અભ્યાસ લેખ ૫૧
ગીત ૧૫૨ તું છો બળ, તું છો જ્યોત
તમારાં આંસુ યહોવાના ધ્યાન બહાર જતાં નથી
“મારાં આંસુ તારી મશકમાં ભરી લે. શું એ બધું તારા પુસ્તકમાં નોંધેલું નથી?”—ગીત. ૫૬:૮.
આપણે શું શીખીશું?
જ્યારે બહુ દુઃખી અથવા નિરાશ હોઈએ છીએ, ત્યારે યહોવા આપણું દુઃખ સમજે છે અને આપણને દિલાસો આપે છે.
૧-૨. આપણી આંખોમાં ક્યારે આંસુ આવે છે?
આપણા બધાની આંખોમાંથી ક્યારેક ને ક્યારેક આંસુ સરી પડ્યાં છે. અમુક વાર એ આંસુ ખુશીનાં આંસુ હોય છે. દાખલા તરીકે, જ્યારે તમે તમારા બાળકને પહેલી વાર ગોદમાં લીધું, કોઈ મીઠી યાદ મનમાં તાજી થઈ ગઈ અથવા કોઈ દોસ્તને વર્ષો પછી મળ્યા, ત્યારે તમારી આંખોના ખૂણા ભીના થઈ ગયા હશે.
૨ પણ મોટા ભાગે દિલની પીડા આંસુ બનીને વહે છે. દાખલા તરીકે, કોઈ પોતાનું આપણો ભરોસો તોડે અથવા દગો આપે ત્યારે કદાચ આપણને રડવું આવે. બની શકે કે કોઈ મોટી બીમારીને લીધે ખૂબ વેદના થતી હોય અથવા મરણમાં કોઈ પ્રિયજનને ગુમાવ્યું હોય ત્યારે તો, આંસુ સુકાવાનું નામ જ ન લે! એવા સમયે આપણને પ્રબોધક યર્મિયા જેવું લાગી શકે. જ્યારે બાબેલોનીઓએ યરૂશાલેમનો નાશ કર્યો, ત્યારે તેમણે કહ્યું: ‘મારાં આંસુનો ધોધ વહે છે. મારી આંખો રડ્યા કરે છે, મારાં આંસુ અટકતાં નથી.’—ય.વિ. ૩:૪૮, ૪૯.
૩. યહોવા પોતાના સેવકોને દુઃખમાં જુએ છે ત્યારે તેમને કેવું લાગે છે? (યશાયા ૬૩:૯)
૩ જીવનમાં આવતી મુશ્કેલીઓને લીધે આપણે જેટલાં પણ આંસુ વહાવ્યાં છે, એ યહોવાના ધ્યાન બહાર નથી. બાઇબલમાંથી ખાતરી મળે છે કે યહોવાના એકેએક સેવક પર શું વીતી રહ્યું છે, એની તેમને જાણ છે. યહોવાને મદદનો પોકાર કરીએ છીએ ત્યારે, તે આપણું દુઃખ ધ્યાનથી સાંભળે છે. (ગીત. ૩૪:૧૫) જોકે, યહોવા એનાથી પણ વધારે કરે છે. એક પ્રેમાળ પિતાની જેમ આપણાં આંસુ જોઈને તેમનું દિલ ભરાઈ આવે છે અને તે હંમેશાં આપણને મદદ કરવા આતુર છે.—યશાયા ૬૩:૯ વાંચો.
૪. આપણે કયા ઈશ્વરભક્તોના દાખલા પર ધ્યાન આપીશું? આપણે યહોવા વિશે શું શીખીશું?
૪ યહોવાએ બાઇબલમાં લખાવ્યું છે કે તેમના ભક્તોનાં આંસુ જોઈને તેમને કેવું લાગ્યું અને તેઓને મદદ કરવા તેમણે શું કર્યું. એ સમજવા આ લેખમાં હાન્ના, દાઉદ અને રાજા હિઝકિયાનો દાખલો જોઈશું. તેઓની આંખોમાં કેમ આંસુ આવ્યાં? તેઓને મદદ કરવા યહોવાએ શું કર્યું? જ્યારે આપણે દુઃખમાં ગરક થઈ જઈએ, કોઈ આપણને દગો દે અથવા આશાનું કિરણ નજરે ન પડે અને એના લીધે આપણાં આંસુ વહે, ત્યારે એ ઈશ્વરભક્તોના દાખલાથી કઈ રીતે મદદ મળી શકે?
દુઃખમાં ગરક થઈ જઈએ ત્યારે
૫. હાન્નાને પોતાના સંજોગોના લીધે કેવું લાગતું હતું?
૫ હાન્નાનું જીવન મુશ્કેલીઓથી ભરપૂર હતું, એટલે તેણે ઘણાં આંસુ વહાવ્યાં. એક મુશ્કેલી એ હતી કે તેના પતિને બીજી પત્ની હતી. તેનું નામ પનિન્ના હતું. પનિન્ના હાન્નાને ખૂબ નફરત કરતી હતી. એટલું ઓછું હોય તેમ, હાન્નાને બાળકો ન હતાં, પણ પનિન્નાને ઘણાં બાળકો હતાં. (૧ શમુ. ૧:૧, ૨) હાન્ના વાંઝણી હતી, એટલે પનિન્ના તેને વારંવાર મહેણાં-ટોણાં મારતી હતી. જો તમે હાન્નાની જગ્યાએ હોત, તો તમને કેવું લાગ્યું હોત? બાઇબલમાં લખ્યું છે કે હાન્ના એટલી ઉદાસ હતી કે “બસ રડ્યા જ કરતી અને કંઈ ખાતી નહિ.” તે “બહુ દુઃખી” થઈ ગઈ હતી.—૧ શમુ. ૧:૬, ૭, ૧૦.
૬. દિલાસો મેળવવા હાન્નાએ શું કર્યું?
૬ હાન્નાને ક્યાંથી દિલાસો મળ્યો? તે યહોવાની ભક્તિ કરવા મુલાકાતમંડપે ગઈ. ત્યાં કદાચ તે મંડપના આંગણાના પ્રવેશદ્વારની નજીક ગઈ. તે યહોવાને પ્રાર્થના કરવા લાગી અને ધ્રૂસકે ને ધ્રૂસકે રડવા લાગી. તેણે યહોવાને કાલાવાલા કર્યા: ‘મને યાદ રાખો, તમારી આ દાસીનું દુઃખ જુઓ.’ (૧ શમુ. ૧:૧૦ખ, ૧૧) હાન્નાએ પ્રાર્થનામાં યહોવા આગળ પોતાનું દિલ ઠાલવી દીધું. જરા વિચારો, પોતાની આ વહાલી દીકરીને રડતા જોઈને યહોવાને કેટલું દુઃખ થયું હશે!
૭. યહોવાને પોતાના દિલની વાત જણાવ્યા પછી, હાન્નાને કેવું લાગ્યું?
૭ હાન્નાએ યહોવાને પોતાના દિલની વાત જણાવી અને પ્રમુખ યાજક એલીએ તેને ભરોસો અપાવ્યો કે યહોવા તેની પ્રાર્થના સાંભળશે. એ પછી હાન્નાને કેવું લાગ્યું? બાઇબલમાં લખ્યું છે: “તે ત્યાંથી ચાલી ગઈ. તેણે ખાધું અને તેનો ચહેરો ફરી ઉદાસ રહ્યો નહિ.” (૧ શમુ. ૧:૧૭, ૧૮) ખરું કે, હાન્નાના સંજોગો હજી સુધર્યા ન હતા. પણ તેને રાહત મળી, કેમ કે તેણે પોતાના દિલનો બોજો યહોવા પર નાખી દીધો હતો. બદલામાં યહોવાએ શું કર્યું? તે તેની લાગણીઓ સમજ્યા, તેમણે તેની પ્રાર્થનાનો જવાબ આપ્યો અને પછીથી તેને બાળકોનું સુખ આપ્યું.—૧ શમુ. ૧:૧૯, ૨૦; ૨:૨૧.
૮-૯. હિબ્રૂઓ ૧૦:૨૪, ૨૫માં જણાવ્યું છે તેમ, આપણે કેમ સભાઓમાં જવા બનતું બધું કરવું જોઈએ? (ચિત્ર પણ જુઓ.)
૮ આપણને શું શીખવા મળે છે? શું તમે એવી મુશ્કેલીમાંથી પસાર થઈ રહ્યા છો, જેના લીધે તમારાં આંસુ અટકવાનું નામ જ લેતાં નથી? કદાચ તમે કોઈ કુટુંબીજન અથવા ખાસ મિત્રને મરણમાં ગુમાવ્યા છે. એવા સમયે, તમને કદાચ એકલા એકલા રહેવાનું મન થાય. પણ જેમ હાન્નાને મુલાકાતમંડપે જવાથી દિલાસો અને ઉત્તેજન મળ્યાં, તેમ તમને પણ સભામાં જવાથી દિલાસો મળી શકે છે, પછી ભલેને તમને સભામાં જવાનું મન થતું ન હોય. (હિબ્રૂઓ ૧૦:૨૪, ૨૫ વાંચો.) સભામાં આપણે બાઇબલની કલમો સાંભળીએ છીએ, જે આપણું મન સારા વિચારોથી ભરી દે છે. એ રીતે યહોવા આપણને ઉદાસ કરી દેતા વિચારો મનમાંથી કાઢી નાખવા મદદ કરે છે. આમ, ભલે આપણા સંજોગો તરત ન સુધરે, પણ આપણે પોતાની લાગણીઓ પર કાબૂ કરી શકીએ છીએ.
૯ એ ઉપરાંત, સભાઓમાં આપણે ભાઈ-બહેનોને મળીએ છીએ, જેઓ આપણને દિલાસો આપે છે અને પોતાનો પ્રેમ જાહેર કરે છે. તેઓની સાથે હોઈએ ત્યારે, આપણને સારું લાગે છે. (૧ થેસ્સા. ૫:૧૧, ૧૪) ચાલો એક ખાસ પાયોનિયર ભાઈનો અનુભવ જોઈએ, જેમણે પોતાની પત્નીને મરણમાં ગુમાવી હતી. ભાઈએ કહ્યું: “મને આજે પણ રડવું આવી જાય છે. અમુક વાર એક ખૂણામાં બેસીને બસ રડ્યા જ કરું છું. પણ આપણી સભાઓથી મને ખૂબ જ ઉત્તેજન મળ્યું છે. ભાઈ-બહેનોના પ્રેમાળ શબ્દો મારા ઘા પર મલમનું કામ કરે છે. ભલે સભામાં જતા પહેલાં હું ગમે એટલો ચિંતામાં હોઉં, પણ ત્યાં ગયા પછી મને હંમેશાં સારું લાગે છે.” સાચે, સભાઓમાં હોઈએ છીએ ત્યારે, યહોવા ભાઈ-બહેનો દ્વારા આપણને મદદ કરે છે.
૧૦. ખૂબ જ દુઃખી હોઈએ ત્યારે હાન્નાની જેમ શું કરી શકીએ?
૧૦ હાન્નાને યહોવા આગળ પોતાનું હૈયું ઠાલવવાથી પણ દિલાસો મળ્યો. તમે પણ ‘તમારી બધી ચિંતાઓ યહોવા પર નાખી દઈ શકો છો’ અને ભરોસો રાખી શકો છો કે તે તમારી પ્રાર્થનાઓ સાંભળશે. (૧ પિત. ૫:૭) એક બહેનના પતિને લુટારાઓએ મારી નાખ્યા. બહેને કહ્યું: “મારા પતિનું મરણ થયું ત્યારે, મને એવું લાગ્યું કે જાણે મારા દિલના હજાર ટુકડા થઈ ગયા છે અને એને જોડવા અશક્ય છે. પણ સ્વર્ગમાંના મારા પ્રેમાળ પિતા યહોવાને પ્રાર્થના કરવાથી મને રાહત મળતી. અમુક વાર તો શું બોલવું એ ન સમજાતું, પણ યહોવા મારા દિલની વાત સારી રીતે સમજી જતા. નિરાશા અને ચિંતાઓ મારા પર હાવી થઈ જતી ત્યારે, હું યહોવા પાસે મનની શાંતિ માંગતી. એવી પ્રાર્થના કર્યા પછી મને તરત જ મનની શાંતિ મળતી અને હું એ દિવસનાં કામો પૂરાં કરી શકતી.” જ્યારે તમે રડી રડીને યહોવાને તમારી ચિંતાઓ જણાવો છો, ત્યારે તે તમારા દુઃખમાં દુઃખી થાય છે અને તમારા દિલની વેદના સમજે છે. બની શકે કે તમારી ચિંતા તરત દૂર ન થાય, પણ યહોવા તમને દિલાસો આપી શકે છે અને તમે મનની શાંતિ અનુભવી શકો છો. એટલું જ નહિ, યહોવાને વફાદાર રહેવા તમે જે કંઈ કરો છો એના પર તે ધ્યાન આપે છે. (ગીત. ૯૪:૧૯; ફિલિ. ૪:૬, ૭) આવનાર સમયમાં તે એનું ઇનામ જરૂર આપશે.—હિબ્રૂ. ૧૧:૬.
કોઈ તમને દગો દે ત્યારે
૧૧. બીજાઓ દાઉદ સાથે ખરાબ રીતે વર્ત્યા ત્યારે તેમને કેવું લાગ્યું?
૧૧ દાઉદના જીવનમાં અનેક મુસીબતો આવી અને એના લીધે ઘણી વાર તેમની આંખમાંથી આંસુ સરી પડ્યાં. ઘણા લોકો તેમને નફરત કરતા હતા. અરે, અમુક મિત્રો અને કુટુંબીજનોએ તેમની પીઠ પાછળ ઘા કર્યો. (૧ શમુ. ૧૯:૧૦, ૧૧; ૨ શમુ. ૧૫:૧૦-૧૪, ૩૦) જીવનની એક પળે દાઉદ એટલા દુઃખી હતા કે તેમણે લખ્યું: “નિસાસા નાખી નાખીને હું તો થાકી ગયો છું. આખી રાત રડી રડીને મેં પથારી ભીંજવી નાખી છે. મારો પલંગ આંસુઓમાં ડૂબી ગયો છે.” તેમને એવું કેમ લાગ્યું? તેમણે કહ્યું: “બધા દુશ્મનોને લીધે.” (ગીત. ૬:૬, ૭) બીજાઓ દાઉદ સાથે એટલી ખરાબ રીતે વર્ત્યા કે તેમની આંસુઓની ધારા અટકતી જ ન હતી!
૧૨. ગીતશાસ્ત્ર ૫૬:૮માં જણાવ્યું છે તેમ, દાઉદને કઈ ખાતરી હતી?
૧૨ ભલે દાઉદના જીવનમાં અનેક મુસીબતો આવી, પણ તેમને ખાતરી હતી કે યહોવા તેમને પ્રેમ કરતા હતા. તેમણે લખ્યું: “યહોવા જરૂર મારો વિલાપ સાંભળશે.” (ગીત. ૬:૮) બીજા એક પ્રસંગે તેમણે દિલને સ્પર્શી જાય એવી એક વાત લખી, જે ગીતશાસ્ત્ર ૫૬:૮માં છે. (વાંચો.) એ શબ્દોથી જોવા મળે છે કે યહોવા આપણી કેટલી સંભાળ રાખે છે. દાઉદને એવું લાગ્યું કે જાણે યહોવાએ તેમનાં આંસુ મશકમાં ભર્યાં હતાં અથવા એક પુસ્તકમાં એને નોંધ્યાં હતાં. તે જાણતા હતા કે યહોવાએ તેમના દુઃખ પર ધ્યાન આપ્યું હતું અને એને યાદ રાખ્યું હતું. તેમને પૂરી ખાતરી હતી કે તેમના પર જે વીતી રહ્યું હતું એ યહોવા જાણતા હતા. એટલું જ નહિ, તેમને કેવું લાગી રહ્યું હતું એ પણ યહોવાના ધ્યાન બહાર ન હતું.
૧૩. જ્યારે બીજાઓ આપણું દિલ દુભાવે, ત્યારે આપણે શું યાદ રાખી શકીએ? (ચિત્ર પણ જુઓ.)
૧૩ આપણને શું શીખવા મળે છે? શું કોઈ પોતાનાએ તમારો ભરોસો તોડ્યો છે અથવા તમને દગો આપ્યો છે? શું એના લીધે તમારું દિલ તૂટી ગયું છે? બની શકે કે તમે જે વ્યક્તિ સાથે લગ્ન કરવાની તૈયારીઓ કરી રહ્યા હતા, તેણે તમારી સાથેનો સંબંધ તોડી નાખ્યો છે. કદાચ તમારા જીવનસાથી તમને છોડીને ચાલ્યા ગયા છે. કદાચ કોઈ સ્નેહીજને યહોવાની ભક્તિ કરવાનું છોડી દીધું છે. ધ્યાન આપો કે જ્યારે એક ભાઈની પત્નીએ વ્યભિચાર કર્યો અને તેમને છોડીને જતી રહી, ત્યારે તેમને કેવું લાગ્યું. ભાઈએ કહ્યું: “મને સખત આઘાત લાગ્યો હતો. મારી પત્નીએ મારી સાથે આવું કર્યું, એ વાત ગળે જ ઊતરતી ન હતી. મને લાગતું કે હું કંઈ કામનો નથી. હું ખૂબ નિરાશ થઈ ગયો હતો, મને સખત ગુસ્સો આવતો હતો.” જો કોઈએ તમને દગો આપ્યો હોય અથવા દિલ દુભાવ્યું હોય, તો ખાતરી રાખજો કે યહોવા તો તમને કદી નહિ છોડે. એ ભાઈએ કહ્યું: “મને ખ્યાલ આવ્યો કે માણસો સાથેના સંબંધો તૂટી શકે છે, પણ યહોવા આપણા ખડક છે. ભલે ગમે એ થાય, તે હંમેશાં આપણી સાથે રહે છે. તે પોતાના વફાદાર ભક્તોને કદી તરછોડશે નહિ.” (ગીત. ૩૭:૨૮) એ પણ યાદ રાખજો કે યહોવા જેટલો પ્રેમ કરે છે, એટલો પ્રેમ કોઈ માણસ તમને કદી નહિ કરી શકે. ખરું કે, દગો થાય ત્યારે આપણું દિલ વીંધાઈ જાય છે. પણ એના લીધે યહોવા તમારા પર પ્રેમ વરસાવવાનું બંધ નથી કરતા. તેમના માટે તમે આજેય ખૂબ કીમતી છો. (રોમ. ૮:૩૮, ૩૯) તો સો વાતની એક વાત: ભલે કોઈ વ્યક્તિ તમારી સાથે ગમે એ રીતે વર્તે, પણ સ્વર્ગમાંના તમારા પિતા તમને ખૂબ જ પ્રેમ કરે છે.
૧૪. ગીતશાસ્ત્ર ૩૪:૧૮માંથી કઈ ખાતરી મળે છે?
૧૪ જો કોઈએ તમને દગો આપ્યો હોય, તો ગીતશાસ્ત્ર ૩૪:૧૮માં દાઉદે કહેલા શબ્દોથી તમને દિલાસો મળી શકે છે. (વાંચો.) એક પુસ્તકમાં લખ્યું છે કે “કચડાયેલા મનના લોકોને” કદાચ લાગી શકે કે તેઓ પાસે કોઈ આશા નથી. યહોવા એવા લોકોને કઈ રીતે મદદ કરે છે? એ સમજવા આનો વિચાર કરો: એક નાનું બાળક રડવા લાગે ત્યારે, મમ્મી કે પપ્પા તરત તેને ઊંચકી લે છે અને તેને વહાલ કરે છે. એવી જ રીતે, કોઈ આપણને દગો આપે અથવા આપણને છોડીને જતું રહે ત્યારે, યહોવા આપણી “પડખે” રહે છે. તે આપણું દુઃખ સમજે છે અને આપણી મદદે તરત દોડી આવે છે. તે આપણા તૂટેલા દિલ અને કચડાયેલા મન પર મલમ લગાવવા આતુર છે. એટલું જ નહિ, તે આપણને ભાવિની આશા પણ આપે છે, જેનાથી આપણને હાલની મુશ્કેલીઓ સહેવા હિંમત મળે છે.—યશા. ૬૫:૧૭.
આશાનું કિરણ નજરે ન પડે ત્યારે
૧૫. હિઝકિયા કેમ ધ્રૂસકે ને ધ્રૂસકે રડવા લાગ્યા?
૧૫ યહૂદાના રાજા હિઝકિયા ૩૯ વર્ષના હતા ત્યારે એક મોટી બીમારીમાં સપડાયા. પ્રબોધક યશાયાએ તેમને યહોવાનો સંદેશો જણાવ્યો કે એ બીમારીના લીધે તેમનું મરણ થશે. (૨ રાજા. ૨૦:૧) હિઝકિયાને આશાનું કોઈ કિરણ દેખાતું ન હતું. તે એટલા ભાંગી પડ્યા કે ધ્રૂસકે ને ધ્રૂસકે રડવા લાગ્યા. તેમણે યહોવા પાસે મદદની ભીખ માંગી.—૨ રાજા. ૨૦:૨, ૩.
૧૬. યહોવાએ હિઝકિયા માટે શું કર્યું?
૧૬ હિઝકિયાનાં આંસુ અને કાલાવાલા જોઈને યહોવાને તેમના પર દયા આવી. તેમણે કહ્યું: “મેં તારી પ્રાર્થના સાંભળી છે. મેં તારાં આંસુ જોયાં છે. હું તને સાજો કરું છું.” યહોવાએ યશાયા દ્વારા વચન આપ્યું કે તે હિઝકિયાનું જીવન લંબાવશે અને યરૂશાલેમને આશ્શૂરીઓના હાથમાંથી છોડાવશે.—૨ રાજા. ૨૦:૪-૬.
૧૭. મોટી બીમારી થાય ત્યારે યહોવા આપણને કઈ રીતે નિભાવી રાખે છે? (ગીતશાસ્ત્ર ૪૧:૩) (ચિત્ર પણ જુઓ.)
૧૭ આપણને શું શીખવા મળે છે? શું તમને એવી કોઈ બીમારી થઈ છે, જેની કોઈ સારવાર નથી? જો એમ હોય, તો યહોવાને જણાવો કે તમને કેવું લાગે છે. તમે રડતાં રડતાં પ્રાર્થના કરશો તોપણ યહોવા તમારી વાત ચોક્કસ સાંભળશે. બાઇબલમાંથી ખાતરી મળે છે કે યહોવા “દયાળુ પિતા અને દરેક પ્રકારનો દિલાસો આપનાર ઈશ્વર છે. તે આપણી બધી કસોટીઓમાં આપણને દિલાસો” આપશે. (૨ કોરીં. ૧:૩, ૪) આજે આપણે એવી અપેક્ષા નથી રાખતા કે યહોવા આપણી બધી મુશ્કેલીઓ દૂર કરી દેશે. પણ એટલો ભરોસો તો ચોક્કસ છે કે તે આપણને નિભાવી રાખશે. (ગીતશાસ્ત્ર ૪૧:૩ વાંચો.) તે પોતાની પવિત્ર શક્તિ દ્વારા આપણને હિંમત, બુદ્ધિ અને મનની શાંતિ આપે છે, જેથી મુશ્કેલી સહી શકીએ. (નીતિ. ૧૮:૧૪; ફિલિ. ૪:૧૩) એ ઉપરાંત, તેમણે સરસ આશા આપી છે કે બહુ જલદી તે બધી બીમારીઓ દૂર કરી દેશે. એ આશાને લીધે પણ આપણે મનથી તૂટી જતા નથી.—યશા. ૩૩:૨૪.
૧૮. આકરી કસોટીનો સામનો કરતી વખતે તમને કઈ કલમથી દિલાસો મળ્યો છે? (“ દિલાસો આપતી કલમો” બૉક્સ જુઓ.)
૧૮ યહોવાની વાત સાંભળીને હિઝકિયાને દિલાસો મળ્યો હતો. આપણને પણ યહોવાના શબ્દોથી દિલાસો મળી શકે છે. યહોવાએ બાઇબલમાં એ શબ્દો કેમ લખાવ્યા? એ માટે કે દુઃખી કે નિરાશ હોઈએ ત્યારે, એ શબ્દો વાંચીને આપણને હિંમત મળે અને આપણું મન શાંત થાય. (રોમ. ૧૫:૪) જ્યારે પશ્ચિમ આફ્રિકામાં રહેતી એક બહેનને ખબર પડી કે તેમને કેન્સર છે, ત્યારે ઘણી વાર તેમની આંખો ભરાઈ આવતી. તે કહે છે: “યશાયા ૨૬:૩ના શબ્દોથી મને ઘણો દિલાસો મળ્યો. એ વાત સાચી છે કે કસોટીઓ પર આપણો કોઈ કાબૂ નથી હોતો. પણ એ કલમથી મને ખાતરી થઈ કે યહોવા આપણને મનની શાંતિ આપે છે, જેનાથી આપણી લાગણીઓ પર કાબૂ કરી શકીએ.” શું તમે એવી કોઈ આકરી કસોટીમાંથી પસાર થઈ રહ્યા છો, જેમાંથી બહાર નીકળવાનો રસ્તો સૂઝતો ન હોય? શું એવી કોઈ કલમ છે, જેનાથી તમને દિલાસો મળ્યો છે?
૧૯. આપણે કેવા ભાવિની રાહ જોઈએ છીએ?
૧૯ આપણે આ દુષ્ટ દુનિયાના છેલ્લા દિવસોમાં જીવીએ છીએ. એટલે મુશ્કેલીઓ તો વધશે અને આંસુ પણ. જોકે, હાન્ના, દાઉદ અને રાજા હિઝકિયાના દાખલામાંથી શીખ્યા તેમ યહોવા આપણાં આંસુ જુએ છે. આપણને રડતા જોઈને તેમનું દિલ ભરાઈ આવે છે. આપણું એક પણ આંસુ તેમના ધ્યાન બહાર જતું નથી. એટલે ચાલો, મુશ્કેલ ઘડીઓમાંથી પસાર થઈએ ત્યારે, પ્રાર્થનામાં યહોવા આગળ પોતાનું દિલ ઠાલવીએ. મંડળનાં ભાઈ-બહેનોથી પોતાને જુદા ન પાડીએ. દિલ પર લાગેલા ઘા રુઝાવવા બાઇબલમાંથી દિલાસો મેળવતા રહીએ. જો મુશ્કેલીઓમાં પણ યહોવાને વફાદાર રહીશું, તો ખાતરી રાખી શકીશું કે તે આપણને ઇનામ આપશે. ખરું કે, આજે જ્યારે દુઃખમાં ગરક થઈ જઈએ છીએ, કોઈ આપણને દગો આપે છે અને આશાનું કોઈ કિરણ નજરે પડતું નથી, ત્યારે આપણી આંખોમાંથી આંસુ નીકળી આવે છે. પણ યહોવાએ વચન આપ્યું છે કે બહુ જલદી તે આપણી “આંખોમાંનું એકેએક આંસુ લૂછી નાખશે.” (પ્રકટી. ૨૧:૪) એ વખતે આંસુ તો હશે, પણ ફક્ત હર્ષનાં આંસુ હશે!
ગીત ૨૨ “યહોવા મારો પાળક”