અભ્યાસ લેખ ૫૦
ગીત ૧૧ યહોવાને વળગી રહું
મમ્મી-પપ્પા, બાળકોને પોતાની શ્રદ્ધા મજબૂત કરવા મદદ કરો
‘તમે ઈશ્વરની સારી, પસંદ પડે એવી અને સંપૂર્ણ ઇચ્છા શું છે એની પોતાને ખાતરી કરાવો.’—રોમ. ૧૨:૨, ફૂટનોટ.
આપણે શું શીખીશું?
આ લેખમાં આપણે અમુક સૂચનો જોઈશું, જેનાથી મમ્મી-પપ્પા પોતાનાં બાળકો સાથે ઈશ્વર અને બાઇબલ વિશે વાત કરી શકશે અને બાળકોને શ્રદ્ધા મજબૂત કરવા મદદ કરી શકશે.
૧-૨. ઈશ્વર અને બાઇબલ વિશે બાળક સવાલો પૂછે તો મમ્મી-પપ્પાએ શું કરવું જોઈએ?
કદાચ તમે કહેશો કે બાળકનો ઉછેર કરવો એ કંઈ નાનીસૂની વાત નથી, એમાં ઘણી મહેનત લાગે છે. મમ્મી-પપ્પા, તમારાં બાળકોની શ્રદ્ધા મજબૂત કરવા તમે જે સખત મહેનત કરો છો, એની અમે દિલથી કદર કરીએ છીએ. (પુન. ૬:૬, ૭) તમારું બાળક મોટું થતું જાય તેમ તે કદાચ આપણી માન્યતાઓ વિશે સવાલો પૂછવા લાગે. જેમ કે, બાઇબલમાં કેમ લખ્યું છે કે અમુક કામો કરવાં ખોટું છે?
૨ બાળકોના સવાલો સાંભળીને કદાચ શરૂ શરૂમાં તમને ચિંતા થવા લાગે. તમને થાય, ‘શું ઈશ્વરમાં અને બાઇબલમાં તેની શ્રદ્ધા ડગવા લાગી છે?’ પણ હકીકતમાં, બાળક મોટું થાય તેમ તેણે સવાલો પૂછવા જોઈએ, જેથી તેની શ્રદ્ધા વધે. (૧ કોરીં. ૧૩:૧૧) બાળક સવાલો પૂછે તો ગભરાશો નહિ. એ તકને ઝડપી લો અને બાળકને મદદ કરો, જેથી તે ઊંડો વિચાર કરવાનું શીખે અને તેની શ્રદ્ધા મજબૂત થાય.
૩. આ લેખમાં આપણે શાની ચર્ચા કરીશું?
૩ આ લેખમાં જોઈશું કે મમ્મી-પપ્પા કઈ રીતે બાળકોને મદદ કરી શકે, જેથી (૧) ઈશ્વરમાં અને બાઇબલમાં તેઓની શ્રદ્ધા મક્કમ થાય, (૨) તેઓ સમજી શકે કે બાઇબલમાં આપેલાં ખરા-ખોટાનાં ધોરણો તેઓના ભલા માટે છે અને (૩) તેઓ બીજાઓને પોતાની માન્યતાઓ જણાવી શકે. એ પણ જોઈશું કે બાળકો સવાલો પૂછે ત્યારે મમ્મી-પપ્પાએ કેવું વલણ બતાવવું જોઈએ અને તમે એવી કઈ પ્રવૃત્તિઓ કરી શકો, જેથી બાળકો સાથે આપણી માન્યતાઓ વિશે વાત કરી શકાય.
બાળકને શ્રદ્ધા મજબૂત કરવા મદદ કરો
૪. બાળકને કયા સવાલો થઈ શકે અને શા માટે?
૪ મમ્મી-પપ્પા, તમે ઈશ્વરમાં શ્રદ્ધા રાખો છો, એનો અર્થ એ નથી કે તમારું બાળક પણ આપોઆપ ઈશ્વરમાં શ્રદ્ધા મૂકશે. આપણામાં જન્મથી જ શ્રદ્ધા હોતી નથી, એ કેળવવી પડે છે. તમારા બાળકે પણ એ કેળવવી પડશે. એટલે કદાચ તે આવા સવાલો પૂછે: ‘હું કઈ રીતે માની લઉં કે ઈશ્વર છે? શું બાઇબલમાં લખેલી વાતો સાચી છે?’ જોવા જઈએ તો બાઇબલ પણ ઉત્તેજન આપે છે કે “સમજશક્તિનો ઉપયોગ” કરીએ અને “બધી વસ્તુઓની પરખ” કરીએ. (રોમ. ૧૨:૧; ૧ થેસ્સા. ૫:૨૧) તો પછી, તમે કઈ રીતે બાળકને શ્રદ્ધા મજબૂત કરવા મદદ કરી શકો?
૫. બાળકનો બાઇબલમાં ભરોસો વધે એ માટે મમ્મી-પપ્પા તેને કઈ રીતે મદદ કરી શકે? (રોમનો ૧૨:૨ અને ફૂટનોટ)
૫ બાળકને ઉત્તેજન આપો કે બાઇબલમાં લખેલી વાતો સાચી છે એની પોતાને ખાતરી કરાવે. (રોમનો ૧૨:૨ અને ફૂટનોટ વાંચો.) બાળક સવાલો પૂછે ત્યારે તમે તેને બતાવી શકો કે આપણાં સાહિત્યમાંથી જવાબ કઈ રીતે શોધવા. દાખલા તરીકે, તમે વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી અને યહોવાના સાક્ષીઓ માટે સંશોધન માર્ગદર્શિકાનો ઉપયોગ કરવાનું શીખવી શકો. સંશોધન માર્ગદર્શિકામાં તે “બાઇબલ” વિષયમાં “ઈશ્વરપ્રેરિત” ગૌણમથાળું જોઈ શકે. ત્યાં સાબિતી મળશે કે બાઇબલમાં માણસોના વિચારો નથી, પણ એ ઈશ્વર તરફથી છે. (૧ થેસ્સા. ૨:૧૩) દાખલા તરીકે, તે પ્રાચીન આશ્શૂરના શહેર નિનવેહ વિશે સંશોધન કરી શકે. અગાઉ બાઇબલના અમુક નિષ્ણાતો દાવો કરતા હતા કે નિનવેહ નામનું શહેર કદી હતું જ નહિ. પણ આશરે ૧૮૫૦માં ખોદકામ કરતી વખતે એ શહેરનાં ખંડેરો મળી આવ્યાં. એ સાબિત કરે છે કે બાઇબલનો અહેવાલ સાચો છે. (સફા. ૨:૧૩-૧૫) એ ઉપરાંત, તે નવેમ્બર ૨૦૨૧ના ચોકીબુરજમાં આપેલો આ લેખ જોઈ શકે: “શું તમે જાણો છો?” એનાથી તે સમજી શકશે કે નિનવેહનો જે રીતે નાશ થયો, એ વિશે બાઇબલમાં પહેલેથી ભાખ્યું હતું. બાળકને ઉત્તેજન આપો કે તે આપણાં સાહિત્યમાં આપેલી માહિતીને વિશ્વકોશ અને બીજાં ભરોસાપાત્ર લખાણો સાથે સરખાવે. આમ તેનો ભરોસો વધશે કે બાઇબલની વાતો સાચી છે.
૬. બાઇબલ સાચું છે એની સાબિતીઓ જોવા મમ્મી-પપ્પા કઈ રીતે બાળકને મદદ કરી શકે? એક દાખલો આપો. (ચિત્ર પણ જુઓ.)
૬ બાઇબલ સાચું છે એની સાબિતીઓ જોવા બાળકને મદદ કરો. તમે ઘણા પ્રસંગોએ પોતાના બાળક સાથે બાઇબલ વિશે અથવા ઈશ્વરમાં શ્રદ્ધા રાખવા વિશે વાત કરી શકો છો. એ માટે તેને મ્યુઝિયમ જોવા, બાગમાં ફૂલછોડ જોવા અથવા યહોવાના સાક્ષીઓની શાખા કચેરીએ આવેલાં મ્યુઝિયમ જોવા લઈ જઈ શકો. દાખલા તરીકે, બાળકને કોઈ મ્યુઝિયમમાં લઈ જાઓ અથવા ઓનલાઇન મ્યુઝિયમ બતાવો ત્યારે, ઇતિહાસની કોઈ વસ્તુ કે બનાવ પર તેનું ધ્યાન દોરો, જે વિશે બાઇબલમાં જણાવ્યું છે. આમ તેને સાબિતી મળશે કે બાઇબલ એકદમ સચોટ છે. કદાચ તમે બાળકને મોઆબી પથ્થર વિશે શીખવી શકો. એ પથ્થર ૩,૦૦૦ વર્ષ જૂનો છે અને એના પર યહોવાનું નામ જોવા મળે છે. એ પથ્થર ફ્રાંસના પૅરિસ શહેરમાં આવેલા લ્યુવર મ્યુઝિયમમાં રાખેલો છે. એ પથ્થરની નકલ વૉરવિકમાં આવેલા યહોવાના સાક્ષીઓના જગત મુખ્યમથકના એક મ્યુઝિયમમાં રાખેલી છે. એ મ્યુઝિયમનું નામ ‘બાઇબલ અને ઈશ્વરનું નામ’ છે. એ પથ્થર પર લખ્યું છે કે મોઆબના રાજા મેશાએ ઇઝરાયેલીઓ વિરુદ્ધ બળવો કર્યો હતો. એ માહિતી બાઇબલ સાથે મેળ ખાય છે. (૨ રાજા. ૩:૪, ૫) બાઇબલમાં લખેલી વાતો ભરોસાપાત્ર અને સો ટકા સાચી છે, એ જોઈને બાળકની શ્રદ્ધા વધશે.—૨ કાળવૃત્તાંત ૯:૬ સરખાવો.
૭-૮. (ક) સૃષ્ટિમાં જોવા મળતી સુંદર ડિઝાઇનમાંથી અને કુદરતના નિયમોમાંથી શું શીખવા મળે છે? એક દાખલો આપો. (ચિત્ર પણ જુઓ.) (ખ) સર્જનહારમાં બાળકની શ્રદ્ધા વધે એ માટે તમે કયા સવાલો પૂછી શકો?
૭ બાળકને યહોવાએ બનાવેલી સૃષ્ટિ વિશે વિચારવાનું ઉત્તેજન આપો. જ્યારે તમે બાગમાં જાઓ અથવા પોતાના ઘરે બાગમાં કામ કરો, ત્યારે બાળકનું ધ્યાન સૃષ્ટિમાં જોવા મળતી અદ્ભુત ડિઝાઇન પર દોરો, જે વારંવાર જોવા મળે છે. એનાથી બાળક સમજી શકશે કે એક બુદ્ધિશાળી સર્જનહારે સમજી-વિચારીને એ ડિઝાઇન બનાવી છે. દાખલા તરીકે, સૃષ્ટિની ઘણી વસ્તુઓમાં ચક્રાકાર (એટલે કે, મચ્છરની કોઇલ જેવો આકાર) જોવા મળે છે. વૈજ્ઞાનિકો ઘણાં વર્ષોથી એ ડિઝાઇન પર સંશોધન કરી રહ્યા છે. એ વિશે નિકોલા ફૉમેલી નામના એક વૈજ્ઞાનિક જણાવે છે કે જો કોઈ ચક્રાકારને ધ્યાનથી જુએ, તો તેને તેમાં સંખ્યાઓનો ચોક્કસ ક્રમ જોવા મળશે. એ ક્રમને ફિબોનાચી ક્રમ કહેવાય છે. ચક્રાકાર ઘણી બધી વસ્તુઓમાં જોવા મળે છે. જેમ કે, અમુક આકાશગંગાઓમાં, એક જાતના શંખમાં, છોડનાં પાદડાંમાં અને સૂર્યમુખીના મુખમાં. a
૮ તમારું બાળક વિજ્ઞાનના ક્લાસમાં કુદરતના નિયમો વિશે શીખશે. જેમ કે ગુરુત્વાકર્ષણનો નિયમ. ગુરુત્વાકર્ષણ બળ વાતાવરણને પૃથ્વીની નજીક ખેંચી રાખે છે તેમજ સમુદ્ર અને મોજાઓને કાબૂમાં રાખે છે. એ બળ વગર પૃથ્વી પર જીવન શક્ય નથી. યહોવાએ કુદરતમાં જે હદ ઠરાવી આપી છે, એના લીધે આખી સૃષ્ટિ વ્યવસ્થામાં રહે છે. પણ એ નિયમ કોણે ઘડ્યો? સૃષ્ટિમાં જોવા મળતી વ્યવસ્થા પાછળ કોનો હાથ છે? એવા સવાલો પર વિચાર કરવાથી બાળકની શ્રદ્ધા વધશે કે ઈશ્વરે જ બધું બનાવ્યું છે. (હિબ્રૂ. ૩:૪) બાળક મોટું થતું જાય તેમ, તેને એ સમજવા મદદ કરો કે ઈશ્વરની આજ્ઞાઓ પાળવી કેમ જરૂરી છે. એ માટે તેને આ સવાલ પૂછી શકો: “જો ઈશ્વરે આપણને બનાવ્યા હોય, તો તને નથી લાગતું કે આપણે કઈ રીતે જીવવું જોઈએ એ વિશેનું માર્ગદર્શન પણ તેમણે આપ્યું હશે?” પછી તેને જણાવી શકો કે એ માર્ગદર્શન તેમણે બાઇબલમાં આપ્યું છે.
બાળકને એ સમજવા મદદ કરો કે ઈશ્વરે આપેલાં ધોરણો તેના ભલા માટે છે
૯. તમારું બાળક કયા કારણને લીધે બાઇબલનાં ધોરણો વિશે સવાલો પૂછવા લાગે?
૯ જો બાળક બાઇબલમાં આપેલાં ખરા-ખોટાનાં ધોરણો વિશે સવાલો પૂછે, તો એ સમજવાની કોશિશ કરો કે તે કેમ એ સવાલો પૂછે છે. શું તેને ખરેખર લાગે છે કે એ ધોરણોથી ફાયદો થતો નથી, કે બસ તેને બીજાઓને એ વિશે સમજાવવું અઘરું લાગે છે? એ બંને કિસ્સાઓમાં તમે બાળકને એ સમજવા મદદ કરી શકો કે ઈશ્વરની આજ્ઞાઓ પાળવાથી આપણું ભલું થાય છે. એ માટે તેની સાથે દુઃખ જશે, સુખ આવશે પુસ્તકમાંથી અભ્યાસ કરી શકો. b
૧૦. યહોવા સાથેનો સંબંધ મજબૂત કરવા બાળકને કઈ રીતે મદદ કરી શકો?
૧૦ બાળકને યહોવા સાથેનો સંબંધ મજબૂત કરવા ઉત્તેજન આપો. બાળકને બાઇબલમાંથી શીખવો ત્યારે દુઃખ જશે, સુખ આવશે પુસ્તકમાં આપેલા સવાલો અને દાખલાઓનો સારો ઉપયોગ કરો. (નીતિ. ૨૦:૫) એની મદદથી તમે સમજી શકશો કે બાળકના મનમાં શું છે. જેમ કે, પાઠ ૮માં જણાવ્યું છે કે યહોવા એક સારા મિત્ર છે અને તે આપણી સંભાળ રાખે છે. એમાં એ પણ જણાવ્યું છે કે તેમની વાત માનવાથી ફાયદો થાય છે અને આપણને રક્ષણ મળે છે. પહેલો યોહાન ૫:૩ પર ચર્ચા કર્યા પછી તમે બાળકને પૂછી શકો: “યહોવા આપણા સારા મિત્ર છે, તો પછી તે કંઈ કરવા કહે તો આપણે શું કરવું જોઈએ?” કદાચ એ બહુ સાદો સવાલ લાગે. પણ એ પૂછવાથી બાળક સમજી શકશે કે યહોવા આપણને ખૂબ પ્રેમ કરે છે, એટલે સલાહ આપે છે.—યશા. ૪૮:૧૭, ૧૮.
૧૧. બાઇબલ સિદ્ધાંતો પાળવાથી ભલું થાય છે, એ વાત બાળકને સમજાવવા તમે શું કરી શકો? (નીતિવચનો ૨:૧૦, ૧૧)
૧૧ ચર્ચા કરો કે બાઇબલ સિદ્ધાંતો પાળવાથી ફાયદા થાય છે. જ્યારે તમે સાથે મળીને બાઇબલ અથવા દરરોજનું વચન વાંચો, ત્યારે ચર્ચા કરો કે બાઇબલ સિદ્ધાંતો પાળવાથી તમારા કુટુંબને કઈ રીતે મદદ મળી છે. દાખલા તરીકે, તમે બાળકને સમજાવી શકો કે મહેનતુ બનવાથી અને પ્રમાણિક રહેવાથી કેવા ફાયદા થાય છે. (હિબ્રૂ. ૧૩:૧૮) એ પણ સમજાવી શકો કે બાઇબલની સલાહ પાળવાથી તમને તંદુરસ્ત અને ખુશ રહેવા મદદ મળે છે. (નીતિ. ૧૪:૨૯, ૩૦) જો બાળક સમજી જશે કે બાઇબલ સિદ્ધાંતો પાળવાથી ભલું થાય છે, તો પછી તેને પણ એ સિદ્ધાંતો લાગુ પાડવાનું મન થશે.—નીતિવચનો ૨:૧૦, ૧૧ વાંચો.
૧૨. સ્ટીવભાઈ કઈ રીતે ઈથનને એ સમજવા મદદ કરે છે કે બાઇબલના નિયમો પાળવાથી ભલું થાય છે?
૧૨ ફ્રાંસમાં રહેતા સ્ટીવભાઈનો દાખલો લો. તે અને તેમના પત્ની તેઓના ૧૬ વર્ષના દીકરા ઈથનને એ સમજવા મદદ કરે છે કે યહોવા પ્રેમને લીધે નિયમો બનાવે છે. કઈ રીતે? સ્ટીવભાઈ કહે છે: “અમે ઈથનને આવા સવાલો પૂછીએ છીએ, ‘યહોવા કેમ ચાહે છે કે આપણે તેમના નિયમો પાળીએ? એમાં કઈ રીતે તેમનો પ્રેમ દેખાઈ આવે છે? જો તું તેમનો નિયમ નહિ પાળે તો શું થશે?’” એવી વાતચીતથી ઇથનને પોતાની શ્રદ્ધા વધારવા મદદ મળી છે. તેમ જ, તેનો ભરોસો વધ્યો છે કે યહોવા જે કંઈ કહે છે એ સાચું છે. વધુમાં સ્ટીવભાઈ કહે છે: “અમે ચાહીએ છીએ કે ઈથન એ જોઈ શકે કે બાઇબલમાં જે કંઈ લખ્યું છે, એ માણસોની બુદ્ધિ કરતાં ચઢિયાતું છે.”
૧૩. મમ્મી-પપ્પા કઈ રીતે બાળકને બાઇબલ સિદ્ધાંતો પાળવાનું શીખવી શકે? એક દાખલો આપો.
૧૩ બાળકને બાઇબલ સિદ્ધાંતો પાળવાનું શીખવો. દાખલા તરીકે, કદાચ બાળકને સ્કૂલમાંથી કહેવામાં આવ્યું છે કે તે કોઈ પુસ્તક વાંચે. એ પુસ્તકમાં જણાવેલા લોકો વ્યભિચારી જીવન જીવે છે અને બહુ હિંસક છે. એ પુસ્તકને એવી રીતે લખવામાં આવ્યું છે, જેથી એવું લાગે કે એવાં કામો કરવામાં કંઈ ખોટું નથી. તમે બાળકને એ વિચારવા મદદ કરી શકો કે જ્યારે લોકો એવાં કામો કરે છે, ત્યારે યહોવાને કેવું લાગે છે. (નીતિ. ૨૨:૨૪, ૨૫; ૧ કોરીં. ૧૫:૩૩; ફિલિ. ૪:૮) આમ બાળક જોઈ શકશે કે બાઇબલના સિદ્ધાંતો પાળવા સારું છે. તેમ જ, જ્યારે શિક્ષક અથવા બીજા વિદ્યાર્થીઓ એ પુસ્તક વિશે તેને પોતાના વિચારો જણાવવાનું કહેશે, ત્યારે તે પોતાની માન્યતા સારી રીતે સમજાવી શકશે.
બાળકને શીખવો કે તે કઈ રીતે બીજાઓને પોતાની માન્યતા જણાવી શકે
૧૪. બાળકોને કયા વિષય પર વાત કરવી અઘરું લાગી શકે અને શા માટે?
૧૪ અમુક વાર બાળકોને પોતાની માન્યતા બીજાઓને જણાવતા ડર લાગી શકે. દાખલા તરીકે, સ્કૂલમાં શિક્ષકો ઉત્ક્રાંતિવાદને કદાચ એક હકીકત તરીકે રજૂ કરે. પણ તમારું બાળક ઉત્ક્રાંતિવાદમાં નથી માનતું. એટલે એ વિશે આખા ક્લાસ સામે સમજાવતા તે ગભરાઈ જઈ શકે. મમ્મી-પપ્પા, તમે કઈ રીતે બાળકને મદદ કરી શકો, જેથી તેને પાકી ખાતરી થાય કે તે જે માને છે એ સાચું છે?
૧૫. બાળક જે માને છે એ ખરું છે, એવો ભરોસો વધારવા તેને શાનાથી મદદ મળી શકે?
૧૫ બાળકનો ભરોસો વધારો કે તે જે માને છે એ ખરું છે. તમારું બાળક સર્જનહારમાં માને છે એ માટે તેણે શરમાવાની કોઈ જરૂર નથી. (૨ તિમો. ૧:૮) શા માટે? આજે ઘણા વૈજ્ઞાનિકો સમજે છે કે જીવનની શરૂઆત આપોઆપ અથવા અચાનક નથી થઈ. સજીવ સૃષ્ટિની જટિલ રચના જોઈને તેઓને પુરાવા મળ્યા છે કે એની રચના પાછળ કોઈ બુદ્ધિશાળી સર્જનહારનો હાથ છે. એટલે તેઓ ઉત્ક્રાંતિવાદમાં માનતા નથી, જે વિશે દુનિયાભરની સ્કૂલોમાં શીખવવામાં આવે છે. બાળકને પોતાની શ્રદ્ધા અને હિંમત વધારવા બીજી એક વાતથી પણ મદદ મળી શકે છે. તે ભાઈ-બહેનોને પૂછી શકે કે તેઓ કેમ માને છે કે જીવનની શરૂઆત થઈ છે. c
૧૬. તમારું બાળક કેમ સર્જનહારમાં માને છે એ બીજાઓને સમજાવી શકે માટે તમે કઈ રીતે મદદ કરી શકો? (૧ પિતર ૩:૧૫) (ચિત્ર પણ જુઓ.)
૧૬ બાળકને મદદ કરો, જેથી તે બીજાઓને સમજાવી શકે કે તે કેમ સર્જનહારમાં માને છે. (૧ પિતર ૩:૧૫ વાંચો.) તમે jw.org/gu પરથી એવા લેખોની ચર્ચા કરી શકો, જેમાં સર્જન અને ઉત્ક્રાંતિ વિશે જણાવ્યું છે. પછી બાળકને પૂછી શકો કે તેને કયા મુદ્દા વિશે બીજાઓને જણાવવું સહેલું લાગશે. બાળક સાથે પ્રેક્ટિસ કરો કે એ મુદ્દાના આધારે તે કઈ રીતે બીજાઓને પોતાની માન્યતા સમજાવી શકે. તેને યાદ અપાવો કે તેણે સ્કૂલના વિદ્યાર્થીઓ સાથે દલીલો કરવાની જરૂર નથી. પણ જો કોઈ વિદ્યાર્થી એ વિષય પર તેની સાથે વાત કરવા માંગતો હોય, તો તે સરળ શબ્દોમાં પોતાનો મુદ્દો સમજાવી શકે. ધારો કે, એક વિદ્યાર્થી તેને કહે છે: “હું ફક્ત એ જ વસ્તુઓમાં માનું છું, જેને હું મારી આંખોથી જોઈ શકું છું અને ઈશ્વરને તો મેં કદી જોયા નથી.” એ સમયે તમારું બાળક કદાચ આવો જવાબ આપી શકે: “ધારો કે, તું એક ગાઢ જંગલમાં જઈ રહ્યો છે. ત્યાં કોઈ માણસ રહેતો નથી. તારી નજર એક સરસ બાંધેલા કૂવા પર પડે છે. હવે તું શું વિચારીશ? શું એ કૂવો આપોઆપ આવી ગયો, કે કોઈએ એને બાંધ્યો છે? જો એક કૂવો સાબિતી આપતો હોય કે એને બનાવનાર કોઈ છે, તો શું વિશ્વની વસ્તુઓ સાબિતી નથી આપતી કે એને બનાવનાર એક સર્જનહાર છે?”
૧૭. મમ્મી-પપ્પા કઈ રીતે બાળકને ઉત્તેજન આપી શકે કે તે બીજાઓને બાઇબલ વિશે જણાવવાની તકો શોધતું રહે? સમજાવો.
૧૭ બાળકને ઉત્તેજન આપો કે તે બીજાઓને બાઇબલ વિશે જણાવવાની તકો શોધતો રહે. (રોમ. ૧૦:૧૦) બાળક બીજાઓને પોતાની શ્રદ્ધા વિશે જણાવવાનો પ્રયત્ન કરે એને તમે શાની સાથે સરખાવશો? નવું વાજિંત્ર શીખવા સાથે. શરૂઆતમાં એક વ્યક્તિ કદાચ સાદી ધૂન વગાડવાનું શીખે. એકવાર તેનો હાથ બેસી જાય, એ પછી વાજિંત્ર વગાડવું તેના માટે સહેલું બની જશે. એવી જ રીતે, શરૂઆતમાં બાળક પ્રચાર કરતી વખતે કદાચ સાદી વાત જણાવી શકે. દાખલા તરીકે, તે પોતાના ક્લાસના વિદ્યાર્થીને પૂછી શકે, “તને ખબર છે કે મોટા ભાગે એન્જિનિયરો કુદરતમાં જોવા મળતી વસ્તુઓની નકલ કરે છે? ચાલ તને એક જોરદાર વીડિયો બતાવું.” પછી બાળક આનો રચનાર કોણ? શૃંખલામાંથી કોઈ વીડિયો બતાવી શકે. પછી તે કહી શકે: “કુદરતની નકલ કરીને બનાવેલી વસ્તુ માટે વૈજ્ઞાનિકને શાબાશી મળે છે. તો પછી સૃષ્ટિની વસ્તુઓ બનાવવા માટે કોને શાબાશી મળવી જોઈએ?” બની શકે કે આવી સાદી વાતચીતને લીધે એ વિદ્યાર્થીને કદાચ યહોવા વિશે વધારે જાણવાનું મન થાય.
બાળકને તેની શ્રદ્ધા વધારવા મદદ કરતા રહો
૧૮. યહોવામાં બાળકની શ્રદ્ધા વધારવા મમ્મી-પપ્પા શું કરતા રહી શકે?
૧૮ આજે મોટા ભાગના લોકો યહોવામાં માનતા નથી. (૨ પિત. ૩:૩) એટલે મમ્મી-પપ્પા, તમે તમારા બાળકનો અભ્યાસ ચલાવો ત્યારે, તેને અમુક વિષયો પર સંશોધન કરવાનું ઉત્તેજન આપો. એમ કરવાથી તેનો ભરોસો વધશે કે બાઇબલની વાતો એકદમ સાચી છે અને એ માનવાથી તેનું જ ભલું થશે. બાળક સાથે યહોવાની સૃષ્ટિ વિશે વાત કરો ત્યારે, તેને એના પર ઊંડો વિચાર કરવા અને યહોવામાં શ્રદ્ધા મજબૂત કરવા મદદ કરો. બાળકને બાઇબલની ભવિષ્યવાણીઓ સમજવા મદદ કરો, જે પૂરી થઈ ગઈ છે. સૌથી મહત્ત્વનું તો, તમારા બાળક માટે પ્રાર્થના કરો અને તેની સાથે પણ પ્રાર્થના કરો. આમ, તમે ભરોસો રાખી શકશો કે તમારા બાળકની શ્રદ્ધા મજબૂત કરવા તમે જે મહેનત કરો છો, એના પર યહોવા ચોક્કસ આશીર્વાદ આપશે.—૨ કાળ. ૧૫:૭.
ગીત ૪૧ બાળકો—યહોવાની સાથે ચાલો
a વધારે માહિતી માટે jw.org પર આ વીડિયો જુઓ: ધ વન્ડર્સ ઑફ ક્રિએશન રીવીલ ગોડ્સ ગ્લોરી—પેટર્ન્સ.
b જો તમારા બાળકનો દુઃખ જશે, સુખ આવશે પુસ્તકમાંથી અભ્યાસ પૂરો થઈ ગયો હોય, તો તમે તેની સાથે વિભાગ ૩ અને ૪ના અમુક પાઠમાંથી ફરી ચર્ચા કરી શકો. એ ભાગમાં બાઇબલનાં ધોરણો વિશે જણાવ્યું છે.
c સજાગ બનો!, ઑક્ટોબર ૨૦૦૬માં આપેલો આ લેખ જુઓ: “અમે કેમ સર્જનહારમાં માનીએ છીએ.” તેમ જ, આ મોટી પુસ્તિકા (હિંદી) જુઓ: જીવન કી શુરૂઆત, પાંચ સવાલ—જવાબ પાના ઝરૂરી. બીજા અનુભવો જોવા jw.org/gu પર આ વીડિયો સીરિઝ જુઓ: જીવનની શરૂઆત વિશે લોકોના વિચારો.
d ચિત્રની સમજ: એક છોકરાને ડ્રોન બહુ ગમે છે. આપણા નાના ભાઈ તેને આનો રચનાર કોણ? શૃંખલામાંથી એક વીડિયો બતાવે છે.