વાચકો તરફથી પ્રશ્નો
લેવીય ૧૯:૧૬માં લખ્યું છે, “કોઈનો જીવ લેવા અધીરા ન બનો.” એનો શું અર્થ થાય અને એમાંથી આપણે શું શીખી શકીએ?
યહોવા ઇચ્છતા હતા કે ઇઝરાયેલીઓ પવિત્ર રહે. એટલે તેમણે કહ્યું, “તમે લોકો વચ્ચે આમતેમ ફરીને કોઈની નિંદા ન કરો. કોઈનો જીવ લેવા અધીરા ન બનો. હું યહોવા છું.”—લેવી. ૧૯:૨, ૧૬.
“કોઈનો જીવ લેવા અધીરા ન બનો” એ શબ્દો માટે મૂળ હિબ્રૂ ભાષામાં એક કહેવત વપરાઈ હતી. એ કહેવત હતી કે કોઈ માણસના લોહી વિરુદ્ધ ઊભા ન રહો. લેવીય પર લખેલા એક પુસ્તકમાં જણાવ્યું છે, ‘કલમના એ ભાગને સમજવું એટલું સહેલું નથી. કેમ કે આજે આપણે એ કહેવતનો ખરો અર્થ જાણતા નથી.’
અમુક વિદ્વાનો માને છે કે કલમ ૧૬ના એ શબ્દો કલમ ૧૫ સાથે જોડાયેલા છે. ત્યાં લખ્યું છે, “તમે કોઈને અન્યાય ન કરો. તમે ગરીબની તરફદારી ન કરો અને અમીરનો પક્ષ ન લો. તમે અદ્દલ ન્યાય કરો.” (લેવી. ૧૯:૧૫) જો એમ હોય તો “કોઈનો જીવ લેવા અધીરા ન બનો” શબ્દોનો અર્થ થાય કે ઇઝરાયેલીઓએ કાયદાકીય બાબતોમાં, ધંધામાં અથવા કુટુંબમાં કોઈને નુકસાન પહોંચાડવાનું ન હતું. તેઓએ પોતાના ફાયદા માટે બેઈમાની કરવાની ન હતી. ખરું કે આપણે એવાં ખોટાં કામો કરવા ન જોઈએ. પણ એ શબ્દોનો સાચો અર્થ આપણને કલમ ૧૬થી જ મળી શકે છે.
એ કલમની શરૂઆતમાં યહોવાએ પોતાના લોકોને કહ્યું કે તેઓ કોઈની નિંદા ન કરે. કોઈના વિશે અફવા ફેલાવવાથી કે ચાડી કરવાથી મુશ્કેલીઓ ઊભી થઈ શકે છે. પણ એનાથી વધારે ગંભીર છે કે કોઈની નિંદા કરવી. (નીતિ. ૧૦:૧૯; સભા. ૧૦:૧૨-૧૪; ૧ તિમો. ૫:૧૧-૧૫; યાકૂ. ૩:૬) બની શકે કે નિંદા કરનાર માણસ બીજા માણસ વિશે જૂઠી સાક્ષી આપવા તૈયાર થઈ જાય. તેની જૂઠી સાક્ષીથી કોઈનો જીવ જાય તોય તેને ફરક ન પડે. નાબોથ સાથે પણ એવું જ થયું હતું. અમુક લોકોએ તેમના વિશે ખોટી સાક્ષી આપી. એના લીધે તેમને પથ્થરે મારી નાખવામાં આવ્યા. (૧ રાજા. ૨૧:૮-૧૩) લેવીય ૧૯:૧૬ના બીજા ભાગથી ખબર પડે છે કે કોઈની નિંદા કરવાથી તેનો જીવ પણ જઈ શકે છે. આમ નિંદા કરનાર કોઈનો જીવ લેવા અધીરો બને છે.
એક માણસ નફરત કે ધિક્કારને લીધે કોઈની નિંદા કરતો હોય શકે. ૧ યોહાન ૩:૧૫માં લખ્યું છે, “જે કોઈ પોતાના ભાઈને ધિક્કારે છે, તે ખૂની છે અને તમે જાણો છો કે કોઈ પણ ખૂનીને હંમેશ માટેનું જીવન મળશે નહિ.” ધ્યાન આપો “કોઈનો જીવ લેવા અધીરા ન બનો” એ પછી યહોવાએ કહ્યું: “તમે પોતાના દિલમાં તમારા ભાઈને ન ધિક્કારો.”—લેવી. ૧૯:૧૭.
લેવીય ૧૯:૧૬માંથી આપણે શીખ્યા કે યહોવાના ભક્તોએ ‘કોઈનો જીવ લેવા અધીરા ન બનવું જોઈએ.’ આપણે કોઈના વિશે ખરાબ ન વિચારીએ અને કોઈની નિંદા ન કરીએ. બની શકે કે આપણને કોઈ ગમતું ન હોય અથવા તેની ઈર્ષા થતી હોય, એટલે તેની નિંદા કરી બેસીએ. પણ એમ કરીશું તો સાબિત થાય છે કે આપણે તેને ધિક્કારીએ છીએ. યહોવાના ભક્તોએ એવા વલણથી દૂર રહેવું જોઈએ.—માથ. ૧૨:૩૬, ૩૭.