શું તમને યાદ છે?
આ વર્ષના ચોકીબુરજ અંકો તમે ધ્યાનથી વાંચ્યા હશે. શું તમને એમાંના આ મુદ્દા યાદ છે?
સ્ત્રીઓ સાથેના વર્તનમાં યહોવાએ કેવો દાખલો બેસાડ્યો છે?
યહોવા તેઓ સાથે ભેદભાવ કરતા નથી, તે પુરુષોને સ્ત્રીઓ કરતાં વધારે માન આપતા નથી. તે સ્ત્રીઓનું સાંભળે છે. તે સ્ત્રીઓની ચિંતાઓ અને લાગણીઓ પર ધ્યાન આપે છે. યહોવાને ભરોસો છે કે તેઓ તેમનું કામ કરશે.—w૨૪.૦૧, પાન ૧૫-૧૬.
આપણે કઈ રીતે એફેસીઓ ૫:૭ની સલાહ લાગુ પાડી શકીએ, જ્યાં લખ્યું છે: “તેઓ સાથે ભાગીદાર ન થાઓ”?
પાઉલ ચેતવી રહ્યા હતા કે આપણે એવા લોકો સાથે દોસ્તી ન કરીએ, જેઓના લીધે યહોવાની આજ્ઞાઓ પાળવી અઘરું બની જાય. એમાં ફક્ત એવા લોકો વિશે વાત નથી કરી, જેઓ સાથે આપણે ઊઠીએ-બેસીએ છીએ. એમાં એવા લોકોનો પણ સમાવેશ થાય છે, જેઓ સાથે આપણે સોશિયલ મીડિયા પર વાત કરીએ છીએ.—w૨૪.૦૩, પાન ૨૨-૨૩.
આપણે કઈ જૂઠી વાતોથી દૂર રહેવું જોઈએ?
બની શકે કે આપણો દોસ્ત કોઈ વાત જણાવે અને તેને પોતે ખબર ન હોય કે એ વાત સાચી છે કે ખોટી. કદાચ અજાણી વ્યક્તિ તરફથી કોઈ ઈ-મેઈલમાં ખોટી માહિતી મળે. અથવા સત્યમાં ભેળસેળ કરતી વ્યક્તિ દેખાડો કરે કે તેને સંદેશામાં રસ છે. આપણે તેઓની વાતો સાંભળવી ન જોઈએ.—w૨૪.૦૪, પાન ૧૨.
યહોવા સુલેમાન રાજાનો, સદોમ અને ગમોરાહના લોકોનો તેમજ પૂરમાં નાશ થયેલા લોકોનો જે રીતે ન્યાય કરશે, એ વિશે આપણે શું જાણીએ છીએ અને શું નથી જાણતા?
આપણે નથી જાણતા કે યહોવાએ તેઓને કાયમના વિનાશની સજા કરી છે કે નહિ. પણ આપણે જાણીએ છીએ કે તે બધી હકીકત જાણે છે અને દયાના સાગર છે.—w૨૪.૦૫, પાન ૩-૪.
યહોવા “ખડક” છે, એનાથી કઈ ખાતરી મળે છે? (પુન. ૩૨:૪)
આપણે યહોવામાં આશરો લઈ શકીએ છીએ. તે ભરોસાને લાયક છે, તે હંમેશા પોતાનું વચન પાળે છે. તે અડગ છે. તેમનો સ્વભાવ અને હેતુ કદી બદલાતા નથી.—w૨૪.૦૬, પાન ૨૬-૨૮.
નવા મંડળમાં ભળી જવા તમને શાનાથી મદદ મળી શકે?
યહોવા પર આધાર રાખો. જેમ તેમણે બાઇબલ સમયના ઈશ્વરભક્તોને મદદ કરી હતી, તેમ તે તમને મદદ કરશે. પોતાના જૂના મંડળ સાથે સરખામણી ન કરો. નવા મંડળમાં વ્યસ્ત રહો અને નવા દોસ્તો બનાવવા મહેનત કરો.—w૨૪.૦૭, પાન ૨૬-૨૮.
માથ્થી અધ્યાય ૨૫માં જણાવેલાં ત્રણ ઉદાહરણોમાંથી આપણને શું શીખવા મળે છે?
ઘેટાં અને બકરાંના ઉદાહરણમાંથી શીખવા મળે છે કે આપણે વફાદાર રહેવું જોઈએ. સમજદાર અને મૂર્ખ કન્યાઓના ઉદાહરણમાંથી શીખવા મળે છે કે આપણે તૈયાર અને સજાગ રહેવું જોઈએ. તાલંતના ઉદાહરણમાંથી જોવા મળે છે કે આપણે મહેનતુ બનવું જોઈએ અને ઉત્સાહથી સેવા કરવી જોઈએ.—w૨૪.૦૯, પાન ૨૦-૨૪.
સુલેમાને બાંધેલા મંદિરની પરસાળ કેટલી ઊંચી હતી?
બાઇબલની અમુક હસ્તપ્રતોમાં ૨ કાળવૃત્તાંત ૩:૪માં લખ્યું છે કે પરસાળની ઊંચાઈ “૧૨૦ હાથ” હતી. એનો અર્થ થાય કે એ ૫૩ મીટર (૧૭૫ ફૂટ) ઊંચી હતી. પણ બીજાં અમુક ભરોસાપાત્ર લખાણોમાં એની ઊંચાઈ “૨૦ હાથ” છે. એનો અર્થ થાય કે એ આશરે ૯ મીટર (૩૦ ફૂટ) ઊંચી હતી. મંદિરની દીવાલોની પહોળાઈને ધ્યાનમાં લઈએ તો “૨૦ હાથ” ઊંચાઈ યોગ્ય લાગે છે.—w૨૪.૧૦, પાન ૩૧.
સહાયક સેવકને “એક જ પત્ની હોવી જોઈએ,” એનો શું અર્થ થાય? (૧ તિમો. ૩:૧૨)
એનો અર્થ થાય કે તેમણે એક જ સ્ત્રી સાથે લગ્ન કર્યું હોવું જોઈએ અને ક્યારેય વ્યભિચાર ન કરવો જોઈએ. એ ઉપરાંત, તેમણે બીજી સ્ત્રીમાં ખોટી રીતે રસ ન બતાવવો જોઈએ.—w૨૪.૧૧, પાન ૧૯.
યોહાન ૬:૫૩માં ઈસુ એ સમજાવી રહ્યા ન હતા કે ઈસુનું સાંજનું ભોજન કઈ રીતે ઊજવવું. એવું કેમ કહી શકીએ?
યોહાન ૬:૫૩માં ઈસુએ જણાવ્યું કે લોકોએ તેમનું માંસ ખાવાની અને લોહી પીવાની જરૂર હતી. એ શબ્દો તેમણે ૩૨ની સાલમાં યહૂદીઓના એક ટોળાને ગાલીલમાં કહ્યા હતા. એ યહૂદીઓએ ઈસુમાં શ્રદ્ધા મૂકવાની જરૂર હતી. પણ એના આશરે એક વર્ષ પછી તેમણે યરૂશાલેમમાં ઈસુના સાંજના ભોજનની શરૂઆત કરી. એ વખતે તેમણે એ લોકો સાથે વાત કરી હતી, જેઓ તેમની સાથે સ્વર્ગમાં રાજ કરવાના હતા.—w૨૪.૧૨, પાન ૧૦-૧૧.