સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

અભ્યાસ લેખ ૪

ગીત ૫૧ યહોવા અમારો આધાર

યહોવા તમને મમતા બતાવે છે

યહોવા તમને મમતા બતાવે છે

“યહોવા ખૂબ મમતા બતાવે છે.”યાકૂ. ૫:૧૧.

આપણે શું શીખીશું?

યહોવાનો પ્રેમ કઈ રીતે આપણને તેમની નજીક દોરી લાવશે? એ પ્રેમના લીધે આપણે કઈ રીતે તાજગી અને સલામતી અનુભવીએ છીએ? કઈ રીતે સમજી શકીએ છીએ કે તે આપણી સંભાળ રાખે છે?

૧. જ્યારે તમે યહોવા વિશે વિચારો છો, ત્યારે તમારા મનમાં કેવું ચિત્ર ઊભું થાય છે?

 શું તમે કદી એ કલ્પના કરવાની કોશિશ કરી છે કે યહોવા કેવા ઈશ્વર છે? તમે પ્રાર્થના કરો છો ત્યારે તમારા મનમાં યહોવાનું કેવું ચિત્ર ઊભું થાય છે? ખરું કે આપણે યહોવાને જોઈ નથી શકતા પણ બાઇબલમાં ઘણી અલગ અલગ રીતોએ યહોવાનું વર્ણન કર્યું છે. જેમ કે, યહોવાને “સૂર્ય અને ઢાલ” તેમજ “ભસ્મ કરનાર અગ્‍નિ” કહેવામાં આવ્યા છે. (ગીત. ૮૪:૧૧; હિબ્રૂ. ૧૨:૨૯) હઝકિયેલે દર્શનમાં જોયું કે યહોવાનો દેખાવ ચળકતી ધાતુ જેવો હતો. તે નીલમના પથ્થરની રાજગાદી પર બેઠા હતા અને તેમની આજુબાજુ મેઘધનુષ્ય હતું. (હઝકિ. ૧:૨૬-૨૮) કદાચ યહોવાના એ વર્ણનો વાંચીને આપણે મોંમાં આંગળા નાખી જઈએ. મનમાં થાય કે તેમની આગળ આપણી શી વિસાત?

૨. અમુક લોકોને કેમ યહોવાની નજીક જવું અઘરું લાગી શકે?

આપણે યહોવાને જોઈ નથી શકતા. એટલે એ માનવું અઘરું લાગી શકે કે તે આપણને પ્રેમ કરે છે. અમુક લોકોને જીવનમાં પ્રેમ અને હૂંફ નથી મળ્યાં. એટલે તેઓને માનવામાં નથી આવતું કે યહોવા તેઓને પ્રેમ કરી શકે છે. બની શકે કે તેઓને કદી પોતાના પપ્પાનો પ્રેમ મળ્યો નથી. યહોવા એ બધી જ લાગણીઓ ખૂબ સારી રીતે સમજે છે. તે જાણે છે કે આપણને કેમ તેમની નજીક જવું અઘરું લાગી શકે છે. એટલે આપણને મદદ કરવા તેમણે બાઇબલમાં લખાવ્યું છે કે તે કેટલા પ્રેમાળ ઈશ્વર છે.

૩. આપણે કેમ યહોવાના પ્રેમ વિશે શીખવું જોઈએ?

જો એક શબ્દમાં યહોવાનું વર્ણન કરવાનું હોય તો એ છે, પ્રેમ. બાઇબલમાં લખ્યું છે: “ઈશ્વર પ્રેમ છે.” (૧ યોહા. ૪:૮) તે જે કંઈ કરે છે એ પ્રેમને લીધે કરે છે. પ્રેમ બતાવવામાં યહોવા બહુ ઉદાર છે. તેમના પ્રેમની કોઈ હદ નથી. જેઓ તેમને પ્રેમ કરતા નથી, તેઓને પણ તે પ્રેમ કરે છે. (માથ. ૫:૪૪, ૪૫) આ લેખમાં આપણે યહોવા વિશે અને તેમના પ્રેમ વિશે જોઈશું. જેટલું વધારે યહોવા વિશે શીખીશું, એટલો વધારે તેમને પ્રેમ કરવા લાગીશું.

યહોવા આપણને પુષ્કળ પ્રેમ કરે છે

૪. યહોવા જે રીતે મમતા બતાવે છે, એ વિશે તમને કેવું લાગે છે? (ચિત્ર પણ જુઓ.)

“યહોવા ખૂબ મમતા બતાવે છે.” (યાકૂ. ૫:૧૧) બાઇબલમાં લખ્યું છે કે યહોવા પોતાની સરખામણી એક પ્રેમાળ મા સાથે કરે છે. (યશા. ૬૬:૧૨, ૧૩) જરા કલ્પના કરો કે એક મા કેવી રીતે પોતાના નાના બાળકનું જતન કરે છે. તે બાળકને ખોળામાં લે છે. તેના માથે મમતાભર્યો હાથ ફેરવે છે અને તેની સાથે ખૂબ જ કોમળતાથી વાત કરે છે. બાળક રડતું હોય અથવા પીડામાં હોય ત્યારે, મા તરત જ સમજી જાય છે કે તેને શાની જરૂર છે. પછી એ પ્રમાણે તે પગલાં ભરે છે જેથી બાળક શાંત થઈ જાય. એવી જ રીતે, પીડામાં હોઈએ ત્યારે ભરોસો રાખી શકીએ કે એ માની જેમ યહોવા આપણને પ્રેમ કરે છે. ગીતશાસ્ત્રના એક લેખકે લખ્યું: “જ્યારે હું ચિંતાઓના બોજથી દબાઈ ગયો, ત્યારે તમે મને દિલાસો આપ્યો અને મારું મન શાંત પાડ્યું.”—ગીત. ૯૪:૧૯.

“જેમ મા પોતાના દીકરાને દિલાસો આપે છે, તેમ હું તમને દિલાસો આપતો રહીશ” (ફકરો ૪ જુઓ)


૫. યહોવાના અતૂટ પ્રેમ વિશે તમને કેવું લાગે છે?

યહોવા અતૂટ પ્રેમના સાગર છે. (ગીત. ૧૦૩:૮) આપણાથી ભૂલો થઈ જાય ત્યારે પણ તે આપણને પ્રેમ કરવાનું છોડતા નથી. ઇઝરાયેલીઓએ વારંવાર યહોવાનું દિલ દુભાવ્યું. તોપણ તેઓએ પસ્તાવો કર્યો ત્યારે, યહોવાએ તેઓને પોતાના અતૂટ પ્રેમની સાબિતી આપી. તેમણે કહ્યું: ‘તમે મારી નજરમાં અનમોલ છો અને માનને યોગ્ય છો. મેં તમારા પર પ્રેમ રાખ્યો છે.’ (યશા. ૪૩:૪, ૫) ઈશ્વરનો પ્રેમ આજે પણ બદલાયો નથી. એ ખાતરી આપણે રાખી શકીએ છીએ. ભલે આપણાથી મોટી મોટી ભૂલો થઈ જાય, પણ યહોવા આપણને તરછોડતા નથી. જ્યારે પસ્તાવો કરીએ છીએ અને યહોવા પાસે પાછા ફરીએ છીએ, ત્યારે જોઈ શકીએ છીએ કે તે હજુ પણ આપણને પ્રેમ કરે છે. તે વચન આપે છે કે આપણને “દિલથી માફ કરશે.” (યશા. ૫૫:૭) યહોવા પાસેથી માફી મેળવીને આપણને કેવું લાગે છે? એ વિશે બાઇબલમાં લખ્યું છે: ‘યહોવા પાસેથી આપણા માટે તાજગીના સમયો આવે છે.’—પ્રે.કા. ૩:૧૯.

૬. ઝખાર્યા ૨:૮માંથી યહોવા વિશે શું શીખવા મળે છે?

ઝખાર્યા ૨:૮ વાંચો. યહોવા આપણી સરખામણી તેમની આંખની કીકી સાથે કરે છે. આંખ બહુ સંવેદનશીલ હોય છે. એ આપણા શરીરનો બહુ કીમતી ભાગ છે. યહોવા જાણે કહે છે, ‘જેઓ તમને હાથ લગાડે છે, તેઓ મારી કીમતી વસ્તુને હાથ લગાડે છે.’ યહોવા આપણને બહુ પ્રેમ કરે છે. એટલે આપણને કેવું લાગે છે એનાથી તેમને ફરક પડે છે. આપણું રક્ષણ કરવા તે એકદમ આતુર છે. આપણને દુઃખ થાય ત્યારે, તેમને પણ દુઃખ થાય છે. એટલે આપણે પૂરા ભરોસા સાથે પ્રાર્થના કરી શકીએ: “તમારી આંખની કીકીની જેમ મને સાચવો.”—ગીત. ૧૭:૮.

૭. યહોવા આપણને પ્રેમ કરે છે, એ વાત પર કેમ ભરોસો વધારવાની જરૂર છે?

યહોવા ચાહે છે કે આપણે તેમના પ્રેમની ખાતરી કરીએ. પણ તે જાણે છે કે જીવનમાં બનેલા કડવા અનુભવોને લીધે અથવા હમણાં ચાલતી મુશ્કેલીઓને લીધે આપણને કદાચ યહોવાના પ્રેમમાં ભરોસો મૂકવો અઘરું લાગતું હશે. પણ ચાલો જોઈએ કે યહોવા કઈ રીતે ઈસુને, અભિષિક્તોને અને આપણને બધાને પ્રેમ બતાવે છે. એ વિશે શીખવાથી આપણો ભરોસો વધશે.

યહોવા કઈ રીતે પ્રેમ બતાવે છે?

૮. ઈસુને કેમ ભરોસો હતો કે તેમના પિતા તેમને પ્રેમ કરે છે?

યહોવા અને તેમના વહાલા દીકરાએ એકબીજા સાથે જેટલો સમય વિતાવ્યો છે, એટલો સમય કોઈએ કોઈની સાથે વિતાવ્યો નહિ હોય. લાખો-કરોડો વર્ષોથી તેઓ સ્વર્ગમાં એકબીજાની સાથે છે. એટલે તેઓ વચ્ચેનો સંબંધ એકદમ પાકો છે. ઈસુ પૃથ્વી પર હતા ત્યારે, યહોવાએ સ્પષ્ટ જણાવ્યું કે તે ઈસુને કેટલો પ્રેમ કરે છે. એ વાત માથ્થી ૧૭:૫માં જોવા મળે છે. યહોવા કહી શક્યા હોત, ‘મેં આને પસંદ કર્યો છે.’ પણ તે આપણને બતાવવા માંગતા હતા કે તે ઈસુને કેટલો પ્રેમ કરે છે, એટલે તેમણે ઈસુ વિશે કહ્યું: “આ મારો વહાલો દીકરો છે.” યહોવાને ઈસુ પર બહુ જ ગર્વ હતો, ખાસ કરીને એટલા માટે કે ઈસુ રાજીખુશીથી પોતાનો જીવ આપવા તૈયાર હતા. (એફે. ૧:૭) ઈસુને પણ યહોવાના પ્રેમ પર જરાય શંકા ન હતી. તેમણે યહોવાનો પ્રેમ ચાખ્યો હતો અને દરેક પળે તે એને અનુભવી શકતા હતા. તેમણે પૂરી ખાતરી સાથે વારંવાર લોકોને જણાવ્યું કે પિતા તેમને પ્રેમ કરે છે.—યોહા. ૩:૩૫; ૧૦:૧૭; ૧૭:૨૪.

૯. કયા શબ્દો બતાવે છે કે યહોવા અભિષિક્તોને પ્રેમ કરે છે? સમજાવો. (રોમનો ૫:૫)

યહોવાએ અભિષિક્તો માટે પણ પોતાનો પ્રેમ જાહેર કર્યો છે. (રોમનો ૫:૫ વાંચો.) “રેડવામાં આવ્યો છે,” શબ્દો પર ધ્યાન આપો. બાઇબલનો એક શબ્દકોશ એ વિશે આમ કહે છે: “પાણીની ધારાની જેમ આપણા ઉપર આવ્યો છે.” કેટલું જોરદાર શબ્દચિત્ર! એ બતાવે છે કે યહોવાના દિલમાં અભિષિક્તો માટે કેટલો બધો પ્રેમ છે. અભિષિક્તો પણ જાણે છે કે ઈશ્વર તેઓને “પ્રેમ કરે છે.” (યહૂ. ૧) તેઓની એ લાગણી વિશે પ્રેરિત યોહાને લખ્યું: “જુઓ, પિતાએ આપણને એટલો બધો પ્રેમ કર્યો કે તેમણે આપણને તેમનાં બાળકો ગણાવાનો લહાવો આપ્યો છે!” (૧ યોહા. ૩:૧) શું યહોવા ફક્ત અભિષિક્તોને જ પ્રેમ કરે છે? ના, યહોવાએ સાબિત કર્યું છે કે તે આપણને બધાને પ્રેમ કરે છે.

૧૦. યહોવા તમને પ્રેમ કરે છે, એની સૌથી મોટી સાબિતી કઈ છે? સમજાવો.

૧૦ યહોવાના પ્રેમની સૌથી મોટી સાબિતી કઈ છે? ઈસુનું બલિદાન. શું આખા બ્રહ્માંડમાં એવો પ્રેમ બીજું કોઈ બતાવી શકે? (યોહા. ૩:૧૬; રોમ. ૫:૮) યહોવાએ આપણા માટે પોતાનો સૌથી વહાલો દીકરો આપી દીધો, આખી માણસજાત માટે તેને મરવા દીધો, જેથી આપણને પાપોની માફી મળે અને આપણે ઈશ્વરના મિત્રો બની શકીએ. (૧ યોહા. ૪:૧૦) સાચે જ, ઈસુનું બલિદાન આપણા માટે એક ભેટ છે. પણ એ ભેટ આપવા યહોવા અને ઈસુએ બહુ ભારે કિંમત ચૂકવી છે. આપણા માટે ઈસુએ દુઃખો સહ્યા અને પોતાનો જીવ આપી દીધો. પોતાના કાળજાના ટુકડાને રિબાતા જોવો યહોવા માટે સહેલું નહિ હોય. તોપણ તેમણે એમ થવા દીધું. તેઓએ જે કર્યું છે એનો વિચાર કરતા રહીએ. એનાથી સમજી શકીશું કે તેઓ આપણને દરેકને કેટલો પ્રેમ કરે છે! (ગલા. ૨:૨૦) ખરું કે, યહોવા ન્યાયના ઈશ્વર છે. પણ પોતાના ન્યાયની જરૂરિયાત પૂરી કરવા જ નહિ, પણ પ્રેમને લીધે યહોવાએ આટલું મોટું બલિદાન આપ્યું.

૧૧. યર્મિયા ૩૧:૩માંથી શું શીખવા મળે છે?

૧૧ આપણે જોયું તેમ, યહોવાના દિલમાં આપણા માટે પ્રેમ છે અને તે એ પ્રેમ જાહેર પણ કરે છે. (યર્મિયા ૩૧:૩ વાંચો.) યહોવાએ આપણને તેમની પાસે ખેંચ્યા છે, કેમ કે તે આપણને પ્રેમ કરે છે. (પુનર્નિયમ ૭:૭, ૮ સરખાવો.) આ દુનિયામાં એવું કશું જ નથી જે આપણને તેમના પ્રેમથી અલગ કરી શકે. (રોમ. ૮:૩૮, ૩૯) યહોવાના પ્રેમ વિશે તમને કેવું લાગે છે? ગીતશાસ્ત્ર ૨૩ વાંચો અને જુઓ કે યહોવાનો પ્રેમ અને તેમની કાળજી અનુભવીને દાઉદને કેવું લાગ્યું. એ પણ વિચારો કે તમને કેવું લાગી શકે છે.

યહોવાના પ્રેમ વિશે તમને કેવું લાગે છે?

૧૨. ગીતશાસ્ત્ર ૨૩ વિશે ટૂંકમાં જણાવો.

૧૨ ગીતશાસ્ત્ર ૨૩:૧-૬ વાંચો. ગીતશાસ્ત્ર ૨૩ એક ગીત છે, જેને દાઉદે રચ્યું છે. એ ગીતમાં દાઉદે પોતાનો ભરોસો જાહેર કર્યો કે યહોવા તેમને પ્રેમ કરે છે અને તેમની સંભાળ રાખે છે. યહોવાને પોતાના ઘેટાંપાળક કહીને તેમણે બતાવી આપ્યું કે યહોવા સાથેનો તેમનો સંબંધ કેટલો ગાઢ છે. યહોવાએ બતાવેલા માર્ગ પર ચાલીને દાઉદ સલામતી અનુભવતા હતા. તે પૂરી રીતે યહોવા પર નિર્ભર હતા. દાઉદ જાણતા હતા કે યહોવા દરરોજ તેમને પ્રેમ બતાવશે. દાઉદને કેમ એટલો ભરોસો હતો?

૧૩. દાઉદને શા માટે ખાતરી હતી કે યહોવા તેમની સંભાળ રાખશે?

૧૩ “મને કશાની ખોટ પડશે નહિ.” દાઉદ અનુભવી શક્યા કે યહોવા તેમની સંભાળ રાખે છે, કારણ કે તે હંમેશાં દાઉદની જરૂરિયાતો પૂરી કરતા. દાઉદ એ પણ જાણતા હતા કે યહોવા તેમના મિત્ર છે અને યહોવાની કૃપા તેમના પર છે. એટલે તેમને પૂરી ખાતરી હતી કે ભલે ગમે એવા સંજોગો આવે, યહોવા તેમની સંભાળ રાખશે. ચિંતાઓનાં વાદળોથી ઘેરાયેલા હોવા છતાં દાઉદને પૂરો ભરોસો હતો કે યહોવા તેમને અતૂટ પ્રેમ કરે છે. એટલે તે ખુશ રહી શક્યા.—ગીત. ૧૬:૧૧.

૧૪. યહોવા કઈ રીતે પ્રેમથી આપણી સંભાળ રાખે છે?

૧૪ યહોવા પ્રેમાળ રીતે આપણી કાળજી રાખે છે, ખાસ કરીને કંઈક ખરાબ બને ત્યારે. ક્લેર a નામનાં બહેનને પણ એવું જ લાગ્યું. તેમણે ૨૦ કરતાં વધારે વર્ષો બેથેલમાં સેવા આપી છે. તેમના પર એક પછી એક ઘણી મુશ્કેલીઓ આવી. પહેલા તો તેમના પિતાને લકવો (સ્ટ્રોક) થઈ ગયો. પછી તેમની એક બહેનને બહિષ્કૃત કરવામાં આવી. તેમના કુટુંબનો નાનકડો ધંધો ઠપ થઈ ગયો. બૅન્કે તેમનું ઘર જપ્ત કરી લીધું. એ સમયે ક્લેરબહેન પોતાને ખૂબ લાચાર અનુભવતાં. યહોવાએ કઈ રીતે તેમની અને તેમના કુટુંબની સંભાળ રાખી? બહેન જણાવે છે: “યહોવાએ દરરોજ અમારી જરૂરિયાતો પૂરી કરી. ઘણી વાર તો જરૂર હોય એના કરતાં વધારે આપતા. ઘણી વાર હું એ વિશે વિચારું છું કે યહોવાએ અમને કેટલી મદદ કરી હતી. તેમણે બતાવેલા પ્રેમને હું ક્યારેય નહિ ભૂલું. એ બધું યાદ રાખવાને લીધે હું બીજી મુશ્કેલીઓનો પણ સામનો કરી શકું છું અને યહોવાની સેવામાં આનંદ જાળવી રાખી શકું છું.”

૧૫. દાઉદે કેમ તાજગી અનુભવી? (ચિત્ર પણ જુઓ.)

૧૫ “તે મને તાજગી આપે છે.” મુશ્કેલીઓને લીધે દાઉદ ક્યારેક નિરાશ થઈ જતા. (ગીત. ૧૮:૪-૬) પણ યહોવાનાં પ્રેમ અને કાળજીને લીધે તેમણે તાજગી અનુભવી. યહોવા પોતાના મિત્રને જાણે “લીલાંછમ ઘાસમાં” અને “ઝરણાં પાસે આરામ કરવા” લઈ ગયા. એના લીધે દાઉદને હિંમત મળી અને તે ખુશીથી યહોવાની સેવા કરતા રહ્યા.—ગીત. ૧૮:૨૮-૩૨.

નિરાશ હતા ત્યારે પણ દાઉદે યહોવાનાં પ્રેમ અને કાળજીને લીધે તાજગી અનુભવી (ફકરો ૧૫ જુઓ)


૧૬. યહોવાના પ્રેમને લીધે તમે કઈ રીતે તાજગી અનુભવી છે?

૧૬ આજે પણ “યહોવાના અતૂટ પ્રેમને લીધે [આપણો] અંત આવ્યો નથી.” (ય.વિ. ૩:૨૨) આપણે ધીરજથી તકલીફો સહી શકીએ છીએ. (કોલો. ૧:૧૧) રેચલબહેનનો વિચાર કરો. કોવિડ-૧૯ મહામારી દરમિયાન તેમના પતિ તેમને છોડીને જતા રહ્યા. તેમના પતિએ યહોવા સાથેનો સંબંધ પણ તોડી નાખ્યો. એ સમયે બહેન એકદમ ભાંગી પડ્યાં હતાં. પણ યહોવાએ કઈ રીતે તેમની સંભાળ રાખી? તે કહે છે: “યહોવાએ મને અહેસાસ કરાવ્યો કે તે મને ખૂબ પ્રેમ કરે છે. મારા મિત્રો દ્વારા તેમણે મારી કાળજી લીધી. તેઓ મારી સાથે સમય વિતાવતા, ખાવાનું બનાવીને લાવતા, ઉત્તેજન આપતાં મૅસેજ અને કલમો મોકલતા. તેઓ મને સ્માઈલ આપતા અને યાદ અપાવતા કે યહોવા મારી ચિંતા કરે છે. સાચે, હું યહોવાનો ખૂબ આભાર માનું છું કે તેમણે મને આટલું મોટું કુટુંબ આપ્યું, જે મને બહુ પ્રેમ કરે છે.”

૧૭. દાઉદે કેમ એવું કહ્યું કે તેમને “કશાનો ડર નથી”?

૧૭ “મને કશાનો ડર નથી, કેમ કે તમે મારી સાથે છો.” ઘણી વાર દાઉદનો જીવ જોખમમાં આવી પડ્યો. તેમના અનેક દુશ્મનો હતા અને એ પણ શક્તિશાળી. છતાં યહોવાના પ્રેમને લીધે તેમણે સલામતી અનુભવી. દાઉદ જોઈ શક્યા કે યહોવા ડગલે ને પગલે તેમની સાથે છે. એનાથી તેમને રાહત મળી. એટલે તેમણે એક ગીતમાં ગાયું: “[યહોવાએ] મારો બધો ડર દૂર કર્યો.” (ગીત. ૩૪:૪) ભલે અમુક વાર દાઉદને બીક લાગી, પણ તે મનમાંથી ડર કાઢી શક્યા. કેમ કે તે જાણતા હતા કે યહોવા તેમને પ્રેમ કરે છે.

૧૮. યહોવા તમને પ્રેમ કરે છે એ વાત યાદ રાખશો તો, ડર લાગે એવા સંજોગોમાં કઈ રીતે હિંમત મળશે?

૧૮ અમુક વાર આપણને પણ ખૂબ ડર લાગે છે. પણ જો ભરોસો હશે કે યહોવા આપણને પ્રેમ કરે છે, તો હિંમત મળશે. કઈ રીતે? સૂઝીબહેનનો વિચાર કરો, જે એક પાયોનિયર છે. તેમના દીકરાએ પોતાનું જીવન ટૂંકાવી દીધું ત્યારે, તેમને અને તેમના પતિને કેવું લાગ્યું? તે જણાવે છે: “જ્યારે અચાનક ખરાબ બનાવ બને, ત્યારે એવું લાગે કે માથે આભ તૂટી પડ્યું હોય. પોતાને લાચાર અનુભવીએ. પણ યહોવાએ પ્રેમથી અમારી કાળજી લીધી. અમને એવું લાગ્યું કે જાણે તેમની ગોદમાં અમે એકદમ સલામત છીએ.” અગાઉ રેચલબહેન વિશે જોઈ ગયા. તે કહે છે: “એક રાતે હું બહુ ઉદાસ થઈ ગઈ હતી. મને ઘણી ચિંતા સતાવતી હતી અને બીક પણ લાગતી હતી. હું રડી રડીને યહોવાને કાલાવાલા કરવા લાગી. તરત જ મારું મન શાંત થઈ ગયું. મને એવું લાગ્યું કે જાણે એક માની જેમ યહોવાએ મને બાથમાં લીધી હોય. એ પછી હું ઘસઘસાટ ઊંઘી ગઈ. એ ઘડી હું ક્યારેય નહિ ભૂલું.” તાસોસ નામના એક વડીલે સેનામાં જોડાવાની ના પાડી. એના લીધે તે ચાર વર્ષ જેલમાં રહ્યા. તે કઈ રીતે યહોવાનાં પ્રેમ અને કાળજીનો અનુભવ કરી શક્યા? તે કહે છે: “યહોવાએ મારી બધી જ જરૂરિયાતોનું ધ્યાન રાખ્યું. તેમણે તો એનાથી પણ વધારે આપ્યું. એનાથી યહોવા પરનો મારો ભરોસો વધ્યો. હું સમજી ગયો કે જેટલો વધારે તેમની નજીક જઈશ, એટલો વધારે તેમનો પ્રેમ ચાખીશ. એટલે મેં જેલમાં જ નિયમિત પાયોનિયરીંગ શરૂ કરી દીધું.”

તમારા પ્રેમાળ ઈશ્વરની નજીક આવો

૧૯. (ક) જો યહોવાના પ્રેમ પર ભરોસો હશે, તો કઈ રીતે પ્રાર્થના કરીશું? (ખ) યહોવાના પ્રેમ વિશેની કઈ વાત તમને સૌથી વધારે ગમી? (“ યહોવાનાં પ્રેમ અને હૂંફનો અનુભવ કરાવતી કલમો” બૉક્સ જુઓ.)

૧૯ અગાઉ જે દાખલા જોઈ ગયા એ સાબિત કરે છે કે ‘પ્રેમના ઈશ્વર’ યહોવા આપણી સાથે છે. (૨ કોરીં. ૧૩:૧૧) તે દરેકનું ધ્યાન રાખે છે. આપણે “તેમના અતૂટ પ્રેમની છાયામાં” રહીએ છીએ, એ વાત પર જરાય શંકા નથી. (ગીત. ૩૨:૧૦) યહોવાએ કઈ રીતે પ્રેમ બતાવ્યો છે એના પર ઊંડો વિચાર કરીએ. એમ કરીશું તો પોતાને તેમની નજીક અનુભવીશું અને જોઈ શકીશું કે તે આપણી કેટલી કાળજી રાખે છે. આપણે અચકાયા વગર તેમને પ્રાર્થના કરી શકીએ છીએ. પ્રાર્થનામાં કહી શકીએ છીએ કે આપણને તેમના પ્રેમની કેટલી જરૂર છે. આપણી બધી ચિંતાઓ પણ જણાવી શકીએ છીએ. કારણ કે આપણને પૂરો ભરોસો છે કે તે આપણને સમજે છે અને મદદ કરવા આતુર છે.—ગીત. ૧૪૫:૧૮, ૧૯.

૨૦. યહોવાનો પ્રેમ કઈ રીતે આપણને તેમની તરફ ખેંચે છે?

૨૦ કડકડતી ઠંડીમાં આપણાં પગલાં આપોઆપ તાપણા તરફ ખેંચાય છે. એવી જ રીતે, યહોવાનાં પ્રેમ અને હૂંફ આપણને તેમની તરફ ખેંચે છે. યહોવાનો પ્રેમ શક્તિશાળી છે, પણ એ કોમળ અને મમતાભર્યો પણ છે. યહોવા પ્રેમ વરસાવી રહ્યા છે, એને તમારી ઝોળીમાં ભરી લો. પછી તમે પણ પોકારી ઊઠશો: “હું યહોવાને ચાહું છું.”—ગીત. ૧૧૬:૧.

તમે શું કહેશો?

  • યહોવાના પ્રેમ વિશે તમે શું કહેશો?

  • તમે કઈ રીતે ખાતરી રાખી શકો કે યહોવા તમને બહુ પ્રેમ કરે છે?

  • યહોવાના પ્રેમનો અનુભવ કરીને તમને કેવું લાગે છે?

ગીત ૧૮ યહોવાનો અમૃત પ્રેમ

a અમુક નામ બદલ્યાં છે.