યહોવાની જેમ ન્યાય અને દયાથી વર્તો
“અદલ ઇન્સાફ કરો, દરેક માણસ પોતાના ભાઈ પર કૃપા તથા દયા રાખો.”—ઝખા. ૭:૯.
ગીતો: ૨૧, ૧૧
૧, ૨. (ક) ઈસુને નિયમશાસ્ત્ર વિશે કેવું લાગતું? (ખ) કઈ રીતે શાસ્ત્રીઓ અને ફરોશીઓ નિયમશાસ્ત્રને મારી મચકોડીને લાગુ પાડતા હતા?
ઈસુને મુસાના નિયમશાસ્ત્ર પ્રત્યે ખૂબ પ્રેમ હતો. એ કોઈ નવાઈની વાત નથી! કારણ કે, નિયમશાસ્ત્ર તેમના પિતા યહોવા તરફથી હતું, જે તેમના જીવનમાં સૌથી મહત્ત્વનું સ્થાન ધરાવતા હતા. નિયમશાસ્ત્ર પ્રત્યે ઈસુના એ પ્રેમ વિશે ગીતશાસ્ત્ર ૪૦:૮માં અગાઉથી જણાવ્યું હતું: “હે મારા ઈશ્વર, તારી ઇચ્છા પ્રમાણે કરવાને હું રાજી છું; તારો નિયમ મારા હૃદયમાં છે.” ઈસુએ શબ્દો અને કાર્યોથી પુરવાર કર્યું કે નિયમશાસ્ત્ર સંપૂર્ણ અને લાભકારક છે તેમજ એમાં લખેલો એકેએક શબ્દ ચોક્કસ પૂરો થશે.—માથ. ૫:૧૭-૧૯.
૨ શાસ્ત્રીઓ અને ફરોશીઓ નિયમશાસ્ત્રને મારી મચકોડીને લાગુ પાડતા હતા, જે બિલકુલ વાજબી ન હતું. એ જોઈને ઈસુને કેટલું દુઃખ થયું હશે! ઈસુએ તેઓને કહ્યું: “તમે ફૂદીના, સુવા અને જીરાંનો દસમો ભાગ તો આપો છો.” એનો અર્થ થાય કે નિયમશાસ્ત્રની ઝીણામાં ઝીણી વિગત પાળવાનું તેઓ ખૂબ ધ્યાન રાખતા હતા. તો પછી, મુશ્કેલી શું હતી? ઈસુએ આગળ સમજાવ્યું: “પણ તમે ન્યાય, દયા અને વિશ્વાસુપણા જેવી નિયમશાસ્ત્રની મહત્ત્વની વાતોનો અનાદર કરો છો.” માથ. ૨૩:૨૩) શાસ્ત્રીઓ અને ફરોશીઓને બસ નવા નવા નિયમો બનાવવામાં જ રસ હતો, નિયમશાસ્ત્રનો અર્થ સમજવામાં નહિ. તેઓ પોતાને બીજાઓ કરતાં ચઢિયાતા ગણતા હતા. પરંતુ, ઈસુ નિયમો પાછળનું કારણ સમજતા હતા અને દરેક આજ્ઞા યહોવા વિશે શું શીખવે છે, એ પણ જાણતા હતા.
(૩. આ લેખમાં આપણે શાની ચર્ચા કરીશું?
૩ આજે આપણે નિયમશાસ્ત્ર હેઠળ નથી. (રોમ. ૭:૬) તો પછી, શા માટે યહોવાએ બાઇબલમાં એનો સમાવેશ કર્યો છે? કારણ કે, તે ચાહે છે કે એ નિયમશાસ્ત્રની “મહત્ત્વની વાતોનો” અર્થ આપણે સમજીએ અને લાગુ પાડીએ. બીજા શબ્દોમાં, એની પાછળ છુપાયેલા સિદ્ધાંતો સમજીએ અને લાગુ પાડીએ. દાખલા તરીકે, આશ્રયનગરોની ગોઠવણથી આપણને કયા સિદ્ધાંતો શીખવા મળે છે? ગયા લેખમાં જોઈ ગયા કે ખૂન કરનારે કેવાં પગલાં ભરવાનાં હતાં અને એમાંથી આપણને કયો બોધપાઠ મળે છે. આ લેખમાં જોઈશું કે, આશ્રયનગરોની ગોઠવણ યહોવા વિશે શું શીખવે છે અને કઈ રીતે આપણે તેમના જેવા ગુણો બતાવી શકીએ. આપણે આ ત્રણ સવાલો પર ચર્ચા કરીશું: આશ્રયનગરોની ગોઠવણથી કઈ રીતે યહોવાની દયા જોવા મળે છે? એ ગોઠવણ કઈ રીતે બતાવે છે કે યહોવાની નજરે જીવન કીમતી છે? એમાં કઈ રીતે યહોવાનો અદ્દલ ન્યાય જોવા મળે છે? દરેક સંજોગોમાં, એ જોવાનો પ્રયત્ન કરો કે કઈ રીતે તમે સ્વર્ગમાંના પિતાનું અનુકરણ કરી શકો?—એફેસીઓ ૫:૧ વાંચો.
આશ્રયનગર માટે પસંદ કરેલા શહેરો—ઈશ્વરની દયાની સાબિતી
૪, ૫. (ક) સહેલાઈથી આશ્રયનગરમાં જઈ શકાય માટે કેવી વ્યવસ્થા હતી અને શા માટે? (ખ) એનાથી યહોવા વિશે શું શીખવા મળે છે?
૪ યહોવાએ છ આશ્રયનગરોની ગોઠવણ કરવા જણાવ્યું હતું, જેથી સહેલાઈથી ત્યાં પહોંચી શકાય. તેમણે ઇઝરાયેલીઓને યરદન નદીની બંને બાજુ ત્રણ ત્રણ શહેરો અલગ રાખવા જણાવ્યું. શા માટે? જેથી ખૂન કરનાર વ્યક્તિ એમાંથી કોઈ એક શહેરમાં સહેલાઈથી અને જલદીથી પહોંચી શકે. (ગણ. ૩૫:૧૧-૧૪) આશ્રયનગર જવાના રસ્તાઓની નિયમિત મરામત કરવામાં આવતી. (પુન. ૧૯:૩) યહુદી રિવાજ મુજબ, એ રસ્તાઓ પર ચિહ્ન મૂકવામાં આવતા, જેથી વ્યક્તિને એ શહેરો શોધવામાં તકલીફ ન પડે. ખૂન કરનાર વ્યક્તિનું આશ્રયનગરોને લીધે રક્ષણ થતું અને તેણે પરદેશમાં શરણ લેવાની જરૂર ન પડતી. આમ, ત્યાંના જૂઠા દેવોની ભક્તિ કરવાથી તે દૂર રહી શકતી.
૫ આનો વિચાર કરો: યહોવાએ આજ્ઞા આપી હતી કે ખૂનીને મારી નાખવામાં આવે. પરંતુ, યહોવા ચાહતા કે જો કોઈનાથી અજાણતા ખૂન થયું હોય, તો તેને દયા, કૃપા અને રક્ષણ મળવાં જોઈએ. બાઇબલના એક વિદ્વાન એ ગોઠવણ વિશે જણાવે છે: ‘દરેક બાબતો સાફ, સરળ અને સહેલાઈથી સમજાય એવી હતી.’ યહોવા ક્રૂર ન્યાયાધીશ નથી કે પોતાના ભક્તોને શિક્ષા કરવાની તક શોધતા રહે. એને બદલે, તે તો “દયાથી ભરપૂર છે.”—એફે. ૨:૪.
૬. શું ફરોશીઓ યહોવા જેવી દયા બતાવતા હતા? સમજાવો.
૬ ફરોશીઓ બીજાઓ પર દયા બતાવતા ન હતા. દાખલા તરીકે, યહુદી રિવાજ જણાવે છે કે જો કોઈ વ્યક્તિ એક જ ભૂલ ત્રણ વખત કરે, તો ફરોશીઓ તેને માફ ન કરતા. તેઓના ખોટા વલણ પરથી પડદો હટાવવા ઈસુએ એક ફરોશીનું દૃષ્ટાંત આપ્યું. એ ફરોશી પ્રાર્થના કરે છે: “હે ઈશ્વર, હું તમારો આભાર માનું છું કે હું બીજા બધા જેવો નથી; જુલમથી પૈસા પડાવનાર, બેઇમાન, વ્યભિચારી અથવા આ કર ઉઘરાવનાર જેવો પણ નથી.” એનાથી, ઈસુ શું કહેવા માંગતા હતા? એ જ કે ફરોશીઓની નજરમાં બીજા લોકો “કંઈ વિસાતમાં નથી” અને તેઓને લાગતું કે બીજાઓ પર દયા બતાવવાની કંઈ જરૂર નથી.—૭, ૮. (ક) કઈ રીતે યહોવાની જેમ દયા બતાવી શકીએ? (ખ) બીજાઓને માફ કરવા માટે નમ્ર હોવું કેમ જરૂરી છે?
૭ યહોવાને અનુસરો, ફરોશીઓને નહિ. દયા અને કરુણા બતાવો. (કોલોસીઓ ૩:૧૩ વાંચો.) પોતાનાં વાણી-વર્તન એવાં રાખો, જેથી બીજાઓ સહેલાઈથી તમારી પાસે માફી માંગી શકે. (લુક ૧૭:૩, ૪) આ સવાલોનો વિચાર કરો: “શું હું સહેલાઈથી અને જલદીથી બીજાઓને માફ કરું છું, પછી ભલેને તેઓએ મને અનેક વાર દુઃખ પહોંચાડ્યું હોય? એ વ્યક્તિ સાથે સુલેહ-શાંતિ કરવા શું હું તૈયાર હોઉં છું?”
૮ માફી આપવા જરૂરી છે કે આપણે નમ્ર હોવા જોઈએ. ફરોશીઓને લાગતું કે તેઓ બીજાઓ કરતાં ચઢિયાતા છે, એટલે તેઓ માફી આપવા તૈયાર ન હતા. પરંતુ, ઈશ્વરભક્તો તરીકે આપણે ‘બીજાઓને પોતાના કરતાં ચઢિયાતા ગણવા’ જોઈએ. (ફિલિ. ૨:૩) આપણે પોતાને પૂછી શકીએ: “શું હું યહોવાને અનુસરીને નમ્રતા બતાવું છું?” જો આપણે નમ્ર હોઈશું, તો બીજાઓને આપણી પાસે માફી માંગવી અને આપણા માટે તેઓને માફી આપવી સહેલું બનશે. દયા બતાવવામાં મોડું ન કરો અને ગુસ્સો કરવામાં ઉતાવળ ન કરો.—સભા. ૭:૮, ૯.
જીવન પ્રત્યે આદર બતાવો જેથી “લોહીનો દોષ ન લાગે”
૯. ઇઝરાયેલીઓ જીવનને કીમતી ગણે માટે યહોવાએ તેઓને કઈ રીતે મદદ કરી?
૯ આશ્રયનગરોની ગોઠવણ પાછળનું એક મહત્ત્વનું કારણ હતું કે ઇઝરાયેલીઓને નિર્દોષ વ્યક્તિના ખૂનનો દોષ ન લાગે. (પુન. ૧૯:૧૦) યહોવા જીવનને પ્રેમ કરે છે અને ખૂનને ધિક્કારે છે. (નીતિ. ૬:૧૬, ૧૭) યહોવા પવિત્ર અને ન્યાયી ઈશ્વર હોવાથી અજાણતા થયેલા ખૂનને પણ તે ગંભીર ગણે છે. એ સાચું છે કે, અજાણતા કોઈએ ખૂન કર્યું હોય તો, તેને માફી મળતી હતી. પરંતુ, તેણે પહેલા વડીલોને પોતાના સંજોગો જણાવવાના હતા. જો વડીલોને લાગે કે એ ખૂન અજાણતા થયું છે, તો ખૂનીએ આશ્રયનગરમાં પ્રમુખ યાજકના મરણ સુધી રહેવું પડતું. એનો અર્થ કે ખૂનીએ કદાચ જીવનપર્યંત આશ્રયનગરમાં રહેવું પડે. એ ગોઠવણથી દરેક ઇઝરાયેલીને યાદ રહેતું કે જીવન ખૂબ કીમતી છે. એટલે, જીવનના સ્રોત યહોવાને આદર આપવા તેઓએ એવી દરેક બાબતો ટાળવાની હતી, જેનાથી બીજાઓનું જીવન જોખમમાં આવી પડે.
૧૦. શાસ્ત્રીઓ અને ફરોશીઓએ કઈ રીતે બતાવ્યું કે તેઓને બીજાઓના જીવનની કંઈ પડી ન હતી?
૧૦ યહોવાથી વિરુદ્ધ, શાસ્ત્રીઓ અને ફરોશીઓ બીજાઓના જીવનને કીમતી ગણતા ન હતા. ઈસુએ તેઓને જણાવ્યું: “તમે જ્ઞાનની ચાવી લઈ લીધી છે. તમે લુક ૧૧:૫૨) ઈસુ શું કહેવા માંગતા હતા? એ જ કે, શાસ્ત્રીઓ અને ફરોશીઓની જવાબદારી હતી કે લોકોને શાસ્ત્રનું જ્ઞાન આપે અને હંમેશનું જીવન મેળવવા મદદ કરે. એને બદલે, તેઓ તો લોકોને ઈસુને અનુસરવાથી રોકતા હતા, જે ‘જીવન આપવા પસંદ કરાયેલા મુખ્ય આગેવાન’ હતા. (પ્રે.કા. ૩:૧૫) આમ, તેઓ લોકોને નાશ તરફ લઈ જતા હતા. શાસ્ત્રીઓ અને ફરોશીઓ ઘમંડી અને સ્વાર્થી હતા અને તેઓને બીજાઓના જીવનની કંઈ પડી ન હતી. કેટલા ક્રૂર અને પ્રેમ વગરના લોકો!
પોતે અંદર જતા નથી અને જેઓ અંદર જઈ રહ્યા છે, તેઓને પણ તમે અટકાવો છો!” (૧૧. (ક) પાઊલે કઈ રીતે બતાવ્યું કે જીવનને તે યહોવાની નજરે જુએ છે? (ખ) પ્રચારમાં પાઊલ જેવો ઉત્સાહ બતાવવા આપણને શું મદદ કરશે?
૧૧ આપણે કઈ રીતે યહોવાને અનુસરી શકીએ? કઈ રીતે શાસ્ત્રીઓ અને ફરોશીઓ જેવું વલણ બતાવવાથી દૂર રહી શકીએ? જીવનની ભેટને આદર આપીને અને એને અમૂલ્ય ગણીને. પાઊલે શક્ય એટલા લોકોને રાજ્યની ખુશખબર જણાવીને એવું કર્યું હતું. એટલે જ તો તે કહી શક્યા કે “બધા માણસોના લોહી વિશે હું નિર્દોષ છું.” (પ્રેરિતોનાં કાર્યો ૨૦:૨૬, ૨૭ વાંચો.) પાઊલે શા માટે લોકોને ખુશખબર જણાવી? પોતાનું દિલ ન ડંખે એટલે, કે પછી યહોવાએ કહ્યું હતું એટલે? હકીકતમાં, પાઊલને લોકો પ્રત્યે ખૂબ પ્રેમ હતો. તે જીવનને કીમતી ગણતા હતા અને ચાહતા હતા કે લોકો હંમેશ માટેનું જીવન મેળવે. (૧ કોરીં. ૯:૧૯-૨૩) આપણે પણ જીવનને યહોવાની નજરે જોવું જોઈએ. તે ચાહે છે કે લોકો પસ્તાવો કરે, જેથી જીવન મેળવી શકે. (૨ પીત. ૩:૯) યહોવાનું અનુકરણ કરવા જરૂરી છે કે આપણે લોકો માટે પ્રેમ કેળવીએ. દયાનો ગુણ આપણને પૂરા ઉત્સાહથી પ્રચાર કરવા પ્રેરશે અને એ કામથી આપણને સાચી ખુશી મળશે.
૧૨. ઈશ્વરભક્તો માટે સલામતી કેમ મહત્ત્વની છે?
૧૨ જીવનને યહોવાની નજરે જોવા આપણે સલામતી માટે યોગ્ય વલણ રાખવાની જરૂર છે. વાહન ચલાવીએ અને કામ કરીએ ત્યારે, સલામતીનું ધ્યાન રાખવું જોઈએ. ભક્તિના સ્થળને બાંધીએ, મરામત કરીએ કે ત્યાં જતા હોઈએ ત્યારે પણ, સલામતીનું ખાસ ધ્યાન રાખવાનું છે. સમય અને પૈસા કરતાં પણ સલામતી અને જીવન વધારે મહત્ત્વનાં છે. આપણા ઈશ્વર હંમેશાં જે ખરું છે એ કરે છે અને આપણે પણ તેમના જેવા બનવા માંગીએ છીએ. ખાસ કરીને, વડીલોએ પોતાની અને બીજાઓની સલામતીનું ધ્યાન રાખવાનું છે. (નીતિ. ૨૨:૩) જો વડીલો તમને સલામતી વિશેના નિયમો કે સિદ્ધાંતો યાદ અપાવે, તો તેઓનું સાંભળો. (ગલા. ૬:૧) જીવનને યહોવાની નજરે જુઓ, જેથી તમારા પર “લોહીનો દોષ ન લાગે.”
‘આ કાનૂનો પ્રમાણે ન્યાય કરો’
૧૩, ૧૪. ઈઝરાયેલી વડીલો ન્યાય કરવામાં કઈ રીતે યહોવાનું અનુકરણ કરી શકતા?
૧૩ યહોવાએ ઇઝરાયેલના વડીલોને આજ્ઞા આપી હતી કે ન્યાય કરવામાં તેમનું અનુકરણ કરે. સૌથી પહેલા, વડીલોએ બધી હકીકતો ચકાસવાની હતી. પછી, તેઓએ ખૂની પર દયા બતાવતા પહેલાં તેનાં ઇરાદા, વલણ અને અગાઉનાં કાર્યોને ધ્યાનથી તપાસવાનાં હતાં. વડીલોએ તપાસવાનું હતું કે વ્યક્તિએ અજાણતા ખૂન કર્યું છે કે ધિક્કાર અને ખોટાં ઇરાદાથી. (ગણના ૩૫:૨૦-૨૪ વાંચો.) ઓછામાં ઓછા બે સાક્ષી હોવા જરૂરી હતું. બધું તપાસ્યા પછી, ખૂનીનો ન્યાય થતો.—ગણ. ૩૫:૩૦.
૧૪ ખૂનની ઘટનાની બધી માહિતી મેળવ્યા પછી, વડીલોએ વ્યક્તિ વિશે વિચારવાનું હતું, ફક્ત તેના કાર્ય વિશે નહિ. નજર સામે હતું ફક્ત એ જ નહિ, પરંતુ વડીલોએ એ ઘટના પાછળનાં કારણો પણ તપાસવાનાં હતાં. સૌથી મહત્ત્વનું તો, તેઓએ યહોવા પાસે પવિત્ર શક્તિ માંગવાની હતી, જેથી તેઓ યહોવાની જેમ સમજદારી, દયા અને ન્યાય બતાવી શકે.—નિર્ગ. ૩૪:૬, ૭.
૧૫. પાપીઓ પ્રત્યે ઈસુ અને ફરોશીઓના વલણમાં કેવો ફરક હતો?
૧૫ ફરોશીઓ ન્યાય કરતી વખતે જરાય દયા ન બતાવતા. તેઓ ફક્ત પાપ કરનારનું કાર્ય જોતા, તેનું દિલ નહિ. જ્યારે ફરોશીઓએ ઈસુને માથ્થીના ઘરે જમતા જોયા, ત્યારે શિષ્યોને પૂછ્યું: “તમારા ગુરુ કેમ કર ઉઘરાવનારાઓ અને પાપીઓ સાથે ખાય છે?” એ સાંભળીને ઈસુએ કહ્યું: “વૈદની જરૂર સાજા લોકોને નથી હોતી, પણ જેઓ માંદા છે તેઓને હોય છે. એટલે જાઓ અને આ વાતનો અર્થ જાણો: ‘હું દયા ઇચ્છું છું, બલિદાન નહિ,’ કેમ કે હું નેક લોકોને માથ. ૯:૯-૧૩) શું ઈસુ પાપીઓને બચાવવા બહાનું કાઢતા હતા? ના, જરાય નહિ. તે ચાહતા હતા કે પાપીઓ પસ્તાવો કરે. એ એટલું મહત્ત્વનું હતું કે ઈસુએ ખુશખબર ફેલાવી ત્યારે, અનેક વાર પસ્તાવો કરવા વિશે જણાવ્યું હતું. (માથ. ૪:૧૭) ઈસુ જાણતા હતા કે અમુક “કર ઉઘરાવનારાઓ અને પાપીઓ” સુધારો કરવા માંગે છે. શું તેઓ માથ્થીના ઘરે ફક્ત ખાવા-પીવા આવ્યા હતા? ના, તેઓ ઈસુના શિષ્યો બન્યા હતા એટલે આવ્યા હતા. (માર્ક ૨:૧૫) ફરોશીઓ અને ઈસુના વલણમાં આભ-જમીનનો ફરક હતો! તેઓને લાગતું કે એ લોકો કદી બદલાવાના નથી અને ક્યારેય પસ્તાવો નહિ કરે. ન્યાય કરતી વખતે યહોવા દયા બતાવતા, કારણ કે તે દયાના સાગર છે. જ્યારે કે ફરોશીઓમાં દયાનો છાંટોય ન હતો!
નહિ પણ પાપીઓને બોલાવવા આવ્યો છું.” (૧૬. ન્યાય સમિતિએ શાનું ધ્યાન રાખવું જોઈએ?
૧૬ “યહોવા ન્યાયને ચાહે છે,” એટલે વડીલોએ ન્યાય કરતી વખતે તેમને અનુસરવું જોઈએ. (ગીત. ૩૭:૨૮) પહેલા, વ્યક્તિએ પાપ કર્યું છે કે નહિ, એની તેઓએ “શોધ કરીને ખંતથી પૂછપરછ કરવી” જોઈએ. જો તેનું પાપ સાબિત થાય, તો વડીલોએ બાઇબલના માર્ગદર્શન પ્રમાણે પગલાં ભરવાં જોઈએ. (પુન. ૧૩:૧૨-૧૪) ન્યાય સમિતિના વડીલોએ કાળજીપૂર્વક તપાસ કરવી જોઈએ કે, ગંભીર પાપ કરનાર વ્યક્તિને પોતાના કાર્યનો પસ્તાવો છે કે નહિ. જોકે, એ જાણવું હંમેશાં સહેલું હોતું નથી. પસ્તાવો કરવામાં શાનો સમાવેશ થાય છે? પોતાના કાર્ય પ્રત્યે વ્યક્તિના વલણનો અને તેના દિલના ઇરાદાનો. (પ્રકટી. ૩:૩) દયા મેળવવા માટે જરૂરી છે કે પાપ કરનાર વ્યક્તિ પસ્તાવો બતાવે. *
૧૭, ૧૮. વ્યક્તિએ ખરો પસ્તાવો કર્યો છે કે નહિ, એ વડીલો કઈ રીતે જાણી શકે? (શરૂઆતનું ચિત્ર જુઓ.)
૧૭ યહોવા અને ઈસુ લોકોના દિલ વાંચી શકે છે. એટલે, તેઓ સારી રીતે જાણે છે કે વ્યક્તિ શું વિચારે છે અને અનુભવે છે. પરંતુ, વડીલો દિલ વાંચી શકતા નથી. જો તમે એક વડીલ હો, તો તમને કઈ રીતે ખબર પડે કે વ્યક્તિનો પસ્તાવો સાચો છે કે નહિ? પહેલું, પ્રાર્થનામાં યહોવા પાસે ડહાપણ અને સમજશક્તિ માંગો. (૧ રાજા. ૩:૯) બીજું, બાઇબલ અને વિશ્વાસુ ચાકરે આપેલાં સાહિત્યની મદદ લો. એનાથી તમે જોઈ શકશો કે, ‘દુનિયાની જેમ ઉદાસ થવામાં’ અને ‘ઈશ્વરને પસંદ પડે એ રીતે ઉદાસ થવામાં’ શું ફરક છે. એનાથી તમે ખરો પસ્તાવો ઓળખી શકશો. (૨ કોરીં. ૭:૧૦, ૧૧) બાઇબલમાં એવા ઘણા દાખલા છે, જેઓએ પસ્તાવો કર્યો હતો અને જેઓએ કર્યો ન હતો. તેઓ કેવું અનુભવતા, વિચારતા અને કાર્યો કરતા એના પર મનન કરો.
૧૮ ત્રીજું, ફક્ત વ્યક્તિના કાર્યનો જ નહિ, પણ વ્યક્તિ વિશે વિચાર કરો. તે શા માટે એવી છે? તેણે શા માટે એવા નિર્ણયો લીધા? તેણે કેવા પડકારોનો સામનો કર્યો છે અને તેની નબળાઈઓ કઈ છે? બાઇબલમાં અગાઉથી જણાવ્યું છે કે મંડળના શિર ઈસુ, ‘પોતાની આંખે જોયા પ્રમાણે ઇન્સાફ કરશે નહિ, ને પોતાના કાને સાંભળ્યા પ્રમાણે નિર્ણય કરશે નહિ; પણ ન્યાયીપણાથી તે નિરાધારનો ઇન્સાફ કરશે, ને કોઈ ભેદભાવ વગર તે દીનોના લાભમાં યોગ્ય નિર્ણય કરશે.’ (યશા. ૧૧:૩, ૪) વડીલો, ઈસુએ પોતાના મંડળની કાળજી લેવાની તમને જવાબદારી સોંપી છે. ન્યાય અને દયાથી વર્તવા ઈસુ તમને મદદ કરશે. (માથ. ૧૮:૧૮-૨૦) આપણી કાળજી લેનાર વડીલોના આપણે કેટલા આભારી છીએ! એકબીજા પ્રત્યે ન્યાય અને દયાથી વર્તવા તેઓ આપણને મદદ કરે છે.
૧૯. આશ્રયનગરોની ગોઠવણમાંથી તમે કયો બોધપાઠ લાગુ પાડવા માંગો છો?
૧૯ મુસાના ‘નિયમશાસ્ત્રમાંથી જ્ઞાન અને સત્યની જરૂરી સમજણ’ મળે છે. (રોમ. ૨:૨૦) એ આપણને યહોવા અને તેમના સિદ્ધાંતો વિશે શીખવા મદદ કરે છે. દાખલા તરીકે, આશ્રયનગરોની ગોઠવણ વડીલોને શીખવે છે કે કઈ રીતે “અદલ ઇન્સાફ” કરવો જોઈએ. તેમ જ, એ આપણને એકબીજા પ્રત્યે “કૃપા તથા દયા” રાખવાનું શીખવે છે. (ઝખા. ૭:૯) ભલે આપણે નિયમશાસ્ત્ર હેઠળ નથી, પણ યહોવા બદલાયા નથી. ન્યાય અને દયા હજુ પણ તેમના માટે એટલાં જ મહત્ત્વનાં છે. એવા ઈશ્વરની ભક્તિ કરવાનો આપણને લહાવો મળ્યો છે. ચાલો તેમના સુંદર ગુણોનું અનુકરણ કરીએ અને તેમની છત્રછાયામાં રક્ષણ મેળવીએ!
^ ફકરો. 16 સપ્ટેમ્બર ૧૫, ૨૦૦૬, ચોકીબુરજ (અંગ્રેજી), પાન ૩૦ ઉપર આપેલો આ લેખ જુઓ: “વાચકો તરફથી પ્રશ્નો.”