ વાંચો. રોમનો અધ્યાય ૮માં પાઊલે બે પ્રકારના લોકો વિશે વાત કરી હતી. એક, “જેઓ શરીરની ઇચ્છાઓ પ્રમાણે જીવે છે” અને બીજા “જેઓ પવિત્ર શક્તિ પ્રમાણે જીવે છે.” ઘણાને એમ લાગે છે કે પાઊલ તો ખ્રિસ્તીઓ અને બીજા લોકો વચ્ચેનો ફરક જણાવી રહ્યા હતા. પરંતુ, અહીં પાઊલ એ ખ્રિસ્તીઓને લખી રહ્યા હતા “જેઓને પવિત્ર લોક થવા માટે બોલાવવામાં આવ્યા” હતા. (રોમ. ૧:૭) તેથી, “શરીરની ઇચ્છાઓ” અને “પવિત્ર શક્તિ પ્રમાણે” જીવનારા લોકો તો ખ્રિસ્તીઓ હતા. તો પછી, એ બે પ્રકારના ખ્રિસ્તીઓ વચ્ચે શો ફરક છે?

૬, ૭. (ક) બાઇબલમાં “શરીર” શબ્દનો કઈ અલગ અલગ રીતે ઉપયોગ થયો છે? (ખ) રોમનો ૮:૪-૧૩માં “શરીર” શાને રજૂ કરે છે?

બાઇબલમાં “શરીર” શબ્દનો અલગ અલગ રીતે ઉપયોગ થયો છે. જેમ કે, અમુક કિસ્સામાં એ માનવ શરીરને રજૂ કરે છે. (રોમ. ૨:૨૮; ૧ કોરીં. ૧૫:૩૯, ૫૦) એ કૌટુંબિક સંબંધોને પણ દર્શાવી શકે છે. દાખલા તરીકે, બાઇબલ જણાવે છે કે ઈસુ “મનુષ્યદેહે તો દાઊદનો વંશ” હતા. પાઊલે યહુદીઓ વિશે કહ્યું: ‘દેહ સંબંધી તેઓ મારાં સગાંવહાલાં છે.’—રોમ. ૧:૩; ૯:૩, ઓ.વી.

પાઊલે કહ્યું હતું કે અમુક ખ્રિસ્તીઓ “શરીરની ઇચ્છાઓ પ્રમાણે જીવે છે.” એ શબ્દો દ્વારા તે શું કહેવા માંગતા હતા, એ સમજવા ચાલો આપણે રોમનો ૭:૫ પર નજર કરીએ. પાઊલે ત્યાં જણાવ્યું હતું: “આપણે શરીરની ઇચ્છાઓ પ્રમાણે જીવતા હતા ત્યારે, નિયમશાસ્ત્ર દ્વારા જાણી શક્યા કે પાપી લાલસાઓ આપણા શરીરોમાં કામ કરીને એ ફળ ઉત્પન્ન કરતી હતી.” અહીં પાઊલે સમજાવ્યું કે જેઓ “શરીરની ઇચ્છાઓ પ્રમાણે જીવે છે,” તેઓનું પૂરું ધ્યાન પોતાની પાપી ઇચ્છાઓ સંતોષવામાં હોય છે. તેઓ પાપના માર્ગે ચાલે છે અને મનમાની કરે છે.

૮. પાઊલે શા માટે અભિષિક્તોને “શરીરની ઇચ્છાઓ પ્રમાણે” ન જીવવાની ચેતવણી આપી હતી?

“શરીરની ઇચ્છાઓ પ્રમાણે” ન જીવવા પાઊલે શા માટે ખ્રિસ્તીઓને ચેતવ્યા હતા? અને આજે બધા ખ્રિસ્તીઓએ પણ એ ચેતવણી પર ધ્યાન આપવું શા માટે જરૂરી છે? કારણ કે, ધ્યાન ન રાખે તો કોઈ પણ ઈશ્વરભક્ત માટે પોતાની ઇચ્છાઓ સંતોષવી સૌથી મહત્ત્વનું બની જઈ શકે. દાખલા તરીકે, પાઊલે રોમના અમુક ભાઈઓને લખ્યું હતું કે, તેઓ પોતાના “પેટના ગુલામ છે.” એ શબ્દોથી કદાચ પાઊલ કહેવા માંગતા હતા કે, તેઓ માટે જાતીય સંબંધો, ખાવું-પીવું અને મનોરંજન સૌથી મહત્ત્વનાં હતાં. (રોમ. ૧૬:૧૭, ૧૮, ફૂટનોટ; ફિલિ. ૩:૧૮, ૧૯; યહુ. ૪, ૮, ૧૨) અરે, કોરીંથમાં અમુક સમય સુધી એક ભાઈએ ‘પોતાની સાવકી મા’ સાથે અનૈતિક સંબંધ રાખ્યો હતો. (૧ કોરીં. ૫:૧) તેથી, પાઊલે એ સમયના ખ્રિસ્તીઓને “શરીરની ઇચ્છાઓ પ્રમાણે” ન જીવવા ચેતવણી આપી, એ કેટલું યોગ્ય હતું.—રોમ. ૮:૫, ૬.

૯. રોમનો ૮:૬નો કેવો અર્થ થતો નથી?

એ ચેતવણી આજે પણ લાગુ પડે છે. વર્ષોથી યહોવાની સેવા કરતી હોય એવી વ્યક્તિ પણ પોતાના “શરીરની ઇચ્છાઓ પ્રમાણે” જીવવા લાગી શકે. શું પાઊલનો કહેવાનો અર્થ એવો છે કે આપણે ખોરાક, નોકરી-ધંધો, મનોરંજન કે રોમાન્સના વિચાર સુધ્ધાંથી દૂર રહેવું જોઈએ? ના, એવું નથી. એ બધું તો રોજિંદા જીવનનો એક ભાગ છે. જેમ કે, ઈસુએ પણ ખોરાકનો આનંદ માણ્યો હતો અને બીજાઓને જમાડ્યા હતા. પાઊલે જણાવ્યું હતું કે લગ્નજીવનમાં જાતીય સંબંધ એક મહત્ત્વનો ભાગ છે.

આપણી વાતચીત પરથી દેખાઈ આવશે કે, આપણું મન શરીરની ઇચ્છાઓ પર છે કે પવિત્ર શક્તિ પર (ફકરા ૧૦, ૧૧ જુઓ)

૧૦. “મન લગાડવાનો” અર્થ શો થાય?

૧૦ “મન લગાડવાનો” અર્થ શો થાય? પાઊલે વાપરેલા એ ગ્રીક શબ્દનો અર્થ થાય કે, એક વ્યક્તિ પોતાના વિચારો અને યોજનાઓ કોઈ એક જ બાબત પર લગાડી દે. એક નિષ્ણાત પ્રમાણે એ શબ્દોનો અર્થ થાય કે, ‘એ વ્યક્તિ કોઈ બાબતમાં ખૂબ રસ લે છે અને એની જ વાતોમાં મશગૂલ રહે છે તેમજ પોતાની સ્વાર્થી ઇચ્છાઓ સાધવામાં ડૂબેલી રહે છે.’ એવી વ્યક્તિ પોતાના જીવનને એ ઇચ્છાઓની કઠપૂતળી બનવા દે છે.

૧૧. એવી અમુક બાબતો કઈ છે જે જરૂર કરતાં વધારે મહત્ત્વની બની જઈ શકે?

૧૧ રોમના ખ્રિસ્તીઓએ પોતાની તપાસ કરવાની જરૂર હતી કે, તેઓનું મન “શરીરની વાતો” પર હતું કે “પવિત્ર શક્તિની વાતો” પર. આજે, આપણે પણ વિચારવાની જરૂર છે કે આપણા માટે સૌથી મહત્ત્વનું શું છે. જરા વિચારો, વાત કરવા માટે આપણો મનપસંદ વિષય કયો છે? આપણને શું કરવામાં ખૂબ મજા આવે છે? કદાચ અમુકને ખ્યાલ આવશે કે તેઓના વિચારો હંમેશાં અલગ અલગ પ્રકારના દારૂ પીવામાં, ઘર શણગારવામાં, નવાં નવાં કપડાં ખરીદવામાં, પૈસાનું રોકાણ કરવામાં કે પછી હરવા-ફરવામાં લાગેલા હોય છે. એ બધામાં કંઈ ખોટું નથી. એ રોજિંદા જીવનનો ભાગ છે. દાખલા તરીકે, ઈસુએ પણ એક લગ્નમાં દ્રાક્ષદારૂ પૂરો પાડ્યો હતો; પાઊલે તિમોથીને તેની તંદુરસ્તી માટે “થોડો દ્રાક્ષદારૂ” પીવાની સલાહ આપી હતી. (૧ તિમો. ૫:૨૩; યોહા. ૨:૩-૧૧) પરંતુ, દારૂ તેઓના જીવનમાં સૌથી મહત્ત્વનો ન હતો. આપણા વિશે શું? આપણા જીવનમાં સૌથી મહત્ત્વનું શું છે?

૧૨, ૧૩. આપણું મન શેના પર લાગેલું છે, એનું ધ્યાન શા માટે રાખવું જોઈએ?

૧૨ પાઊલે ચેતવણી આપી હતી: “શરીરની ઇચ્છાઓ પર મન લગાડવાનો અર્થ થાય મરણ.” (રોમ. ૮:૬) એટલે કે, જો આપણે “શરીરની ઇચ્છાઓ પ્રમાણે” જીવીશું, તો હાલમાં યહોવા સાથેનો સંબંધ તેમજ ભાવિમાં હંમેશ માટેનું જીવન ગુમાવી દઈશું. પણ, એવું બનશે જ એ જરૂરી નથી; વ્યક્તિ જીવનમાં બદલાણ લાવી શકે છે. તમને કોરીંથનો પેલો અનૈતિક માણસ યાદ છે? સલાહ મળ્યા પછી તેણે સુધારો કર્યો; પોતાની અનૈતિક ઇચ્છાઓ ત્યજી અને ફરી એકવાર યહોવાની શુદ્ધ ઉપાસનામાં જોડાયો.—૨ કોરીં. ૨:૬-૮.

૧૩ જો એટલી અનૈતિક વ્યક્તિ “શરીરની ઇચ્છાઓ પ્રમાણે” જીવવાનું છોડી શકે છે, જીવનમાં ફેરફાર કરી શકે છે, તો આજે ખ્રિસ્તીઓ પણ જીવનમાં મોટા ફેરફારો કરી શકે છે. તેથી, કોઈ ઈશ્વરભક્ત જો યહોવાનાં ધોરણો છોડીને પોતાની પાપી ઇચ્છાઓ સંતોષવા લાગે, તો આશા ન છોડો. તે બદલાય શકે છે. પાઊલે આપેલી ચેતવણી યાદ રાખવાથી આપણને જીવનમાં મોટા મોટા ફેરફારો કરવા પ્રેરણા મળી શકે છે.

“પવિત્ર શક્તિ પર મન લગાડવાનો અર્થ”

૧૪, ૧૫. (ક) પાઊલે શાના પર મન લગાડવાનું ઉત્તેજન આપ્યું હતું? (ખ) “પવિત્ર શક્તિ પર મન લગાડવાનો અર્થ” શો નથી થતો?

૧૪ ‘શરીરની ઇચ્છાઓ પર મન લગાડવાના’ જોખમો વિશે વાત કર્યા પછી પાઊલે સમજાવ્યું કે, “પવિત્ર શક્તિ પર મન લગાડવાનો અર્થ થાય જીવન અને શાંતિ.” કેવું જોરદાર ઇનામ!

૧૫ “પવિત્ર શક્તિ પર મન લગાડવાનો અર્થ” એવો નથી કે, વ્યક્તિ સંન્યાસી બની જાય અને દિવસ-રાત બાઇબલ અને યહોવા વિશે જ વાતો કર્યા કરે. ખ્રિસ્તીઓ પણ બીજાઓની જેમ રોજબરોજના કામ કરે છે. પ્રથમ સદીના ખ્રિસ્તીઓનો વિચાર કરો. તેઓએ ખાવા-પીવાનો આનંદ માણ્યો, લગ્ન કર્યું, બાળકો ઉછેર્યાં અને નોકરી-ધંધો કર્યો.—માર્ક ૬:૩; ૧ થેસ્સા. ૨:૯.

૧૬. પાઊલના જીવનમાં સૌથી મહત્ત્વનું શું હતું?

૧૬ પરંતુ, પાઊલ અને એ સમયના બીજા ખ્રિસ્તીઓએ રોજિંદા કામોને જીવનમાં સૌથી મહત્ત્વનું ન બનવા દીધું. દાખલા તરીકે, ગુજરાન ચલાવવા પાઊલ તંબુ બનાવતા હતા. પરંતુ, તે એ કામમાં ડૂબી ન ગયા. તેમના માટે યહોવાની ભક્તિ સૌથી મહત્ત્વની હતી. તેમનું પૂરું ધ્યાન પ્રચારકામ અને લોકોને સત્ય શીખવવા પર હતું. (પ્રેરિતોનાં કાર્યો ૧૮:૨-૪; ૨૦:૨૦, ૨૧, ૩૪, ૩૫ વાંચો.) રોમના ભાઈ-બહેનોએ પાઊલને અનુસરવાની જરૂર હતી અને આજે આપણે પણ એમ કરવાની જરૂર છે.—રોમ. ૧૫:૧૫, ૧૬.

૧૭. ‘પવિત્ર શક્તિ પર મન લગાડવાથી’ કેવા આશીર્વાદો મળશે?

૧૭ યહોવાની સેવામાં ધ્યાન લગાવીશું તો, કેવા આશીર્વાદો મળશે? રોમનો ૮:૬ જણાવે છે: “પવિત્ર શક્તિ પર મન લગાડવાનો અર્થ થાય જીવન અને શાંતિ.” એમ કરવામાં પોતાના મનને યહોવાની પવિત્ર શક્તિ દ્વારા દોરવાનો અને યહોવા જેવા જ વિચારો કેળવવાનો સમાવેશ થાય છે. યહોવા વચન આપે છે કે, તે આપણને હાલમાં સુખી અને સંતોષભર્યું જીવન આપશે તેમજ ભાવિમાં હંમેશ માટેનું જીવન આપશે.

૧૮. ‘પવિત્ર શક્તિ પર મન લગાડવાથી’ કઈ રીતે શાંતિ મળશે?

૧૮ પાઊલે કહ્યું હતું કે, ‘પવિત્ર શક્તિ પર મન લગાડવાનો અર્થ થાય શાંતિ.’ એ શબ્દોનો શો અર્થ થાય? બધા લોકોને શાંતિ જોઈએ છે, ખાસ કરીને મનની શાંતિ. પરંતુ, બહુ થોડા લોકોને એ મળે છે. આપણે યહોવાના આભારી છીએ કે આપણે મનની સાચી શાંતિ મેળવી શકીએ છીએ. આપણે કુટુંબ અને મંડળના સભ્યો સાથે શાંતિથી રહી શકીએ છીએ. આપણે અપૂર્ણ છીએ, એટલે કોઈક વાર નાની-મોટી તકરાર તો થવાની. પણ, એમ બને ત્યારે આપણે ઈસુની આ સલાહ લાગુ પાડીએ છીએ: “તમારા ભાઈ સાથે સુલેહ-શાંતિ કરો.” (માથ. ૫:૨૪) યાદ રાખો કે, આપણાં ભાઈ-બહેનો પણ “શાંતિ આપનાર ઈશ્વર”ની જ સેવા કરે છે.—રોમ. ૧૫:૩૩; ૧૬:૨૦.

૧૯. આપણે કઈ ખાસ પ્રકારની શાંતિ માણી શકીએ છીએ?

૧૯ ‘પવિત્ર શક્તિ પર મન લગાવીશું’ તો, યહોવા સાથે પણ શાંતિમાં રહી શકીશું. પ્રબોધક યશાયાએ સમજાવ્યું હતું કે, “જેઓ પ્રભુ [યહોવા] પર ભરોસો રાખે છે અને જેઓના વિચારો વારંવાર તેમની તરફ ફરે છે તેઓને તે સંપૂર્ણ શાંતિમાં રાખશે!”—યશા. ૨૬:૩, IBSI; રોમનો ૫:૧ વાંચો.

૨૦. રોમનો અધ્યાય ૮ની સલાહ માટે તમે શા માટે આભારી છો?

૨૦ ભલે આપણી આશા પૃથ્વી પર જીવવાની હોય કે સ્વર્ગમાં, આપણે બધા રોમનો અધ્યાય ૮ની સુંદર સલાહથી ફાયદો મેળવી શકીએ છીએ. આપણે કેટલા આભારી છીએ કે બાઇબલ આપણને પોતાની ઇચ્છા નહિ, પણ યહોવાની સેવા પર ધ્યાન આપવાનું ઉત્તેજન આપે છે. આપણે જાણીએ છીએ કે, ‘પવિત્ર શક્તિ પર મન લગાવીશું’ તો, આપણને આ ભવ્ય આશીર્વાદ મળશે: “આપણા પ્રભુ, ખ્રિસ્ત ઈસુ દ્વારા ઈશ્વર જે ભેટ આપે છે, એ હંમેશ માટેનું જીવન છે.”—રોમ. ૬:૨૩.