સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

કોઈને તમારું ઇનામ છીનવી લેવા ન દો

કોઈને તમારું ઇનામ છીનવી લેવા ન દો

“એવા માણસને તમારું ઇનામ છીનવી લેવા ન દો.”—કોલો. ૨:૧૮.

ગીતો: ૩૨, ૫૫

૧, ૨. (ક) ઈશ્વરભક્તો કયા ઇનામ પર નજર રાખે છે? (ખ) ઇનામ પર નજર રાખવા આપણને શેનાથી મદદ મળશે? (શરૂઆતનું ચિત્ર જુઓ.)

અભિષિક્તો પાસે અનમોલ લહાવો છે. તેઓ સ્વર્ગના જીવનની આતુરતાથી રાહ જુએ છે. પ્રેરિત પાઊલે એ આશાને એવું ઇનામ કહ્યું, જે “ઈશ્વર તરફથી સ્વર્ગનું આમંત્રણ છે.” (ફિલિ. ૩:૧૪) સ્વર્ગમાં તેઓ ઈસુ સાથે રાજ કરશે. તેઓ ઈસુ સાથે મળીને મનુષ્યોને સંપૂર્ણ બનવામાં મદદ કરશે. (પ્રકટી. ૨૦:૬) કેવી અદ્ભુત આશા! બીજાં ઘેટાંના લોકો પણ અલગ ઇનામની આતુરતાથી રાહ જુએ છે. તેઓ બાગ જેવી પૃથ્વી પર હંમેશ માટે જીવવાની આશા રાખે છે. એ આશાથી તેઓને સાચી ખુશી મળે છે.—૨ પીત. ૩:૧૩.

પાઊલ ચાહતા હતા કે તેમના અભિષિક્ત સાથીઓ વફાદાર રહે અને ઇનામ જીતે. તેઓને મદદ કરવા પાઊલે જણાવ્યું: “સ્વર્ગની વાતો પર મન લગાડેલું રાખો.” (કોલો. ૩:૨) એ માટે જરૂરી હતું કે તેઓ સ્વર્ગની આશા પર મન લગાડી રાખે. (કોલો. ૧:૪, ૫) યહોવા જે આશીર્વાદો આપવાના છે, એના પર વિચાર કરવાથી ઈશ્વરભક્તોને ઇનામ પર નજર રાખવા મદદ મળે છે. પછી ભલે તેઓની આશા સ્વર્ગની હોય કે પૃથ્વીની.—૧ કોરીં. ૯:૨૪.

૩. પાઊલે ઈશ્વરભક્તોને કઈ ચેતવણી આપી હતી?

પાઊલે ઈશ્વરભક્તોને એવાં જોખમો વિશે ચેતવણી આપી હતી, જે તેઓનું ઇનામ છીનવી શકે છે. દાખલા તરીકે, તેમણે કોલોસી મંડળનાં ભાઈ-બહેનોને જૂઠા ખ્રિસ્તીઓ વિશે લખ્યું હતું. ખ્રિસ્ત પર શ્રદ્ધા રાખવાને બદલે તેઓ મુસાનો નિયમ પાળીને ઈશ્વરને ખુશ કરવાની કોશિશ કરતા હતા. (કોલો. ૨:૧૬-૧૮) તેમણે એવાં જોખમો વિશે જણાવ્યું હતું, જે આજે પણ જોવા મળે છે. એ જોખમો આપણને ઇનામ જીતતા અટકાવી શકે છે. તેમણે સમજાવ્યું કે કઈ રીતે અનૈતિક ઇચ્છાઓને ટાળી શકાય. ઉપરાંત, ભાઈ-બહેનો સાથે અથવા કુટુંબમાં મુશ્કેલી ઊભી થાય ત્યારે, શું કરવું જોઈએ. પાઊલની એ કીમતી સલાહથી આજે આપણને પણ મદદ મળી શકે છે. તેથી, ચાલો આપણે કોલોસીના પત્રમાં જોવા મળતી તેમની પ્રેમાળ સલાહ પર ધ્યાન આપીએ.

અનૈતિક ઇચ્છાને મારી નાખો

૪. અનૈતિક ઇચ્છાઓ કઈ રીતે આપણું ઇનામ છીનવી શકે છે?

ભાઈ-બહેનોને અદ્ભુત આશા વિશે યાદ અપાવ્યા પછી પાઊલે લખ્યું: “તેથી, તમારા શરીરના અવયવોને મારી નાખો, જેમાં આવી ખોટી ઇચ્છાઓ પેદા થાય છે: વ્યભિચાર, અશુદ્ધતા, બેકાબૂ જાતીય વાસના, લાલસા અને લોભ.” (કોલો. ૩:૫) અનૈતિક ઇચ્છાઓ ઘણી પ્રબળ હોય છે. એના લીધે યહોવા સાથેનો આપણો સંબંધ તૂટી શકે છે અને ભાવિની આશા છીનવાઈ જઈ શકે છે. એક ભાઈએ વ્યભિચાર કર્યો હતો. મંડળમાં પાછા ફર્યા પછી તેમણે જણાવ્યું: ‘અનૈતિક ઇચ્છાઓ મારા પર એટલી પ્રબળ થઈ ગઈ હતી કે, મને ભાન થયું ત્યાં સુધીમાં તો ઘણું મોડું થઈ ગયું હતું.’

૫. જોખમી સંજોગોમાં આપણે પોતાનું રક્ષણ કઈ રીતે કરી શકીએ?

અમુક સંજોગોમાં યહોવાનાં નૈતિક ધોરણો તૂટી શકે છે. એવા સંજોગોમાં આવી પડીએ ત્યારે ખાસ ધ્યાન રાખવું જોઈએ. દાખલા તરીકે, લગ્ન પહેલાં ડેટિંગ કરતા યુગલોએ એકબીજાને અડકવા, ચુંબન કરવા અને એકાંતમાં મળવા જેવી બાબતો વિશે અગાઉથી જ મર્યાદા બાંધવી જોઈએ. (નીતિ. ૨૨:૩) આપણે કામ-ધંધા માટે બીજા શહેરમાં જઈએ અથવા વિરુદ્ધ જાતિની વ્યક્તિ સાથે કામ કરીએ ત્યારે પણ એવી સ્થિતિ ઊભી થઈ શકે છે. (નીતિ. ૨:૧૦-૧૨, ૧૬) પોતાનું રક્ષણ કરવા તમે શું કરી શકો? પોતાને યહોવાના સાક્ષી તરીકે ઓળખાવો. હંમેશાં યોગ્ય વાણી-વર્તન રાખો. યાદ રાખો કે, ચેનચાળાથી મોટું નુકસાન થઈ શકે છે. જ્યારે દુઃખ કે એકલતાની લાગણી અનુભવીએ, ત્યારે આપણું દિલ સાથ અને પ્રેમ મેળવવા માટે તરસે છે. ધ્યાન ન રાખીએ તો, એ તલપ એટલી વધી જઈ શકે કે કોઈ પણ વ્યક્તિ તરફ આકર્ષાઈ જઈએ. એ જોખમકારક છે! જો તમે એવા સંજોગોમાં આવી પડો, તો ક્યારેય એવું કંઈ ન કરો જેનાથી તમારું ઇનામ છીનવાઈ જાય. યહોવા અને ભાઈ-બહેનો પાસે મદદ માંગો.—ગીતશાસ્ત્ર ૩૪:૧૮; નીતિવચનો ૧૩:૨૦ વાંચો.

૬. મનોરંજનની પસંદગી કરતી વખતે આપણે શું ધ્યાન રાખવું જોઈએ?

અનૈતિક ઇચ્છાઓને મારી નાંખવા માટે જરૂરી છે કે આપણે અનૈતિક મનોરંજનથી દૂર રહીએ. આજનું મોટાભાગનું મનોરંજન આપણને સદોમ અને ગમોરાહની યાદ અપાવે છે. (યહુ. ૭) એવું મનોરંજન બનાવનારાઓ જાતીય અનૈતિકતાને એવી રીતે રજૂ કરે છે, જાણે એ સામાન્ય છે અને એનાથી કંઈ નુકસાન થવાનું નથી. એટલે, આપણે હંમેશાં સાવચેત રહેવું જોઈએ. આ દુનિયા આપણી આગળ પીરસે એ દરેક મનોરંજન આપણે લેવું ન જોઈએ. એના બદલે, કાળજીપૂર્વક એવું મનોરંજન પસંદ કરીએ, જે જીવનનું ઇનામ મેળવતા અટકાવે નહિ.—નીતિ. ૪:૨૩.

દયા અને પ્રેમ “પહેરી લો”

૭. મંડળમાં કેવી તકલીફો ઊભી થઈ શકે?

ખુશીની વાત છે કે, આપણે ખ્રિસ્તી મંડળનો ભાગ છીએ. આપણે સભાઓમાં બાઇબલમાંથી અભ્યાસ કરીએ છીએ અને એકબીજાને પ્રેમથી ટેકો આપીએ છીએ. એનાથી આપણને ઇનામ પર નજર રાખવા મદદ મળે છે. પણ, કેટલીક વાર આપણાં ભાઈ-બહેનો સાથે કોઈ ગેરસમજને લીધે તકલીફ ઊભી થઈ શકે. જો આપણે એનો ઉકેલ નહિ લાવીએ, તો આપણા મનમાં ઈર્ષા ઘર કરી જશે.—૧ પીતર ૩:૮, ૯ વાંચો.

૮, ૯. (ક) ઇનામ જીતવા કયા ગુણો મદદ કરશે? (ખ) કોઈ ભાઈ કે બહેન માઠું લગાડે તો, શાંતિ જાળવવા શું મદદ કરશે?

મનમાં રોષ ભરી ન રાખીએ, કેમ કે રોષ આપણને ઇનામ જીતવાથી અટકાવી શકે છે. પાઊલે ઈશ્વરભક્તોને આમ કરવાનું ઉત્તેજન આપ્યું: “ઈશ્વરના પસંદ કરાયેલા, પવિત્ર અને વહાલા લોકો તરીકે કરુણા, દયા, નમ્રતા, કોમળતા અને ધીરજ પહેરી લો. એકબીજાનું સહન કરો અને જો કોઈની વિરુદ્ધ ફરિયાદ કરવાનું કારણ હોય, તોપણ એકબીજાને દિલથી માફ કરો. જેમ યહોવાએ તમને દિલથી માફ કર્યા, તેમ તમે પણ કરો. એ સર્વ ઉપરાંત, તમે પ્રેમ પહેરી લો, કેમ કે એ એકતાનું સંપૂર્ણ બંધન છે.”—કોલો. ૩:૧૨-૧૪.

પ્રેમ અને દયાનો ગુણ કેળવવાથી બીજાઓને માફી આપવી સહેલું બનશે. કોઈનાં શબ્દો કે કાર્યોથી આપણને માઠું લાગે ત્યારે શું કરી શકીએ? એવા પ્રસંગો યાદ કરીએ જ્યારે આપણાં શબ્દો કે કાર્યોથી બીજાઓને માઠું લાગ્યું હોય. બીજાઓએ બતાવેલાં પ્રેમ અને દયા માટે આપણે કેટલા આભારી છીએ! (સભાશિક્ષક ૭:૨૧, ૨૨ વાંચો.) ખ્રિસ્ત ઈસુ સાચા ભક્તોને એકતામાં લાવ્યા છે, એની આપણે કદર કરીએ છીએ. (કોલો. ૩:૧૫) આપણે બધા એક જ ઈશ્વરની ભક્તિ કરીએ છીએ, એક જ સંદેશો ફેલાવીએ છીએ અને એકસરખી મુશ્કેલીઓનો સામનો કરીએ છીએ. જો આપણે પ્રેમ અને દયા બતાવીશું તેમજ બીજાઓને માફ કરીશું, તો મંડળની એકતા જળવાશે અને આપણે ઇનામ પર મન લગાડી શકીશું.

૧૦, ૧૧. (ક) ઈર્ષા શા માટે જોખમી છે? (ખ) કઈ રીતે ધ્યાન રાખી શકીએ કે ઈર્ષા આપણને ઇનામ જીતતા અટકાવે નહિ?

૧૦ ઈર્ષા આપણને ઇનામ જીતતા અટકાવી શકે છે. ઈર્ષા કેટલી જોખમી છે, એ બાઇબલમાં આપેલા દાખલાઓમાં જોવા મળે છે. દાખલા તરીકે, ઈર્ષાને લીધે કાઈનને હાબેલનું ખૂન કર્યું હતું. કોરાહ, દાથાન અને અબીરામને મુસાની ઈર્ષા થઈ અને તેમની વિરુદ્ધ બળવો કર્યો. બાઇબલ જે કહે છે એ કેટલું સાચું છે: “જ્યાં અદેખાઈ અને ઝઘડાની ભાવના હોય છે, ત્યાં ધાંધલ-ધમાલ અને હરેક પ્રકારનાં દુષ્ટ કામો પણ હોય છે.”—યાકૂ. ૩:૧૬.

૧૧ પ્રેમાળ અને દયાળુ બનવા મહેનત કરીશું તો, આપણે ઈર્ષાથી દૂર રહી શકીશું. બાઇબલ કહે છે: “પ્રેમ ધીરજ રાખે છે અને દયાળુ છે. પ્રેમ ઈર્ષા કરતો નથી.” (૧ કોરીં. ૧૩:૪) ઈર્ષા આપણા સ્વભાવનો ભાગ ન બની જાય માટે જરૂરી છે કે બાબતોને યહોવાની નજરે જોઈએ. મંડળ એક શરીર છે અને આપણે ભાઈ-બહેનોને એ શરીરના અવયવો ગણવા જોઈએ. બાઇબલ કહે છે: “જો એક અવયવને માન મળે, તો બીજા બધા અવયવોને એની સાથે ખુશી થાય છે.” (૧ કોરીં. ૧૨:૧૬-૧૮, ૨૬) કોઈ ભાઈ કે બહેન સાથે સારી બાબત બને તો, આપણે તેમની ઈર્ષા નહિ કરીએ પણ ખુશ થઈશું. રાજા શાઊલના દીકરા યોનાથાનનો વિચાર કરો. તેમના બદલે દાઊદને રાજા તરીકે પસંદ કરવામાં આવ્યા ત્યારે, તેમણે ઈર્ષા કરી નહિ. યોનાથાને તો દાઊદને ઉત્તેજન અને ટેકો આપ્યાં હતાં. (૧ શમૂ. ૨૩:૧૬-૧૮) શું આપણે યોનાથાનની જેમ દયાળુ અને પ્રેમાળ બની શકીએ?

કુટુંબ તરીકે ઇનામ જીતીએ

૧૨. બાઇબલની કઈ સલાહ કુટુંબને ઇનામ જીતવા મદદ કરશે?

૧૨ કુટુંબનું દરેક સભ્ય બાઇબલ સિદ્ધાંતો લાગુ પાડશે તો, કુટુંબમાં શાંતિ અને ખુશી આવશે. આમ આખું કુટુંબ ઇનામ જીતી શકશે. પાઊલે કુટુંબના સભ્યો માટે આ કીમતી સલાહ આપી હતી: “પત્નીઓ, તમારા પતિઓને આધીન રહો, કેમ કે પ્રભુના શિષ્યો માટે એ યોગ્ય છે. પતિઓ, તમારી પત્નીઓને પ્રેમ કરતા રહો અને તેઓ પર ગુસ્સાથી તપી ન જાઓ. બાળકો, દરેક વાતમાં તમારાં માતાપિતાને આધીન રહો, કેમ કે એનાથી પ્રભુ ખુશ થાય છે. પિતાઓ, તમારાં બાળકોને ખીજવશો નહિ, જેથી તેઓ નિરાશ ન થઈ જાય.” (કોલો. ૩:૧૮-૨૧) એમાં કોઈ શંકા નથી કે, એ સલાહ પાળવાથી પતિ, પત્ની અને બાળકો સુખી બનશે.

૧૩. પતિને યહોવાના ભક્ત બનવા પત્ની કઈ રીતે મદદ કરી શકે?

૧૩ જો તમારા પતિ યહોવાને ભજતા ન હોય અને તે તમારી સાથે અયોગ્ય રીતે વર્તે, તો તમે શું કરશો? તમે કદાચ ગુસ્સે થઈને તેમની સાથે દલીલ કરવા લાગો, પણ એનાથી તો સ્થિતિ વણસી જશે. ભલે તમે દલીલો જીતી જાવ, પણ શું એનાથી તમારા પતિ યહોવાના ભક્ત બનશે? કદાચ નહિ. પરંતુ, પતિને કુટુંબના શિર તરીકે આદર આપશો તો, કુટુંબમાં શાંતિ જળવાશે અને યહોવાને મહિમા મળશે. તમારા સારા દાખલાથી કદાચ તમારા પતિ યહોવાના ભક્ત બનવા તૈયાર થાય. આમ, તમે અને તમારા પતિ ઇનામ જીતી શકશો.—૧ પીતર ૩:૧, ૨ વાંચો.

૧૪. યહોવાની ભક્ત નથી એવી પત્ની માન ન આપે તો, પતિ શું કરશે?

૧૪ જો તમારી પત્ની યહોવાને ભજતી ન હોય અને તમને માન ન આપે, તો તમે શું કરશો? તમે કદાચ બૂમબરાડા પાડીને પોતે ઘરના બોસ છો એમ બતાવવાની કોશિશ કરો. પણ શું એમ કરવાથી તે તમને માન આપશે? ક્યારેય નહિ. ઈશ્વર ચાહે છે કે તમે ઈસુને અનુસરનારા પ્રેમાળ પતિ બનો. (એફે. ૫:૨૩) મંડળના શિર તરીકે, ઈસુ હંમેશાં દયાળુ અને પ્રેમાળ હતા. (લુક ૯:૪૬-૪૮) ઈસુને અનુસરશો તો, સમય જતાં કદાચ તમારી પત્ની પણ યહોવાની ભક્ત બનવા તૈયાર થશે.

૧૫. એક ઈશ્વરભક્ત પતિ કઈ રીતે બતાવશે કે પોતે પત્નીને પ્રેમ કરે છે?

૧૫ યહોવાએ પતિઓને આજ્ઞા આપી છે: “તમારી પત્નીઓને પ્રેમ કરતા રહો અને તેઓ પર ગુસ્સાથી તપી ન જાઓ.” (કોલો. ૩:૧૯) એક પ્રેમાળ પતિ પોતાની પત્નીને આદર આપશે. તે પત્નીની વાત ધ્યાનથી સાંભળશે. તેની વાત મહત્ત્વની છે, એની તેને ખાતરી કરાવશે. (૧ પીત. ૩:૭) પત્ની જે કહે એ દર વખતે કરવું શક્ય ન હોય તોપણ, ધ્યાનથી તેનું સાંભળવાથી પતિને સારો નિર્ણય લેવા મદદ મળશે. (નીતિ. ૧૫:૨૨) એક પ્રેમાળ પતિ આદર મેળવવા પત્નીને બળજબરી નહિ કરે, પણ તેનો આદર જીતવાની કોશિશ કરશે. પતિ જ્યારે પત્ની અને બાળકોને પ્રેમ કરશે, ત્યારે યહોવાની સેવા કરવામાં અને ઇનામ જીતવામાં તેઓ વધારે ખુશી અનુભવશે.

કુટુંબની મુશ્કેલીઓ તમારું ઇનામ છીનવી ન લે એનું ધ્યાન રાખો (ફકરા ૧૩-૧૫ જુઓ)

તરુણો, ઇનામની આડે કોઈ પણ બાબતને આવવા દેશો નહિ

૧૬, ૧૭. તરુણો, તમે મમ્મી-પપ્પાની વાતથી વધુ પડતા ઉદાસ થવાનું કઈ રીતે ટાળી શકો?

૧૬ તરુણો, તમને લાગતું હશે કે મમ્મી-પપ્પા તમને સમજતા નથી અથવા તેઓ ઘણા કડક છે. કદાચ તમે એટલા ઉદાસ થઈ જાવ કે યહોવાની સેવા પરથી મન ઊઠી જાય. પરંતુ, જો તમે યહોવાને છોડી દેશો, તો તમને ખ્યાલ આવશે કે મમ્મી-પપ્પા અને મંડળના મિત્રો જેવો પ્રેમ દુનિયામાં તમને કોઈ કરતું નથી.

૧૭ આનો વિચાર કરો: જો મમ્મી-પપ્પા તમને સુધારે નહિ, તો કઈ રીતે ખબર પડશે કે તેઓને તમારી ચિંતા છે? (હિબ્રૂ. ૧૨:૮) ખરું કે, તેઓ સંપૂર્ણ નથી, એટલે તેઓ જે રીતે શિસ્ત આપે છે એનાથી તમને દુઃખ લાગી શકે. પરંતુ, એના પર ધ્યાન આપવાને બદલે એ જોવાની કોશિશ કરો કે તેઓ શા માટે એવું કહે છે કે કરે છે. મન શાંત રાખો અને નાની બાબતોને મોટું સ્વરૂપ ન આપો. બાઇબલ કહે છે: “થોડાબોલો માણસ શાણો છે; અને ઠંડા મિજાજનો માણસ બુદ્ધિમાન હોય છે.” (નીતિ. ૧૭:૨૭) તમે પુખ્ત વ્યક્તિ બનવાનો ધ્યેય રાખી શકો. ભલે ગમે એ રીતે સલાહ આપવામાં આવે, પુખ્ત વ્યક્તિ સલાહને સ્વીકારે છે અને એને લાગુ પાડે છે. (નીતિ. ૧:૮) યાદ રાખો, યહોવાને પ્રેમ કરે એવા માબાપ મળવા એ અનમોલ ભેટ છે. તમને હંમેશાંનું જીવન મળે એવું તમારા માબાપ ચાહે છે.

૧૮. ઇનામ પર મન લગાડવાનો કેમ તમે મક્કમ નિર્ણય કર્યો છે?

૧૮ ભલે, આપણી આશા સ્વર્ગના જીવનની હોય કે સુંદર પૃથ્વી પરની, આપણે દરેક એ ઇનામની રાહ જોઈએ છીએ. આપણી આશા ખરી આશા છે, જે સૃષ્ટિના સર્જનહારે આપેલા વચન પર આધારિત છે. તે કહે છે: “પૃથ્વી યહોવાના જ્ઞાનથી ભરપૂર થશે.” (યશા. ૧૧:૯) જલદી જ પૃથ્વીના દરેક લોકો ઈશ્વરથી શીખવાયેલા થશે. યાદ રાખો, ઇનામ મેળવવા માટે તમે જે મહેનત કરો છો, એ ચોક્કસ રંગ લાવશે. તેથી, યહોવાએ આપેલું વચન હંમેશાં યાદ રાખો. ઇનામની આડે કોઈ પણ બાબતને આવવા દેશો નહિ!