સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

યુવાનો—‘તમારા ઉદ્ધાર માટે મહેનત કરતા રહો’

યુવાનો—‘તમારા ઉદ્ધાર માટે મહેનત કરતા રહો’

“જેમ તમે હંમેશાં આધીન રહ્યા છો તેમ, . . . તમારા પોતાના ઉદ્ધાર માટે ડર અને કંપારી સાથે મહેનત કરતા રહો.”—ફિલિ. ૨:૧૨.

ગીતો: ૪૧, ૧૧

૧. શા માટે બાપ્તિસ્મા ખૂબ જ મહત્ત્વનું પગલું છે? (શરૂઆતનું ચિત્ર જુઓ.)

દર વર્ષે હજારો બાઇબલ વિદ્યાર્થીઓ બાપ્તિસ્મા લે છે. એમાંના ઘણાં યુવાનો, તરુણો અને નાના બાળકો હોય છે. તેઓનો સત્યમાં જ ઉછેર થયો હશે. શું તમે તેઓમાંના એક છો? જો એમ હોય, તો એ ઘણી પ્રશંસાની વાત કહેવાય. ઈશ્વરભક્તોએ ઉદ્ધાર પામવા અને હંમેશ માટે જીવવા બાપ્તિસ્મા લેવું ખૂબ જરૂરી છે.—માથ. ૨૮:૧૯, ૨૦; ૧ પીત. ૩:૨૧.

૨. યહોવાને સમર્પણ કરવાથી શા માટે આપણે ડરવું ન જોઈએ?

તમે બાપ્તિસ્મા લીધું ત્યારથી, યહોવા તમને ઘણી નવી રીતોએ આશીર્વાદો આપી રહ્યા છે. ઉપરાંત, તમારા પર નવી જવાબદારીઓ પણ આવી છે. જેમ કે, બાપ્તિસ્માના દિવસે, પ્રવચન આપનાર ભાઈએ તમને પૂછ્યું હતું: “ઈસુ ખ્રિસ્તના બલિદાનને આધારે શું તમે તમારાં પાપોનો પસ્તાવો કર્યો છે અને યહોવાની ઇચ્છા પૂરી કરવા માટે તેમને સમર્પણ કર્યું છે?” તમે એનો જવાબ “હા”માં આપ્યો હતો. તમે યહોવાને પ્રેમ કરવાનું અને તેમની સેવાને જીવનમાં પ્રથમ રાખવાનું વચન આપ્યું હતું. શું એ ગંભીર વચન આપવા બદલ તમને અફસોસ થવો જોઈએ? જરાય નહિ! પોતાનું જીવન યહોવાને સોંપવાથી તમને ક્યારેય અફસોસ નહિ થાય. જેઓ યહોવાને ઓળખતા નથી તેઓ શેતાનની દુનિયાનો ભાગ છે. શેતાનને તેઓની કે આપણી જરાય પડી નથી. હકીકતમાં તો, તે ચાહે છે કે આપણે તેના પક્ષે રહીએ અને યહોવાનો નકાર કરીએ. આમ, આપણે હંમેશના જીવનની આશા ગુમાવી દઈએ તો, શેતાન ઘણો ખુશ થશે.

૩. યહોવાને સમર્પણ કરવાથી કેવો આશીર્વાદ મળે છે?

તમે યહોવાને સમર્પણ કર્યું અને બાપ્તિસ્મા લીધું હોવાથી યહોવાએ કેવો આશીર્વાદ આપ્યો હતો, એનો વિચાર કરો. યહોવાને જીવન અર્પી દીધા પછી તમે પૂરા ભરોસાથી કહી શકો છો: ‘યહોવા મારા પક્ષના છે; હું બીવાનો નથી; માણસ મને શું કરી શકશે?’ (ગીત. ૧૧૮:૬) ઈશ્વરના પક્ષે રહેવાનો અને તેમની કૃપા મેળવવાનો આપણને મોટો આશીર્વાદ મળ્યો છે.

તમારી પોતાની જવાબદારી

૪, ૫. (ક) શા માટે કહી શકાય કે સમર્પણ વ્યક્તિની પોતાની જવાબદારી છે? (ખ) ભલે ગમે એ ઉંમરના હોય, પણ દરેક ઈશ્વરભક્તે કેવા પડકારોનો સામનો કરવો પડે છે?

એક બાળકને વારસામાં માબાપ તરફથી માલમિલકત મળે છે. પરંતુ, યહોવા સાથેનો સંબંધ વારસામાં મળતો નથી. બાળકો, યહોવા સાથેનો સંબંધ તમારે પોતે કેળવવો પડશે. ભલે તમે મમ્મી-પપ્પા સાથે રહેતા હો તોપણ, એ તમારી વ્યક્તિગત જવાબદારી છે. એ યાદ રાખવું કેમ મહત્ત્વનું છે? ભાવિમાં આપણી શ્રદ્ધાની કસોટી કઈ રીતે થશે એ કોઈ જાણતું નથી. દાખલા તરીકે, તરુણ થયા એ પહેલાં તમે બાપ્તિસ્મા લીધું હશે. પણ હવે યુવાનીમાં ડગ માંડ્યા પછી તમને નવી લાગણીઓ થતી હશે અને નવી મુશ્કેલીઓ ઊભી થતી હશે. એક તરુણ છોકરીએ કહ્યું: ‘સ્કૂલમાં જન્મદિવસની કેકનો ટુકડો ન મળવાથી એક તરુણને યહોવાના સાક્ષી હોવાનો અફસોસ થતો નથી. પરંતુ, અમુક વર્ષો પછી સેક્સ માણવાની ઇચ્છા ઘણી પ્રબળ થાય છે. એ સમયે, તેને પાકી ખાતરી હોવી જોઈએ કે, યહોવાના નિયમો પાળવા એ જ સૌથી સારી પસંદગી છે.’

નવા નવા પડકારો ફક્ત યુવાનોના જીવનમાં જ નહિ, મોટી ઉંમરના લોકોના જીવનમાં પણ આવે છે. મોટી ઉંમરે બાપ્તિસ્મા લેનાર વ્યક્તિ પર પણ અણધારી કસોટીઓ આવે છે. એ કસોટી કદાચ લગ્નજીવન, તબિયત કે નોકરીને લગતી પણ હોઈ શકે છે. ભલે આપણે ગમે એ ઉંમરના હોઈએ, આપણે દરેકે અલગ અલગ સંજોગોમાં પણ યહોવાને વફાદાર રહેવું જોઈએ.—યાકૂ. ૧:૧૨-૧૪.

૬. (ક) તમે યહોવાને આપેલું વચન બિનશરતી છે, એનો શો અર્થ થાય? (ખ) ફિલિપીઓ ૪:૧૧-૧૩માંથી તમે શું શીખી શકો?

શ્રદ્ધામાં અડગ રહેવા માટે હંમેશાં યાદ રાખો કે, તમે યહોવાને આપેલું વચન બિનશરતી છે. એનો અર્થ કે, ભલે ગમે એ થાય તમે સૌથી મહાન ઈશ્વરની જ ભક્તિ કરશો. પછી ભલે તમારાં મિત્રો કે મમ્મી-પપ્પા એમ કરવાનું છોડી દે. (ગીત. ૨૭:૧૦) દરેક સંજોગોમાં તમે એ વચન પૂરું કરી શકો, એ માટે યહોવા પાસે મદદ માંગો.—ફિલિપીઓ ૪:૧૧-૧૩ વાંચો.

૭. “પોતાના ઉદ્ધાર માટે ડર અને કંપારી સાથે મહેનત” કરતા રહેવાનો શો અર્થ થાય?

યહોવા ચાહે છે કે તમે તેમના મિત્ર બનો. પરંતુ, એ મિત્રતા ટકાવી રાખવા અને પોતાના ઉદ્ધાર માટે તમારે ઘણી મહેનત કરવી પડશે. ફિલિપીઓ ૨:૧૨માં કહ્યું છે: “તમારા પોતાના ઉદ્ધાર માટે ડર અને કંપારી સાથે મહેનત કરતા રહો.” એટલે આપણે ધ્યાનથી આનો વિચાર કરીએ, એ ખૂબ જરૂરી છે: કોઈ પણ સંજોગોમાં કઈ રીતે યહોવાની નજીક રહી શકીએ અને તેમને વફાદાર રહી શકીએ? આપણે પોતાના પર વધુ પડતો ભરોસો ન રાખીએ. પણ, યાદ રાખીએ કે વર્ષો સુધી ઈશ્વરની સેવા કરનારા લોકો પણ બેવફા બન્યા છે. પોતાના ઉદ્ધાર માટે તમે કયાં પગલાં ભરી શકો?

બાઇબલ અભ્યાસનું મહત્ત્વ

૮. વ્યક્તિગત અભ્યાસમાં શાનો સમાવેશ થાય છે? એ શા માટે મહત્ત્વનું છે?

યહોવા સાથે મિત્રતા રાખવા જરૂરી છે કે તેમનું સાંભળીએ અને તેમની સાથે વાત કરીએ. યહોવાને સાંભળવાની મુખ્ય રીત છે કે બાઇબલનો અભ્યાસ કરીએ. એમાં બાઇબલ અને બાઇબલ આધારિત સાહિત્ય વાંચવાનો અને એના પર મનન કરવાનો સમાવેશ થાય છે. બાઇબલનો અભ્યાસ કરીએ ત્યારે, સ્કૂલની પરીક્ષાની જેમ ફક્ત બાબતો યાદ રાખવી જ પૂરતું નથી. એના બદલે, બાઇબલનો અભ્યાસ તો રોમાંચક મુસાફરી જેવો છે. મુસાફરીમાં જેમ નવું નવું જોવા અને શીખવા મળે છે, એ જ રીતે અભ્યાસથી તમે યહોવા વિશે નવી નવી બાબતો શોધો છો અને શીખો છો. આમ, તમે યહોવાની નજીક જઈ શકશો અને તે પણ તમારી નજીક આવશે.—યાકૂ. ૪:૮.

તમે કેટલી સારી રીતે યહોવા સાથે વાતચીત કરો છો? (ફકરા ૮-૧૧ જુઓ)

૯. વ્યક્તિગત અભ્યાસ માટે તમને કયાં સાધનોથી મદદ મળી છે?

યહોવાના સંગઠને ઘણાં સાધનો પૂરા પાડ્યા છે, જે તમને અભ્યાસ કરવા મદદ કરશે. દાખલા તરીકે, jw.org પર “ટીનેજર્સ” વિભાગમાં “બાઇબલ સ્ટડી ઍક્ટિવિટીસ” લેખો આપેલા છે. એ તમને બાઇબલ અહેવાલમાંથી શીખેલી બાબતો લાગુ પાડવા મદદ કરશે. ઉપરાંત, “ટીનેજર્સ” વિભાગમાં “વૉટ ડઝ ધ બાઇબલ રીઅલી ટીચ?” સ્ટડી ગાઇડ્સ પણ છે. એની મદદથી તમે પોતાની શ્રદ્ધા દૃઢ કરી શકો છો અને બીજાઓને તમારી માન્યતાઓ સમજાવી શકો છો. વ્યક્તિગત અભ્યાસ માટેની અલગ અલગ રીતો વિશે જુલાઈ, ૨૦૦૯ના સજાગ બનો!માં લેખ છે. એનો વિષય છે: “યુવાનો પૂછે છે . . . ‘હું કઈ રીતે બાઇબલ વાંચવાની મઝા લઈ શકું?’” યાદ રાખો, ઉદ્ધાર માટે અભ્યાસ અને મનન ખૂબ જરૂરી છે.—ગીતશાસ્ત્ર ૧૧૯:૧૦૫ વાંચો.

પ્રાર્થનાનું મહત્ત્વ

૧૦. શા માટે બાપ્તિસ્મા પામેલા ઈશ્વરભક્તે પ્રાર્થના કરવી જોઈએ?

૧૦ જ્યારે આપણે બાઇબલનો અભ્યાસ કરીએ છીએ, ત્યારે આપણે યહોવાનું સાંભળીએ છીએ. તેમ જ, જ્યારે આપણે પ્રાર્થના કરીએ છીએ, ત્યારે આપણે તેમની સાથે વાત કરીએ છીએ. એવું કદી ન વિચારીએ કે પ્રાર્થના તો ફક્ત એક આદત છે અથવા આપણા માટે શુકનિયાળ છે. પ્રાર્થના તો આપણા સર્જનહાર સાથેની આપણી વાતચીત છે. જરા વિચારો, તમે જે કહેવા માંગો છો, એ યહોવા સાંભળવા તૈયાર છે. (ફિલિપીઓ ૪:૬ વાંચો.) ભલે ગમે તેવી ચિંતા હોય બાઇબલ જણાવે છે કે, “તારો બોજો યહોવા પર નાખ.” (ગીત. ૫૫:૨૨) લાખો ભાઈ-બહેનોને આ સલાહથી મદદ મળી છે. એનાથી તમને પણ ચોક્કસ મદદ મળશે!

૧૧. શા માટે આપણે યહોવાનો હંમેશાં આભાર માનવો જોઈએ?

૧૧ જોકે, મદદની જરૂર હોય ફક્ત ત્યારે જ યહોવાને પ્રાર્થના ન કરવી જોઈએ. બાઇબલ યાદ અપાવે છે: “તમે આભારી છો, એમ બતાવી આપો.” (કોલો. ૩:૧૫) અમુક વાર, આપણે તકલીફો વિશે એટલી બધી ચિંતા કરીએ કે આપણી પાસે જે સારી બાબતો છે, એના પર ધ્યાન જ ન આપીએ. તમે આમ કરી શકો: દરરોજ ઓછામાં ઓછી ત્રણ બાબતો વિશે વિચાર કરો, જેના માટે તમે યહોવાના આભારી છો. પછી, એ બધા માટે તેમનો આભાર માનો. અબીગાઈલ નામની છોકરીએ ૧૨ વર્ષની ઉંમરે બાપ્તિસ્મા લીધું હતું. તે જણાવે છે: ‘મને લાગે છે કે વિશ્વમાં સૌથી વધારે આપણે યહોવાની કદર કરવી જોઈએ. તેમણે આપેલી ભેટનો આભાર માનવાની એક પણ તક જતી ન કરીએ.’ અમુક વાર અબીગાઈલ આ સવાલ પર વિચાર કરતી જે તેણે સાંભળ્યો હતો: ‘જે વસ્તુઓ વિશે મેં યહોવાનો આભાર માન્યો નથી, એ વસ્તુઓ રાતોરાત જતી રહે તો, મારી પાસે કેટલી વસ્તુઓ રહેશે?’ *

તમે પોતે અનુભવ કરો

૧૨, ૧૩. શું તમે પોતે યહોવાની ભલાઈનો અનુભવ કર્યો છે? યહોવાએ તમને જે રીતે મદદ કરી છે, એ વિશે વિચારવું શા માટે મહત્ત્વનું છે?

૧૨ યહોવાએ રાજા દાઊદને અઘરા સંજોગો સહેવા મદદ કરી હતી. તેથી, દાઊદ પોતાના અનુભવથી કહી શક્યા: “અનુભવ કરો અને જુઓ કે યહોવા ઉત્તમ છે; જે માણસ તેના પર ભરોસો રાખે છે તેને ધન્ય છે.” (ગીત. ૩૪:૮) કલમ બતાવે છે કે આપણે પોતે યહોવાની ભલાઈનો અનુભવ કરવો જોઈએ. તમે બાઇબલ અને આપણું સાહિત્ય વાંચશો તેમજ સભાઓમાં જશો ત્યારે, શીખશો કે વફાદાર રહેવા યહોવાએ બીજાઓને કઈ રીતે મદદ કરી હતી. પરંતુ, યહોવા સાથેનો તમારો સંબંધ મજબૂત થતો જશે તેમ, જોઈ શકશો કે યહોવા તમને કઈ રીતે મદદ કરે છે. શું તમે યહોવાની ભલાઈ અનુભવી છે?

૧૩ દરેક ઈશ્વરભક્તે યહોવાની ભલાઈનો એક ખાસ રીતે અનુભવ કર્યો છે. એ છે, તેમણે આપણને દરેકને તેમની સાથે અને તેમના દીકરા સાથે મિત્રતા બાંધવાનું આમંત્રણ આપ્યું છે. ઈસુએ કહ્યું: “મને મોકલનાર પિતા કોઈ માણસને મારી પાસે દોરી ન લાવે ત્યાં સુધી, તે મારી પાસે આવી શકતો નથી.” (યોહા. ૬:૪૪) શું આ શબ્દો તમને લાગુ પડે છે? કે પછી તમને એવું લાગે છે કે, ‘યહોવાએ મારા મમ્મી-પપ્પાને દોર્યા છે અને હું તો ફક્ત તેઓને અનુસરું છું!’ યાદ રાખો કે તમે પોતે યહોવાને સમર્પણ કર્યું છે અને બાપ્તિસ્મા લીધું છે એટલે યહોવા સાથે તમારી મિત્રતા બંધાઈ છે. બાઇબલ કહે છે: “જો કોઈ ઈશ્વરને પ્રેમ કરે છે, તો તેને ઈશ્વર ઓળખે છે.” (૧ કોરીં. ૮:૩) યહોવાએ તેમના સંગઠનમાં આપણને જે સ્થાન આપ્યું છે એને હંમેશાં અનમોલ ગણો.

૧૪, ૧૫. તમારી શ્રદ્ધા મજબૂત કરવા સેવાકાર્ય કઈ રીતે મદદ કરી શકે?

૧૪ પ્રચારમાં કે સ્કૂલમાં બીજાઓને પોતાની શ્રદ્ધા વિશે જણાવવા યહોવા હિંમત આપે છે ત્યારે, તમે તેમની ભલાઈ અનુભવો છો. સાથે ભણતા વિદ્યાર્થીઓને સંદેશો જણાવવો સહેલું નથી. તમને કદાચ ચિંતા થાય કે તેઓ કેવો જવાબ આપશે. ખાસ કરીને, લોકોના ટોળા સામે પોતાની માન્યતાઓ વિશે જણાવવાનો ડર લાગી શકે છે. તમને ક્યાંથી મદદ મળી શકે?

૧૫ તમે જે માનો છો એ શા માટે માનો છો, એનો વિચાર કરો. jw.org પર જોવા મળતી સ્ટડી ગાઇડ્સનો તમે ઉપયોગ કરી શકો. એનાથી તમને મદદ મળશે કે, તમારી માન્યતા શું છે, તમે શા માટે એમ માનો છો અને તમે કઈ રીતે બીજાઓને એ વિશે સમજાવી શકો. જો તમને પૂરેપૂરી ખાતરી હશે અને સારી તૈયારી કરશો, તો યહોવા વિશે બીજાઓને જણાવવા તમે પ્રેરાશો.યિર્મે. ૨૦:૮, ૯.

૧૬. તમારી માન્યતાઓ વિશે બીજાઓને જણાવવા તમે ક્યાંથી હિંમત મેળવી શકો?

૧૬ સારી તૈયારી પછી પણ બીજાઓને પોતાની માન્યતાઓ વિશે જણાવતા તમને ડર લાગી શકે. ૧૮ વર્ષની એક બહેન, જેણે ૧૩ વર્ષે બાપ્તિસ્મા લીધું હતું. તે જણાવે છે: ‘મારી માન્યતાઓ હું સારી રીતે સમજું છું, પણ અમુક વાર શબ્દોમાં એને ઢાળવી મારા માટે અઘરું પડે છે.’ તેથી, તે સત્યને શાંતિથી અને સરળ રીતે રજૂ કરવાની કોશિશ કરે છે. તે કહે છે: ‘મારી સાથે ભણતા વિદ્યાર્થીઓ પોતે જે કરે છે એ વિશે આસાનીથી વાત કરી શકે છે. તો પછી, મારે પણ એમ કરવું જોઈએ. તેથી, હું તેઓ સાથે વાત કરતા કોઈક વાર આમ કહું છું, “ગઈ કાલે હું બીજાઓને બાઇબલમાંથી શીખવતી હતી ત્યારે . . .” આમ, હું મારી વાત જણાવું છું. ભલે, બાઇબલ વિશે સીધેસીધું કંઈ ન જણાવું છતાં, બીજાઓને મારી વાતમાં રસ પડે છે. તેઓ જાણવા ચાહે છે કે હું કઈ રીતે બાઇબલમાંથી શીખવું છું. અમુક વાર તેઓ મને એ વિશે બીજા સવાલો પણ પૂછે છે. જેમ જેમ એ રીત વાપરતી ગઈ, તેમ તેમ એ સહેલું લાગવા માંડ્યું. એ રીત વાપર્યા પછી હંમેશાં મારું દિલ ખુશીથી ઉભરાઈ જાય છે.’

૧૭. પોતાની શ્રદ્ધા વિશે લોકોને જણાવવા બીજું શું મદદ કરશે?

૧૭ જ્યારે બીજાઓ અનુભવશે કે તમે તેઓની કાળજી રાખો છો અને આદર આપો છો, ત્યારે તેઓ સહેલાઈથી તમને અને તમારી માન્યતાઓને આદર આપશે. દાખલા તરીકે, ૧૭ વર્ષની ઓલીવિયાનો વિચાર કરો. તેણે બહુ નાની ઉંમરે બાપ્તિસ્મા લીધું હતું, તે જણાવે છે: ‘મને હંમેશાં ડર લાગતો કે વાતચીતમાં જો હું બાઇબલનો ઉલ્લેખ કરીશ, તો લોકો મને ધર્મચુસ્ત સમજશે.’ પછીથી, તેણે પોતાના વલણમાં સુધારો કર્યો. પોતાના ડર વિશે વધુ પડતું વિચારવાને બદલે તેણે વિચાર્યું: ‘કેટલાય યુવાનોને યહોવાના સાક્ષીઓ વિશે કશું જ ખબર નથી. તેઓ તો આપણા સિવાય બીજા કોઈ સાક્ષીને ઓળખતા નથી. તેથી, આપણે જે રીતે તેઓ સાથે વર્તીશું, એની તેઓ પર અસર થશે. જો આપણે શ્રદ્ધા વિશે શરમાઈશું કે વાત કરતા અચકાઈશું કે લોચા મારીશું, તો શું થશે? તેઓને લાગશે કે આપણે યહોવાના સાક્ષીઓ હોવાથી શરમ અનુભવીએ છીએ. તેઓ આપણામાં આત્મવિશ્વાસની ખામી જોશે તો, કદાચ આપણી સાથે ખરાબ વર્તન કરશે. જોકે, આપણે સહેલાઈથી અને ખાતરીપૂર્વક પોતાની માન્યતાઓ વિશે જણાવીશું, એ વિશે આસાનીથી વાત કરીશું તો, બની શકે કે તેઓ આપણને આદર આપે.’

પોતાના ઉદ્ધાર માટે મહેનત કરતા રહો

૧૮. પોતાના ઉદ્ધાર માટે મહેનત કરવામાં શાનો સમાવેશ થાય છે?

૧૮ આપણે જોઈ ગયા કે પોતાના ઉદ્ધાર માટે મહેનત કરવી, એ એક ગંભીર જવાબદારી છે. એ માટે, આપણે બાઇબલ વાંચવું જોઈએ અને એના પર મનન કરવું જોઈએ. તેમ જ, યહોવાને પ્રાર્થના કરવી જોઈએ અને યહોવાએ આપણને મદદ કરી હોય, એવી દરેક બાબત વિશે વિચારવું જોઈએ. આમ કરવાથી યહોવા તમારા મિત્ર છે, એની પાકી ખાતરી થશે. એનાથી, તમને પોતાની માન્યતા વિશે બીજાઓને જણાવવાનું મન થશે.—ગીતશાસ્ત્ર ૭૩:૨૮ વાંચો.

૧૯. પોતાના ઉદ્ધાર માટે મહેનત કરવી શા માટે મહત્ત્વનું છે?

૧૯ ઈસુએ કહ્યું, “જો કોઈ મારી પાછળ આવવા ચાહે, તો તે પોતાની ઇચ્છાઓનો ત્યાગ કરે અને પોતાનો વધસ્તંભ ઊંચકીને મારી પાછળ ચાલતો રહે.” (માથ. ૧૬:૨૪) હા, ઈસુને પગલે ચાલવા દરેક ઈશ્વરભક્તે યહોવાને સમર્પણ કરવું જોઈએ અને બાપ્તિસ્મા લેવું જોઈએ. પણ, આ તો હજુ પહેલું જ ડગલું છે, જે આપણને યહોવાની નવી દુનિયામાં હંમેશ માટેના જીવન તરફ દોરી જશે. તો પછી, તમે પોતાના ઉદ્ધાર માટે મહેનત કરવા બનતું બધું જ કરતા રહો!

^ ફકરો. 11 વધુ માહિતી માટે, jw.org પર “યંગ પીપલ આસ્ક—વ્હાય શુડ આઈ પ્રે” અને એની વર્કશીટ જુઓ.