સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

શું તમે જાણો છો?

શું તમે જાણો છો?

ફિલિપ જ્યારે ઇથિયોપિયાના અધિકારીને મળ્યો, ત્યારે એ અધિકારી કેવા પ્રકારના વાહનમાં સવારી કરી રહ્યો હતો?

નવી દુનિયા ભાષાંતર બાઇબલમાં જે શબ્દનું ભાષાંતર “રથ” કરવામાં આવ્યું છે, એ ભાતભાતનાં વાહનોને રજૂ કરી શકે. (પ્રે.કા. ૮:૨૮, ૨૯, ૩૮) પણ એવું લાગે છે કે ઇથિયોપિયાનો અધિકારી એક મોટા રથમાં સવારી કરી રહ્યો હતો. એ યુદ્ધ કે હરીફાઈમાં વપરાતો નાનો રથ ન હતો. એવું કેમ કહી શકીએ? ચાલો અમુક કારણો જોઈએ.

તે ઇથિયોપિયાનો મોટો અધિકારી હતો અને લાંબી મુસાફરી કરીને આવ્યો હતો. “તે ઇથિયોપિયાની રાણી કંદાકેના હાથ નીચે કામ કરતો હતો અને રાણીના બધા ભંડારોનો કારભારી હતો.” (પ્રે.કા. ૮:૨૭) જૂના જમાનાના ઇથિયોપિયામાં આજના સમયના સુદાનનો અને આજના સમયના ઇજિપ્તના દક્ષિણ ભાગનો સમાવેશ થતો હતો. કદાચ એ અધિકારીએ એક જ રથમાં બેસીને આખી મુસાફરી નહિ કરી હોય. પણ એક વાત ચોક્કસ છે કે આટલી લાંબી મુસાફરી માટે તે ઘણો સામાન લઈને નીકળ્યો હશે. પહેલી સદીમાં એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા ચાર પૈડાંવાળાં જે વાહનો વપરાતાં, એ ઉપરથી ઢંકાયેલાં રહેતાં. એક્ટ્‌સ—એન એક્સેજેટિકલ કૉમેન્ટરી નામના પુસ્તકમાં લખ્યું છે: “એવાં વાહનોમાં વધારે સામાન આવી જતો. એમાં આરામદાયક મુસાફરી કરી શકાતી. કદાચ એ જ કારણે લોકો લાંબી મુસાફરી કરતી વખતે એવાં વાહનો વાપરતાં.”

ફિલિપ જ્યારે ઇથિયોપિયાના અધિકારી પાસે પહોંચ્યો, ત્યારે અધિકારી વાંચી રહ્યો હતો. બાઇબલમાં લખ્યું છે: “ફિલિપ રથની સાથે દોડ્યો. તેણે જોયું કે પેલો અધિકારી યશાયા પ્રબોધકનું લખાણ મોટેથી વાંચી રહ્યો છે.” (પ્રે.કા. ૮:૩૦) મુસાફરી માટે બનાવેલાં વાહનો કે રથ ઝડપથી ચાલતાં ન હતાં. એ ધીરે ધીરે ચાલતાં હતાં. એ કારણે અધિકારી રથમાં બેઠા બેઠા વાંચી શકતો હશે અને ફિલિપ પણ દોડીને રથ પાસે પહોંચી શક્યો હશે.

ઇથિયોપિયાના અધિકારીએ “ફિલિપને પોતાની સાથે રથમાં બેસવા વિનંતી કરી.” (પ્રે.કા. ૮:૩૧) સામાન્ય રીતે, હરીફાઈ માટે વપરાતાં રથોમાં રથ હાંકનાર ઊભો રહેતો હતો. પણ મુસાફરી માટે વપરાતાં રથમાં એટલી જગ્યા હશે કે અધિકારી અને ફિલિપ બંને આરામથી બેસી શક્યા હશે.

પ્રેરિતોનાં કાર્યો અધ્યાય ૮ના અહેવાલ અને જૂના જમાના વિશેની જે માહિતી પ્રાપ્ય છે, એના આધારે આપણે તાજેતરમાં અમુક સુધારા કર્યા છે. હવે આપણા સાહિત્યમાં ઇથિયોપિયાના અધિકારીનું ચિત્ર આવે ત્યારે, તેને યુદ્ધ કે હરીફાઈ માટે વપરાતા નાના રથમાં નહિ, પણ એક મોટા રથમાં સવારી કરતો બતાવવામાં આવે છે.