સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

અભ્યાસ લેખ ૩

ગીત ૧૮ યહોવાનો અમૃત પ્રેમ

મુશ્કેલીઓનો પવન ફૂંકાય ત્યારે યહોવા તમારો હાથ પકડી રાખશે

મુશ્કેલીઓનો પવન ફૂંકાય ત્યારે યહોવા તમારો હાથ પકડી રાખશે

“[યહોવા] તમને સ્થિર કરશે.”૧ પિત. ૫:૧૦.

આપણે શું શીખીશું?

કપરા સંજોગોમાં યહોવાની મદદ મેળવવા આપણે શું કરવું જોઈએ?

૧-૨. યહોવાના સેવકો પર કેવી મુશ્કેલીઓ આવી શકે?

 મુશ્કેલીઓનો પવન ફૂંકાય ત્યારે રાતોરાત આખું જીવન બદલાઈ જાય છે. દાખલા તરીકે, લુઈસભાઈને a જાણ થઈ કે તેમને કેન્સરની બીમારી છે. ડૉક્ટરે તેમને જણાવ્યું હતું કે તે હવે થોડા જ મહિના જીવશે. મોનિકાબહેન અને તેમના પતિ યહોવાની સેવામાં ઘણાં વ્યસ્ત હતાં. તેમના પતિ વડીલ હતા. પછી એક દિવસે મોનિકાબહેનને ખબર પડી કે તેમના પતિ ચોરીછૂપીથી પાપ કરતા હતા અને એ પણ લાંબા સમયથી. ઓલિવિયા નામની કુંવારી બહેને મજબૂરીમાં પોતાનું ઘર છોડવું પડ્યું. કેમ કે તેના વિસ્તારમાં એક વિનાશક વાવાઝોડું આવવાનું હતું. જ્યારે તે પાછી ફરી ત્યારે તેણે જોયું કે વાવાઝોડાને લીધે તેનું ઘર જમીનદોસ્ત થઈ ગયું હતું. એક પળમાં એ ત્રણેય ભાઈ-બહેનોનો સુખી સંસાર વેરવિખેર થઈ ગયો. શું તમને પણ કદી એ ભાઈ-બહેનો જેવું લાગ્યું છે? શું તમારી સાથે પણ એવું કંઈક બન્યું છે, જેથી તમારા જીવનમાં ઊથલ-પાથલ મચી ગઈ હોય?

આખી માણસજાત પર મુશ્કેલીઓ અને બીમારીઓનો કહેર તૂટી પડે છે. યહોવાના સેવકો પણ એમાંથી બાકાત નથી. એ ઉપરાંત, યહોવાની ભક્તિ કરતા હોવાને લીધે વિરોધ અથવા સતાવણીનો સામનો કરવો પડે છે. ખરું કે, યહોવા આપણા પર મુશ્કેલીઓ આવતી રોકતા નથી, પણ તે મદદ કરવાનું વચન આપે છે. (યશા. ૪૧:૧૦) તેમની મદદથી આપણે આનંદ જાળવી શકીએ છીએ, સારા નિર્ણયો લઈ શકીએ છીએ અને કપરા સંજોગોમાં પણ તેમને વફાદાર રહી શકીએ છીએ. મુશ્કેલીઓનાં કાળાં વાદળો છવાઈ જાય ત્યારે, યહોવા કઈ રીતે મદદ કરે છે? આ લેખમાં એની ચાર રીતો જોઈશું. એ પણ જોઈશું કે યહોવા પાસેથી મદદ મેળવવા શું કરવાની જરૂર છે.

યહોવા તમારું રક્ષણ કરશે

૩. અઘરા સમયમાંથી પસાર થતા હોઈએ ત્યારે શું કરવું મુશ્કેલ લાગી શકે?

મુશ્કેલી. અઘરા સમયમાંથી પસાર થતા હોઈએ ત્યારે સારી રીતે વિચારવું અને યોગ્ય નિર્ણયો લેવા અઘરું લાગી શકે. શા માટે? કદાચ દિલમાં અસહ્ય વેદના હોય, ચિંતાઓના બોજથી મન જાણે દબાઈ ગયું હોય. એવું લાગે કે ચારે તરફ ગાઢ ધુમ્મસ છવાયું છે અને બહાર નીકળવાનો કોઈ રસ્તો દેખાતો નથી. ધ્યાન આપો કે અગાઉ જે બે બહેનો વિશે જોયું, તેઓને મુશ્કેલીઓ દરમિયાન કેવું લાગ્યું. ઓલિવિયા કહે છે: “વાવાઝોડામાં મારું ઘરબાર લૂંટાઈ ગયું. સમજાતું ન હતું કે ક્યાં જઉં, શું કરું.” પતિની બેવફાઈની જાણ થઈ ત્યારે મોનિકાબહેનને કેવું લાગ્યું? તે કહે છે: “હું સાવ પડી ભાંગી. એવું લાગ્યું કે જાણે કોઈએ મારા દિલમાં ખંજર ભોંકી દીધું હોય. હું રોજબરોજનાં કામ પણ કરી શકતી ન હતી. માનવામાં જ આવતું ન હતું કે મારા પતિએ મને દગો આપ્યો.” એવી લાગણીઓ થાય ત્યારે યહોવા કઈ રીતે મદદ કરવાનું વચન આપે છે?

૪. ફિલિપીઓ ૪:૬, ૭ પ્રમાણે યહોવા કયું વચન આપે છે?

યહોવા કઈ રીતે મદદ કરે છે? તે શાંતિ આપવાનું વચન આપે છે. એને બાઇબલમાં “ઈશ્વરની શાંતિ” કહી છે. (ફિલિપીઓ ૪:૬, ૭ વાંચો.) એ શાંતિ યહોવા સાથેના સંબંધને લીધે જ મળે છે. એ આપણી “સમજશક્તિની બહાર” છે. એને શબ્દોમાં વર્ણવી શકાતી નથી. શું તમારી સાથે કદી એવું બન્યું છે કે, તમે યહોવાને કરગરીને પ્રાર્થના કરી હોય અને પછી તમારું મન શાંત થઈ ગયું હોય? ‘ઈશ્વરની શાંતિને’ લીધે તમે એવું અનુભવ્યું.

૫. ઈશ્વરની શાંતિ કઈ રીતે આપણાં હૃદયનું અને મનનું રક્ષણ કરે છે?

ફિલિપીઓ ૪:૭માં પણ લખ્યું છે કે ઈશ્વરની શાંતિ “તમારાં હૃદયનું અને મનનું રક્ષણ કરશે.” “રક્ષણ” માટે મૂળ ભાષામાં જે શબ્દ વપરાયો હતો, એ સૈનિકોને રજૂ કરતો હતો. એવા સૈનિકો, જેઓ શહેરનો ચોકીપહેરો રાખતા અને દુશ્મનોના હુમલાથી એનું રક્ષણ કરતા. એ શહેરના લોકો નિરાંતે સૂઈ શકતા. કેમ કે તેઓ જાણતા હતા કે તેઓનું રક્ષણ કરવા સૈનિકો ખડેપગે ઊભા છે. એવી જ રીતે, જ્યારે ઈશ્વરની શાંતિ આપણાં હૃદયનું અને મનનું રક્ષણ કરે છે, ત્યારે મન શાંત રહે છે. કેમ કે આપણે જાણીએ છીએ કે આપણે સલામત છીએ. (ગીત. ૪:૮) હાન્‍નાની જેમ જો આપણા સંજોગો તરત ન બદલાય, તોપણ આપણે શાંતિ અનુભવી શકીએ છીએ. (૧ શમુ. ૧:૧૬-૧૮) મન શાંત હોય ત્યારે સારી રીતે વિચારવું અને યોગ્ય નિર્ણયો લેવા સહેલું બની જાય છે.

“ઈશ્વરની શાંતિ” ન અનુભવો ત્યાં સુધી પ્રાર્થના કરો, જે તમારાં હૃદયનું અને મનનું રક્ષણ કરે છે (ફકરા ૪-૬ જુઓ)


૬. ઈશ્વરની શાંતિ મેળવવા શું કરવું જોઈએ? (ચિત્ર પણ જુઓ.)

આપણે શું કરવું જોઈએ? જેમ શહેરના લોકો રક્ષણ માટે સૈનિકને બોલાવે, તેમ તમે મન શાંત કરવા યહોવાને બોલાવો. કેવી રીતે? ઈશ્વરની શાંતિ ન અનુભવો ત્યાં સુધી પ્રાર્થના કરો. (લૂક ૧૧:૯; ૧ થેસ્સા. ૫:૧૭) અગાઉ આપણે લુઈસભાઈ વિશે જોઈ ગયા. લુઈસભાઈ થોડા મહિનાના મહેમાન છે, એ સાંભળીને તેમના અને તેમની પત્નીના પગ નીચેથી જમીન ખસી ગઈ હશે. એ મુશ્કેલ સમયનો સામનો કરવા તેઓને શાનાથી મદદ મળી? લુઈસભાઈએ કહ્યું: “એવી પળોમાં સારવાર વિશે અને બીજી બાબતો વિશે નિર્ણયો લેવા ખૂબ જ અઘરું હોય છે. પણ અમે યહોવાને પ્રાર્થના કરી. એનાથી જીવનની એ સૌથી અઘરી પળોમાં અમે શાંત રહી શક્યાં.” લુઈસભાઈ અને તેમની પત્ની એનાએ કહ્યું કે તેઓએ યહોવાને ખૂબ કાલાવાલા કર્યા અને વારંવાર પ્રાર્થના કરી. તેઓએ યહોવા પાસે મનની શાંતિ માંગી અને સારા નિર્ણયો લેવા બુદ્ધિ માંગી. શું તેઓ યહોવાની મદદ જોઈ શક્યાં? એમાં જરાય શંકા નથી. જો તમે પણ કોઈ કસોટીનો સામનો કરતા હો, તો યહોવાને સતત પ્રાર્થના કરો. (રોમ. ૧૨:૧૨) પછી તમે યહોવાની શાંતિ અનુભવશો, જે તમારાં હૃદયનું અને મનનું રક્ષણ કરે છે.

યહોવા તમને સ્થિર કરશે

૭. કોઈ કસોટીમાંથી પસાર થતા હોઈએ ત્યારે કેવું લાગી શકે?

મુશ્કેલી. જ્યારે કોઈ કસોટીમાંથી પસાર થતા હોઈએ, ત્યારે કદાચ પહેલાં જેવું ન અનુભવીએ. કદાચ આપણાં વિચારો અને વર્તન બદલાઈ જાય. એવું લાગી શકે કે જાણે લાગણીનાં મોજાં આપણને આમતેમ ફંગોળી રહ્યાં છે. અગાઉ આપણે એનાબહેન વિશે જોઈ ગયા. લુઈસભાઈના મરણ પછી તેમણે અલગ અલગ પ્રકારની લાગણીઓ અનુભવી. તેમણે કહ્યું: “જીવનમાં ખાલીપો વ્યાપી જતો ત્યારે, હું પોતાને લાચાર સમજતી. મને ખૂબ ગુસ્સો આવતો કે લુઈસ મને છોડીને કેમ જતા રહ્યા.” અમુક વાર તેમને એકલું એકલું લાગતું. અગાઉ લુઈસભાઈ નિર્ણયો લેતા હતા. પણ હવે એનાબહેને નિર્ણયો લેવા પડતા ત્યારે તે આકુળ-વ્યાકુળ થઈ જતાં. અમુક વાર તેમને લાગતું કે તે દરિયાની વચ્ચોવચ તોફાનમાં ફસાઈ ગયાં છે. જ્યારે લાગણીઓનું પૂર આપણને ડુબાડવા લાગે, ત્યારે યહોવા કઈ રીતે મદદ કરે છે?

૮. પહેલો પિતર ૫:૧૦ પ્રમાણે યહોવા કઈ ખાતરી આપે છે?

યહોવા કઈ રીતે મદદ કરે છે? તે ખાતરી આપે છે કે આપણને સ્થિર કરશે. (૧ પિતર ૫:૧૦ વાંચો.) જ્યારે વહાણ તોફાનમાં સપડાયું હોય છે, ત્યારે એ જોરજોરથી આમતેમ ડોલા ખાતું હોય છે. વહાણને સ્થિર કરવા ઘણી વાર એની બંને બાજુએ પાંખિયા લગાવવામાં આવે છે. એ પાંખિયાની મદદથી વહાણ અમુક હદે સ્થિર થાય છે. આમ મુસાફરો સલામતી અનુભવે છે અને તેઓને થોડી રાહત મળે છે. પણ પાંખિયા સારી રીતે કામ કરે એ માટે જરૂરી છે કે વહાણ આગળ વધતું રહે. એવી જ રીતે, જો આપણે આગળ વધતા રહીશું, તો યહોવા આપણને સ્થિર કરશે. એનો અર્થ થાય કે મુસીબતો આવે ત્યારે અટકી ન જઈએ, પણ યહોવાની સેવામાં લાગુ રહીએ.

સંશોધન માટેનાં સાધનોનો ઉપયોગ કરીને પોતાને સ્થિર કરો (ફકરા ૮-૯ જુઓ)


૯. મનમાં જાગેલા તોફાનને શાંત કરવા સંશોધન માટેનાં સાધનો કઈ રીતે મદદ કરે છે? (ચિત્ર પણ જુઓ.)

આપણે શું કરવું જોઈએ? લાગણીના તોફાનમાં ફસાયા હો ત્યારે પ્રાર્થના કરવા, સભાઓમાં જવા અને ખુશખબર જણાવવા બનતું બધું કરો. ખરું કે, તમે કદાચ પહેલાં જેટલું નહિ કરી શકો. પણ યાદ રાખજો કે યહોવા તમારી પાસેથી ગજા બહારની અપેક્ષા રાખતા નથી. (લૂક ૨૧:૧-૪ સરખાવો.) વ્યક્તિગત અભ્યાસ અને મનન કરવા પણ સમય કાઢજો. શા માટે? યહોવાએ પોતાના સંગઠન દ્વારા જોરદાર લેખો અને વીડિયો આપ્યા છે. એની મદદથી આપણે લાગણીઓનાં ઊછળતાં મોજાંને શાંત કરી શકીએ છીએ. જરૂર હોય એવી માહિતી શોધવા સંશોધન માટેનાં સાધનોનો ઉપયોગ કરી શકો. જેમ કે, JW લાઇબ્રેરી એપ અને યહોવાના સાક્ષીઓ માટે સંશોધન માર્ગદર્શિકા. અગાઉ મોનિકાબહેન વિશે જોઈ ગયા. જ્યારે તેમને લાગતું કે લાગણીનું પૂર ઊમટવાની તૈયારીમાં છે, ત્યારે તે સલાહ મેળવવા તરત જ સંશોધન કરતાં. દાખલા તરીકે, તે આવા શબ્દો પર માહિતી શોધતાં: “ગુસ્સો,” “દગો” અથવા “વફાદારી.” પછી દિલને ટાઢક વળે ત્યાં સુધી તે વાંચતાં. તેમણે કહ્યું: “શરૂઆત તો હડબડાટમાં થતી, પણ પછી એવું લાગતું કે યહોવા જાણે મને ભેટી રહ્યા હોય. લેખો વાંચતી વખતે હું જોઈ શકી કે યહોવા મારી દરેક લાગણી સમજતા હતા અને મને મદદ કરતા હતા.” સાચે જ, આપણને મદદ કરવા યહોવાએ કેટલાં બધાં સાધનો આપ્યાં છે. એ સાધનોની મદદથી આપણે મનમાં ઊઠેલા તોફાનને શાંત કરી શકીએ છીએ.—ગીત. ૧૧૯:૧૪૩, ૧૪૪.

યહોવા તમને સાથ આપશે

૧૦. કડવો બનાવ બને એ પછી કેવું લાગી શકે?

૧૦ મુશ્કેલી. કડવો બનાવ બને એ પછી અમુક દિવસો એવા હોય જ્યારે શરીરમાં નબળાઈ લાગે. એવું પણ લાગે કે દુઃખ ઓછું થવાનું નામ જ લેતું નથી. આપણને કદાચ એક ખેલાડી જેવું લાગી શકે. એ ખેલાડી પહેલાં ઝડપથી દોડતો હતો, પણ હવે ઈજાને લીધે લંગડાતો ચાલે છે. આપણને એવાં કામો કરવાનું અઘરું લાગી શકે, જે પહેલાં ચપટી વગાડતા થઈ જતાં હતાં. એવાં કામોમાં પણ જીવ ન લાગે, જેમાં પહેલાં મજા આવતી હતી. એલિયાની જેમ કદાચ પથારીમાંથી ઊઠવાનું મન જ ન થાય. એવું થાય કે બસ ઊંઘી જ રહીએ. (૧ રાજા. ૧૯:૫-૭) નબળાઈ અનુભવીએ ત્યારે યહોવા શું કરવાનું વચન આપે છે?

૧૧. યહોવા બીજી કઈ રીતે મદદ કરે છે? (ગીતશાસ્ત્ર ૯૪:૧૮)

૧૧ યહોવા કઈ રીતે મદદ કરે છે? તે આપણને સાથ આપવાનું વચન આપે છે. (ગીતશાસ્ત્ર ૯૪:૧૮ વાંચો.) ઘવાયેલા ખેલાડીને હરવા-ફરવા માટે સાથની જરૂર હોય છે. એવી જ રીતે, યહોવાની સેવામાં લાગુ રહેવા આપણને પણ મદદની જરૂર પડી શકે. એ ઘડીઓમાં યહોવા ખાતરી આપે છે: “હું યહોવા તારો ઈશ્વર, તારો જમણો હાથ પકડી રાખું છું. હું તને કહું છું: ‘ડરીશ નહિ, હું તને મદદ કરીશ.’” (યશા. ૪૧:૧૩) રાજા દાઉદે એવી મદદ અનુભવી હતી. જ્યારે તે કસોટીઓનો અને દુશ્મનોનો સામનો કરી રહ્યા હતા, ત્યારે તેમણે યહોવાને કહ્યું: “તમારો જમણો હાથ મને ટકાવી રાખે છે.” (ગીત. ૧૮:૩૫) પણ યહોવા કઈ રીતે સાથ આપે છે?

કુટુંબીજનો, મિત્રો અને વડીલોની મદદ સ્વીકારો (ફકરા ૧૧-૧૩ જુઓ)


૧૨. નિરાશ હોઈએ ત્યારે યહોવા કોના દ્વારા મદદ કરે છે?

૧૨ યહોવા મોટા ભાગે બીજાઓ દ્વારા આપણને મદદ કરે છે. દાખલા તરીકે, એકવાર દાઉદ ખૂબ નિરાશ થઈ ગયા હતા. એ વખતે તેમના મિત્ર યોનાથાને તેમની મુલાકાત લીધી, હિંમત વધારી અને ઉત્તેજન આપ્યું. (૧ શમુ. ૨૩:૧૬, ૧૭) એવી જ રીતે, એલિયાને મદદ કરવા યહોવાએ એલિશાને મોકલ્યા. (૧ રાજા. ૧૯:૧૬, ૨૧; ૨ રાજા. ૨:૨) આજે યહોવા કદાચ કુટુંબીજનો, મિત્રો અથવા વડીલો દ્વારા આપણને સાથ આપે. પણ મન ઉદાસ હોય ત્યારે કોઈને મળવાનું ન ગમે. બસ એકલા એકલા રહેવાનું મન થાય. એવી લાગણી થવી બહુ સામાન્ય છે. તો યહોવાનો સાથ મેળવવા શું કરી શકીએ?

૧૩. યહોવાનો સાથ મેળવવા શું કરવું જોઈએ? (ચિત્ર પણ જુઓ.)

૧૩ આપણે શું કરવું જોઈએ? ભલે તમને એકલા રહેવાનું મન થાય, પણ એ ઇચ્છાને તમારા પર કાબૂ કરવા ન દેશો. પોતાને એકલા પાડી દઈએ છીએ ત્યારે ફક્ત પોતાના જ વિશે અને પોતાની મુશ્કેલીઓ વિશે જ વિચારવા લાગીએ. એના લીધે કદાચ સારા નિર્ણયો લઈ ન શકીએ. (નીતિ. ૧૮:૧) અમુક વાર આપણને બધાને એકાંતની જરૂર હોય છે, ખાસ કરીને કપરા સંજોગોમાંથી પસાર થતા હોઈએ ત્યારે. પણ જો લાંબા સમય માટે પોતાને એકલા પાડી દઈશું, તો એ દીવાલ ચણવા જેવું થશે. એમ કરીને આપણે એ લોકોની મદદ સ્વીકારવાની ના પાડીએ છીએ, જેઓને યહોવાએ મોકલ્યા છે. એટલે અઘરું લાગે તોપણ કુટુંબીજનો, મિત્રો અને વડીલોની મદદ સ્વીકારજો. એવું વિચારજો કે તેઓ દ્વારા યહોવા તમને સાથ આપી રહ્યા છે.—નીતિ. ૧૭:૧૭; યશા. ૩૨:૧, ૨.

યહોવા તમને દિલાસો આપશે

૧૪. આપણને શાના લીધે ડર લાગી શકે?

૧૪ મુશ્કેલી. અમુક વાર આપણને ડર લાગી શકે. યહોવાના વફાદાર સેવકોને પણ ડર લાગ્યો હતો. બાઇબલમાં લખ્યું છે કે દુશ્મનોને લીધે અથવા બીજી મુશ્કેલીઓને લીધે તેઓ નિરાશ થઈ ગયા હતા અને ડરના લીધે ધ્રૂજી ઊઠ્યા હતા. (ગીત. ૧૮:૪; ૫૫:૧,) એવી જ રીતે, આજે સ્કૂલમાં ભણતા વિદ્યાર્થીઓ, સાથે કામ કરતા લોકો, કુટુંબીજનો અથવા સરકાર આપણો વિરોધ કરે. કોઈ બીમારીને લીધે મોતનો ડર લાગી શકે. એ સમયે પોતાને લાચાર અનુભવીએ. આપણને એક નાના બાળક જેવું લાગે, જે પોતાની મેળે કંઈ કરી શકતું નથી. એવી અઘરી પળોમાં યહોવા કઈ રીતે મદદ કરે છે?

૧૫. ગીતશાસ્ત્ર ૯૪:૧૯માંથી કઈ ખાતરી મળે છે?

૧૫ યહોવા કઈ રીતે મદદ કરે છે? તે આપણને દિલાસો આપે છે અને દિલના ઘા પર મલમ લગાવે છે. (ગીતશાસ્ત્ર ૯૪:૧૯ વાંચો.) એ કલમ વાંચીને આપણા મનમાં એક નાની છોકરીનો વિચાર આવે, જે વાવાઝોડાને લીધે ડરી ગઈ છે. વીજળીના કડાકા થઈ રહ્યા છે. વાદળો ગાજી રહ્યાં છે. ડરના લીધે તે ઊંઘી શકતી નથી. પણ તેના પપ્પા તેની પાસે આવે છે. તેને ગોદમાં લઈ લે છે અને તે ઊંઘી જાય ત્યાં સુધી તેની પાસે રહે છે. ખરું કે, તોફાન હજી શાંત નથી પડ્યું, પણ એ છોકરી પપ્પાની ગોદમાં પોતાને સલામત અનુભવે છે. હવે તેનો ડર દૂર થઈ ગયો છે. એવી જ રીતે, મુશ્કેલીઓનું વાવાઝોડું આવે ત્યારે આપણે ચાહીએ છીએ કે સ્વર્ગમાંના આપણા પિતા આપણને તેમની ગોદમાં લઈ લે. મનમાં ઊમટેલું તોફાન શાંત પડે ત્યાં સુધી આપણો હાથ પકડી રાખે. તો યહોવા પાસેથી દિલાસો મેળવવા આપણે શું કરી શકીએ?

બાઇબલ વાંચો અને સ્વર્ગમાંના તમારા પિતા પાસેથી દિલાસો મેળવો (ફકરા ૧૫-૧૬ જુઓ)


૧૬. યહોવા પાસેથી દિલાસો મેળવવા આપણે શું કરી શકીએ? (ચિત્ર પણ જુઓ.)

૧૬ આપણે શું કરવું જોઈએ? નિયમિત રીતે યહોવા સાથે સમય વિતાવો. એ માટે તેમને પ્રાર્થના કરો અને બાઇબલ વાંચો. (ગીત. ૭૭:૧, ૧૨-૧૪) એને તમારી આદત બનાવો. પછી જ્યારે પણ તમે હેરાન-પરેશાન હશો, ત્યારે મદદ માટે સૌથી પહેલા તમે સ્વર્ગમાંના તમારા પિતા પાસે દોડી જશો. તેમને જણાવો કે તમને શાનો ડર લાગે છે અને કઈ ચિંતાઓ છે. પછી બાઇબલ વાંચો અને યહોવાની વાત સાંભળો. આમ તમે જોઈ શકશો કે તે તમને કઈ રીતે દિલાસો આપે છે. (ગીત. ૧૧૯:૨૮) ડર લાગે ત્યારે બાઇબલનો કોઈ ખાસ ભાગ વાંચવાથી પણ દિલાસો મળી શકે. દાખલા તરીકે, કદાચ અયૂબ, ગીતશાસ્ત્ર અને નીતિવચનોનાં પુસ્તકમાંથી ઉત્તેજન મળી શકે. માથ્થી અધ્યાય ૬માં લખેલા ઈસુના શબ્દોથી પણ ઉત્તેજન મળી શકે. જ્યારે તમે યહોવાને પ્રાર્થના કરશો અને બાઇબલ વાંચશો, ત્યારે તમને દિલાસો મળશે.

૧૭. આપણે કઈ વાતની ખાતરી રાખી શકીએ?

૧૭ આપણે ભરોસો રાખી શકીએ કે જીવનમાં કાળાં વાદળો છવાશે, ત્યારે યહોવા આપણી પડખે હશે. તે આપણને એકલા પડવા નહિ દે. (ગીત. ૨૩:૪; ૯૪:૧૪) યહોવા વચન આપે છે કે તે આપણું રક્ષણ કરશે, આપણને સ્થિર કરશે, સાથ આપશે અને દિલાસો આપશે. યશાયા ૨૬:૩માં યહોવા વિશે કહ્યું છે: “તમારા પર પૂરેપૂરો આધાર રાખનારાને તમે સલામત રાખશો. તમે તેઓને કાયમ શાંતિ આપશો, કેમ કે તેઓ તમારા પર ભરોસો રાખે છે.” એટલે યહોવા પર ભરોસો રાખો. તે જે રીતોએ તમને મદદ કરે છે, એનો પૂરેપૂરો ફાયદો લો. આમ, કપરામાં કપરા સંજોગોમાં પણ તમે ફરીથી બળ મેળવશો.

તમે શું કહેશો?

  • ખાસ કરીને કયા સંજોગોમાં યહોવાની મદદની જરૂર પડી શકે?

  • અઘરા સંજોગોમાંથી પસાર થતા હોઈએ ત્યારે યહોવા કઈ ચાર રીતોએ મદદ કરે છે?

  • યહોવા પાસેથી મદદ મેળવવા આપણે શું કરવું જોઈએ?

ગીત ૨ યહોવા તારો આભાર

a અમુક નામ બદલ્યાં છે.