અભ્યાસ લેખ ૫૦
નેક ગણાવા શ્રદ્ધા અને કામો જરૂરી છે
‘ઇબ્રાહિમના પગલે ચાલો અને તેમના જેવી શ્રદ્ધા બતાવો.’—રોમ. ૪:૧૨.
ગીત ૫૪ ઈશ્વરનો હાથ પકડ
ઝલક a
૧. ઇબ્રાહિમની શ્રદ્ધા વિશે વિચારીએ છીએ ત્યારે, મનમાં કયા સવાલો આવી શકે?
ઘણા લોકોએ ઇબ્રાહિમ વિશે સાંભળ્યું છે. પણ એમાંના મોટા ભાગના લોકો તેમના વિશે થોડુંક જ જાણે છે. પણ તમે ઇબ્રાહિમ વિશે ઘણું જાણો છો. દાખલા તરીકે, તમને ખબર છે કે ઇબ્રાહિમ ‘એવા લોકોના પિતા કહેવાય છે, જેઓમાં શ્રદ્ધા છે.’ (રોમ. ૪:૧૧) પણ કદાચ તમને થાય, ‘શું હું ઇબ્રાહિમના પગલે ચાલી શકું? શું તેમના જેવી શ્રદ્ધા બતાવી શકું?’ હા, તમે એવું કરી શકો છો.
૨. આપણે કેમ ઇબ્રાહિમ વિશે શીખવું જોઈએ? (યાકૂબ ૨:૨૨, ૨૩)
૨ ઇબ્રાહિમ જેવી શ્રદ્ધા બતાવવાની એક રીત છે, તેમના વિશે શીખીએ. તેમણે હંમેશાં યહોવા ઈશ્વરનું કહ્યું માન્યું. તે પોતાનું ઘરબાર છોડીને દૂર દેશમાં ગયા અને વર્ષો સુધી તંબુઓમાં રહ્યા. તે પોતાના વહાલા દીકરા ઇસહાકનું બલિદાન આપવા પણ તૈયાર હતા. એ કામોમાં ઇબ્રાહિમની અડગ શ્રદ્ધા દેખાઈ આવી. તેમણે પોતાની શ્રદ્ધા અને કામોથી ઈશ્વરની કૃપા મેળવી અને તેમના મિત્ર બન્યા. (યાકૂબ ૨:૨૨, ૨૩ વાંચો.) યહોવા ચાહે છે કે આપણને બધાને, હા તમને પણ એ આશીર્વાદો મળે. એ જ કારણે તેમણે પાઉલ અને યાકૂબ દ્વારા ઇબ્રાહિમ વિશે લખાવ્યું. હવે ચાલો રોમનો અધ્યાય ૪ અને યાકૂબ અધ્યાય ૨માં ઇબ્રાહિમ વિશે શું લખ્યું છે એ જોઈએ. એ બંને અધ્યાયોમાં ઇબ્રાહિમ વિશે એક બહુ જ મહત્ત્વની વાત લખવામાં આવી છે.
૩. પાઉલ અને યાકૂબે પોતાના પત્રોમાં કઈ કલમના શબ્દો ટાંક્યા?
૩ પાઉલ અને યાકૂબ બંનેએ ઉત્પત્તિ ૧૫:૬ના શબ્દો ટાંક્યા. ત્યાં લખ્યું છે: ‘ઇબ્રાહિમે યહોવામાં શ્રદ્ધા મૂકી અને ઈશ્વરે તેમને નેક ગણ્યા.’ જ્યારે ઈશ્વર કોઈ વ્યક્તિથી ખુશ હોય છે, ત્યારે જ તે તેને નેક અથવા નિર્દોષ ગણે છે. જરા વિચારો, એ કેટલી મોટી વાત કહેવાય કે ઈશ્વર આપણા જેવા પાપી અને મામૂલી માણસોને નિર્દોષ ગણી શકે છે! તમે પણ ચાહતા હશો કે ઈશ્વર તમને નેક ગણે અને એ શક્ય છે! ચાલો આ સવાલોનો વિચાર કરીએ: યહોવાએ ઇબ્રાહિમને કેમ નેક કહ્યા? તે આપણને નેક ગણે એ માટે શું કરવાની જરૂર છે?
નેક ગણાવા શ્રદ્ધા હોવી જરૂરી છે
૪. માણસો માટે નેક ગણાવું કેમ અઘરું છે?
૪ રોમનોને લખેલા પત્રમાં પાઉલે જણાવ્યું કે બધા જ માણસો પાપ કરે છે. (રોમ. ૩:૨૩) તો એવું કઈ રીતે બની શકે કે ઈશ્વર આપણને નેક અથવા નિર્દોષ ગણે? તેમ જ, આપણા પર તેમની કૃપા વરસાવે? બધા જ ઈશ્વરભક્તો એ સવાલોના જવાબ મેળવવા માંગે છે. તેઓને મદદ કરવા પાઉલે ઇબ્રાહિમ વિશે લખ્યું.
૫. શાના આધારે યહોવાએ ઇબ્રાહિમને નેક ગણ્યા? (રોમનો ૪:૨-૪)
૫ ઇબ્રાહિમ કનાન દેશમાં રહેતા હતા ત્યારે, યહોવાએ તેમને નેક ગણ્યા. એવું ન હતું કે ઇબ્રાહિમ પૂરી રીતે મૂસાનું નિયમશાસ્ત્ર પાળતા હતા, એટલે તેમને નેક ગણવામાં આવ્યા. (રોમ. ૪:૧૩) એવું કેમ કહી શકીએ? જ્યારે યહોવાએ ઇબ્રાહિમને નેક ગણ્યા, ત્યારે ઇઝરાયેલીઓને હજી મૂસાનું નિયમશાસ્ત્ર આપવામાં આવ્યું ન હતું. એ તો એનાં ૪૦૦ કરતાં વધારે વર્ષો પછી આપવામાં આવ્યું. તો પછી શાના આધારે યહોવાએ ઇબ્રાહિમને નેક ગણ્યા? તેમની શ્રદ્ધાને આધારે. યહોવાએ ઇબ્રાહિમ પર અપાર કૃપા બતાવી અને તેમને નેક ગણ્યા.—રોમનો ૪:૨-૪ વાંચો.
૬. યહોવા કઈ રીતે એક પાપી માણસને પણ નેક ગણે છે?
૬ પાઉલે આગળ જણાવ્યું કે જ્યારે કોઈ માણસ ઈશ્વરમાં શ્રદ્ધા મૂકે છે, ત્યારે “ઈશ્વર એવા માણસને તેની શ્રદ્ધાને લીધે નેક ગણે છે.” (રોમ. ૪:૫) પછી પાઉલે કહ્યું: “દાઉદે પણ એવા માણસને સુખી કહ્યો, જેણે નિયમશાસ્ત્ર પ્રમાણે કામ કર્યાં ન હતાં, છતાં ઈશ્વરે તેને નેક ગણ્યો હતો. દાઉદે કહ્યું: ‘સુખી છે એ લોકો, જેઓનાં ખોટાં કામ માફ થયાં છે અને જેઓનાં પાપ ભૂંસી નાખવામાં આવ્યાં છે. સુખી છે એ માણસ, જેનાં પાપને યહોવા યાદ કરતા નથી.’” (રોમ. ૪:૬-૮; ગીત. ૩૨:૧, ૨) યહોવા એ લોકોનાં પાપ માફ કરે છે અથવા ઢાંકી દે છે, જેઓ તેમનામાં શ્રદ્ધા મૂકે છે. તે તેઓને પૂરી રીતે માફ કરે છે અને તેઓનાં પાપનો હિસાબ રાખતા નથી. તેઓની શ્રદ્ધાને લીધે તે તેઓને નિર્દોષ અને નેક ગણે છે.
૭. શાના આધારે કહી શકીએ કે જૂના જમાનાના વફાદાર ઈશ્વરભક્તો નેક હતા?
૭ ઇબ્રાહિમ, દાઉદ અને બીજા વફાદાર ઈશ્વરભક્તોમાં પાપની અસર હતી અને અમુક વાર તેઓથી ભૂલો થઈ ગઈ. તોપણ તેઓની શ્રદ્ધાને લીધે ઈશ્વરે તેઓને નેક ગણ્યા. ખાસ કરીને, ઈશ્વરમાં શ્રદ્ધા રાખતા ન હતા એવા લોકોની સરખામણીમાં એ ભક્તોને વધારે નિર્દોષ ગણ્યા. (એફે. ૨:૧૨) રોમનોના પત્રમાં પાઉલે જણાવ્યું કે ઈશ્વરના મિત્ર બનવા શ્રદ્ધા હોવી ખૂબ જરૂરી છે. એ વાત ઇબ્રાહિમ અને દાઉદના કિસ્સામાં સાચી હતી અને આપણા કિસ્સામાં પણ એટલી જ સાચી છે.
શ્રદ્ધા અને કામો—કઈ રીતે જોડાયેલાં?
૮-૯. પાઉલ અને યાકૂબનાં લખાણોમાંથી અમુક લોકોએ શું માની લીધું છે? કેમ?
૮ તો શું ઈશ્વરની કૃપા મેળવવા ફક્ત શ્રદ્ધા જ જરૂરી છે, કે પછી કામો પણ હોવાં જોઈએ? એ સવાલ પર સદીઓથી ખ્રિસ્તી ધર્મગુરુઓ દલીલો કરતા આવ્યા છે. અમુક ધર્મગુરુઓ શીખવે છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં માનો અને તમારો ઉદ્ધાર થઈ જશે. તમે કદાચ તેઓને આવું કહેતા સાંભળ્યા હશે, “ઈસુને તમારા તારણહાર તરીકે સ્વીકારો અને તમને તારણ મળશે.” તેઓ કદાચ કહે કે એવું પાઉલે શીખવ્યું હતું. કેમ કે પાઉલે કહ્યું હતું: ‘ઈશ્વર માણસને કામો વગર ન્યાયી ગણે છે.’ (રોમ. ૪:૬, પવિત્ર બાઇબલ ગુજરાતી ઓ.વી.) પણ બીજા અમુક કહે કે ખ્રિસ્તીઓનાં પવિત્ર સ્થળોએ જાઓ અને ભલાઈનાં કામો કરો, એટલે “તમારો બચાવ” થઈ જશે. તેઓ કદાચ યાકૂબ ૨:૨૪ના શબ્દો ટાંકીને કહે: “માણસ ફક્ત શ્રદ્ધાથી નહિ, પણ કામોથી નેક ગણાય છે.”
૯ આવી અલગ અલગ માન્યતાઓને લીધે શું થયું? બાઇબલના અમુક વિદ્વાનોએ માની લીધું છે કે શ્રદ્ધા અને કામો વિશે પાઉલ અને યાકૂબના વિચારોમાં મતભેદ હતો. અમુક ધર્મગુરુઓ કદાચ દાવો કરતા કહે: ‘પાઉલને લાગતું હતું કે ઈશ્વરની કૃપા મેળવવા ફક્ત શ્રદ્ધા હોવી જોઈએ, જ્યારે કે યાકૂબને લાગતું હતું કે કામો જરૂરી છે.’ એ વાતને બાઇબલના એક પ્રોફેસરે આ રીતે કહી: ‘પાઉલે ખૂબ ભારપૂર્વક જણાવ્યું કે નેક ગણાવા ફક્ત શ્રદ્ધા હોવી જરૂરી છે. પણ તેમણે કેમ એવું કહ્યું એ યાકૂબ સમજ્યા ન હતા અને તે પાઉલની વાત સાથે સહમત પણ ન હતા.’ જોકે આપણે જાણીએ છીએ કે યહોવાએ જ પાઉલને અને યાકૂબને એ વાતો લખવા પ્રેરણા આપી હતી. (૨ તિમો. ૩:૧૬) એટલે તેઓની વાત સમજવાની એક સહેલી રીત હોવી જોઈએ. આપણે ધ્યાન આપવું જોઈએ કે પોતાની વાત સમજાવવા તેઓએ પોતાના પત્રોમાં બીજું શું લખ્યું.
૧૦. પાઉલ ખાસ કરીને કયાં ‘કામોની’ વાત કરતા હતા? (રોમનો ૩:૨૧, ૨૮) (ચિત્ર પણ જુઓ.)
૧૦ રોમનો અધ્યાય ૩ અને ૪માં પાઉલ કયાં ‘કામોની’ વાત કરતા હતા? મોટા ભાગે તે ‘નિયમશાસ્ત્ર પ્રમાણેનાં કામોની’ વાત કરતા હતા. (રોમનો ૩:૨૧, ૨૮ વાંચો.) એ નિયમશાસ્ત્ર ઈશ્વરે મૂસાને સિનાઈ પર્વત પર આપ્યું હતું. એવું લાગે છે કે પાઉલના સમયના અમુક યહૂદી ખ્રિસ્તીઓને લાગતું હતું કે હજી પણ મૂસાનું નિયમશાસ્ત્ર પાળવું જરૂરી છે. એટલે પાઉલે ઇબ્રાહિમનો દાખલો આપીને સાબિત કર્યું કે “નિયમશાસ્ત્ર પ્રમાણેનાં કામોથી” કોઈ વ્યક્તિ નેક ઠરતી નથી. તે તો પોતાની શ્રદ્ધાને લીધે નેક ઠરે છે. એનો અર્થ શું થાય? જો કોઈ વ્યક્તિ ઈશ્વરમાં અને ખ્રિસ્તમાં શ્રદ્ધા મૂકે, તો તેને ઈશ્વરની કૃપા મળી શકે છે. એમ કરવું આપણા ગજા બહાર નથી. એટલે પાઉલની વાતથી આપણને ઘણું ઉત્તેજન મળે છે.
૧૧. યાકૂબ કયાં ‘કામોની’ વાત કરતા હતા?
૧૧ યાકૂબ અધ્યાય ૨માં પણ ‘કામોની’ વાત કરવામાં આવી છે. પણ એ ‘નિયમશાસ્ત્ર પ્રમાણેનાં કામો’ નથી, જે વિશે પાઉલે જણાવ્યું હતું. યાકૂબ અહીં એવાં કામોની વાત કરે છે, જે ઈશ્વરભક્તો દરરોજ કરે છે. એવાં કામોથી ખબર પડે છે કે તેઓને ઈશ્વરમાં શ્રદ્ધા છે કે નહિ. હવે ચાલો યાકૂબે આપેલા બે દાખલાઓ પર ધ્યાન આપીએ.
૧૨. યાકૂબે કઈ રીતે સમજાવ્યું કે શ્રદ્ધા અને કામો એકબીજા સાથે જોડાયેલાં છે? (ચિત્ર પણ જુઓ.)
૧૨ પહેલા દાખલામાં યાકૂબે સમજાવ્યું કે ખ્રિસ્તીઓએ પક્ષપાત કરવો ન જોઈએ. એ સમજાવવા તેમણે એક માણસનો દાખલો આપ્યો. એ માણસ ધનવાન માણસ સાથે સારી રીતે વર્ત્યો, પણ ગરીબને નીચો ગણ્યો. યાકૂબે કહ્યું કે એ માણસ કદાચ દાવો કરે કે તેને ઈશ્વરમાં શ્રદ્ધા છે, પણ તેનાં કામોમાં એ શ્રદ્ધા દેખાતી ન હતી. (યાકૂ. ૨:૧-૫, ૯) બીજા દાખલામાં યાકૂબે બીજી એક વ્યક્તિ વિશે કહ્યું. એ વ્યક્તિએ જોયું કે ‘કોઈ ભાઈ કે બહેન પાસે પૂરતાં કપડાં કે પૂરતું ખાવાનું ન હતું,’ પણ તેણે કોઈ મદદ ન કરી. એટલે ભલે તે કહે કે તેનામાં શ્રદ્ધા છે, પણ તેની શ્રદ્ધા કંઈ કામની નથી. કેમ કે તેણે પોતાની શ્રદ્ધા પ્રમાણે કામ કર્યું નહિ. યાકૂબે કહ્યું હતું તેમ, “ફક્ત શ્રદ્ધા હોવી પૂરતું નથી, કેમ કે કામો વગર શ્રદ્ધા મરેલી છે.”—યાકૂ. ૨:૧૪-૧૭.
૧૩. યાકૂબે કયા દાખલાથી સમજાવ્યું કે શ્રદ્ધા હોવાની સાથે સાથે કામ કરવું પણ જરૂરી છે? (યાકૂબ ૨:૨૫, ૨૬)
૧૩ યાકૂબે રાહાબનો દાખલો આપ્યો. તેણે કામોથી પોતાની શ્રદ્ધા બતાવી આપી. (યાકૂબ ૨:૨૫, ૨૬ વાંચો.) કઈ રીતે? તેણે યહોવા વિશે સાંભળ્યું હતું. તે પારખી ગઈ હતી કે યહોવા જ ઇઝરાયેલીઓને મદદ કરી રહ્યા હતા. (યહો. ૨:૯-૧૧) તેણે યહોવામાં શ્રદ્ધા મૂકી અને એ પોતાનાં કામોથી બતાવી આપી. જ્યારે બે ઇઝરાયેલી જાસૂસોનું જીવન જોખમમાં હતું, ત્યારે તેણે તેઓનું રક્ષણ કર્યું. એનું શું પરિણામ આવ્યું? ધ્યાન આપો કે રાહાબ ઇઝરાયેલી ન હતી અને ઇબ્રાહિમની જેમ તેનામાં પણ જન્મથી પાપની અસર હતી. તોપણ ઇબ્રાહિમની જેમ તેને નેક ગણવામાં આવી. રાહાબના દાખલામાંથી શીખવા મળે છે કે શ્રદ્ધા હોવાની સાથે સાથે કામ કરવું પણ ખૂબ જરૂરી છે.
૧૪. શાના આધારે કહી શકીએ કે પાઉલ અને યાકૂબે જે લખ્યું, એ એકબીજાના સુમેળમાં છે?
૧૪ તો પાઉલ અને યાકૂબ શ્રદ્ધા અને કામો વિશે બે અલગ અલગ રીતોએ સમજાવી રહ્યા હતા. પાઉલ યહૂદી ખ્રિસ્તીઓને કહી રહ્યા હતા કે યહોવાની કૃપા મેળવવા ફક્ત નિયમશાસ્ત્ર પ્રમાણે કામ કરવું જ પૂરતું નથી. તો યાકૂબ એ વાત પર ભાર મૂકી રહ્યા હતા કે બધા ખ્રિસ્તીઓએ ભલાઈનાં કામો કરીને પોતાની શ્રદ્ધા બતાવવી જોઈએ.
૧૫. કેવાં કામોથી શ્રદ્ધા બતાવી શકીએ? (ચિત્રો પણ જુઓ.)
૧૫ શું યહોવા આપણને નેક ગણે એ માટે આપણે ઇબ્રાહિમ જેવાં જ કામ કરવાની જરૂર છે? ના, યહોવા એવું કહેતા નથી. એવાં ઘણાં બધાં કામો છે, જેનાથી આપણે શ્રદ્ધા બતાવી શકીએ છીએ. જેમ કે, મંડળમાં નવાં ભાઈ-બહેનોનો અને સભામાં પહેલી વાર આવતા લોકોનો આવકાર કરીએ. જરૂરિયાતવાળાં ભાઈ-બહેનોને મદદ કરીએ. તેમ જ, કુટુંબના સભ્યોનું ભલું કરીએ. એવાં કામોથી ઈશ્વર ખુશ થશે અને આપણને આશીર્વાદ આપશે. (રોમ. ૧૫:૭; ૧ તિમો. ૫:૪, ૮; ૧ યોહા. ૩:૧૮) શ્રદ્ધા બતાવવાની એક મહત્ત્વની રીત છે, પૂરા ઉત્સાહથી ખુશખબર જણાવીએ. (૧ તિમો. ૪:૧૬) આપણને પૂરી શ્રદ્ધા છે કે યહોવાનાં વચનો જરૂર પૂરાં થશે અને તે જે કરે છે એ હંમેશાં ખરું હોય છે. એ જ શ્રદ્ધા આપણે કામોથી બતાવી આપીએ છીએ. એનાથી પૂરી ખાતરી થાય છે કે યહોવા આપણને નેક ગણશે અને તેમના મિત્ર કહીને બોલાવશે.
મજબૂત શ્રદ્ધા માટે આશા જરૂરી છે
૧૬. ઇબ્રાહિમની શ્રદ્ધા કઈ રીતે આશા સાથે જોડાયેલી હતી?
૧૬ રોમનો અધ્યાય ૪માં બીજી એક મહત્ત્વની વાત જોવા મળે છે, જે આપણે ઇબ્રાહિમ પાસેથી શીખી શકીએ. એ છે, પોતાની આશા પર ધ્યાન આપવું ખૂબ જરૂરી છે. યહોવાએ વચન આપ્યું હતું કે ઇબ્રાહિમ ‘ઘણી પ્રજાઓના પિતા’ બનશે અને તેમના દ્વારા ‘ઘણી પ્રજાઓને’ આશીર્વાદ મળશે. જરા વિચારો, ઇબ્રાહિમ પાસે કેટલી જોરદાર આશા હતી! (ઉત. ૧૨:૩; ૧૫:૫; ૧૭:૪; રોમ. ૪:૧૭) જોકે ઇબ્રાહિમ ૧૦૦ વર્ષના થયા અને સારાહ ૯૦ વર્ષની થઈ ત્યાં સુધી તેઓને દીકરો જન્મ્યો ન હતો. માણસોની નજરે જોઈએ તો એ અશક્ય લાગતું હતું કે ઇબ્રાહિમ અને સારાહના ઘરે પારણું બંધાય. એ સમયે યહોવાના વચનમાં શ્રદ્ધા રાખવી ઇબ્રાહિમ માટે અઘરું બન્યું હશે. “છતાં ઇબ્રાહિમે આશા રાખી અને શ્રદ્ધા બતાવી કે તે ઘણી પ્રજાઓના પિતા બનશે.” (રોમ. ૪:૧૮, ૧૯) સમય જતાં તેમની આશા ફળી. તેમના દીકરા ઇસહાકનો જન્મ થયો, જેની તેમને વર્ષોથી આશા હતી.—રોમ. ૪:૨૦-૨૨.
૧૭. શાના આધારે કહી શકીએ કે ઈશ્વર આપણને નેક અને તેમના મિત્ર ગણી શકે છે?
૧૭ ઇબ્રાહિમની જેમ આપણે પણ ઈશ્વરની કૃપા મેળવી શકીએ છીએ. તેમ જ, યહોવા આપણને પણ તેમના મિત્ર કહી શકે છે અને નેક ગણી શકે છે. પાઉલ પણ એવું જ કહેવા માંગતા હતા. તેમણે લખ્યું: “‘તે નેક ગણાયો,’ એ શબ્દો ફક્ત [ઇબ્રાહિમ] માટે લખવામાં આવ્યા ન હતા. એ આપણા માટે પણ લખવામાં આવ્યા છે. આપણને પણ નેક ગણવામાં આવશે, કેમ કે આપણે એ ઈશ્વરમાં ભરોસો રાખીએ છીએ, જેમણે . . . ઈસુને મરણમાંથી ઉઠાડ્યા છે.” (રોમ. ૪:૨૩, ૨૪) ઇબ્રાહિમની જેમ યહોવામાં શ્રદ્ધા રાખીએ, ભલાઈનાં કામો કરીએ અને યહોવાનાં વચનો જરૂર પૂરાં થશે એવી આશા રાખીએ. આપણી આશા વિશે પાઉલે રોમનો અધ્યાય ૫માં પણ લખ્યું છે. એ વિશે આવતા લેખમાં જોઈશું.
ગીત ૨૭ યહોવા મારો માલિક
a આપણે બધા ચાહીએ છીએ કે આપણને ઈશ્વરની કૃપા મળે અને તે આપણને નેક ગણે. એ માટે શું કરવું જોઈએ? જવાબ મેળવવા પાઉલ અને યાકૂબે લખેલી વાતોનો વિચાર કરીશું. એ પણ જોઈશું કે ઈશ્વરની કૃપા મેળવવા કેમ શ્રદ્ધા અને કામો બંને હોવાં જરૂરી છે.
b ચિત્રની સમજ: પાઉલે યહૂદી ખ્રિસ્તીઓને અરજ કરી કે તેઓ શ્રદ્ધા પર ધ્યાન આપે, ‘નિયમશાસ્ત્ર પ્રમાણેનાં કામો’ પર નહિ. જેમ કે વસ્ત્રોની કિનારીએ ભૂરા રંગનો દોરો ગૂંથવો, પાસ્ખા ઊજવવું અને શુદ્ધ થવાની વિધિઓ કરવી.
c ચિત્રની સમજ: યાકૂબે ઉત્તેજન આપ્યું કે ભલાઈનાં કામોથી શ્રદ્ધા બતાવવી. જેમ કે ગરીબોને મદદ કરવી.