સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

જીવન સફર

મેં કદી શીખવાનું બંધ ન કર્યું

મેં કદી શીખવાનું બંધ ન કર્યું

યહોવા મારા “મહાન શિક્ષક” છે, એ માટે હું તેમનો ઘણો આભાર માનું છું. (યશા. ૩૦:૨૦) યહોવા અલગ અલગ રીતોએ પોતાના ભક્તોને શીખવે છે. જેમ કે, પોતાના શબ્દ બાઇબલ, પોતાની અદ્‍ભુત સૃષ્ટિ અને પોતાના સંગઠન દ્વારા. તે ભાઈ-બહેનો દ્વારા પણ મદદ કરે છે. ખરું કે, હું મારા જીવનની સદી પૂરી કરવાને આરે છું. પણ હું આજેય એ બધી રીતો દ્વારા શીખી રહ્યો છું. કઈ રીતે? ચાલો તમને જણાવું.

૧૯૪૮માં મારા કુટુંબ સાથે

મારો જન્મ ૧૯૨૭માં શિકાગો નજીક આવેલા એક નાના ગામમાં થયો હતો. એ અમેરિકાના ઇલિનોઈ રાજ્યમાં આવેલું છે. અમે પાંચ ભાઈ-બહેનો હતાં. જેથા, ડોન, હું, કાર્લ અને જોય. અમે પૂરાં તન-મનથી યહોવાની સેવા કરવા માંગતાં હતાં. ૧૯૪૩માં જેથાને ગિલયડના બીજા ક્લાસમાં જવાનો મોકો મળ્યો. ૧૯૪૪માં ડોન ન્યૂ યોર્કના બ્રુકલિન બેથેલમાં સેવા આપવા ગયો. ૧૯૪૭માં કાર્લ અને ૧૯૫૧માં મારી બહેન જોયે બેથેલ સેવા શરૂ કરી. મારાં મમ્મી-પપ્પા અને ભાઈ-બહેનોએ ખૂબ સારો દાખલો બેસાડ્યો છે. એનાથી મને યહોવાની સેવામાં વધારે કરવા ઉત્તેજન મળ્યું.

અમારું કુટુંબ યહોવા વિશે શીખ્યું

મારાં મમ્મી-પપ્પા પહેલેથી જ બાઇબલ વાંચતાં હતાં. તેઓ ઈશ્વરને ખૂબ પ્રેમ કરતા હતાં. તેઓએ અમને પણ ઈશ્વરને પ્રેમ કરવાનું શીખવ્યું હતું. પણ પહેલા વિશ્વયુદ્ધ દરમિયાન યુરોપમાં સૈનિક તરીકે કામ કર્યા પછી પપ્પાના દિલમાં ચર્ચ માટે જરાય માન ન રહ્યું. પપ્પા યુદ્ધમાંથી સહીસલામત પાછા આવ્યા એ માટે મમ્મી ઈશ્વરનો આભાર માનવા માંગતાં હતાં. એટલે તેમણે પપ્પાને કહ્યું: “ચાલોને, આપણે પહેલાંની જેમ ચર્ચ જઈએ.” પપ્પાએ કહ્યું: “હું તને મૂકવા આવીશ, પણ અંદર નહિ આવું.” મમ્મીએ પૂછ્યું: “કેમ?” તેમણે કહ્યું: “યુદ્ધ વખતે બંને સેનાના પાદરીઓ પોતાના સૈનિકો અને તેઓનાં હથિયારોને આશીર્વાદ આપી રહ્યા હતા. તેઓ તો એક જ પંથના હતા. તો પછી ઈશ્વર કઈ સેનાના પક્ષે હતા?”

થોડા સમય પછીની આ વાત છે. મમ્મી ચર્ચમાં ગયાં હતાં. એ વખતે બે યહોવાના સાક્ષીઓ અમારા ઘરે આવ્યા. તેઓએ પપ્પાને લાઇટ નામનાં બે પુસ્તકો બતાવ્યાં. એમાં પ્રકટીકરણના પુસ્તક વિશે માહિતી હતી. પપ્પાને એ પુસ્તકો ગમ્યાં અને તેમણે એ લઈ લીધાં. મમ્મીએ એ પુસ્તકો જોયાં ત્યારે, તેમણે એ વાંચવાનું શરૂ કરી દીધું. એક દિવસે મમ્મીએ છાપામાં એક જાહેરાત જોઈ. એમાં લાઇટ નામનાં પુસ્તકોની મદદથી બાઇબલનો અભ્યાસ કરવા માંગતા લોકો માટે એક આમંત્રણ હતું. મમ્મીએ ત્યાં જવાનું નક્કી કર્યું. તે ત્યાં પહોંચ્યાં ત્યારે એક દાદીમાએ દરવાજો ખોલ્યો. મમ્મીએ લાઇટ પુસ્તક બતાવતા પૂછ્યું: “શું અહીં આ પુસ્તકનો અભ્યાસ થાય છે?” તેમણે કહ્યું: “હા બેટા, અંદર આવી જા.” પછીના અઠવાડિયે મમ્મી અમને બાળકોને પોતાની સાથે લઈ ગયાં અને અમે દર અઠવાડિયે ત્યાં જવા લાગ્યાં.

એક સભામાં વક્તાએ મને ગીતશાસ્ત્ર ૧૪૪:૧૫ વાંચવા કહ્યું. એમાં જણાવ્યું છે કે જેઓ યહોવાની ભક્તિ કરે છે, તેઓ સુખી છે. એ કલમ મારા દિલમાં છપાઈ ગઈ. એવી જ રીતે, બીજી બે કલમો પણ મારા દિલને અસર કરી ગઈ. એક હતી, પહેલો તિમોથી ૧:૧૧, જેમાં લખ્યું છે કે યહોવા ‘આનંદી ઈશ્વર’ છે. બીજી હતી, એફેસીઓ ૫:૧, જેમાં અરજ કરવામાં આવી છે કે “ઈશ્વરનું અનુકરણ કરો.” મને સમજાઈ ગયું કે મારે ખુશી ખુશી સર્જનહારની ભક્તિ કરવી જોઈએ અને એ લહાવા માટે તેમનો આભાર માનવો જોઈએ. મેં હંમેશાં એ બંને સલાહ પ્રમાણે જીવવા પ્રયત્ન કર્યો છે.

અમારા ઘરથી સૌથી નજીકનું મંડળ ૩૨ કિલોમીટર દૂર શિકાગોમાં હતું. તેમ છતાં અમે ત્યાં જતાં. એનાથી બાઇબલ વિશેનું મારું જ્ઞાન વધ્યું. મને હજી યાદ છે કે એક વાર સભામાં ભાઈએ જેથાને જવાબ આપવા કહ્યું. તેનો જવાબ સાંભળીને મને થયું: ‘આ તો મને પણ આવડતું હતું. હું પણ હાથ ઊંચો કરીને જવાબ આપી શકતો હતો.’ એ પછી હું તૈયારી કરવા લાગ્યો અને પોતાના શબ્દોમાં જવાબ આપવા લાગ્યો. સૌથી મહત્ત્વનું, મારાં ભાઈ-બહેનોની જેમ હું પણ યહોવાની નજીક આવ્યો. ૧૯૪૧માં મેં બાપ્તિસ્મા લીધું.

મહાસંમેલનોમાં યહોવાએ ઘણું શીખવ્યું

૧૯૪૨માં ઓહાયોના ક્લીવલૅન્ડ શહેરમાં એક મહાસંમેલન યોજાયું હતું. એ મહાસંમેલન મને સરસ રીતે યાદ છે. ત્યાં નજીકની એક જગ્યાએ અમે બીજાં ઘણાં કુટુંબો સાથે તંબુઓમાં રહ્યાં હતાં. અમેરિકાનાં ૫૦થી વધારે શહેરોમાં ભાઈ-બહેનોએ એ કાર્યક્રમ ટેલિફોન દ્વારા સાંભળ્યો હતો. એ વખતે બીજું વિશ્વયુદ્ધ વધારે ખતરનાક બની રહ્યું હતું. દિવસે ને દિવસે યહોવાના સાક્ષીઓની સતાવણી પણ વધી રહી હતી. એક સાંજે મેં જોયું કે અમુક ભાઈઓ પોતાની ગાડી એ રીતે ગોઠવી રહ્યા હતા, જેથી તંબુની વિરુદ્ધ દિશામાં ગાડીની લાઇટનો પ્રકાશ પડે. બધાએ નક્કી કર્યું કે દરેક ગાડીમાં એક એક વ્યક્તિ આખી રાત ચોકી કરશે. જો તેઓને કોઈ ખતરો દેખાય, તો તેઓએ ગાડીની લાઇટ ચાલુ કરવાની હતી, જેથી હુમલો કરનાર અંજાઈ જાય. તેઓએ ગાડીનું હૉર્ન પણ વગાડવાનું હતું, જેથી બીજાઓ મદદે દોડી આવે. મને થયું કે યહોવાના લોકો બધી રીતે તૈયાર છે. મને પૂરી ખાતરી હતી કે અમે સલામત છીએ. એટલે હું ઘસઘસાટ ઊંઘી ગયો. અમને કોઈ તકલીફ પડી નહિ.

એ મહાસંમેલનની યાદો હજી મારા મનમાં તાજી છે. હું જોઈ શક્યો હતો કે મમ્મીને એ વખતે જરાય ચિંતા કે ડર ન હતો. તેમને યહોવા પર અને તેમના સંગઠન પર પૂરો ભરોસો હતો. હું તેમના સારા દાખલાને ક્યારેય નહિ ભૂલું.

મહાસંમેલનના થોડા સમય પહેલાં જ મમ્મીએ નિયમિત પાયોનિયરીંગ શરૂ કર્યું હતું. એટલે તે પૂરા સમયની સેવા વિશેનાં પ્રવચનોની ખાસ નોંધ લેતાં હતાં. ઘરે આવતી વખતે તેમણે કહ્યું: “હું પાયોનિયરીંગ ચાલુ રાખવા માંગું છું. પણ એની સાથે સાથે ઘરનાં બધાં કામ સારી રીતે નથી કરી શકતી.” તેમણે અમને પૂછ્યું: “શું તમે મને મદદ કરી શકો?” અમે કહ્યું: “હા, ચોક્કસ.” એટલે તેમણે અમને અમુક કામ સોંપ્યાં. અમારે બધાએ નાસ્તો કરતા પહેલાં એક કે બે રૂમની સાફસફાઈ કરવાની હતી. અમે સ્કૂલે જઈએ એ પછી મમ્મી જોતાં કે આખું ઘર વ્યવસ્થિત છે કે નહિ. એ પછી તે પ્રચારમાં જતાં. મમ્મી ખૂબ વ્યસ્ત રહેતાં. તેમ છતાં તે હંમેશાં અમારા માટે સમય કાઢતાં. જ્યારે અમે જમવા કે સ્કૂલ પછી ઘરે પાછા આવતાં, ત્યારે તે હંમેશાં અમારી રાહ જોતાં. અમુક વાર સ્કૂલ પછી અમે તેમની સાથે પ્રચારમાં જતાં. એનાથી અમને સમજાયું કે પાયોનિયર બનવાનો અર્થ શું થાય.

પૂરા સમયની સેવા શરૂ કરી

૧૬ વર્ષની ઉંમરે મેં પાયોનિયરીંગ શરૂ કર્યું. પપ્પા હજી સાક્ષી બન્યા ન હતા, પણ તે જાણવા માંગતા હતા કે મારું પ્રચારકામ કેવું ચાલી રહ્યું છે. એક સાંજે મેં તેમને કહ્યું: “મેં ઘણો પ્રયત્ન કર્યો, પણ મને એકેય વ્યક્તિ ન મળી જે બાઇબલમાંથી શીખવા માંગતી હોય.” મેં થોડો વિચાર કર્યો અને તેમને પૂછ્યું: “શું તમે મારી સાથે બાઇબલમાંથી શીખશો?” તેમણે પણ થોડો વિચાર કર્યો અને કહ્યું: “સારું. એમ પણ મારી પાસે ના પાડવાનું કોઈ કારણ નથી.” તમે બરાબર સમજ્યા, મારા પપ્પા જ મારા સૌથી પહેલા બાઇબલ વિદ્યાર્થી હતા. કેટલો મોટો લહાવો!

અમે “ધ ટ્રુથ શેલ મેક યુ ફ્રી” પુસ્તમાંથી અભ્યાસ કરવા લાગ્યા. અમુક સમય પછી મને ખ્યાલ આવ્યો કે મારા પપ્પા મને સારો વિદ્યાર્થી અને સારો શિક્ષક બનવા મદદ કરી રહ્યા હતા. દાખલા તરીકે, એક સાંજે અભ્યાસ દરમિયાન અમે એક ફકરો વાંચ્યો. એ પછી તેમણે કહ્યું: “અહીં શું લખ્યું છે એ હું સમજી ગયો. પણ તને કઈ રીતે ખબર કે આ પુસ્તક સાચું છે?” મારી પાસે એનો કોઈ જવાબ ન હતો. એટલે મેં કહ્યું: “હમણાં તો મને ખબર નથી. પણ ફરી વાર અભ્યાસ કરીએ ત્યારે હું તમને એનો જવાબ આપીશ.” મેં એવું કર્યું પણ ખરું. મેં અમુક કલમો શોધી કાઢી, જે એ મુદ્દાને ટેકો આપતી હતી. એ પછી હું અભ્યાસ માટે સારી તૈયારી કરવા લાગ્યો. હું સંશોધન કરવાનું પણ શીખ્યો. એનાથી મને બાઇબલનો સારો વિદ્યાર્થી બનવા મદદ મળી. મારા પપ્પાને પણ મદદ મળી. તેમણે શીખેલી વાતો જીવનમાં લાગુ પાડી અને ૧૯૫૨માં બાપ્તિસ્મા લીધું.

બેથેલમાં પણ હું શીખતો રહ્યો

હું ૧૭ વર્ષનો હતો ત્યારે બીજે રહેવા ગયો. આશરે એ જ સમયે જેથાએ a મિશનરી સેવા શરૂ કરી અને ડોન બેથેલમાં ગયો. બંનેને પોતાની સોંપણી ખૂબ ગમતી હતી. તેઓને જોઈને મને ઘણું ઉત્તેજન મળ્યું. એટલે મેં પણ બેથેલ અને ગિલયડ શાળાનું ફૉર્મ ભર્યું અને નિર્ણય યહોવાના હાથમાં છોડી દીધો. પરિણામ શું આવ્યું? ૧૯૪૬માં મને બેથેલનું આમંત્રણ મળ્યું.

૭૫ વર્ષની મારી બેથેલ સેવા દરમિયાન મને અલગ અલગ સોંપણી મળી છે. હું ઘણી નવી નવી બાબતો પણ શીખ્યો. જેમ કે હું પુસ્તકો છાપવાનું અને હિસાબ-કિતાબનું કામ શીખ્યો. એ ઉપરાંત, હું બેથેલ માટે વસ્તુઓ ખરીદવાનું અને જરૂરી વસ્તુઓ બીજે મોકલવાનું શીખ્યો. પણ બેથેલમાં સવારની ભક્તિ અને પ્રવચનો દ્વારા યહોવા વિશે જે શીખવા મળે છે, એ મને બહુ જ ગમે છે.

વડીલો માટેના એક ક્લાસમાં શીખવતી વખતે

હું મારા નાના ભાઈ કાર્લ પાસેથી પણ ઘણું શીખ્યો. તે ૧૯૪૭માં બેથેલમાં આવ્યો હતો. તે બાઇબલનો ઊંડો અભ્યાસ કરતો અને બીજાઓને પણ સારી રીતે શીખવતો. મારે એક પ્રવચન આપવાનું હતું. એ માટે મેં તેની મદદ લીધી. મેં કાર્લને કહ્યું: “મેં ઘણી બધી માહિતી ભેગી કરી છે. પણ હું એ માહિતી કઈ રીતે વાપરું એ સમજાતું નથી.” તેણે મને એક સવાલ પૂછ્યો: “જોયલ, તારા પ્રવચનનો વિષય શું છે?” હું સમજી ગયો કે તે શું કહેવા માંગતો હતો. મારે પ્રવચનના વિષય સાથે જોડાયેલી માહિતી પર જ ધ્યાન આપવાનું હતું. બીજી બધી માહિતીની જરૂર ન હતી. એ વાત મેં હંમેશાં યાદ રાખી છે.

બેથેલમાં ખુશ રહેવું હોય તો પ્રચારકામમાં બનતું બધું કરવું જોઈએ. જો એમ કરીશું, તો સારા અનુભવો થશે. મને એક અનુભવ સરસ રીતે યાદ છે. સાંજનો સમય હતો. હું અને એક ભાઈ ન્યૂ યૉર્ક શહેરના બ્રૉન્ક્સ વિસ્તારમાં એક સ્ત્રીને મળવા ગયા. તેને અમે અગાઉ ચોકીબુરજ અને સજાગ બનો! મૅગેઝિન આપ્યાં હતાં. અમે પોતાની ઓળખ આપી અને કહ્યું: “અમે લોકોને બાઇબલમાંથી ઉત્તેજન આપતી વાતો શીખવા મદદ કરીએ છીએ.” એ સ્ત્રીએ કહ્યું: “જો તમે બાઇબલમાંથી શીખવતા હો, તો ઘરમાં આવો.” અમે ઈશ્વરના રાજ્ય વિશેની અને આવનાર નવી દુનિયા વિશેની ઘણી કલમો વાંચી અને ચર્ચા કરી. એની એ સ્ત્રી પર ઊંડી અસર પડી. પછીના અઠવાડિયે તેણે પોતાના અમુક મિત્રોને બોલાવ્યા હતા, જેથી તેઓ પણ અમારી ચર્ચામાં જોડાય. સમય જતાં, તે અને તેમના પતિ યહોવાના વફાદાર ભક્ત બન્યાં.

મારી પત્ની પાસેથી શીખ્યો

હું દસેક વર્ષથી યોગ્ય જીવનસાથી શોધી રહ્યો હતો. આખરે એ મને મળી ગઈ. યોગ્ય જીવનસાથી મેળવવા મને શાનાથી મદદ મળી? મેં યહોવાને પ્રાર્થના કરી અને આ સવાલ પર વિચાર કર્યો: “લગ્‍ન પછી હું શું કરવા માંગું છું?”

મેરી સાથે સરકીટ કામમાં

૧૯૫૩માં યાંકી સ્ટેડિયમમાં એક મહાસંમેલન યોજાયું હતું. ત્યાં હું મેરી એનીઓલ નામની એક બહેનને મળ્યો. તે અને જેથા ગિલયડ શાળાના બીજા ક્લાસમાં સાથે હતા અને એક જ જગ્યાએ મિશનરી સેવા કરી રહ્યા હતા. મેરીએ કૅરિબિયન ટાપુ પરની તેની મિશનરી સેવા વિશે અને એ વર્ષો દરમિયાન તેણે ચલાવેલા બાઇબલ અભ્યાસ વિશે મને પૂરા ઉત્સાહથી જણાવ્યું. અમે એકબીજાને વધારે ઓળખવા લાગ્યા તેમ અમને ખ્યાલ આવ્યો કે યહોવાની ભક્તિમાં અમારા બંનેના ધ્યેયો સરખા જ છે. અમે એકબીજાના પ્રેમમાં પડ્યાં અને એપ્રિલ ૧૯પપમાં અમે લગ્‍ન કર્યાં. સાચે જ, મારી પત્ની મેરી ઘણી રીતોએ યહોવા તરફથી એક ભેટ હતી. તેણે હંમેશાં મારા માટે સારો દાખલો બેસાડ્યો હતો. તેને જે પણ કામ મળતું, એ તે ખુશી ખુશી કરતી. તે ખૂબ મહેનતુ હતી, દિલથી લોકોની સંભાળ રાખતી હતી અને રાજ્યનાં કામને હંમેશાં પોતાના જીવનમાં પ્રથમ રાખતી હતી. (માથ. ૬:૩૩) અમે ત્રણ વર્ષ સુધી સરકીટ કામ કર્યું. પછી ૧૯૫૮માં અમને બેથેલ બોલાવવામાં આવ્યાં.

હું મેરી પાસેથી ઘણું શીખ્યો. દાખલા તરીકે, લગ્‍નના થોડા જ સમય પછી અમે સાથે બાઇબલ વાંચવાનું નક્કી કર્યું. અમારા બેમાંથી કોઈ એક થોડી કલમો વાંચતું. પછી અમે ચર્ચા કરતા કે એ કલમોમાંથી શું શીખવા મળ્યું અને એને કઈ રીતે લાગુ પાડી શકીએ. ત્યાર બાદ બીજી થોડી કલમો વાંચતાં અને ફરી ચર્ચા કરતા. આમ, અમે દરરોજ આશરે ૧૫ કલમો વાંચતાં. મેરી મને ઘણી વાર કહેતી કે તેને ગિલયડ શાળામાંથી અથવા મિશનરી સેવા દરમિયાન શું શીખવા મળ્યું. એ વાતચીતથી મને વધારે સારી રીતે પ્રવચનો આપવા મદદ મળી. એટલું જ નહિ, બહેનોને કઈ રીતે ઉત્તેજન આપવું એ પણ હું શીખ્યો.—નીતિ. ૨૫:૧૧.

૨૦૧૩માં મેં મારી વહાલી મેરીને મરણમાં ગુમાવી. નવી દુનિયામાં તેને જોવા મારી આંખો તરસી રહી છે. પણ એ સમય આવે ત્યાં સુધી મેં શીખતા રહેવાનું અને પૂરા દિલથી યહોવા પર ભરોસો રાખવાનું નક્કી કર્યું છે. (નીતિ. ૩:૫, ૬) જ્યારે હું વિચારું છું કે નવી દુનિયામાં યહોવાના લોકો કેવાં કેવાં કામ કરશે, ત્યારે મને ઘણો દિલાસો અને ખુશી મળે છે. એ સમયે આપણા મહાન શિક્ષક પાસેથી ઘણું શીખી શકીશું અને તેમના વિશે પણ નવી નવી વાતો શીખી શકીશું. યહોવાએ મને અત્યાર સુધી જે શીખવ્યું છે અને મારા પર જે અપાર કૃપા બતાવી છે, એ માટે તેમનો લાખ લાખ આભાર.

a જેથા સુનાલની જીવન સફર વાંચવા માર્ચ ૧, ૨૦૦૩ ચોકીબુરજ પાન ૨૩-૨૯ જુઓ.