સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

અભ્યાસ લેખ ૫૩

યુવાન ભાઈઓ, પરિપક્વ ઈશ્વરભક્ત બનવાનો ધ્યેય રાખો

યુવાન ભાઈઓ, પરિપક્વ ઈશ્વરભક્ત બનવાનો ધ્યેય રાખો

“પૂર્ણ વિકસિત માણસ થઈએ અને ખ્રિસ્તની જેમ પરિપક્વ થઈએ.” —એફે. ૪:૧૩, ફૂટનોટ.

ગીત ૧૧ યહોવાને વળગી રહું

ઝલક a

૧. પરિપક્વ ઈશ્વરભક્ત બનવા ભાઈઓએ શું કરવું જોઈએ?

 પ્રેરિત પાઉલે એફેસસમાં રહેતા ખ્રિસ્તીઓને કહ્યું હતું: ‘પૂર્ણ વિકસિત માણસો થાઓ અને ખ્રિસ્તની જેમ પરિપક્વ થાઓ.’ (એફે. ૪:૧૩, ફૂટનોટ) જે ભાઈઓ ખ્રિસ્તની જેમ પરિપક્વ થવા માંગે છે, તેઓએ એ સલાહ પાળવી જોઈએ. એ માટે તેઓએ ઈશ્વરની આજ્ઞાઓ પાળવાનું અને જીવનના દરેક પાસામાં બાઇબલના સિદ્ધાંતો લાગુ પાડવાનું શીખવું જોઈએ. (લૂક ૨:૫૨) યુવાન ભાઈઓ પરિપક્વ બને એ કેમ જરૂરી છે?

૨-૩. યુવાન ભાઈઓ પરિપક્વ બને એ કેમ જરૂરી છે?

ભાઈઓ કુટુંબમાં અને મંડળમાં મહત્ત્વની જવાબદારીઓ નિભાવે છે. યુવાન ભાઈઓ, તમે પણ ભાવિની જવાબદારીઓનો વિચાર કર્યો હશે. તમે કદાચ પાયોનિયર, સહાયક સેવક અને પછીથી વડીલ બનવાનો ધ્યેય રાખ્યો હશે. તમે કદાચ લગ્‍નનું અને પછીથી બાળકો કરવાનું વિચાર્યું હશે. (એફે. ૬:૪; ૧ તિમો. ૩:૧) એ ધ્યેયો પૂરા કરવા અને જવાબદારીઓને સારી રીતે નિભાવવા તમારે પરિપક્વ અથવા અનુભવી બનવાની જરૂર છે. b

પરિપક્વ ઈશ્વરભક્ત બનવા તમને શાનાથી મદદ મળશે? તમારે અમુક આવડતો કેળવવી પડશે. ભાવિની જવાબદારીઓ માટે પોતાને તૈયાર કરવા અને એને સારી રીતે નિભાવવા તમે કયાં પગલાં ભરી શકો? ચાલો જોઈએ.

પરિપક્વ બનવા જરૂરી પગલાં

ઈસુ જેવા ગુણો કેળવવાથી તમને પરિપક્વ ઈશ્વરભક્ત બનવા મદદ મળી શકે છે (ફકરો ૪ જુઓ)

૪. યુવાન ભાઈઓ કોના કોના પગલે ચાલી શકે? (ચિત્ર પણ જુઓ.)

એવા ઈશ્વરભક્તોનો વિચાર કરો, જેઓને તમે અનુસરવા માંગો છો. બાઇબલમાં એવા ઘણા ઈશ્વરભક્તો વિશે જણાવ્યું છે, જેઓ યહોવાને પ્રેમ કરતા હતા. તેઓ પાસે અલગ અલગ જવાબદારીઓ હતી. તેઓએ ઈશ્વરના લોકોની ખૂબ સારી રીતે સંભાળ રાખી. યુવાન ભાઈઓ, તમે એ ઈશ્વરભક્તો પાસેથી શીખી શકો. જરા આસપાસ નજર દોડાવો. તમને જોવા મળશે કે તમારાં કુટુંબમાં અને મંડળમાં એવા પરિપક્વ ભાઈઓ છે, જેઓ પાસેથી તમે ઘણું શીખી શકો છો. (હિબ્રૂ. ૧૩:૭) તમે ઈસુ ખ્રિસ્ત પાસેથી પણ શીખી શકો, જેમણે સૌથી સારો દાખલો બેસાડ્યો છે. (૧ પિત. ૨:૨૧) ઈસુ અને જૂના જમાનાના ઈશ્વરભક્તોના દાખલાઓનો અભ્યાસ કરો. આજના સમયના પરિપક્વ માણસોનો વિચાર કરો. એમ કરતી વખતે તેઓના સારા ગુણો પર ધ્યાન આપો. (હિબ્રૂ. ૧૨:૧, ૨) પછી વિચારો કે તમે કઈ રીતે તેઓના પગલે ચાલશો.

૫. તમે કઈ રીતે સમજશક્તિ કેળવી શકો? એ કેળવવી કેમ જરૂરી છે? (ગીતશાસ્ત્ર ૧૧૯:૯)

“સમજશક્તિને” કેળવો અને એને ‘પકડી રાખો.’ (નીતિ. ૩:૨૧) જે માણસમાં સમજશક્તિ, એટલે કે સમજવાની અને વિચારવાની આવડત હોય છે, તે ઉતાવળે પગલું ભરતો નથી. પણ કોઈ કામ કરતા પહેલાં ધ્યાનથી એનો વિચાર કરે છે. એટલે સમજશક્તિ કેળવવા સખત મહેનત કરો. શા માટે? આજે દુનિયામાં મોટા ભાગના યુવાનિયાઓ પોતાના વિચારો પ્રમાણે અથવા લાગણીમાં તણાઈને નિર્ણયો લે છે. (નીતિ. ૭:૭; ૨૯:૧૧) ટી.વી., ફિલ્મો, ઇન્ટરનેટ અને સોશિયલ મીડિયા પર જે બતાવવામાં આવે છે, એની તમારાં વિચારો અને કામો પર અસર થઈ શકે છે. તો તમે કઈ રીતે સમજશક્તિ કેળવી શકો? સૌથી પહેલા, બાઇબલના સિદ્ધાંતો વિશે શીખો અને વિચારો કે એ કેમ તમારા ભલા માટે છે. પછી એ સિદ્ધાંતોને આધારે એવા નિર્ણયો લો, જેથી યહોવા ખુશ થાય. (ગીતશાસ્ત્ર ૧૧૯:૯ વાંચો.) જો તમે આ મહત્ત્વની આવડત કેળવશો, તો પરિપક્વ બનવા તરફ તમે એક મોટી છલાંગ ભરશો. (નીતિ. ૨:૧૧, ૧૨; હિબ્રૂ. ૫:૧૪) હવે ચાલો જોઈએ કે સમજશક્તિ કઈ રીતે આ બે સંજોગોમાં તમને મદદ કરશે: (૧) બહેનો સાથેના વ્યવહારમાં અને (૨) પહેરવેશ અને દેખાવ વિશે નિર્ણયો લેવામાં.

૬. બહેનોનો આદર કરવા સમજશક્તિ કઈ રીતે એક ભાઈને મદદ કરશે?

સમજશક્તિ હોવાને લીધે એક ભાઈને સ્ત્રીઓનો આદર કરવા મદદ મળશે. આનો વિચાર કરો: યહોવાએ મનુષ્યોમાં લગ્‍ન કરવાની ઇચ્છા મૂકી છે. એટલે એક ભાઈમાં લગ્‍નની ઇચ્છા હોવી સ્વાભાવિક છે. પણ જો ભાઈનો લગ્‍ન કરવાનો ઇરાદો ન હોય, તો તે બહેન સાથે કઈ રીતે વર્તશે? તે અમુક વાતોનું ધ્યાન રાખશે. જેમ કે, તે બહેનને એવું કંઈ કહેશે નહિ, એવો કોઈ સંદેશો મોકલશે નહિ અથવા એવું કંઈ કરશે નહિ, જેનાથી બહેનને લાગે કે એ ભાઈને તેનામાં રસ છે. આમ, તે સમજશક્તિ બતાવશે. (૧ તિમો. ૫:૧, ૨) પણ જો તેને લગ્‍નની ઇચ્છા હોય અને તે એ બહેન સાથે ડેટિંગ કરતો હોય, તો તેઓ કદી એકાંતમાં મળશે નહિ. તેઓ હંમેશાં કોઈ પરિપક્વ વ્યક્તિને પોતાની સાથે રાખશે. આમ તે ધ્યાન રાખશે કે બહેનનું નામ બદનામ ન થાય.—૧ કોરીં. ૬:૧૮.

૭. સમજશક્તિ કઈ રીતે એક યુવાન ભાઈને પહેરવેશ અને દેખાવ વિશે સારો નિર્ણય લેવા મદદ કરશે?

એક યુવાન ભાઈ બીજી એક રીતે પણ બતાવી શકે કે તેનામાં સમજશક્તિ છે. એ છે, પહેરવેશ અને દેખાવ વિશે સારા નિર્ણયો લેવા. આજે જેઓ નવી નવી સ્ટાઈલનાં કપડાં બનાવે છે અને એની જાહેરાતો કરે છે, તેઓમાંના મોટા ભાગના લોકો યહોવાનાં ધોરણો પ્રમાણે ચાલતા નથી. તેઓ તો વ્યભિચાર જેવાં ગંદાં કામો પણ કરતા હોય શકે. તેઓના વિચારો તેઓનાં કપડાંની ડિઝાઇનમાં દેખાઈ આવે છે. તેઓ એવાં કપડાં બનાવે છે, જે ટાઇટ હોય છે અથવા એનાથી માણસ સ્ત્રી જેવો દેખાય છે. તો પછી જે યુવાન ભાઈ પરિપક્વ બનવા માંગે છે, તે પહેરવેશ વિશે સારો નિર્ણય કઈ રીતે લઈ શકે? તે વિચારી શકે કે યહોવા શાનાથી ખુશ થશે. તે મંડળના ભાઈઓનો પણ વિચાર કરી શકે, જેઓએ પહેરવેશ વિશે સારો દાખલો બેસાડ્યો છે. તે પોતાને પૂછી શકે: ‘શું મારાં કપડાંની પસંદગીથી દેખાઈ આવે છે કે હું સમજી-વિચારીને નિર્ણય લઉં છું અને બીજાઓનો વિચાર કરું છું? શું મારાં કપડાંથી બીજાઓ જોઈ શકે છે કે હું ઈશ્વરનો સેવક છું?’ (૧ કોરીં. ૧૦:૩૧-૩૩; તિત. ૨:૬) જે યુવાન ભાઈમાં સમજશક્તિ હોય છે, તેને મંડળનાં ભાઈ-બહેનો માન આપશે. તેને સ્વર્ગમાંના આપણા પિતા તરફથી પણ માન મળશે.

૮. યુવાન ભાઈઓ કઈ રીતે ભરોસાપાત્ર બની શકે?

ભરોસાપાત્ર બનો. જે યુવાન ભાઈ ભરોસાપાત્ર હોય છે, તે પોતાની જવાબદારીઓ પૂરી કરવા સખત મહેનત કરે છે. (લૂક ૧૬:૧૦) ઈસુનો દાખલો લો. તે કદી પણ બેદરકાર ન હતા. એને બદલે યહોવાએ સોંપેલું કામ તેમણે પૂરી ધગશથી પૂરું કર્યું. અઘરું હતું ત્યારે પણ તે પોતાની જવાબદારીથી ફરી ન ગયા. તે લોકોને ખૂબ પ્રેમ કરતા હતા, ખાસ કરીને તેમના શિષ્યોને. તેઓ માટે તેમણે ખુશીથી પોતાનો જીવ પણ આપી દીધો. (યોહા. ૧૩:૧) વહાલા યુવાન ભાઈઓ, ઈસુને પગલે ચાલો અને તમને સોંપેલું કામ પૂરું કરવા સખત મહેનત કરો. જો તમને ખબર ન હોય કે એ કામ કઈ રીતે કરવું, તો નમ્ર બનો અને અનુભવી ભાઈઓ પાસે મદદ માંગો. જરૂર પૂરતું જ કામ કરીને બેસી ન રહો. એને બદલે સોંપેલું કામ પૂરું કરો. (રોમ. ૧૨:૧૧) એ “માણસો માટે નહિ, પણ યહોવા માટે કરતા હો” એ રીતે કરો. (કોલો. ૩:૨૩) ખરું કે તમે ભૂલભરેલા છો, એટલે પોતાની હદ પારખો અને જો કોઈ ભૂલ થઈ જાય તો એને સ્વીકારો.—નીતિ. ૧૧:૨.

અમુક આવડતો કેળવો

૯. યુવાન ભાઈઓએ કેમ અમુક આવડતો કેળવવી જોઈએ?

એક પરિપક્વ ઈશ્વરભક્ત બનવા તમારે અમુક આવડતો કેળવવી જોઈએ, જે આગળ જતાં તમને કામ લાગે. એનાથી તમને મંડળની જવાબદારીઓ ઉપાડવા મદદ મળશે. તમે એક સારી નોકરી મેળવી શકશો, જેથી તમારું અથવા કુટુંબનું ગુજરાન ચાલી શકે. તમને બીજાઓ સાથે સારા સંબંધો જાળવવા પણ મદદ મળશે. ચાલો જોઈએ કે તમે કઈ આવડતો કેળવી શકો.

જો તમને વાંચતાં-લખતાં આવડતું હશે, તો તમને પોતાને અને મંડળને ફાયદો થશે (ફકરા ૧૦-૧૧ જુઓ)

૧૦-૧૧. જો એક યુવાન ભાઈને વાંચતાં-લખતાં આવડતું હશે, તો તેને પોતાને અને મંડળનાં ભાઈ-બહેનોને કઈ રીતે ફાયદો થશે? (ગીતશાસ્ત્ર ૧:૧-૩) (ચિત્ર પણ જુઓ.)

૧૦ સારી રીતે વાંચતાં-લખતાં શીખો. બાઇબલમાં લખ્યું છે કે, જે માણસ દરરોજ ઈશ્વરનાં વચનો વાંચે છે અને મનન કરે છે, તે સુખી છે અને સફળ થાય છે. (ગીતશાસ્ત્ર ૧:૧-૩ વાંચો.) દરરોજ બાઇબલ વાંચવાથી તમે યહોવાના વિચારો જાણી શકશો. એનાથી તમને યહોવાની જેમ વિચારવા અને બાઇબલના સિદ્ધાંતો કઈ રીતે લાગુ પાડવા એ સમજવા મદદ મળશે. (નીતિ. ૧:૩, ૪) એવા ભાઈઓની મંડળમાં ખૂબ જરૂર છે. શા માટે?

૧૧ જ્યારે ભાઈ-બહેનોને માર્ગદર્શન અને સલાહ જોઈતાં હોય છે, ત્યારે તેઓ એવા ભાઈઓ પાસે જાય છે, જેઓ તેમને બાઇબલમાંથી શીખવી શકે. (તિત. ૧:૯) જો તમને વાંચતાં-લખતાં આવડતું હશે, તો તમે પ્રવચનોની સારી તૈયારી કરી શકશો. તમે સભાઓમાં સારા જવાબો આપી શકશો. એનાથી બીજાઓને ફાયદો થશે અને તેઓની શ્રદ્ધા વધશે. એ સિવાય તમે અમુક મુદ્દાઓની નોંધ લઈ શકશો, જે તમને કામ લાગે. જેમ કે, જાતે બાઇબલનો અભ્યાસ કરતી વખતે તેમજ સભાઓ, સંમેલનો અને મહાસંમેલનોમાં બીજાઓનાં પ્રવચનો સાંભળતી વખતે. એ મુદ્દાઓથી તમે પોતાની શ્રદ્ધા વધારી શકશો અને બીજાઓને ઉત્તેજન આપી શકશો.

૧૨. સારી રીતે વાતચીત કરવા તમને શાનાથી મદદ મળશે?

૧૨ સારી રીતે વાત કરવાનું શીખો. એક યુવાન ભાઈએ સારી રીતે વાત કરવાની આવડત કેળવવી જ જોઈએ. એનો શું અર્થ થાય? તેણે બીજાઓની વાત ધ્યાનથી સાંભળવી જોઈએ. તેમ જ, તેઓનાં વિચારો અને લાગણીઓ સમજવાં જોઈએ. (નીતિ. ૨૦:૫) તે સામેવાળી વ્યક્તિના અવાજથી, તેના ચહેરાથી અને હાવભાવથી વિચારો અને લાગણીઓ પારખવાનું શીખી શકે છે. પણ એ આવડત કેળવવા તેણે બીજાઓ સાથે સમય વિતાવવો જ જોઈએ. જો તે હંમેશાં ઈ-મેઈલ અને મૅસેજ દ્વારા જ બીજાઓ સાથે વાત કરતો હશે, તો તેના માટે લોકો સાથે મોઢામોઢ વાત કરવી અઘરું બનશે. એટલે તેણે બીજાઓને રૂબરૂમાં મળવાની અને વાત કરવાની તકો શોધવી જોઈએ.—૨ યોહા. ૧૨.

નોકરી મળે એવી કોઈ આવડત કેળવવી જરૂરી છે (ફકરો ૧૩ જુઓ)

૧૩. એક યુવાન ભાઈએ બીજું શું શીખવું જોઈએ? (૧ તિમોથી ૫:૮) (ચિત્ર પણ જુઓ.)

૧૩ પગભર થવાનું શીખો. એક પરિપક્વ ભાઈ પોતાની અને કુટુંબની જરૂરિયાતો પૂરી કરતો હોવો જોઈએ. (૧ તિમોથી ૫:૮ વાંચો.) અમુક દેશોમાં આપણા યુવાન ભાઈઓ પપ્પા પાસેથી અથવા કોઈ સંબંધી પાસેથી કામ અથવા આવડત શીખે છે. બીજા અમુક દેશોમાં યુવાનો સ્કૂલમાં ભણતા હોય ત્યારે કોઈ કામ અથવા આવડત શીખે છે. ભલે તમે ઘરમાં શીખો કે સ્કૂલમાં, પણ નોકરી મળે એવી કોઈ આવડત કેળવવી જરૂરી છે. (પ્રે.કા. ૧૮:૨, ૩; ૨૦:૩૪; એફે. ૪:૨૮) સખત મહેનત કરો અને તમને સોંપેલું કામ પૂરું કરો. તમારું કામ લોકોના ધ્યાન બહાર જશે નહિ અને તેઓ તમને માનની નજરે જોશે. આમ, તમને સારી નોકરી મેળવવા અને એમાં ટકી રહેવા મદદ મળશે. આપણે જે ગુણો અને આવડતો વિશે ચર્ચા કરી, એનાથી એક યુવાન ભાઈને ભવિષ્યની જવાબદારીઓ સારી રીતે નિભાવવા મદદ મળશે. ચાલો એવી જ અમુક જવાબદારીઓ વિશે વાત કરીએ.

ભવિષ્ય માટે તૈયારી કરો

૧૪. પૂરા સમયનો સેવક બનવા યુવાન ભાઈ કઈ રીતે તૈયારી કરી શકે?

૧૪ પૂરા સમયનો સેવક. ઘણા પરિપક્વ ભાઈઓએ નાની ઉંમરથી જ પૂરા સમયની સેવા શરૂ કરી દીધી હતી. જ્યારે એક યુવાન ભાઈ પાયોનિયરીંગ કરે છે, ત્યારે તેને શીખવા મળે છે કે જુદા જુદા લોકો સાથે કઈ રીતે કામ કરવું. પાયોનિયરીંગ કરવાથી તેને સમજી-વિચારીને પૈસા વાપરવા અને આવક કરતાં ખર્ચો વધી ન જાય, એનું ધ્યાન રાખવા મદદ મળે છે. (ફિલિ. ૪:૧૧-૧૩) પૂરા સમયની સેવામાં ડગ માંડવાની એક સારી રીત છે, સહાયક પાયોનિયરીંગ કરવું. ઘણા લોકો અમુક સમય માટે સહાયક પાયોનિયરીંગ કરે છે. એનાથી તેઓને સમય જતાં નિયમિત પાયોનિયરીંગ કરવા મદદ મળે છે. જ્યારે એક ભાઈ પાયોનિયરીંગ શરૂ કરે છે, ત્યારે તેના માટે પૂરા સમયની સેવાના બીજા અનેક દરવાજા ખૂલી જઈ શકે છે. જેમ કે, બાંધકામ વિભાગમાં કામ કરવું અથવા બેથેલમાં સેવા આપવી.

૧૫-૧૬. યુવાન ભાઈને સહાયક સેવક અથવા વડીલ બનવા શાનાથી મદદ મળશે?

૧૫ સહાયક સેવક અથવા વડીલ. બધા ભાઈઓએ વડીલો તરીકે ભાઈ-બહેનોની સેવા કરવાનો ધ્યેય રાખવો જોઈએ. એ માટે તેઓએ બાઇબલમાં આપેલી લાયકાતો કેળવવી જોઈએ અને જરૂરી ગુણો બતાવવા જોઈએ. બાઇબલમાં લખ્યું છે કે, જે ભાઈઓ એ માટે મહેનત કરે છે તેઓ “સારા કામની ઇચ્છા રાખે છે.” (૧ તિમો. ૩:૧) પણ વડીલ બનતા પહેલાં તમારે સહાયક સેવક બનવું પડશે. સહાયક સેવકો ઘણી અલગ અલગ રીતોએ વડીલોને મદદ કરે છે. વડીલો અને સહાયક સેવકો નમ્ર બનીને ભાઈ-બહેનોની સેવા કરે છે અને પૂરા ઉત્સાહથી પ્રચારકામમાં ભાગ લે છે. ૧૭થી ૧૯ વર્ષના યુવાનો પણ સહાયક સેવક બનવા લાયક ઠરી શકે છે. જો એક સહાયક સેવક બાઇબલમાં આપેલી લાયકાતો પ્રમાણે યોગ્ય ઠરે, તો ભલે તે ૨૦થી ૨૨ વર્ષનો હોય, પણ તે વડીલ બની શકે છે.

૧૬ સહાયક સેવકો અને વડીલો માટેની લાયકાતો બાઇબલમાં આપી છે. એ યહોવા, કુટુંબીજનો અને મંડળનાં ભાઈ-બહેનો માટેના પ્રેમને આધારે છે. (૧ તિમો. ૩:૧-૧૩; તિત. ૧:૬-૯; ૧ પિત. ૫:૨, ૩) તમે એ લાયકાતો કેળવવા શું કરી શકો? દરેક લાયકાત સમજવા મહેનત કરો. પછી યહોવાને પ્રાર્થના કરો કે એ પ્રમાણે ચાલવા તે તમને મદદ કરે. c

યહોવા ચાહે છે કે એક પતિ તેની પત્નીને અને બાળકોને પ્રેમ કરે, તેઓની જરૂરિયાતો પૂરી કરે, તેઓનો દોસ્ત બને અને સૌથી મહત્ત્વનું, તેઓને યહોવા સાથેનો સંબંધ મજબૂત રાખવા મદદ કરે (ફકરો ૧૭ જુઓ)

૧૭. પતિ અને કુટુંબના શિર તરીકેની જવાબદારી ઉપાડવા એક યુવાન ભાઈ કઈ રીતે તૈયાર થઈ શકે? (ચિત્ર પણ જુઓ.)

૧૭ પતિ અને કુટુંબના શિર. ઈસુએ કહ્યું હતું તેમ અમુક પરિપક્વ માણસો કુંવારા રહેવાનું નક્કી કરે છે. (માથ. ૧૯:૧૨) પણ જો તમે લગ્‍ન કરવાનો નિર્ણય લો, તો તમારે પતિ અને કુટુંબના શિર તરીકેની જવાબદારી ઉપાડવી પડશે. (૧ કોરીં. ૧૧:૩) યહોવા ચાહે છે કે એક પતિ તેની પત્નીને પ્રેમ કરે, તેની જરૂરિયાતો પૂરી કરે, તેનો સારો દોસ્ત બને અને તેને યહોવા સાથેનો સંબંધ મજબૂત રાખવા મદદ કરે. (એફે. ૫:૨૮, ૨૯) આ લેખમાં આપણે જે ગુણો અને આવડતો વિશે ચર્ચા કરી, એ કેળવવાથી તમને એક સારા પતિ બનવા મદદ મળશે. જેમ કે, સમજશક્તિ કેળવવી, સ્ત્રીઓનો આદર કરવો અને ભરોસાપાત્ર બનવું. આમ, તમે પતિ અને કુટુંબના શિર તરીકેની જવાબદારી ઉપાડવા પોતાને તૈયાર કરી શકશો.

૧૮. પિતા તરીકેની જવાબદારી ઉપાડવા એક યુવાન ભાઈ કઈ રીતે તૈયાર થઈ શકે?

૧૮ પિતા. લગ્‍ન પછી તમે કદાચ બાળકો કરવાનું વિચારો. પણ સારા પિતા બનવા તમને શાનાથી મદદ મળી શકે? તમે યહોવા પાસેથી ઘણું શીખી શકો છો. (એફે. ૬:૪) યહોવાએ દિલ ખોલીને પોતાના દીકરા ઈસુને કહ્યું હતું કે, તે તેમને પ્રેમ કરે છે અને તેમનાથી ખુશ છે. (માથ. ૩:૧૭) જો ભાવિમાં તમે પિતા બનો, તો નિયમિત રીતે તમારાં બાળકોને ખાતરી અપાવતા રહેજો કે તમે તેઓને પ્રેમ કરો છો. તેઓ કંઈ સારું કરે ત્યારે, દિલ ખોલીને તેઓના વખાણ કરજો. યહોવાનો દાખલો અનુસરતા પિતાઓ પોતાનાં બાળકોને પરિપક્વ ખ્રિસ્તીઓ બનવા મદદ કરે છે. સારા પિતા બનવા તમે હમણાંથી જ અમુક તૈયારીઓ કરી શકો છો. જેમ કે, કુટુંબીજનોને અને મંડળનાં ભાઈ-બહેનોને પ્રેમ કરો અને તેઓની કાળજી લો. પ્રેમ બતાવવાનું શીખો અને તેઓની કદર કરો. (યોહા. ૧૫:૯) આમ તમે ભાવિમાં સારા પતિ અને સારા પિતા બની શકશો. જોકે, હમણાં પણ તમે યહોવાની નજરે અનમોલ ઠરશો તેમજ કુટુંબીજનો અને મંડળનાં ભાઈ-બહેનોના કામમાં આવશો.

તમે કેવો નિર્ણય લેશો?

ઘણા યુવાન ભાઈઓ પરિપક્વ ખ્રિસ્તીઓ બન્યા છે. કેમ કે તેઓ શાસ્ત્રવચનોમાંથી શીખ્યા અને શીખેલી વાતો જીવનમાં લાગુ પાડી (ફકરા ૧૯-૨૦ જુઓ)

૧૯-૨૦. યુવાન ભાઈઓને પરિપક્વ ઈશ્વરભક્ત બનવા શાનાથી મદદ મળી શકે? (પહેલા પાનનું ચિત્ર જુઓ.)

૧૯ યુવાન ભાઈઓ, પરિપક્વ ઈશ્વરભક્ત બનવા તમારે મહેનત કરવી પડશે. એ માટે એવા ઈશ્વરભક્તોનો વિચાર કરો, જેઓનો દાખલો તમે અનુસરવા માંગો છો. સમજશક્તિ કેળવો. ભરોસાપાત્ર બનો. જીવનમાં કામ લાગે એવી આવડતો કેળવો. તેમ જ, ભાવિની જવાબદારીઓ ઉપાડવા હમણાંથી જ તૈયારીઓ કરો.

૨૦ અમુક વાર તમને થાય, ‘મારે કેટલું બધું કરવાનું છે!’ અને એ વિચારથી જ કદાચ તમને કંપારી છૂટી જાય. પણ હિંમત હારશો નહિ. તમે એમ કરી શકો છો! યાદ રાખો, યહોવા તમને મદદ કરવા આતુર છે. (યશા. ૪૧:૧૦, ૧૩) મંડળનાં ભાઈ-બહેનો પણ તમને મદદ કરશે. જ્યારે તમે પરિપક્વ ખ્રિસ્તી બની જશો, ત્યારે તમારા જીવનમાં ખુશીઓ અને સંતોષ હશે. યુવાન ભાઈઓ, અમે તમને બહુ પ્રેમ કરીએ છીએ. અમારી શુભેચ્છા છે કે પરિપક્વ ખ્રિસ્તી બનવા તમે જે મહેનત કરો છો, એના પર યહોવા આશીર્વાદ વરસાવે.—નીતિ. ૨૨:૪.

ગીત ૪૫ આગળ ચાલો

a મંડળમાં પરિપક્વ અને સમજુ ભાઈઓની જરૂર છે. આ લેખમાં જોઈશું કે યુવાન ભાઈઓ કઈ રીતે પરિપક્વ ઈશ્વરભક્તો બની શકે.

b ગયા લેખમાં “શબ્દોની સમજ” જુઓ.

c યહોવાની ઇચ્છા પૂરી કરતું સંગઠન, પ્રક. ૫-૬ જુઓ.