સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

પૂરા ઉમંગથી ગાઓ!

પૂરા ઉમંગથી ગાઓ!

‘ઈશ્વરનાં સ્તોત્ર ગાવાં એ સારું છે.’—ગીત. ૧૪૭:૧.

ગીતો: ૯, ૧૩૮

૧. ગીતો ગાઈને આપણે શું કરી શકીએ છીએ?

એક પ્રખ્યાત ગીતકારે કહ્યું હતું: ‘શબ્દો તમને વિચારવા પ્રેરે છે. સંગીત તમને લાગણીઓનો અહેસાસ કરાવે છે. પણ જ્યારે તમે ગીત ગાઓ છો, ત્યારે એ શબ્દો તમારા દિલને સ્પર્શી જાય છે.’ આપણાં ગીતોથી પ્રેમાળ પિતા યહોવાને મહિમા મળે છે અને તેમની માટેનો પ્રેમ વ્યક્ત કરી શકાય છે. એના લીધે, તેમની સાથેનો આપણો સંબંધ મજબૂત થાય છે. તેથી સમજી શકાય કે, શા માટે ગીતો ગાવા એ શુદ્ધ ઉપાસનાનો મહત્ત્વનો ભાગ છે, પછી ભલે આપણે એકલા ગાતા હોઈએ કે ભાઈ-બહેનો સાથે.

૨, ૩. (ક) અમુકને મંડળમાં મોટા અવાજે ગીત ગાવા વિશે કેવું લાગે છે? (ખ) આ લેખમાં આપણે કયા સવાલોની ચર્ચા કરીશું?

મંડળમાં મોટેથી સ્તુતિગીતો ગાવા વિશે તમને કેવું લાગે છે? ગીતો ગાવામાં શું તમે શરમ અનુભવો છો? અમુક સમાજના પુરુષો બીજા લોકો આગળ ગીત ગાવામાં સંકોચ અનુભવતા હોય છે. મંડળના ભાઈઓમાં એવું વલણ હોય તો, વિચારો કેવું પરિણામ આવી શકે! એમાં પણ જો વડીલો જ ગીત ગાવામાં સંકોચ અનુભવતા હોય અથવા ગીત વખતે બીજા કામોમાં વ્યસ્ત રહેતા હોય, તો મંડળ પર એની કેવી ખરાબ અસર પડી શકે છે!—ગીત. ૩૦:૧૨.

ગીતો ગાવું યહોવાની ઉપાસનાનો ભાગ છે. એટલે, આપણે ગીતો દરમિયાન આમતેમ આંટાફેરા મારીશું નહિ અથવા એ ભાગને ચૂકીશું નહિ. આપણે પોતાને પૂછી શકીએ: “સભાઓમાં ગીત ગાવા વિશે મને કેવું લાગે છે? બીજાઓ આગળ ગીત ગાવામાં ખચકાટ થતો હોય, તો હું શું કરી શકું? હું કઈ રીતે પૂરા દિલથી ગીત ગાઈ શકું?”

ગીત ગાવું—સાચી ભક્તિનો મહત્ત્વનો ભાગ

૪, ૫. મંદિરમાં ગીતો ગાવા માટે પ્રાચીન ઇઝરાયેલમાં કેવી ગોઠવણ હતી?

ઇતિહાસ દરમિયાન, ઈશ્વરભક્તોએ યહોવાનો મહિમા કરવા સંગીતનો ઉપયોગ કર્યો છે. ઇઝરાયેલીઓ યહોવાને વફાદાર હતા ત્યારે, ગીતો તેઓની ભક્તિનો મહત્ત્વનો ભાગ હતો. દાખલા તરીકે, રાજા દાઊદે મંદિર બાંધવાની તૈયારી કરી ત્યારે, સંગીત દ્વારા યહોવાની સ્તુતિ કરવા ૪,૦૦૦ લેવીઓની ગોઠવણ કરી. એમાંના ૨૮૮ લેવીઓ “યહોવાની આગળ ગાયન કરવામાં કુશળ તથા બાહોશ હતા.”—૧ કાળ. ૨૩:૫; ૨૫:૭.

મંદિરના સમર્પણ વખતે ગીત-સંગીત પણ મહત્ત્વનો ભાગ હતો. બાઇબલ જણાવે છે: ‘જ્યારે રણશિંગડાંવાળાએ તથા ગાનારાઓએ યહોવાની સ્તુતિ કરવા તથા આભાર માનવા માટે ઉચ્ચ સ્વરથી એક સરખો અવાજ કર્યો; અને જ્યારે તેઓએ રણશિંગડાંથી, ઝાંઝોથી તથા વાજિંત્રોથી મોટો નાદ કાઢ્યો, ને યહોવાની સ્તુતિ કરી, ત્યારે યહોવાના ગૌરવથી ઈશ્વરનું મંદિર ભરાઈ ગયું.’ જરા વિચારો, એ પ્રસંગે ઇઝરાયેલીઓની શ્રદ્ધા કેટલી મજબૂત થઈ હશે.—૨ કાળ. ૫:૧૩, ૧૪; ૭:૬.

૬. નહેમ્યાએ ગીત-સંગીત માટે કેવી ગોઠવણ કરી હતી?

યરૂશાલેમની દીવાલોને ફરીથી બાંધવાનું કામ નહેમ્યાએ ઉપાડ્યું હતું. એ માટે તેમણે ઇઝરાયેલીઓને ભેગા કર્યા. ગીતો ગાવા અને સંગીત વગાડવા તેમણે લેવીઓની પણ ગોઠવણ કરી. તેઓના મધુર સંગીતને લીધે દીવાલના સમર્પણ વખતે ખુશીની લહેર છવાઈ ગઈ. નહેમ્યાએ ‘ઉપકારસ્તુતિ કરનારી બે મોટી ટોળી ઠરાવી.’ એ બે ટોળી શહેરની દીવાલો પર ચઢીને એકબીજાથી વિરુદ્ધ દિશામાં ચાલતી અને મંદિરના વિસ્તારની સૌથી નજીકની દીવાલે ભેગી મળતી. તેઓના સંગીતનો મધુર અવાજ લોકોને દૂર દૂર સુધી સંભળાતો. (નહે. ૧૨:૨૭, ૨૮, ૩૧, ૩૮, ૪૦, ૪૩) પોતાના ભક્તોને એટલા ઉમંગથી સ્તુતિગીત ગાતા જોઈને યહોવાને ચોક્કસ ખુશી થઈ હશે.

૭. ઈસુએ કઈ રીતે બતાવ્યું કે ગીત ગાવું એ ભક્તિનો મહત્ત્વનો ભાગ બની રહેશે?

ઈસુના સમયમાં પણ, ગીત-સંગીત યહોવાની ઉપાસનાનો અમૂલ્ય ભાગ હતો. યાદ કરો, ઈસુએ પોતાના શિષ્યો સાથે પ્રભુ ભોજનની શરૂઆત કરી પછી શું કર્યું હતું. માનવ ઇતિહાસના એ સૌથી મહત્ત્વના પ્રસંગે તેઓએ ભેગા મળીને સ્તુતિગીતો ગાયાં.—માથ્થી ૨૬:૩૦ વાંચો.

૮. સ્તુતિગીત ગાવામાં પ્રથમ સદીનાં ભાઈ-બહેનોએ કેવો દાખલો બેસાડ્યો છે?

ઈશ્વર માટે સ્તુતિગીત ગાવામાં પ્રથમ સદીનાં ભાઈ-બહેનોએ પણ સારો દાખલો બેસાડ્યો છે. ભક્તિ માટે ઇઝરાયેલીઓ મંદિરે જતાં હતાં, પણ આ ભાઈ-બહેનો ઘરોમાં ભેગાં મળતાં. ખરું કે, એ ઘરો મંદિરની જેમ સુંદર અને આકર્ષક ન હતાં. પરંતુ, ભાઈ-બહેનોનાં ઉત્સાહમાં કોઈ ફરક ન આવ્યો. હકીકતમાં, પ્રેરિત પાઊલે એ ભાઈ-બહેનોને કહ્યું હતું: “ઈશ્વરની સ્તુતિ અને આભાર સાથે ભક્તિ-ગીતો ગાઈને એકબીજાને શીખવતા રહો અને ઉત્તેજન આપતા રહો. તમારા દિલોમાં યહોવા માટે ગાતા રહો.” (કોલો. ૩:૧૬) આપણી ગીત પુસ્તિકામાંથી “ભક્તિ-ગીતો” ગાઈએ ત્યારે, પૂરા દિલથી ગાવું જોઈએ. યાદ રાખો, ગીતો પણ “વિશ્વાસુ અને સમજુ ચાકર” દ્વારા મળતા ખોરાકનો ભાગ છે.—માથ. ૨૪:૪૫.

તમે કઈ રીતે પૂરા આત્મવિશ્વાસથી ગાઈ શકો?

૯. (ક) સભા અને સંમેલનમાં ઉત્સાહથી ગાવામાં અમુકને શા માટે સંકોચ થઈ શકે? (ખ) આપણે કઈ રીતે યહોવા માટે સ્તુતિગીતો ગાવાં જોઈએ અને કોણે એમાં પહેલ કરવી જોઈએ? (શરૂઆતનું ચિત્ર જુઓ.)

શું તમે વિચાર કર્યો છે કે તમને ગીત ગાતા કેમ સંકોચ થાય છે? કદાચ તમારા કુટુંબમાં અથવા સમાજમાં ગીત ગાવું સામાન્ય નહિ હોય. અથવા ટીવી કે રેડિયો પર આવતા ગાયકો સાથે તમે પોતાની સરખામણી કરી હશે. તેઓના સૂરીલા અવાજ સામે તમને પોતાનો અવાજ બેસૂરો લાગતો હશે. પણ યહોવા માટે સ્તુતિગીતો ગાવાની જવાબદારી આપણા દરેકની છે. એ માટે તમે શું કરશો? ગીત પુસ્તિકાને ઊંચી પકડો, માથું ઊંચું રાખો અને પૂરા ઉમંગથી ગાઓ! (એઝ. ૩:૧૧; ગીતશાસ્ત્ર ૧૪૭:૧ વાંચો.) હવે ઘણાં પ્રાર્થનાઘરોમાં સ્ક્રીન પર ગીતના શબ્દો બતાવવામાં આવે છે, જેથી ગીત ગાવું સહેલું બને. તમને જાણીને નવાઈ લાગશે કે વડીલો માટે યોજાતી રાજ્ય સેવા શાળામાં પણ હવે ગીતોનો સમાવેશ થયો છે. એ બતાવે છે કે સભાઓમાં વડીલો ગીત ગાવામાં પહેલ કરે, એ કેટલું મહત્ત્વનું છે!

૧૦. મોટેથી ગીત ગાવામાં ડર લાગતો હોય ત્યારે, શું યાદ રાખવું જોઈએ?

૧૦ ઘણા લોકોને લાગે છે કે તેઓ રાગડા તાણીને ગાય છે અથવા બેસૂરા છે. એટલે, તેઓને મોટેથી ગાતા ડર લાગે છે. આનો વિચાર કરો: “આપણે બધા ઘણી વાર ભૂલો કરીએ છીએ.” પણ બોલવાનું બંધ કરી દેતા નથી, ખરું ને? (યાકૂ. ૩:૨) તો પછી, આપણો અવાજ બહુ સૂરીલો ન હોય તો, શું યહોવા માટે સ્તુતિગીત ગાવામાં ઢીલા પડવું જોઈએ?

૧૧, ૧૨. ગીત ગાવામાં આપણે કઈ રીતે સુધારો કરી શકીએ?

૧૧ બની શકે કે આપણને ગીત બરાબર આવડતું નથી એટલે ગાવામાં ડર લાગે છે. પણ, અમુક સરળ પગલાં ભરીને આપણે ગાવામાં સુધારો કરી શકીએ છીએ. *

૧૨ જો તમે શ્વાસ પર નિયંત્રણ રાખવાનું શીખશો, તો સ્પષ્ટ અને મોટા અવાજે ગાઈ શકશો. જેમ વીજળી બલ્બને શક્તિ આપે છે, તેમ શ્વાસ અવાજને વેગ આપે છે, જેથી તમે વાત કરી શકો અને ગાઈ શકો. સામાન્ય રીતે તમે જેટલા અવાજે વાત કરો છો, એટલા અવાજે અથવા એનાથી થોડા મોટા અવાજે ગાવું જોઈએ. (મિનિસ્ટ્રી સ્કૂલ પુસ્તકનાં પાન ૧૮૧-૧૮૪ પર આપેલાં સૂચનો જુઓ.) બાઇબલ અમુક વાર જણાવે છે કે, યહોવાના ભક્તોએ “મોટેથી” સ્તુતિગીતો ગાવાં જોઈએ.—ગીત. ૩૩:૧-૩.

૧૩. આપણે કઈ રીતે પૂરા આત્મવિશ્વાસથી ગાઈ શકીએ? સમજાવો.

૧૩ કુટુંબ તરીકે ભક્તિ વખતે અથવા એકલા હોવ ત્યારે આ રીત અજમાવી જુઓ: ગીત પુસ્તિકામાંથી તમારું મનગમતું ગીત પસંદ કરો. એ ગીતના બોલ મોટેથી વાંચી જાઓ. પછી, દરેક લીટીના શબ્દોને એક શ્વાસે એકધારા અવાજે બોલો. હવે, એટલા જ અવાજે પૂરા જોશથી એ ગીત ગાઓ. (યશા. ૨૪:૧૪) ધીરે ધીરે તમારો અવાજ ખૂલશે અને તમે મોટેથી ગાઈ શકશો, જે સારી વાત છે. એટલે, ડરશો નહિ કે શરમાશો નહિ!

૧૪. (ક) મોં ખોલીને ગાવાથી કઈ રીતે મદદ મળી શકે? (આ બૉક્સ જુઓ: “ ગીત ગાવામાં કઈ રીતે સુધારો કરી શકાય?”) (ખ) અવાજમાં સુધારો કરવા તમને કયાં સૂચનો અસરકારક લાગ્યાં છે?

૧૪ અવાજમાં જોશ લાવવા જરૂરી છે કે, મોં ખોલીને ગાઈએ. વાત કરતી વખતે કદાચ મોં એટલું ખોલવું ન પડે, પણ ગાતી વખતે મોં ખોલીને ગાવાની જરૂર છે. પણ જો તમને લાગતું હોય કે તમારો અવાજ દબાયેલો છે અથવા તીણો છે, તો શું કરી શકાય? મિનિસ્ટ્રી સ્કૂલ પુસ્તકના પાન ૧૮૪ પર આપેલા બૉક્સમાં મદદરૂપ સૂચનો આપ્યાં છે, તમે એ અજમાવી શકો.

દિલથી સ્તુતિગીતો ગાઓ

૧૫. (ક) ૨૦૧૬ વાર્ષિક સભામાં કયું પુસ્તક બહાર પાડવામાં આવ્યું? (ખ) શા માટે ગીત પુસ્તકમાં સુધારો કરવાની જરૂર ઊભી થઈ?

૧૫ ૨૦૧૬ની વાર્ષિક સભા યાદગાર હતી. એ સભામાં નિયામક જૂથના સભ્ય ભાઈ સ્ટીવન લેટે નવું ગીત પુસ્તક બહાર પાડ્યું: “સીંગ આઉટ જૉયફૂલી” ટુ જેહોવા. એ સાંભળીને હાજર ભાઈ-બહેનો ખુશીથી ઝૂમી ઊઠ્યાં હતાં. ભાઈ સ્ટીવને સમજાવ્યું કે ન્યૂ વર્લ્ડ ટ્રાન્સલેશન બાઇબલમાં સુધારો કરવામાં આવ્યો છે, એટલે ગીતોમાં પણ સુધારાની જરૂર હતી. હવે ગીતોમાંથી એવા શબ્દો કાઢી નાખ્યા છે, જે ન્યૂ વર્લ્ડ ટ્રાન્સલેશન બાઇબલમાં જોવા મળતા નથી. ઉપરાંત, પ્રચારકામ અને ઈસુના બલિદાન વિશે નવાં ગીતો ઉમેરવામાં આવ્યાં છે. ગીતો આપણી ભક્તિનો મહત્ત્વનો ભાગ છે. એટલે નિયામક જૂથ ચાહતું હતું કે ગીતોના પુસ્તકની ગુણવત્તા સારી હોવી જોઈએ. તેથી, એ નવા પુસ્તકનું પૂઠું અને રૂપેરી રંગની કિનારી ન્યૂ વર્લ્ડ ટ્રાન્સલેશન બાઇબલ જેવાં બનાવવામાં આવ્યાં છે.

૧૬, ૧૭. નવા ગીત પુસ્તકમાં બીજા કયા ફેરફારો કરવામાં આવ્યા છે?

૧૬ નવા ગીત પુસ્તકમાં ગીતોને વિષય પ્રમાણે મૂકવામાં આવ્યા છે, જેથી સહેલાઈથી ગીત શોધી શકાય. દાખલા તરીકે, પહેલા ૧૨ ગીતો યહોવા વિશે છે, પછીના ૮ ગીતો ઈસુ અને તેમણે આપેલા બલિદાન વિશે છે. પુસ્તકની શરૂઆતમાં વિષયસૂચિ આપી છે, જે મદદરૂપ થઈ શકે. જાહેર પ્રવચન આપતા ભાઈઓ એમાંથી પ્રવચનને અનુરૂપ ગીત પસંદ કરી શકે છે.

૧૭ ભાઈ-બહેનો દિલથી ગાઈ શકે અને ગીતનો સંદેશો સમજી શકે માટે અમુક ગીતોના શબ્દોને બદલવામાં આવ્યા છે. અંગ્રેજી ભાષાના એવા શબ્દો, જે બહુ વપરાશમાં નથી એને કાઢી નાખ્યા છે. એવી જ રીતે, ગીતના વિષયો પણ બદલવામાં આવ્યા છે. જેમ કે, “લાંબી સહનશીલતા” વિષય બદલીને “ધીરજ ધરો” કરવામાં આવ્યું છે. ઉપરાંત, એ ગીતોના શબ્દોમાં પણ ફેરફાર કર્યો છે. બીજો એક દાખલો જોઈએ. એક ગીત હતું, “દિલની સંભાળ રાખો” એ વિષય ફરમાન જેવો લાગતો હતો. એને બદલીને “દિલની સંભાળ રાખીએ” વિષય રાખવામાં આવ્યો. શા માટે? કારણ કે, એ ગીતના શબ્દો પરથી લાગતું કે, જાણે ગાનાર વ્યક્તિ બીજાઓને હુકમ આપી રહી છે. એના લીધે, સભા અને સંમેલનમાં આવનાર નવા લોકો, બાળકો અને બહેનોને એ ગાવું અજુગતું લાગતું હતું. તેથી, એ ગીતનો વિષય અને શબ્દો બદલવામાં આવ્યા છે.

કુટુંબ તરીકેની ભક્તિ દરમિયાન ગીતોની પ્રેક્ટિસ કરો (ફકરો ૧૮ જુઓ)

૧૮. આપણે શા માટે નવાં ગીતો શીખવાં જોઈએ? (ફૂટનોટ પણ જુઓ.)

૧૮ નવા ગીત પુસ્તકનાં ઘણાં ગીતો પ્રાર્થનાના રૂપમાં છે. એ ગીતોની મદદથી તમે યહોવાને પોતાની લાગણી જણાવી શકો છો. બીજાં ગીતો તમને “પ્રેમ અને સારાં કામો કરવા ઉત્તેજન” આપશે. (હિબ્રૂ. ૧૦:૨૪) આપણે એ ગીતોનો સૂર-તાલ અને એના બોલ શીખવા માંગીએ છીએ, ખરું ને? ભાઈ-બહેનોએ ગાયેલાં અંગ્રેજી ગીતોનું રેકોર્ડિંગ jw.org પર પ્રાપ્ય છે, તમે એ સાંભળી શકો. જો તમે એ ગીતોની પ્રેક્ટિસ કરશો, તો વધુ આત્મવિશ્વાસથી અને લાગણીથી ગાઈ શકશો. *

૧૯. મંડળના બધા સભ્યો કઈ રીતે યહોવાની ભક્તિ કરી શકે?

૧૯ યાદ રાખો, ગીત ગાવું એ ભક્તિનો મહત્ત્વનો ભાગ છે. યહોવા માટેનો પ્રેમ વ્યક્ત કરવાની અને તેમણે આપેલા આશીર્વાદો માટે આભાર માનવાની એ એક અસરકારક રીત છે. (યશાયા ૧૨:૫ વાંચો.) તમને પૂરા ઉમંગથી ગાતા જોઈને બીજાઓ પણ પૂરા ઉત્સાહથી ગાશે. મંડળના બધા સભ્ય ગીતો ગાઈને યહોવાની ભક્તિ કરી શકે છે, પછી ભલે તે યુવાન હોય, વૃદ્ધ હોય કે હાલમાં જ સત્ય શીખ્યા હોય. દિલથી ગીત ગાવામાં જરાય પીછેહઠ ન કરશો. ગીતના લેખકે આપેલી સુંદર સલાહ લાગુ પાળીએ: ‘યહોવાની આગળ ગીત ગાઓ!’ ચાલો, પૂરા ઉમંગથી ગાઈએ!—ગીત. ૯૬:૧.

^ ફકરો. 11 કઈ રીતે ગીત ગાવામાં સુધારો કરી શકાય, એના વધુ સૂચનો માટે JW બ્રૉડકાસ્ટિંગ પર અંગ્રેજીમાં ડિસેમ્બર ૨૦૧૪નો માસિક કાર્યક્રમ જુઓ (વીડિયો > અમારા સ્ટુડિયોમાંથી).

^ ફકરો. 18 સંમેલનોમાં સવાર અને બપોરના કાર્યક્રમની શરૂઆત ૧૦ મિનિટના સંગીતના વીડિયોથી થાય છે. એ વીડિયોની મદદથી ગીત ગાવા અને કાર્યક્રમ સાંભળવા માટે આપણો ઉત્સાહ વધે છે. તેથી, સંગીત શરૂ થાય ત્યારે પોતાની સીટ પર બેસી જઈએ, જેથી એનો આનંદ માણી શકીએ.