સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

‘ઉદાર માણસ પર આશીર્વાદ આવશે’

‘ઉદાર માણસ પર આશીર્વાદ આવશે’

અર્પણો વર્ષોથી સાચી ભક્તિનો મહત્ત્વનો ભાગ છે. ઇઝરાયેલીઓ પ્રાણીનું અર્પણ ચઢાવતા હતા. હંમેશાંથી ઈશ્વરભક્તો “સ્તુતિનું અર્પણ” ચઢાવવા માટે જાણીતા છે. જોકે, બીજાં એવાં ઘણાં અર્પણો છે, જેનાથી ઈશ્વર ખુશ થાય છે. (હિબ્રૂ. ૧૩:૧૫, ૧૬) એ અર્પણોથી ખુશી અને આશીર્વાદો મળે છે, જે નીચે આપેલા દાખલાઓમાંથી જોવા મળે છે.

પ્રાચીન સમયના ઈશ્વરભક્ત હાન્નાને બાળકો થતાં ન હતાં. તે દીકરાની ઝંખના રાખતાં હતાં. તેમણે યહોવાને પ્રાર્થના કરી અને માનતા લીધી કે જો તેમને દીકરો થશે, તો ‘એ દીકરાને આખી જિંદગી માટે યહોવાને અર્પણ કરશે.’ (૧ શમૂ. ૧:૧૦, ૧૧) સમય જતાં, હાન્ના ગર્ભવતી બન્યાં અને તેમણે એક દીકરાને જન્મ આપ્યો, જેનું નામ શમુએલ હતું. શમુએલને ધાવણ છોડાવ્યા પછી હાન્ના પોતાની માનતા પ્રમાણે તેને મંદિરે લઈ ગયાં. હાન્નાએ ત્યાગનું વલણ બતાવ્યું, એ માટે યહોવાએ તેમને આશીર્વાદ આપ્યો. તેમને બીજાં પાંચ બાળકો થયાં. સમય જતાં, શમુએલ પ્રબોધક અને બાઇબલના લેખક બન્યા.—૧ શમૂ. ૨:૨૧.

હાન્ના અને શમૂએલની જેમ, આજે ઈશ્વરભક્તો પાસે આપણા સર્જનહારની સેવામાં પોતાનું જીવન સમર્પિત કરવાની તક છે. ઈસુએ વચન આપ્યું હતું કે યહોવાની ભક્તિમાં આપેલા દરેક અર્પણનો ભરપૂર બદલો મળશે.—માર્ક ૧૦:૨૮-૩૦.

પહેલી સદીમાં, દોરકસ નામનાં બહેન બીજાઓને મદદ કરવા માટે જાણીતાં હતાં. તે ‘સારાં કામ કરવામાં અને દાન આપવામાં ઘણાં ઉદાર હતાં.’ જોકે, ‘તે બીમાર પડ્યાં અને મરણ પામ્યાં.’ એ દુઃખદ ઘટનાથી મંડળનાં ભાઈ-બહેનોમાં શોકની લાગણી ફેલાઈ ગઈ. શિષ્યોને ખબર પડી કે પીતર એ જ વિસ્તારમાં છે ત્યારે, તેઓએ તેમને આવવા વિનંતી કરી. પીતરે આવીને દોરકસને સજીવન કર્યાં. જરા કલ્પના કરો, શિષ્યોમાં કેવી ખુશીની લહેર ફેલાઈ ગઈ હશે! બાઇબલમાં નોંધેલો એ પહેલો બનાવ હતો, જ્યારે પ્રેરિત દ્વારા કોઈ વ્યક્તિને સજીવન કરવામાં આવી હોય. (પ્રે.કા. ૯:૩૬-૪૧) દોરકસે આપેલાં બલિદાનો ઈશ્વર ભૂલ્યા ન હતા. (હિબ્રૂ. ૬:૧૦) તેમણે બતાવેલી ઉદારતા વિશે બાઇબલમાં નોંધ કરવામાં આવી છે. આપણા માટે કેવો સુંદર દાખલો!

એવી જ રીતે, પ્રેરિત પાઊલે પણ આપણા માટે સુંદર દાખલો બેસાડ્યો છે. ભાઈ-બહેનોને મદદ કરવા તેમણે ઉદારતાથી સમય-શક્તિ ખર્ચ્યાં હતાં અને તેઓની ઘણી કાળજી રાખી હતી. કોરીંથના ભાઈઓને તેમણે કહ્યું હતું: “મારી વાત કરું તો, હું તમારા માટે બધું ખુશીથી ખર્ચી નાખવા, અરે, પોતે પણ પૂરેપૂરો ખર્ચાઈ જવા તૈયાર છું.” (૨ કોરીં. ૧૨:૧૫) પાઊલ અનુભવથી શીખ્યા કે બીજાઓ માટે જતું કરવાની ભાવના રાખવાથી સંતોષ મળે છે. સૌથી મહત્ત્વનું તો, યહોવાનાં આશીર્વાદ અને કૃપા મળે છે.—પ્રે.કા. ૨૦:૨૪, ૩૫.

સ્પષ્ટ છે કે, ભક્તિ માટે અને ભાઈ-બહેનો માટે સમય-શક્તિ ખર્ચીએ છીએ ત્યારે, યહોવા ખુશ થાય છે. બીજી કઈ રીતોથી રાજ્યના કામને ટેકો આપી શકીએ? આપણે રાજીખુશીથી દાનો આપીને પણ ઈશ્વરને મહિમા આપી શકીએ છીએ. એ દાનોનો ઉપયોગ દુનિયાભરમાં પ્રચારકામ આગળ ધપાવવા માટે થાય છે. એમાં મિશનરી અને પૂરા સમયના ખાસ સેવકોને ટેકો આપવાનો પણ સમાવેશ થાય છે. ઉપરાંત, સાહિત્ય અને વીડિયોને તૈયાર કરવામાં આવે છે અને એનું ભાષાંતર કરવામાં આવે છે. વધુમાં, રાહત કામ અને પ્રાર્થનાઘર બાંધકામમાં પણ એ દાનોનો ઉપયોગ કરવામાં આવે છે. આપણે ખાતરી રાખી શકીએ કે ‘ઉદાર માણસ પર આશીર્વાદ આવશે.’ વધુમાં, યહોવાને ઉત્તમ અર્પણ આપીને આપણે તેમનો મહિમા કરીએ છીએ.—નીતિ. ૩:૯; ૨૨:૯.

^ ફકરો. 10 ભારત માટે “Jehovah’s Witnesses of India”ના નામે મોકલી શકો.

^ ફકરો. 12 ભારતનો પાસપોર્ટ ધરાવનાર વ્યક્તિઓ આ વેબસાઇટનો ઉપયોગ કરી શકે છે: www.jwindiagift.org.

^ ફકરો. 14 નિર્ણય લેતા પહેલાં સ્થાનિક શાખા કચેરીનો સંપર્ક કરો.

^ ફકરો. 21 ભારતમાં આ પુસ્તિકા “કીમતી વસ્તુઓથી યહોવાનું સન્માન કરો” અંગ્રેજી, કન્નડા, તામિલ, તેલુગુ, મલયાલમ અને હિંદીમાં પ્રાપ્ય છે.