વાચકો તરફથી પ્રશ્નો
ગર્ભને રોકવા ઈશ્વરભક્તો કૉપર ટી જેવા સાધનો (આઈયૂડી) વાપરે, તો શું એ શાસ્ત્રની સુમેળમાં છે?
આ વિષયમાં દરેક યુગલે એવો નિર્ણય લેવો જોઈએ, જેનાથી તેઓ ઈશ્વર સામે શુદ્ધ અંતઃકરણ રાખી શકે. એ માટે તેઓએ પોતે બાઇબલ સિદ્ધાંતો તપાસવા જોઈએ અને એવાં સાધનો વિશે માહિતી મેળવવી જોઈએ.
શરૂઆતમાં, યહોવાએ આદમ અને હવાને અને પછીથી નુહ અને તેમના કુટુંબને આ આજ્ઞા આપી હતી: “સફળ થાઓ, ને વધો.” (ઉત. ૧:૨૮; ૯:૧) બાઇબલ જણાવતું નથી કે ઈશ્વરભક્તોએ આજે એ આજ્ઞા લાગુ પાડવી જોઈએ. તેથી, દરેક યુગલે પોતે નક્કી કરવું જોઈએ કે કુટુંબ નિયોજન માટે તેઓ કયું ગર્ભનિરોધક વાપરશે. અથવા તેઓ ક્યારે પોતાનું કુટુંબ વધારશે. એ વિશે તેઓએ કઈ બાબતો પર ધ્યાન આપવું જોઈએ?
કુટુંબ નિયોજનની વાત આવે ત્યારે, ઈશ્વરભક્તોએ હંમેશા બાઇબલ સિદ્ધાંતોને આધારે નિર્ણય લેવો જોઈએ. તેથી, ઈશ્વરભક્તો ક્યારેય ગર્ભપાત કરાવશે નહિ. ગર્ભ રહેવાથી આગળ જતા એક બાળકનો જન્મ થાય છે. પરંતુ, જાણીજોઈને ગર્ભપાત કરાવવાથી એ ગર્ભનો અંત આવી જાય છે. બાઇબલ જીવનનો આદર કરવાનું શીખવે છે. તેથી, ગર્ભપાત કરાવવો એ બાઇબલની દૃષ્ટિએ ખોટું છે. (નિર્ગ. ૨૦:૧૩; ૨૧:૨૨, ૨૩; ગીત. ૧૩૯:૧૬; યિર્મે. ૧:૫) કૉપર ટી જેવા સાધનો વાપરવા વિશે શું?
મે ૧૫, ૧૯૭૯, ચોકીબુરજ (અંગ્રેજી) પાન ૩૦-૩૧ પર એ વિષય પર લેખ આપવામાં આવ્યો હતો. એ સમયે કૉપર ટી પ્લાસ્ટિકની બનતી હતી અને ગર્ભ રોકવા એને ગર્ભાશયમાં મૂકવામાં આવતી હતી. એ લેખમાં જણાવ્યું હતું કે, કૉપર ટી કઈ રીતે કામ કરે છે, એ વિશે હજુ સુધી પૂરેપૂરી વિગતો કોઈ જાણતું નથી. ઘણા નિષ્ણાતો જણાવતા કે કૉપર ટીને લીધે શુક્રાણુઓ ગર્ભાશયમાં પ્રવેશી શકતા નથી.
આમ, શુક્રાણુ સ્ત્રી બીજને ફલિત કરી શકતું નથી અને નવો જીવ અસ્તિત્વમાં આવતો નથી.જોકે, અમુક પુરાવાઓ બતાવતા કે કોઈક વાર સ્ત્રી બીજ ફલિત થઈ જતું. ફલિત થયેલું સ્ત્રી બીજ કદાચ અંડવાહિનીમાં (ફેલોપિન ટ્યૂબમાં) વિકસે, જેને એક્ટોપિક ગર્ભાવસ્થા કહેવાય છે. અથવા બની શકે કે ફલિત થયેલું સ્ત્રી બીજ ગર્ભાશય સુધી પહોંચી જાય. એવા સ્ત્રી બીજનો કૉપર ટીને લીધે વિકાસ અટકી જાય તો, એ ગર્ભપાત જેવું ગણાય. એ લેખના અંતે જણાવ્યું હતું: ‘બાઇબલ જણાવે છે કે જીવનનો આદર કરવો જોઈએ. એ સિદ્ધાંત ધ્યાનમાં રાખીને ખરા ઈશ્વરભક્તે કૉપર ટીના ઉપયોગ વિશે ઊંડો વિચાર કરવો જોઈએ.’—ગીત. ૩૬:૯.
એ લેખ છપાયો ત્યારથી લઈને આજ સુધીમાં વિજ્ઞાન અને તબીબી ક્ષેત્રે ઘણી પ્રગતિ થઈ છે.
આજે બે પ્રકારનાં સાધનો (આઈયૂડી) જોવા મળે છે. એક જેમાં તાંબું હોય છે. અને અમેરિકામાં ૧૯૮૮થી એ સહેલાઈથી પ્રાપ્ય છે. બીજા પ્રકારનું સાધન, ૨૦૦૧થી પ્રાપ્ય છે, જેમાંથી હોર્મોન્સ નીકળે છે. આ બે પ્રકારનાં સાધનો કઈ રીતે કામ કરે છે?
કૉપર: અગાઉ જણાવ્યું તેમ, કૉપર ટીને લીધે શુક્રાણુ ગર્ભાશયમાંથી પસાર થઈને સ્ત્રી બીજ સુધી પહોંચી શકતું નથી. ઉપરાંત, એમાં રહેલું તાંબું શુક્રાણુ માટે ઝેર સમાન સાબિત થાય છે અને શુક્રાણુનો નાશ થાય છે. * તેમ જ, કૉપર ટીમાં રહેલું તાંબું ગર્ભાશયના આવરણને પણ અસર કરે છે.
હોર્મોન: આ પ્રકારના સાધનમાં હોર્મોન હોય છે, જે ઘણી વાર ગર્ભનિરોધક ગોળીઓમાં પણ જોવા મળે છે. આ પ્રકારનું સાધન પણ ઉપર જણાવેલી કૉપર ટી જેટલા ફાયદા આપે છે. એમાં રહેલું હોર્મોન ગર્ભાશયમાં જાય છે. એના લીધે, અમુક સ્ત્રીઓમાં સ્ત્રી બીજ બનતું નથી. જો સ્ત્રી બીજ બને જ નહિ, તો એને ફલિત થવાનો સવાલ જ ઊભો થતો નથી. ઉપરાંત, હોર્મોનથી ગર્ભાશયનું આવરણ પાતળું થઈ જાય છે. * તેમ જ, ગ્રીવામાં (સર્વીક્સમાં) રહેલા સ્ત્રાવને એ જાડું કરે છે. એના લીધે, શુક્રાણુને યોનિમાર્ગથી ગર્ભાશયમાં જવા અડચણ પડે છે.
ઉપર જોઈ ગયા કે બંને પ્રકારની કૉપર ટી ગર્ભાશયના આવરણને અસર કરે છે. આટલા અવરોધો છતાં, સ્ત્રી બીજ બને અને ફલિત થઈ જાય ત્યારે શું? સ્ત્રી બીજ કદાચ ગર્ભાશયમાં પ્રવેશી જાય, પણ ગર્ભાશયનું આવરણ કૉપર ટીને કારણે અસર પામ્યું હોવાથી સ્ત્રી બીજનો વિકાસ થઈ શકતો નથી. એનો અર્થ થાય કે શરૂઆતના તબક્કામાં જ ગર્ભનો નાશ થઈ જાય છે. જો કે, વૈજ્ઞાનિકો માને છે કે આવું ભાગ્યે જ બને છે. ગર્ભનિરોધક ગોળીથી પણ એવું થઈ શકે છે.
કૉપર ટીમાં તાંબું હોય કે પછી હોર્મોન, સ્ત્રી બીજ ફલિત નહિ થાય, એવું ખાતરીપૂર્વક કોઈ કહી શકતું નથી. જોકે, વૈજ્ઞાનિક પુરાવાઓ બતાવે છે કે કૉપર ટીને લીધે આટલી બધી પ્રક્રિયા થતી હોવાથી ભાગ્યે જ ગર્ભ રહે છે.
એક યુગલ કૉપર ટી વાપરવા માંગતું હોય તો, પહેલા ડૉક્ટર સાથે વાત કરશે. ડૉક્ટર તેઓને જણાવશે કે કૉપર ટી ક્યાંથી મળી શકે અને એનાથી પત્નીને કયાં ફાયદા કે નુકસાન થઈ શકે. એ વિશે, યુગલ ક્યારેય બીજાઓ પાસે કે ડૉક્ટર પાસે અપેક્ષા નહિ રાખે, પણ તેઓ પોતે નિર્ણય લેશે. (રોમ. ૧૪:૧૨; ગલા. ૬:૪, ૫) યુગલ તરીકે, તેઓએ સાથે મળીને એ નિર્ણય લેવો જોઈએ. તેઓએ એવો નિર્ણય લેવો જોઈએ, જેનાથી તેઓ ઈશ્વરને ખુશ કરી શકે અને તેમની સામે શુદ્ધ અંતઃકરણ રાખી શકે.—૧ તિમોથી ૧:૧૮, ૧૯; ૨ તિમોથી ૧:૩ સરખાવો.
^ ફકરો. 4 ઇંગ્લૅન્ડની આરોગ્ય સેવાનો એક અહેવાલ બતાવે છે: ‘જે કૉપર ટીમાં વધારે તાંબું હોય એ ૯૯% કરતાં વધારે અસરકારક સાબિત થાય છે. એનો અર્થ કે એનો ઉપયોગ કરવાથી ગર્ભ રહેવાની શક્યતા ૧%થી પણ ઓછી છે. તાંબાની માત્રા જેટલી ઓછી હશે, એ કૉપર ટી એટલી ઓછી અસરકારક સાબિત થશે.’
^ ફકરો. 5 હોર્મોનવાળી કૉપર ટી ગર્ભાશયના આવરણને પાતળું કરે છે. એટલે, અમુક વાર પરિણીત કે અપરિણીત સ્ત્રીઓને વધુ પડતો રક્તસ્ત્રાવ થતો હોય, એવા કિસ્સામાં ડૉક્ટર હોર્મોનવાળી કૉપર ટીનો ઉપયોગ કરવાનું જણાવે છે.