અભ્યાસ લેખ ૫૧
આપણી આશા ખોખલી નથી
“આશા આપણને નિરાશ થવા દેતી નથી.”—રોમ. ૫:૫.
ગીત ૫૪ ઈશ્વરનો હાથ પકડ
ઝલક a
૧. આપણે કેમ કહી શકીએ કે ઇબ્રાહિમની આશા યોગ્ય હતી?
યહોવાએ પોતાના મિત્ર ઇબ્રાહિમને વચન આપ્યું હતું કે તેમના વંશજ દ્વારા પૃથ્વીની બધી પ્રજાઓ આશીર્વાદ મેળવશે. (ઉત. ૧૫:૫; ૨૨:૧૮) ઇબ્રાહિમને ઈશ્વરમાં પૂરી શ્રદ્ધા હતી. એટલે તેમને ખાતરી હતી કે ઈશ્વર પોતાનું વચન જરૂર પૂરું કરશે. પણ ઇબ્રાહિમ ૧૦૦ વર્ષના હતા અને તેમની પત્ની ૯૦ વર્ષની હતી ત્યારે પણ તેઓને દીકરો થયો ન હતો. (ઉત. ૨૧:૧-૭) તેમ છતાં, બાઇબલમાં લખ્યું છે તેમ “ઇબ્રાહિમે આશા રાખી અને શ્રદ્ધા બતાવી કે તે ઘણી પ્રજાઓના પિતા બનશે, જેમ તેમને કહેવામાં આવ્યું હતું.” (રોમ. ૪:૧૮) તમે સારી રીતે જાણો છો કે ઇબ્રાહિમની આશા પૂરી થઈ. તેમના દીકરા ઇસહાકનો જન્મ થયો, જેના માટે તેમણે વર્ષોથી આશા રાખી હતી. પણ ઇબ્રાહિમને કેમ ભરોસો હતો કે યહોવા પોતાનું વચન પૂરું કરશે?
૨. ઇબ્રાહિમને કેમ ખાતરી હતી કે યહોવા પોતાનું વચન જરૂર પૂરું કરશે?
૨ ઇબ્રાહિમ યહોવાને ખૂબ સારી રીતે ઓળખતા હતા. એટલે “તેમને પૂરી ખાતરી હતી કે ઈશ્વર પોતાનું વચન” જરૂર પૂરું કરશે. (રોમ. ૪:૨૧) ઇબ્રાહિમની અજોડ શ્રદ્ધાને લીધે યહોવાએ તેમના પર કૃપા વરસાવી અને તેમને નેક ગણ્યા. (યાકૂ. ૨:૨૩) રોમનો ૪:૧૮માં જોવા મળે છે તેમ, ઇબ્રાહિમને યહોવામાં શ્રદ્ધા હતી અને તેમને આશા પણ હતી. હવે ચાલો રોમનો અધ્યાય ૫ પર ધ્યાન આપીએ અને જોઈએ કે પ્રેરિત પાઉલે આશા વિશે શું લખ્યું છે.
૩. પાઉલે આશા વિશે શું સમજાવ્યું?
૩ પાઉલે સમજાવ્યું કે આપણે કેમ ભરોસો રાખી શકીએ કે “આશા આપણને નિરાશ થવા દેતી નથી.” (રોમ. ૫:૫) તેમણે એ સમજવા પણ મદદ કરી કે આપણી આશાને કઈ રીતે પાકી કરી શકીએ. તો ચાલો રોમનો ૫:૧-૫માં પાઉલે જે લખ્યું એના પર ચર્ચા કરીએ. એમ કરીએ ત્યારે વિચારજો કે સમય વીત્યો તેમ, ભાવિ માટેની તમારી આશા કઈ રીતે પાકી થઈ. આ ચર્ચાથી એ પણ જોવા મળશે કે આપણી આશાને કઈ રીતે હમણાં કરતાં પણ વધારે પાકી કરી શકીએ. પણ સૌથી પહેલા એ જોરદાર આશાની વાત કરીએ, જેના વિશે પાઉલે કહ્યું હતું કે એ નિરાશ થવા દેતી નથી.
આપણી જોરદાર આશા
૪. રોમનો ૫:૧, ૨માં શાના વિશે જણાવ્યું છે?
૪ રોમનો ૫:૧, ૨ વાંચો. પાઉલે એ શબ્દો રોમના મંડળને લખ્યા હતા. ત્યાંનાં ભાઈ-બહેનો યહોવા અને ઈસુ વિશે શીખ્યાં હતાં, તેઓમાં શ્રદ્ધા મૂકી હતી અને ખ્રિસ્તી બન્યાં હતાં. આમ ઈશ્વરે તેઓની ‘શ્રદ્ધાને લીધે તેઓને નેક ઠરાવ્યા’ અને પવિત્ર શક્તિથી તેઓનો અભિષેક કર્યો. હવે તેઓને એક જોરદાર ઇનામની આશા હતી અને એ ઇનામ જરૂર મળશે એવો ભરોસો હતો.
૫. અભિષિક્ત ખ્રિસ્તીઓને કઈ આશા છે?
૫ પછીથી પાઉલે એફેસસના અભિષિક્ત ખ્રિસ્તીઓને પત્ર લખ્યો ત્યારે એ આશા વિશે જણાવ્યું. એ આશા ઈશ્વરે તેઓને આપી હતી. તેઓને એક ‘વારસો’ મળવાનો હતો, જે ‘પવિત્ર જનો’ માટે રાખવામાં આવ્યો હતો. (એફે. ૧:૧૮) પછી પાઉલે કોલોસીઓને પત્ર લખ્યો ત્યારે પણ જણાવ્યું કે તેઓને પોતાની આશાનું ઇનામ ક્યાં મળવાનું હતું. એ ‘ઇનામ સ્વર્ગમાં મળવાનું હતું.’ (કોલો. ૧:૪, ૫) તો અભિષિક્ત ખ્રિસ્તીઓને આશા છે કે તેઓને સ્વર્ગમાં અમર જીવન મળશે અને ત્યાં તેઓ ખ્રિસ્ત સાથે રાજ કરશે.—૧ થેસ્સા. ૪:૧૩-૧૭; પ્રકટી. ૨૦:૬.
૬. એક અભિષિક્ત ભાઈએ પોતાની આશા વિશે શું કહ્યું?
૬ અભિષિક્ત ખ્રિસ્તીઓ માટે એ આશા ખૂબ જ કીમતી છે. ભાઈ ફ્રેડરિક ફ્રાન્ઝ પણ અભિષિક્ત હતા. તેમણે વર્ષો સુધી વફાદારીથી ઈશ્વરની સેવા કરી. ૧૯૯૧માં તેમણે એ આશા વિશે પોતાની લાગણીઓ જણાવતા કહ્યું: ‘અમારી આશા એકદમ પાકી છે. નાની ટોળીના ૧,૪૪,૦૦૦ સભ્યોમાંના દરેકની આશા જરૂર પૂરી થશે. એ આશા એટલી જોરદાર રીતે પૂરી થશે કે એની અમે કલ્પના પણ કરી શકતા નથી. અમારી આશા આજે પણ અમારા માટે બહુ જ કીમતી છે. જેટલી વધુ રાહ જોવી પડે છે, કદર પણ એટલી વધતી જાય છે. એ આશા એટલી અનમોલ છે કે ભલે અમારે લાખો વર્ષો રાહ જોવી પડે, પણ અમે ખુશીથી રાહ જોવા તૈયાર છીએ. અમારી આશાની હું પહેલાં કરતાં પણ વધારે કદર કરું છું.’
૭-૮. આજે યહોવાના મોટા ભાગના સેવકોને કઈ આશા છે? (રોમનો ૮:૨૦, ૨૧)
૭ આજે યહોવાના મોટા ભાગના સેવકો અભિષિક્ત નથી. જોકે તેઓ પાસે પણ એક જોરદાર આશા છે. તેઓને એ જ આશા છે જે ઇબ્રાહિમને હતી, ઈશ્વરના રાજ્યમાં આ પૃથ્વી પર હંમેશ માટે જીવવાની આશા. (હિબ્રૂ. ૧૧:૮-૧૦, ૧૩) એ આશાની રાહ જોતા લોકોનું ભાવિ કેવું જોરદાર હશે એ વિશે પાઉલે લખ્યું હતું. (રોમનો ૮:૨૦, ૨૧ વાંચો.) આનો વિચાર કરો: જ્યારે તમે પહેલી વાર ભાવિ વિશેના ઈશ્વરના વચન વિશે સાંભળ્યું, ત્યારે કઈ વાત તમારા દિલને સ્પર્શી ગઈ હતી? શું એ વાત કે બીમારી, ઘડપણ અને મરણ નહિ હોય? અથવા એ વાત કે ગુજરી ગયેલા તમારાં સ્નેહીજનોને જીવતા કરવામાં આવશે અને તેઓ સાથે તમે સુંદર નવી દુનિયામાં હંમેશ માટે જીવશો? ‘આશાને’ લીધે તમે કેટલા જોરદાર આશીર્વાદોની રાહ જુઓ છો, ખરું ને?
૮ ભલે આપણી આશા સ્વર્ગમાં હંમેશાં જીવવાની હોય, કે પછી પૃથ્વી પર, પણ એ આશા જોરદાર છે. એ આશાને લીધે આપણે આનંદ કરીએ છીએ અને એ હજી વધારે પાકી થઈ શકે છે. પાઉલે સમજાવ્યું કે એવું કઈ રીતે થઈ શકે છે. તો ચાલો જોઈએ કે પાઉલે આપણી આશા વિશે શું લખ્યું. તેમના શબ્દોથી આપણો ભરોસો વધારે મક્કમ થશે કે આપણી આશા જરૂર પૂરી થશે અને એ નિરાશ થવા દેશે નહિ.
આપણી આશા કઈ રીતે પાકી થાય છે?
૯-૧૦. પાઉલના દાખલાથી જોયું તેમ આજે યહોવાના બધા જ ભક્તો શું જાણે છે? (રોમનો ૫:૩) (ચિત્રો પણ જુઓ.)
૯ રોમનો ૫:૩ વાંચો. પાઉલે કહ્યું કે મુસીબતો સહીએ છીએ ત્યારે, આપણી આશા વધારે પાકી થાય છે. સાંભળવામાં થોડું અજુગતું લાગે છે, ખરું ને? પણ હકીકત એ છે કે ખ્રિસ્તના બધા શિષ્યો પર મુસીબત આવી શકે છે. પાઉલનો દાખલો લો. થેસ્સાલોનિકાનાં ભાઈ-બહેનોને તેમણે કહ્યું: “અમે તમારી સાથે હતા ત્યારે, તમને કહેતા હતા કે આપણા પર સતાવણીઓ આવશે અને . . . એવું જ થયું છે.” (૧ થેસ્સા. ૩:૪) કોરીંથનાં ભાઈ-બહેનોને તેમણે લખ્યું: ‘ભાઈઓ, અમે નથી ચાહતા કે અમારા પર જે મુસીબતો આવી, એના વિશે તમે અજાણ રહો. અમે જીવવાની આશા પણ છોડી દીધી હતી.’—૨ કોરીં. ૧:૮; ૧૧:૨૩-૨૭.
૧૦ આજે યહોવાના બધા જ ભક્તો જાણે છે કે તેઓ પર પણ અમુક પ્રકારની મુસીબતો આવી શકે છે. (૨ તિમો. ૩:૧૨) તમારા વિશે શું? ઈસુમાં શ્રદ્ધા મૂકવાને લીધે અને તેમના પગલે ચાલવાને લીધે તમારા પર કદાચ મુસીબતો આવી હશે. કદાચ મિત્રો અને સગા-સંબંધીઓએ તમારી મજાક ઉડાવી હશે, તમારી સાથે બહુ ખરાબ રીતે વર્ત્યા હશે. તમે હંમેશાં પ્રમાણિક રહેવા માંગો છો, એ કારણે કદાચ સાથે કામ કરતા લોકોએ તમને હેરાન કર્યા હશે. (હિબ્રૂ. ૧૩:૧૮) તમે બીજાઓને તમારી આશા વિશે જણાવો છો, એના લીધે સરકારી અધિકારીઓએ તમારો વિરોધ કર્યો હશે. મુસીબત ભલે ગમે એ હોય, પણ પાઉલે કહ્યું તેમ આપણે આનંદ કરી શકીએ છીએ. કઈ રીતે?
૧૧. આપણે કેમ મુસીબતોમાં ધીરજ રાખવાનો પાકો નિર્ણય કરવો જોઈએ?
૧૧ મુસીબતોમાં પણ આપણે આનંદ કરી શકીએ છીએ, કેમ કે એનાથી એક મહત્ત્વનો ગુણ કેળવી શકીએ છીએ. રોમનો ૫:૩માં લખ્યું છે તેમ, “મુસીબતો સહન કરવાથી ધીરજ ઉત્પન્ન થાય છે.” બધા જ ઈશ્વરભક્તોએ મુસીબતનો સામનો કરવો પડશે. એટલે બધાને ધીરજની જરૂર છે. આપણે પાકો નિર્ણય લેવો જોઈએ કે ભલે ગમે એવી મુશ્કેલી આવે, આપણે એને ધીરજથી સહેતા રહીશું. જો એમ કરીશું તો જ આપણને આશાનું ઇનામ મળશે. બી વાવનારનું ઉદાહરણ આપતી વખતે ઈસુએ કહ્યું હતું કે અમુક બી ખડકાળ જમીન પર પડ્યાં. એ વખતે તે એવા લોકોની વાત કરતા હતા, જેઓએ શરૂઆતમાં રાજ્યનો સંદેશો આનંદથી સ્વીકાર્યો હતો. પણ “સંકટ અથવા સતાવણી” આવી ત્યારે તેઓએ શ્રદ્ધા મૂકવાનું છોડી દીધું. (માથ. ૧૩:૫, ૬, ૨૦, ૨૧) આપણે એવા લોકો જેવા બની ન જઈએ, એનું ધ્યાન રાખવું જોઈએ. એ સાચી વાત છે કે સંકટ અથવા સતાવણી આપણને ગમતી નથી. એનો સામનો કરવો સહેલું નથી. પણ જો ધીરજ રાખીશું અને યહોવાની ભક્તિ કરતા રહીશું, તો ફાયદો થશે. કઈ રીતે?
૧૨. મુસીબતોમાં ધીરજ રાખવાથી કેવો ફાયદો થાય છે?
૧૨ શિષ્ય યાકૂબે જણાવ્યું કે મુસીબતોમાં ધીરજ રાખવાથી કેવા ફાયદા થાય છે. તેમણે લખ્યું: “ધીરજને એનું કામ પૂરું કરવા દો, જેથી તમે સર્વ બાબતોમાં પૂર્ણ અને કલંક વગરના બનો અને તમારામાં કોઈ ખામી ન રહે.” (યાકૂ. ૧:૨-૪) તો યાકૂબે કહ્યું કે ધીરજે એક કામ પૂરું કરવાનું છે. એ કયું છે? ધીરજ આપણને વધારે રાહ જોવા, શ્રદ્ધા વધારવા, ઈશ્વર પર વધારે ભરોસો રાખવા અને બીજા ગુણો કેળવવા મદદ કરે છે. જોકે મુસીબતોમાં ધીરજ રાખવાથી બીજો પણ એક મહત્ત્વનો ફાયદો થાય છે.
૧૩-૧૪. ધીરજ રાખવાથી શું થાય છે? એની આપણી આશા પર કેવી અસર થાય છે? (રોમનો ૫:૪)
૧૩ રોમનો ૫:૪ વાંચો. પાઉલે કહ્યું કે મુસીબતોમાં ધીરજ રાખવાથી “ઈશ્વરની કૃપા” મળે છે. એટલે કે, તમે ધીરજથી સહન કરો છો ત્યારે યહોવા તમારાથી ખુશ થાય છે. એનો અર્થ એ નથી કે તમને દુઃખ-તકલીફો સહેતા જોઈને યહોવાને ખુશી મળે છે. એના બદલે, તેમને તો એ વાતથી ખુશી મળે છે કે તમે મુસીબતોમાં પણ તેમને વફાદાર રહો છો. એ જાણીને કેટલું ઉત્તેજન મળે છે કે મુસીબતોમાં ધીરજ રાખીએ છીએ ત્યારે યહોવાના દિલને ખુશી મળે છે!—ગીત. ૫:૧૨.
૧૪ યાદ કરો કે ઇબ્રાહિમ પર પણ મુસીબતો આવી હતી. જ્યારે તેમણે ધીરજથી એ સહન કરી, ત્યારે યહોવાએ તેમના પર કૃપા વરસાવી. યહોવાએ તેમને પોતાના મિત્ર કહ્યા અને તેમને નેક ગણ્યા. (ઉત. ૧૫:૬; રોમ. ૪:૧૩, ૨૨) યહોવા આપણને પણ તેમના મિત્ર કહી શકે છે અને નેક ગણી શકે છે. તેમને એ વાતથી ખુશી નથી મળતી કે આપણે કેટલું કામ કરીએ છીએ અથવા આપણી પાસે કેટલા લહાવા છે. પણ મુસીબતો છતાં તેમને વફાદાર રહીએ છીએ ત્યારે તેમને ખુશી મળે છે. આપણે બધા જ લોકો મુસીબતોમાં ધીરજ રાખી શકીએ છીએ, પછી ભલે આપણી ઉંમર ગમે એટલી હોય, આપણા સંજોગો ગમે એવા હોય કે આપણી પાસે ગમે એવી આવડત હોય. શું હમણાં તમે કોઈ મુસીબત સહી રહ્યા છો અને યહોવાને વફાદાર રહેવા પ્રયત્ન કરી રહ્યા છો? જો એમ હોય તો ખાતરી રાખો કે તમારા પર યહોવાની કૃપા છે. આપણે યહોવાનું દિલ ખુશ કરીએ છીએ, એ લાગણી જ આપણી આશા વધારે પાકી કરે છે.
વધારે પાકી આશા
૧૫. રોમનો ૫:૪, ૫માં પાઉલે શું કહ્યું? એનાથી કેમ અમુક લોકો મૂંઝાઈ શકે?
૧૫ પાઉલે સમજાવ્યું તેમ, જ્યારે મુસીબતોમાં ધીરજ રાખીએ છીએ અને યહોવાને વફાદાર રહીએ છીએ, ત્યારે આપણને તેમની કૃપા મળે છે. ધ્યાન આપો કે પાઉલે આગળ શું કહ્યું. તેમણે લખ્યું: “ઈશ્વરની કૃપા . . . આશા આપે છે. આશા આપણને નિરાશ થવા દેતી નથી.” (રોમ. ૫:૪, ૫) એ સાંભળીને કદાચ અમુક લોકો મૂંઝાઈ જાય. શા માટે? કેમ કે રોમનો ૫:૨માં પાઉલે લખ્યું હતું કે રોમના ખ્રિસ્તીઓને પહેલેથી એક આશા હતી. કઈ આશા? “ઈશ્વર પાસેથી મહિમા મેળવવાની આશા.” એટલે અમુકને સવાલ થઈ શકે: ‘જો એ ખ્રિસ્તીઓને પહેલેથી આશા હતી, તો પછી પાઉલે એ આશાનો ઉલ્લેખ પછીથી કેમ કર્યો?’
૧૬. આપણી આશા કઈ રીતે ધીરે ધીરે વધતી જાય છે? (ચિત્રો પણ જુઓ.)
૧૬ આપણી આશા ધીરે ધીરે પાકી થાય છે. એ વાત યાદ રાખવાથી પાઉલના શબ્દો સારી રીતે સમજી શકીશું. જરા આનો વિચાર કરો: તમે બાઇબલમાંથી એ જોરદાર આશા વિશે પહેલી વાર સાંભળ્યું ત્યારે તમને કેવું લાગ્યું હતું? તમને કદાચ લાગ્યું હશે, ‘બાગ જેવી પૃથ્વી પર હંમેશ માટે જીવવાનો વિચાર તો સારો છે, પણ એવું કદી ના બને.’ છતાં તમે યહોવા વિશે અને બાઇબલમાં આપેલાં તેમનાં વચનો વિશે શીખતા ગયા. એનાથી તમને વધારે ખાતરી થતી ગઈ કે એ આશા ખોખલી નથી, એ જરૂર પૂરી થશે!
૧૭. સમર્પણ અને બાપ્તિસ્મા પછી પણ તમારી આશા કઈ રીતે પાકી થતી ગઈ?
૧૭ સમર્પણ અને બાપ્તિસ્મા પછી પણ તમે યહોવા વિશે વધારે શીખતા રહ્યા અને તેમને વધારે પ્રેમ કરવા લાગ્યા. એનાથી તમારો ભરોસો વધ્યો કે તમે જે આશા રાખો છો એ જરૂર પૂરી થશે. (હિબ્રૂ. ૫:૧૩–૬:૧) કદાચ તમે રોમનો ૫:૨-૪માં જે લખ્યું છે, એનો અનુભવ કર્યો હશે. તમારા પર ઘણી અલગ અલગ મુશ્કેલીઓ આવી હશે, પણ તમે એનો ધીરજથી સામનો કર્યો અને યહોવાની કૃપાનો અનુભવ કર્યો. તમે જાણો છો કે યહોવા તમને બહુ પ્રેમ કરે છે અને તમારાથી ખુશ છે. એનાથી તમને ખાતરી થઈ ગઈ કે યહોવા પોતાનાં વચનોથી ફરી જશે નહિ. તે એને જરૂર પૂરાં કરશે. આમ તમે શરૂઆતમાં જે આશા રાખી હતી, એ વધારે પાકી થઈ ગઈ. એ તમારા માટે ખાસ બની ગઈ. હવે તમે એ આશા પર શંકા કરતા નથી, પણ એ તમારા માટે ખૂબ અનમોલ છે. એ આશાની તમારા જીવન પર ઊંડી અસર થઈ છે. જેમ કે, તમે કઈ રીતે કુટુંબના સભ્યો સાથે વર્તો છો, કઈ રીતે નિર્ણયો લો છો અને કઈ રીતે સમયનો ઉપયોગ કરો છો, એ બધું બદલાઈ ગયું છે.
૧૮. યહોવા કઈ ખાતરી આપે છે?
૧૮ ઈશ્વરની કૃપા મેળવ્યા પછી આશા મળે છે. એ વાત કહ્યા પછી પાઉલે બહુ જ મહત્ત્વની વાત પર ધ્યાન દોર્યું. તેમણે ખાતરી અપાવી કે તમારી આશા જરૂર પૂરી થશે. એવી ખાતરી કેમ રાખી શકીએ? ખાતરી અપાવવા ઈશ્વરે જે કહ્યું, એ પાઉલે બધા ખ્રિસ્તીઓ માટે લખી લીધું. પાઉલે લખ્યું: “આશા આપણને નિરાશ થવા દેતી નથી, કેમ કે ઈશ્વરે આપેલી પવિત્ર શક્તિથી આપણાં હૃદયોમાં ઈશ્વરનો પ્રેમ રેડવામાં આવ્યો છે.” (રોમ. ૫:૫) હા, તમે પૂરી ખાતરી રાખી શકો છો કે યહોવાએ તમને જે આશા આપી છે, એ પૂરી થઈને જ રહેશે.
૧૯. તમારી આશા વિશે તમે કઈ ખાતરી રાખી શકો?
૧૯ યહોવાએ ઇબ્રાહિમને જે વચન આપ્યું હતું એનો વિચાર કરો. એ હકીકતનો પણ વિચાર કરો કે યહોવાએ ઇબ્રાહિમ પર કૃપા વરસાવી હતી અને તેમને પોતાના મિત્ર ગણ્યા હતા. ઇબ્રાહિમની આશા ખોખલી ન હતી. બાઇબલમાં લખ્યું છે: “ઇબ્રાહિમે ધીરજ બતાવી પછી તેમને એ વચન મળ્યું હતું.” (હિબ્રૂ. ૬:૧૫; ૧૧:૯, ૧૮; રોમ. ૪:૨૦-૨૨) હા, ઇબ્રાહિમે નિરાશ થવું ન પડ્યું. તમે પણ ખાતરી રાખી શકો છો કે જો તમે વફાદાર રહેશો, તો તમને તમારી આશાનું ફળ જરૂર મળશે. તમારી પાસે આનંદ કરવાનાં ઘણાં કારણો છે, કેમ કે તમે જાણો છો કે તમારી આશા જરૂર પૂરી થશે. એ તમને નિરાશ થવા નહિ દે. (રોમ. ૧૨:૧૨) પાઉલે લખ્યું હતું: “તમે તેમના પર ભરોસો રાખ્યો છે, એટલે આશા આપનાર ઈશ્વર તમને પુષ્કળ આનંદ અને શાંતિથી ભરપૂર કરે. હા, પવિત્ર શક્તિ તમને બળથી ભરપૂર કરે અને તમારી આશા વધતી ને વધતી જાય.”—રોમ. ૧૫:૧૩.
ગીત ૫૫ જીવન દીપ નહિ બૂઝે
a આ લેખમાં જોઈશું કે આપણને ભાવિ માટે કઈ આશા મળી છે અને એ આશા પૂરી થશે એવો ભરોસો કેમ રાખી શકીએ. આપણે રોમનો અધ્યાય પની પણ ચર્ચા કરીશું. એનાથી એ સમજવા મદદ મળશે કે જ્યારે આપણે યહોવા વિશે શીખવાનું શરૂ કર્યું, ત્યારે જે આશા મળી હતી, એ હવે કઈ રીતે બદલાઈ છે.