સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

“ન્યાયીઓ યહોવામાં આનંદ કરશે”

“ન્યાયીઓ યહોવામાં આનંદ કરશે”

ડાયેના બહેન ૮૦ કરતાં વધારે વર્ષનાં છે. પાછલાં અમુક વર્ષોમાં તેમણે ઘણી તકલીફો સહેવી પડી છે. તેમના પતિને ભૂલવાની બીમારી હતી. તે ઘણો સમય દવાખાનામાં રહ્યા અને ગુજરી ગયા. તેમના બે દીકરાનું પણ અવસાન થયું હતું. બહેન સ્તન કેન્સર સામે પણ લડી રહ્યા હતા. તેમ છતાં, ભાઈ-બહેનો જ્યારે પણ એ બહેનને મળતાં ત્યારે તેમનો ચહેરો હંમેશાં હસતો જોવા મળતો.

જોન ભાઈએ ૪૩ કરતાં વધુ વર્ષો સુધી પ્રવાસી નિરીક્ષક તરીકે સેવા આપી હતી. તેમને પોતાની સોંપણી ખૂબ ગમતી, એ જ તેમનું જીવન હતું. બીમાર સગાની કાળજી લેવા તેમણે એ સોંપણી છોડવી પડી હતી. ઓળખીતાં ભાઈ-બહેનો સંમેલનમાં જોનને મળતાં ત્યારે, તેઓ જોઈ શકતાં કે જોન તો જરાય બદલાયા નથી. તે પહેલાં જેવા જ ખુશખુશાલ છે.

ડાયેના અને જોન કઈ રીતે પોતાની ખુશી જાળવી શક્યાં? તકલીફો સહેવા છતાં વ્યક્તિ કઈ રીતે ખુશ રહી શકે? મનગમતું કામ છોડીને વ્યક્તિ કઈ રીતે ખુશ રહી શકે? એનો જવાબ બાઇબલમાં જોવા મળે છે. એમાં લખ્યું છે: “ન્યાયીઓ યહોવામાં આનંદ કરશે.” (ગીત. ૬૪:૧૦) એ વિશેનું સત્ય સમજવા ચાલો જોઈએ કે શાનાથી આપણને કાયમી ખુશી મળે છે અને શાનાથી નથી મળતી.

પળ બે પળની ખુશી

અમુક બાબતોથી આપણને હંમેશાં ખુશી મળે છે. દાખલા તરીકે, એક છોકરો અને છોકરી એકબીજાના ગળાડૂબ પ્રેમમાં છે અને તેઓનાં લગ્ન થવાના છે. અથવા કોઈને હમણાં જ બાળક જન્મ્યું છે કે પછી કોઈને યહોવાની સેવામાં નવી સોંપણી મળી છે. આવી બધી બાબતોથી ખુશી મળે છે કારણ કે એ તો યહોવા તરફથી મળેલી ભેટ છે. તેમણે લગ્નની ગોઠવણ કરી, બાળકો પેદા કરવાની ક્ષમતા આપી અને તેમના સંગઠનમાં કામ કરવાનો મોકો આપ્યો.—ઉત. ૨:૧૮, ૨૨; ગીત. ૧૨૭:૩; ૧ તિમો. ૩:૧.

અમુક બાબતોથી મળતી ખુશી કાયમ ટકતી નથી, એ પળ બે પળની હોય છે. દુઃખની વાત છે કે અમુક લગ્નસાથી બેવફા બને છે કે પછી મરણ પામે છે. (હઝકી. ૨૪:૧૮; હોશી. ૩:૧) અમુક બાળકો માબાપનું અને યહોવાનું કહ્યું માનતા નથી અને બહિષ્કૃત થાય છે. દાખલા તરીકે, શમૂએલના દીકરાઓએ યહોવાની ભક્તિ છોડી દીધી હતી. દાઊદે બાથશેબા સાથે વ્યભિચાર કર્યો હોવાથી તેમણે ઘણું દુઃખ સહેવું પડ્યું હતું. (૧ શમૂ. ૮:૧-૩; ૨ શમૂ. ૧૨:૧૧) આવું થાય ત્યારે ખુશીઓ છીનવાઈ જાય છે તથા દુઃખ અને પીડા આવી પડે છે.

બીમારી થઈ હોવાથી, કુટુંબની સંભાળ લેવાની હોવાથી કે સંગઠનમાં કોઈ ફેરફાર થવાથી આપણે સોંપણી છોડવી પડી શકે. જેઓએ પોતાની સોંપણી છોડવી પડી છે, તેઓ જણાવે છે કે હવે પહેલાં જેવાં ખુશી અને સંતોષ મળતાં નથી.

આ બધા કારણોને લીધે આપણી ખુશી છીનવાઈ જાય છે. શું એવી કોઈ ખુશી છે, જે મુશ્કેલીઓમાં પણ જાળવી રાખી શકાય? હા, ચોક્કસ છે. શમૂએલ, દાઊદ અને બીજા ઈશ્વરભક્તોએ કસોટીઓમાં પણ પોતાની ખુશી જાળવી રાખી હતી.

કાયમી ખુશી

ઈસુ જાણતા હતા કે સાચી ખુશી કોને કહેવાય. બાઇબલ જણાવે છે કે તે પૃથ્વી પર આવ્યા એ પહેલાં ‘સદા યહોવાની આગળ ખુશી મનાવતા હતા.’ (નીતિ. ૮:૩૦) પૃથ્વી પર આવ્યા પછી, તેમણે અમુક વાર આકરી કસોટીઓ સહેવી પડી. તેમ છતાં, પિતાની ઇચ્છા પૂરી કરવામાં તેમને ખુશી મળતી. (યોહા. ૪:૩૪) ઈસુના જીવનની છેલ્લી ઘડીઓ વિશે બાઇબલ જણાવે છે: ‘તેમની આગળ રાખેલા આનંદને લીધે તેમણે વધસ્તંભનું દુઃખ સહન કર્યું.’ (હિબ્રૂ. ૧૨:૨) ઈસુએ એવી બે બાબતો જણાવી હતી જેનાથી સાચી ખુશી મળે છે. આપણે એમાંથી ઘણું શીખી શકીએ છીએ.

૭૦ શિષ્યો ખુશખબર જણાવીને પાછા ફર્યા ત્યારે ઘણા ખુશ હતા. કારણ કે તેઓ ઘણાં કામો કરી શક્યાં હતાં, અરે તેઓએ દુષ્ટ દૂતોને પણ કાઢ્યા હતા. પણ ઈસુએ તેઓને કહ્યું: “દુષ્ટ દૂતો તમને આધીન કરવામાં આવ્યા છે એ માટે ખુશ ન થાઓ, પણ તમારા નામ સ્વર્ગમાં લખાયેલા છે, એ માટે ખુશ થાઓ.” (લુક ૧૦:૧-૯, ૧૭, ૨૦) હા, યહોવાની કૃપા મેળવવી સૌથી મહત્ત્વની છે. એનાથી આપણને અપાર ખુશી મળે છે. બીજી કોઈ પણ સોંપણીથી મળતી ખુશી એની તોલે ન આવી શકે!

એક વાર ઈસુ ટોળાને શીખવી રહ્યા હતા. એક યહુદી સ્ત્રીને તેમનું શિક્ષણ ઘણું ગમ્યું. તેને એ વાતો એટલી હદે ગમી કે તેણે કહ્યું, ‘ધન્ય છે એ સ્ત્રીને જેણે તમને જન્મ આપ્યો.’ પણ ઈસુએ કહ્યું: “ના, એના કરતાં ધન્ય છે તેઓને, જેઓ ઈશ્વરની વાણી સાંભળે છે અને પાળે છે!” (લુક ૧૧:૨૭, ૨૮) બાળકો સારું કામ કરે તો આપણને ગર્વ થાય છે અને ખુશી મળે છે. પણ શું એનાથી કાયમી ખુશી મળે છે? એવી ખુશી તો યહોવાની આજ્ઞા પાળવાથી અને તેમની સાથેનો સંબંધ મજબૂત કરવાથી મળે છે.

યહોવા આપણા કામથી ખુશ છે, એ જાણીને આપણને ઘણો આનંદ થાય છે. કોઈ પણ સતાવણી એ આનંદ છીનવી શકતી નથી. સતાવણીઓમાં ઈશ્વરને વફાદાર રહીએ છીએ ત્યારે આપણો આનંદ બમણો થઈ જાય છે. (રોમ. ૫:૩-૫) જેઓ યહોવા પર ભરોસો મૂકે છે, તેઓને તે પવિત્ર શક્તિ આપે છે. એ શક્તિથી ઉત્પન્ન થતા ગુણોમાં આનંદનો પણ સમાવેશ થાય છે. (ગલા. ૫:૨૨) એનાથી આપણને ગીતશાસ્ત્ર ૬૪:૧૦ના આ શબ્દો સમજવા મદદ મળે છે: “ન્યાયીઓ યહોવામાં આનંદ કરશે.”

ખુશ રહેવા જોનને ક્યાંથી મદદ મળી?

હવે આપણે સારી રીતે સમજી શકીએ છીએ કે, ડાયેના અને જોન શા માટે અઘરા સંજોગોમાં પણ ખુશ રહી શક્યા હતા. ડાયેના જણાવે છે: ‘જેમ બાળક માબાપ પર આધાર રાખે છે, તેમ મેં યહોવા પર આધાર રાખ્યો છે. તેમણે મને એવો આશીર્વાદ આપ્યો છે કે હું ચહેરા પર સ્મિત સાથે સેવાકાર્યમાં લાગુ રહી શકું છું.’ સોંપણી છોડ્યા પછી પણ ખુશ રહેવા અને સેવાકાર્યમાં મંડ્યા રહેવા જોનને ક્યાંથી મદદ મળી? તે કહે છે: ‘૧૯૯૮માં મને સેવકાઈ તાલીમ શાળામાં શીખવવાની સોંપણી મળી હતી. ત્યારથી હું વધારે અભ્યાસ કરવા લાગ્યો. એનાથી યહોવા જે કંઈ કામ સોંપે એ કરવા અમે હંમેશાં તૈયાર રહેતા. એટલે અમે સહેલાઈથી ફેરફાર સ્વીકારી શક્યા. આજે અમને કોઈ વાતનો અફસોસ નથી.’

ગીતશાસ્ત્ર ૬૪:૧૦ના શબ્દોને ઘણાએ પોતાના જીવનમાં સાચા પડતા જોયા છે. ચાલો એક યુગલનો દાખલો જોઈએ. તેઓ અમેરિકાના બેથેલમાં ૩૦થી વધુ વર્ષોથી સેવા આપતાં હતાં. તેઓને ખાસ પાયોનિયર તરીકેની સોંપણી મળી. તેઓ જણાવે છે: ‘ગમતી વસ્તુ ગુમાવીએ ત્યારે દુઃખ તો થવાનું જ. પણ એનો અર્થ એ નથી કે તમે હંમેશાં દુઃખને વાગોળ્યા કરો.’ નવી સોંપણી મળી કે તરત જ તેઓ મંડળ સાથે પ્રચાર કરવા લાગ્યા. તેઓએ કહ્યું: ‘ઘણી વાર એમ થતું કે પ્રાર્થનામાં જે તકલીફ વિશે જણાવ્યું હોય, થોડા જ સમયમાં એનો જવાબ મળતો. એનાથી અમને ઘણું ઉત્તેજન અને ખુશી મળતાં હતાં. અમારા આવ્યાં પછી મંડળમાં ઘણાં ભાઈ-બહેનો પાયોનિયર બન્યાં. અમે ખુશ છીએ કે અમારા બે બાઇબલ વિદ્યાર્થીઓ સારી પ્રગતિ કરી રહ્યા છે.’

‘હંમેશ માટે આનંદ કરીશું’

જીવનમાં તડકો-છાંયો તો આવ્યા કરે છે, એટલે આપણી ખુશી કાયમ ટકતી નથી. પણ યહોવા આપણને મદદ કરવાની ખાતરી આપે છે, જે આપણને ગીતશાસ્ત્ર ૬૪:૧૦માં જોવા મળે છે. ભલે ગમે એ કારણને લીધે આપણે નિરાશ થઈ જઈએ, પણ જો વફાદાર રહીશું તો ‘યહોવામાં આનંદ કરી શકીશું.’ આપણે આતુરતાથી રાહ જોઈએ છીએ કે “નવાં આકાશ તથા નવી પૃથ્વી” વિશેનું યહોવાનું વચન પૂરું થાય. એ સમયે આપણામાં પાપની અસર નહિ હોય. યહોવાનાં કામોને લીધે આપણે ‘હંમેશ માટે આનંદ કરીશું અને હરખાઈશું.’—યશા ૬૫:૧૭, ૧૮.

જરા એ દુનિયાની કલ્પના કરો. આપણે પૂરી રીતે તંદુરસ્ત હોઈશું. જોમ અને તાજગી સાથે સોનેરી સવાર ઊગશે. દિલ પર પડેલા કારમા ઘા રુઝાઈ જશે અને કડવી યાદો ભૂંસાઈ જશે. યહોવા આપણને ખાતરી આપે છે, ‘પહેલાંના પ્રસંગો યાદ કરવામાં આવશે નહિ, એ મનમાંય આવશે નહિ.’ મરણે છીનવી લીધેલાં સગાં-વહાલાં અને મિત્રોને આપણે પાછા મળીશું. એ વખતે ઈસુના સમયના એક માબાપ જેવું આપણે અનુભવીશું. તેઓની બાર વર્ષની છોકરીને ઈસુએ સજીવન કરી ત્યારે “તેઓની ખુશીનો પાર ન રહ્યો.” (માર્ક ૫:૪૨) પૃથ્વી પરની દરેક વ્યક્તિ નેક બનશે અને હંમેશ માટે “યહોવામાં આનંદ કરશે.”