સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

શાસ્ત્રના માર્ગદર્શન મુજબ વ્યવસ્થામાં આવેલા લોકો

શાસ્ત્રના માર્ગદર્શન મુજબ વ્યવસ્થામાં આવેલા લોકો

“યહોવાએ જ્ઞાન વડે પૃથ્વી રચી; તેણે બુદ્ધિથી આકાશોને સ્થાપન કર્યા.”—નીતિ. ૩:૧૯.

ગીતો: ૬, ૨૪

૧, ૨. (ક) ઈશ્વરનું સંગઠન હોવું જોઈએ કે નહિ, એ વિશે અમુકને કેવું લાગે છે? (ખ) આ લેખમાં આપણે શાની ચર્ચા કરીશું?

અમુક લોકો કદાચ કહે: “માર્ગદર્શન મેળવવા આપણને કોઈ સંગઠનની જરૂર નથી. ઈશ્વર સાથે સારો સંબંધ હોય એટલે બહુ થઈ ગયું.” શું એ ખરું છે? હકીકત શું છે?

આ લેખમાં આપણે જોઈશું કે યહોવા વ્યવસ્થાના ઈશ્વર છે અને તે પોતાના લોકોને વ્યવસ્થામાં લાવે છે. આપણે એની પણ ચર્ચા કરીશું કે, યહોવાના સંગઠન તરફથી માર્ગદર્શન મળે ત્યારે, આપણે શું કરવું જોઈએ. (૧ કોરીં. ૧૪:૩૩, ૪૦) પ્રથમ સદીમાં, યહોવાના લોકોએ શાસ્ત્રમાં આપેલાં સૂચનો પાળ્યાં. તેથી, તેઓ પૃથ્વીને ખૂણેખૂણે ખુશખબર ફેલાવી શક્યા. એવી જ રીતે, આજે આપણે પણ શાસ્ત્રનાં સૂચનો અને સંગઠન તરફથી મળતા માર્ગદર્શનને લાગુ પાડીએ છીએ. આમ, ખુશખબર ફેલાવવાના કામમાં મદદ કરીએ છીએ. તેમ જ, દુનિયા ફરતેનાં બધાં જ મંડળોની શુદ્ધતા, શાંતિ અને એકતા જાળવવામાં સાથ આપીએ છીએ.

યહોવા—વ્યવસ્થાના ઈશ્વર

૩. તમને શા માટે ખાતરી છે કે યહોવા વ્યવસ્થાના ઈશ્વર છે?

યહોવાએ રચેલી સૃષ્ટિ પરથી દેખાઈ આવે છે કે, યહોવા વ્યવસ્થાના ઈશ્વર છે. તેમણે પોતાના ‘જ્ઞાન વડે પૃથ્વી રચી છે અને બુદ્ધિથી આકાશોને સ્થાપન કર્યા છે.’ (નીતિ. ૩:૧૯) સૃષ્ટિમાં એવું ઘણું છે જેના વિશે હજુ આપણે અજાણ છીએ. હકીકતમાં, આપણે જે જાણીએ છીએ એ તો યહોવાનો “ઝીણો ગણગણાટ” સાંભળવા બરાબર છે. (અયૂ. ૨૬:૧૪) જોકે, સૃષ્ટિ વિશે આપણે જે થોડું ઘણું જાણીએ છીએ એ પરથી સ્પષ્ટ છે કે, ઈશ્વરે બધું વ્યવસ્થાપૂર્વક બનાવ્યું છે. (ગીત. ૮:૩, ૪) જરા વિચારો, લાખો ને કરોડો તારાઓ આકાશમાં સુવ્યવસ્થિત રીતે ગોઠવાયેલા છે. સૂર્યમંડળના ગ્રહો સૂર્યની આસપાસ પોતપોતાની ધરી પર ફર્યા કરે છે. એવી અજોડ વ્યવસ્થા યહોવાને લીધે શક્ય બની છે. કારણ કે, તેમણે એ ગ્રહો અને તારાઓને સુવ્યવસ્થિત રીતે ગોઠવ્યા છે. સાચે જ, યહોવાએ પોતાના “ડહાપણ વડે આકાશો” અને પૃથ્વી ઉત્પન્ન કર્યાં છે. આપણે એનો વિચાર કરીએ છીએ ત્યારે, તેમનો મહિમા કરવા, તેમની ભક્તિ કરવા અને તેમને વફાદાર રહેવા પ્રેરાઈએ છીએ.—ગીત. ૧૩૬:૧, ૫-૯.

૪. વૈજ્ઞાનિકો શા માટે અમુક મહત્ત્વના સવાલોના જવાબ આપી શક્યા નથી?

વૈજ્ઞાનિકોએ પૃથ્વી અને બ્રહ્માંડ પર ઘણું બધું સંશોધન કર્યું છે. એનો ઉપયોગ કરીને તેઓએ મનુષ્યોનું જીવન વધારે સારું બનાવ્યું છે. પરંતુ, લોકોના મનમાં જે મહત્ત્વના સવાલો ઊઠે છે, એના જવાબ તેઓ આપી શકતા નથી. દાખલા તરીકે, તેઓ જણાવી શકતા નથી કે, બ્રહ્માંડની શરૂઆત કેવી રીતે થઈ અને શા માટે પૃથ્વી પર મનુષ્યો, પ્રાણીઓ અને વૃક્ષોનું અસ્તિત્વ છે. મોટા ભાગના લોકો સમજાવી નથી શકતા કે, મનુષ્યના મનમાં કેમ કાયમ માટે જીવવાની તીવ્ર ઇચ્છા હોય છે. (સભા. ૩:૧૧) લોકો પાસે એ સવાલોના કોઈ જવાબ નથી. કારણ કે, વૈજ્ઞાનિકો અને બીજા ઘણા લોકો ઈશ્વરના અસ્તિત્વમાં માનતા નથી અને ઉત્ક્રાંતિવાદને ટેકો આપે છે. પરંતુ, એ સવાલોના જવાબ યહોવાએ બાઇબલમાં આપ્યા છે.

૫. મનુષ્યો કઈ રીતે કુદરતી નિયમો પર નિર્ભર રહે છે?

યહોવાએ ઘણા કુદરતી નિયમો ઘડ્યા છે. એ નિયમો કદી બદલાતા નથી. ઇલેક્ટ્રિશિયન, પ્લમ્બર, એન્જિનિયર, પાયલોટ, ડૉક્ટર અને મોટા ભાગના બીજા લોકો એ નિયમોને આધારે કામ કરતા હોય છે. દાખલા તરીકે, સામાન્ય રીતે માણસોનું હૃદય એક જ જગ્યાએ હોય છે. એટલે, ડૉક્ટર કોઈ દર્દીને તપાસે ત્યારે, તેણે શોધવું નથી પડતું કે દર્દીનું હૃદય શરીરના કયા હિસ્સામાં છે. હવે આનો વિચાર કરો: દરેક વ્યક્તિ જાણે છે કે, ઘણી ઊંચાઈ પરથી તે કૂદકો મારશે તો, ભોંયભેગી થશે અને કદાચ મરણ પામશે. પરંતુ, આપણે તો જીવવા ઇચ્છીએ છીએ એટલે ગુરુત્વાકર્ષણ જેવા કુદરતી નિયમોને આધીન રહીએ છીએ.

સૃષ્ટિ—ઈશ્વરની વ્યવસ્થાનું ઉદાહરણ

૬. યહોવા ચાહે છે કે લોકો વ્યવસ્થામાં રહીને તેમની ભક્તિ કરે. આપણે શાને આધારે એમ કહીએ છીએ?

યહોવાએ જે વ્યવસ્થાથી આખું વિશ્વ રચ્યું છે એ ખરેખર અદ્ભુત છે. એક વાત સ્પષ્ટ છે, યહોવા પોતાના લોકો પાસે ચાહે છે કે, તેઓ પણ વ્યવસ્થામાં રહીને તેમની ભક્તિ કરે. યહોવાએ આપણને બાઇબલ આપ્યું છે, જેથી તેમની ભક્તિ કરવાની યોગ્ય રીત આપણે શીખી શકીએ. બાઇબલ અને પોતાના સંગઠન દ્વારા યહોવા જે માર્ગદર્શન આપે છે એને પાળવું ખૂબ જરૂરી છે. એનાથી જ આપણું જીવન ખુશહાલ અને સંતોષભર્યું બની શકે છે.

૭. બાઇબલ જે રીતે લખવામાં આવ્યું છે, એ પરથી આપણે શું શીખી શકીએ?

બાઇબલ યહોવા તરફથી અજોડ ભેટ છે. જોકે, અમુક નિષ્ણાતોનું કહેવું છે કે, બાઇબલ તો યહુદીઓ અને ખ્રિસ્તીઓના અમુક લખાણોને ભેગાં કરીને બનાવેલું પુસ્તક છે. પણ હકીકત એ છે કે, યહોવાએ પોતે પસંદગી કરી હતી કે, બાઇબલનાં પુસ્તકો કોણ લખશે, ક્યારે લખશે અને એમાં શું લખશે. એના લીધે, બાઇબલનાં બધાં જ પુસ્તકો એકબીજાના સુમેળમાં છે અને ઈશ્વરનો સંદેશો સમજવા મદદ કરે છે. ઉત્પત્તિથી લઈને પ્રકટીકરણ સુધીના બધાં પુસ્તકો એક મુખ્ય વિષય પર વાત કરે છે: ફક્ત યહોવાને જ બધા પર રાજ કરવાનો હક છે અને વચન પ્રમાણેનું ‘સંતાન’ એટલે કે ઈસુ ખ્રિસ્ત પોતાના રાજ્ય દ્વારા આ પૃથ્વીને ફરીથી બાગ જેવી સુંદર બનાવશે.—ઉત્પત્તિ ૩:૧૫; માથ્થી ૬:૧૦; પ્રકટીકરણ ૧૧:૧૫ વાંચો.

૮. ઇઝરાયેલીઓ કઈ રીતે એક વ્યવસ્થામાં હતા?

યહોવાએ મુસા દ્વારા ઇઝરાયેલીઓને નિયમો આપ્યા હતા. એ નિયમો પાળવાને લીધે તેઓ સારી વ્યવસ્થા જાળવી શકતા હતા. દાખલા તરીકે, “મુલાકાતમંડપના પ્રવેશદ્વાર પાસે જે સ્ત્રીઓ એકત્ર મળતી હતી,” તેઓ ગોઠવણ મુજબ યહોવાની ઉપાસના કરતી હતી. (નિર્ગ. ૩૮:૮, IBSI) મુલાકાત મંડપ અને છાવણીને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવા માટે અમુક સૂચનો આપવામાં આવ્યાં હતાં. એના લીધે, એ કામ સુવ્યવસ્થિત રીતે થઈ શકતું હતું. પછીથી, યહોવાની ઉપાસના માટે રાજા દાઊદે યાજકો અને લેવીઓમાં વ્યવસ્થિત રીતે કામ વહેંચી આપ્યું. (૧ કાળ. ૨૩:૧-૬; ૨૪:૧-૩) ઇઝરાયેલીઓ યહોવાના માર્ગે ચાલતા ત્યારે, તેઓને આશીર્વાદ મળતા. આમ, તેઓ શાંતિ, એકતા અને વ્યવસ્થામાં રહી શકતા.—પુન. ૧૧:૨૬, ૨૭; ૨૮:૧-૧૪.

૯. પ્રથમ સદીનાં મંડળો કઈ રીતે વ્યવસ્થામાં રહીને કામ કરતા હતાં?

પ્રથમ સદીનાં મંડળો પણ વ્યવસ્થામાં રહીને કામ કરતા. ભાઈઓનો એક નાનો સમૂહ બધાં મંડળોને માર્ગદર્શન આપતો. એ સમૂહ નિયામક જૂથ તરીકે ઓળખાતો. શરૂઆતમાં, એ જૂથ ફક્ત પ્રેરિતોથી બનેલું હતું. પછીથી, એમાં વડીલોનો ઉમેરો કરવામાં આવ્યો. (પ્રે.કા. ૬:૧-૬; ૧૫:૬) મંડળોને માર્ગદર્શન આપવા યહોવાએ નિયામક જૂથના અમુક સભ્યો અને તેઓ સાથે નજીકથી કામ કરતા ભાઈઓને પ્રેરણા આપી. તેઓ પત્રો દ્વારા મંડળોને માર્ગદર્શન આપતા. (૧ તિમો. ૩:૧-૧૩; તિત. ૧:૫-૯) નિયામક જૂથ તરફથી મળતાં માર્ગદર્શનને પાળવાથી મંડળોને કેવો લાભ થયો?

૧૦. પ્રથમ સદીનાં મંડળોએ નિયામક જૂથનાં સૂચનો પ્રમાણે કામ કર્યું ત્યારે, કેવાં પરિણામો આવ્યાં? (શરૂઆતનું ચિત્ર જુઓ.)

૧૦ પ્રેરિતોનાં કાર્યો ૧૬:૪, ૫ વાંચો. પ્રથમ સદીમાં અમુક ભાઈઓ મંડળોની મુલાકાત લેતા અને નિયામક જૂથે એટલે કે, “યરૂશાલેમના પ્રેરિતો અને વડીલોએ જે ઠરાવો નક્કી કર્યા હતા, એ પાળવાનું” જણાવતા. એ ઠરાવ પ્રમાણે કામ કરવાથી “મંડળો શ્રદ્ધામાં મક્કમ થતાં ગયાં અને તેઓની સંખ્યા દિવસે ને દિવસે વધતી ગઈ.” તેઓના દાખલા પરથી આપણે કયો બોધપાઠ લઈ શકીએ?

શું તમે માર્ગદર્શન પાળો છો?

૧૧. નિયુક્ત ભાઈઓને સંગઠન તરફથી માર્ગદર્શન મળે ત્યારે, તેઓએ શું કરવું જોઈએ?

૧૧ શાખા સમિતિ કે દેશની સમિતિના સભ્યોએ તેમજ સરકીટ નિરીક્ષક અને વડીલોએ સંગઠન તરફથી મળતું માર્ગદર્શન પાળવું જરૂરી છે. હકીકતમાં તો, યહોવાએ બાઇબલમાં જણાવ્યું છે કે આગેવાની લેતા ભાઈઓને આપણે બધાએ આધીન રહેવું જોઈએ. (પુન. ૩૦:૧૬; હિબ્રૂ. ૧૩:૭, ૧૭) યહોવાને વફાદાર રહેતા લોકો બંડખોર હોતા નથી અને જે માર્ગદર્શન મળે છે એની સામે કચકચ કરતા નથી. આપણે દિયત્રેફેસ જેવા બનવા માંગતા નથી, જેને આગેવાની લેતા ભાઈઓ માટે જરાય માન ન હતું. (૩ યોહાન ૯, ૧૦ વાંચો.) સંગઠન તરફથી મળતા માર્ગદર્શન પ્રમાણે પગલાં ભરીએ છીએ ત્યારે, આપણે મંડળની શાંતિ અને એકતા જાળવવા મદદ કરીએ છીએ. આપણે આવા સવાલો પર વિચાર કરવો જોઈએ: “શું હું ભાઈ-બહેનોને યહોવાને વફાદાર રહેવા ઉત્તેજન આપું છું? ઈશ્વરના સંગઠનથી મળતા માર્ગદર્શનને શું હું તરત જ લાગુ પાડું છું?”

૧૨. વડીલો અને સહાયક સેવકોની નિમણૂક કઈ રીતે થાય છે?

૧૨ વડીલો અને સહાયક સેવકોની જે રીતે નિમણૂક થતી હતી એમાં નિયામક જૂથના ભાઈઓએ તાજેતરમાં ફેરફાર કર્યો છે. એ ફેરફાર વિશે નવેમ્બર ૧૫, ૨૦૧૪ ચોકીબુરજના “વાચકો તરફથી પ્રશ્નો” લેખમાં જણાવવામાં આવ્યું છે. એ લેખ બતાવે છે કે, પ્રથમ સદીમાં નિયામક જૂથે પ્રવાસી નિરીક્ષકોને અધિકાર આપ્યો હતો કે, તેઓ કોઈ ભાઈને વડીલ કે સહાયક સેવક તરીકે નિયુક્ત કરી શકે. એ ગોઠવણને ધ્યાનમાં રાખીને, સપ્ટેમ્બર ૨૦૧૪થી ભાઈઓને નિયુક્ત કરવાનું કામ સરકીટ નિરીક્ષકોને સોંપાયું છે. મંડળના વડીલો કોઈ ભાઈને સહાયક સેવક કે વડીલ બનાવવા ભલામણ કરે છે ત્યારે, સરકીટ નિરીક્ષક તે ભાઈને અને તેના કુટુંબને સારી રીતે ઓળખવાનો પ્રયત્ન કરે છે. એમ કરવા, તે કદાચ એ ભાઈ સાથે પ્રચારમાં કામ કરે. (૧ તિમો. ૩:૪, ૫) પછી, સરકીટ નિરીક્ષક અને વડીલો ભેગા મળે છે અને બાઇબલમાં આપેલી સહાયક સેવક અને વડીલો માટેની લાયકાતો પર ધ્યાનપૂર્વક વિચાર કરે છે.—૧ તિમો. ૩:૧-૧૦, ૧૨, ૧૩; ૧ પીત. ૫:૧-૩.

૧૩. આપણે કઈ રીતે બતાવી શકીએ કે, આપણે વડીલોના માર્ગદર્શન પ્રમાણે ચાલીએ છીએ?

૧૩ વડીલો મંડળનું રક્ષણ કરવા અને એની કાળજી રાખવા ચાહે છે. તેથી, તેઓ આપણને બાઇબલમાંથી અમુક માર્ગદર્શન આપે છે. આપણે એ માર્ગદર્શન પર કાન ધરવાની જરૂર છે, કારણ કે એ આપણા ભલા માટે છે. (૧ તિમો. ૬:૩) પ્રથમ સદીમાં અમુક લોકો “મનમાની” કરતા હતા. તેઓ ‘કોઈ કામ કરતા ન હતા, પરંતુ તેઓને જે વાતો લાગતી-વળગતી ન હતી, એમાં માથું માર્યા કરતા હતા.’ વડીલોએ તેઓને સુધારવાની કોશિશ કરી, પણ તેઓ સુધરવા ચાહતા ન હતા. એવા લોકો સાથે કેવો વ્યવહાર કરવો એ વિશે પાઊલે મંડળને માર્ગદર્શન આપતા કહ્યું: “તેની નોંધ રાખજો અને તેની સંગત રાખશો નહિ, જેથી તેને શરમ આવે.” તેઓએ એ વ્યક્તિ સાથે વાતચીત વ્યવહાર બંધ કરવાનો હતો, પણ તેને દુશ્મન ગણવાની ન હતી. (૨ થેસ્સા. ૩:૧૧-૧૫) કોઈ વ્યક્તિ આજે ઈશ્વરનાં ધોરણો પ્રમાણે ન ચાલે તો, વડીલો તેને એવી જ રીતે મદદ કરવાનો પ્રયત્ન કરે છે. દાખલા તરીકે, સત્યમાં ન હોય એવી વ્યક્તિ સાથે કોઈ ભાઈ કે બહેન ડેટિંગ કરતા હોય ત્યારે, વડીલો તેને શાસ્ત્રમાંથી સલાહ આપે છે. (૧ કોરીં. ૭:૩૯) જો એ ભાઈ કે બહેન પોતાના વલણમાં કોઈ સુધારો ન કરે, તો મંડળના રક્ષણ માટે વડીલો તરત જ પગલાં ભરશે. તેઓ મંડળમાં એક ટૉક આપવાનો નિર્ણય લઈ શકે. એ ટૉક દ્વારા બધાને સમજાવી શકે કે, એવા ખરાબ વલણથી મંડળની બદનામી થાય છે. જો વડીલો એવી ટૉક આપે, તો તમે કેવું વલણ બતાવશો? જો તમને ખબર હોય કે, એ વ્યક્તિ કોણ છે તો શું તમે તેની સાથે હળવા-મળવાનું બંધ કરશો? એ રીતે તમે કદાચ એ ભાઈ કે બહેનને અહેસાસ અપાવી શકશો કે, તેના એવા વર્તનથી તેને પોતાને નુકસાન થાય છે અને યહોવા નારાજ થાય છે. કદાચ એ વાત તેના દિલમાં ઊતરે અને તે પોતાનું વર્તન સુધારે. [1]

મંડળની શુદ્ધતા, શાંતિ અને એકતા જાળવી રાખો

૧૪. મંડળને શુદ્ધ રાખવા આપણે કઈ રીતે મદદ કરી શકીએ?

૧૪ બાઇબલમાં આપેલા માર્ગદર્શન પ્રમાણે ચાલીને આપણે મંડળની શુદ્ધતા જાળવવામાં ટેકો આપી શકીએ છીએ. પાઊલના સમયમાં કોરીંથ મંડળમાં જે બન્યું એનો વિચાર કરો. પાઊલ ત્યાંનાં ભાઈ-બહેનોને ખૂબ પ્રેમ કરતા હતા. તેમણે તેઓમાંના ઘણાને સત્ય શીખવા મદદ કરી હતી. (૧ કોરીં. ૧:૧, ૨) જોકે, પાઊલને જાણવા મળ્યું કે તેઓમાંની એક વ્યક્તિ અનૈતિક જીવન જીવે છે અને ભાઈઓ પણ એને ચલાવી લે છે. જરા વિચારો, એ જાણીને પાઊલને કેવું લાગ્યું હશે! પાઊલે મંડળના વડીલોને કહ્યું કે, “એવા માણસને નાશ માટે શેતાનના હાથમાં સોંપી દો.” વડીલોએ એ માણસને મંડળમાંથી કાઢી મૂકવાની જરૂર હતી, એટલે કે તેને બહિષ્કૃત કરવાનો હતો. (૧ કોરીં. ૫:૧, ૫-૭, ૧૨) આજે, કોઈ વ્યક્તિ પસ્તાવો ન બતાવે તો, વડીલો તેને બહિષ્કૃત કરવાનો નિર્ણય લઈ શકે. એવા કિસ્સામાં, શું એ વ્યક્તિ સાથે આપણે શાસ્ત્રમાં જણાવ્યા પ્રમાણે વર્તીશું? જો આપણે શાસ્ત્રના માર્ગદર્શન પ્રમાણે કરીશું, તો મંડળને શુદ્ધ રાખવામાં ટેકો આપી શકીશું. ઉપરાંત, એ વ્યક્તિને મહેસૂસ કરાવી શકીશું કે, તેણે પસ્તાવો કરવાની અને યહોવા પાસે માફી માંગવાની જરૂર છે.

૧૫. આપણે કઈ રીતે મંડળમાં શાંતિ જાળવી રાખી શકીએ?

૧૫ કોરીંથ મંડળમાં બીજી પણ એક સમસ્યા હતી. અમુક લોકોએ પોતાના ભાઈઓ વિરુદ્ધ કોર્ટમાં ફરિયાદ કરી હતી. પાઊલે તેઓને પૂછ્યું: “કેમ તમે અન્યાય સહેવા તૈયાર નથી?” (૧ કોરીં. ૬:૧-૮) આજે, મંડળનાં અમુક લોકોએ ભાઈ-બહેનો સાથે નોકરી-ધંધાને લઈને અમુક કરારો કર્યા છે. પરંતુ, હવે તેઓને લાગે છે કે, તેઓના પૈસા ડૂબી ગયા છે અથવા તેઓ સાથે છેતરપિંડી થઈ છે. તેથી, તેઓ પોતાના ભાઈઓને કોર્ટ સુધી ઘસડી ગયા છે. પરંતુ, આવું બને ત્યારે દુનિયાના લોકોને યહોવા અને તેમના લોકોની નિંદા કરવાની તક મળી જાય છે. એનાથી કદાચ મંડળમાં પણ મુશ્કેલીઓ સર્જાય શકે. બાઇબલ આપણને ઉત્તેજન આપે છે કે, આપણે ભાઈઓ સાથે શાંતિ જાળવવી જોઈએ, પછી ભલેને એનાથી આપણને પૈસે-ટકે નુકસાન કેમ ન થાય. [2] ગંભીર મતભેદો અને તકરારો કઈ રીતે થાળે પાડવાં એ વિશે ઈસુએ સરસ માર્ગદર્શન આપ્યું હતું. (માથ્થી ૫:૨૩, ૨૪; ૧૮:૧૫-૧૭ વાંચો.) એ માર્ગદર્શન પ્રમાણે ચાલીએ છીએ ત્યારે, મંડળમાં શાંતિ અને એકતા જળવાઈ રહે છે.

૧૬. યહોવાના લોકો શા માટે એકતામાં છે?

૧૬ યહોવાનો શબ્દ આપણને કહે છે: “ભાઈઓ સંપસંપીને રહે તે કેવું સારું તથા શોભાયમાન છે!” (ગીત. ૧૩૩:૧) ઇઝરાયેલીઓએ યહોવાની આજ્ઞાઓ પાળી ત્યારે, તેઓ સંગઠિત અને એકતામાં રહ્યા. યહોવાએ પોતાના લોકો વિશે ભાખ્યું હતું: ‘હું તેઓને વાડાનાં ઘેટાંની પેઠે એકઠા કરીશ.’ (મીખા. ૨:૧૨) યહોવાએ એ પણ ભાખ્યું હતું કે, તેમના લોકો શાસ્ત્રમાંથી સત્ય શીખશે અને એકતામાં રહીને તેમની સેવા કરશે. તેમણે કહ્યું હતું: “તે વખતે હું પ્રજાઓને શુદ્ધ હોઠો આપીશ, જેથી તેઓ યહોવાના નામની વિનંતી કરીને એકમતે તેની સેવા કરે.” (સફા. ૩:૯) આપણે એકતામાં રહીને યહોવાની સેવા કરી શકીએ છીએ, એ માટે તેમના કેટલા આભારી છીએ!

કોઈ વ્યક્તિ “અજાણતા ખોટા માર્ગે જાય” તો, તેને સુધારવા વડીલો ઠપકો આપે છે (ફકરો ૧૭ જુઓ)

૧૭. કોઈ ભાઈ કે બહેન ગંભીર પાપ કરે ત્યારે, વડીલોએ શું કરવું જોઈએ?

૧૭ કોઈ ભાઈ કે બહેન ગંભીર પાપ કરે છે ત્યારે, વડીલો તરત જ પગલાં ભરે છે અને તેને સુધારવા પ્રેમાળ ઠપકો આપે છે. કારણ કે, તેઓ યહોવાની ઇચ્છા સારી રીતે જાણે છે. યહોવા ચાહે છે કે, વડીલો કોઈ પણ ખરાબ અસરથી મંડળનું રક્ષણ કરે તેમજ એની એકતા અને શુદ્ધતા જાળવી રાખે. (નીતિ. ૧૫:૩) પાઊલે કોરીંથીઓને લખેલા પહેલા પત્રમાંથી જોઈ શકાય છે કે, તે ત્યાંના ભાઈ-બહેનોને ખૂબ પ્રેમ કરતા હતા. જોકે, જરૂર પડી ત્યારે તેઓને ઠપકો આપતા પણ અચકાયા નહિ. એ મંડળના વડીલોએ તરત જ પાઊલના માર્ગદર્શન પ્રમાણે પગલાં ભર્યાં. આપણે એમ કઈ રીતે કહી શકીએ? કારણ કે, થોડા મહિના પછી પાઊલે તેઓને બીજો પત્ર લખ્યો અને યોગ્ય પગલાં ભરવા માટે વડીલોના વખાણ કર્યા. પાઊલના દાખલામાંથી વડીલો શું શીખી શકે? જો કોઈ “માણસ અજાણતા ખોટા માર્ગે જાય,” તો વડીલોએ પ્રેમથી તેને ઠપકો આપવો જોઈએ અને સુધારો કરવા મદદ કરવી જોઈએ.—ગલા. ૬:૧.

૧૮. (ક) શાસ્ત્રના માર્ગદર્શનથી પ્રથમ સદીના મંડળોને કેવો ફાયદો થયો? (ખ) આવતા લેખમાં આપણે શાની ચર્ચા કરીશું?

૧૮ પ્રથમ સદીનાં મંડળોએ શાસ્ત્રનું માર્ગદર્શન પાળ્યું ત્યારે, મંડળોની શુદ્ધતા, શાંતિ અને એકતા જળવાઈ રહી. (૧ કોરીં. ૧:૧૦; એફે. ૪:૧૧-૧૩, ફૂટનોટ; ૧ પીત. ૩:૮) પરિણામે, તેઓ “આકાશ નીચેની સર્વ સૃષ્ટિને” ખુશખબર જાહેર કરી શક્યા. (કોલો. ૧:૨૩) આજે પણ, યહોવાના લોકો એકતામાં અને સંગઠિત છે. તેઓ ખુશખબરને પૃથ્વીના છેડા સુધી લઈ ગયા છે. આવતા લેખમાં આપણે વધુ સાબિતીઓ જોઈશું કે, યહોવાના લોકો બાઇબલના માર્ગદર્શન પ્રમાણે ચાલવા માંગે છે અને વિશ્વના માલિક યહોવાને મહિમા આપવાની તેઓના દિલની તમન્ના છે.—ગીત. ૭૧:૧૫, ૧૬.

^ [૧] (ફકરો ૧૩) ઓર્ગેનાઈઝ્ડ ટુ ડુ જેહોવાઝ વીલ, પાન ૧૩૪-૧૩૬ જુઓ.

^ [૨] (ફકરો ૧૫) અમુક કિસ્સામાં કોઈ ભાઈ મંડળના બીજા ભાઈ સામે કાનૂની કાર્યવાહી કરવાનો નિર્ણય લઈ શકે. એવા સંજોગો વિશે જાણવા ઈશ્વરના પ્રેમની છાયામાં રહો, પાન ૨૫૫, ફૂટનોટ જુઓ.