સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

વાચકો તરફથી પ્રશ્નો

વાચકો તરફથી પ્રશ્નો

પહેલો તિમોથી ૫:૨૧ પ્રમાણે ‘પસંદ કરેલા દૂતો’ કોણ છે?

પ્રેરિત પાઉલે સાથી વડીલ તિમોથીને લખ્યું: “ઈશ્વર અને ખ્રિસ્ત ઈસુ અને પસંદ કરેલા દૂતોની આગળ હું પૂરા અધિકારથી તને હુકમ આપું છું કે, કોઈ પૂર્વગ્રહ વગર કે કોઈ ભેદભાવ વગર આ આજ્ઞાઓ પાળજે.”—૧ તિમો. ૫:૨૧.

સૌથી પહેલા આપણે જોઈશું કે ‘પસંદ કરેલા દૂતોમાં’ કયા દૂતોનો સમાવેશ નથી થતો. સાફ છે કે ૧,૪૪,૦૦૦ અભિષિક્તો એ દૂતો નથી. પાઉલે તિમોથીને ઉપરના શબ્દો લખ્યા, ત્યાં સુધીમાં કોઈ પણ અભિષિક્ત ખ્રિસ્તી મરણમાંથી જીવતા થયા ન હતા અને સ્વર્ગમાં ગયા ન હતા. પ્રેરિતો અને બીજા અભિષિક્તોને હજી સુધી સ્વર્ગમાંનું શરીર મળ્યું ન હતું, તેથી તેઓ ‘પસંદ કરેલા દૂતો’ ન હોય શકે.—૧ કોરીં. ૧૫:૫૦-૫૪; ૧ થેસ્સા. ૪:૧૩-૧૭; ૧ યોહા. ૩:૨.

જે દૂતોએ પૂર વખતે યહોવાની આજ્ઞા પાળી ન હતી, તેઓ પણ ‘પસંદ કરેલા દૂતો’ ન હોય શકે. એ દૂતોએ તો શેતાનને સાથ આપ્યો અને દુષ્ટ દૂતો બન્યા. તેઓ ઈસુના પણ દુશ્મનો બન્યા. (ઉત. ૬:૨; લૂક ૮:૩૦, ૩૧; ૨ પિત. ૨:૪) ભાવિમાં, તેઓને ૧,૦૦૦ વર્ષ માટે અનંત ઊંડાણમાં કેદ કરવામાં આવશે. પછીથી તેઓનો શેતાન સાથે નાશ કરવામાં આવશે.—યહૂ. ૬; પ્રકટી. ૨૦:૧-૩, ૧૦.

‘પસંદ કરેલા દૂતો’ એવા સ્વર્ગદૂતો હોવા જોઈએ, જેઓ ‘ઈશ્વર અને ખ્રિસ્ત ઈસુને’ વફાદાર રહે છે.

સ્વર્ગમાં હજારો ને હજારો વિશ્વાસુ દૂતો છે. (હિબ્રૂ. ૧૨:૨૨, ૨૩) એવું લાગે છે કે યહોવા બધા જ દૂતોને એક જ સમયે એક જેવું કામ આપતા નથી. (પ્રકટી. ૧૪:૧૭, ૧૮) યાદ કરો કે ૧,૮૫,૦૦૦ આશ્શૂરી સૈનિકોનો નાશ કરવાનું કામ યહોવાએ એક જ દૂતને સોંપ્યું હતું. (૨ રાજા. ૧૯:૩૫) અમુક દૂતોને આવું કામ સોંપવામાં આવ્યું હોય શકે: “તેઓ [ઈસુના] રાજ્યમાંથી એવા સર્વ લોકોને ભેગા કરશે, જેઓ પાપ કરે છે અને જેઓ બીજાઓ પાસે પાપ કરાવે છે.” (માથ. ૧૩:૩૯-૪૧) બીજા દૂતો “ઈશ્વરના પસંદ કરાયેલાને ભેગા કરશે.” (માથ. ૨૪:૩૧) કેટલાક દૂતોને ‘આપણા સર્વ માર્ગોમાં આપણું રક્ષણ કરવાનું’ કામ સોંપવામાં આવ્યું છે.—ગીત. ૯૧:૧૧; માથ. ૧૮:૧૦; માથ્થી ૪:૧૧ સરખાવો; લૂક ૨૨:૪૩.

પહેલો તિમોથી ૫:૨૧માં જણાવેલા ‘પસંદ કરેલા દૂતોને’ કદાચ મંડળની સંભાળ રાખવાની જવાબદારી સોંપી હશે. એ કલમની આગળ-પાછળની કલમોથી જોવા મળે છે કે પાઉલ વડીલોને પોતાની જવાબદારી સારી રીતે નિભાવવાની સલાહ આપી રહ્યા હતા. આમ, તેઓ મંડળનાં ભાઈ-બહેનોનું માન મેળવી શકશે. પાઉલે કહ્યું કે વડીલોએ “કોઈ પૂર્વગ્રહ” કે “ભેદભાવ” ન રાખવો જોઈએ. તેમ જ, તેઓએ સમજી-વિચારીને નિર્ણયો લેવા જોઈએ. પછી પાઉલે એ સલાહ પાળવાનું મહત્ત્વનું કારણ જણાવ્યું. તેમણે કહ્યું કે વડીલો “ઈશ્વર અને ખ્રિસ્ત ઈસુ અને પસંદ કરેલા દૂતોની” આગળ ભાઈઓની સેવા કરે છે. એનો અર્થ થાય કે યહોવા, ઈસુ અને ‘પસંદ કરેલા દૂતો’ જોઈ રહ્યા છે કે વડીલો કઈ રીતે ભાઈ-બહેનોની સંભાળ રાખે છે. એનાથી સાફ જોવા મળે છે કે અમુક દૂતોને મંડળને મદદ કરવાની સોંપણી મળી છે. એમાં આ કામોનો પણ સમાવેશ થાય છે: ઈશ્વરના સેવકોનું રક્ષણ કરવું, તેઓને પ્રચારકામમાં મદદ કરવી અને તેઓને જે જોવા મળ્યું એ વિશે યહોવાને જણાવવું.—માથ. ૧૮:૧૦; પ્રકટી. ૧૪:૬.