અભ્યાસ લેખ ૪૯
લોકોને મરણમાંથી ઉઠાડવામાં આવશે એવો ભરોસો રાખીએ
‘ઈશ્વરમાં એ જ ભરોસો હું રાખું છું કે લોકોને મરણમાંથી ઉઠાડવામાં આવશે.’—પ્રે.કા. ૨૪:૧૫.
ગીત ૧૨ અમર જીવનનું વચન
ઝલક *
૧-૨. ઈશ્વરભક્તો પાસે કઈ સોનેરી આશા છે?
જીવનમાં આશા રાખવી ખૂબ મહત્ત્વનું છે. અમુક ચાહે છે કે તેઓનું લગ્નજીવન સુખી હોય. બીજા અમુક ચાહે છે કે તેઓનાં બાળકો મોટા થઈને સારા વ્યક્તિ બને. જેઓ બીમાર છે તેઓ જલદી સારા થવાનું સપનું જુએ છે. ઈશ્વરભક્તો પણ એવી જ આશા રાખે છે. તેઓ નવી દુનિયામાં હંમેશ માટેના જીવનની પણ આશા રાખે છે. એટલું જ નહિ, તેઓને આશા છે કે ગુજરી ગયેલા સગા-વહાલાઓને ફરી ઉઠાડવામાં આવશે અને તેઓ પણ હંમેશ માટે જીવશે.
૨ પ્રેરિત પાઊલે કહ્યું હતું, ‘હું ઈશ્વરમાં એ જ ભરોસો રાખું છું કે સારા લોકો અને ખરાબ લોકોને મરણમાંથી ઉઠાડવામાં આવશે.’ (પ્રે.કા. ૨૪:૧૫) પાઊલના હજારો વર્ષ પહેલા અયૂબે પણ જણાવ્યું હતું કે લોકોને મરણમાંથી ઉઠાડવામાં આવશે. અયૂબને ભરોસો હતો કે ઈશ્વર તેમને યાદ રાખીને મરણમાંથી પાછા ઉઠાડશે.—અયૂ. ૧૪:૭-૧૦, ૧૨-૧૫.
૩. પહેલો કોરીંથીઓ અધ્યાય ૧૫ પર ધ્યાન આપવાથી આપણને કયો ફાયદો થશે?
૩ “મરણ પામેલાઓનું જીવતા થવું” એ બાઇબલનું “મૂળ શિક્ષણ” એટલે કે “પાયો” છે. (હિબ્રૂ. ૬:૧, ૨) એ વિશે ૧ કોરીંથીઓ અધ્યાય ૧૫માં પાઊલે ઘણું બધું કહ્યું છે. એનાથી પ્રથમ સદીના ખ્રિસ્તીઓની શ્રદ્ધા મક્કમ થઈ હશે. એ શિક્ષણમાં આપણે વર્ષોથી માનતા હોઈશું, પણ આ અધ્યાયથી આપણી શ્રદ્ધા વધુ મજબૂત થશે.
૪. આપણે કેમ ભરોસો રાખી શકીએ કે આપણા સગા-વહાલાઓને પાછા ઉઠાડવામાં આવશે?
૪ ઈસુને મરણમાંથી ઉઠાડવામાં આવ્યા છે એનાથી આપણને આશા મળે છે. આપણને ભરોસો થયો છે કે મરણ પામેલા આપણા સગા-વહાલાઓને એક દિવસ પાછા ઉઠાડવામાં આવશે. કોરીંથીના લોકોને પાઊલે “ખુશખબર” જણાવી ત્યારે એ પણ જણાવ્યું કે ઈસુને પાછા ઉઠાડવામાં આવ્યા છે. (૧ કોરીં. ) જો કોઈ ઈશ્વરભક્ત એમાં ન માને તો એની શ્રદ્ધા નકામી છે. ( ૧૫:૧, ૨૧ કોરીં. ૧૫:૧૭) ઈસુને પાછા ઉઠાડવામાં આવ્યા એટલે ભરોસો રાખી શકીએ કે જેઓ ગુજરી ગયા છે તેઓને ઉઠાડવામાં આવશે.
૫-૬. (ક) પહેલો કોરીંથીઓ ૧૫:૩, ૪માં કયા ત્રણ સત્ય જણાવવામાં આવ્યા છે? (ખ) એનાથી આપણને કઈ ખાતરી મળે છે?
૫ પહેલો કોરીંથીઓ ૧૫માં અધ્યાયની શરૂઆતમાં પાઊલે આ ત્રણ મહત્ત્વનાં સત્ય જણાવ્યા છે: (૧) “ખ્રિસ્ત આપણાં પાપને માટે મરણ પામ્યાં,” (૨) “તેમને દફનાવવામાં આવ્યા” અને (૩) “શાસ્ત્રવચનો પ્રમાણે તેમને ત્રીજા દિવસે જીવતા કરવામાં આવ્યા.”—૧ કોરીંથીઓ ૧૫:૩, ૪ વાંચો.
૬ વર્ષો પહેલાં યશાયાએ ભવિષ્યવાણી કરી હતી કે મસીહને ‘જીવતાઓની ભૂમિ પરથી મારી નાખવામાં આવશે’ અને તેમની ‘કબર દુષ્ટોની સાથે હશે.’ તે પોતાનું જીવન કુરબાન કરીને ‘ઘણાઓનાં પાપ માથે લેશે.’ (યશા. ૫૩:૮, ૯, ૧૨; માથ. ૨૦:૨૮; રોમ. ૫:૮) ઈસુ મરણ પામ્યા, તેમને દફનાવવામાં આવ્યા અને પાછા જીવતા કરવામાં આવ્યા. એનાથી કઈ ખાતરી મળે છે? આપણને પાપ અને મરણમાંથી છોડાવવામાં આવશે. વધુમાં, ગુજરી ગયેલા આપણા સગા-વહાલાઓ ઊઠશે ત્યારે તેઓને મળી શકાશે.
ઘણા લોકોએ પોતાની નજરે જોયું
૭-૮. શા પરથી કહી શકાય કે ઈસુને પાછા ઉઠાડવામાં આવ્યા હતા?
૭ ઈસુને ખરેખર ઉઠાડવામાં આવ્યા છે, એ વાતનો આપણને પૂરો ભરોસો હોવો જોઈએ. એનાથી આપણને આશા મળે છે કે જેઓ ગુજરી ગયા છે તેઓને નવી દુનિયામાં પાછા ઉઠાડવામાં આવશે. ચાલો અમુક પુરાવા જોઈએ જે બતાવે છે કે યહોવાએ ઈસુને ખરેખર ઉઠાડ્યા છે.
૮ પાઊલ જણાવે છે કે ઈસુને પાછા ઉઠાડવામાં આવ્યા ત્યારે ઘણા લોકોએ તેમને જોયા હતા. એ વિશે તેઓએ બીજાઓને જણાવ્યું પણ હતું. (૧ કોરીં. ૧૫:૫-૭) પાઊલે જે લોકોના નામ જણાવ્યા એમાં પહેલું નામ પ્રેરિત પીતરનું (કેફાસનું) હતું. પાઊલની જેમ બીજા શિષ્યોએ પણ જણાવ્યું કે પીતરે ઈસુને જોયા હતા. (લુક ૨૪:૩૩, ૩૪) વધુમાં, ઈસુ “બાર પ્રેરિતોને” પણ દેખાયા. પછી ઈસુ “૫૦૦ કરતાં વધારે ભાઈઓને એક સાથે દેખાયા.” કદાચ એ ગાલીલની સભા હોય શકે જે વિશે માથ્થી ૨૮:૧૬-૨૦માં બતાવ્યું છે. એ પછી ઈસુ “યાકૂબને દેખાયા” જે તેમના સાવકા ભાઈ હતા. પહેલાં તે ઈસુને મસીહ માનતા ન હતા. ઈસુને પાછા જીવતા થયેલા જોઈને યાકૂબે તેમનામાં શ્રદ્ધા મૂકી. (યોહા. ૭:૫) ધ્યાન આપો કે પાઊલે એ પત્ર આશરે ૫૫ સી.ઈ.માં લખ્યો ત્યારે, એવા ઘણા લોકો હતા જેઓએ ઈસુને પાછા ઊઠેલા જોયા હતા. ઈસુને પાછા ઉઠાડવામાં આવ્યા છે કે નહિ એ વાતની જો કોઈને શંકા ગઈ હોત, તો તેમણે ચોક્કસ પૂછ્યું હોત.
૯. પ્રેરિતોનાં કાર્યો ૯:૩-૫ પ્રમાણે પાઊલે કઈ રીતે સાબિતી આપી કે ઈસુ પાછા ઊઠ્યા છે?
૯ ઈસુ એ પછી પાઊલને પણ દેખાયા હતા. (૧ કોરીં. ૧૫:૮) પાઊલ (શાઊલ) દમસ્ક જઈ રહ્યા હતા ત્યારે, તેમણે ઈસુનો અવાજ સાંભળ્યો. પછી તેમણે દર્શનમાં ઈસુને સ્વર્ગમાં જોયા. (પ્રેરિતોનાં કાર્યો ૯:૩-૫ વાંચો.) પાઊલના અનુભવમાંથી પણ સાબિતી મળે છે કે ઈસુ પાછા ઊઠ્યા છે અને એ કોઈ વાર્તા નથી.—પ્રે.કા. ૨૬:૧૨-૧૫.
૧૦. ઈસુને પાછા ઉઠાડવામાં આવ્યા છે એની પાઊલને ખાતરી થઈ ત્યારે તેમણે શું કર્યું?
૧૦ પાઊલે જે જોયું અને કહ્યું એના પર અમુક લોકોએ ખાસ ધ્યાન આપ્યું હશે. કારણ કે પાઊલ ખ્રિસ્તીઓને પહેલાં ખૂબ સતાવતા હતા. ઈસુ પાછા ઊઠ્યા છે એવી ખાતરી મળ્યા પછી પાઊલે બીજાઓને પણ એવી ખાતરી થાય માટે મહેનત કરી. એ માટે તેમણે ઘણો માર ખાધો, કેદમાં ગયા અને તેમનું વહાણ તૂટી ગયું તોપણ તે અટક્યા નહિ. તે તો દૂર દૂર સુધી સત્ય જણાવતા રહ્યા કે ઈસુનું મરણ થયું હતું અને તેમને ઉઠાડવામાં આવ્યા છે. (૧ કોરીં. ૧૫:૯-૧૧; ૨ કોરીં. ૧૧:૨૩-૨૭) પાઊલને એ સત્ય પર એટલો ભરોસો હતો કે એને ફેલાવવા તે પોતાનું જીવન કુરબાન કરવા પણ તૈયાર હતા. પ્રથમ સદીના ખ્રિસ્તીઓએ આપેલા પુરાવામાંથી આપણને ચોક્કસ ખાતરી મળે છે કે ઈસુને પાછા ઉઠાડવામાં આવ્યા છે. આપણને એ પણ ભરોસો છે કે નવી દુનિયામાં લોકોને પાછા ઉઠાડવામાં આવશે.
ખોટી માન્યતાઓ પરથી પડદો હટ્યો
૧૧. શા માટે કોરીંથના અમુક લોકોની ખોટી માન્યતાઓ હતી?
૧૧ કોરીંથ શહેરમાં ગ્રીક લોકોની મરણ પામેલાઓ વિશે ખોટી માન્યતાઓ હતી. અમુક તો એટલે સુધી કહેતા કે “મરણ પામેલાઓને ઉઠાડવામાં નહિ આવે.” શા માટે? (૧ કોરીં. ૧૫:૧૨) કારણ કે ઈસુને પાછા ઉઠાડવામાં આવ્યા છે, એ વાતની એથેન્સના ગ્રીક ફિલસૂફોએ મજાક ઉડાવી હતી. એટલે કોરીંથના અમુક લોકો તેઓની વાતોમાં આવી ગયા હશે. (પ્રે.કા. ૧૭:૧૮, ૩૧, ૩૨) બીજા કેટલાકને તો એવું લાગતું કે ગુજરી ગયેલાઓને ફરી ઉઠાડવામાં નહિ આવે. તેઓ એ શિક્ષણનો બીજો જ અર્થ કાઢતા હતા. તેઓનું માનવું હતું કે માણસ પાપી હોવાને કારણે જાણે “મરેલો” છે. પણ જ્યારે તે ખ્રિસ્તી બને છે ત્યારે “જીવતો” થાય છે. કારણ કે તેના પાપ માફ કરવામાં આવ્યા છે. ભલે ગમે એ કારણ હોય, જેઓ એ શિક્ષામાં માનતા નથી તેઓની શ્રદ્ધા નકામી છે. જો ઈશ્વરે ઈસુને પાછા ઊઠાડ્યા ન હોત તો એનો અર્થ થાય કે ઈસુએ આપણા માટે બલિદાનની કિંમત ચૂકવી નથી અને આપણને પાપોની માફી મળી નથી. ગુજરી ગયેલાઓને ફરી જીવતા કરવામાં આવશે એવું જેઓ માનતા ન હતા, તેઓ પાસે ભાવિની કોઈ આશા ન હતી.—૧ કોરીં. ૧૫:૧૩-૧૯; હિબ્રૂ. ૯:૧૨, ૧૪.
૧૨. પહેલો પીતર ૩:૧૮, ૨૨ પ્રમાણે જે લોકો ઈસુ પહેલાં મરણમાંથી ઊઠ્યા હતા, તેઓમાં અને ઈસુમાં શું ફરક હતો?
૧૨ પાઊલે પોતે એ દર્શનમાં ઈસુને જોયા હતા. એટલે તેમને પૂરી ખાતરી હતી કે “ખ્રિસ્તને મરણમાંથી ઉઠાડવામાં આવ્યા છે.” ઈસુ પહેલાં અમુક લોકોને મરણમાંથી ઉઠાડવામાં આવ્યા હતા. પણ ફરીથી તેઓનું મરણ થઈ ગયું. પરંતુ ઈસુને ઉઠાડવામાં આવ્યા ત્યારે તેમને દૂતો જેવું શરીર આપવામાં આવ્યું, જેથી તે સ્વર્ગમાં જઈ શકે. ઈસુ પહેલાં કોઈને એવું જીવન મળ્યું ન હતું. માણસોમાં તે સૌથી પહેલા હતા, જે મરણમાંથી ઊઠ્યા પછી સ્વર્ગમાં ગયા. એટલે પાઊલે કહ્યું કે “મરણની ઊંઘમાં છે એ લોકોમાંથી તેમને પ્રથમ જીવતા કરવામાં આવ્યા છે.”—૧ કોરીં. ૧૫:૨૦; પ્રે.કા. ૨૬:૨૩; ૧ પીતર ૩:૧૮, ૨૨ વાંચો.
‘બધાને જીવતા કરવામાં આવશે’
૧૩. પાઊલે આદમ અને ઈસુમાં કયો ફરક બતાવ્યો?
૧૩ એક માણસના મરણથી કઈ રીતે કરોડો લોકોને જીવન મળી શકે? એનો જવાબ આપવા પાઊલે આદમ અને ઈસુ વચ્ચેનો ફરક સમજાવ્યો. તેમણે કહ્યું કે આદમને લીધે માણસોને નુકસાન થયું છે, પણ ઈસુના બલિદાનથી તેઓને આશીર્વાદો મળી શકે છે. આદમ વિશે પાઊલે લખ્યું, “એક માણસને લીધે મરણ આવ્યું.” આદમે પાપ કર્યું એટલે તેના પર અને તેનાં બાળકો પર મરણ આવ્યું. આજે પણ એના લીધે માણસો મરી રહ્યા છે. પણ યહોવાએ ઈસુને જીવતા કર્યા ત્યારે માણસોને અનેરી આશા મળી. એટલે પાઊલે કહ્યું, ‘એક માણસને લીધે બધાને મરણમાંથી જીવતા પણ કરાશે.’ પાઊલે એ પણ સમજાવ્યું કે ‘જેમ આદમને લીધે બધા મરે છે, તેમ ખ્રિસ્તને લીધે બધાને જીવતા પણ કરવામાં આવશે.’—૧ કોરીં. ૧૫:૨૧, ૨૨.
૧૪. શું આદમને પાછો ઉઠાડવામાં આવશે? સમજાવો.
૧૪ પાઊલે કહ્યું કે “આદમને લીધે બધા મરે છે.” આદમને લીધે બધા માણસોમાં પાપ આવ્યું એટલે તેઓ ભૂલો કરે છે અને તેઓનું મરણ થાય છે. (રોમ. ૫:૧૨) આદમમાં કોઈ ખામી ન હતી અને તેણે જાણી જોઈને ઈશ્વરની આજ્ઞા તોડી હતી. એટલે ઈસુએ આપેલા બલિદાનથી તેને ફાયદો મળશે નહિ. તેને ફરી ‘જીવતો કરવામાં’ નહિ આવે. જેઓ જાણી જોઈને ઈશ્વરની આજ્ઞા તોડે છે, તેઓના હાલ પણ આદમ જેવા જ થશે. ભાવિમાં “માણસનો દીકરો,” એટલે કે ઈસુ ન્યાય કરશે ત્યારે, તેઓને ‘બકરાં’ જેવા ગણશે અને તેઓનો “હંમેશ માટે નાશ થશે.”—માથ. ૨૫:૩૧-૩૩, ૪૬; હિબ્રૂ. ૫:૯.
૧૫. પાઊલે કહ્યું કે ‘બધાને જીવતા કરવામાં આવશે’ ત્યારે તે કોની વાત કરી રહ્યા હતા?
૧૫ પાઊલે એમ પણ કહ્યું કે ‘ખ્રિસ્તને લીધે બધાને જીવતા કરવામાં આવશે.’ (૧ કોરીં. ૧૫:૨૨) આ કલમમાં બધા કોને રજૂ કરે છે? આ પત્ર પાઊલે કોરીંથના અભિષિક્ત ખ્રિસ્તીઓને લખ્યો હતો, જેઓને સ્વર્ગના જીવનની આશા હતી. ‘ખ્રિસ્ત ઈસુના શિષ્યો થવા તેઓને પવિત્ર કરવામાં આવ્યા હતા અને પવિત્ર જનો બનવા પસંદ કરવામાં આવ્યા હતા.’ પાઊલે પત્રમાં એમ પણ જણાવ્યું કે અમુક ‘ખ્રિસ્તના શિષ્યો મરણની ઊંઘમાં સરી ગયા છે.’ (૧ કોરીં. ૧:૨; ૧૫:૧૮; ૨ કોરીં. ૫:૧૭) પાઊલે રોમનોને પત્ર લખ્યો એમાં લખ્યું કે ‘જેઓ ઈસુની જેમ મરણ પામ્યા છે, તેઓને ચોક્કસ તેમની જેમ મરણમાંથી ઉઠાડવામાં પણ આવશે અને આમ તેઓ તેમની સાથે એકતામાં આવશે.’ (રોમ. ૬:૩-૫) જેમ ઈસુને દૂતો જેવું શરીર આપીને સ્વર્ગમાં જીવતા કરવામાં આવ્યા તેમ બધા અભિષિક્તોને એવું જ શરીર આપીને જીવતા કરવામાં આવશે. એટલે પાઊલે જ્યારે કહ્યું કે બધાને જીવતા કરવામાં આવશે ત્યારે તે અભિષિક્તોની વાત કરી રહ્યા હતા.
૧૬. પાઊલે ઈસુ માટે કેમ કહ્યું કે તેમને “પ્રથમ જીવતા કરવામાં આવ્યા”?
૧૬ પાઊલે લખ્યું કે “મરણની ઊંઘમાં છે એ લોકોમાંથી તેમને [ખ્રિસ્તને] પ્રથમ જીવતા કરવામાં આવ્યા છે.” પાઊલે એવું કેમ કહ્યું કે ખ્રિસ્તને પ્રથમ જીવતા કરવામાં આવ્યા? યાદ કરો કે ઈસુ પહેલાં લાજરસ અને બીજા અમુકને જીવતા કરવામાં આવ્યા હતા. તેઓને પૃથ્વી પર જીવન આપવામાં આવ્યું હતું. પણ ઈસુ એવા પહેલા માણસ હતા, જેમને જીવતા કરવામાં આવ્યા ત્યારે દૂતો જેવું શરીર આપવામાં આવ્યું. એ પછી તેમને સ્વર્ગમાં અમર જીવન મળ્યું. ઈસુ કાપણી પછી મળેલા “પ્રથમ ફળ” જેવા હતા, જેનું ઇઝરાયેલીઓ અર્પણ કરતા હતા. ઈસુને પ્રથમ જીવતા કરવામાં આવ્યા છે એનો એ પણ અર્થ થાય કે બીજા લોકોને પણ જીવતા કરવામાં આવશે અને સ્વર્ગમાં જીવન આપવામાં આવશે. સમય જતાં અભિષિક્તોને પણ સ્વર્ગમાં જીવન મળવાનું હતું.
૧૭. ઈસુના શિષ્યોને ક્યારે સ્વર્ગના જીવનનું ઇનામ મળ્યું?
૧૭ ઈસુના શિષ્યોને ક્યારે સ્વર્ગના જીવનનું ઇનામ મળ્યું? પાઊલે કોરીંથનાં ભાઈ-બહેનોને પત્ર લખ્યો ત્યાં સુધી એવું થયું ન હતું. કારણ કે પાઊલે પત્રમાં લખ્યું કે એ ભાવિમાં થશે. તેમણે લખ્યું, “દરેકને પોતાના યોગ્ય ક્રમમાં ઉઠાડવામાં આવે છે: પ્રથમ ખ્રિસ્તને, પછી ખ્રિસ્તના છે તેઓને ખ્રિસ્તની હાજરી દરમિયાન ઉઠાડવામાં આવશે.” (૧ કોરીં. ૧૫:૨૩; ૧ થેસ્સા. ૪:૧૫, ૧૬) આજે આપણે “ખ્રિસ્તની હાજરી દરમિયાન” જીવી રહ્યા છીએ. ખ્રિસ્તના અભિષિક્ત શિષ્યોને તેઓના મરણ પછી તરત જીવતા કરવામાં આવ્યા નહિ. પણ ખ્રિસ્તની હાજરી દરમિયાન ‘તેઓને ઈસુની જેમ મરણમાંથી ઉઠાડવામાં આવ્યા અને તેઓ તેમની સાથે એકતામાં આવ્યા.’ આમ, તેઓને સ્વર્ગના જીવનનું ઇનામ મળ્યું.
આપણી આશા ચોક્કસ પૂરી થશે
૧૮. (ક) શા પરથી કહી શકાય કે અભિષિક્ત સિવાય બીજાઓને પણ જીવતા કરવામાં આવશે? (ખ) પહેલો કોરીંથીઓ ૧૫:૨૪-૨૬ પ્રમાણે સ્વર્ગમાં શું બનશે?
૧૮ જેઓને સ્વર્ગના જીવનની આશા નથી એ વફાદાર ફિલિ. ૩:૧૧) જો તેઓને પ્રથમ જીવતા કરવામાં આવે, તો એનો અર્થ થાય કે બીજા લોકોને એના પછી જીવતા કરવામાં આવશે. અયૂબ પણ માનતા હતા કે જો તેમનું મરણ થાય તોપણ તેમને ભાવિમાં પાછા ઉઠાડવામાં આવશે. (અયૂ. ૧૪:૧૫) જેઓ “ખ્રિસ્તના છે તેઓને ખ્રિસ્તની હાજરી દરમિયાન” સ્વર્ગમાં ઉઠાડવામાં આવશે. જ્યારે ખ્રિસ્ત બધી સરકારો, બધી સત્તાઓ અને બધા અધિકારોનો નાશ કરશે ત્યારે એ અભિષિક્તો પણ તેમની સાથે હશે. એ સમયે “છેલ્લા દુશ્મન, મરણનું” નામનિશાન કાઢી નાખવામાં આવશે. એક વાત ચોક્કસ છે કે જેઓને સ્વર્ગમાં જીવન આપવામાં આવશે તેઓએ આદમના પાપને લીધે ક્યારેય મરવું નહિ પડે.—૧ કોરીંથીઓ ૧૫:૨૪-૨૬ વાંચો.
ઈશ્વરભક્તો વિશે શું? જો તેઓ મરણની ઊંઘમાં સરી જાય તોપણ તેઓને પાછા ઉઠાડવામાં આવશે. એવું શા પરથી કહી શકાય? કારણ કે બાઇબલમાં લખ્યું છે કે પાઊલ અને બીજા અભિષિક્ત શિષ્યોને ‘મરણમાંથી પ્રથમ જીવતા કરવામાં આવશે.’ (૧૯. જેઓને ધરતી પર જીવવાની આશા છે તેઓ કઈ વાતનો ભરોસો રાખી શકે?
૧૯ જેઓને ધરતી પર જીવવાની આશા છે તેઓ કઈ વાતનો ભરોસો રાખી શકે? તેઓને પાઊલની આ વાતથી આશા મળશે: ‘હું ભરોસો રાખું છું કે સારા લોકો અને ખરાબ લોકોને મરણમાંથી ઉઠાડવામાં આવશે.’ (પ્રે.કા. ૨૪:૧૫) એ તો સાફ છે કે ખરાબ લોકોને સ્વર્ગમાં જીવન મળે નહિ. એટલે પાઊલનો કહેવાનો અર્થ હતો કે તેઓને પૃથ્વી પર પાછા ઉઠાડવામાં આવશે.
૨૦. આપણે કેમ ભરોસો રાખી શકીએ કે ગુજરી ગયેલાઓને પાછા ઉઠાડવામાં આવશે?
૨૦ એક વાત તો ચોક્કસ છે કે “લોકોને મરણમાંથી ઉઠાડવામાં આવશે.” તેઓને ધરતી પર ઉઠાડવામાં આવશે અને તેઓ પાસે હંમેશ માટે જીવવાની આશા હશે. આપણે ભરોસો રાખી શકીએ કે ઈશ્વર પોતાનું એ વચન ચોક્કસ પૂરું કરશે. સગાં-વહાલાં મરણ પામે ત્યારે એ દુઃખ સહેવું અઘરું હોય છે. પણ યહોવાના આ વચનથી આપણને દિલાસો મળે છે. ખ્રિસ્ત અને તેમના સાથીદારો ‘૧,૦૦૦ વર્ષ સુધી રાજાઓ તરીકે રાજ કરશે’ ત્યારે, આપણાં સગાં-વહાલાંને પાછા ઉઠાડવામાં આવશે. (પ્રકટી. ૨૦:૬) એ “આશા આપણને નિરાશ કરતી નથી.” (રોમ. ૫:૫) એ આશાથી આપણને હિંમત મળે છે અને આપણે યહોવાની સેવા ખુશી ખુશી કરી શકીએ છીએ. પહેલો કોરીંથીઓ અધ્યાય ૧૫માંથી આપણે બીજું ઘણું શીખી શકીએ છીએ. એ વિશે આપણે આવતા લેખમાં ચર્ચા કરીશું.
ગીત ૫૫ જીવન દીપ નહિ બૂઝે
^ ફકરો. 5 પહેલો કોરીંથીઓ અધ્યાય ૧૫માં બતાવવામાં આવ્યું છે કે લોકોને મરણમાંથી ઉઠાડવામાં આવશે. એ શિક્ષણ આપણા માટે કેમ મહત્ત્વનું છે? આપણે કેમ ભરોસો રાખી શકીએ કે ઈસુને મરણમાંથી ઉઠાડવામાં આવ્યા છે? આ લેખમાં એવા સવાલોની ચર્ચા કરીશું.
^ ફકરો. 56 ચિત્રની સમજ: સ્વર્ગમાં જનારાઓમાં ઈસુ સૌથી પહેલા હતા. (પ્રે.કા. ૧:૯) એ પછી થોમા, યાકૂબ, લુદિયા, યોહાન, મરિયમ અને પાઊલ જેવા તેમના અમુક શિષ્યો પણ સ્વર્ગમાં ગયા.
^ ફકરો. 58 ચિત્રની સમજ: એક ભાઈએ પોતાની વહાલી પત્નીને મરણમાં ગુમાવી છે, જેની સાથે મળીને તેમણે વર્ષો સુધી યહોવાની સેવા કરી હતી. તેમને ખાતરી છે કે તેમની પત્નીને પાછી ઉઠાડવામાં આવશે. તે વફાદારીથી યહોવાની સેવા કરી રહ્યા છે.