સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

વાચકો તરફથી પ્રશ્નો

વાચકો તરફથી પ્રશ્નો

પ્રેરિત પાઊલને ‘ત્રીજા સ્વર્ગમાં અને જીવનના બાગમાં’ લઈ જવામાં આવ્યા હતા. એનો શું અર્થ થાય?—૨ કોરીં. ૧૨:૨-૪.

૨ કોરીંથીઓ ૧૨:૨, ૩માં પાઊલે લખ્યું, એક માણસને “ત્રીજા સ્વર્ગમાં લઈ જવામાં આવ્યો હતો.” એ માણસ કોણ હતો? કોરીંથ મંડળને લખેલા પત્રમાં પાઊલે સાફ જણાવ્યું હતું કે, ઈશ્વર તેમને પ્રેરિત તરીકે વાપરી રહ્યા છે. (૨ કોરીં. ૧૧:૫, ૨૩) પછી તેમણે “દર્શનો અને પ્રભુના સંદેશાઓ” વિશે જણાવ્યું હતું. એ સમયે પાઊલે બીજા ભાઈઓ વિશે કંઈ જણાવ્યું ન હતું. એટલે, સમજી શકાય કે પાઊલ પોતાની જ વાત કરી રહ્યા હતા, જેમને દર્શનો અને પ્રભુના સંદેશાઓ મળ્યા હતા.—૨ કોરીં. ૧૨:૧,.

આ બતાવે છે કે, જેમને ‘ત્રીજા સ્વર્ગમાં લઈ જવામાં આવ્યા’ અને ‘જીવનના બાગમાં’ લઈ જવામાં આવ્યા, એ માણસ બીજું કોઈ નહિ પણ પાઊલ હતા. (૨ કોરીં. ૧૨:૨-૪) તેમણે “સંદેશાઓ” શબ્દ વાપર્યો હતો. એ બતાવે છે કે ભાવિ વિશે તેમને કંઈક જણાવવામાં આવ્યું હતું.

‘ત્રીજું સ્વર્ગ’ શાને રજૂ કરે છે?

બાઇબલમાં ‘સ્વર્ગ’ અને ‘આકાશ’ શબ્દો વપરાયા છે. (ઉત. ૧૧:૪; ૨૭:૨૮; માથ. ૬:૨૬) પણ, અમુક કિસ્સાઓમાં બીજી બાબતો માટે પણ એ શબ્દો વપરાયા છે. જેમ કે માણસોની સત્તા. (દાની. ૪:૨૦-૨૨) અથવા, ઈશ્વરની સત્તા પણ હોઈ શકે, જે તેમના રાજમાં અમલમાં આવશે.—પ્રકટી. ૨૧:૧.

પાઊલે ‘ત્રીજું સ્વર્ગ’ જોયું હતું. એનો શું અર્થ થાય? બાઇબલમાં કોઈ શબ્દ કે વાત પર ભાર મૂકવા, એ ત્રણ વાર જણાવવામાં આવે છે. (યશા. ૬:૩; હઝકી. ૨૧:૨૭; પ્રકટી. ૪:૮) એવું લાગે છે કે, અહીંયા પણ “ત્રીજા સ્વર્ગ” શબ્દનો ઉપયોગ કરીને પાઊલ એવી સત્તા વિશે જણાવવા માંગતા હતા જે સૌથી સારી છે. એ સત્તા કદાચ મસીહના રાજને દર્શાવે છે, જેમાં ઈસુ અને ૧,૪૪,૦૦૦ અભિષિક્તો રાજ કરશે. (ઇન્સાઈટ ઓન ધ સ્ક્રીપ્ચર્સ ગ્રંથ ૧, પાન ૧૦૫૯, ૧૦૬૨ જુઓ.) આપણે ઈશ્વરના વચન પ્રમાણે ‘નવા આકાશની’ રાહ જોઈ રહ્યા છીએ, જે વિશે પાઊલે લખ્યું હતું.૨ પીત. ૩:૧૩.

“જીવનનો બાગ” શાને રજૂ કરે છે?

“જીવનનો બાગ” શબ્દોનો આવો અર્થ થઈ શકે: (૧) શરૂઆતમાં માણસ સુંદર બાગમાં રહેતો હતો. એટલે સમજી શકાય કે “જીવનનો બાગ” સુંદર બાગ જેવી પૃથ્વીને રજૂ કરે છે જે ભાવિમાં હશે. (૨) નવી દુનિયામાં યહોવા પોતાના લોકોને જે શાંતિભર્યો માહોલ આપશે એને રજૂ કરે છે. (૩) એ સ્વર્ગની સુંદર સ્થિતિને રજૂ કરે છે, જેનો પ્રકટીકરણ ૨:૭માં ‘ઈશ્વરના બાગ’ તરીકે ઉલ્લેખ થયો છે.—જુલાઈ ૧૫, ૨૦૧૫ ચોકીબુરજના પાન ૮ પર ફકરો ૮ જુઓ.

બીજો કોરીંથીઓ ૧૨:૩માં પાઊલ કદાચ ઉપરની ત્રણેય બાબતો વિશે જણાવી રહ્યા હતા.

આપણે શું શીખ્યા?

બીજો કોરીંથીઓ ૧૨:૨માં ‘ત્રીજું સ્વર્ગ’ શબ્દો કદાચ મસીહના રાજને રજૂ કરે છે, જેને ‘નવું આકાશ’ પણ કહેવામાં આવે છે. એ રાજ ઈસુ ખ્રિસ્ત અને ૧,૪૪,૦૦૦ અભિષિક્ત રાજાઓનું બનેલું છે.—૨ પીત. ૩:૧૩.

એને ‘ત્રીજું સ્વર્ગ’ એટલા માટે કહ્યું છે, કેમ કે એ સૌથી સારું રાજ છે અને એનાથી ઉચ્ચ સત્તા બીજી કોઈ નથી.

દર્શનમાં પાઊલને જે ‘જીવનના બાગમાં’ લઈ જવામાં આવ્યા હતા, એનો કદાચ આવો અર્થ થતો હતો: (૧) આખી પૃથ્વી બાગ જેવી સુંદર બનશે, (૨) આજે યહોવાના લોકો જે શાંતિભર્યા માહોલમાં રહે છે, ભવિષ્યમાં એનાથી પણ વધારે સારા માહોલમાં રહેશે, (૩) નવી દુનિયામાં સ્વર્ગમાં “ઈશ્વરનો બાગ” હશે અને પૃથ્વી બાગ જેવી સુંદર હશે.

આમ, નવી દુનિયામાં નવા આકાશ અને નવી પૃથ્વી બંનેનો સમાવેશ થાય છે. એ નવી ગોઠવણ હશે. એમાં ઈસુ અને બીજા રાજાઓ સ્વર્ગમાંથી રાજ કરશે અને બાગ જેવી સુંદર પૃથ્વી પર મનુષ્યો યહોવાની ભક્તિ કરશે.