સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

શું તમે યહોવા જેવું વિચારો છો?

શું તમે યહોવા જેવું વિચારો છો?

“પોતાના વિચારોમાં ફેરફાર કરો.”—રોમ. ૧૨:૨.

ગીતો: ૩૪, ૪૩

૧, ૨. યહોવા સાથેનો સંબંધ મજબૂત થતો ગયો તેમ આપણે શું શીખ્યા? દાખલો આપો.

ધારો કે, કોઈ વ્યક્તિ એક નાના બાળકને ભેટ આપે છે. બાળકનાં મમ્મી-પપ્પા તેને કહે છે, ‘થેંક્યું કહે, બેટા.’ તે એમ કરે છે. મમ્મી-પપ્પાએ કહ્યું હોવાથી એમ કરે છે. બાળક મોટું થાય છે તેમ તેને મમ્મી-પપ્પાની એ વાત સમજાય છે. તેને ખ્યાલ આવે છે કે બીજાઓ આપણા માટે કંઈક કરે ત્યારે આભાર માનવો જોઈએ. હવે તે જાતે જ બીજાઓને થેંક્યું કહે છે.

આપણા વિશે પણ એવું જ છે. યહોવા વિશે શીખવાનું શરૂ કર્યું ત્યારે, આપણને ખબર પડી કે તેમની આજ્ઞાઓ પાળવી ઘણી મહત્ત્વની છે. યહોવા સાથેનો સંબંધ મજબૂત થતો ગયો તેમ તેમના વિચારો આપણે સમજવા લાગ્યા. જેમ કે, તેમને શું ગમે છે, શું નથી ગમતું અને તે બાબતોને કઈ રીતે જુએ છે. આપણે યહોવાના વિચારોને પોતાના વિચારો બનાવી શકીએ છીએ. આપણાં નિર્ણયો, પસંદગી અને કાર્યો યહોવાના વિચારો પ્રમાણે હોવા જોઈએ. એમ કરીશું તો આપણે યહોવાની જેમ વિચારી શકીશું.

૩. યહોવાની જેમ વિચારવું આપણને કેમ અમુક વાર અઘરું લાગે છે?

યહોવાની જેમ વિચારતા શીખવું આપણને બધાને ગમે છે. પણ, આપણામાં પાપની અસર હોવાથી કેટલીક વાર એમ કરવું અઘરું હોય છે. અમુક બાબતોમાં યહોવાના વિચારો આપણે સારી રીતે જાણીએ છીએ. જેમ કે, સેક્સને લગતાં ગંદાં કામ, માલમિલકત, પ્રચારકામ અને લોહીનો ખોટો ઉપયોગ. પણ યહોવા કેમ એવું વિચારે છે એ આપણે અમુક વાર સમજી શકતા નથી. યહોવાની જેમ વિચારવાનું કઈ રીતે શીખી શકીએ? એમ કરીશું તો હમણાં અને ભાવિમાં સારા નિર્ણયો લેવા કઈ રીતે મદદ મળશે?

યહોવા જેવા વિચારો કેળવવા શું કરવું જોઈએ?

૪. પોતાના વિચારો બદલવા એટલે શું?

રોમનો ૧૨:૨ વાંચો. પ્રેરિત પાઊલે રોમનાં ભાઈ-બહેનોને જણાવ્યું કે યહોવાની જેમ બાબતોને જોવી જોઈએ. સાથે સાથે એ પણ જણાવ્યું કે એવું કઈ રીતે કરી શકાય. તેમણે કહ્યું કે પોતાના પર “આ દુનિયાની અસર” પડવા દેશો નહિ. આગલા લેખમાં જોઈ ગયા તેમ, આપણે ધ્યાન રાખવું જોઈએ કે દુનિયાનાં વિચારો અને વાણી-વર્તનના રંગે રંગાઈએ નહિ. પાઊલે એ પણ જણાવ્યું કે આપણે પોતાના વિચારો બદલવા જોઈએ. એટલે કે, આપણે બાઇબલનો અભ્યાસ કરવો જોઈએ અને યહોવાના વિચારો પર મનન કરવું જોઈએ. તેમના વિચારો સમજવા અને બાબતોને તેમની નજરે જોવા સખત મહેનત કરવી જોઈએ.

૫. અભ્યાસ કરવો એટલે શું?

અભ્યાસ કરવો એટલે શું? એનો અર્થ ફક્ત એ નથી કે, આપેલી માહિતી ફટાફટ વાંચી જવી અથવા સવાલોના જવાબ નીચે લીટી દોરવી. આપણે વિચાર કરવો જોઈએ કે એ માહિતી યહોવા વિશે શું શીખવે છે. ઉપરાંત, ધ્યાન આપવું જોઈએ કે યહોવા કઈ રીતે વિચારે છે અને પગલાં ભરે છે. યહોવા આપણને અમુક બાબતો કરવાનું કહે છે અને અમુક બાબતો કરવાની મના કરે છે. એનું કારણ સમજવાની આપણે કોશિશ કરવી જોઈએ. એ પણ ધ્યાન આપવું જોઈએ કે આપણાં વિચારો અને કાર્યોમાં કેવા ફેરફારો કરવાની જરૂર છે. શીખેલી વાતોને લાગુ પાડવા શું કરવાની જરૂર છે. અભ્યાસમાં દર વખત ઉપર જણાવેલા બધા મુદ્દાઓ પર મનન કરવું શક્ય હોતું નથી. તેમ છતાં, આપણે મનન કરવા સમય કાઢવો જોઈએ. કદાચ અભ્યાસનો અડધો સમય આપણે મનન કરવા કાઢી શકીએ.—ગીત. ૧૧૯:૯૭; ૧ તિમો. ૪:૧૫.

૬. બાઇબલ પર મનન કરવાથી આપણા પર કેવી અસર પડે છે?

બાઇબલ વાંચીએ ત્યારે, એના પર નિયમિત મનન કરવાથી આપણા પર સારી અસર પડે છે. આપણને ખાતરી થાય છે કે યહોવાના વિચારો ખરા છે. મનનથી આપણે સમજી શકીએ છીએ કે યહોવા કઈ રીતે વિચારે છે. આપણને ખબર પડે છે કે યહોવાના વિચારો યોગ્ય છે. એટલે આપણે પોતાના વિચારો બદલીએ છીએ. છેવટે, આપણે પણ યહોવાની જેમ વિચારવા લાગીએ છીએ.

જેવા આપણા વિચારો, એવાં આપણાં કાર્યો

૭, ૮. (ક) માલમિલકત અને પૈસા વિશે યહોવાના વિચારો કેવા છે? (શરૂઆતનું ચિત્ર જુઓ.) (ખ) આપણા જીવનમાં સૌથી મહત્ત્વનું શું હોવું જોઈએ?

આપણા વિચારોની આપણાં કાર્યો પર અસર પડે છે. (માર્ક ૭:૨૧-૨૩; યાકૂ. ૨:૧૭) એ સમજવા ચાલો અમુક દાખલા જોઈએ. ઈસુના જન્મનો અહેવાલ તપાસીએ. એનાથી જાણવા મળશે કે માલમિલકત વિશે યહોવાના વિચારો કેવા છે. યુસફ અને મરિયમ પાસે ઘણા પૈસા ન હતા. તોપણ યહોવાએ પોતાના દીકરાના ઉછેર માટે તેઓને પસંદ કર્યાં. (લેવી. ૧૨:૮; લુક ૨:૨૪) ઈસુ જન્મ્યા ત્યારે મરિયમે તેમને ‘ગભાણમાં સુવડાવ્યા, કેમ કે ધર્મશાળામાં તેઓ માટે જગ્યા ન હતી.’ (લુક ૨:૭) જો યહોવાએ ચાહ્યું હોત, તો ઈસુનો જન્મ સારી જગ્યાએ થાય, એવી ગોઠવણ કરી શક્યા હોત. યુસફ અને મરિયમે ઈશ્વરની ભક્તિને જીવનમાં પ્રથમ સ્થાને રાખી હતી, યહોવાની ઇચ્છા હતી કે ઈસુનો જન્મ એવા કુટુંબમાં થાય. યહોવા માટે એ સૌથી મહત્ત્વનું હતું.

આ અહેવાલમાંથી શીખવા મળે છે કે યહોવા માલમિલકત અને પૈસાને કઈ નજરે જુએ છે. કેટલાંક માબાપને લાગે છે કે પોતાનાં બાળકો પાસે સારામાં સારી ચીજ-વસ્તુઓ હોવી જોઈએ, પછી ભલે યહોવા સાથેનો સંબંધ નબળો પડે. આપણા જીવનમાં તો યહોવા સાથેનો સંબંધ સૌથી મહત્ત્વનો હોવો જોઈએ. યહોવા માલમિલકતને જે રીતે જુએ છે, શું તમે પણ એ રીતે જુઓ છો? તમારાં કાર્યોથી શું દેખાય આવે છે?—હિબ્રૂઓ ૧૩:૫ વાંચો.

૯, ૧૦. બીજાઓની શ્રદ્ધાને કમજોર પાડી દેતા કામ વિશે આપણે કઈ રીતે યહોવા જેવું વિચારી શકીએ?

બીજો દાખલો જોઈએ. જેઓ બીજાઓની શ્રદ્ધા નબળી પાડી દે છે, તેઓ વિશે યહોવા શું વિચારે છે. એવા લોકોને લીધે કેટલાંક ઈશ્વરભક્તો પાપ કરી બેસે છે અથવા યહોવાની ભક્તિ છોડી દે છે. ઈસુએ કહ્યું: “જે કોઈ શ્રદ્ધા રાખનારા આ નાનાઓમાંથી એકને ઠોકર ખવડાવે છે, તેના માટે એ વધારે સારું થશે કે, તેને ગળે ઘંટીનો મોટો પથ્થર બાંધીને દરિયામાં નાખવામાં આવે.” (માર્ક ૯:૪૨) ઈસુએ જણાવ્યું કે, બીજાઓની શ્રદ્ધા કમજોર કરનારની કેવી હાલત થવી જોઈએ. ઈસુ તેમના પિતાની જેમ વિચારતા હતા. એટલે આપણે જાણીએ છીએ કે એ વિશે યહોવા શું વિચારે છે. બીજાઓની શ્રદ્ધા કમજોર થાય એવાં કામને યહોવા સામાન્ય ગણી લેતા નથી.—યોહા. ૧૪:૯.

૧૦ શું એ વિશે આપણા વિચારો પણ યહોવા અને ઈસુ જેવા છે? આપણાં કાર્યો કેવાં છે? દાખલા તરીકે, આપણને અમુક પ્રકારના કપડાં કે શણગાર ગમતા હોય. પણ, જો આપણે જાણતા હોઈએ કે, એનાથી મંડળમાં કોઈ ઠોકર ખાશે, નારાજ થશે અથવા કોઈના મનમાં ખોટાં વિચારો આવશે તો આપણે શું કરીશું? ભાઈ-બહેનોને પ્રેમ કરતા હોવાથી આપણે એવાં કપડાં કે શણગાર ટાળીશું.—૧ તિમો. ૨:૯, ૧૦.

૧૧, ૧૨. ખરાબ કામો વિશે યહોવા જેવા વિચારો કેળવવાથી કઈ રીતે આપણું રક્ષણ થાય છે?

૧૧ યહોવાના વિચારો જાણવા ત્રીજો દાખલો જોઈએ. યહોવા દુષ્ટતાને ધિક્કારે છે. (યશા. ૬૧:૮) તે જાણે છે કે આપણામાં પાપની અસર છે. એટલે, કેટલીક વાર સારાં કામ કરવા સહેલું હોતું નથી. તોપણ, યહોવા ચાહે છે કે આપણે તેમના જેવા વિચારો કેળવીએ અને ખરાબ બાબતોને ધિક્કારીએ. (ગીતશાસ્ત્ર ૯૭:૧૦ વાંચો. *) યહોવાને શા માટે ખરાબ બાબતો પસંદ નથી, એ વિશે આપણે વિચાર કરવો જોઈએ. એમ કરવાથી આપણને તેમના જેવા વિચારો કેળવવા મદદ મળશે. વધુમાં, તેમને પસંદ નથી એવાં કામોથી દૂર રહેવા હિંમત મળશે.

૧૨ આપણે ખરાબ બાબતોને ધિક્કારવી જોઈએ. એમ કરવાનું શીખીશું તો આપણું જ રક્ષણ થશે. આપણે જાણી શકીશું કે કેટલાંક કામો ખરાબ છે, ભલે એના વિશે બાઇબલમાં જણાવ્યું ન હોય. દાખલા તરીકે, કેટલાક અશ્લીલ ડાન્સને આજની દુનિયામાં સાવ સામાન્ય ગણવામાં આવે છે. કેટલાકને લાગે છે કે એમાં જાતીય સંબંધ બાંધવામાં આવતો નથી, એટલે એમ કરવામાં કંઈ ખોટું નથી. * શું યહોવા પણ એવું વિચારે છે? આપણે ભૂલીએ નહિ, યહોવા દરેક ખરાબ કામને નફરત કરે છે. આપણે એવાં કામોથી દૂર રહેવું જોઈએ. આપણે પોતાને કાબૂમાં રાખતા શીખવું જોઈએ. જેને યહોવા ધિક્કારે છે, તેને આપણે પણ ધિક્કારવું જોઈએ.—રોમ. ૧૨:૯.

હમણાં વિચારવાથી ભાવિમાં સારા નિર્ણયો લઈ શકશો

૧૩. યહોવાના વિચારો જાણવાથી ભાવિમાં સારા નિર્ણયો લેવા કેવી મદદ મળશે?

૧૩ અભ્યાસ કરીએ ત્યારે ધ્યાન આપીએ કે યહોવા કઈ રીતે વિચારે છે. એમ કરીશું તો આપણને ભાવિમાં સારા નિર્ણયો લેવા મદદ મળશે. કોઈક વાર એવા સંજોગો ઊભા થાય કે તરત જ નિર્ણય લેવો પડે. એવા સમયે આપણે તૈયાર રહી શકીશું અને શું કરવું એ જાણતા હોઈશું. (નીતિ. ૨૨:૩) એ વિશે બાઇબલના કેટલાક દાખલા જોઈએ.

૧૪. યુસફના દાખલામાંથી આપણે શું શીખી શકીએ?

૧૪ પોટીફારની પત્ની યુસફને પ્રેમજાળમાં ફસાવવા માંગતી હતી. અરે, તેની સાથે સુવા માંગતી હતી. યુસફે ઘસીને ના પાડી દીધી. એવું તે કઈ રીતે કરી શક્યા? લગ્નસાથીને વફાદાર રહેવા વિશેના યહોવાના વિચારો પર તેમણે મનન કર્યું હશે. (ઉત્પત્તિ ૩૯:૮, ૯ વાંચો.) યુસફે પોટીફારની પત્નીને કહ્યું, ‘એવું ખોટું કામ કરીને, હું ઈશ્વરનો ગુનેગાર કેમ થાઉં?’ આ બતાવે છે કે યુસફે યહોવાના વિચારોને પોતાના બનાવ્યા હતા. આપણા વિશે શું? આપણી સાથે કામ કરનાર વ્યક્તિ ચેનચાળા કરે ત્યારે શું કરીશું? ફોનમાં ગંદાં મેસેજ કે ફોટા આવે તો શું કરીશું? * એ વિશે અગાઉથી યહોવાનાં ધોરણો જાણીને બરાબર સમજવા જોઈએ. એવા સંજોગોમાં શું કરીશું એ પહેલેથી નક્કી કરવું જોઈએ. જો અગાઉથી એમ કર્યું હશે તો યહોવાને વફાદાર રહી શકીશું.

૧૫. ત્રણ યુવાનોની જેમ આપણે કઈ રીતે યહોવાને વફાદાર રહી શકીએ?

૧૫ શાદ્રાખ, મેશાખ અને અબેદ-નગોનો વિચાર કરો. નબૂખાદનેસ્સાર રાજાએ એક મૂર્તિ આગળ નમવાનો હુકમ બહાર પાડ્યો. એ ત્રણ યુવાનોએ ચોખ્ખી ના પાડી દીધી. તેઓનો જવાબ આપણને શું કહી જાય છે? એ જ કે, યહોવાને વફાદાર રહેવા વિશે તેઓએ પહેલેથી વિચારી રાખ્યું હતું. (નિર્ગ. ૨૦:૪, ૫; દાની. ૩:૪-૬, ૧૨, ૧૬-૧૮) આપણે પણ એમ જ કરવું જોઈએ. ધારો કે, બોસ આપણને ધર્મને લગતી ઉજવણી માટે પૈસા આપવાનું કહે છે. એવા સંજોગોમાં આપણે શું કરીશું? એમ ન માની લેવું જોઈએ કે, ‘એવા સંજોગો આવશે ત્યારે જોઈ લઈશું.’ એ વિશે યહોવા શું વિચારે છે, એનો હમણાં જ વિચાર કરવો જોઈએ. જો ભાવિમાં આપણે એવા સંજોગોમાં આવી પડીએ, તો ખબર હશે કે શું કહેવું અને શું કરવું. આમ, આપણે એ ત્રણ યુવાનોની જેમ યહોવાને વફાદાર રહી શકીશું.

શું તમે તબિયત વિશે વધારે જાણકારી મેળવી છે, દસ્તાવેજ તૈયાર કર્યો છે અને ડોક્ટર સાથે વાત કરી છે? (ફકરો ૧૬ જુઓ)

૧૬. યહોવા જેવા વિચારો કેળવ્યા હશે તો તબિયતને લગતી મુશ્કેલીમાં કેવી મદદ મળશે?

૧૬ યહોવા જેવા વિચારો કેળવ્યા હશે તો, તબિયતને લગતી મુશ્કેલીઓ આવે ત્યારે પણ મદદ મળશે. એક વાત તો ચોક્કસ છે, આપણે લોહી કે લોહીના ચાર મુખ્ય ભાગ લેતા નથી. (પ્રે.કા. ૧૫:૨૮, ૨૯) પણ, લોહી વિશે કેટલીક સારવાર એવી છે, જેમાં બાઇબલને આધારે વ્યક્તિએ પોતે નિર્ણય લેવાનો હોય છે. એ નિર્ણય ક્યારે લેવો જોઈએ? હોસ્પિટલમાં કણસતા હોઈએ કે જલદી નિર્ણય લેવાનું દબાણ હોય ત્યારે? ના, આપણે હમણાં જ એ વિશે માહિતી ભેગી કરવી જોઈએ. આપણી ઇચ્છા શું છે, એ જણાવતો દસ્તાવેજ (અથવા લોહી વિશે તમારો નિર્ણય જણાવતું કાર્ડ) હમણાં તૈયાર કરવો જોઈએ. એ વિશે ડોક્ટર સાથે વાત કરવી જોઈએ. *

૧૭-૧૯. યહોવાની જેમ વિચારવાનું હમણાં શા માટે શીખવું જોઈએ? દાખલો આપો.

૧૭ એક વાર પીતરે ઈસુને ખોટી સલાહ આપી હતી: “પોતાના પર દયા કરો, પ્રભુ.” જવાબમાં ઈસુએ જે કહ્યું એનાથી જોવા મળે છે કે તેમણે ઘણી વાતો પર મનન કર્યું હતું. જેમ કે, ઈશ્વર તેમની પાસેથી શું ઇચ્છે છે અને તેમના જીવન-મરણને લગતી ભવિષ્યવાણીઓ. એના પર મનન કરવાથી તેમને હિંમત મળી હશે. એટલે, તે યહોવાને વફાદાર રહી શક્યા અને આપણા માટે જીવન કુરબાન કરી શક્યા.—માથ્થી ૧૬:૨૧-૨૩ વાંચો.

૧૮ યહોવા ચાહે છે કે આપણે તેમની સાથેનો સંબંધ મજબૂત કરીએ. ખુશખબર ફેલાવવા બનતું બધું કરીએ. (માથ. ૬:૩૩; ૨૮:૧૯, ૨૦; યાકૂ. ૪:૮) પીતરનો ઇરાદો સારો હતો પણ સલાહ યોગ્ય ન હતી. એવી જ રીતે, કેટલાંક લોકોનો હેતુ સારો હોય, પણ તેઓ આપણને ખુશખબર ફેલાવવાના કામમાં નિરાશ કરી શકે. દાખલા તરીકે, બોસ તમને સારી નોકરીની ઑફર કરે છે. બદલામાં તમને ઢગલો પૈસા મળશે, પણ તમારો સમય જતો રહેશે. સભામાં જવાનો કે મંડળ સાથે પ્રચાર કરવાનો તમારી પાસે સમય નહિ હોય. આવી ઑફર આવે ત્યારે તમે શું કરશો? બીજો દાખલો લો. તમે સ્કૂલમાં ભણો છો. તમને આગળ ભણવાની તક મળે છે. પણ, એ માટે તમારે ઘર છોડવું પડશે. એવા સંજોગોમાં તમે શું કરશો? શું તમે એ સમયે વિચારવા બેસશો? શું તમે એ સમયે પ્રાર્થના કરશો અને આપણા સાહિત્યમાંથી માહિતી મેળવશો? એ સમયે કુટુંબના સભ્યો કે વડીલો સાથે વાત કરીને નિર્ણય લેશો? ના, એ વિશે હમણાં જ જાણી લો. યહોવાના વિચારો પર મનન કરો. એ વિચારોને પોતાના બનાવી લો. એમ કરશો તો ગમે તેવા સંજોગોમાં પણ તમે જરાય લલચાશો નહિ. યહોવાની ભક્તિમાં મજબૂત રહેવા અગાઉથી નક્કી કર્યું હોવાથી, તમને ખબર હશે કે શું કરવું જોઈએ.

૧૯ બીજા સંજોગો વિશે પણ વિચારી રાખો, જેમાં તમારી વફાદારીની પરીક્ષા થઈ શકે. એવા દરેકે દરેક સંજોગો વિશે વિચારવું તો શક્ય નથી. એટલે, જાતે અભ્યાસ કરતા હોઈએ ત્યારે યહોવા જેવા વિચારો કેળવવા મનન કરીએ. એમ કરીશું તો શીખેલી વાતો યાદ રહેશે અને કોઈ પણ સંજોગોમાં સારો નિર્ણય લઈ શકીશું. અભ્યાસ કરીએ ત્યારે વિચારીએ કે એ માહિતીમાંથી યહોવા વિશે શું શીખવા મળે છે. તે કેવું વિચારે છે, આપણે એવા વિચારો કઈ રીતે કેળવી શકીએ. એમ પણ વિચારીએ કે હમણાં અને ભાવિમાં સારા નિર્ણયો લેવા એ કઈ રીતે મદદ કરશે.

યહોવાના વિચારો પ્રમાણે ચાલવાથી ભાવિમાં આશીર્વાદો મળશે

૨૦, ૨૧. (ક) નવી દુનિયામાં આપણી પાસે કેવી આઝાદી હશે? (ખ) આપણે હમણાં કઈ રીતે ખુશ રહી શકીએ?

૨૦ આપણે નવી દુનિયાની કાગડોળે રાહ જોઈ રહ્યા છીએ. મોટા ભાગના લોકોને સુંદર પૃથ્વી પર હંમેશ માટે જીવવું છે. ઈશ્વરના રાજ્યમાં આપણને દુઃખ-તકલીફોથી આઝાદી મળશે. આપણી ઇચ્છા પ્રમાણે પસંદગી કરવાની આઝાદી હશે.

૨૧ એવું પણ નથી કે નવી દુનિયામાં આપણે મનફાવે એમ કરી શકીશું. આઝાદીની એક હદ હશે. નમ્ર લોકો યહોવાના નિયમો અને વિચારો પ્રમાણે સાચું-ખોટું પસંદ કરશે. પરિણામે, તેઓ પુષ્કળ સુખ-શાંતિમાં રહેશે. (ગીત. ૩૭:૧૧) એ સમય આવે ત્યાં સુધી આપણે ખુશ રહી શકીએ છીએ. એ માટે ચાલો આપણે યહોવાના વિચારોને પોતાના વિચારો બનાવીએ.

^ ફકરો. 11 ગીતશાસ્ત્ર ૯૭:૧૦ (IBSI): ‘યહોવાને પ્રેમ કરનારાઓ, તમે દુષ્ટતાને ધિક્કારો. તે પોતાનાં વફાદાર ભક્તોના જીવનનું રક્ષણ કરે છે અને તેઓને દુષ્ટોના હાથમાંથી બચાવે છે.’

^ ફકરો. 12 લેપ ડાન્સ એવો જ એક ડાન્સ છે. એમાં ડાન્સરે ખૂબ ઓછાં કપડાં પહેર્યાં હોય છે. તે ડાન્સ કરતાં કરતાં ગ્રાહકના ખોળામાં (લેપમાં) બેસીને જાતીય ચેનચાળા કરે છે. આને વ્યભિચાર ગણી શકાય અને વડીલોએ ન્યાય સમિતિની ગોઠવણ કરવી પડી શકે. પણ એ પહેલાં બધી હકીકતો તપાસવી પડે. એવો ડાન્સ કરનારે કે માણનારે વડીલોની મદદ લેવી જોઈએ.—યાકૂ. ૫:૧૪, ૧૫.

^ ફકરો. 14 જાતીય રીતે ઉશ્કેરે એવા મેસેજ, ફોટા કે વીડિયો મોકલવાને સેક્સટીંગ કહે છે, જે માટે મોબાઇલનો ઉપયોગ થાય છે. એવા સંજોગોમાં બધી હકીકતો તપાસીને વડીલોએ ન્યાય સમિતિની ગોઠવણ કરવી પડી શકે. કેટલાક કિસ્સાઓમાં કાયદો આવા કામમાં સંડોવાયેલા તરુણને જાતીય ગુનો કરનાર (સેક્સ ઑફેન્ડર) ગણે છે. વધુ માહિતી માટે www.pr418.com પર જઈને આ લેખ જુઓ: “વોટ શુડ આઈ નો અબાઉટ સેક્સટીંગ?” (BIBLE TEACHINGS > TEENAGERS વિભાગ જુઓ.) અથવા જાન્યુઆરી ૨૦૧૪ સજાગ બનો! પાન ૪-૫ ઉપર આપેલો આ લેખ જુઓ: “તમારા તરુણો સાથે સેક્સટીંગ વિશે કેવી રીતે વાત કરશો?”

^ ફકરો. 16 બાઇબલ સિદ્ધાંતો વિશે વધુ માહિતી માટે ઈશ્વરના પ્રેમની છાયામાં રહો પુસ્તકના પાન ૨૪૬-૨૪૯ જુઓ.