સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

અભ્યાસ લેખ ૪૯

ગીત ૧૨ અમર જીવનનું વચન

તમે હંમેશ માટેનું જીવન મેળવી શકો છો

તમે હંમેશ માટેનું જીવન મેળવી શકો છો

‘જે કોઈ દીકરાને સ્વીકારે છે અને તેનામાં શ્રદ્ધા મૂકે છે, તેને હંમેશ માટેનું જીવન મળશે.’યોહા. ૬:૪૦.

આપણે શું શીખીશું?

અભિષિક્તોને અને બીજાં ઘેટાંના લોકોને ઈસુના બલિદાનથી કયા આશીર્વાદો મળે છે?

૧. શા માટે ઘણા લોકોને લાગે છે કે હંમેશ માટે જીવવું અશક્ય છે?

 આજે મોટા ભાગના લોકો તંદુરસ્ત રહેવા માંગે છે. એટલે તેઓ પોતાના ખોરાકનું ધ્યાન રાખે છે અને નિયમિત રીતે કસરત કરે છે. પણ હંમેશ માટેના જીવનની વાતો તેઓને કોરી કલ્પના લાગે છે, કારણ કે લોકો માને છે કે નામ એનો નાશ! તેઓ વિચારે છે કે ભલે ગમે એટલું ધ્યાન રાખો, ઘડપણ અને મરણને રોકી શકાતું નથી. પણ ઈસુએ કહ્યું કે મનુષ્ય માટે ‘હંમેશ માટે જીવવું’ શક્ય છે. જેમ કે, તેમણે યોહાન ૩:૧૬ અને યોહાન ૫:૨૪માં એ વિશે વાત કરી હતી.

૨. યોહાન અધ્યાય ૬માં હંમેશ માટેના જીવન વિશે શું જણાવ્યું છે? (યોહાન ૬:૩૯, ૪૦)

ગયા લેખમાં જોઈ ગયા તેમ, ઈસુએ ચમત્કાર કરીને હજારો લોકોને માછલી અને રોટલી ખવડાવી હતી. (યોહા. ૬:૫-૩૫) એ જોરદાર ચમત્કાર હતો. પણ બીજા દિવસે તેમણે જે કહ્યું એ એનાથી પણ જોરદાર હતું. લોકોનું ટોળું તેમની પાછળ પાછળ કાપરનાહુમ આવ્યું હતું, જે ગાલીલ સરોવરને કિનારે હતું. એ વખતે ઈસુએ તેઓને જણાવ્યું કે ગુજરી ગયેલા લોકોને જીવતા કરવામાં આવશે અને તેઓને હંમેશ માટેનું જીવન મળશે. (યોહાન ૬:૩૯, ૪૦ વાંચો.) હવે તમારા સ્નેહીજનો અને દોસ્તોનો વિચાર કરો, જેઓને તમે મરણમાં ગુમાવ્યા છે. ઈસુના શબ્દોથી ખાતરી મળે છે કે જેઓ મરણની ઊંઘમાં છે, તેઓને ઉઠાડવામાં આવશે. તેમ જ, તમે અને તમારા સ્નેહીજનો હંમેશ માટેના જીવનનો આનંદ માણી શકશો. પણ એ પછી ઈસુએ યોહાન અધ્યાય ૬માં જે વાત કરી, એ સમજવી ઘણાને અઘરી લાગી હતી. આજે પણ એ વાત સમજવી ઘણાને અઘરી લાગે છે. ચાલો જોઈએ કે ઈસુએ શું કહ્યું હતું.

૩. યોહાન ૬:૫૧ પ્રમાણે ઈસુએ પોતાના વિશે શું કહ્યું હતું?

જ્યારે ઈસુએ ચમત્કાર કરીને ટોળાને રોટલી ખવડાવી, ત્યારે તેઓના મનમાં માન્‍નાનો વિચાર આવ્યો હતો. એ માન્‍ના યહોવાએ ઇઝરાયેલીઓને વેરાન પ્રદેશમાં ખવડાવ્યું હતું. બાઇબલમાં લખ્યું છે કે માન્‍ના ‘સ્વર્ગમાંથી મળેલી રોટલી’ હતી. (ગીત. ૧૦૫:૪૦; યોહા. ૬:૩૧) એટલે ઈસુએ માન્‍નાનો ઉલ્લેખ કરીને લોકોને એક વાત શીખવી. ખરું કે, માન્‍ના ઈશ્વર તરફથી એક ભેટ હતું, પણ એ ખાનાર લોકો સમય જતાં ગુજરી ગયા હતા. (યોહા. ૬:૪૯) પણ ઈસુએ પોતાના વિશે કહ્યું કે તે ‘સ્વર્ગમાંથી મળેલી સાચી રોટલી,’ “ઈશ્વરની રોટલી” અને “જીવનની રોટલી” છે. (યોહા. ૬:૩૨, ૩૩, ૩૫) પછી તેમણે જણાવ્યું કે તેમનામાં અને માન્‍નામાં એક મોટો ફરક છે. ઈસુએ કહ્યું: “સ્વર્ગમાંથી નીચે આવેલી જીવનની રોટલી હું છું. જો કોઈ આ રોટલી ખાય તો તે હંમેશાં જીવશે.” (યોહાન ૬:૫૧ વાંચો.) એ સાંભળીને એ યહૂદીઓ ગૂંચવાઈ ગયા. તેઓને થયું હશે: ‘ઈસુ કઈ રીતે પોતાને સ્વર્ગમાંથી મળતી “રોટલી” કહી શકે? એ રોટલી કઈ રીતે ઈશ્વરે તેઓના પૂર્વજોને આપેલા માન્‍ના કરતાં વધારે ચઢિયાતી હોય શકે?’ પછી ઈસુએ તેઓને કહ્યું: “હકીકતમાં એ રોટલી મારું શરીર છે.” તે શું કહેવા માંગતા હતા? એ સમજવું આપણા માટે ખૂબ જરૂરી છે. કારણ કે એ જવાબથી જોવા મળશે કે આપણા માટે અને આપણા સ્નેહીજનો માટે હંમેશ માટેનું જીવન કઈ રીતે શક્ય બને છે. ચાલો જોઈએ કે ઈસુના કહેવાનો અર્થ શું હતો.

જીવનની રોટલી અને ઈસુનું શરીર

૪. ઈસુની વાત સાંભળીને શા માટે અમુક યહૂદીઓ ચોંકી ગયા?

ઈસુએ કહ્યું કે ‘દુનિયાના લોકોને જીવન મળે માટે તે પોતાનું શરીર આપશે.’ એ સાંભળીને અમુક યહૂદીઓ ચોંકી ગયા. કદાચ તેઓને લાગ્યું કે ઈસુ ખરેખર તેઓને પોતાનું માંસ ખાવાનું કહી રહ્યા હતા. (યોહા. ૬:૫૨) પછી ઈસુએ જે કહ્યું એ સાંભળીને તો તેઓ હચમચી ગયા હશે. તેમણે કહ્યું: “જો તમે માણસના દીકરાનું માંસ નહિ ખાઓ અને તેનું લોહી નહિ પીઓ, તો તમને જીવન મળશે નહિ.”—યોહા. ૬:૫૩.

૫. આપણે કેમ ખાતરીથી કહી શકીએ કે ઈસુ લોકોને પોતાનું લોહી પીવા કહી રહ્યા ન હતા?

નૂહના દિવસોમાં યહોવાએ માણસોને લોહી ખાવાની મનાઈ કરી હતી. (ઉત. ૯:૩, ૪) પછીથી તેમણે ઇઝરાયેલીઓને લોહી ન ખાવાની આજ્ઞા આપી હતી. જો કોઈ વ્યક્તિ લોહી ખાતી, તો તેને ‘મારી નાખવામાં’ આવતી હતી. (લેવી. ૭:૨૭) ઈસુએ પોતે નિયમશાસ્ત્ર પાળ્યું અને યહૂદીઓને પણ એમ કરવાનું શીખવ્યું. (માથ. ૫:૧૭-૧૯) એટલે આપણે વિચાર પણ ન કરી શકીએ કે તેમણે યહૂદીઓને પોતાનું માંસ ખાવા અથવા લોહી પીવા કહ્યું હશે. છતાં આવા શબ્દો વાપરીને ઈસુ તેઓને શીખવવા માંગતા હતા કે “હંમેશ માટેનું જીવન” મેળવવા તેઓએ શું કરવું જોઈએ.—યોહા. ૬:૫૪.

૬. આપણે કેમ કહી શકીએ કે યોહાન ૬:૫૩માં ઈસુએ દાખલો વાપર્યો હતો?

આપણે સાફ જોઈ શકીએ છીએ કે ટોળા સાથે વાત કરતી વખતે ઈસુએ દાખલો વાપર્યો હતો. એવું તેમણે પહેલાં પણ કર્યું હતું. સમરૂની સ્ત્રી સાથે વાત કરતી વખતે તેમણે કહ્યું હતું: “હું જે પાણી આપીશ, એ પીનારને ફરી કદી તરસ લાગશે નહિ. હું જે પાણી આપીશ, એ તેનામાં ઝરણાની જેમ વહેતું રહેશે. એ પાણી હંમેશ માટેનું જીવન આપે છે.” (યોહા. ૪:૭, ૧૪) a ઈસુ એવું કહી રહ્યા ન હતા કે કોઈ કૂવાનું પાણી પીવાથી સમરૂની સ્ત્રીને હંમેશ માટેનું જીવન મળી જશે. એવી જ રીતે, ઈસુ કાપરનાહુમમાં લોકોને એવું કહી રહ્યા ન હતા કે હંમેશ માટેનું જીવન મેળવવા તેઓએ તેમનું માંસ ખાવું પડશે અને લોહી પીવું પડશે.

બે પ્રસંગો વચ્ચેનો તફાવત

૭. યોહાન ૬:૫૩માં ઈસુએ જે કહ્યું એ વિશે અમુક લોકો શું માને છે?

અમુક ધાર્મિક લોકોને લાગે છે કે યોહાન ૬:૫૩માં ઈસુ સમજાવી રહ્યા હતા કે ઈસુનું સાંજનું ભોજન કઈ રીતે ઊજવવું. કારણ કે ઈસુના સાંજના ભોજન વખતે તેમણે સરખા શબ્દો વાપર્યા હતા. (માથ. ૨૬:૨૬-૨૮) એટલે તેઓ માને છે કે એ પ્રસંગે આવનાર બધા લોકોએ રોટલી ખાવી જોઈએ અને દ્રાક્ષદારૂ પીવો જોઈએ. પણ શું એમ કરવું યોગ્ય છે? એ સવાલનો જવાબ જાણવો ખૂબ જરૂરી છે. કારણ કે દર વર્ષે આખી દુનિયામાં લાખો લોકો ઈસુના સાંજના ભોજન માટે ભેગા મળે છે. ચાલો જોઈએ કે યોહાન ૬:૫૩ના શબ્દોમાં અને ઈસુના સાંજના ભોજન વખતે તેમણે કહેલા શબ્દોમાં કયા તફાવતો છે.

૮. બે પ્રસંગો વચ્ચે કયા અમુક તફાવતો છે? (ચિત્ર પણ જુઓ.)

હવે ચાલો એ પ્રસંગો વચ્ચે બે તફાવત જોઈએ. પહેલો, યોહાન ૬:૫૩-૫૬માં જણાવેલા શબ્દો ઈસુએ ક્યારે અને કઈ જગ્યાએ કહ્યા હતા? તેમણે ૩૨ની સાલમાં ગાલીલમાં યહૂદીઓના ટોળાને એ શબ્દો કહ્યા હતા. ઈસુએ સાંજના ભોજનની શરૂઆત કરી એના આશરે એક વર્ષ પહેલાં એ પ્રસંગ બન્યો હતો. બીજો, ઈસુએ એ શબ્દો કોને કહ્યા હતા? તેમણે પોતાની પાસેથી ખોરાક મેળવવા માંગતા લોકોને એ શબ્દો કહ્યા હતા. તેઓને ઈશ્વર કે તેમના રાજ્ય વિશે શીખવાની કોઈ ભૂખ ન હતી. (યોહા. ૬:૨૬) હકીકતમાં, જ્યારે ઈસુએ એક એવી વાત કહી જે સમજવી તેઓને અઘરી લાગી, ત્યારે તેઓએ તરત તેમના પર શ્રદ્ધા મૂકવાનું છોડી દીધું. અરે, ઈસુના અમુક શિષ્યોએ પણ તેમના પગલે ચાલવાનું છોડી દીધું. (યોહા. ૬:૧૪, ૩૬, ૪૨, ૬૦, ૬૪, ૬૬) હવે જરા વિચારો કે એકાદ વર્ષ પછી સાલ ૩૩માં ઈસુએ સાંજના ભોજનની શરૂઆત કરી ત્યારે શું બન્યું. એ પ્રસંગે તેમના ૧૧ વફાદાર પ્રેરિતો તેમની સાથે હતા. ખરું કે, તેઓ પણ ઈસુની અમુક વાતો પૂરી રીતે સમજ્યા ન હતા. પણ તેઓ ગાલીલના લોકો જેવા ન હતા. એ વફાદાર પ્રેરિતોને પૂરો ભરોસો હતો કે ઈસુ જ ઈશ્વરના દીકરા છે અને તે સ્વર્ગમાંથી નીચે આવ્યા છે. (માથ. ૧૬:૧૬) ઈસુએ તેઓના વખાણ કર્યા અને કહ્યું: “મારી કસોટીઓમાં તમે જ મને સાથ આપ્યો છે.” (લૂક ૨૨:૨૮) આગળ જે બે તફાવત જોઈ ગયા એનાથી ખ્યાલ આવે છે કે યોહાન ૬:૫૩માં ઈસુના સાંજના ભોજન વિશે વાત થઈ રહી ન હતી. ચાલો એના બીજા પુરાવા જોઈએ.

યોહાન અધ્યાય ૬માં ઈસુ ગાલીલમાં યહૂદીઓના મોટા ટોળા સાથે વાત કરે છે (ડાબે). એક વર્ષ પછી તે પોતાના ૧૧ વફાદાર પ્રેરિતો સાથે વાત કરે છે (જમણે) (ફકરો ૮ જુઓ)


ઈસુના શબ્દોથી તમને ફાયદો થઈ શકે છે

૯. ઈસુએ સાંજના ભોજન વખતે કહેલા શબ્દો કોના માટે હતા?

ઈસુના સાંજના ભોજન વખતે ઈસુએ પ્રેરિતોને બેખમીર રોટલી આપી અને કહ્યું કે એ તેમના શરીરને રજૂ કરે છે. પછી તેમણે તેઓને દ્રાક્ષદારૂ આપ્યો અને કહ્યું: “એ મારા લોહીને રજૂ કરે છે જે કરારને પાકો કરે છે.” (માર્ક ૧૪:૨૨-૨૫; લૂક ૨૨:૨૦; ૧ કોરીં. ૧૧:૨૪) તેમણે કરાર વિશે જે કહ્યું એ ખૂબ મહત્ત્વનું છે. એ કરાર આખી માણસજાત સાથે નહિ, પણ ‘ઈશ્વરના ઇઝરાયેલના’ લોકો સાથે કરવામાં આવ્યો હતો, જેઓ ઈશ્વરના રાજ્યમાં ઈસુ સાથે રાજ કરવાના હતા. (હિબ્રૂ. ૮:૬, ૧૦; ૯:૧૫) એ વખતે પ્રેરિતો એ વાત સમજ્યા ન હતા. પણ જલદી જ તેઓનો પવિત્ર શક્તિથી અભિષેક થવાનો હતો અને તેઓ નવા કરારનો ભાગ બનવાના હતા, જેથી તેઓને સ્વર્ગમાં ઈસુ સાથે રહેવાનો મોકો મળે.—યોહા. ૧૪:૨, ૩.

૧૦. એ બંને પ્રસંગો વચ્ચે બીજો એક તફાવત કયો છે? (ચિત્ર પણ જુઓ.)

૧૦ ધ્યાન આપો કે ઈસુએ સાંજના ભોજન વખતે જે કહ્યું એ ‘નાની ટોળીને’ લાગુ પડતું હતું. એ નાના સમૂહની શરૂઆત ઈસુના વફાદાર પ્રેરિતોથી થઈ, જેઓ એ પ્રસંગે તેમની સાથે હતા. (લૂક ૧૨:૩૨) ઈસુએ તેઓને રોટલી ખાવા અને દ્રાક્ષદારૂ પીવા કહ્યું હતું. સમય જતાં, જેઓ એ નાના સમૂહનો ભાગ બનવાના હતા, તેઓને પણ એ લાગુ પડે છે. તેઓએ પણ રોટલી અને દ્રાક્ષદારૂ ખાવા-પીવામાં ભાગ લેવો જોઈએ. ઈસુ સાથે સ્વર્ગમાં રાજ કરવાનો મોકો ફક્ત તેઓને મળશે. આમ, સ્પષ્ટ છે કે ઈસુએ સાંજના ભોજન વખતે કહેલા શબ્દોમાં અને ગાલીલમાં ટોળાને કહેલા શબ્દોમાં બહુ મોટો તફાવત છે. સાંજના ભોજન વખતે કહેલા શબ્દો ફક્ત થોડા લોકોને લાગુ પડે છે, જ્યારે કે ગાલીલમાં કહેલા શબ્દો અગણિત લોકોને લાગુ પડે છે.

ઈસુના સાંજના ભોજન વખતે થોડા જ લોકો રોટલી અને દ્રાક્ષદારૂ ખાવા-પીવામાં ભાગ લે છે. પણ ઘણા લોકો ઈસુમાં શ્રદ્ધા મૂકી શકે છે અને હંમેશ માટેનું જીવન મેળવી શકે છે (ફકરો ૧૦ જુઓ)


૧૧. (ક) ગાલીલમાં ઈસુ કયા આશીર્વાદ વિશે વાત કરી રહ્યા હતા? (ખ) એનાથી કઈ રીતે ખ્યાલ આવે છે કે ઈસુ પસંદ કરાયેલા થોડા લોકો વિશે વાત કરી રહ્યા ન હતા?

૧૧ સાલ ૩૨માં ઈસુએ ગાલીલમાં જેઓ સાથે વાત કરી હતી, તેઓને ફક્ત ખોરાક જોઈતો હતો. પણ ઈસુ તેઓને એ સમજાવવાનો પ્રયત્ન કરી રહ્યા હતા કે ખોરાક કરતાં પણ કંઈક વધારે મહત્ત્વનું છે. તેમણે તેઓને એક ગોઠવણ વિશે જણાવ્યું, જેનાથી તેઓને હંમેશ માટેનું જીવન મળી શકતું હતું. ઈસુએ એવું પણ કહ્યું કે ગુજરી ગયેલા લોકોને છેલ્લા દિવસે જીવતા કરવામાં આવી શકે છે અને તેઓ હંમેશ માટે જીવી શકે છે. અહીં ઈસુ જે આશીર્વાદની વાત કરતા હતા, એ બધા લોકોને મળી શકે છે. એટલે જ તેમણે કહ્યું: ‘જો કોઈ આ રોટલી ખાય તો તે હંમેશાં જીવશે. એ રોટલી મારું શરીર છે અને દુનિયાના લોકોને જીવન મળે માટે હું એ આપીશ.’ (યોહા. ૬:૫૧) એનાથી સ્પષ્ટ છે કે યોહાન અધ્યાય ૬માં ઈસુ પસંદ કરાયેલા થોડા લોકો વિશે વાત કરી રહ્યા ન હતા, જેઓ સાથે તેમણે સાંજના ભોજન વખતે વાત કરી હતી.

૧૨. હંમેશ માટેનું જીવન મેળવવા શું કરવાની જરૂર છે?

૧૨ શું ઈસુ એવું કહેવા માંગતા હતા કે એકેએક વ્યક્તિને હંમેશ માટેનું જીવન મળશે? ના, તે કહી રહ્યા હતા કે એ આશીર્વાદ ફક્ત તેઓને મળશે, ‘જેઓ આ રોટલી ખાય છે,’ એટલે કે ઈસુ પર શ્રદ્ધા મૂકે છે. આજે ચર્ચના ઘણા લોકોને લાગે છે કે જો તેઓ ‘ઈસુમાં માને’ અને તેમને પોતાના તારણહાર તરીકે સ્વીકારે, તો તેઓનો ઉદ્ધાર થઈ જશે. (યોહા. ૬:૨૯) પણ ફક્ત એટલું જ પૂરતું નથી. ગાલીલમાં એવા ઘણા લોકો હતા, જેઓએ પહેલા તો ઈસુમાં શ્રદ્ધા મૂકી હતી, પણ પછીથી તેમને છોડીને જતા રહ્યા હતા. એનું કારણ શું હતું?

૧૩. ઈસુના સાચા શિષ્ય બનવા શું કરવાની જરૂર છે?

૧૩ ટોળાના મોટા ભાગના લોકો ત્યાં સુધી જ ઈસુ પાછળ ચાલ્યા, જ્યાં સુધી તેઓની જરૂરિયાતો પૂરી થઈ. તેઓ ચાહતા હતા કે ઈસુ ચમત્કારો કરીને તેઓને સાજા કરે, મફતમાં ખાવાનું આપે અથવા એવી વાતો શીખવે જે તેઓને સાંભળવી ગમે છે. પણ ઈસુએ સ્પષ્ટ કહ્યું કે તે પૃથ્વી પર તેઓની જરૂરિયાતો પૂરી કરવા આવ્યા ન હતા. એને બદલે તે તેઓને શીખવવા આવ્યા હતા, જેથી તેઓ તેમના સાચા શિષ્યો બની શકે. એ માટે તેઓએ ‘ઈસુ પાસે આવવાનું’ હતું અને તેમણે શીખવેલી બધી વાતો પ્રમાણે ચાલવાનું હતું.—યોહા. ૫:૪૦; ૬:૪૪.

૧૪. ઈસુનાં માંસ અને લોહીથી ફાયદો મેળવવા શું કરવાની જરૂર છે?

૧૪ ઈસુએ એ ટોળાને કહ્યું કે તેઓએ શ્રદ્ધા મૂકવાની જરૂર હતી. તેઓએ એ વાત પર શ્રદ્ધા મૂકવાની જરૂર હતી કે ઈસુ જે લોહી વહેવડાવવાના હતા અને પોતાના શરીરનું બલિદાન ચઢાવવાના હતા, એનાથી તેઓને હંમેશ માટેનું જીવન મળી શકતું હતું. આજે આપણે પણ એ વાત પર શ્રદ્ધા મૂકવાની જરૂર છે. (યોહા. ૬:૪૦) યોહાન ૬:૫૩માં જણાવ્યું છે તેમ ઈસુનાં માંસ અને લોહીથી ફાયદો મેળવવા તેમના બલિદાનમાં શ્રદ્ધા મૂકવાની જરૂર છે. એમ કરીશું તો જ હંમેશ માટેનું જીવન મળશે. એ આશીર્વાદ ફક્ત ગણ્યા-ગાંઠ્યા લોકોને નહિ, પણ ગણી ન શકાય એટલા લોકોને મળી શકે છે.—એફે. ૧:૭.

૧૫-૧૬. યોહાન અધ્યાય ૬માંથી આપણે કઈ મહત્ત્વની વાતો શીખ્યા?

૧૫ યોહાન અધ્યાય ૬માંથી આપણે કેટલી બધી વાતો શીખ્યા. એ વાતો ખૂબ મહત્ત્વની છે અને એનાથી ઘણું ઉત્તેજન મળે છે. આપણે શીખ્યા કે ઈસુ લોકોની ખૂબ સંભાળ રાખે છે. ગાલીલમાં હતા ત્યારે તેમણે બીમાર લોકોને સાજા કર્યા, તેઓને ઈશ્વરના રાજ્ય વિશે શીખવ્યું અને ખોરાક માટેની તેઓની જરૂરિયાત પૂરી કરી. (લૂક ૯:૧૧; યોહા. ૬:૨, ૧૧, ૧૨) પણ સૌથી મહત્ત્વનું તો, તેમણે શીખવ્યું કે તે “જીવનની રોટલી” છે.—યોહા. ૬:૩૫, ૪૮.

૧૬ ઈસુએ જે લોકોને “બીજાં ઘેટાં” કહ્યા, તેઓ ઈસુના સાંજના ભોજનના પ્રસંગે રોટલી અને દ્રાક્ષદારૂ ખાવા-પીવામાં ભાગ લેતા નથી. (યોહા. ૧૦:૧૬) તેઓએ એવું કરવું પણ ન જોઈએ. તેમ છતાં, તેઓ ઈસુ ખ્રિસ્તનાં માંસ અને લોહીથી ફાયદો મેળવી શકે છે. એ માટે તેઓએ ઈસુના બલિદાનમાં અને એના લીધે જે અદ્‍ભુત બાબતો શક્ય બની એમાં શ્રદ્ધા મૂકવાની જરૂર છે. (યોહા. ૬:૫૩) રોટલી અને દ્રાક્ષદારૂ ખાવા-પીવામાં ફક્ત એ લોકો જ ભાગ લે છે, જેઓ નવા કરારનો ભાગ છે અને જેઓ પાસે સ્વર્ગમાં રાજ કરવાની આશા છે. એટલે ભલે આપણે અભિષિક્ત ખ્રિસ્તી હોઈએ કે બીજાં ઘેટાંનો ભાગ હોઈએ, આપણે બધા જ લોકો યોહાન અધ્યાય ૬માંથી ઘણું શીખી શકીએ છીએ. એમાં એ વાત પર ભાર મૂકવામાં આવ્યો છે કે હંમેશ માટેનું જીવન મેળવવા ઈસુમાં શ્રદ્ધા મૂકવી ખૂબ જ જરૂરી છે.

ગીત ૪૯ યહોવા છે સહારો

a ઈસુ જે પાણી વિશે વાત કરી રહ્યા હતા, એ શાને રજૂ કરે છે? આપણને હંમેશ માટેનું જીવન મળે એ માટે યહોવાએ જે ગોઠવણો કરી છે, એને રજૂ કરે છે.