સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

જીવન સફર

અમારી સાથે ‘યહોવા ઉદારતાથી વર્ત્યા છે’

અમારી સાથે ‘યહોવા ઉદારતાથી વર્ત્યા છે’

મેં અને મારી પત્ની ડેનિયેલાએ હજુ તો હોટલમાં પગ જ મૂક્યો હતો, ને ત્યાંના રિસેપ્શનીસ્ટે મને કહ્યું, ‘સાહેબ, બોર્ડર પોલીસને ફોન કરશો?’ અમને ગેબોન આવ્યાને થોડા જ કલાકો થયા હતા. ગેબોન પશ્ચિમ આફ્રિકાનો એક દેશ છે. એ દેશમાં આપણા કામ પર ૧૯૭૦ના દાયકામાં પ્રતિબંધ હતો.

ડેનિયેલા ચતુર હોવાથી તરત પારખી ગઈ. તેણે મારા કાનમાં કહ્યું, ‘ફોન કરવાની જરૂર નથી, પોલીસ તો આવી ગઈ છે!’ એક ગાડી હોટલના દરવાજે આવીને ઊભી રહી. થોડી મિનિટોમાં તો અમારી ધરપકડ થઈ ગઈ. ડેનિયેલાએ અગાઉથી પોલીસ વિશે કહ્યું હતું. એટલે મેં ઝડપથી કેટલાંક કાગળિયાં બીજા એક ભાઈને આપી દીધાં હતાં.

તેઓ અમને પોલીસ સ્ટેશન લઈ જતા હતા. રસ્તામાં હું વિચારતો હતો કે, મને કેટલી સારી પત્ની મળી છે! તે હિંમતવાન છે અને તેને યહોવા અને તેમના સંગઠન વિશે કેટલી ચિંતા છે. આવા તો ઘણા દાખલા છે, જેમાં મેં અને ડેનિયેલાએ સાથે મળીને કામ કર્યું હોય. આપણા કામ પર પ્રતિબંધ હોય એવા દેશોમાં અમારે કેમ જવું પડ્યું, ચાલો એ વિશે જણાવું.

યહોવાએ મારી આંખો ખોલી નાખી

ઉત્તર ફ્રાંસમાં એક નાનકડું શહેર ક્વા મારું વતન છે. ૧૯૩૦માં એક ચુસ્ત કેથલિક કુટુંબમાં મારો જન્મ થયો હતો. મારું કુટુંબ દર અઠવાડિયે માસમાં (ધાર્મિક વિધિમાં) જતું. મારા પપ્પા ચર્ચના કામોમાં ઘણી મદદ કરતા હતા. હું આશરે ચૌદ વર્ષનો હતો ત્યારે ચર્ચમાં એવું કંઈક બન્યું, જેનાથી મારી આંખો ખુલી ગઈ. ચર્ચના લોકોનો ઢોંગ મારી આગળ ખુલ્લો પડી ગયો.

બીજા વિશ્વયુદ્ધ દરમિયાન, જર્મનીના લશ્કરે ફ્રાંસ પર કબજો કર્યો હતો. વિશી શહેરમાં નાઝીઓને ટેકો આપતી સરકાર હતી. અમારા પાદરી વારે ઘડીએ પ્રવચનમાં અમને એ સરકારને મદદ કરવા જણાવતા. એ પ્રવચન સાંભળીને અમારા રૂંવાડાં ઊભાં થઈ જતાં. નાઝી વિરુદ્ધ અમુક દેશોએ ભેગા મળીને પોતાનું લશ્કર મોકલ્યું હતું. એના સમાચાર બીબીસી રેડિયો પર આવતા. અમે છૂપી રીતે એ સાંભળતા, એવું તો ફ્રાંસમાં ઘણા લોકો કરતા હતા. સપ્ટેમ્બર, ૧૯૪૪માં એ લશ્કર આગળ વધી રહ્યું હતું, એટલે પાદરીએ પાટલી બદલી. તેણે એ લશ્કર માટે આભાર માનતો કાર્યક્રમ ગોઠવ્યો. એ જોઈને મારી આંખો ખુલી ગઈ, પાદરીઓ પર મૂકેલો ભરોસો એ દિવસે ભાંગીને ભૂક્કો થઈ ગયો.

યુદ્ધ પત્યું એના થોડા સમય પછી મારા પપ્પા ગુજરી ગયા. મારી મોટી બહેનના લગ્ન બેલ્જિયમમાં થયા હતા. એટલે, મમ્મીની જવાબદારી મારે ઉપાડવાની હતી. મને કપડાંની મિલમાં નોકરી મળી ગઈ. માલિક અને તેના છોકરાઓ ચુસ્ત કેથલિક હતા. મને લાગતું કે આ મિલમાં મારું ભવિષ્ય ઊજળું છે. પણ આગળ તો મુશ્કેલીઓ મારી રાહ જોઈને ઊભી હતી.

૧૯૫૩માં મારી મોટી બહેન સિમોન અમને મળવા આવી. તે યહોવાની સાક્ષી બની ગઈ હતી. કેથલિક ચર્ચ દ્વારા શીખવવામાં આવતા જૂઠાણાંઓ તેણે બાઇબલની મદદથી ખુલ્લાં પાડ્યાં. જેમ કે, નરક, ત્રૈક્ય, અમર આત્મા. શરૂ શરૂમાં મેં તેની સાથે દલીલ કરી કે, તે કેથલિક બાઇબલ તો વાપરતી નથી. પણ પછી મને ખબર પડી કે તે સાચી છે. થોડા સમય પછી તે ધી વોચટાવરના જૂના અંકો મારા માટે લઈ આવી, હું રાતે એ વાંચતો. સત્યનો રણકાર મને સંભળાયો, પણ હું ગભરાતો હતો કે યહોવાનો સાક્ષી બનીશ તો નોકરી હાથમાંથી જતી રહેશે.

થોડા મહિના તો હું જાતે જ બાઇબલ અને ચોકીબુરજ વાંચતો ને અભ્યાસ કરતો. પછી મેં પ્રાર્થનાઘરે જવાનું નક્કી કર્યું. ત્યાં મને જે પ્રેમ મળ્યો, એ મારા દિલને સ્પર્શી ગયો. એક અનુભવી ભાઈએ મારી સાથે છ મહિના બાઇબલ અભ્યાસ કર્યો. સપ્ટેમ્બર, ૧૯૫૪માં મેં બાપ્તિસ્મા લીધું. થોડા સમય પછી, મારી મમ્મી અને નાની બહેન પણ યહોવાના સાક્ષી બન્યા.

પૂરા સમયની સેવામાં યહોવા પર આધાર રાખ્યો

૧૯૫૮માં આંતરરાષ્ટ્રીય સંમેલન ન્યૂ યોર્કમાં થયું. મને પણ એમાં જવાનો મોકો મળ્યો હતો. એના થોડાં અઠવાડિયાં પહેલાં જ મારી મમ્મી મરણ પામી હતી. હવે, મારા પર કુટુંબની જવાબદારી ન હતી. એટલે મેં નોકરી છોડી દીધી અને પાયોનિયર બન્યો. ડેનિયેલા ડેલી નામની એક ઉત્સાહી પાયોનિયર સાથે મારી સગાઈ થઈ. ૧૯૫૯ના મે મહિનામાં અમે જીવનભરના સાથી બની ગયા.

ડેનિયેલાએ પાયોનિયર તરીકેનું કામ બ્રિટ્ટાનીના ગામડાના વિસ્તારોમાં શરૂ કર્યું હતું. એ તેના ઘરેથી બહુ દૂર હતું. ગામડાઓમાં તે સાઇકલ લઈને પ્રચાર કરવા જતી, આખા કેથલિક વિસ્તારમાં સાક્ષી આપતી. એ કામ હિંમત માંગી લે એવું હતું. અમને લાગતું કે દુનિયાનો અંત બહુ નજીક છે. એટલે અમે ખુશખબરનું કામ એકદમ ઉત્સાહથી કરતા હતા. (માથ. ૨૫:૧૩) ડેનિયેલા હંમેશાં જતું કરવા તૈયાર રહેતી. એટલે જ અમે પૂરા સમયની સેવામાં ટકી શક્યા છીએ.

લગ્નના થોડા સમય પછી અમને સરકીટ કામની સોંપણી મળી. અમે સાદું જીવન જીવવાનું શીખ્યા. અમે સૌથી પહેલા જે મંડળની મુલાકાતે ગયા, ત્યાં ૧૪ પ્રકાશકો હતા. ભાઈ-બહેનો પાસે એવી સગવડ ન હતી કે તેઓ અમને પોતાના ઘરે રાખી શકે. તેથી, અમે પ્રાર્થનાઘરમાં જ ગાદલા નાખીને ઊંઘી જતાં. એ આરામદાયક તો જરાય ન કહેવાય, પણ હા, કમર માટે સારું કહેવાય!

અમે નાનકડી કારમાં મંડળોની મુલાકાતે જતાં હતાં

સરકીટ કામમાં અમે ખૂબ વ્યસ્ત રહેતા, અમારે અલગ અલગ જગ્યાએ જવું પડતું. પણ ડેનિયેલાએ એ સંજોગો પ્રમાણે પોતાને ઢાળી લીધી હતી. કોઈક વાર વડીલોની સભા અચાનક રાખવી પડતી. એ બિચારી તો બહાર નાનકડી કારમાં મારી રાહ જોયા કરતી, તેણે ક્યારેય એ વિશે બળાપો કાઢ્યો નથી. સરકીટ કામ મેં ફક્ત બે વર્ષ સુધી કર્યું હતું. એમાં શીખવા મળ્યું કે, પતિ-પત્નીએ ખુલ્લા દિલે વાતચીત કરવી જોઈએ અને સાથે મળીને કામ કરવું જોઈએ.—સભા. ૪:૯.

નવી જવાબદારીથી મળ્યો આનંદ

૧૯૬૨માં અમને ગિલયડ શાળાના ૩૭મા વર્ગમાં જવાનું આમંત્રણ મળ્યું. એ શાળા બ્રુકલિન, ન્યૂ યૉર્કમાં હતી. એ દસ મહિનાનો કોર્સ હતો. ૧૦૦ વિદ્યાર્થીઓમાં ફક્ત ૧૩ યુગલો હતાં. અમે બંને એકસાથે એમાં ભાગ લઈ શક્યા, એ અમારા માટે એક લહાવો હતો. શ્રદ્ધાનો જોરદાર દાખલો પૂરો પાડે એવા ભાઈઓ સાથે વિતાવેલા એ દિવસો મને હજીયે યાદ છે. જેમ કે, ફ્રેડરિક ફ્રાન્ઝ, યુલીસઝ ગ્લાસ અને એલેક્ઝાન્ડર મેકમીલન.

અમને ગિલયડ શાળામાં જવાનો મોકો મળ્યો!

એ શાળામાં અમને શીખવવામાં આવ્યું કે, બાબતોને ધ્યાનથી જોનાર બનીએ. શનિવાર બપોરે ક્લાસ પત્યા પછી, કેટલીક વાર અમને ન્યૂ યૉર્ક શહેરના જોવાલાયક સ્થળોએ લઈ જવામાં આવતા. અમે જે જે જોયું હોય, એ વિશે સોમવારે ટેસ્ટ લેવામાં આવતો. મોટા ભાગે શનિવાર સાંજે ઘરે પહોંચીએ ત્યાં સુધીમાં તો અમે થાકીને લોથપોથ થઈ જતા. પણ, અમને ટૂર આપનાર બેથેલના ભાઈ અમારી સાથે સવાલોની ચર્ચા કરતા, જેથી સોમવારના ટેસ્ટ માટે અમે તૈયાર હોઈએ. એક વાર તો શનિવારની આખી બપોર અમે શહેરમાં ફર્યા. અવકાશ વિશે સંશોધન કરતા કેન્દ્રની (વેધશાળાની) અમે મુલાકાત લીધી, ત્યાં ખરતા તારા અને ઉલ્કાઓ વિશે શીખ્યા. અમે એક મ્યુઝિયમમાં (અમેરિકન મ્યુઝિયમ ઓફ નેચરલ હિસ્ટ્રી) ગયા. ત્યાં અમને જાતજાતના મગર વિશે જાણવા મળ્યું. અમને જાણવા મળ્યું કે અમુક મગરના દાંત વધારે લાંબા હોય છે. અમે બેથેલ પાછા ફર્યા ત્યારે ટૂર આપનાર ભાઈએ પૂછ્યું, ‘ખરતા તારા અને ઉલ્કામાં શો ફરક છે?’ ડેનિયેલા એટલી થાકેલી હતી કે, તેણે જવાબ આપ્યો, ‘ઉલ્કાના દાંત લાંબા હોય છે!’

આફ્રિકાનાં ભાઈ-બહેનોની મુલાકાત લેવાનો લહાવો મળ્યો

જ્યારે અમને ફ્રાંસની શાખામાં કામ કરવાની સોંપણી મળી, ત્યારે અમને ઘણી નવાઈ લાગી. અમે ૫૩થી વધારે વર્ષો ત્યાં સેવા આપી. ૧૯૭૬માં મને શાખા સમિતિનો સેવક (કોઑર્ડિનેટર) બનાવવામાં આવ્યો. આફ્રિકા અને મધ્ય પૂર્વના દેશોની મુલાકાત લેવાની જવાબદારી પણ મને મળી. એ દેશોમાં આપણા કામ પર પ્રતિબંધ અથવા અમુક નિયંત્રણ હતાં. એટલે મારે ગેબોન દેશમાં પણ જવું પડ્યું હતું, જેના વિશે લેખની શરૂઆતમાં જણાવ્યું છે. સાચું કહું તો, એકાએક મળેલી આ જવાબદારી ઉપાડવા હું પોતાને લાયક ગણતો ન હતો. પણ મારી પત્નીનો આભાર માનું છું કે, તેની મદદથી હું કોઈ પણ જવાબદારી સારી રીતે ઉપાડી શક્યો.

૧૯૮૮માં, પેરિસમાં “ડિવાઇન જસ્ટીસ” સંમેલનમાં ભાઈ થીઓડોર જારાઝનું પ્રવચન અનુવાદ કરતી વખતે

મોટી મુશ્કેલીનો સામનો સાથે મળીને કર્યો

શરૂઆતથી જ અમને બેથેલમાં કામ કરવું ખૂબ ગમતું. ગિલયડ જતા પહેલાં, ડેનિયેલા પાંચ મહિનામાં તો અંગ્રેજી શીખી ગઈ. પછીથી, તે બેથેલમાં સારી ભાષાંતર કરનાર બની. અમને બેથેલના કામમાં ખુશી મળતી, પણ મંડળ સાથે કામ કરીને તો અમને વધારે ખુશી મળતી. મને યાદ છે કે અમે મોડી રાત્રે ઘરે જવા ટ્રેન પકડતા. એ સમય સુધીમાં તો અમે ઘણા થાકી જતા તેમ છતાં ઘણી ખુશી અનુભવતા. કારણ કે અમે સાથે મળીને જેઓનો બાઇબલ અભ્યાસ ચલાવતા હતા, તેઓ ઘણી પ્રગતિ કરતા હતા. અચાનક ડેનિયેલાની તબિયત લથડી અને તે પહેલાં જેટલું કરી શકતી નહિ.

૧૯૯૩માં અમને ખબર પડી કે ડેનિયેલાને સ્તન કેન્સર છે. ડેનિયેલાએ સારવાર દરમિયાન ઘણું સહન કર્યું. તેણે ઑપરેશન અને કીમોથેરાપીની વેદના સહેવી પડી. ૧૫ વર્ષ પછી કેન્સરે ફરી ઊથલો માર્યો, આ વખતે તેની હાલત ગંભીર હતી. તેને ભાષાંતરનું કામ એટલું ગમતું કે તેની તબિયત સારી થતી ત્યારે, તે કામ કરવા લાગતી.

ડેનિયેલાની બીમારી જીવલેણ હતી, તોપણ બેથેલ છોડવાનો વિચાર ક્યારેય અમારા મનમાં આવ્યો નહિ. બેથેલમાં બીમાર પડવાથી બીજી પણ મુશ્કેલીઓ આવે છે. ખાસ તો બીજાઓને તમારી જીવલેણ બીમારી વિશે ખબર ન હોય ત્યારે. (નીતિ. ૧૪:૧૩) ડેનિયેલા ૭૫થી વધારે વર્ષની હોવા છતાં, તેના દેખાવ અને સુંદર ચહેરાને લીધે ખ્યાલ આવતો ન હતો કે તે બીમાર છે. તે પોતાના જ રોદણાં રડ્યા ન કરતી, પણ બીજાઓને મદદ કરવામાં ધ્યાન આપતી. તે જાણતી હતી કે, દુઃખી લોકોની વાત સાંભળવી પણ એક જાતની મદદ છે. (નીતિ. ૧૭:૧૭) ડેનિયેલાએ ક્યારેય એવો દાવો કર્યો નહિ કે પોતે એક સલાહકાર છે. પણ તેણે પોતાના અનુભવથી બીજી બહેનોને કેન્સરનો હિંમતથી સામનો કરવા મદદ કરી.

અમારે બીજી પણ મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો. ડેનિયેલા પૂરા સમયની સેવા કરી શકતી ન હતી. જોકે, એવા સમયે પણ તે મને ઘણી મદદ કરતી. તે મારું એટલું ધ્યાન રાખતી કે મારે બીજી બાબતોની ચિંતા કરવી પડતી નહિ. દાખલા તરીકે, તે બધું તૈયાર કરી રાખતી, જેથી બપોરે અમે પોતાના રૂમમાં સાથે જમી શકતા અને આરામ કરી શકતા. આમ, હું ૩૭ વર્ષ સુધી શાખા સમિતિના સેવક તરીકે કામ કરી શક્યો.—નીતિ. ૧૮:૨૨.

દરરોજ ચિંતાઓનો સામનો કરવો પડતો

આવા સંજોગો છતાં ડેનિયેલાએ હાર માની ન હતી. કેન્સરે તેના પર ત્રીજી વાર હુમલો કર્યો. અમને કંઈ સૂઝતું ન હતું અને અમે નિરાશ થઈ ગયાં હતાં. કીમોથેરાપી અને રેડિયોથેરાપી લીધા પછી, તે એટલી કમજોર થઈ જતી કે માંડ ચાલી શકતી. એક સમયની સારી ભાષાંતરકાર હવે પોતાના વિચારો પણ સહેલાઈથી જણાવી શકતી નહોતી. એ જોઈને મારું કાળજું કપાઈ જતું!

અમને કોઈ રસ્તો દેખાતો ન હતો, પણ અમે પ્રાર્થનામાં મંડ્યાં રહેતાં. અમને પૂરો ભરોસો હતો કે અમે સહન ન કરી શકીએ એવી કોઈ મુશ્કેલી યહોવા અમારા પર આવવા નહિ દે. (૧ કોરીં. ૧૦:૧૩) યહોવાએ પોતાના શબ્દ બાઇબલથી અમને મદદ આપી છે. તેમ જ, બેથેલના મેડિકલ વિભાગનાં ભાઈ-બહેનો અને બીજાં પ્રેમાળ ભાઈ-બહેનોનો સાથ આપ્યો છે. અમે એ બધાની ખૂબ કદર કરતા હતાં!

કેવી સારવાર લેવી, એ વિશે અમે ઘણી વાર યહોવા પાસેથી માર્ગદર્શન માંગતાં. એક સમય તો એવો આવ્યો કે કોઈ સારવાર કામ કરતી ન હતી. કેમ કે કિમોથેરાપી પછી ડેનિયેલા બેભાન થઈ જતી અને ૨૩ વર્ષથી તેની સારવાર કરનાર ડોક્ટર પણ એનું કારણ જાણતા ન હતા. તેમની પાસે બીજો કોઈ ઉપચાર રહ્યો ન હતો. અમે સાવ એકલા પડી ગયાં હતાં અને મૂંઝાઈ ગયાં હતાં કે હવે શું થશે. એવામાં અમને બીજા એક કેન્સરના ડોક્ટર મળ્યા, જે ડેનિયેલાની સારવાર કરવા તૈયાર થયા. એ તો જાણે ચિંતાઓમાંથી બહાર આવવાનો રસ્તો હતો, જે અમને યહોવા બતાવી રહ્યા હતા.

અમે શીખ્યા કે કાલની ચિંતા ન કરવી જોઈએ. ઈસુએ કહ્યું હતું, “દરેક દિવસ માટે એ દિવસની મુશ્કેલીઓ પૂરતી છે.” (માથ. ૬:૩૪) ડેનિયેલાનો સ્વભાવ આનંદી અને રમૂજી હોવાથી તેને મુશ્કેલીઓનો સામનો કરવા મદદ મળી. દાખલા તરીકે, ડેનિયેલાને બે મહિના સુધી કિમોથેરાપી મળી ન હતી. તોપણ, તેણે નટખટ સ્મિત સાથે મને કહ્યું, ‘આટલું સારું તો મને પહેલાં ક્યારેય લાગ્યું ન હતું!’ (નીતિ. ૧૭:૨૨) તે ઘણું સહન કરતી હોવા છતાં, ખૂબ ઉત્સાહથી નવાં રાજ્યગીતોની પ્રેક્ટિસ કરતી હતી.

તેના આનંદી સ્વભાવને લીધે મને પણ મદદ મળતી. સાચું કહું તો, ૫૭ વર્ષના લગ્નજીવનમાં તેણે મારું બહુ ધ્યાન રાખ્યું છે. તેણે મને કદી આમલેટ પણ બનાવવા દીધી ન હતી! તે બહુ હરીફરી શકતી ન હતી ત્યારે, મારે વાસણ ઘસવાનું અને કપડાં ધોવાનું શીખવું પડ્યું. અરે, કેટલીક સાદી વાનગીઓ બનાવવાનું પણ શીખવું પડ્યું. એમ કરવામાં મેં થોડા કાચના ગ્લાસ પણ તોડ્યા હતા. પણ, તેને ખુશ રાખવા હું કંઈ પણ કરવા તૈયાર હતો. *

યહોવાની અપાર કૃપા માટે હું આભારી છું

તબિયત અને ઘડપણને લીધે અમે વધારે કરી શકતા નથી. પણ, હું જીવનમાં ઘણા મહત્ત્વના બોધપાઠ શીખ્યો છું. પહેલો, પોતાના જીવનસાથીને હંમેશાં સમય આપવો જોઈએ. આપણે તન-મનથી મજબૂત હોઈએ ત્યારે, સ્નેહીજનોનું ધ્યાન રાખવા સમય કાઢવો જોઈએ. (સભા. ૯:૯) બીજો, નાનીનાની બાબતોની બહુ ચિંતા ન કરવી જોઈએ. નહિતર રોજ મળતા આશીર્વાદો આપણે ભૂલી જઈશું.—નીતિ. ૧૫:૧૫.

પૂરા સમયની સેવા વિશે વિચારું છું ત્યારે, પૂરી ખાતરીથી કહી શકું છું કે, અમે ધાર્યું પણ નહોતું એ રીતે યહોવાએ અમને આશીર્વાદો આપ્યા છે. હું પણ આ ગીતના લેખક જેવું અનુભવું છું: ‘યહોવા મારી સાથે ઉદારતાથી વર્ત્યા છે.’—ગીત. ૧૧૬:૭.

^ ફકરો. 32 આ લેખ તૈયાર થઈ રહ્યો હતો ત્યારે, ડેનિયેલા બોકાર્ટ ગુજરી ગયાં. તે ૭૮ વર્ષનાં હતાં.