સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

શું તમે બહેનો સાથે એ રીતે વર્તો છો, જે રીતે યહોવા વર્તે છે?

શું તમે બહેનો સાથે એ રીતે વર્તો છો, જે રીતે યહોવા વર્તે છે?

આપણી વફાદાર બહેનો સાથે ખભેખભા મિલાવીને યહોવાની સેવા કરવાનો આપણને સરસ લહાવો મળ્યો છે. આપણે એ વફાદાર અને મહેનતુ બહેનોને ખૂબ પ્રેમ કરીએ છીએ અને તેઓની કદર કરીએ છીએ. એટલે બહેનો સાથે પ્રેમથી વર્તવું જોઈએ. તેઓ સાથે અન્યાય કરવો ન જોઈએ અને તેઓને માન આપવું જોઈએ. પણ પાપની અસર હોવાને લીધે ઘણી વાર એમ કરવું અઘરું લાગે છે. અમુક ભાઈઓ માટે બીજા એક કારણને લીધે એમ કરવું અઘરું હોય છે.

અમુક ભાઈઓનો ઉછેર એવા સમાજમાં થયો છે, જ્યાં સ્ત્રીઓને પુરુષો કરતાં ઊતરતી ગણવામાં આવે છે. દાખલા તરીકે, બોલિવિયામાં સરકીટ નિરીક્ષક તરીકે સેવા આપતા ફ્રાન્ઝભાઈ કહે છે: “અમુક માણસોનો ઉછેર એવા સમાજમાં થયો છે, જ્યાં પુરુષ હોવાને ગર્વની વાત ગણવામાં આવે છે. એના લીધે તેઓના મનમાં એ લાગણી વસી ગઈ હોય છે કે તેઓ સ્ત્રીઓ કરતાં ચઢિયાતા છે. તેઓ વાતે વાતે સ્ત્રીઓને ઉતારી પાડે છે.” શિંગશિયાંગભાઈ તાઇવાનમાં વડીલ તરીકે સેવા આપે છે. તે કહે છે: “હું રહું છું ત્યાં ઘણા માણસોને એવું લાગે છે કે સ્ત્રીઓએ પુરુષોને સલાહ આપવી ન જોઈએ. જો કોઈ પુરુષ સ્ત્રીએ આપેલી સલાહ વિશે વાત કરે, તો બીજા માણસો તેને કમજોર ગણશે.” અમુક માણસો બીજી રીતોએ સ્ત્રીઓ સાથે ભેદભાવ કરે છે. દાખલા તરીકે, તેઓ કદાચ એવા ટુચકા કે જોક્સ સંભળાવે, જેમાં સ્ત્રીઓને નીચી ગણવામાં આવી હોય.

કેટલી ખુશીની વાત છે કે ભલે કોઈ પુરુષનો ઉછેર ગમે એવા સમાજમાં થયો હોય, પણ તે બદલાઈ શકે છે. તે પુરુષો અને સ્ત્રીઓને એકસમાન ગણવાનું શીખી શકે છે. (એફે. ૪:૨૨-૨૪) એ માટે જરૂરી છે કે તે યહોવાનો દાખલો અનુસરે. આ લેખમાં ત્રણ સવાલોની ચર્ચા કરીશું: યહોવા સ્ત્રીઓ સાથે કઈ રીતે વર્તે છે? ભાઈઓ કઈ રીતે યહોવાની જેમ સ્ત્રીઓ સાથે વર્તવાનું શીખી શકે? વડીલો કઈ રીતે બહેનોને માન આપવામાં સારો દાખલો બેસાડી શકે?

યહોવા સ્ત્રીઓ સાથે કઈ રીતે વર્તે છે?

સ્ત્રીઓ સાથે કઈ રીતે વર્તવું જોઈએ એ વિશે યહોવાએ સૌથી સારો દાખલો બેસાડ્યો છે. આપણા પિતા યહોવા બહુ કરુણાળુ છે. તે પૃથ્વી પરનાં પોતાનાં બધાં બાળકોને ખૂબ પ્રેમ કરે છે. (યોહા. ૩:૧૬) તે વફાદાર બહેનોને વહાલી દીકરીઓ જેવી ગણે છે. હવે ચાલો જોઈએ કે યહોવા કઈ રીતોએ બહેનોને પ્રેમ બતાવે છે અને માન આપે છે.

યહોવા તેઓ સાથે ભેદભાવ કરતા નથી. યહોવાએ પુરુષો અને સ્ત્રીઓને તેમના જેવાં બનાવ્યાં છે. (ઉત. ૧:૨૭) તેમણે સ્ત્રીઓ કરતાં પુરુષોને વધારે બુદ્ધિ કે આવડત આપી નથી. એવું નથી કે તેમની નજરે સ્ત્રીઓ કરતાં પુરુષોનું વધારે માન છે. (૨ કાળ. ૧૯:૭) તેમણે પુરુષો અને સ્ત્રીઓને એકસરખી જ આવડત આપી છે, જેથી તેઓ બાઇબલનું સત્ય સમજી શકે અને યહોવા જેવા ગુણો બતાવી શકે. યહોવા એ દરેક પુરુષ અને સ્ત્રીને અનમોલ ગણે છે, જે તેમનામાં શ્રદ્ધા મૂકે છે. તેમણે પુરુષો અને સ્ત્રીઓ બંનેને આશા આપી છે, પછી ભલે એ પૃથ્વી પર હંમેશ માટે જીવવાની હોય અથવા સ્વર્ગમાં રાજાઓ અને યાજકો તરીકે સેવા આપવાની હોય. (૨ પિત. ૧:૧, ફૂટનોટ) એનાથી સાફ જોવા મળે છે કે યહોવા સ્ત્રીઓ સાથે ભેદભાવ કરતા નથી.

યહોવા તેઓનું સાંભળે છે. યહોવા એ વાત પર ધ્યાન આપે છે કે સ્ત્રીઓને કઈ ચિંતાઓ છે અને તેઓને કેવું લાગે છે. દાખલા તરીકે, યહોવાએ રાહેલ અને હાન્‍નાની પ્રાર્થના સાંભળી અને એનો જવાબ આપ્યો. (ઉત. ૩૦:૨૨; ૧ શમુ. ૧:૧૦, ૧૧, ૧૯, ૨૦) તેમણે બાઇબલના લેખકોને પણ એવા અહેવાલો નોંધવાનું જણાવ્યું, જેમાં પુરુષોએ સ્ત્રીઓની વાત સાંભળી હોય. દાખલા તરીકે, ઇબ્રાહિમે યહોવાનું માર્ગદર્શન પાળ્યું અને પોતાની પત્ની સારાહની વાત સાંભળી. (ઉત. ૨૧:૧૨-૧૪) રાજા દાઉદે અબીગાઈલનું સાંભળ્યું. તેમને તો એવું લાગ્યું કે તેમની સાથે વાત કરવા જાણે યહોવાએ અબીગાઈલને મોકલી હોય. (૧ શમુ. ૨૫:૩૨-૩૫) ઈસુ પૂરી રીતે તેમના પિતા જેવા ગુણો બતાવે છે. પૃથ્વી પર હતા ત્યારે તેમણે પોતાની મા મરિયમની વાત સાંભળી. (યોહા. ૨:૩-૧૦) એ બધા દાખલાઓ બતાવે છે કે યહોવા સ્ત્રીઓનું સાંભળે છે અને તેઓને માન આપે છે.

યહોવા તેઓ પર ભરોસો કરે છે. દાખલા તરીકે, યહોવાને હવા પર ભરોસો હતો. એટલે આદમની સાથે સાથે તેમણે હવાને પણ આ પૃથ્વીની સંભાળ રાખવાની જવાબદારી સોંપી. (ઉત. ૧:૨૮) એમ કરીને યહોવાએ બતાવી આપ્યું કે તે હવાને તેના પતિ આદમ કરતાં ઊતરતી ગણતા નથી, પણ તેને એક સહાયકારી ગણે છે. યહોવાને દબોરાહ અને હુલ્દાહ પર ભરોસો હતો. એટલે તેઓને પ્રબોધિકા તરીકેની જવાબદારી સોંપી. તેઓ ઇઝરાયેલીઓને સલાહ આપતી હતી, જેમાં એક ન્યાયાધીશ અને એક રાજાનો પણ સમાવેશ થાય છે. (ન્યા. ૪:૪-૯; ૨ રાજા. ૨૨:૧૪-૨૦) આજે યહોવાને ભરોસો છે કે આપણી બહેનો તેમનું કામ કરશે. આ વફાદાર બહેનો પ્રકાશકો, પાયોનિયરો અને મિશનરીઓ તરીકે સેવા આપે છે. તેઓ પ્રાર્થનાઘરો અને શાખા કચેરીઓની ડિઝાઇન તૈયાર કરવામાં, એના બાંધકામમાં અને સમારકામમાં મદદ કરે છે. અમુક બહેનો બેથેલમાં, તો અમુક બહેનો ભાષાંતર કેન્દ્રોમાં સેવા આપે છે. એ બહેનો એક મોટા ટોળા જેવી છે, જેઓ દ્વારા યહોવા પોતાની ઇચ્છા પૂરી કરે છે. (ગીત. ૬૮:૧૧) સાચે જ, યહોવા સ્ત્રીઓને કમજોર અથવા નકામી ગણતા નથી.

ભાઈઓ કઈ રીતે યહોવાની જેમ સ્ત્રીઓ સાથે વર્તવાનું શીખી શકે?

ભાઈઓ, શું તમે બહેનો સાથે એ જ રીતે વર્તો છો, જે રીતે યહોવા વર્તે છે? એ જાણવા પૂરી ઇમાનદારીથી તપાસ કરો કે બહેનો વિશે તમે શું વિચારો છો અને તેઓ સાથે કઈ રીતે વર્તો છો. એમ કરવા મદદની જરૂર છે. એક ડૉક્ટર અમુક સાધનોની મદદથી પારખી શકે છે કે વ્યક્તિનું હૃદય બરાબર કામ કરે છે કે નહિ. એવી જ રીતે, એક સારા દોસ્તની અને બાઇબલની મદદથી તમે પારખી શકશો કે તમારા દિલના કોઈ ખૂણામાં સ્ત્રીઓ માટે ભેદભાવ છે કે નહિ. એ મદદ મેળવવા શું કરવાની જરૂર છે?

એક સારા દોસ્તને પૂછો. (નીતિ. ૧૮:૧૭) તમે એક ભરોસાપાત્ર, વાજબી અને દયાળુ દોસ્તની મદદ લઈ શકો. તમે તેને પૂછી શકો: “તને શું લાગે છે, હું બહેનો સાથે કઈ રીતે વર્તું છું? શું તેઓને લાગે છે કે હું તેઓને માન આપું છું? શું બહેનો સાથેના વર્તાવમાં મારે કોઈ ફેરફાર કરવાની જરૂર છે?” જો તમારો દોસ્ત તમને ફેરફાર કરવાની અમુક રીતો જણાવે, તો ખોટું લગાડશો નહિ. એને બદલે જરૂરી ફેરફારો કરવા તૈયાર રહેજો.

બાઇબલનો અભ્યાસ કરો. બહેનો સાથે સારી રીતે વર્તીએ છીએ કે નહિ, એ જાણવાની સૌથી સારી રીત કઈ છે? બાઇબલમાં ડોકિયું કરીને પોતાનાં વિચારો અને વાણી-વર્તનની તપાસ કરીએ. (હિબ્રૂ. ૪:૧૨) બાઇબલનો અભ્યાસ કરીએ છીએ ત્યારે આપણે અમુક પુરુષો વિશે શીખીએ છીએ, જેઓ સ્ત્રીઓ સાથે સારી રીતે વર્ત્યા હતા. એવા પુરુષો વિશે પણ શીખીએ છીએ, જેઓ સ્ત્રીઓ સાથે સારી રીતે વર્ત્યા ન હતા. પછી તેઓની સરખામણી પોતાની સાથે કરીને જોઈએ કે આપણે સ્ત્રીઓ સાથે કઈ રીતે વર્તીએ છીએ. એ ઉપરાંત, ભાઈઓએ ફક્ત એક જ કલમનો વિચાર કરવો ન જોઈએ અને એના આધારે સ્ત્રીઓ વિશેના પોતાના વિચારોને સાચા ઠેરવવા ન જોઈએ. એને બદલે, તેઓએ બાઇબલની ઘણી કલમોનો અભ્યાસ કરવો જોઈએ, જેમાં બતાવ્યું હોય કે એક માણસે સ્ત્રીઓ સાથે કઈ રીતે વર્તવું જોઈએ. આમ તે સ્ત્રીઓ વિશે યહોવાના વિચારો જાણી શકશે. દાખલા તરીકે, પહેલો પિતર ૩:૭માં લખ્યું છે: “સ્ત્રીઓ નાજુક વાસણ જેવી છે, એટલે તેઓને માન આપો.” a શું એનો એવો અર્થ થાય કે સ્ત્રીઓ પુરુષો કરતાં ઊતરતી છે? તેઓમાં ઓછી બુદ્ધિ છે? અથવા તેઓ કંઈ કામની નથી? ના, એવું જરાય નથી. પાઉલના શબ્દોને ગલાતીઓ ૩:૨૬-૨૯માં લખેલી વાત સાથે સરખાવો. ત્યાં લખ્યું છે કે યહોવાએ પુરુષોની સાથે સાથે સ્ત્રીઓને પણ ઈસુ સાથે સ્વર્ગમાં રાજ કરવા પસંદ કરી છે. એટલે બાઇબલનો અભ્યાસ કરો. સ્ત્રીઓ સાથે કઈ રીતે વર્તો છો એ વિશે કોઈ સારા દોસ્તને પૂછો. આમ બહેનોને વધારે માન આપવાનું શીખી શકશો.

વડીલો કઈ રીતે બહેનોને માન બતાવે છે?

આપણા પ્રેમાળ વડીલોએ બહેનોને માન આપવામાં સરસ દાખલો બેસાડ્યો છે. મંડળના ભાઈઓ એ વડીલો પાસેથી ઘણું શીખી શકે છે. વડીલો કઈ રીતોએ બહેનોને માન આપે છે? ચાલો અમુક રીતો જોઈએ.

વડીલો બહેનોનાં વખાણ કરે છે. પ્રેરિત પાઉલે વડીલો માટે સરસ દાખલો બેસાડ્યો છે. રોમના મંડળને પત્ર લખતી વખતે તેમણે ઘણી બહેનોના વખાણ કર્યા. (રોમ. ૧૬:૧૨) જરા વિચારો, જ્યારે મંડળમાં પાઉલનો પત્ર વાંચવામાં આવ્યો હશે, ત્યારે એ બહેનોને કેટલી ખુશી થઈ હશે! એવી જ રીતે, આજે વડીલો બહેનોના સારા ગુણો માટે અને તેઓ યહોવા માટે જે કંઈ કરે છે એ માટે દિલથી તેઓના વખાણ કરે છે. એનાથી બહેનો જોઈ શકે છે કે એ ભાઈઓ તેઓને માન આપે છે અને તેઓને કીમતી ગણે છે. અમુક વાર બહેનોને ઉત્તેજન આપતા બે શબ્દોની જ જરૂર હોય છે, જેથી તેઓ વફાદારીથી યહોવાની સેવા કરતી રહે.—નીતિ. ૧૫:૨૩.

વખાણ કરો

વડીલો સાચા દિલથી બહેનોના વખાણ કરે છે અને જણાવે છે કે તેઓને બહેનોની કઈ વાત ગમી. શા માટે? જેસિકા નામની એક બહેન કહે છે: “જ્યારે ભાઈઓ કોઈ બહેનને કહે કે ‘શાબાશ,’ ત્યારે એ સાંભળવું સારું લાગે છે. પણ જ્યારે ભાઈઓ ખાસ કરીને એ જણાવે કે તેઓને અમારી કઈ વાત ગમી, ત્યારે વધારે ઉત્તેજન મળે છે. જેમ કે, જ્યારે તેઓ કહે કે, અમે પોતાનાં બાળકોને સભામાં શાંતિથી બેસવાનું શીખવીએ છીએ અથવા ઘણું જતું કરીને પણ પોતાના વિદ્યાર્થીને સભા માટે લેવા જઈએ છીએ, ત્યારે વધારે સારું લાગે છે.” જ્યારે વડીલો આ રીતે દિલથી બહેનોના વખાણ કરે છે, ત્યારે બહેનોને લાગે છે કે મંડળ માટે તેઓ કીમતી છે અને મંડળમાં તેઓનું એક સ્થાન છે.

વડીલો બહેનોનું સાંભળે છે. વડીલો ખૂબ નમ્ર છે. તેઓ સ્વીકારે છે કે હંમેશાં તેઓ પાસે જ સારાં સૂચનો હોય એ જરૂરી નથી. એવા નમ્ર વડીલો બહેનો પાસે સૂચનો માંગે છે અને બહેનો કંઈ જણાવે ત્યારે તેઓની વાત ધ્યાનથી સાંભળે છે. એમ કરીને વડીલો બહેનોને ઉત્તેજન આપે છે અને તેઓને પોતાને પણ ફાયદો થાય છે. કઈ રીતે? હેરાર્ડો નામના વડીલ બેથેલમાં સેવા આપે છે. તે કહે છે: “હું બહેનો પાસે સૂચનો માંગું છું. કેમ કે એનાથી મને મારું કામ સારી રીતે કરવા મદદ મળે છે. મોટા ભાગે જોઈએ તો અમુક કામ માટે ભાઈઓ કરતાં બહેનોને વધારે અનુભવ હોય છે.” મંડળમાં ઘણી બહેનો પાયોનિયર તરીકે સેવા આપે છે. એટલે આપણા વિસ્તારના લોકો વિશે તેઓ ખૂબ સારી રીતે જાણે છે. બ્રાયન નામના વડીલ કહે છે: “આપણી બહેનોમાં સરસ સરસ ગુણો અને આવડતો છે, જે સંગઠનમાં કામ લાગી શકે છે. એટલે બહેનોના અનુભવમાંથી શીખતા રહો!”

સાંભળો

સમજુ વડીલોએ બહેનોનાં સૂચનોને તરત જ નજરઅંદાજ કરવાં ન જોઈએ. શા માટે? એડવર્ડ નામના વડીલ કહે છે: “બહેનના સૂચનથી અને અનુભવથી ભાઈને કોઈ બાબત સારી રીતે સમજવા મદદ મળી શકે છે. બહેનના સૂચનથી તેમને બીજાઓની લાગણીઓ સમજવા પણ મદદ મળી શકે છે.” (નીતિ. ૧:૫) જો વડીલ કોઈ બહેનનું સૂચન લાગુ ન પાડી શકે, તોપણ તે બહેનનો આભાર માની શકે કે તેણે સરસ સૂચન આપ્યું અને બાબતને સારી રીતે સમજવા મદદ કરી.

વડીલો બહેનોને તાલીમ આપે છે. સમજુ વડીલો બહેનોને તાલીમ આપવાની તકો શોધે છે. દાખલા તરીકે, તેઓ બહેનોને શીખવી શકે કે પ્રચારની સભા કઈ રીતે ચલાવવી, જેથી બાપ્તિસ્મા પામેલા કોઈ ભાઈ ન હોય ત્યારે બહેનો એ સભા ચલાવી શકે. તેઓ બહેનોને અમુક સાધનો અથવા મશીન ચલાવવાનું શીખવી શકે, જેથી તેઓ સંગઠનની ઇમારતોના બાંધકામમાં અને સમારકામમાં મદદ કરી શકે. બેથેલમાં દેખરેખ રાખનાર ભાઈઓએ ઘણાં અલગ અલગ કામોમાં બહેનોને તાલીમ આપી છે. જેમ કે, સમારકામની, ખરીદી કરવાની, હિસાબ-કિતાબ રાખવાની, કોમ્પ્યુટરના પ્રોગ્રામ બનાવવાની અને બીજાં કામોની. બહેનોને તાલીમ આપીને વડીલો એ ભરોસો બતાવે કે બહેનો એ કામ સારી રીતે કરી શકશે.

તાલીમ આપો

વડીલોએ ઘણી બહેનોને તાલીમ આપી છે. બહેનો એ તાલીમથી બીજાઓને મદદ કરે છે. દાખલા તરીકે, અમુક બહેનોને બાંધકામની તાલીમ આપવામાં આવી છે. એ તાલીમથી બહેનો કુદરતી આફત પછી બીજાઓને પોતાનું ઘર બાંધવામાં મદદ કરે છે. અમુક બહેનોને જાહેરમાં પ્રચાર કરવાની તાલીમ આપવામાં આવી છે. તેઓ બીજી બહેનોને એ આવડત નિખારવા મદદ કરે છે. તાલીમ આપનાર વડીલો વિશે બહેનોને કેવું લાગે છે? જેનિફર નામની એક બહેન કહે છે: “જ્યારે હું એક પ્રાર્થનાઘરના બાંધકામમાં કામ કરતી હતી, ત્યારે એક નિરીક્ષકે સમય કાઢીને મને તાલીમ આપી. મારા કામ પર તેમણે ધ્યાન આપ્યું અને મારા વખાણ કર્યા. તેમની સાથે કામ કરવામાં મને બહુ મજા આવી, કેમ કે મને એવું લાગ્યું કે તે મને કીમતી ગણે છે અને મારા પર ભરોસો કરે છે.”

બહેનોને કુટુંબનો ભાગ ગણીએ

યહોવાની જેમ આપણે વફાદાર બહેનોને ખૂબ પ્રેમ કરીએ છીએ. એટલે તેઓને કુટુંબનો ભાગ ગણીએ છીએ. (૧ તિમો. ૫:૧, ૨) બહેનો સાથે ખભેખભા મિલાવીને કામ કરવું એ આપણા માટે ગર્વ અને સન્માનની વાત છે. આપણે ચાહીએ છીએ કે બહેનો આપણો પ્રેમ ચાખે અને આપણા સાથ-સહકારનો અનુભવ કરે. જ્યારે તેઓ એ મહેસૂસ કરશે, ત્યારે આપણને ખુશી મળશે. વેનેસા નામની બહેન કહે છે: “હું યહોવાનો બહુ આભાર માનું છું કે તેમણે મને તેમના સંગઠનનો ભાગ બનાવી. એ સંગઠનમાં એવા ઘણા ભાઈઓ છે, જેઓએ મારી હિંમત વધારી છે.” તાઇવાનમાં રહેતી એક બહેન કહે છે: “હું ખૂબ આભારી છું કે યહોવા અને તેમનું સંગઠન બહેનોને આટલી અનમોલ ગણે છે અને તેઓની લાગણીઓ સમજે છે. એનાથી મારી શ્રદ્ધા વધે છે અને હું યહોવાના સંગઠનનો ભાગ છું એ લહાવાની કદર કરવા ઉત્તેજન મળે છે.”

જ્યારે યહોવા જોતા હશે કે વફાદાર ભાઈઓ તેમની જેમ બહેનો સાથે વર્તે છે, ત્યારે તેમને કેટલો ગર્વ થતો હશે! (નીતિ. ૨૭:૧૧) સ્કૉટલૅન્ડમાં રહેતા બેન્જામીન નામના એક વડીલ કહે છે: “આ દુનિયામાં મોટા ભાગના પુરુષો સ્ત્રીઓને માન આપતા નથી. એટલે અમે ચાહીએ છીએ કે બહેનો જ્યારે પ્રાર્થનાઘરમાં આવે, ત્યારે એ ફરક જોઈ શકે. તેઓ જોઈ શકે કે અમે તેઓને પ્રેમ કરીએ છીએ અને માન આપીએ છીએ.” આપણી વહાલી બહેનો આપણાં પ્રેમ અને માનની હકદાર છે. તેઓને એ આપવા બનતું બધું કરીએ અને બતાવી આપીએ કે આપણે યહોવાનું અનુકરણ કરીએ છીએ.—રોમ. ૧૨:૧૦.

a “નાજુક વાસણ” એ શબ્દો વિશે વધારે માહિતી મેળવવા જૂન ૧, ૨૦૦૬ ચોકીબુરજમાં આપેલો લેખ “‘નબળા પાત્રનું’ મૂલ્ય” અને માર્ચ ૧, ૨૦૦૫, ચોકીબુરજમાં આપેલો લેખ “જીવન સાથીઓ માટે સરસ સલાહ” જુઓ.