સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

તમારા વિચારો પર કોની અસર થાય છે?

તમારા વિચારો પર કોની અસર થાય છે?

“આ દુનિયાની અસર પોતાના પર થવા દેશો નહિ.”—રોમ. ૧૨:૨.

ગીતો: ૧૧, ૨૨

૧, ૨. (ક) ઈસુએ પીતરને કેવો જવાબ આપ્યો? (શરૂઆતનું ચિત્ર જુઓ.) (ખ) ઈસુએ શા માટે એવું કહ્યું?

ઈસુની વાત સાંભળીને શિષ્યોને આઘાત લાગ્યો હતો! ઈસુએ કહ્યું હતું, જલદી જ પોતાના પર દુઃખો આવી પડશે અને તે મરણ પામશે. શિષ્યોને તો લાગતું હતું કે ઈસુ ઇઝરાયેલનું રાજ્ય ફરી સ્થાપશે. ઈસુની વાત સાંભળીને પ્રેરિત પીતર બોલ્યા: “પોતાના પર દયા કરો પ્રભુ, તમને એવું કંઈ પણ નહિ થાય.” ઈસુએ જવાબ આપ્યો: ‘મારી પાછળ જા, શેતાન! તું મને ઠોકર ખવડાવે છે, કેમ કે તું ઈશ્વરના વિચારો પર નહિ, પણ માણસોના વિચારો પર મન લગાડે છે.’—માથ. ૧૬:૨૧-૨૩; પ્રે.કા. ૧:૬.

ઈસુએ સાફ જણાવ્યું કે યહોવાના વિચારોમાં અને શેતાનની દુનિયાના વિચારોમાં આભ-જમીનનો ફરક છે. (૧ યોહા. ૫:૧૯) પીતર ચાહતા હતા કે ઈસુ પણ દુનિયાના લોકોની જેમ સ્વાર્થી બનીને પોતાનો જ વિચાર કરે. પણ, ઈસુ યહોવાના વિચારો સારી રીતે જાણતા હતા. યહોવા ચાહતા હતા કે આવનાર દુઃખ અને મરણ માટે ઈસુ પોતાને તૈયાર કરે. એ બતાવી આપે છે કે, ઈસુ દુનિયાના વિચારો પ્રમાણે નહિ, પણ યહોવાના વિચારો પ્રમાણે ચાલવા માંગતા હતા.

૩. યહોવાની જેમ વિચારવું શા માટે અઘરું છે?

આપણા વિચારો કેવા છે? યહોવા જેવા કે દુનિયાના લોકો જેવા? ઈશ્વરભક્તો તરીકે યહોવાને ખુશ કરવા આપણે બનતા બધા જ પ્રયત્નો કરીએ છીએ. પણ, આપણા વિચારો વિશે શું? શું આપણે યહોવા જેવું વિચારવા એટલે કે બાબતોને યહોવાની નજરે જોવા પૂરો પ્રયત્ન કરીએ છીએ? એમ કરવું મહેનત માંગી લે છે. દુનિયાના લોકોની જેમ વિચારવું સહેલું છે. કારણ કે, આપણે આ દુનિયામાં જીવીએ છીએ. (એફે. ૨:૨) દુનિયાના લોકો અવારનવાર આપણને ફક્ત પોતાનો જ વિચાર કરવા લલચાવે છે. એટલે કદાચ આપણે તેઓની વાતોમાં આવી જઈએ. દુનિયાના લોકોની જેમ વિચારવું ઘણું સહેલું છે. જ્યારે કે યહોવાની જેમ વિચારવું ઘણું અઘરું છે.

૪. (ક) આપણા પર દુનિયાના વિચારોની અસર થવા દઈશું તો શું થશે? (ખ) આ લેખમાં આપણે શાની ચર્ચા કરીશું?

જો આપણે દુનિયાના રંગે રંગાઈ જઈશું, તો સ્વાર્થી બની જઈશું. આપણે જાતે જ ખરું-ખોટું નક્કી કરવા લાગીશું. (માર્ક ૭:૨૧, ૨૨) એટલે જરૂરી છે કે, આપણે “માણસોના વિચારો” પર નહિ પણ, “ઈશ્વરના વિચારો” પર મન લગાડીએ. એ પ્રમાણે વિચારવાનું શીખીએ. એ માટે આ લેખ આપણને મદદ કરશે. આપણે એ પણ જોઈશું કે, શા માટે બાબતોને યહોવાની નજરે જોવી જોઈએ. આપણે શીખીશું કે એમ કરવાથી આપણા હાથ બંધાઈ જતા નથી, પણ આપણને જ ફાયદો થાય છે. આપણે એ પણ ચર્ચા કરીશું કે આપણા વિચારો પર દુનિયાની અસર થતા કઈ રીતે રોકી શકાય. આવતા લેખમાં આપણે શીખીશું કે, બાબતોને યહોવાની નજરે કઈ રીતે જોઈ શકીએ. તેમજ એ પણ શીખીશું કે, યહોવાની જેમ વિચારવા શું કરવું જોઈએ.

યહોવા જેવા વિચારો કેળવવાથી આપણું ભલું થાય છે

૫. અમુક લોકોને શું નથી ગમતું?

પોતાના વિચારો પર બીજા કોઈની અસર પડે, એવું અમુક લોકોને ગમતું નથી. તેઓ કહે છે કે, ‘હું મારું જોઈ લઈશ.’ તેઓ માને છે કે, તેઓ જાતે નિર્ણય લઈ શકે છે, એ તેઓનો હક છે. તેઓ બીજાઓના ઇશારે નાચવા માંગતા નથી. અથવા તેઓ બીજાઓ જેવા બનવા માંગતા નથી. *

૬. (ક) યહોવા આપણને કેવી આઝાદી આપે છે? (ખ) શું આપણી પાસે પૂરેપૂરી આઝાદી છે?

દરેક બાબતને યહોવાની નજરે જોવી જોઈએ. એનો અર્થ એવો નથી કે આપણા પોતાના કોઈ વિચારો જ ન હોય. બીજો કોરીંથીઓ ૩:૧૭માં લખ્યું છે: “જ્યાં યહોવાની પવિત્ર શક્તિ છે, ત્યાં આઝાદી છે.” યહોવાએ આપણને આઝાદી આપી છે. કેવી વ્યક્તિ બનીશું, એ આપણે જાતે નક્કી કરી શકીએ છીએ. આપણે મનગમતી બાબતો કરી શકીએ છીએ. યહોવાએ આપણને એ રીતે જ ઘડ્યા છે. પણ, એનો અર્થ એવો નથી કે આપણી પાસે પૂરેપૂરી આઝાદી છે, આપણે મનફાવે એ કરી શકીએ છીએ. (૧ પીતર ૨:૧૬ વાંચો.) ખરું-ખોટું પારખવાની વાત આવે ત્યારે, યહોવા ઇચ્છે છે કે આપણે બાઇબલના આધારે નિર્ણય લઈએ. શું એમ કરવાથી આપણા હાથ બંધાઈ જાય છે કે પછી આપણને ફાયદો થાય છે?

૭, ૮. યહોવા જેવા વિચારો કેળવવાથી શું આપણી આઝાદી છીનવાઈ જાય છે? દાખલો આપો.

ચાલો એક દાખલો જોઈએ. માબાપ બાળકોને સારા સંસ્કાર આપવાના પ્રયત્નો કરે છે. તેઓ બાળકોને પ્રમાણિક, મહેનતુ અને બીજાઓની સંભાળ રાખનાર બનવાનું શીખવે છે. એનાથી બાળકોના હાથ બંધાઈ જતા નથી. એટલે કે, તેઓની આઝાદી છીનવાઈ જતી નથી. તેઓ તો માબાપની મદદથી જીવનમાં આગળ વધી શકે છે. બાળકો મોટા થયા પછી પોતે નિર્ણય લે છે. જો તેઓ માબાપે શીખવેલા સંસ્કારો પ્રમાણે જીવશે, તો સારા નિર્ણયો લઈ શકશે. પછીથી તેઓને અફસોસ નહિ થાય અને મુશ્કેલીઓ તથા ચિંતાઓ ટાળી શકશે.

માબાપ બાળકોનું ભલું ચાહે છે. એવી જ રીતે, યહોવા ચાહે છે કે આપણે સુખ-શાંતિમાં જીવીએ. (યશા. ૪૮:૧૭, ૧૮) સારા સંસ્કારો કેળવવા અને બીજાઓ સાથે સારી રીતે વર્તવા તેમણે આપણને સિદ્ધાંતો આપ્યા છે. યહોવા ચાહે છે કે આપણે બાબતોને તેમની નજરે જોઈએ અને તેમના સંસ્કારો પ્રમાણે જીવીએ. એનાથી આપણી આઝાદી છીનવાઈ જતી નથી. એનાથી તો આપણે બાબતોને યોગ્ય રીતે તપાસી શકીએ છીએ. (ગીત. ૯૨:૫; નીતિ. ૨:૧-૫; યશા. ૫૫:૯) એમ કરીશું તો, આપણે પોતાની પસંદગી પ્રમાણે સારા નિર્ણયો લઈ શકીશું. આમ, આપણું જીવન ખુશીઓથી ભરાઈ જશે. (ગીત. ૧:૨, ૩) યહોવા જેવા વિચારો કેળવવાથી જીવનમાં ડગલે ને પગલે ફાયદો થશે!

યહોવાના વિચારો ચઢિયાતા છે

૯, ૧૦. યહોવાના વિચારો કઈ રીતે ચઢિયાતા છે?

યહોવા જેવા વિચારો કેળવવાનું બીજું પણ એક કારણ છે. તેમના વિચારો દુનિયાના વિચારો કરતાં ચઢિયાતા છે. સારાં સંસ્કારો, સુખી કુટુંબ, સફળ કારકિર્દી અને જીવનનાં બીજાં પાસાંઓમાં દુનિયાના લોકો જુદી જુદી સલાહ આપે છે. એ સલાહો અને યહોવાના વિચારોમાં આભ-જમીનનો ફરક છે. જેમ કે, દુનિયા આપણને ફક્ત પોતાનો જ વિચાર કરવાની સલાહ આપે છે. આપણા મનમાં ઠસાવવામાં આવે છે કે વ્યભિચાર જેવાં કામો કરવામાં કંઈ ખોટું નથી. અમુક વાર દુનિયા પરણેલા લોકોને ફક્ત પોતાની જ ખુશીનો વિચાર કરવાનું જણાવે છે. એટલે નાનીસૂની વાતમાં અલગ થવાની કે છૂટાછેડા લેવાની સલાહ આપે છે. એ તો બાઇબલ જે શીખવે છે એનાથી સાવ અલગ છે. આજની દુનિયામાં બાઇબલની સલાહ પ્રમાણે જીવવામાં જ સમજદારી છે. ચાલો એ વિશે વધારે જોઈએ.

૧૦ ઈસુએ કહ્યું હતું કે, ‘સમજશક્તિ કાર્યોથી ખરી સાબિત થાય છે.’ (માથ. ૧૧:૧૯) આજે દુનિયા ટૅક્નોલૉજીમાં ઘણી આગળ વધી ગઈ છે. તેમ છતાં, યુદ્ધ, નાત-જાતનો ભેદભાવ અને ગુનાઓ જેવી મુશ્કેલીઓ તો ત્યાંની ત્યાં જ છે. એ બધી મુશ્કેલીઓ આપણી ખુશીઓની આડે આવે છે. દુનિયાની નજરે વ્યભિચારમાં કંઈ ખોટું નથી. પણ ઘણા લોકો સ્વીકારે છે કે એનાથી કુટુંબો બરબાદ થાય છે, બીમારીઓ થાય છે અને બીજાં ખરાબ પરિણામો ભોગવવાં પડે છે. યહોવાની સલાહ પાળવાથી કેવું પરિણામ આવે છે? એ સલાહ પાળનાર કુટુંબ સુખી થાય છે, તેઓ તંદુરસ્ત હોય છે અને યહોવાના ભક્તો સાથે હળીમળીને રહે છે. (યશા. ૨:૪; પ્રે.કા. ૧૦:૩૪, ૩૫; ૧ કોરીં. ૬:૯-૧૧) ખરેખર, યહોવાના વિચારો દુનિયાના વિચારો કરતાં ચઢિયાતા છે!

૧૧. મુસાએ કોના વિચારો અપનાવ્યા હતા અને તેમને કેવા આશીર્વાદો મળ્યા?

૧૧ પ્રાચીન સમયના વફાદાર ઈશ્વરભક્તો જાણતા હતા કે યહોવાના વિચારો ચઢિયાતા છે. દાખલા તરીકે, મુસાને “ઇજિપ્તનું સર્વ શિક્ષણ” આપવામાં આવ્યું હતું. પણ, તે જાણતા હતા કે ખરું શિક્ષણ યહોવા પાસેથી આવે છે. (પ્રે.કા. ૭:૨૨; ગીત. ૯૦:૧૨) તેમણે યહોવાને અરજ કરી કે, ‘મને તમારા માર્ગો જણાવો.’ (નિર્ગ. ૩૩:૧૩) યહોવાએ મુસાને વિચારો બદલવા મદદ કરી. એટલે મુસાએ યહોવાના વિચારો અપનાવ્યા. તેથી, યહોવાએ પોતાનો હેતુ પૂરો કરવા તેમનો ઉપયોગ કર્યો. મુસાએ બતાવેલી અડગ શ્રદ્ધાને લીધે યહોવાએ તેમનું નામ બાઇબલમાં લખાવ્યું છે.—હિબ્રૂ. ૧૧:૨૪-૨૭.

૧૨. પાઊલે શાના આધારે નિર્ણયો લીધા?

૧૨ પ્રેરિત પાઊલ ઘણા હોશિયાર અને ભણેલા-ગણેલા હતા. તેમને હિબ્રૂ અને ગ્રીક ભાષા સારી રીતે આવડતી હતી. (પ્રે.કા. ૫:૩૪; ૨૧:૩૭, ૩૯; ૨૨:૨, ૩) ખરું-ખોટું નક્કી કરવાનું હતું ત્યારે તેમણે શું કર્યું? તેમણે દુનિયાના જ્ઞાનને આધારે નહિ, પણ શાસ્ત્રને આધારે નિર્ણય લીધો. (પ્રેરિતોનાં કાર્યો ૧૭:૨; ૧ કોરીંથીઓ ૨:૬, ૭, ૧૩ વાંચો.) પરિણામે, તેમને ખુશખબર ફેલાવવાના કામમાં સફળતા મળી. એટલું જ નહિ, તેમને પાકી ખાતરી હતી કે, ભાવિમાં તેમને ઇનામ મળશે.—૨ તિમો. ૪:૮.

૧૩. યહોવા જેવા વિચારો કેળવવાની જવાબદારી કોની છે?

૧૩ સાફ જોવા મળે છે કે, ઈશ્વરના વિચારો દુનિયાના વિચારો કરતાં ઘણા ચઢિયાતા છે. યહોવાનાં ધોરણો પ્રમાણે ચાલીશું તો, આપણને ખરેખર સુખ-શાંતિ મળશે. યહોવા આપણા પર તેમના વિચારો થોપી બેસાડતા નથી, તેમના જેવું વિચારવા દબાણ કરતા નથી. “વિશ્વાસુ અને સમજુ ચાકર” કે વડીલો પણ એવું દબાણ કરતા નથી. (માથ. ૨૪:૪૫; ૨ કોરીં. ૧:૨૪) આપણે ઈશ્વર જેવા વિચારો કેળવવા જોઈએ. એ આપણી જવાબદારી છે. આપણે એવું કઈ રીતે કરી શકીએ?

તમારા વિચારોને દુનિયાના વિચારોથી ભ્રષ્ટ થવા ન દો

૧૪, ૧૫. (ક) યહોવાની જેમ વિચારવા આપણે શું કરવું જોઈએ? (ખ) આપણે શા માટે દુનિયાના વિચારોને આપણા મનમાં ઘર કરવા દેવા ન જોઈએ? દાખલો આપો.

૧૪ રોમનો ૧૨:૨ જણાવે છે: “આ દુનિયાની અસર પોતાના પર થવા દેશો નહિ, પણ પોતાના વિચારોમાં ફેરફાર કરો, જેથી તમે પોતે પારખી શકો કે ઈશ્વરની સારી, પસંદ પડે એવી અને સંપૂર્ણ ઇચ્છા શી છે.” સત્ય શીખ્યા પહેલાં આપણા વિચારો પર દુનિયાની અસર હતી. આ કલમ શીખવે છે કે આપણે એ વિચારો બદલીને ઈશ્વર જેવા વિચારો કેળવી શકીએ છીએ. અમુક બાબતો જન્મથી આપણામાં હોય છે. જીવનમાં આપણને ઘણા અનુભવો પણ થાય છે. એ બધાની અસર આપણા વિચારો પર પડે છે. એટલે આપણા વિચારો બદલાતા રહે છે. આપણું મન કે ધ્યાન જે બાબતોમાં હોય, એના આધારે વિચારો બદલાય છે. એટલે, જો આપણે યહોવાના વિચારો પર ધ્યાન આપીશું, મનન કરીશું, તો પારખી શકીશું કે તેમના વિચારો હંમેશાં ખરા હોય છે. પરિણામે, યહોવા જેવું વિચારે છે, એવું જ આપણે વિચારવા લાગીશું.

૧૫ યહોવા જેવું વિચારવા આપણે “આ દુનિયાની અસર પોતાના પર થવા” દેવી ન જોઈએ. એનો અર્થ થાય કે આપણે એવું કંઈ નહિ કરીએ, જે યહોવાના વિચારોની વિરુદ્ધ હોય. જેમ કે ઈશ્વરના વિચારો પ્રમાણે ન હોય એવાં વીડિયો, પુસ્તકો અને સંગીત. એનું મહત્ત્વ સમજવા ચાલો એક ઉદાહરણ જોઈએ. એક વ્યક્તિ તંદુરસ્ત રહેવા માંગે છે. એટલે તે સારો ખોરાક લે છે. પણ, જો તે આચર-કુચર ખાશે, તો તેની બધી મહેનત પર પાણી ફરી વળશે. એવી જ રીતે, જો આપણે દુનિયાના વિચારોને આપણા મનમાં ઘર કરવા દઈશું, તો યહોવા જેવા વિચારો કેળવવા કરેલી મહેનત પર પાણી ફરી વળશે.

૧૬. આપણે શાનાથી દૂર રહેવું જોઈએ?

૧૬ શું આપણે દુનિયાના વિચારોથી પૂરેપૂરા દૂર રહી શકીએ? ના, કેમ કે આપણે આ દુનિયામાં રહીએ છીએ. એટલે, એના વિચારોની થોડી ઘણી અસર તો થવાની. (૧ કોરીં. ૫:૯, ૧૦) ખુશખબર જણાવતા હોઈએ ત્યારે પણ ખોટી માન્યતાઓ અને ખોટા વિચારો આપણા કાને પડે છે. આપણે પૂરેપૂરી રીતે ખોટા વિચારોથી દૂર રહી શકતા નથી. પરંતુ, એનો અર્થ એ નથી કે આપણે એના વિશે વિચાર્યા જ કરીએ કે એને સાચા માની લઈએ. શેતાન એવા વિચારો આપણા મનમાં ઠસાવવા માંગે છે. પણ, ઈસુની જેમ આપણે તરત જ એને મનમાંથી કાઢી નાખવા જોઈએ. દુનિયાના વિચારોથી દૂર રહેવું જોઈએ અને આપણા મનની સંભાળ રાખવી જોઈએ.—નીતિવચનો ૪:૨૩ વાંચો.

૧૭. આપણે દુનિયાના વિચારોથી કઈ રીતે દૂર રહી શકીએ?

૧૭ આપણે દુનિયાના વિચારોથી દૂર રહેવું જોઈએ. દાખલા તરીકે, આપણે મિત્રોની પસંદગી કરતી વખતે ધ્યાન રાખવું જોઈએ. જેઓ યહોવાના ભક્ત નથી, તેઓ સાથે પાકી દોસ્તી ન કરવી જોઈએ. સંગ એવો રંગ! બાઇબલ ચેતવણી આપે છે કે, એવા મિત્રોની આપણા વિચારો પર અસર પડી શકે. (નીતિ. ૧૩:૨૦; ૧ કોરીં. ૧૫:૧૨, ૩૨, ૩૩) આપણે મનોરંજન વિશે પણ ધ્યાન રાખવું જોઈએ. અમુક મનોરંજનમાં ઉત્ક્રાંતિ વિશેના વિચારો જોવા મળે છે. તો અમુકમાં હિંસા અને વ્યભિચાર જોવા મળે છે. આપણે એ બધાથી દૂર રહેવું જોઈએ. એમ કરીને આપણે ઝેરી વિચારોથી બચી શકીશું, જે “ઈશ્વરના જ્ઞાનની વિરુદ્ધ” છે.—૨ કોરીં. ૧૦:૫.

શું તમે નુકસાન પહોંચાડે એવા મનોરંજનથી બાળકોને દૂર રાખો છો? (ફકરા ૧૮, ૧૯ જુઓ)

૧૮, ૧૯. (ક) દુનિયાના વિચારો છૂપી રીતે રજૂ કરવામાં આવે ત્યારે, શા માટે ખાસ ધ્યાન રાખવું જોઈએ? (ખ) આપણે પોતાને કયા સવાલો પૂછવા જોઈએ અને શા માટે?

૧૮ ઘણી વખત આપણી આગળ દુનિયાના વિચારો સીધેસીધા રજૂ કરવામાં આવતા નથી. આપણે એ પારખતા શીખવું જોઈએ અને એનાથી દૂર રહેવું જોઈએ. દાખલા તરીકે, અમુક સમાચારો એ રીતે રજૂ કરવામાં આવે છે, જેથી રાજકારણ વિશે લોકોના વિચારો બદલાય. બીજા અમુક સમાચારો દુનિયાની કારકિર્દી અને ખ્યાતિ મેળવવા ઉત્તેજન આપે છે. અમુક ફિલ્મો અને પુસ્તકોમાં આવા લોભામણા વિચારો જોવા મળે છે, ‘હું સૌથી પહેલો’ અને ‘પહેલા મારું કુટુંબ, પછી બીજું બધું.’ એને એ રીતે રજૂ કરવામાં આવે છે જાણે કે એમાં કંઈ ખોટું નથી. આવા વિચારો બાઇબલની સલાહ કરતાં અલગ છે. બાઇબલમાં જણાવ્યું છે કે જો આપણે યહોવાને સૌથી વધારે પ્રેમ કરીશું, તો આપણે અને આપણું કુટુંબ સુખી થશે. (માથ. ૨૨:૩૬-૩૯) ભલે બાળકો માટેની અમુક વાર્તાઓ, કાર્ટૂન અને મનોરંજનમાં કંઈ ખોટું લાગતું ન હોય. પણ, એનાથી બાળકોના મનમાં ખોટાં વિચારોનાં બી રોપાય છે.

૧૯ એનો અર્થ એવો નથી કે આપણે સારા મનોરંજનનો આનંદ ન માણી શકીએ. આપણે પોતાને પૂછવું જોઈએ: “મારી આગળ કોઈ બાબત રજૂ કરવામાં આવે ત્યારે, એમાં છુપાયેલા દુનિયાના ખોટા વિચારોને શું હું પારખી શકું છું? અમુક ટી.વી. પ્રોગ્રામો, વાર્તાઓ અને નોવેલથી શું હું પોતાને અને બાળકોને દૂર રાખું છું? શું હું મારાં બાળકોને યહોવા જેવા વિચારો કેળવવા મદદ કરું છું, જેથી દુનિયાના વિચારોથી તેઓનું રક્ષણ થાય?” આપણે યહોવાના વિચારો અને દુનિયાના વિચારો વચ્ચેનો ફરક પારખતા શીખવું જોઈએ. એમ કરીશું તો ‘આ દુનિયાની અસરથી’ બચી શકીશું.

તમારા વિચારો પર કોની અસર થઈ રહી છે?

૨૦. આપણા વિચારો પર શાની અસર પડે છે?

૨૦ યાદ રાખીએ કે આપણને મળતી માહિતી ક્યાં તો યહોવા તરફથી હોય છે, ક્યાં તો શેતાનની દુનિયા તરફથી. આપણે ક્યાંથી માહિતી મેળવીએ છીએ એ ઘણું મહત્ત્વનું છે, કેમ કે એની અસર આપણા વિચારો પર પડે છે. જો આપણે દુનિયાના વિચારો દિલમાં ઉતારીશું, તો આપણા વિચારો પણ એવા જ થઈ જશે. આપણે દુનિયાના લોકો જેવું વિચારવા લાગીશું અને તેઓનાં જેવાં કામો કરવા લાગીશું. આપણે ધ્યાનથી પસંદગી કરવી જોઈએ કે, શું જોઈશું, શું વાંચીશું, શું સાંભળીશું અને શું વિચારીશું.

૨૧. આવતા લેખમાં આપણે શાની ચર્ચા કરીશું?

૨૧ આ લેખમાં આપણે શીખી ગયા કે, બાબતોને યહોવાની નજરે જોવા ખરાબ અસરોથી દૂર રહેવું જોઈએ. આપણે યહોવાના વિચારો પર મનન પણ કરવું જોઈએ. એમ કરીશું તો, યહોવા જેવું વિચારી શકીશું. આપણે કઈ રીતે એમ કરી શકીએ? આવતા લેખમાં એ વિશે જોઈશું.

^ ફકરો. 5 ભલે વ્યક્તિને લાગતું હોય કે તે પોતાના વિચારો પ્રમાણે જીવે છે, પણ તેના પર બીજાઓની અસર તો પડે જ છે. દાખલા તરીકે, જીવનની શરૂઆત કઈ રીતે થઈ, એના જેવો મોટો વિષય. કે પછી, કપડાંની પસંદગી જેવી નાનકડી વાત. આપણા પર કોની અસર પડવા દઈશું, એ આપણે નક્કી કરવું જોઈએ.