સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

અભ્યાસ લેખ ૪૮

ગીત ૪૮ યહોવાને માર્ગે ચાલીએ

રોટલીના ચમત્કારથી શું શીખી શકીએ?

રોટલીના ચમત્કારથી શું શીખી શકીએ?

“હું જીવનની રોટલી છું. જે કોઈ મારી પાસે આવે છે તેને કદી પણ ભૂખ લાગશે નહિ.”યોહા. ૬:૩૫.

આપણે શું શીખીશું?

આપણે યોહાન અધ્યાય ૬માં જણાવેલા ઈસુના ચમત્કાર વિશે ચર્ચા કરીશું. એમાં જણાવ્યું છે કે તેમણે કઈ રીતે પાંચ રોટલી અને બે માછલી દ્વારા હજારો લોકોને જમાડ્યા હતા. એ પણ જોઈશું કે એ અહેવાલમાંથી આપણે શું શીખી શકીએ.

૧. બાઇબલ સમયના લોકો માટે રોટલીનું મહત્ત્વ કેટલું હતું?

 બાઇબલ સમયમાં મોટા ભાગના લોકોનો મુખ્ય ખોરાક હતો, રોટલી. (ઉત. ૧૪:૧૮; લૂક ૪:૪) તેઓ માટે રોટલી ખાવી એટલું સામાન્ય હતું કે બાઇબલમાં અમુક વાર ખોરાક માટે “રોટલી” શબ્દ વપરાયો છે. (માથ. ૬:૧૧) ઈસુએ પોતાના બે જાણીતા ચમત્કારોમાં પણ રોટલીનો ઉપયોગ કર્યો હતો. (માથ. ૧૬:૯, ૧૦) એમાંના એક ચમત્કાર વિશે યોહાન અધ્યાય ૬માં જોવા મળે છે. ચાલો એ ચમત્કાર પર ધ્યાન આપીએ અને જોઈએ કે એમાંથી આજે શું શીખી શકીએ છીએ.

૨. કયા સંજોગોમાં હજારો લોકો માટે ખોરાકની જરૂર પડી?

પ્રચાર કર્યા પછી ઈસુના પ્રેરિતો ખૂબ થાકી ગયા હતા. તેઓને આરામની જરૂર હતી. એટલે તેઓ ઈસુ સાથે હોડીમાં બેઠા અને ગાલીલ સરોવરને પેલે પાર જવા નીકળી ગયા. (માર્ક ૬:૭, ૩૦-૩૨; લૂક ૯:૧૦) તેઓ બેથસૈદા નામની એકાંત જગ્યાએ આવી પહોંચ્યા. પણ લોકોએ સાંભળ્યું કે ઈસુ ત્યાં છે. તરત જ હજારો લોકો તેમને મળવા આવ્યા. ઈસુએ તેઓની અવગણના ન કરી. તેમણે તેઓને ઈશ્વરના રાજ્ય વિશે પ્રેમથી શીખવ્યું અને બીમાર લોકોને સાજા કર્યા. સાંજ ઢળી ગઈ ત્યારે શિષ્યો વિચારવા લાગ્યા કે આટલા બધા લોકો માટે ખાવાનું ક્યાંથી લાવવું. કદાચ અમુક લોકો પાસે થોડું-ઘણું ખાવાનું હતું. પણ મોટા ભાગના લોકોએ ગામમાં જઈને ખાવાનું ખરીદવાનું હતું. (માથ. ૧૪:૧૫; યોહા. ૬:૪, ૫) હવે ઈસુ શું કરશે?

ઈસુએ ચમત્કાર કરીને રોટલી પૂરી પાડી

૩. ઈસુએ પોતાના પ્રેરિતોને શું કરવાનું કહ્યું? (ચિત્ર પણ જુઓ.)

ઈસુએ પોતાના પ્રેરિતોને કહ્યું: “તેઓએ જવાની જરૂર નથી. તમે તેઓને કંઈક ખાવાનું આપો.” (માથ. ૧૪:૧૬) પણ એક તકલીફ હતી, ત્યાં આશરે ૫,૦૦૦ પુરુષો હતા. સ્ત્રીઓ અને બાળકોને ગણીએ તો આશરે ૧૫,૦૦૦ લોકોને જમાડવાના હતા. (માથ. ૧૪:૨૧) આંદ્રિયાએ કહ્યું: “અહીં એક નાનો છોકરો છે. તેની પાસે જવની પાંચ રોટલી અને બે નાની માછલી છે. પણ એમાંથી આટલા બધાને કઈ રીતે પૂરું થઈ રહે?” (યોહા. ૬:૯) એ જમાનામાં લોકો મોટા ભાગે જવની રોટલી ખાતા હતા અને નાની માછલી કદાચ મીઠું લગાવીને સૂકવેલી હતી. છતાં એ જરાક અમથા ખોરાકથી આટલા બધા લોકોનું પેટ કઈ રીતે ભરાય?

યહોવા વિશે શીખવ્યા પછી ઈસુએ લોકોને ખોરાક આપ્યો (ફકરો ૩ જુઓ)


૪. યોહાન ૬:૧૧-૧૩માંથી આપણને શું શીખવા મળે છે? (ચિત્રો પણ જુઓ.)

ઈસુ લોકોને મહેમાનગતિ બતાવવા માંગતા હતા. એટલે તેમણે તેઓને નાનાં નાનાં ટોળાંમાં લીલા ઘાસ પર આરામથી બેસવા કહ્યું. (માર્ક ૬:૩૯, ૪૦; યોહાન ૬:૧૧-૧૩ વાંચો.) પછી તેમણે રોટલી અને માછલી લઈને ઈશ્વરનો આભાર માન્યો. એમ કરવું યોગ્ય પણ હતું, કેમ કે એ ખોરાક ઈશ્વરે જ પૂરો પાડ્યો હતો. ઈસુનો દાખલો અનુસરીને આપણે પણ જમતા પહેલાં પ્રાર્થના કરવી જોઈએ. ભલેને આપણે એકલા હોઈએ કે પછી બીજાઓ આપણી આસપાસ હોય, પ્રાર્થના કરવાનું કદી ચૂકીએ નહિ. પ્રાર્થના કર્યા બાદ ઈસુએ પોતાના શિષ્યોને ખોરાક વહેંચી દેવા કહ્યું. બધા લોકોએ ધરાઈને ખાધું, એ પછી પણ અમુક ખોરાક વધી પડ્યો. ઈસુ ચાહતા ન હતા કે ખોરાકનો બગાડ થાય, એટલે તેમણે શિષ્યોને વધેલા ટુકડા ભેગા કરવા કહ્યું. એ કિસ્સામાં પણ તેમણે આપણા માટે સારો દાખલો બેસાડ્યો. આપણી પાસે જે વસ્તુઓ હોય એને સમજી-વિચારીને વાપરવી જોઈએ, એનો બગાડ ન કરવો જોઈએ. મમ્મી-પપ્પા, તમારાં બાળકો સાથે આ અહેવાલ ફરીથી વાંચો અને શું શીખવા મળે છે એની ચર્ચા કરો.

પોતાને પૂછો: ‘ઈસુની જેમ શું હું જમતા પહેલાં પ્રાર્થના કરું છું?’ (ફકરો ૪ જુઓ)


૫. ઈસુનાં જોરદાર કામો જોઈને લોકો શું કરવા માંગતા હતા? પણ ઈસુએ શું કર્યું?

ઈસુની શીખવવાની રીત જોઈને અને તેમણે કરેલા ચમત્કારો જોઈને લોકો છક થઈ ગયા. મૂસાએ કહ્યું હતું કે ઈશ્વર એક પ્રબોધક મોકલશે. લોકો એ વાત જાણતા હતા, એટલે તેઓ કદાચ વિચારતા હશે, ‘શું ઈસુ એ પ્રબોધક હોય શકે?’ (પુન. ૧૮:૧૫-૧૮) તેઓએ કદાચ વિચાર્યું હશે કે ઈસુ એક સારા રાજા બની શકે છે અને આખા રાષ્ટ્રને રોટલી પૂરી પાડી શકે છે. એટલે ટોળું ‘તેમને બળજબરીથી રાજા બનાવવા માંગતું હતું.’ (યોહા. ૬:૧૪, ૧૫) પણ જો ઈસુ તેઓના દબાણ સામે નમી ગયા હોત, તો તે યહૂદીઓના રાજકારણમાં ભાગ લઈ રહ્યા હોત, જેઓ પર એ સમયે રોમનો રાજ કરી રહ્યા હતા. પણ તેમણે એવું ન કર્યું. બાઇબલમાં લખ્યું છે કે તે “પહાડ પર એકલા ચાલ્યા ગયા.” બીજાઓનું દબાણ હોવા છતાં, તેમણે રાજકારણમાં ભાગ ન લીધો. આપણા માટે કેટલો જોરદાર બોધપાઠ!

૬. આપણે કઈ રીતે ઈસુનો દાખલો અનુસરી શકીએ? (ચિત્ર પણ જુઓ.)

ખરું કે, લોકો આજે આપણને ચમત્કાર કરીને ખોરાક પૂરો પાડવા અથવા બીમાર લોકોને સાજા કરવા નહિ કહે. તેઓ આપણને રાજા કે નેતા બનવા દબાણ પણ નહિ કરે. પણ કદાચ તેઓ આપણને રાજકારણમાં ભાગ લેવા દબાણ કરે. જેમ કે, વોટ આપવા અથવા કોઈને સાથ આપવાનું કહે, જે તેઓના મતે સારો નેતા બની શકે છે. એવું થાય ત્યારે આપણે ઈસુનો દાખલો યાદ રાખવો જોઈએ. તેમણે રાજકારણમાં ભાગ ન લીધો. અરે, એક વખતે તેમણે કહ્યું: “મારું રાજ્ય આ દુનિયાનું નથી.” (યોહા. ૧૭:૧૪; ૧૮:૩૬) આજે સાચા ઈશ્વરભક્તો પણ ઈસુ જેવું વિચારે છે અને તેમનો દાખલો અનુસરે છે. તેમની જેમ આપણે ઈશ્વરના રાજ્યને ટેકો આપીએ છીએ, એ વિશે બીજાઓને જણાવીએ છીએ અને એ માટે પ્રાર્થના પણ કરીએ છીએ. (માથ. ૬:૧૦) હવે ચાલો રોટલીના ચમત્કાર પર ફરીથી વિચાર કરીએ અને જોઈએ કે એમાંથી બીજું શું શીખી શકીએ.

ઈસુએ રાજકારણમાં કોઈ ભાગ લીધો ન હતો અને આપણે પણ તેમનો દાખલો અનુસરવો જોઈએ (ફકરો ૬ જુઓ)


“રોટલીના ચમત્કારનો અર્થ”

૭. ઈસુએ શું કર્યું? એ જોઈને પ્રેરિતોએ શું કર્યું? (યોહાન ૬:૧૬-૨૦)

ટોળાને જમવાનું પૂરું પાડ્યા પછી ઈસુએ પ્રેરિતોને કાપરનાહુમ જવા કહ્યું. તેઓ હોડીમાં બેસીને ત્યાં જવા નીકળી ગયા. ઈસુ પોતે પણ પહાડ પર જતા રહ્યા હતા, જેથી લોકો તેમને રાજા ન બનાવે. (યોહાન ૬:૧૬-૨૦ વાંચો.) જ્યારે પ્રેરિતો હોડીમાં હતા, ત્યારે મોટું વાવાઝોડું આવ્યું. સખત પવન ફૂંકાતો હતો અને મોજાં ઊછળતાં હતાં. પછી ઈસુ પાણી પર ચાલીને તેઓ પાસે આવ્યા. તેમણે પ્રેરિત પિતરને પણ પાણી પર ચાલવા કહ્યું. (માથ. ૧૪:૨૨-૩૧) ઈસુ હોડીમાં આવ્યા કે તરત વાવાઝોડું થંભી ગયું. એ જોઈને પ્રેરિતોની આંખો ચાર થઈ ગઈ. તેઓ પોકારી ઊઠ્યા: “તમે સાચે જ ઈશ્વરના દીકરા છો!” a (માથ. ૧૪:૩૩) ધ્યાન આપો કે તેઓએ આ શબ્દો રોટલીના ચમત્કાર પછી કહ્યા ન હતા. પણ ઈસુ પાણી પર ચાલ્યા એ પછી કહ્યા હતા. માર્કે આ જ અહેવાલ વિશે વધુમાં લખ્યું: “[પ્રેરિતો] દંગ થઈ ગયા. તેઓ રોટલીના ચમત્કારનો અર્થ હજી સમજ્યા ન હતા. તેઓને એ સમજવું અઘરું લાગતું હતું.” (માર્ક ૬:૫૦-૫૨) રોટલીનો ચમત્કાર જોઈને પ્રેરિતોએ સમજી જવું જોઈતું હતું કે યહોવાએ ઈસુને ચમત્કાર કરવાની કેટલી બધી શક્તિ આપી છે. પણ એ વાત હજી તેઓના ગળે ઊતરી ન હતી. થોડા સમય પછી ઈસુએ ફરીથી રોટલીના ચમત્કારનો ઉલ્લેખ કર્યો અને એક સરસ વાત શીખવી.

૮-૯. ટોળાના લોકો શા માટે ઈસુને શોધી રહ્યા હતા? (યોહાન ૬:૨૬, ૨૭)

બીજા દિવસે ટોળાના લોકો ફરીથી એ જગ્યાએ આવી પહોંચ્યા, જ્યાં ઈસુએ તેઓને જમાડ્યા હતા. પણ તેઓએ જોયું કે ઈસુ અને પ્રેરિતો ત્યાં ન હતા. એટલે તેઓ ઈસુને શોધવા હોડીમાં બેસીને કાપરનાહુમ ગયા. (યોહા. ૬:૨૨-૨૪) શું તેઓ ઈશ્વરના રાજ્ય વિશે શીખવા માંગતા હતા, એટલે ઈસુને શોધી રહ્યા હતા? ના. તેઓ ચાહતા હતા કે ઈસુ તેઓને વધારે ખોરાક આપે. એવું શાના આધારે કહી શકીએ?

ધ્યાન આપો કે જ્યારે ટોળાના લોકોએ ઈસુને કાપરનાહુમ નજીક જોયા, ત્યારે શું થયું. ઈસુએ તેઓને કહ્યું કે તેઓને વધારે ખોરાક જોઈતો હતો, એટલે તેમને શોધતા આવ્યા હતા. તેઓ એવી ‘રોટલી ખાઈને ધરાયા હતા, જે નાશ પામે છે.’ એટલે ઈસુએ તેઓને અરજ કરી કે ‘એવો ખોરાક મેળવવા મહેનત કરે, જે હંમેશ માટેનું જીવન આપે છે.’ (યોહાન ૬:૨૬, ૨૭ વાંચો.) એ વિશે સાંભળીને કદાચ લોકોની નવાઈનો પાર નહિ રહ્યો હોય! પણ એ ખોરાક કયો હતો અને એ મેળવવા લોકોએ શું કરવાની જરૂર હતી?

૧૦. હંમેશ માટેનું જીવન મેળવવા લોકોએ શું કરવાનું હતું?

૧૦ યહૂદીઓ જાણવા માંગતા હતા કે એ ખોરાક મેળવવા તેઓએ શું કરવાનું હતું. કદાચ તેઓને થયું હશે કે તેઓએ મૂસાના નિયમશાસ્ત્રમાં જણાવેલાં “કામો” કરવાનાં હતાં. પણ ઈસુએ કહ્યું: “ઈશ્વરની મંજૂરી મેળવવા તમે તેના પર શ્રદ્ધા મૂકો, જેને તેમણે મોકલ્યો છે.” (યોહા. ૬:૨૮, ૨૯) હા, ‘હંમેશ માટેનું જીવન મેળવવા’ તેઓએ ઈસુમાં શ્રદ્ધા મૂકવાની જરૂર હતી. ઈસુએ એ વિશે અગાઉ જણાવ્યું હતું. (યોહા. ૩:૧૬-૧૮, ૩૬) સમય જતાં, તે વધારે જણાવવાના હતા કે હંમેશ માટેનું જીવન મેળવવા શું કરવું જોઈએ.—યોહા. ૧૭:૩.

૧૧. યહૂદીઓએ કઈ રીતે બતાવ્યું કે તેઓ ફક્ત ખોરાક મેળવવા માંગતા હતા? (ગીતશાસ્ત્ર ૭૮:૨૪, ૨૫)

૧૧ યહૂદીઓ એ માનવા તૈયાર જ ન હતા કે તેઓએ ઈસુમાં શ્રદ્ધા મૂકવાની જરૂર હતી. એટલે તેઓએ કહ્યું: “તમે કયો ચમત્કાર બતાવશો, જેથી અમે એ જોઈને તમારા પર શ્રદ્ધા મૂકીએ?” (યોહા. ૬:૩૦) તેઓએ જણાવ્યું કે મૂસાના જમાનામાં લોકોને સ્વર્ગમાંથી માન્‍ના મળતું હતું, જે તેઓનો રોજનો ખોરાક હતો. (નહે. ૯:૧૫; ગીતશાસ્ત્ર ૭૮:૨૪, ૨૫ વાંચો.) તેઓની વાતોથી એક વાત સાફ હતી, તેઓનું પૂરું ધ્યાન ખોરાક મેળવવામાં હતું. પછી ઈસુએ તેઓને ‘સ્વર્ગમાંથી મળતી સાચી રોટલી’ વિશે જણાવ્યું, જે તેઓને હંમેશ માટેનું જીવન આપી શકતી હતી. એ માન્‍ના કરતાં વધારે ચઢિયાતી હતી. (યોહા. ૬:૩૨) પણ તેઓએ ઈસુ પાસેથી એ જાણવાની કોશિશ ન કરી કે એ રોટલીનો અર્થ શું થાય. તેઓનું પૂરું ધ્યાન પેટની ભૂખ સંતોષવા પર હતું. તેઓએ એના પર ધ્યાન ન આપ્યું કે હંમેશ માટેના જીવન વિશે ઈસુ તેઓને શું શીખવી રહ્યા હતા. આપણે આ અહેવાલમાંથી શું શીખી શકીએ?

આપણા માટે સૌથી મહત્ત્વનું શું હોવું જોઈએ?

૧૨. આપણા માટે સૌથી મહત્ત્વનું શું હોવું જોઈએ? ઈસુએ એ વાત કઈ રીતે શીખવી?

૧૨ યોહાન અધ્યાય ૬માંથી આપણને એક મહત્ત્વની વાત શીખવા મળે છે. ઈશ્વરની વાત માનવી અને તેમની સાથે સારો સંબંધ હોવો, આપણા માટે સૌથી મહત્ત્વનું હોવું જોઈએ. જ્યારે શેતાને ઈસુને લાલચ આપી, ત્યારે પણ ઈસુએ એ વાત શીખવી હતી. તેમણે કહ્યું હતું: “માણસ ફક્ત રોટલીથી નહિ, પણ યહોવાના મુખમાંથી નીકળતા દરેક શબ્દથી જીવે છે.” (માથ. ૪:૩, ૪) તેમણે પહાડ પરના ઉપદેશમાં એ વાત પર ભાર મૂક્યો હતો કે આપણામાં ઈશ્વરના માર્ગદર્શનની ભૂખ હોવી જોઈએ. (માથ. ૫:૩) એટલે પોતાને પૂછવું જોઈએ: ‘શું મારા જીવનથી દેખાઈ આવે છે કે મારા માટે જરૂરિયાતો પૂરી કરવી નહિ, પણ યહોવા સાથે મજબૂત સંબંધ હોવો વધારે મહત્ત્વનું છે?’

૧૩. (ક) ખાવા-પીવાની વસ્તુઓનો આનંદ માણવો કેમ ખોટું નથી? (ખ) પાઉલે કઈ ચેતવણી આપી? (૧ કોરીંથીઓ ૧૦:૬, ૭, ૧૧)

૧૩ ખાવા-પીવાની વસ્તુઓ માટે પ્રાર્થના કરવી અને એની મજા માણવી ખોટું નથી. (લૂક ૧૧:૩) બાઇબલમાં લખ્યું છે કે “ખાવું-પીવું અને પોતાની મહેનતનો આનંદ માણવો” એ માણસ માટે સારું છે અને “એ બધું સાચા ઈશ્વર તરફથી જ છે.” (સભા. ૨:૨૪; ૮:૧૫; યાકૂ. ૧:૧૭) છતાં, આપણે ધ્યાન રાખવું જોઈએ કે એ બધી બાબતો આપણા માટે સૌથી મહત્ત્વની ન બની જાય. પ્રેરિત પાઉલે ખ્રિસ્તીઓને જે લખ્યું, એમાંથી આપણને એ જ શીખવા મળે છે. તેમણે તેઓને વેરાન પ્રદેશમાં ઇઝરાયેલીઓએ કરેલાં કામો યાદ અપાવ્યાં. ખાસ કરીને, તેઓએ સિનાઈ પર્વત નજીક જે કર્યું હતું એ યાદ અપાવ્યું. પછી પાઉલે એ ખ્રિસ્તીઓને એક ચેતવણી પણ આપી કે ‘ઇઝરાયેલીઓની જેમ તેઓ ખરાબ કામોની ઇચ્છા ન રાખે.’ (૧ કોરીંથીઓ ૧૦:૬, ૭, ૧૧ વાંચો.) યહોવાએ ચમત્કાર કરીને ઇઝરાયેલીઓ માટે ખોરાકની ગોઠવણ કરી હતી. પણ લાલચ કરવાને લીધે એ જ ખોરાક તેઓ માટે ફાંદો બની ગયો હતો. (ગણ. ૧૧:૪-૬, ૩૧-૩૪) તેઓએ સોનાના વાછરડાની ભક્તિ કરી ત્યારે, તેઓ ખાવા-પીવામાં અને મોજમજા કરવામાં ડૂબી ગયા હતા. (નિર્ગ. ૩૨:૪-૬) એ બધા દાખલાથી પાઉલ એ ઈશ્વરભક્તોને ચેતવણી આપી રહ્યા હતા, જેઓ ૭૦ની સાલમાં યરૂશાલેમ અને એના મંદિરનો નાશ જોવાના હતા. આજે આપણે પણ દુનિયાના અંતના આરે આવી પહોંચ્યા છીએ, એટલે ખૂબ જરૂરી છે કે પાઉલની ચેતવણી પર ધ્યાન આપીએ.

૧૪. નવી દુનિયામાં જે ખોરાક હશે, એ વિશે બાઇબલમાં શું લખ્યું છે?

૧૪ ઈસુએ આપણને આ પ્રાર્થના કરતા શીખવ્યું હતું: “આજ માટે જરૂરી રોટલી અમને આપો.” એ જ વખતે તેમણે આ બાબત પણ શીખવી હતી: ‘જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર ઈશ્વરની ઇચ્છા પૂરી થાય.’ (માથ. ૬:૯-૧૧) જ્યારે પૃથ્વી પર ઈશ્વરની ઇચ્છા પૂરી થશે એ સમયની કલ્પના કરો છો, ત્યારે તમારા મનમાં શું આવે છે? બાઇબલમાંથી ખબર પડે છે કે એ વખતે ચારે બાજુ ભરપૂર ખોરાક હશે. યશાયા ૨૫:૬-૮માં જણાવ્યું છે કે ઈશ્વરના રાજ્યમાં બધા લોકો જાતજાતનાં પકવાનોની મિજબાની કરશે. ગીતશાસ્ત્ર ૭૨:૧૬માં ભાખવામાં આવ્યું છે: “પુષ્કળ પાકથી ધરતી લહેરાઈ ઊઠશે, મબલક પાકથી પર્વતોનાં શિખરો ઊભરાઈ જશે.” શું તમે એ પાકમાંથી તમારી મનગમતી વાનગી બનાવવા આતુર છો? શું એમાંથી એવી કોઈ નવી વાનગી બનાવવા માંગો છો, જે તમે આજ સુધી ચાખી ન હોય? એટલું જ નહિ, તમે પોતે દ્રાક્ષાવાડીઓ રોપશો અને એના ફળનો આનંદ માણશો. (યશા. ૬૫:૨૧, ૨૨) ફક્ત તમે જ નહિ, પૃથ્વી પરની એકેએક વ્યક્તિ એ બધી અદ્‍ભુત બાબતોની મજા માણશે.

૧૫. મરણમાંથી જીવતા થયેલા લોકોને શું શીખવવામાં આવશે? (યોહાન ૬:૩૫)

૧૫ યોહાન ૬:૩૫ વાંચો. હવે ફરીથી એ લોકોનો વિચાર કરો, જેઓને ઈસુએ રોટલી અને માછલી ખવડાવી હતી. એ સમયે ઘણા લોકોએ ઈસુમાં શ્રદ્ધા મૂકી ન હતી. પણ બની શકે છે કે નવી દુનિયામાં તેઓને મરણમાંથી જીવતા કરવામાં આવે અને તમે એમાંના અમુક લોકોને મળો. (યોહા. ૫:૨૮, ૨૯) તેઓએ ઈસુના આ શબ્દોનો અર્થ સમજવો પડશે: “હું જીવનની રોટલી છું. જે કોઈ મારી પાસે આવે છે તેને કદી પણ ભૂખ લાગશે નહિ.” તેઓએ શ્રદ્ધા મૂકવી પડશે કે ઈસુએ તેઓ માટે પોતાના જીવનનું બલિદાન આપ્યું હતું. નવી દુનિયામાં મરણમાંથી જીવતા થયેલા લોકોને અને નવાં જન્મેલાં બાળકોને ઈશ્વર વિશે અને તેમના હેતુ વિશે શીખવવામાં આવશે. એ ખુશી તો સ્વાદિષ્ટ ખોરાકથી પણ વધારે હશે.

૧૬. આવતા લેખમાં આપણે શાની ચર્ચા કરીશું?

૧૬ આ લેખમાં આપણે યોહાન અધ્યાય ૬ની અમુક વાતો પર ચર્ચા કરી. પણ ઈસુએ ‘હંમેશ માટેના જીવન’ વિશે બીજું ઘણું શીખવ્યું હતું. એ જમાનાના યહૂદીઓએ એના પર ધ્યાન આપવાનું હતું અને આજે આપણે પણ ધ્યાન આપવાની જરૂર છે. આવતા લેખમાં આપણે યોહાન અધ્યાય ૬ની બીજી અમુક વાતો પર ચર્ચા કરીશું.

ગીત ૧૪૮ તમારો વહાલો દીકરો આપ્યો