સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

અભ્યાસ લેખ ૫૨

યુવાન બહેનો, પરિપક્વ ઈશ્વરભક્ત બનવાનો ધ્યેય રાખો

યુવાન બહેનો, પરિપક્વ ઈશ્વરભક્ત બનવાનો ધ્યેય રાખો

“એ જ રીતે, સ્ત્રીઓ . . . દરેક વાતે મર્યાદા રાખનાર અને બધાં કાર્યોમાં વિશ્વાસુ હોવી જોઈએ.”—૧ તિમો. ૩:૧૧.

ગીત ૪૧ બાળકો—યહોવાની સાથે ચાલો

ઝલક a

૧. પરિપક્વ ખ્રિસ્તી બનવા શું કરવું જોઈએ?

 અમુક લોકો કહેતા હોય છે, ‘બાળકો કેમનાં મોટાં થાય છે, એ ખબર પણ પડતી નથી.’ એ વાત સાચી છે. પણ પરિપક્વ કે અનુભવી ખ્રિસ્તી બનવા મહેનત કરવી પડે છે. એમ આપોઆપ બની જવાતું નથી. b (૧ કોરીં. ૧૩:૧૧; હિબ્રૂ. ૬:૧) એ માટે જરૂરી છે કે યહોવા સાથેનો આપણો સંબંધ એકદમ ગાઢ હોય. આપણને પવિત્ર શક્તિની પણ જરૂર છે, જેથી ઈશ્વર ખુશ થાય એવા ગુણો કેળવી શકીએ, અમુક આવડતો કેળવી શકીએ અને ભવિષ્યની જવાબદારીઓ ઉપાડવા હમણાંથી જ તૈયારી કરી શકીએ.—નીતિ. ૧:૫.

૨. (ક) ઉત્પત્તિ ૧:૨૭માંથી શું શીખવા મળે છે? (ખ) આ લેખમાં શાની ચર્ચા કરીશું?

યહોવાએ માણસોને પુરુષ અને સ્ત્રી બનાવ્યાં છે. (ઉત્પત્તિ ૧:૨૭ વાંચો.) પુરુષો અને સ્ત્રીઓના શરીરનો બાંધો અલગ હોય છે. પણ તેઓ બીજી અમુક રીતોએ પણ અલગ હોય છે. દાખલા તરીકે, યહોવાએ પુરુષો અને સ્ત્રીઓને જુદી જુદી જવાબદારીઓ આપી છે. એટલે તેઓએ એવાં ગુણો અને આવડતો કેળવવાની જરૂર છે, જેથી તેઓને પોતપોતાની જવાબદારી ઉપાડવા મદદ મળે. (ઉત. ૨:૧૮) આ લેખમાં જોઈશું કે પરિપક્વ બનવા યુવાન બહેનોને શાનાથી મદદ મળી શકે. આવતા લેખમાં જોઈશું કે યુવાન ભાઈઓને શાનાથી મદદ મળી શકે.

યહોવા ખુશ થાય એવા ગુણો કેળવો

જો તમે રિબકા, એસ્તેર અને અબીગાઈલ જેવી વફાદાર સ્ત્રીઓ જેવા ગુણો કેળવશો, તો પરિપક્વ ઈશ્વરભક્ત બની શકશો (ફકરા ૩-૪ જુઓ)

૩-૪. યુવાન બહેનો કોના કોના દાખલામાંથી શીખી શકે? (ચિત્ર પણ જુઓ.)

બાઇબલમાં એવી ઘણી સ્ત્રીઓ વિશે જણાવ્યું છે, જેઓ યહોવાને પ્રેમ કરતી હતી અને તન-મનથી તેમની ભક્તિ કરતી હતી. c આ લેખની મુખ્ય કલમમાં જણાવ્યું છે તેમ, એ સ્ત્રીઓ “દરેક વાતે મર્યાદા” રાખતી હતી અને “બધાં કાર્યોમાં વિશ્વાસુ” હતી. યુવાન બહેનો, તમે એ સ્ત્રીઓ પાસેથી શીખી શકો. એ ઉપરાંત તમારા મંડળમાં પણ એવી બહેનો હશે, જેઓ યહોવાને દિલથી પ્રેમ કરે છે. તમે એ બહેનો પાસેથી પણ ઘણું શીખી શકો.

યુવાન બહેનો, એવી બહેનોનો વિચાર કરો, જેઓએ સારો દાખલો બેસાડ્યો છે અને જેઓને તમે અનુસરવા માંગો છો. જુઓ કે તેઓમાં કયા સરસ ગુણો છે. પછી વિચારો કે તમે કઈ રીતે એ ગુણો કેળવી શકો. હવે પછીના ફકરાઓમાં આપણે એવા ત્રણ મહત્ત્વના ગુણો પર ચર્ચા કરીશું, જે બહેનોએ કેળવવા જોઈએ.

૫. પરિપક્વ બનવા નમ્રતાનો ગુણ કેમ જરૂરી છે?

નમ્રતા. પરિપક્વ બનવા એ ગુણ હોવો ખૂબ જરૂરી છે. જો એક સ્ત્રી નમ્ર હશે, તો યહોવા અને બીજાઓ સાથે તેના સારા સંબંધો હશે. (યાકૂ. ૪:૬) દાખલા તરીકે, યહોવાને પ્રેમ કરતી સ્ત્રી નમ્ર બનીને ૧ કોરીંથીઓ ૧૧:૩માં આપેલો સિદ્ધાંત પાળશે. ત્યાં સ્વર્ગમાંના આપણા પિતાએ સ્પષ્ટ જણાવ્યું છે કે મંડળમાં અને કુટુંબમાં આગેવાની લેવાનો અધિકાર તેમણે કોને આપ્યો છે. d

૬. નમ્ર બનવા વિશે યુવાન બહેનો રિબકા પાસેથી શું શીખી શકે?

રિબકાનો દાખલો લો. તે ખૂબ બુદ્ધિશાળી હતી. આખા જીવનમાં તેણે એવા ઘણા નિર્ણયો લીધા, જેમાં હિંમતની જરૂર હતી. તે જાણતી હતી કે ક્યારે શું કરવું. (ઉત. ૨૪:૫૮; ૨૭:૫-૧૭) તોપણ તે બીજાઓનો આદર કરતી અને માર્ગદર્શન પાળવા તૈયાર હતી. (ઉત. ૨૪:૧૭, ૧૮, ૬૫) તમે પણ રિબકાની જેમ નમ્ર બનો અને યહોવાએ જેઓને અધિકાર આપ્યો છે, તેઓને આધીન રહો. જો એમ કરશો, તો તમે કુટુંબ અને મંડળ માટે સારો દાખલો બેસાડી શકશો.

૭. યુવાન બહેનો કઈ રીતે બતાવી શકે કે તેઓ એસ્તેરની જેમ મર્યાદામાં રહે છે?

મર્યાદામાં રહેવું. એ ગુણ બધા પરિપક્વ ખ્રિસ્તીઓએ કેળવવાની જરૂર છે. બાઇબલમાં લખ્યું છે: “મર્યાદામાં રહેતા લોકો પાસે ડહાપણ હોય છે.” (નીતિ. ૧૧:૨) એસ્તેર યહોવાને વફાદાર હતી અને મર્યાદામાં રહેતી હતી. એટલે રાણી બન્યા પછી તેનામાં ઘમંડ આવી ન ગયું. જ્યારે તેના કાકાના દીકરા મોર્દખાયે તેને સલાહ આપી, ત્યારે તેણે એ સાંભળી અને એ પ્રમાણે કામ કર્યું. (એસ્તે. ૨:૧૦, ૨૦, ૨૨) યુવાન બહેનો, તમે પણ બીજાઓની સલાહ લો અને એ પ્રમાણે કામ કરો. એમ કરીને બતાવી આપો કે એસ્તેરની જેમ તમે પણ મર્યાદામાં રહો છો.—તિત. ૨:૩-૫.

૮. પહેલો તિમોથી ૨:૯, ૧૦ પ્રમાણે, મર્યાદાનો ગુણ બહેનોને કઈ રીતે પહેરવેશ અને દેખાવ વિશે યોગ્ય નિર્ણય લેવા મદદ કરશે?

બીજી એક રીતે પણ એસ્તેરે બતાવ્યું કે તે મર્યાદામાં રહેતી હતી. “તે શરીરે સુડોળ અને દેખાવે રૂપાળી હતી.” પણ તેણે બીજાઓનું ધ્યાન પોતાના તરફ ન ખેંચ્યું. (એસ્તે. ૨:૭, ૧૫) બહેનો કઈ રીતે એસ્તેરનો દાખલો અનુસરી શકે? એક રીત ૧ તિમોથી ૨:૯, ૧૦માં બતાવી છે. (વાંચો.) પ્રેરિત પાઉલે બહેનોને સલાહ આપી હતી કે તેઓ એવાં કપડાં પહેરે, જેથી ઈશ્વર માટેનો આદર દેખાઈ આવે. તેમણે જે ગ્રીક શબ્દો વાપર્યા, એનાથી ખબર પડે છે કે બહેનોએ મર્યાદા અને સમજદારી રાખીને શોભતાં કપડાં પહેરવાં જોઈએ. તેઓએ બીજાઓનાં વિચારો અને લાગણીઓનું પણ ધ્યાન રાખવું જોઈએ. એ સલાહ પાળતી બહેનો પર આપણને ખૂબ ગર્વ છે!

૯. અબીગાઈલના દાખલામાંથી શું શીખી શકીએ?

સમજદારી. પરિપક્વ બનવા બધી બહેનોએ એ ગુણ કેળવવાની જરૂર છે. પણ સમજદારી એટલે શું? એ ખરા-ખોટા વચ્ચેનો ભેદ પારખવાની અને પછી યોગ્ય કામ કરવાની આવડત છે. અબીગાઈલનો દાખલો લો. તેના પતિએ એક ખોટો નિર્ણય લીધો હતો અને એના લીધે આખા કુટુંબકબીલા પર ભારે આફત આવી પડવાની હતી. પણ અબીગાઈલે તરત પગલાં ભર્યાં. તેની સમજદારીને લીધે બધા લોકોનો જીવ બચી ગયો. (૧ શમુ. ૨૫:૧૪-૨૩, ૩૨-૩૫) સમજદારીનો ગુણ આપણને ક્યારે બોલવું અને ક્યારે ચૂપ રહેવું એ પારખવા મદદ કરે છે. જો આપણામાં એ ગુણ હશે, તો બીજાઓ સાથે વાત કરતી વખતે તેઓના અંગત જીવનમાં માથું નહિ મારીએ અથવા તેઓ શરમમાં મુકાઈ જાય એવું કંઈ નહિ કહીએ.—૧ થેસ્સા. ૪:૧૧.

અમુક આવડતો કેળવો

વાંચતાં-લખતાં શીખવાથી તમને કેવો ફાયદો થયો છે? (ફકરો ૧૧ જુઓ)

૧૦-૧૧. જો તમને વાંચતાં-લખતાં આવડતું હશે, તો તમને અને બીજાઓને કેવો ફાયદો થશે? (ચિત્ર પણ જુઓ.)

૧૦ ખ્રિસ્તી બહેનોએ અમુક આવડતો કેળવવી જોઈએ. જ્યારે એક છોકરી બાળપણથી અમુક આવડતો કેળવે છે, ત્યારે એ તેને આખું જીવન કામ લાગે છે. ચાલો જોઈએ કે કેવી આવડતો કેળવી શકાય.

૧૧ સારી રીતે વાંચતાં-લખતાં શીખો. અમુક સમાજમાં સ્ત્રીઓને વાંચતાં-લખતાં શીખવવામાં આવતું નથી, કેમ કે એ સમાજના લોકોને લાગે છે કે સ્ત્રીઓને એની જરૂર નથી. પણ યહોવાના દરેક ભક્તને એ આવડતું હોવું જોઈએ. e (૧ તિમો. ૪:૧૩) એટલે ભલે ગમે એવી અડચણ આવે, પણ વાંચતાં-લખતાં શીખવાનું છોડશો નહિ. એમ કરવાનું ચાલુ રાખો. એનાથી કેવા ફાયદા થશે? તમે કદાચ એક સારી નોકરી મેળવી શકશો, જેનાથી તમારું ગુજરાન ચાલે. તમે બાઇબલનો સારી રીતે અભ્યાસ કરી શકશો અને બીજાઓને સારી રીતે શીખવી શકશો. સૌથી મોટો ફાયદો, જેમ જેમ તમે બાઇબલ વાંચતા જશો અને મનન કરતા જશો, તેમ તેમ યહોવા સાથેનો તમારો સંબંધ પાકો થતો જશે.—યહો. ૧:૮; ૧ તિમો. ૪:૧૫.

૧૨. સારી રીતે વાત કરવા વિશે તમે નીતિવચનો ૩૧:૨૬માંથી શું શીખી શકો?

૧૨ સારી રીતે વાત કરવાનું શીખો. બધા ઈશ્વરભક્તોએ એવું કરવાની જરૂર છે. એ વિશે શિષ્ય યાકૂબે સરસ સલાહ આપી હતી. તેમણે લખ્યું: ‘દરેકે ધ્યાનથી સાંભળવું અને વિચાર્યા વગર ન બોલવું.’ (યાકૂ. ૧:૧૯) જ્યારે તમે બીજાઓની વાત ધ્યાનથી સાંભળો છો, ત્યારે તમે “સુખ-દુઃખના સાથી” બનો છો, એટલે કે તેઓનું દુઃખ પોતે અનુભવો છો. (૧ પિત. ૩:૮) જો સામેવાળી વ્યક્તિ કંઈ કહે અથવા પોતાની લાગણીઓ જણાવે અને જો તમને લાગે કે તમે બરાબર સમજ્યા નથી, તો યોગ્ય સવાલો પૂછો. પછી જવાબ આપતા પહેલાં ઘડીભર વિચાર કરો. (નીતિ. ૧૫:૨૮, ફૂટનોટ) પોતાને પૂછો: ‘હું હવે જે કહીશ એ શું સાચું છે? શું એનાથી સામેવાળાને હિંમત મળશે? શું એનાથી દેખાઈ આવે છે કે હું તેમને માન આપું છું અને પ્રેમ કરું છું?’ અનુભવી બહેનો પાસેથી શીખો, જેઓ બીજાઓની વાત ધ્યાનથી સાંભળે છે અને પ્રેમથી વાત કરે છે. (નીતિવચનો ૩૧:૨૬ વાંચો.) તેઓ શું કહે છે અને કેવી રીતે કહે છે એના પર ધ્યાન આપો. જેટલી વધારે આ આવડત કેળવશો, એટલી વધારે સંબંધોમાં મીઠાશ ઉમેરાશે.

જે બહેન સારી રીતે ઘર સંભાળતી હોય છે, તે પોતાના ઘરને ખુશીઓથી સજાવે છે અને મંડળ માટે એક આશીર્વાદ બને છે (ફકરો ૧૩ જુઓ)

૧૩. બહેનો, તમે કઈ રીતે ઘર સંભાળવાનું શીખી શકો? (ચિત્ર પણ જુઓ.)

૧૩ ઘર સંભાળવાનું શીખો. ઘણી જગ્યાઓએ ઘરનું મોટા ભાગનું કામ સ્ત્રીઓ કરતી હોય છે. તમારાં મમ્મી અથવા કોઈ અનુભવી બહેન તમને એમ કરવાનું શીખવી શકે. સિન્ડી નામનાં બહેન કહે છે: “મમ્મીએ મને ઘણી બધી સરસ વાતો શીખવી છે. એમાંની એક છે, મહેનત કરવાથી ખુશી મળે છે. મમ્મીએ મને જમવાનું બનાવવાનું, સાફ-સફાઈ કરવાનું, સિલાઈ કરવાનું અને ખરીદી કરવાનું શીખવ્યું છે. એનાથી મારું જીવન સહેલું બન્યું છે અને હું યહોવાની સેવામાં વધારે કરી શકું છું. મમ્મીએ મને મહેમાનગતિ બતાવવાનું પણ શીખવ્યું છે. એના લીધે હું ઘણાં અનુભવી ભાઈ-બહેનોને મળી શકી છું અને તેઓ પાસેથી ઘણું શીખી શકી છું.” (નીતિ. ૩૧:૧૫, ૨૧, ૨૨) જે બહેન મહેનતુ હોય છે, મહેમાનગતિ બતાવતી હોય છે અને સારી રીતે ઘર સંભાળતી હોય છે, તે પોતાના ઘરને ખુશીઓથી સજાવે છે અને મંડળ માટે એક આશીર્વાદ બને છે.—નીતિ. ૩૧:૧૩, ૧૭, ૨૭; પ્રે.કા. ૧૬:૧૫.

૧૪. (ક) ક્રિસ્ટલબહેનના અનુભવથી તમે શું શીખ્યા? (ખ) તમારું ધ્યાન શાના પર હોવું જોઈએ?

૧૪ પગભર થવાનું અને સંતોષથી રહેવાનું શીખો. બધા ઈશ્વરભક્તો માટે એ શીખવું જરૂરી છે. (ફિલિ. ૪:૧૧; ૨ થેસ્સા. ૩:૭, ૮) ક્રિસ્ટલબહેન કહે છે: “હું સ્કૂલમાં હતી ત્યારે મમ્મી-પપ્પાએ મને એવા વિષયો પસંદ કરવાનું કહ્યું, જેનાથી હું અમુક આવડતો કેળવી શકું અને આગળ જતાં એ મને કામ લાગે. મારા પપ્પાએ મને એકાઉન્ટ્‌સ ભણવાનું ઉત્તેજન આપ્યું. એ સાચે જ મને બહુ કામ આવ્યું.” તમે પૈસા કમાઈ શકો એવી આવડતો કેળવવી સારું છે. પણ એટલું જ પૂરતું નથી. તમે બજેટ બનાવવાનું પણ શીખી શકો, જેથી આવક કરતાં ખર્ચો વધી ન જાય. (નીતિ. ૩૧:૧૬, ૧૮) જો તમે સંતોષથી રહેવાનું શીખશો અને વગર કામનું દેવું નહિ કરો, તો યહોવાની સેવામાં તમે જે ધ્યેયો રાખ્યા છે એને પૂરા કરી શકશો.—૧ તિમો. ૬:૮.

ભવિષ્ય માટે તૈયારી કરો

૧૫-૧૬. કુંવારી બહેનો કેમ અનમોલ છે? (માર્ક ૧૦:૨૯, ૩૦)

૧૫ જો તમે યહોવા ખુશ થાય એવા ગુણો કેળવશો અને કામ લાગે એવી આવડતો શીખશો, તો ભાવિમાં સારા નિર્ણયો લઈ શકશો. ચાલો જોઈએ કે તમે શું કરી શકો.

૧૬ તમે અમુક સમય માટે કુંવારાં રહેવાનો નિર્ણય લઈ શકો. અમુક સમાજમાં કુંવારા રહેવાને સારી વાત ગણવામાં નથી આવતી. તોપણ ઈસુએ કહ્યું હતું તેમ અમુક જણ લગ્‍ન ન કરવાનો નિર્ણય લે છે. (માથ. ૧૯:૧૦-૧૨) અમુક બહેનો બીજાં અમુક કારણોસર કુંવારી રહે છે. પણ ખાતરી રાખો કે યહોવા અને ઈસુ એવું નથી વિચારતા કે તમે કુંવારાં છો, એટલે કંઈ કામનાં નથી. આખી દુનિયામાં આપણી કુંવારી બહેનોએ મંડળમાં સરસ દાખલો બેસાડ્યો છે. તેઓ ભાઈ-બહેનોને ખૂબ પ્રેમ કરે છે અને દિલથી તેઓની કાળજી રાખે છે. એ કારણે ઘણા માટે તેઓ બહેનો અને મમ્મીઓની ગરજ સારે છે.—માર્ક ૧૦:૨૯, ૩૦ વાંચો; ૧ તિમો. ૫:૨.

૧૭. એક યુવાન બહેન પૂરા સમયની સેવા કરવા હમણાં કેવી તૈયારી કરી શકે?

૧૭ તમે પૂરા સમયની સેવા કરી શકો. આખી દુનિયામાં ચાલતા પ્રચારકામમાં આપણી બહેનોનો બહુ મોટો ફાળો છે. (ગીત. ૬૮:૧૧) તમે હમણાંથી જ પૂરા સમયની સેવા કરવાનું વિચારી શકો. તમે કદાચ પાયોનિયરીંગ કરવાનો, બાંધકામમાં મદદ કરવાનો અથવા બેથેલમાં સેવા કરવાનો ધ્યેય રાખી શકો. એ ધ્યેય માટે પ્રાર્થના કરો. જેઓએ એ ધ્યેય પૂરો કર્યો છે તેઓ સાથે વાત કરો અને જુઓ કે તમારે એ ધ્યેય પૂરો કરવા શું કરવાની જરૂર છે. પછી કયાં પગલાં ભરશો એની યોજના બનાવો. યોજના બનાવતી વખતે ધ્યાન રાખજો કે તમે જે કરવાનું વિચારો છો, એ તમારા ગજા બહાર ન હોય. જો તમે એ ધ્યેય પૂરો કરી લેશો, તો યહોવાની સેવામાં વધારે કરવા તમારા માટે બીજા ઘણા દરવાજા ખૂલી જશે.

જો તમે લગ્‍ન કરવાનું વિચારતા હો, તો સમજી-વિચારીને તમારા સાથીની પસંદગી કરો (ફકરો ૧૮ જુઓ)

૧૮. એક બહેને કેમ પોતાના સાથીની પસંદગી સમજી-વિચારીને કરવી જોઈએ? (ચિત્ર પણ જુઓ.)

૧૮ તમે લગ્‍ન કરવાનો નિર્ણય લઈ શકો. આ લેખમાં આપણે જે ગુણો અને આવડતો વિશે જોઈ ગયા, એ તમને એક સારી પત્ની બનવા મદદ કરશે. જો તમે લગ્‍ન કરવાનું વિચારતા હો, તો સમજી-વિચારીને તમારા સાથીની પસંદગી કરો. એ તમારા જીવનનો એક મોટો નિર્ણય છે. યાદ રાખજો, તમે જેની સાથે લગ્‍ન કરશો એ તમારો શિર હશે અને તમારે તેને આધીન રહેવું પડશે. (રોમ. ૭:૨; એફે. ૫:૨૩, ૩૩) એટલે પોતાને પૂછો: ‘શું તે ઈસુની જેમ વિચારે છે અને તેમની જેમ વર્તે છે? શું તે યહોવાને પોતાના જીવનમાં પહેલા રાખે છે? શું તે સારા નિર્ણયો લે છે? તેનાથી જો કોઈ ભૂલ થઈ જાય તો શું તે સ્વીકારે છે? શું તે સ્ત્રીઓને માન આપે છે? શું યહોવા સાથેની મારી દોસ્તી મજબૂત કરવા તે મને મદદ કરી શકશે? શું તે મારું ભરણપોષણ કરી શકશે? શું તે મારો સારો મિત્ર બની શકશે? શું તે પોતાની જવાબદારીઓ સારી રીતે નિભાવે છે? જેમ કે, મંડળમાં તેની પાસે કઈ જવાબદારીઓ છે? જ્યારે તેને કોઈ કામ કે સોંપણી મળે ત્યારે તે એને કઈ રીતે પૂરી કરે છે?’ (લૂક ૧૬:૧૦; ૧ તિમો. ૫:૮) ભૂલશો નહિ, તાળી એક હાથે નહિ વાગે. જો તમે સારા પતિની ઝંખના રાખતા હશો, તો તમારે પણ સારી પત્ની બનવું પડશે.

૧૯. “સહાયકારી” હોવું એ કેમ સન્માનની વાત છે?

૧૯ બાઇબલમાં જણાવ્યું છે કે એક સારી પત્ની પોતાના પતિ માટે “સહાયકારી” અને “યોગ્ય જીવનસાથી” હોય છે. (ઉત. ૨:૧૮) શું સહાયકારી હોવાનો અર્થ એ થાય કે પત્નીને નીચી ગણવામાં આવે છે? ના, બિલકુલ નહિ. સહાયકારી હોવું, એ તો સન્માનની વાત છે. બાઇબલમાં ઘણી વાર યહોવાને પણ “મદદ કરનાર” કહેવામાં આવ્યા છે. (ગીત. ૫૪:૪; હિબ્રૂ. ૧૩:૬) પત્ની કેવી રીતે સહાયકારી બની શકે? તેના પતિને સાથ-સહકાર આપીને. જેમ કે, જ્યારે પતિ કુટુંબ માટે કોઈ નિર્ણય લે, ત્યારે તે એને માને છે અને પૂરેપૂરો ટેકો આપે છે. જો તે યહોવાને પ્રેમ કરતી હશે, તો તે “સહાયકારી” બનવાની જવાબદારીને લહાવો ગણશે. તેમ જ, યહોવાએ કુટુંબમાં પતિને જે જવાબદારી આપી છે એ સ્વીકારશે. આમ, તે બધાની સામે પતિને ઉતારી નહિ પાડે અને લોકો તેના પતિના સારા ગુણ જોઈ શકે, એ માટે બનતું બધું કરશે. (નીતિ. ૩૧:૧૧, ૧૨; ૧ તિમો. ૩:૧૧) બહેનો, જો તમે લગ્‍ન કરવાનું વિચારતી હો, તો સારી પત્ની બનવા હમણાંથી જ તૈયારી કરો. કઈ રીતે? યહોવા માટેનો તમારો પ્રેમ વધારો તેમજ ઘરમાં અને મંડળમાં બીજાઓને મદદ કરો.

૨૦. જો એક બહેન સારી મમ્મી બનવા મહેનત કરે, તો કુટુંબને કેવો ફાયદો થશે?

૨૦ તમે મા બનવાનો નિર્ણય લઈ શકો. લગ્‍ન પછી તમે અને તમારા પતિ કદાચ વિચારો કે તમને બાળકો હોય. (ગીત. ૧૨૭:૩) એટલે એ વિચારવું સારું રહેશે કે તમે કઈ રીતે સારી મમ્મી બની શકો. આ લેખમાં આપણે જે ગુણો અને આવડતો વિશે જોઈ ગયા, એ તમને એક સારી પત્ની અને મા બનવા મદદ કરશે. જો તમારામાં પ્રેમ, દયા અને ધીરજ જેવા ગુણો હશે, તો તમારું કુટુંબ સુખી રહેશે અને તમારાં બાળકો ઘરમાં હૂંફ અને સલામતી અનુભવશે.—નીતિ. ૨૪:૩.

ઘણી યુવાન બહેનો પરિપક્વ ખ્રિસ્તી બની, કેમ કે તેઓ શાસ્ત્રવચનોમાંથી શીખી અને શીખેલી વાતો જીવનમાં લાગુ પાડી (ફકરો ૨૧ જુઓ)

૨૧. આપણી બહેનો કેમ પ્રેમ અને માનની હકદાર છે? (પહેલા પાનનું ચિત્ર જુઓ.)

૨૧ બહેનો, અમે તમને બહુ પ્રેમ કરીએ છીએ. કેમ કે યહોવા અને તેમના લોકો માટે તમે ઘણું કરો છો. (હિબ્રૂ. ૬:૧૦) તમે યહોવા ખુશ થાય એવા ગુણો કેળવો છો. તમે અમુક આવડતો કેળવો છો, જેથી તમારું તેમજ સગા-સંબંધીઓ અને મિત્રોનું જીવન ખુશીઓથી ભરાઈ જાય. ભવિષ્યની જવાબદારીઓ માટે પણ તમે હમણાંથી જ તૈયારીઓ કરો છો. સાચે, યહોવાના સંગઠન માટે તમે બહુ જ કીમતી છો!

ગીત ૧૪૫ પ્રચાર કરવા જઈએ

a વહાલી યુવાન બહેનો, તમે મંડળ માટે ખૂબ જ કીમતી છો. તમે પરિપક્વ બનતી જાઓ. અનુભવમાં આગળ વધતી જાઓ. એ માટે ઈશ્વર ખુશ થાય એવા ગુણો કેળવો, અમુક આવડતો કેળવો અને ભવિષ્યમાં અમુક જવાબદારીઓ ઉપાડવા હમણાંથી જ તૈયારી કરો. એમ કરવાથી તમને યહોવાની સેવામાં અઢળક આશીર્વાદો મળશે.

b શબ્દોની સમજ: એક પરિપક્વ અથવા અનુભવી વ્યક્તિ ઈશ્વરની શક્તિના માર્ગદર્શન પ્રમાણે ચાલે છે, દુનિયાના લોકોની સલાહ પ્રમાણે નહિ. તે ઈસુનો દાખલો અનુસરે છે, યહોવા સાથેનો સંબંધ ગાઢ રાખવા સખત મહેનત કરે છે અને બીજાઓને સાચો પ્રેમ બતાવે છે.

e વાંચતા આવડે એ કેટલું જરૂરી છે, એ વિશે વધારે જાણવા જુલાઈ ૧૫, ૨૦૧૦ ચોકીબુરજમાં (હિંદી) આપેલો આ લેખ જુઓ: “અપને બચ્ચોં મેં પઢાઈ ઔર અધ્યયન કે લિયે પ્યાર જગાએ.”