શું તમને યાદ છે?
છેલ્લા અમુક મહિનાના ચોકીબુરજ અંકો શું તમે ધ્યાનથી વાંચ્યા છે? એમાંના આ મુદ્દા, શું તમને યાદ છે?
માથ્થી ૧૮:૧૫-૧૭ની સલાહ આપતી વખતે ઈસુ કેવા પ્રકારના પાપ વિશે વાત કરી રહ્યા હતા?
અહીં ઈસુ એવા કિસ્સાઓની વાત કરતા હતા જેમાં સામેલ પક્ષો ભેગા મળીને સુલેહ કરી શકતા હતા. પરંતુ, જો એ મતભેદને થાળે પાડવામાં ન આવે, તો એ ગંભીર પાપનું રૂપ લઈ શકે અને વ્યક્તિને બહિષ્કૃત કરવી પડે. દાખલા તરીકે, છેતરપિંડી કે નિંદા કરીને બીજાનું નામ બદનામ કરવાં જેવાં પાપ.—w૧૬.૦૫, પા. ૭.
બાઇબલ વાંચનમાંથી લાભ મેળવવા તમે શું કરી શકો?
તમે આમ કરી શકો: ખુલ્લા મને વાંચો, લાગુ પાડી શકાય એવા મુદ્દા શોધો; અમુક સવાલો પર વિચાર કરો, જેમ કે, “આ માહિતીનો ઉપયોગ હું બીજાઓને મદદ કરવા કઈ રીતે કરી શકું?” અને વાંચેલી માહિતી પર વધુ વિગતો મેળવવા સંશોધનના સાધનો વાપરો.—w૧૬.૦૫, પા. ૨૪-૨૬.
પોતાનું કોઈ ગુજરી જાય ત્યારે શોકમાં ડૂબી જવું શું ખોટું છે?
ખરું કે, ગુજરી ગયેલા જીવતા થશે એવી આપણે આશા રાખીએ છીએ. છતાં, કોઈને ગુમાવવાનું દુઃખ સાવ જતું રહેતું નથી. ઈશ્વરભક્ત ઈબ્રાહીમના પત્ની ગુજરી ગયા ત્યારે તેમણે શોક કર્યો. (ઉત. ૨૩:૨) સમય જતાં, એ દુઃખ હળવું થશે.—wp૧૬.૩, પા. ૪.
હઝકીએલે સંદર્શનમાં જોયેલા લહિયાના ખડિયાવાળો માણસ અને સંહારક શસ્ત્ર લઈને ઊભેલા છ માણસો કોને રજૂ કરે છે?
આપણે હવે સમજીએ છીએ કે એ આકાશી સેનાને રજૂ કરે છે જેઓએ યરૂશાલેમના વિનાશમાં ભાગ ભજવ્યો હતો અને તેઓ આર્માગેદન વખતે પણ વિનાશ લાવશે. આપણા સમયમાં, લહિયાનો ખડિયો લટકાવેલો માણસ ઈસુને રજૂ કરે છે. ઈસુ જેઓને બચાવવા ચાહે છે, તેઓ પર ચિહ્ન કરશે.—w૧૬.૦૬, પા. ૧૬-૧૭.
જીવન સાદું બનાવવાની અમુક રીતો કઈ છે?
ખરેખર જરૂર હોય એવી વસ્તુઓની યાદી બનાવો અને બિનજરૂરી ખર્ચા ટાળો. દર અઠવાડિયે કે મહિને તમને શાની જરૂર પડશે અને તમે કેટલો ખર્ચ કરી શકો એ નક્કી કરો. બિનજરૂરી વસ્તુઓ કાઢી નાંખો અને દેવું ચૂકતે કરો. નોકરી-ધંધાના કલાકો કઈ રીતે ઓછા કરી શકો, એનો વિચાર કરો અને પ્રચારમાં વધુ કરવાની યોજના બનાવો.—w૧૬.૦૭, પા. ૧૦.
બાઇબલમાં શાને સોના કરતાં પણ વધુ કીમતી કહેવામાં આવ્યું છે?
અયૂબ ૨૮:૧૨, ૧૫માં ઈશ્વર તરફથી મળતા ડહાપણને સોના કે ચાંદી કરતાં વધારે કીમતી કહેવામાં આવ્યું છે. તમે એ મેળવવા યત્ન કરો તેમ, નમ્રતા જાળવી રાખો અને શ્રદ્ધામાં મક્કમ રહો.—w૧૬.૦૮, પા. ૧૮-૧૯.
શું ભાઈઓ માટે દાઢી રાખવી યોગ્ય કહેવાય?
અમુક સમાજમાં, વ્યવસ્થિત દાઢી રાખવી સ્વીકાર્ય અને માનયોગ્ય ગણાય છે. અને એનાથી લોકો આપણો સંદેશો સાંભળતા અચકાતા નથી. છતાં, અમુક ભાઈઓ કદાચ દાઢી ન રાખવાનો નિર્ણય લે. (૧ કોરીં. ૮:૯) બીજા અમુક સમાજ કે જગ્યાઓએ દાઢી રાખવાનો રિવાજ નથી. એવા સંજોગોમાં દાઢી રાખવી યહોવાના સાક્ષીઓ માટે યોગ્ય ગણાતી નથી.—w૧૬.૦૯, પા. ૨૧.
આપણે શા માટે બાઇબલમાં આપેલા દાઊદ અને ગોલ્યાથના અહેવાલ પર ભરોસો કરી શકીએ?
બાઇબલ અહેવાલમાં ગોલ્યાથની જે ઊંચાઈ બતાવવામાં આવી છે, એ આજના સમયના સૌથી ઊંચા માણસની ઊંચાઈ કરતાં ૬ ઇંચ (૧૫ સે.મી.) વધારે છે. પુરાતત્ત્વ નિષ્ણાતોને પ્રાચીન લખાણ મળી આવ્યું, જેના પર લખ્યું છે, “દાઊદનું ઘર.” વધુમાં, દાઊદ હકીકતમાં હોય એ રીતે ઈસુ ખ્રિસ્તે તેમનો ઉલ્લેખ કર્યો. એ અહેવાલમાં ઉલ્લેખ કરેલા સ્થળો આજે ઉપલબ્ધ માહિતી સાથે મેળ ખાય છે.—wp૧૬.૪, પા. ૧૩.
જ્ઞાન, સમજણ અને ડહાપણ વચ્ચે શો ફરક છે?
જ્ઞાન ધરાવનાર વ્યક્તિ અલગ અલગ માહિતી કે હકીકતોને ભેગી કરે છે. સમજણ ધરાવનાર વ્યક્તિ જોઈ શકે છે કે એક હકીકત બીજી હકીકત સાથે કઈ રીતે જોડાયેલી છે. ડહાપણ ધરાવનાર વ્યક્તિ જ્ઞાન અને સમજણનો ઉપયોગ કરે છે અને એને વ્યવહારુ રીતે લાગુ પાડે છે.—w૧૬.૧૦, પા. ૧૮.