શું તમને યાદ છે?
આ વર્ષના ચોકીબુરજ અંકો તમે ધ્યાનથી વાંચ્યા હશે. શું તમને એમાંના આ મુદ્દા યાદ છે?
‘વિચારોમાં ફેરફાર કરવામાં’ શાનો સમાવેશ થાય છે? (રોમ. ૧૨:૨)
જીવનમાં થોડાં-ઘણાં સારાં કામ કરવાં પૂરતાં નથી. યહોવાનાં ધોરણો પ્રમાણે જીવવા પોતાના વિચારોની પરખ કરીએ અને જરૂરી ફેરફાર કરીએ.—w૨૩.૦૧, પાનાં ૮-૯.
દુનિયામાં બની રહેલા બનાવો જોઈએ ત્યારે કઈ રીતે સાવધ રહી શકીએ?
દુનિયાના બનાવો કઈ રીતે બાઇબલની ભવિષ્યવાણીઓ પૂરી કરે છે, એના પર ખાસ ધ્યાન આપીએ છીએ. પણ એ વિશે તુક્કા ન મારીએ. એનાથી મંડળમાં ભાગલા પડી શકે છે. એના બદલે, સંગઠને બહાર પાડેલાં સાહિત્યમાં આપેલી માહિતીના આધારે બીજાઓ સાથે ચર્ચા કરીએ. (૧ કોરીં. ૧:૧૦)—w૨૩.૦૨, પાન ૧૬.
ઈસુનું બાપ્તિસ્મા અને તેમને પગલે ચાલનારા લોકોનું બાપ્તિસ્મા કઈ રીતે અલગ છે?
ઈસુએ યહોવાને પોતાનું જીવન સમર્પિત કરવાની જરૂર ન હતી, કેમ કે તેમનો જન્મ ઈશ્વરને સમર્પિત પ્રજામાં થયો હતો. તેમણે પોતાનાં પાપનો પસ્તાવો કરવાની જરૂર ન હતી, કેમ કે તેમનામાં પાપ ન હતું અને તેમણે કદી ભૂલ કરી ન હતી.—w૨૩.૦૩, પાન ૫.
સભામાં બીજાઓ જવાબ આપી શકે માટે આપણે શું કરી શકીએ?
ટૂંકો જવાબ આપીએ, જેથી બીજાઓને જવાબ આપવાનો મોકો મળે. ઘણા બધા મુદ્દા કહેવાનું ટાળીએ, જેથી બીજાઓ અમુક મુદ્દા જણાવી શકે.—w૨૩.૦૪, પાન ૨૩.
યશાયા ૩૫:૮માં જે “પવિત્ર માર્ગ” વિશે જણાવ્યું છે, એનો અર્થ શું થાય?
જૂના જમાનામાં “પવિત્ર માર્ગ” શાને બતાવતો હતો? બાબેલોનથી ઇઝરાયેલ પાછા જવા યહૂદીઓ જે રાજમાર્ગ પરથી પસાર થયા હતા એને. આજના સમયમાં એ શાને બતાવે છે? સાલ ૧૯૧૯ની સદીઓ પહેલાંથી એ માર્ગ તૈયાર કરવામાં આવી રહ્યો હતો, જેમ કે બાઇબલનું ભાષાંતર, એનું છાપકામ અને બીજાં કામો કરવામાં આવ્યાં. ઈશ્વરના લોકો “પવિત્ર માર્ગ” પર ચાલીને યહોવાની શુદ્ધ ભક્તિ કરે છે. ભાવિમાં ઈશ્વરનું રાજ્ય આ ધરતીને બાગ જેવી સુંદર બનાવશે ત્યારે પણ તેઓ યહોવાની ભક્તિ કરતા રહેશે.—w૨૩.૦૫, પાનાં ૧૫-૧૯.
નીતિવચનો અધ્યાય ૯માં કઈ બે સ્ત્રીઓ વિશે જણાવ્યું છે? તેઓનું આમંત્રણ સ્વીકારનાર લોકોનું શું થાય છે?
એમાં એક “મૂર્ખ સ્ત્રી” વિશે જણાવ્યું છે. તેનું આમંત્રણ સ્વીકારનાર લોકો “કબરના ઊંડાણમાં” ચાલ્યા જાય છે. એમાં ‘સાચી બુદ્ધિ’ વિશે પણ જણાવ્યું છે, જેને સ્ત્રી તરીકે રજૂ કરવામાં આવી છે. તેનું આમંત્રણ સ્વીકારનાર લોકો “સમજણના માર્ગે” ચાલતા રહે છે અને જીવતા રહે છે. (નીતિ. ૯:૧, ૬, ૧૩, ૧૮)—w૨૩.૦૬, પાનાં ૨૨-૨૪.
યહોવા જે રીતે લોત સાથે વર્ત્યા, એનાથી કઈ રીતે ખબર પડે છે કે યહોવા નમ્ર અને વાજબી છે?
યહોવાએ લોતને સલાહ આપી કે તે સદોમ છોડીને પહાડી વિસ્તારમાં ચાલ્યો જાય. લોતે ત્યાં જવાને બદલે સોઆર નગરમાં જવા વિનંતી કરી ત્યારે, યહોવાએ તેની વિનંતી માની.—w૨૩.૦૭, પાન ૨૧.
જો પતિ પોર્નોગ્રાફી જોતો હોય, તો પત્ની શું કરી શકે?
તેણે પોતાને દોષ ન આપવો જોઈએ. તે ઈશ્વર સાથેનો પોતાનો સંબંધ મજબૂત કરવા પર ધ્યાન આપી શકે. તેમ જ, બાઇબલમાં આપેલા અમુક સ્ત્રીઓના દાખલા પર મનન કરી શકે. એ સ્ત્રીઓ ખૂબ પરેશાન હતી, પણ દિલાસો મેળવવા તેઓએ યહોવાને પ્રાર્થના કરી હતી. તે પતિને એવા સંજોગો ટાળવા મદદ કરી શકે, જેમાં પોર્નોગ્રાફી જોવાની લાલચ જાગી શકે છે.—w૨૩.૦૮, પાનાં ૧૪-૧૭.
આપણી માન્યતા પર સવાલ ઉઠાવવામાં આવે ત્યારે, ઊંડી સમજણ કઈ રીતે કોમળતાથી વર્તવા મદદ કરી શકે?
જ્યારે કોઈ વ્યક્તિ સવાલ પૂછે અથવા આપણી માન્યતા પર સવાલ ઉઠાવે, ત્યારે વિચારીએ કે તેણે કેમ એ સવાલ પૂછ્યો અને તેના માટે શું મહત્ત્વનું છે. આમ, તેની સાથે નરમાશથી વાત કરી શકીશું.—w૨૩.૦૯, પાન ૧૭.
હિંમત મેળવવા વિશે આપણે મરિયમ પાસેથી શું શીખી શકીએ?
જ્યારે મરિયમને ખબર પડી કે તે જે દીકરાને જન્મ આપશે, એ મસીહ બનશે, ત્યારે હિંમત મેળવવા તેણે બીજાઓની મદદ લીધી. ગાબ્રિયેલ દૂતે તેને સોંપણી વિશે વધારે માહિતી આપી અને એલિસાબેતે એક ભવિષ્યવાણી કરી. એનાથી મરિયમને ચોક્કસ હિંમત મળી હશે. આપણને પણ ભાઈ-બહેનો પાસેથી હિંમત મળી શકે છે.—w૨૩.૧૦, પાન ૧૫.
યહોવા કદાચ કઈ રીતે આપણી પ્રાર્થનાનો જવાબ આપે?
યહોવા વચન આપે છે કે તે આપણી પ્રાર્થનાઓ સાંભળશે. (યર્મિ. ૨૯:૧૨) આપણી પ્રાર્થનાઓ સાંભળતી વખતે તે પોતાના હેતુને ધ્યાનમાં રાખે છે. તે કદાચ એકસરખી પ્રાર્થનાઓનો અલગ અલગ રીતે જવાબ આપે, પણ તે હંમેશાં આપણને સાથ આપશે.—w૨૩.૧૧, પાનાં ૨૧-૨૨.
રોમનો ૫:૨માં “આશા” વિશે લખ્યું છે, તો કલમ ૪માં કેમ ફરી એનો ઉલ્લેખ કર્યો છે?
જ્યારે વ્યક્તિ પહેલી વાર ખુશખબર સાંભળે છે, ત્યારે તેને બાગ જેવી પૃથ્વી પર હંમેશ માટે જીવવાની આશા મળી શકે. પણ જ્યારે તે મુશ્કેલીઓમાં ધીરજ રાખે છે અને યહોવાની કૃપાનો અનુભવ કરે છે, ત્યારે એ આશા વધારે પાકી થાય છે અને તેના માટે ખાસ બની જાય છે.—w૨૩.૧૨, પાનાં ૧૨-૧૩.